વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારો વ્હાલો - ધરા નો અનંત

હવે સમજાયું,

"મૌસમમાં આ બદલાવ કેમ થઈ રહ્યો છે,

લાગે છે કે, મને પ્રેમ થઈ રહ્યો છે."

એ કોણ છે ? એનું નામ શું છે ? મને કંઈ ખબર નથી, મને તો બસ એટલી ખબર છે કે એ મને ગમે છે, હા, બહુ જ ગમે છે, એની આંખોમાં કંઈક તો એવું છે જે મને આશાનાં તરંગોમાં તરતી કરે છે.

અજાણ્યું અમદાવાદ અને અજાણ્યાં અમદાવાદનાં લોકો, રાજકોટથી આવી એને છ મહિના પૂરા થયા પણ મારે મન અમદાવાદ ખાલી અમદાવાદ, નહિ કે મારું અમદાવાદ.

પણ, જાણે કે હવે અમદાવાદ મને પોતાનામાં સમાવી લેવા તત્પર હોય કે પછી હું અમદાવાદને મારામાં સમાવી લેવા તૈયાર હોઉં એવી મારી કહાની, અને આ કહાનીનો આરંભ એ મારા વ્હાલાથી, જેને હું જાણતી નથી.

ટાઈટેનિયમ હાઈટ્સ,

કોર્પોરેટ રોડ, અમદાવાદ.

A-વિંગ, ફ્લોર નંબર-૫.

બપોરે જમતાં -જમતાં મનમાં તો એક જ વિચાર ચાલતો હતો, 'જલ્દી-જલ્દી જમી લઉં, તે આવી ગયો હશે.' જમીને હું વોશરૂમમાં ગઈ અને વાળ સરખા કર્યા, મોં પર હાથ ફેરવ્યો, કપડાં સરખા કર્યા, ઓકે, હવે બધું બરાબર છે, ઓફિસનો દરવાજો ખોલીને બહાર નીકળી, મેં ઘડિયાળમાં જોયું તો ૧:૨૭  થઈ હતી, લંચ બ્રેક ૧ થી ૨ વાગ્યા સુધીનો હોય, જમી લઈએ ત્યાં સુધીમાં અડધી કલાક તો જતી રહે.

ફ્લોર નંબર ૫ અને ૬ ની વચ્ચે બાલ્કની એટલે બધા લગભગ બ્રેક ટાઈમમાં ત્યાં જ  હોય, હું જઈને ૬ નંબરનાં ઉપર ચડવાના પગથિયાં પર બેઠી, એ આવશે ફ્લોર નંબર ૬ પરથી, મારી પાસેથી જ પસાર થશે, ના, તે એકલો નહિ હોય, તેની સાથે હશે તેનો કાફલો, બેક છોકરીઓ ને બેક છોકરાંઓ, ચાર-પાંચ જણાં સાથે હશે, પગથિયાં ઉતરીને સીધો બાલ્કનીમાં એકદમ મારી નજરની સામે જ ઉભો રહેશે, એની વાતોમાં મશગૂલ હશે મસ્ત! અને હું ? હું એને જોવામાં.

રાહ જોતી બેઠી હતી ને નજરે ચડી ગયો, નજરે જોયો ને મારા દિલને ગમી ગયો.


ઉફ્ફ્ફ! એની આંખો, જાણે શું કામણ કરી ગઈ, પડછંદ જાડો અવાજ, લાંબા ભૂરા વાળ, શર્ટની અડધી  વાળેલી સ્લીવ, હાથ પર સ્પષ્ટ ઉપસી આવતી તેની નસો, જાણે તેની તાજી જુવાનીની ચાડી ખાતી હોય, અને પાંચ હાથ પૂરો, પાતળિયો.

જઈને આલિંગનમાં લઈ લઉં ? , તસતસતું ચુંબન કરી લઉં ? , મારો વ્હાલો કરીને રાખી લઉં ? એવાં કંઈ-કેટલાંય વિચારો મારાં મનને ઘેરી વળે.

આ તે કેવી દશા ? આંખોની સામે જ કૂવો ને તોય તરસ્યા ને તરસ્યા જ.

બસ રોજની એ અડધી કલાકની જિંદગી, એ કહે તો આખું જીવતર એની પર ઓળઘોળ કરી દઉં એવો પ્રેમ જાગે, ભવ-ભવથી એને ઓળખું છું એવું મારાં મનમાં લાગે.

'શું આ ફક્ત મારું આકર્ષણ હશે? ના  ના, આકર્ષણ જ હોય તો ફક્ત આના પર જ કેમ? આવડા મોટા શહેરમાં શું આ એક જ છોકરો છે? બીજાં પણ છે, તો બીજાં કોઈ પ્રત્યે તો આવી લાગણી નથી જન્મી!, ફક્ત આને જોતાં જ જે ઉથલપાથલ મારાં દિલોદિમાગમાં થાય છે તે બીજાં કોઈને જોતાં તો નથી થઈ ક્યારેય મને!.' મનમાં બસ આવાં જ વિચારો ચાલ્યા કરે.

ત્યાં બ્રેક પૂરી થઈ ગઈ અને એની આંખોથી ઓઝલ થઈ હું ઓફિસમાં આવી.

રોજનો બસ આ જ ઘટના ક્રમ, એથી વિશેષ કંઈ નહિ.

***

'ધરા! હમણાં ચાર-પાંચ દિવસથી જોઉં છું, તું કંઈક ગુમસુમ છો ? શું થયું છે ? ' જમીને હું મારા બેડ પર સૂતી હતી ત્યાં મિશા મારી પાસે આવી અને મને પૂછવા લાગી.

હું અને મિશા કોલેજ ટાઈમથી ફ્રેન્ડ છીએ અને રાજકોટ પણ અમે સાથે જ હતા અને અમદાવાદ પણ સાથે જ આવ્યા, અહીંયા અમે ૬ ગર્લ્સ વચ્ચે સિંધુભવન સાઈડ પેઈંગ ગેસ્ટ તરીકે મકાન રાખ્યું છે. મિશા મારી બહેનપણી નહિ પણ બહેન જેવી જ છે, અમે કંઈ-કેટલોય સમય સાથે વિતાવ્યો છે, કેટલીય યાદો છે એકબીજાની એકબીજા સાથે.

મેં કંઈ જવાબ ના આપ્યો એટલે એણે પાસે પડેલી બુક મને મારી.

'શું છે મિશા ?' મેં ટૂંકમાં પૂછ્યું.

'શું , શું છે ? જવાબ આપને સરખો, તને પૂછું છું, કંઈ થયું છે?' મિશાએ ગુસ્સામાં કહ્યું.

'હા, હું મારા માધવનાં પ્રેમમાં પાગલ થઈ ગઈ છું.' મેં કહ્યું.

'ચલો!, અત્યાર સુધી તો ફક્ત મીરાં જ માધવનાં પ્રેમમાં પાગલ હતી, હવે બીજી તું થઈ ગઈ.' મિશા ખડખડાટ હસી પડી.

'મિશા! મસ્તી ના કર, સાચે હું પ્રેમમાં પાગલ થઈ ગઈ છું, I'm in Love.' હું બેઠી થઈ અને રોમાંચિત સ્વરે મેં મિશાને કહ્યું.

'ઓહહ! તો તો અહીંયા પ્રેમનાં બાણ વાગ્યા છે, અને હું તો ખાલી ખોટી ઉપાધિ કરતી હતી, પણ કોણ છે તે? શું નામ છે? એ તો કહે.' મિશાએ પૂછ્યું.

'અરે યાર! ઈ જ તો પ્રોબ્લેમ છે, મને તેના વિશે કંઈ જ ખબર નથી.' મેં મિશાને કહ્યું.

'શું? એટલે તું જ ખાલી એને પ્રેમ કરે છે? એ નહિ?' મિશા ફરી ચોંકી.

'હા, હું જ એને પ્રેમ કરું છું, એ તો મને જાણતો પણ નથી.' મેં કહ્યું.

'હે ભગવાન! તો તો પહોંચી ગઈ પ્રેમની નૈયા પાર.' મિશાએ કપાળે હાથ મૂકતાં કહ્યું.

પછી મેં મિશાને આખી વાત કરી.

'ધરા! તું એ ને પ્રેમ કરતી હોય તો પછી રૂબરૂ જ કહી દે ને!' મિશાએ મને કહ્યું.

'શું મિશા તું પણ, એમ હું કેવી રીતે કહું?' મેં કહ્યું.

'કેવી રીતે એટલે? તેની પાસે જઈને કહી દેવાનું, પછી જે થવું હોય તે થાય.' મિશાએ ઝડપથી કહ્યું.

'અરે પણ તે એકલો નથી હોતો, તેની સાથે તેનાં ફ્રેન્ડ્સ હોય, આજુબાજુમાં બીજા લોકો હોય, કેવી રીતે વાત કરવી?' મેં કહ્યું.

'નામ ખબર છે એનું?' મિશાએ મને પૂછ્યું.

'ના.' મેં કહ્યું.

'લ્યો, નામ પણ ખબર નથી? તેનાં ફ્રેન્ડ્સ તેને બોલાવતાં હોય ને તે સાંભળ્યું હોય?' મિશાએ કહ્યું.

'ના યાર, નથી સાંભળ્યું મેં.' મેં મિશાને કહ્યું.

'તો પહેલાં તારે તેનું નામ જાણવું પડશે.' મિશાએ મને કહ્યું.

'પછી?' મેં મિશાને પૂછ્યું.

'શું પછી? જો નામ ખબર પડી જાય તો તું એને સોશિઅલ મિડિયામાં સર્ચ કરી શકે ને! પછી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને વાત કરી લે જે અને જે તારાં દિલમાં હોય તે કહી દે જે.' મિશાએ સરળ ઉપાય બતાવ્યો.

'પણ પહેલાં નામ તો જાણી લઉં, પછી આગળ વાત.' મેં મિશાને કહ્યું અને અમે સુવાની તૈયારી કરવા લાગી.

***

એક દિવસ રોજ ની જેમ જ હું બપોરે જમીને બહાર બેઠી હતી, તે પણ તેનાં મિત્રો સાથે બાલ્કનીમાં ઉભો હતો, હું તો બસ તેને જ નિહાળતી હતી એવામાં પાછળથી અવાજ આવ્યો,' અનંત! તારું કુરિયર આવ્યું છે.' 

તેણે આંગળી પોતાનાં તરફ કરીને કહ્યું,' મારું?'.

'હા તો તારું જ નામ અંનત પટેલ છે ને! આ કુરિયરવાળા ભાઈએ અંનત પટેલ કહ્યું, તો બીજું કોઈ છે? આવ જલ્દી.' મારી પાછળ ઉભેલી તેની ઓફિસની છોકરીએ કહ્યું અને તે જલ્દીથી શર્ટની સ્લીવ સરખી કરતો પગથિયાં ચડવા માંડયો. 

'અનંત! અનંત પટેલ!, વાહ જેવો તે પોતે છે તેવું જ તેનું નામ છે, ધરા અને અંનત, અનંત અને ધરા, તે પણ પટેલ અને હું પણ પટેલ,તારી જોડી તો જામી ગઈ.' હું મનમાં ને મનમાં હરખઘેલી થઈ ગઈ, તેનું નામ મારાં નામ સાથે જોડીને આનંદિત થઈ ગઈ.

'અનંત પટેલ! તને તો હવે હું ગમે ત્યાંથી શોધી જ લઈશ.' હું મનમાં બોલી અને ઓફિસમાં જવા માટે ઉભી થઈ.

તેનાં જ વિચારોમાં સાંજ પડી ગઈ અને હું ઓફિસથી મારાં રૂમ પર આવી. જલ્દીથી મિશાને વાત કરી દઉં પણ પછી યાદ આવ્યું કે મિશા તો આજે તેનાં માસીનાં ઘરે પ્રસંગમાં જવાની હતી વડોદરા.

હું ફ્રેશ થઈને જમવા ગઈ અને પછી લેપટોપ લઈને બેઠી. હવે મિશન ચાલુ કરવાનું હતું 'સર્ચ અનંત પટેલ'.

મેં સોશિઅલ મિડિયામાં સર્ચ કર્યુ, અનંત પટેલ, અને આખરે મને તેની પ્રોફાઈલ મળી જ ગઈ, મેં કંઈ પણ વિચાર્યા વગર સીધી જ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી દીધી.

'તે મને ઓળખી તો જશે જ ને? ફોટો જોશે એટલે તેને ખ્યાલ તો આવી જ જશે.' એમ વિચારતી હું વારંવાર  સોશિઅલ એપમાં જોવા લાગી, તેણે મારી રિકવેસ્ટ સ્વીકારી કે કેમ, રાહ જોતાં જોતાં રાતનાં ૧૧ વાગી ગયા પણ તેનો કોઈ રિસ્પોન્સ આવ્યો નહિ, અંતે હું થાકીને સુઈ ગઈ.

મનમાં બસ એક જ ઈચ્છા હતી કે તે મારી રિકવેસ્ટ જોઈ લે અને મને પોતાની સોશિઅલ ફ્રેન્ડ બનાવી લે.

અનંતનાં મીઠા મીઠા સપનાં જોતાં રાત કેમ વીતી ગઈ ખબર જ ના પડી.

સીધી સવારે ૭ વાગ્યે આંખ ખૂલી, આંખ ખૂલતાંની સાથે જ પહેલાં મેં ફોન હાથમાં લીધો, સોશિઅલ એપમાં જોતાં જ હું ગાંડી થઈ ગઈ, અનંતે મારી રિકવેસ્ટ સ્વીકારી લીધી હતી, મેં જોયું તો તે ઓનલાઈન જ હતો, મેં સીધો જ શુભ સવાર સાથે રિકવેસ્ટ સ્વીકારવા બદલ આભાર વ્યકત કરતો મેસેજ તેને કર્યો.

પાંચ મિનિટ પછી તેનો જવાબ આપ્યો, 'વેલકમ ????'.

મને આગળ કંઈ સમજાતું ના હતું કે શું લખું?

'સીધું જ કહી દઉં કે હું તને પ્રેમ કરું છું, તું મને બહુ ગમે છે, કે પછી પહેલાં દોસ્તી માટે કહું?' હું મનમાં જ વિચારતી બેઠી હતી.

'એક વાત કહેવી છે તને.' મેં પાછો અનંતને મેસેજ કર્યો.

'હા, બોલ, શું કહેવું છે.' તેનો મેસેજ આવ્યો.

'મેં જ્યારથી તને જોયો છે, હું પાગલ થઈ ગઈ છું, તું મને ગમવા લાગ્યો છે, મને તારાથી પ્રેમ થઈ ગયો છે, મારી સાથે દોસ્તી કરીશ?' મારાં દિલમાં જે હતું તે બધું જ એકસાથે મેં તેને મેસેજમાં કહી દીધું અને ભારે છાતીએ ઉંડો શ્વાસ લીધો.

'તેનો શું જવાબ આવશે? હા હશે કે ના? આ મારી મૂર્ખામી તો નહિ હોય ને?' મારી પાસે ઘણાં સવાલો હતા અને જવાબ એક માત્ર અનંત હતો.

થોડીવાર પછી તેનો મેસેજ આવ્યો, 'મને માફ કરજે, હું પહેલાંથી જ કોઈ બીજાનાં પ્રેમમાં છું.' 

બસ વાત પૂરી, પણ મારી આ પ્રેમ કહાની હજી પૂરી નથી થઈ.

***

એ વાત ને બે મહિના વીતી ગયા.

સમય પસાર થયો હતો પણ હું તો ત્યાંની ત્યાં જ હતી, પહેલાંની જેમ જ મારા અનંતની પાછળ પાગલ, તેને જોવા અધીરી મારી આંખો આજે પણ તેને જ શોધ્યા કરે છે, પણ તે, ક્યાં હવે પહેલાની જેમ મારી સામે આવીને ઉભો રહે છે!

મારા એક મેસેજે જાણે તેને જોવાનો અધિકાર પણ મારી પાસેથી છીનવી લીધો.

'એવી તે કેવી છોકરી હશે? જેને અનંત પ્રેમ કરતો હશે! મારા કરતાં પણ વધુ તે અનંત ને પ્રેમ કરતી હશે? મારી જેમ જ તે તેની દીવાની હશે? મારા કરતા પણ તે વધુ સુંદર હશે? કેટલી ભાગ્યશાળી હશે તે! જેને અનંત મળ્યો, અને હું કેટલી બદનસીબ છું કે તેનાં માટે તડપું છું.' બસ એ જ વિચાર કરતી પગથિયે બેઠી હતી ત્યાં કોઈ બાજુમાંથી પસાર થયું અને તેનાં ફોનમાં ગીત વાગતું હતું, 'કોઈ તો વાલમના જઈ કાનોમાં કેજો રે, કે મારા દિલમાં રહેજો રે'.

મારી આંખો ભરાઈ આવી, હું ઝડપથી મારી આંખોનાં પૂરને પાછું વાળીને ઓફિસમાં આવી ગઈ.

સાંજે હું ફોનમાં જોતી બેઠી હતી.

'ધરા! કાલે રજા છે તો ચાલ કંઈક પ્લાન કરીએ.' મિશાએ કહ્યું.

'શેનો પ્લાન?'  મેં પૂછ્યું.

'અરે કંઈક કરીએ, ફિલ્મ જોવા જઈએ કાં  તો પછી કાંકરિયા જઈએ.' મિશાએ કહ્યું.

'હા તો જઈએ ને.' મેં ટૂંકમાં જવાબ આપ્યો.

'ક્યાં જવું છે? તું કે ત્યાં જઈએ.' મિશાએ કહ્યું.

હું જાણતી હતી કે મિશા આ બધું મારાં માટે કરી રહી હતી, તે મને પહેલાંની જેમ ખુશ જોવા માંગતી હતી જેવી અનંતને જોયા પહેલાં હતી, અનંતને જોયા પછી તો તે જ મારી ખુશી હતી.

'પણ ઠીક છે, એમાં અનંતનો તો કોઈ દોષ જ નથી, હું જ પાગલ છું, હું જ તેને પ્રેમ કરું છું, તે પણ મને પ્રેમ કરે એવું થોડી જરૂરી છે! તેની પોતાની સ્વતંત્ર જીંદગી છે, હું એનાં માટે કોણ છું? કંઈ જ નહિ.' મારા મનમાં મંથન ચાલી રહ્યું હતું.

'શું વિચારમાં પડી ગઈ? બોલ ક્યાં જાશું?' મિશાએ પાછું પૂછ્યું.

'અરે હું એ જ વિચારું છું કે ક્યાં જવું? એક કામ કરીએ, કાંકરિયા જઈએ.' મેં મારા મનનાં ભાવને છુપાવતાં કહ્યું.

અમે સવારે દસેક વાગ્યે કાંકરિયા પહોંચી ગયા હતા, ત્યાં મેં અને મિશાએ ખુબ મજા કરી.

હું અને મિશા પાર્કમાં બેઠાં હતા ત્યાં મારી નજર અચાનક જ અનંત પર પડી, તેની સાથે કોઈ છોકરી ના હતી, એક છોકરો હતો, કદાચ તેનો ફ્રેન્ડ હશે.

'અનંત?' મારાથી રહેવાયું નહિ અને હું બોલી ઉઠી.

'તું સાચે અનંત પાછળ પાગલ થઈ ગઈ છે, શું અનંત અનંત કરે છે?' મિશાએ કહ્યું.

'અરે જો સામે, અનંત છે.' મેં કહ્યું.

'ક્યાં છે? મને બતાવ, તે મને ફોટો તો બતાવ્યો નહિ હવે રૂબરૂ તો બતાવ.' મિશાએ કહ્યું.

મેં અનંત સામે આંગળી ચીંધી.

'અનંત?' અનંતને જોતાં જ મિશાની આંખો પહોળી થઈ ગઈ.

મને કંઈ સમજાયું નહિ કે અનંતને જોઈને મિશા એકદમ ચોંકી કેમ ગઈ.

'શું થયું? મેં પૂછ્યું.

'કંઈ નહિ, સરસ છે અનંત.' મિશાએ તેનાં હાઉભાવ બદલતા કહ્યું.

'તું અનંતને સાચે પ્રેમ કરે છે?' મિશાએ મને પૂછ્યું.

'હા તો સાચે જ ને, કેમ આવું પૂછે છે?' મેં કહ્યું.

'પણ હવે તો તને ખબર છે કે અનંત કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે, તો પણ તું…!' મિશાએ કહ્યું.

'સાચું કહું તો મારા દિલનાં કોઈ ખૂણે હજી પણ મને વિશ્વાસ છે કે અનંત મને મળશે, ઈ મારા વ્હાલાને મેળવવામાં મારો વ્હાલો જરૂરથી મારી મદદ કરશે, મને મારા ભગવાન પર ભરોસો છે, મારા પ્રેમ પર ભરોસો છે, અનંતને પણ ક્યારેક અહેસાસ થશે.' મેં કહ્યું.

***

કાંકરિયા ગયા એને અઠવાડિયું થઈ ગયું હતું, પાછી રજા આવી ગઈ, હું તૈયાર થઈને લેપટોપ લઈને બેઠી હતી.

મિશા પણ બે ત્રણ દિવસથી રાજકોટ હતી તેનાં કાકાનાં દીકરાનાં લગ્નમાં, તો એકલા સમય પણ નોહ્તો જતો.

મેં સોશિઅલ એપ ખોલી, ઈનબોક્સમાં મેસેજ આવેલો હતો, પણ હું જોવા ન્હોતી માંગતી, અનંતનો મેસેજ ના હોય તો બીજાંનાં મેસેજ વાંચીને શું કરવા? પણ વળી મારું મન બદલાયું, જોઈ તો લઉં, નક્કી ના હોય, ક્યાંક અનંતનો મેસેજ પણ હોય!

મેં ઈનબોક્સ ખોલ્યું, અને નામ શું હતું?  'અનંત પટેલ.'

'ઓહ માય ગોડ.'  થોડીવાર માટે તો નક્કી જ ના કરી શકી કે આ સપનું છે કે સચ્ચાઈ!

મેં જલ્દીથી મેસેજ ખોલ્યો.

એમાં લખ્યું હતું, 'હાઈ ધરા, મારી સાથે દોસ્તી કરીશ?' 

મેં આંખો ચોળી, 'આ ખરેખર અનંતે લખ્યું છે? મને વિશ્વાસ નથી આવતો.' મારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું.

મને કંઈ સમજાયું જ નહિ કે શું જવાબ આપું.

દિલની ધડકન એકદમ તેજ થઈ ગઈ.

મેં કંઈ જવાબ ના આપ્યો એટલે થોડીવાર પછી તેનો પાછો મેસેજ આવ્યો, '???'.

'કેમ કરીને કહું તને કે હું તો તારી જ રાહ જોઈને બેઠી છું.' હું સ્વગત બોલી.

'હા.' મેં તેનાં મેસેજનો જવાબ આપ્યો.

'મારી દોસ્ત બનવા માટે આભાર.' અનંતનો  મેસેજ આવ્યો.

'વેલકમ.' મેં લખ્યું.

'હું નિરાંતે વાત કરું, અત્યારે થોડો કામમાં વ્યસ્ત છું, બાય.' તેનો મેસેજ આવ્યો.

'ઓકે, બાય.' મેં સામે જવાબ આપ્યો અને અમારી વાત પૂરી થઈ પણ ખરેખર તો અમારી વાતની શરૂઆત થઈ.

બીજે દિવસે અનંતનો કોઈ મેસેજ ના આવ્યો, મેં તેને ઓફિસ પાસે પણ ક્યાંય ના જોયો.

પણ મેં તેને મેસેજ ના કર્યો, હજી એકવાર હું તેનો સામેથી મેસેજ આવે એની રાહ જોવા માંગતી હતી.

એમ કરતાં દિવસ પસાર થઈ ગયો, સાંજ પડી ગઈ અને હું જોબ પરથી રૂમ પર આવી.

મિશા આજે આવી ગઈ હતી. 

'ઓહો! અનંતનો મેસેજ આવી ગ્યો એમ ને!' રૂમમાં દાખલ થતાંની સાથે જ મિશા બોલી.

'તને કોણે કહ્યું કે અનંતનો મેસેજ આવ્યો મને?' હું તો સીધી શરમની મારી મિશાને વળગી પડી.

'તારા ઈ અનંતે.' મિશાએ કહ્યું.

'શું? અનંત તને ક્યાં મળ્યો? તું તો રાજકોટ થી હજી આજે આવી.' મેં આશ્ચર્યથી પૂછ્યું.

'તે પણ ત્યાં હતો લગ્નમાં, રાજકોટ.' મિશાએ હસતાં હસતાં કહ્યું.

'તું મસ્તી ના કર મિશુડી, સરખું કે મને.' મેં અકળાઈને કહ્યું.

'અરે બુદ્ધુ! તું જેને પાગલની જેમ પ્રેમ કરે છે ને તે અનંત મારો ભાઈ છે.' મિશાએ કહ્યું.

'શું!! અનંત તારો ભાઈ છે? તારા ભાઈને તો મેં જોયો છે.' મેં કહ્યું.

'હા, અનંત મારા કાકાનો દીકરો છે અને રાજકોટ અમે લગ્નમાં સાથે જ હતા.' મિશાએ મને જોરદાર ઝટકો આપ્યો.

'તો આપણે કાંકરિયા ગયા ત્યારે….!' મેં કહ્યું.

'હા, એટલે જ તો હું અનંતને જોઈને ચોંકી હતી, પણ મારે આખી વાત જાણવી હતી, ત્યારે તમને બંનેને એક કરવાનું મેં નક્કી કરી લીધું હતું પણ ત્યારે સમય ના હતો કે હું તને કે અનંતને કંઈ વાત કરું અને આમ પણ મારે રાજકોટ જવાનું હતું લગ્નમાં તો અનંત પણ ત્યાં આવવાનો જ હોય અને અનંત પણ તારી જેમ મને પોતાની બધી અંગત વાતો જણાવતો હોય.' મિશાએ કહ્યું.

'પણ અનંત તો બીજી કોઈ છોકરીને પ્રેમ કરતો હતો, તો તે કેવી રીતે…?' મારાં મનમાં હવે સવાલો જાગતાં હતા.

'હું તને બધું સમજાવું, અનંત જે છોકરીને પ્રેમ કરતો હતો તે ખરેખર પૈસાને પ્રેમ કરતી  હતી, અને અનંત કરતાં પણ પૈસાવાળો છોકરો પટાવી તે તેની સાથે મુંબઈ ભાગી ગઈ એટલે અનંત અંદરથી સાવ ભાંગી પડયો, પછી એને મને તારા મેસેજની વાત કરી, મેં તેને કહ્યું કોણ 'ધરા પટેલ'? તો તે પણ તારી જેમ ચોંકી ગયો કે મને કેમ ખબર પડી નામ વિશે, પછી મેં તારી બધી હકીકત તેને જણાવી, તું મારી ફ્રેન્ડ છો  અને તું એને કેટલો પ્રેમ કરશ તે બધું જણાવ્યું અને સમજાવ્યો.' મિશાએ તેની આખી વાત મને કહી.

હું તો રડી જ પડી, મિશાને ગળે વળગીને.

મિશાએ પોતાના ખભે રહેલો સ્ટોલ મારી માથે ઓઢાડીને કહ્યું, ' હવે રડ નહિ, તને તો મારી ભાભી બનાવીને અમારાં આંગણે તારાં કંકુ પગલાં પડાવીશ.'

બસ, પછી તો હું અને અનંત એકબીજાં ને મળવા લાગ્યા, ઓળખવા લાગ્યા, પસંદ કરવા લાગ્યા અને પ્રેમ કરવા લાગ્યા.

અને અમારી એ પ્રેમ કહાની લગ્નનાં માંડવા સુધી પહોંચી.

ધરા અને અનંતનો પ્રેમ અમર થઈ ગયો.

I Love You Anant...????

***

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ