#ગીતગુંજન
"મારે એનું નામ સુદ્ધાં સાંભળવું નથી. તું એની સાથે વાત કરવાની વાત ક્યાં કરે છે?" રાધ્યાએ વધુ સમજાવવા જતાં ગુંજન રીતસર તાડૂકી. "હવે તારે એના વકીલ જ બનવું હોય તો બીજીવાર મને મળવા આવતી જ નહીં. મળ્યે રાખજે તારા એ બિચારા ગીતુને." ગુંજનની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં. રાધ્યાએ માહોલ શાંત કરવાનો પ્રયાસ કરતા કહ્યું, "આમ તો મારે તમારા બંનેની વચ્ચે ન આવવું જોઈએ પણ આરંભે હું જ શૂરી થઈ વચ્ચે હતી તો મને થયું આ સંબંધનો આમ અંત આવતો હોય ને હું કંઈ જ ન કરું એ કેમ ચાલે?" વાત જાણે એમ હતી કે કેમિકલ એન્જિનિયરિંગમાં સાથે ભણતા ગીતેશ અને ગુંજન એકબીજાના જાની દુશ્મન હતા. વાતે વાતે ઝઘડી પડે. ચાલુ ક્લાસે કોઈ ટોપિકની ચર્ચામાં કે પ્રેક્ટિકલ ટાઇમે પણ 'હું સાચો હું સાચી' ની તૂ તૂ મેં મેં ચાલે. અંતે રાધ્યા અથવા લેક્ચરર્સમાંથી કોઈ આવી આ દલીલને શાંત પાડે. સેમેસ્ટર આગળ વધતા ગયા એમ દલીલો મિત્રતામાં પરિણમવા લાગી. હવે 'તું સાચી તું સાચો' ના સૂરો રેલાવા લાગ્યા. એક દિવસ પ્રેક્ટિકલ ટાઇમે હાથમાં કેમિકલ સોલ્યુશન ભરેલી કસનળી પકડી ગીતેશે ગુંજન પાસે ઘૂંટણિયે પડી કહ્યું, "ગુંજુ, આઇ લવ યુ.. વિલ યુ મેરી મી..?" જવાબમાં ગુંજને એ સોલ્યુશનનું પ્રેક્ટિકલ અસાઇનમેન્ટ પૂરું કરી આપતા કહ્યું, "યસ ગીતુ, આઇ લવ યુ ટુ.." ઘરમાં ને કૉલેજમાં બધે આ પ્રેમ પ્રકરણ ચર્ચાવા લાગ્યું. સોશ્યલ મીડિયા પર 'કપલગોલ્સ' ને 'ગીતગુંજન'ના હૅશટેગ હેઠળ દરરોજ નવા પિક્ચર્સ અપલોડ થવા લાગ્યા. ગુંજનના મોટાભાઈનું સગપણ બાકી હોવાથી તેના પિતા રમણીકભાઈએ ગીતેશના પિતા પાસે થોડો સમય માગ્યો. આમ પણ બંનેનું એન્જિનિયરિંગ પૂરું થાય પછી જ લગ્ન થાય તો સારું એવી બંને પરિવારોની મહેચ્છા હતી.
આવું નક્કી થયું એના એકાદ અઠવાડિયામાં તાવ-શરદીના કેસ વધવા લાગ્યા. કોરોના વિશ્વવ્યાપી બનવા લાગ્યો. લોકો એકબીજાના સ્પર્શથી ડરવા લાગ્યા. 'ગીતગુંજન' એ સમયે કૉલેજ પિકનિક પર ગયા હતા. શિમલા, મનાલી, ડેલહાઉસી.. શરૂઆતમાં તો આખા ગ્રુપને સો રોમેન્ટિક લાગ્યા. બધાં મિત્રો એકબીજા સાથે મજાક કરતા કહેવા લાગ્યા, "લોકડાઉનની વાતો સંભળાય છે. આપણે અહીં જ રહી જઈએ તો કેવું સારું! સો રોમેન્ટિક પ્લેસીઝ હીઅર." ગીતેશ અને ગુંજને ત્યાંના પરંપરાગત પોશાકમાં ફોટા પડાવ્યા. બરફના ગોલા બનાવી ખૂબ રમ્યા. મિત્રતા અને પ્રેમને આ કોલેજ પિકનિકમાં સાથે માણ્યા. અંતે વિદ્યાર્થીઓ મજાકમાં કહેતા હતા એવું જ થયું. કોરોના વકરતા રાજ્યની સીમાબંધી કરવામાં આવી અને આ આખું ગ્રુપ ત્યાં જ ફસાઈ ગયું. હવે સૌને સો રોમેન્ટિક સ્થળો જ સો બોરિંગ લાગવા માંડ્યા હતા. સાથે આવેલા બે લેક્ચરર્સ પણ હવે આ વિદ્યાર્થીઓનો ભાર અનુભવતા હતા. નિયમોના બંધનો હવે તૂટવા લાગ્યા હતા. એવામાં બે વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા. તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા. બધાને ડર લાગવા લાગ્યો કે આપણે પણ કાલે પોઝિટિવ તો નહીં હોઈએ ને? ગીતેશ ખૂબ લાગણીશીલ. એટલે સૌના લાખ સમજાવવા છતાં તે ન માન્યો અને એકલો જ હોસ્પિટલાઇઝ થયેલા બે દોસ્તોની મદદે હોસ્પિટલે દોડી ગયો. બે'ક દિવસ તો બધું બરાબર ચાલ્યું પણ ત્રીજે દિવસે ગીતેશનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા આખું ગ્રુપ હચમચી ગયું. ગીતેશને પણ હોસ્પિટલાઇઝ કરાયો. એક અઠવાડિયામાં કોલેજ પ્રિન્સીપાલ તરફથી સરકારને વિનંતી કરવામાં આવી. પ્રિન્સીપાલના અથાગ પ્રયત્નોથી બે જ દિવસમાં સૌ વિદ્યાર્થીઓને ઘર સુધી સહીસલામત પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવાઈ. ગુંજન ગીતેશ સાથે રેગ્યુલર ચૅટ કરતી રહેતી. "યુ સેન્સિટીવફૂલ. તું રહેજે હોસ્પિટલમાં. અમારી તો ઘરે જવાની વ્યવસ્થા થઈ ગઈ છે."
"એટલે ગુંજુ, તું પણ જઈશ મને આમ અહીં એકલો મૂકીને?"
"તું મૂરખ છે એવા બધા ન હોય. તને કોણે ડાહ્યો કર્યો હતો એ બંનેની સેવા કરવા જવા? હવે એ બંનેના રિપોર્ટ તો નેગેટિવ આવી ગયા છે એટલે એ જશે એના ઘરે. તું પડ્યો રહે અહીં હોસ્પિટલમાં જ. એકલો.." એ બંનેને આવી જ વાતોનો વ્યવહાર હતો. બે-ત્રણ સ્માઇલી સાથે ચૅટ પૂરી થઈ પણ ગીતેશના ચહેરા પરથી સ્માઇલ ગાયબ થઈ ગયું. ગુંજન, પોતાની ફિયાન્સી, પોતાની પ્રેમિકા, એને આમ અજાણ્યા પ્રદેશમાં અજાણ્યા રોગ સાથે એકલો છોડીને ચાલી જાય એ વાત ગીતેશના ગળે ઉતરતી નહોતી. છતાં થયું તો એ જ. બીજે દિવસે આખું ગ્રુપ હોટલના રૂમ્સ છોડી પોતપોતાના ઘર તરફ રવાના થયું. ઘરે તો સૌ હેમખેમ પહોંચી ગયા. સૌના ઘરનાઓના ચિત્ત ચિંતામુક્ત થયા પરંતુ બે જ દિવસમાં લગભગ બધાના રિપોર્ટ પોઝિટિવ હતા. ગુંજનનો પણ અને તેના પપ્પાનો પણ. ગુંજન હેબતાઈ ગઈ. છેલ્લા બે દિવસથી ગીતેશે ગુંજનના એક પણ મેસેજને રિપ્લાય નહોતો કર્યો. ટપોટપ કેસ વધતા જતા હતા. દરરોજ વોટ્સએપ પર કોરોનામાં સપડાયેલા વડીલોના મૃત્યુના સમાચાર ફ્લેશ થતા. ગુંજનની તબિયત સ્ટેબલ હતી પણ તેને પપ્પાની ચિંતા હતી. ગુંજનના પિતા રમણીકભાઈએ છેલ્લા પાંચ વર્ષથી બ્લડપ્રેશર અને ડાયાબીટીસની દવા રેગ્યુલર લેવી પડતી. ગુંજને ગીતેશને બે'ક ટેક્ષ્ટ મેસેજ ને કૉલ પણ કરી જોયા, પણ સામેથી નો રિપ્લાય. ગીતેશનું મન એ સ્વીકારી ન શક્યું કે ગુંજન તેને આમ એકલો મૂકીને જઈ શકે.
બીજી બાજુ ગુંજન પોતાની મુશ્કેલીના સમયમાં પણ ગીતેશ કૉલ કે મેસેજનો રિપ્લાય પણ નથી કરતો તો ભવિષ્યમાં તો શું કરશે એ વાતથી ચિંતિત હતી. તેણે પોતાની સમસ્યા રાધ્યા સાથે શૅર કરી.
"હાય રાધુ"
"હાવ્સ યુ"
"હવે સારું છે પણ પપ્પાની બહુ ચિંતા થાય છે યાર.. ને ઉપરથી ગીતુ.. પોતે સામેથી તો કૉલ કે મેસેજ નથી કરતો પણ હું કરું છું તો રિપ્લાય પણ નથી આપતો."
"એને ખોટું લાગ્યું હશે. આપણે બધા અહીં આવી ગયા ને એનું."
"પણ મને તો એનું ખોટું લાગ્યું છે કે આજે માત્ર ને માત્ર એના કારણે આપણે બધા કોરોનામાં સપડાયા છીએ. અને મારા પપ્પા.. એ બિચારા તો સાવ નક્કામા ફસાઈ ગયા. કાશ! ગીતેશે પેલા બંને પાસે જવાની મૂર્ખાઈ ન કરી હોત. જો મારા પપ્પાને કંઈ થયું ને રાધુ, તો હું એને ક્યારેય માફ નહીં કરી શકું." છેલ્લા ભયંકર નિર્ણયાત્મક વાક્ય અને રેડ ડેન્જર સિમ્બોલ સાથે ગુંજન અને રાધ્યાની ચૅટ પૂરી થઈ પણ તે રાધ્યાના દિલોદિમાગને હચમચાવી ગઈ. તેણે ફોનબુક ખોલી નામ સર્ચ કર્યું ગીતેશ અને કૉલ ડાયલ કર્યો. ગુંજન સાથે થયેલી આખી વાત તેણે એ જ અર્થમાં ગીતેશને કહી સંભળાવી. સામે છેડે ગીતેશે પોતાને મનાલીમાં કેવી મુશ્કેલીઓ પડી, કોલેજ ટીમ અને પ્રિન્સીપાલ કઈ રીતે હેલ્પફુલ થયા અને કઈ રીતે ઘર સુધી પહોંચાયુ તે આખી કથની કહી. આખું ગ્રુપ પરત આવી ગયું હતું. એક ગીતેશ માટે ફરી બધી વ્યવસ્થા કરવી પ્રિન્સીપાલ માટે પણ લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ હતું. ઉપરથી ગીતેશનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો પણ તેની તબિયત એટલી સ્ટેબલ નહોતી કે તે એકલો લાંબી મુસાફરી કરી શકે. આટલાં અંતરાયો પાર કરી કેમ ઘર સુધી પહોંચાયુ તે આખી વિગત ગીતેશે રાધ્યાને કહી. આ બધું તેને ગુંજનને પણ કહેવું હતું પણ અત્યારે એ માટે યોગ્ય સમય નહોતો.
વીકનેસ ખૂબ હોવા છતાં વાત પૂરી થઈ એના એક કલાકમાં તે હોસ્પિટલમાં ગુંજનના પપ્પાના વૉર્ડની બહાર હતો. ડૉક્ટર્સ સાથે પોતાની તબિયતની સ્ટેબિલીટી અને કેટલીક દવાઓ વિષયક ચર્ચા કરી. ગુંજનના ઘરનું કોઈ જ સભ્ય ત્યાં ઉપસ્થિત નહોતું એટલે વધુ વાતચીત કે રોકાણ થઈ શકે એમ નહોતું. છતાં સિનિયર ડૉક્ટર સાથે પ્લાઝમા થેરાપીના ઓપ્શનની ચર્ચા કરવા તે ખાસ એમની કૅબિનમાં ગયો. ઘરે આવી તેણે ગુંજનને પણ મેસેજ કર્યો,
"નાવ આઇ એમ ફાઇન. હાવ્સ યુ? હું અંકલને મળવા હોસ્પિટલ ગયો હતો." પણ બીજા દિવસની રાત સુધી ગુંજનનો કંઈ જ રિપ્લાય નહીં. એક ઊંઘ કરી તેણે ફોન ઓન કર્યો તો રાધ્યાનો મેસેજ ડ્રોપ થયેલો જોયો. "અંકલ ઇઝ નો મોર. પ્લીઝ ટેક કેર ઓફ ગુંજુ." ગીતેશની આંખો ફાટી જ રહી ગઈ. સવાર પડતાંની સાથે જ તે ગુંજનને મળવા, તેના ઘરે જવા તરત જ રવાના થયો. અંતિમ યાત્રા ગઈ કાલે જ થઈ ગઈ હતી. આમ પણ કોરોનામાં મૃત્યુ પામેલાઓને લાંબી કે વિધિવત સ્મશાન યાત્રાની છૂટ જ ક્યાં હતી? બેસણું પણ ઓનલાઇન થવા લાગ્યું હતું. ગીતેશે ગુંજનના ઘર પાસે કેટલાક લોકોને એકત્ર થયેલા જોયાં. તેઓ ગુંજનના અંગત સગાં હતાં. અંદર ખરખરો કરવા આવેલા લોકો બેઠાં હતાં તેથી સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા આ મહેમાનો બહાર આવી ગયા હતા. ગીતેશે તેમને અંદરોઅંદર વાતો કરતા સાંભળ્યા.
"આ રમણીકભાઈ ભગવાનના માણસ. પણ કોરોના ભરખી ગ્યો." એકે કહ્યું.
"રમણીકભાઈ પાછા બીપી ડાયાબિટીસ વાળા એટલે બચાળાને વધારે અસર થઈ." બીજો બોલ્યો.
"ના રે ના હવે, એની છોડી ગઈ તી' ફરવા. ઈ લઈ આઈ કોરોના. છોડી બચી ને બાપ ગ્યો." એક માસી બોલ્યા. આ બધાં સંવાદો સાંભળી ગીતેશને ગુંજનની પરિસ્થિતિ સમજાઈ. તેનો ગુસ્સો ઓસરી ગયો. ગીતેશને બે ચાર સ્વજનો ખરખરો કરી બહાર આવતા દેખાયા. તે ઘરની અંદર જવા લાગ્યો.
"ગુંજુ..." કહી તે ગુંજનની પાસે બેસવા ગયો. પણ ત્યાં તો
"ખબરદાર.. મારું નામ પણ તારી જીભે ન આવવું જોઈએ. મારા પપ્પાને કોરોના નહીં તું ભરખી ગયો." ગુંજનનો ફાટી ગયેલો સાદ સંભળાયો.
"વ્હોટ? આ શું બોલે છે તું?" ગીતેશ તેની સૂઝી ગયેલી આંખો પરથી આંસુ લૂછતાં બોલ્યો.
"મારા આંસુ લૂછવાની કોઈ જ જરૂર નથી. જા, તું તારા પેલા બંને જીગરજાન મિત્રોના આંસુ લૂછ. અમારા કરતા વધારે એ લોકોને તારી જરૂર છે ને! એમની હેલ્પ કરીને તો તે અમને આ ગીફ્ટ આપી કોરોનાની." ગુંજન રડતાં સ્વરે એકધારું બોલી ગઈ.
"પણ કોરોના તો આજે અડધા જગતને છે. હજારો લોકો મૃત્યુ પામે છે. આમાં મારો વાંક ક્યાં છે એ મને સમજાતું નથી." ગીતેશે પોતાનો પક્ષ રાખ્યો.
"તારો પહેલો વાંક એ કે તું પેલા બંનેની મદદ કરવા ગયો અને બદલામાં કોરોના લેતો આવ્યો. તારા વાંકે અમે બધાં, આખું ગ્રુપ કોરોનાનો ભોગ બન્યા. માત્ર હું જ નહીં, મારા પપ્પા પણ. તારો બીજો વાંક તને આટલા કૉલ ને મેસેજ કર્યા એનો કોઈ જ રિપ્લાય ન આપ્યો એ. તારો ત્રીજો વાંક, તું હોસ્પિટલ ગયો એ. ત્યાં જઈ તે મારા પિતાની પરિસ્થિતિ વધુ ખરાબ કરી. ને તારા કારણે આજે પપ્પા..." ગુંજન હિબકા ભરતી રડી પડી.
"પણ હોસ્પિટલે જઈને તો મેં.." ગીતેશનું વાક્ય વચ્ચેથી જ કાપતાં ગુંજન બોલી,
"ઇનફ.. હવે મારે કંઈ જ સાંભળવું નથી. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. અરે, મારે તારું નામ સુદ્ધાં સાંભળવું નથી. જસ્ટ ગેટ લોસ્ટ."
ગીતેશ અપમાનનો ઘૂંટડો માંડ માંડ ગળા હેઠે ઉતારી ઘર બહાર નીકળી ગયો. ત્યારે તેને થયું કે ગુંજન અત્યારે અપસેટ હશે એટલે આટલું બધું બોલી ગઈ ધીમે ધીમે બધું બરાબર થઈ જશે. પણ આઘાતમાં લીધેલા નિર્ણયોની ગાંઠ બહુ જટિલ રીતે બંધાઈ જતી હોય છે.
ગીતગુંજન વચ્ચે આવું પહેલીવાર નહોતું થયું. પહેલાં પણ ઘણીવાર થઈ ચૂક્યું હતું. ગીતેશ ગુસ્સો કરી ચાલ્યો જાય તો રાત સુધીમાં તો ગુંજન તેને ઢગલાબંધ મેસેજ કરીને મનાવી જ લે. ગુંજન ગુસ્સે થઈ ચાલી જાય તો ગીતેશ એને દર પાંચ-દસ મિનિટે કૉલ કરી મનાવી લે અને પછી બંને સાથે લંચ કે ડિનર કરે. પણ આ મુદ્દો જરા વધુ સિરિયસ હતો. બાપનું મૃત્યુ કોઈ પણ દીકરી માટે કંઈ નાનીસૂની વાત થોડી હોય! ગીતેશે ખૂબ પ્રયત્નો કર્યા છતાં ગુંજન એકની બે ન જ થઈ અને આ અબોલાને વર્ષ થવા આવ્યું. ગુંજનને જોવા બીજા મુરતિયા આવવા લાગ્યા. આ સમાચાર સાંભળી એક દિવસ તે બંનેની ખાસ દોસ્ત રાધ્યાએ પણ ગુંજનને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો.
"ગુંજુ, ગીતુ બિચારો સાવ નંખાઈ ગયો છે. એ બહુ જ ગિલ્ટી ફીલ કરે છે. એટલિસ્ટ તું એક વખત એની સાથે વાત તો કરી લે."
"મારે એનું નામ સુદ્ધાં સાંભળવું નથી. તું એની સાથે વાત કરવાની વાત ક્યાં કરે છે?" રાધ્યાએ વધુ સમજાવવા જતાં ગુંજન રીતસર તાડૂકી. "હવે તારે એના વકીલ જ બનવું હોય તો બીજીવાર મને મળવા આવતી જ નહીં. મળ્યે રાખજે તારા એ બિચારા ગીતુને." ગુંજનની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં. રાધ્યાએ માહોલ શાંત કરવાનો પ્રયાસ કરતા કહ્યું, "આમ તો મારે તમારા બંનેની વચ્ચે ન આવવું જોઈએ પણ આરંભે હું જ શૂરી થઈ વચ્ચે હતી તો મને થયું આ સંબંધનો આમ અંત આવતો હોય ને હું કંઈ જ ન કરું એ કેમ ચાલે?"
"એટલે? તું ન હોત તો અમે કપલ ન હોત એમ?"
"મેં એવું ક્યાં કહ્યું? પણ આવો અંત મારાથી નહીં જોવાય. તમને ફરી એક કરવા મારાથી જે થાય એ હું કરી છૂટીશ."
"તો તેં શું કરવા ધાર્યું છે?"
"ખુલાસો."
"શેનો ખુલાસો?"
"એ જ કે જે તું ગીતુના મોઢે સાંભળવા જ નથી માગતી. તે સત્ય જાણવાની કોશિશ જ નથી કરી."
"શેનું સત્ય? મારા પપ્પા હવે નથી એ સત્ય છે. એ ગીતુના કારણે જ." ગુંજન બરાડો પાડતા બોલી.
"એ જ ગીતુએ તારા પપ્પાને બચાવવાની અંતિમ કોશિશ કરી હતી. એ સખત વીક હતો. ડોક્ટરે ના પાડી કે આ તારા માટે રિસ્કી છે. છતાં એણે તારા પપ્પાને બચાવવા પ્લાઝમા થેરાપીની ટ્રીટમેન્ટ સેમ ડે કરાવી. માત્ર તારા પ્રત્યેના પ્રેમને લીધે." રાધ્યાએ એટલા જ જોશથી ખુલાસો કરતા કહ્યું. ગુંજન થોડી ઝંખવાઈ ગઈ. તેનાથી માંડ બોલાયું,
"તો મને કેમ કહ્યું નહીં?"
"તું ત્યારે એના કૉલ કે મેસેજ ક્યાં રિપ્લાય કરતી હતી?"
પિતા અને પ્રેમી બંનેના પ્રેમમાં જાણે નિષ્ફળ જતી હોય તેમ એ ફસડાઈ પડી, "ઓહ નો... હવે?"
"હવે તું વિચાર. તારે બંનેને ન્યાય આપવાનો છે. તારા પપ્પાના પ્રેમને પણ અને ગીતુના પ્રેમને પણ."
એક અઠવાડિયાના મનોમંથન પછી એક સાંજે ગુંજને વોટ્સએપ ઓન કરી નામ સર્ચ કર્યું 'ગીતુ'. તેને એક ફોટો સેન્ડ કર્યો. એ બીજા દિવસની સવારની દ્વારકા જવાની ટ્રેનની ટિકિટ હતી. કૅપ્શનમાં મેસેજ ટાઇપ કર્યો, "પપ્પાની પુણ્યતિથિ માટે ગોમતી ઘાટ જવાનું છે. સીધા સ્ટેશને જ મળશું. તારા તર્પણ વિના પપ્પાનો મોક્ષ નહીં થાય. એક વર્ષનું ઢગલો સોરી... અને ઢગલો લવ યુ...
#ગીતગુંજન." લવના સિમ્બોલ સાથે મેસેજ પૂરો થયો.
બીજે દિવસે ગોમતી ઘાટ પર તર્પણ કરી રહેલા ગીતગુંજનના એક સાથે જોડાયેલા હાથ પર રમણીકભાઈ પણ જાણે અમીદૃષ્ટિ વરસાવી રહ્યા. વૈશાખ મહિનાની અગિયારસની તિથિ દર્શાવતી કંકોત્રી છપાઈ. પહેલા અને છેલ્લા પૂંઠા પર રાધાકૃષ્ણની છબી સાથે છપાયું #ગીતગુંજન.