વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઓલી વાત!

"ઓલી વાત!"


આમ તો હું ચંદુલાલની દુકાને કામ વગર જતો નથી પણ તે દિવસે વળી મોહનકાકાનો મહેશ મને બોલાવવા આવેલો. મોહનકાકાની તબિયત જરા બગડેલી એટલે એમને દવાખાને જવું હતું એટલે હું મારી બાઈક લઈને મોહનકાકાના ઘેર જતો હતો. આ ચંદુલાલને મોહનકાકાની શેરીના નાકે કરિયાણાની દુકાન હતી.


  હું મોહનકાકાની બજારે વળ્યો કે તરત ચંદુલાલનો સાદ સંભળાયો.


"એ સાહેબ, જરીક ઊભા તો રો. એક ખાસ કામ હતું.." 


  

"ના ચંદુલાલ અત્યારે નહિ, મોહનકાકાને દવાખાને જવું છે એટલે મને બોલાવ્યો છે." કહી મેં બાઈકને લીવર આપ્યું.


"અરે પણ એની જ વાત કરવાની છે ભલામાણસ. એને કંઈ થયું નથી; તમે આવો દુકાનમાં, હું એમની ઓલી વાત કહું તમને.." ચંદુલાલે દુકાન બહાર નીકળી હાથના ઈશારો કરતા કહ્યું.


 મને નવાઈ લાગી. હું બાઈક બજારની એક તરફ મૂકીને ચંદુલાલની દુકાનના થડા પાસે જઈને ઊભો રહ્યો, "મહેશે આવીને કહ્યું હતું કે 'પપ્પાને દવાખાને જવું છે એટલે બાઈક લઈને તમને બોલાવ્યા છે. ને તમે કેમ આમ કહો છો!''


"અંદર તો આવો..લ્યો આ ગુણ જરાક આ ખૂણામા લઈ લવ." કહી એમણે કાઉન્ટરનું પાટિયું ઉલાળી નાખ્યું. મેં અંદર જવા પગ ઉપાડ્યો કે તરત ચંદુલાલ ખાંડની મોટી બોરી ખેંચવા લાગ્યા. એમનાથી એ ગુણ સહેજ પણ ખસતી નહોતી; અને ખસવાની પણ નહોતી એની એમને પણ ખબર જ હતી. મારે ના છૂટકે બળ કરાવવું પડ્યું!


  અમે બેઉએ પાંચમણ ખાંડની એ બોરી ઢસડીને એક તરફના ખૂણામાં મૂકી. ચંદુલાલ એ બોરી જ્યાં રાખવા માંગતા હતા એ જગ્યાએ મુકાઈ ગઈ પછી એમણે બહુ જ થાકી ગયા હોવાનો અભિનય કરીને હાંફતા હાંફતા કહ્યું, "મને ખબર છે; મોહનકાકા થોડા બીમાર છે. મેં હમણે જ એમને દવા આપી છે. પણ મારે તમને મોહનકાકાની એક બીજી વાત કરવાની છે. તમે માસ્તર છો એટલે તમારો ભરોસો કરું છું. બાકી મારા બાપા આવે તોય હું આવી વાત કોઈને નો કવ." ચંદુલાલે વતને વળ ચડાવ્યો.


"પણ છે શું એ તો કહો." મારી આતુરતા પણ વધી ગઈ.


"કહેતા તો મારીય જીભ ઉપડતી નથી. મોહનકાકાને હવે આ ઉંમરે આવું નો કરાય. પણ સમજાવે કોણ એને. ત્યાં તમને મેં ભાળ્યા, સાલું કાખમાં છોકરું ને ગામના ગોતીએ છીએ! હે હે હે.." કહી ચંદુલાલે એના પીળા દાંત મને દેખાડ્યા. 


  "વાત ને ગોળગોળ ઘુમાવ્યા વગર ઝટ ફાટોને મોઢામાંથી.." મને હવે જાણવાની જિજ્ઞાસા વધી ગઈ હતી.


 ચંદુલાલ જવાબ આપવા મોઢું ખોલે એ પહેલાં દુકાનનું ઘરમાં પડતું બારણું ખુલ્યું. ચંદુલાલની પત્ની ચંપા એ બારણામાંથી માંડ અંદર આવીને તાડુકી, "હજારવાર નાક વાઢયું છે તોય દુકાનનો માલ ઘરમાં શીદને  ઉતારો છો. હાલો અતારે ને અતારે ઈ બધા કોથળા ઓસરીમાંથી દુકાનમાં લઈ લ્યો નકર મારી જેવી કોઈ ભૂંડી નથી."


  ચંપાનો લાલઘૂમ ચહેરો ને લાંબા ટૂંકા થતા હાથ જોઈ ચંદુલાલ ઝટ લઈને ઊભો થઈ ગયો. હું હજી મોહનકાકાએ આ ઉંમરે કરેલું અને ચંદુલાલ દ્વારા વણકહેવાયું હતું એ કાળું કૃત્ય શું હશે એ વિચારતો હતો. ચંદુલાલે વિચારોના કળણમાં ખુપેલાં મને તરત કહ્યું, "આવો ને માસ્તર જરીક પેલા કોથળા દુકાનમાં લઈ આવીએ. આ નકામી બગડશે તો પેલી વાત અધૂરી રહી જશે."


  મોહનકાકાની વાત સાંભળવાની લાલચ એટલી બધી વધી ગઈ હતી કે હું કંઈપણ વિચાર્યા વગર ચંદુલાલ પાછળ ઊભો થયો. ચંદુભાર્યા મારી દયા આવતી હોય એવી નજરે તાકી રહી હતી, એના હોઠ પર ગુસ્સે થઈ હોવા છતાં સ્મિત રમી રહ્યું હતું. મને એમ કે ચંદુલાલ એનાથી ડરી ગયો છે એટલે એ ખુશ થઈ લાગે છે. પણ હકીકત તો કંઈક અલગ જ હતી!


 હું ચંદુલાલની પાછળ દુકાનમાંથી ફળિયામાં આવ્યો ત્યારે મને એ હકીકત સમજાઈ. ઓસરીમાં વજનદાર વસ્તુ ભરેલા ચારપાંચ કોથળા જોઈ મારા હાંજા ગગડવા લાગ્યા.


"ચંદુલાલ તમે આ સમાન ફેરવો ત્યાં હું મોહનકાકાને મળતો તો આવું. પછી તમે કહેશો એમ કરીશું.." મેં પેલા કોથળા ફેરવવાના કામમાંથી છટકવાના આશયથી કહ્યું.


"લે લે લે..ઈમ કાંય હોય માસ્ટર? તમે જરીક ટેકો કરજો એટલે કોથળા તો હું ઊંચકી લઈશ. પછી તમને ઓલી વાત કરું." કહી ચંદુલાલ કોથળા પાસે પહોંચી પણ ગયા. એક તરફના બે ખૂણા પકડીને વાંકાવાંકા મને કહે,


"લ્યો લ્યો…તમે સામેના બે ખૂણા પકડો એટલે હડસેલી દેવી દુકાનમાં.."


  વાત તો ટેકો કરાવવાની હતી. પણ ચંદુલાલે અડધોઅડધ ભાર મારી પાસે ઉપડાવ્યો. મોઢા બાંધેલા કોથળાનું મોઢું એમણે પકડીને છેડા મારા હાથમાં પકડાવ્યા. એટલે એ કોથળા ઉપાડવા જતાં, કોથળાનું વજન બધું મારા પર જ આવી ગયું! કમરમાં કડાકા બોલી ગયા, હું હાંફી ગયો. કામ પત્યા પછી મારી દશા જોઈને ચંદુલાલે થડા પર બેસતા કહ્યું, "થોડોક વ્યવસ્થિત ખોરાક લેવો જોવે. ક્યારેક આવું કામ કરવાનું થાય તો વાંધો ન આવે ભલામાણસ."


   ચંપા તો હોઠમાં હસતી હસતી ઘરમાં જતી રહેલી. મને હવે ગુસ્સો પણ આવતો હતો.


"મારે કંઈ જરૂર નથી સમજ્યા? મારે આવા કોથળા ફેરવવાનું કામ પણ કરવું નથી. તમે મોહનકાકાની ઓલી વાત તો કરો હવે! નહિતર હું જાઉં.."


"હા હા તે ઈ વાત કરવા જ તમને બોલાયા છે ને! શું છે કે આવી વાત ગમે ઈને તો નો કેવાય ને! કારણ કે આમાં શું છે કે બોલ્યું બાર્ય પડે ને રાંધ્યું વરે પડે સમજ્યા કે નહિ?" ચંદુલાલે ઘડિયાળમાં જોતા કહ્યું.


"હું બધું સમજુ છું. ચંદુલાલ તમે હવે કહેશો ખરા?" મેં ખાંડની ગુણ પર બેસતા અણગમાથી કહ્યું.


"લ્યો તમે પાણીબાણી પીવો. થાકી ગયા હશો. શું છે કે તમે આવું બળનું કામ નો કર્યું હોય ને! પછી નિરાંતે ઓલી વાત કહું છું." કહી ચંદુલાલે માટલામાંથી ગ્લાસ ભરીને મને પાણી આપ્યું.


  પાણી પી ને હું ટાઢો પડ્યો. "મોહનકાકા મારી રાહ જોતા હશે. ને તમે મને સલવાડી રાખ્યો છે." મેં કહ્યું.


"હા પણ વાત જ એવી છે કે ના પૂછો વાત! જો કે તમે તો નો'તા જ પૂછવાના પણ મને ખબર પડી એટલે એમ થયું કે તમને મારે ખાસ કે'વુ પડે. આ તો તમે આંયથી નીકળ્યા નકર હું પોતે તમારા ઘેર આવવાવો હતો."


"હા બરાબર છે. હવે કહો તો ખરા." મેં અકળાઈને કહ્યું.


"એમાં એવું છે કે મોહનલાલ મારા પડોશી ખરા ને? હવે પહેલો સગો તો પડોશી જ ને ભાય! સગા વહાલા આવે આવે ત્યાં તો બધું પૂરું નો થઈ જાય? પડોશી છીએ એટલે દોડીને જઈ શકાયને!  મોહનલાલ ઉધરસ ખાય તોય અમને સંભળાય. પછી આવી વાતની ખબર પડ્યા વગર રે ખરી?" કહી ચંદુલાલ અટક્યા.


"ખબર પડ્યા વગર ના રહે એટલે જ તમને ખબર પડી હશે. પણ એ ખબર મારા સુધી ક્યારે પહોંચશે ચંદુલાલ.."


"જુઓને આપડે સાવ બાજુમાં રહેવું એટલે કહેવું પડે. નકર આપણે શું લેવા દેવા હેં? પણ મને તો એમ થાય છે કે મોહનલાલને આ શું સુજ્યું!  ધોળામાં ધૂળ નાખી કહેવાય આ તો. આટલી અવસ્થાએ પોદળામાં પગ મેકયો." 


"કઈ જગ્યાએ પોદળામાં પગ પડ્યો? તો તો લપસ્યા હશે..હવે ગામમાં રખડતા ઢોર જ એટલા છે પછી પોદળા તો હોવાના જ ને? અને ઘરડું માણસ શું ગમે તેનો પગ પડી શકે. એમાં મોહનલાલનો શું વાંક?" મેં કહ્યું.


"અરે એમ નહિ યાર! તમે માસ્તર થઈને કહેવત સમજતા નથી. મારું કહેવું એમ છે કે એમણે ન કરવાનું કામ કર્યું છે." કહી ચંદુલાલ તમાકુ ચોળવા લાગ્યા.


"એવું તે શું કરી નાખ્યું એમણે? તમે ચોળીને બહુ ચીકણું કર્યા વગર કહી દો ને યાર..!" હું હવે ખરેખર કંટાળ્યો હતો.


  "હા તે એ કહેવા જ તમને બોલાવ્યા છે ને. પણ આ વાત જ એવી છે કે સાવચેતી રાખવી પડે. શું છે કે ભીંતને પણ કાન હોય છે સમજ્યા?" કહી ચંદુલાલે એમનો નીચલો હોઠ ખેંચીને તમાકુની ગોળી ચડાવી.


  હું એમને તાકી રહ્યો. હવે વાત શરૂ થાય ત્યાં સુધી કશું બોલવું નથી એમ મેં નક્કી કર્યું. મને ચૂપ જોઈ એ જરાક હસીને બોલ્યા, "જુઓ માસ્તર તમારા પર ભરોસો રાખીને આ વાત તમને અને તમને એકલાને જ કહું છું. પણ આ વાત, તમે સાંભળી જ નથી એમ રાખજો. કોઈને પણ ક્યારેય કહેતા નહિ. તમારા જેવો સજ્જન માણસ અંધારામાં રહે એ મને ઠીક લાગતું નથી એટલે કહું છું."


  હું ટગર ટગર તાકી રહ્યો!


"આમ તો મોહનલાલ વિશે કોઈ આવી વાત કરી ન શકે. મેં જો મારી સગી આંખે ન જોયું હોત તો હું પણ ના માનું..તમે સાંભળશો એટલે તરત કહેશો કે ના હોય..કદી આવું ન બને.પણ એ બધું બન્યું છે અને ન હોવુ જોઈએ એ બધું છે. સમજ્યા?"


''--------"


"શું આમ ભૂતની જેમ જોયા કરો છો મને. કાંક બોલો તો ખરા. તમને તો વાત સાંભળતા પહેલા આઘાત લાગ્યો કે શું? જોજો હો ક્યાંક વાત સાંભળીને હાર્ટ એટેક ન આવી જાય.."


"પત્તર ફાડયા વગર કહેવું છે? આમ હોય ને તેમ હોય કર્યા વગર જે વાત કરવાની છે એ કહી દો. નહિતર હું જાઉં હવે." મારો બાટલો હવે ફાટુ ફાટુ થઈ રહ્યો હતો.


 "હા ચાલો કહી જ દવ હવે..આમ જરીક મારી બાજુમાં આવતા રો. કોક સાંભળશે તો નકામું…" એમણે થડા પરની ગાદી પર જગ્યા કરતા કહ્યું.


 હું ઊભો થઈને એમની બાજુમાં બેઠો. ચંદુલાલે મોહનકાકાના રહસ્યનું તાળું ખોલવા મોં ખોલ્યું. હું મારા કાન સરવા કરીને સાંભળવા આતુરતાની ચરમસીમાએ પહોંચી ગયો હતો! પણ ચંદુલાલના ગળામાંથી અવાજ નીકળે એ પહેલાં જ એમની દુકાને માલ સમાન ભરેલો ટેમ્પો આવીને ઊભો રહ્યો.


 "ચાલો ચંદુભાઈ તમારા તેલના વીસ ડબા જલ્દી ઉતારો. મારે હજી બે ગામડામાં માલ પહોંચાડવાનો છે. હું દસ મિનિટમાં આવું છું. જલ્દી કરજો.." ટેમ્પાના ડ્રાઇવરે ઠેકડો મારીને ઉતરતા કહ્યું.


  ચંદુલાલે મારી સામે જોયું. એમના ચહેરા પર લુચ્ચું સ્મિત રમતું હતું.


"ઈની માને..આને અત્યારે જ મોત આવ્યું લ્યો. મારો બેટો આ રાઘવો બપોર વચ્ચે જ માલ લઈને મરે છે. હજાર વખત એનું નાક વાઢયું છે કે પહેલા માલ લઈને આંય નો મરવું. પણ મારો હાળો માને તો એનો બાપ મરે. લ્યો હાલો હવે હાથહાથ ડબા ઉતારી લેવી. બહુ કંઈ વાર નહિ લાગે."  


 હું કંઈ હા ના કરું એ પહેલા તો ચંદુલાલ ટેમ્પમાં ચડી પણ ગયો. એક ડબો ઉંચકીને ટેમ્પાની ધાર પર મૂકીને એ બોલ્યો, "લ્યો હાલો માસ્તર, દુકાનના ઓ…ઓ…ઓલ્યા ખૂણામાં મુકવા માંડીએ." 


 મેં દુકાનના 'ઓ.. ઓ.. લ્યા' ખૂણામાં નજર કરી. એ ખૂણો એટલે દુકાનનું ગોડાઉન! લગભગ પચાસેક ફૂટ દૂર એ ખૂણો થતો હતો. ચંદુલાલ પોતે એનું કામ હોવા છતાં ટેમ્પા પર ચડીને ડબા મને પકડાવવા માંગતો હતો. હું આ બધું સમજતો હતો પણ મનમાં મોહનકાકાની ઓલી વાત રમી રહી હતી. એમણે કયા પોદળામાં અને ક્યારે પગ મૂક્યો એ મારે જાણવું હતું. ચંદુલાલે મારા મનમાં આતુરતાનો વંટોળીયો ચડાવી દીધો હતો.


"ચંદુલાલ કેટલા ડબા ઉતારવાના છે..?" હું ત્રીજો ડબો મૂકીને આવ્યા પછી બોલ્યો.


"હવે ખાલી સત્તર રહ્યા છે. ત્રણ તો તમે મૂકી આવ્યા. લ્યો લ્યો ઝટ પગ ઉપાડો પછી તમને ઓલી વાત કવ એટલે તમે છુટ્ટા. મારા માથેથી પણ ભાર જાય!" કહી ચંદુલાલ ખીખીખી કરીને હસ્યો. આવી વાતમાં આટલું હસવું એને કેમ આવ્યું હશે? એ વાત એવી હશે કે પછી મને વાત સાંભળવાની લાલચમાં નાખીને જે રીતે ચંદુલાલ તોડવી રહ્યો હતો એના દાંત એને આવતા હશે? આ પ્રશ્ન મારા મનમાં ઘુમરાઈ રહ્યો હતો. ચંદુલાલ ડબા આપતો ગયો ને હું મૂંગે મોઢે અહીં આવવા બદલ અફસોસ કરતો કરતો પંદર કિલો તેલના ડબા ટેમ્પોથી 'ઓ..ઓ…લ્યા..' ખૂણા સુધી વેવતો રહ્યો!


  વીસમો ડબો મૂકીને આવ્યા પછી હું ઊભો પણ રહી શકતો નહોતો. ચંદુલાલે મારા ખભે હાથ મુક્યો કે તરત હું બેસી પડ્યો. એ જોઈ ચંદુલાલ ખખડયો.."હે હે હે..માસ્તર એટલે પોચુ પ્રાણી એવું કોક કહેતું તો હતું. આજ જોવાઈ ગયું હો! ખાલી વીસ ડબા જરીક આઘાપાછા કર્યા ત્યાં તો ટાંગા વળી ગયા. આ તો તમે હતા એટલે વાર લાગી. મને શું ખબર કે તમે આટલા પોચા હશો. નકર હું એકલો ફગાવી દેત. આટલી વાર પણ ન લાગત. ઠીક છે હાલો હવે પૂરું કરીએ.." 


 ચંદુલાલ મને બેસેલો છોડીને થડા પર જઈને બેઠો. તમાકુની ગોળી હોઠમાંથી કાઢીને આંગળી પર લઈ થડા પર પાથરેલા કોથળા સાથે લૂછી. નવી ગોળી માટે તમાકુની ડબ્બી કાઢીને કૂતરાંને બટકું નાંખતો હોય એમ મને કહેવા માંડ્યું,


"મોહનલાલે ભારે કરી માસ્તર.. સાવ આવું ન કરાય. પાપ ઈ પાપ હો! ઈ ગમે ત્યારે છાપરે ચડીને પોકાર્યા વગર નો રે હો! આ તો ઠીક આપણે કુળવાન માણસ છીએ તે સમજીએ. બાકી વાતનું વતેસર થતા વાર લાગે?"

  

  હું હાથના ટેકા લઈ ઊભો થયો. ચંદુલાલે ફરી ગોઠવવા માંડ્યું હતું. હું મોહનલાલની 'ઓલી વાત' સાંભળવા તલપાપડ થયો હતો. ઘડીકમાં તો મને થાક પણ ઉતરી ગયો. હું ઊભો થયો. તેલના ડબા બંને હાથથી ઉપાડેલા એટલે હવે હાથ અધ્ધર જતા હોય એવું લાગતું હતું. આંખે અંધારા પણ આવી ગયેલા! 


"હવે જો એક પણ કામ, વાત આડું આવશે ને તો જોઈ લેજો ચંદુલાલ..તમે વાત કરવાના બહાને મને તોડવી નાંખ્યો છે એ મને ખબર છે. જો વાતમાં કંઈ દમ નહિ હોય ને તો હું તમારું ગળું ન દબાવી દઉં તો મારું નામ રમણલાલ માસ્તર નહિ!" મેં ખિજાઈને ચંદુલાલ પાસે એમના થડા પર બેઠક લેતા કહ્યું.


"તો તો તમને વાત કરવી નકામી છે. મને વાતમાં દમ લાગે છે પણ તમને ન લાગે તો મારું આવી જ બને ને! આમાં શું છે કે મને તીખું ભાવતું હોય એટલે તમનેય ભાવે એવું તો નો જ હોય ને! હું મોહનલાલની જે વાત તમને કહેવાનો છું એ મને તો એકદમ ગંભીર અને વિચારવા જેવી લાગે છે, પણ તમને સાવ મજાક લાગે તો? તમને એમ થાય કે વાત કરવાના બહાને મેં તમને કામ કરાવ્યું. કામમાં તો શું જરીક બે કોથળા ને ખાલી વીસ તેલના ડબા તમે ટેમ્પામાંથી ઉતરાવ્યાં છે. એ તો તમે ન હોત તો હું એકલો જ ફગાવી દેવાનો હતો. આ તો તમે મદદ કરી. બાકી મારે ક્યાં જરૂર હતી. કાયમ ઉધારમાં લઈ જાવ છો તે આટલી મદદ ન કરાવો? તમારા ઘરે કામ હોય તે દી અડધી રાતે સાદ કરજો. આ ચંદુલાલ નો આવે તો બાપનું નામ બદલી નાંખું. શું તમે વાત કરો છો ભલામણસ. જાવ હવે જવું હોય તો મોહનલાલ પાસે. વાત કરવાના મૂડની પથારી ફેરવી નાંખી તમે તો.." 


  મેં કરેલી મદદની કોઈ વેલ્યુ જ ચંદુલાલે રહેવા ન દીધી. થોડીવાર પહેલા જે વાતનો ભાર એને લાગતો હતો એ હવે મને વગર સાંભળે મને લાગવા લાગ્યો. 


"સોરી ચંદુલાલ..હું જરા થાકી ગયો હતો એટલે મારાથી વધારે બોલાઈ ગયું. ચાલો જવા દો..બોલો હવે તમે. ઓલી વાત કરી જ નાંખો." હું રિકવેસ્ટમોડમાં આવી ગયો.


  "કંઈ નહિ માસ્તર.. તમે આવું હલકું વિચારતા હશો એ મને ખબર નહોતી. મને એમ હતું કે આ મોહનલાલની વાત કરી શકાય એવા માત્ર તમે એક જ આ ગામમાં છો. પણ તમારું વર્તન જોતા મને ખ્યાલ આવી ગયો છે કે તમે પણ યોગ્ય પાત્ર નથી. એટલે હવે એ વાત તમને કરવાનો કોઈ અર્થ નથી. જાવ તમે જવું હોય તો..લઈ જાવ એ મોહનલાલને દવાખાને! તમે બધા આમ તો સરખા જ છો.."


 ચંદુલાલ એકદમ નારાજ થઈ ગયો. એક તો મારી પાસે કામ કરાવ્યું ને ઉપરથી મને વાત કરવા માટે ગેરલાયક ઠેરવીને છૂટો પણ કરી દીધો. મારે ગુસ્સો કરવો કે રિકવેસ્ટ કરવી એ જ મને સમજાતું નહોતું. હું કંઈ બોલું એ પહેલાં મહેશ આવી ચડ્યો.


"અરે સાહેબ, તમે આ ચંદુકાકાની 'ઓલી વાત' સાંભળવાની લાલચમાં તો નથી આવી ગયા ને? ચાલો ઝટ મારા પપ્પાને હોસ્પિટલ લઈ જવાના છે..!"


   મેં ચંદુલાલ સામે જોયું. એમણે હાથના ઈશારાથી મને 'જાવ જાવ' કહ્યું. હું લૂંટાઈ ગયેલી નાર જેવું મોં કરીને મોહનલાલના ઘેર ગયો. 


  રસ્તામાં મહેશે મને કહ્યું કે "આ ચંદુ સાલો ગમે તેને 'ઓલી વાત' કહેવાની લાલચ આપીને દુકાનનું કામ કરાવે છે. આજ તમારો વારો પડી ગયો! હું ન આવ્યો હોત તો મારા પપ્પાની 'ઓલી વાત' કહેવાની લાલચ આપીને સાંજ સુધી તમારા કુચા કાઢી નાંખત. તો પણ મોહનલાલની ઓલી વાત તો તમને ખબર જ ન પડત."


  હું મોહનલાલના ઘેર પહોંચ્યો ત્યારે મારી હાલત જોઈ મોહનલાલ બીમાર હોવા છતાં 'ઓલી વાત' ની લાલચે મને લૂંટાયેલો જોઈ એટલું હસ્યાં કે પછી એમને દવાખાને જ જવું ન પડ્યું! 


  ચા પાણી પીને હું થોડીવારે ચંદુલાલની દુકાન પાસેથી નીકળ્યો. ચંદુલાલે તરત સાદ પાડ્યો, "આવો ને માસ્તર.. ઓલી વાત કરું."


 મેં લીવર આપીને બાઈક ભગાવ્યું. હવે પછી કોઈની ઓલી કે પેલી વાત ક્યારેય સાંભળવા રોકાવું નહિ એમ નક્કી કરીને!


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ