વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શ્રદ્ધા

 

-----------------------------------------------। શ્રધ્ધા ।----------------------------------------

                                                ---અર્જુનસિંહ.કે.રાઉલજી

        સુમતિએ ભગવાન સમક્ષ દીવો મૂક્યો , પ્રાર્થના કરી કંઇક અને તેની નજર સામેની દિવાલ ઉપર લટકતા  તેના અને સુમનભાઇના કપલ  ફોટા ઉપર પડી , અને જાણે કે તેની આંખો ચૂઇ પડી , તેણે જમણા હાથની પહેલી આંગળીથી બહાર ધસી આવેલાં અશ્રુબિંદુને દૂર કર્યાં.. જાણે કે આ રોજનો જ ક્રમ થઈ ગયો હતો .તે જ્યારે જ્યારે ઘરમંદિરે દીવો કરી ભગવાનને નમન કરતી હતી ત્યારે ત્યારે તેની નજર એ ફોટા ઉપર પડતી હતી અને તેની આંખમાંથી આંસું બહાર ધસી આવતાં હતાં . છેલ્લા ચાર મહિનાથી જ્યારથી સુમનભાઇ નેહાની શોધ કરવા ગયા હતા ત્યારથી જ તેમની યાદ આવતાં જ તે રડી પડતી હતી ..! બાકી કેવો સુખી સંસાર હતો તેમનો ......!

        તે પરણીને આવી ત્યારથી જ સુમનભાઇ અને તેમનાં મમ્મી – પપ્પા પણ પોતે જ્યાં સુધી જીવતાં હતાં ત્યાં સુધી તેને હથેળીમાંજ રાખતાં હતાં..! અને સુમનભાઇની તો વાત જ શી કરવી ? તે પરણીને આવી તે રાત્રે તો બે હાથે બાથમાં ઘાલીને ગોળ ગોળ ફેરવી હતી –ચોતરફ..તે ... “ છોડી દો.. પડી જઈશું બંને ..” બૂમો પાડતી જ રહી હતી .

        દીવો લઈને શોધવા નીકળીએ તો પણ સુમનભાઇ જેવો પતિ તો નસીબદારને જ મળે ..! અને સુમતિ ક્યાં એટલી બધી નસીબદાર હતી ..?! માંડ માંડ પૂરું થતું હોય તેવું નિમ્ન મધ્યમ વર્ગનું કુટુંબ હતું તેનું .. દહેજ આપવાની પણ ત્રેવડ નહોતી – તો પણ પહેલી નજરે સુમનભાઇને સુમતિ ગમી ગઈ હતી , આથી તેમણે માત્ર કંકુ અને કન્યા જ માંગી હતી , બીજું કશુંજ નહીં...માત્ર પહેરેલાં કપડે જ આવશે તો પણ ચાલશે – તો પણ ઘરમાં કે કુટુંબમાં કોઇ તેને કોઇપણ પ્રકારનાં મહેણાં નહીં જ મારે –એની ગેરંટી આપી હતી –સુમનભાઇ અને તેમનાં માતાપિતાએ ..! માત્ર એટલુંજ નહીં , પણ તેમણે તેને ઢગલો પ્રેમ આપ્યો હતો ..! તેને સાસુ સસરાનો તો અઢળક પ્રેમ મળ્યો હતો , પણ તેનાથીય વધારે સવાયો પ્રેમ સુમનભાઇએ તેને આપ્યો હતો ..! તે પોતાની જાતને નસીબદાર માનતી હતી ..

        તે વખતે તેને  ટાઇફોઇડ થઈ ગયો હતો અને તેને હોસ્પીટલાઇઝ્ડ કરી હતી –લગભગ દ્સથી બાર દિવસ માટે . તે સમયે દવાખાનામાં સુમનભાઇ જ તેની સાથે રહ્યા હતા , મન મૂકીને તેની સેવા કરી હતી તેની ...! પાંચે આંગળીએ મહાદેવજી પૂજ્યા હોય તો જ આવો પતિ મળે ..! સુમનભાઇ માત્ર પતિ જ નહોતા , પણ સાચા અર્થમાં જીવનસાથી જ હતા .પત્નીના દુ:ખે દુખી થનાર અને પત્નીના સુખે સુખી થનાર ..! પત્નીનો પડ્યો બોલ ઝીલનારા ..! પરણીને આવી ત્યારે તો તેને એવી પણ આશા નહોતી કે તેનો પતિ તેને હનીમુન માટે  લઈ જશે ..! સામાન્ય મધ્યમવર્ગની યુવતીની માફક જ તેમનો સંસાર શરૂ થશે – એવું તેણે તો માન્યું હતું , પણ સુમનભાઇ તેને હનીમુન માટે કાશ્મીર લઈ ગયા – તે પણ તેમણે પોતે કરકસર કરીને બચાવેલા પોતાના પગારમાંથી ... પુરા આઠ દિવસ અને નવ રાત તેમણે મજા કરી હતી , ભર ઉનાળે કાશ્મીરની ખીણોમાં ...! જીવનનો ભરપૂર આનંદ લૂંટ્યો હતો એ લોકોએ તે વખતે તો ..!

        સુમતિને ટાઇફોઈડ થયો અને દવાખાનામાં દાખલ કરી ત્યારે પણ સુમનભાઇ રાત દિવસ તેની સાથેને સાથે જ રહ્યા હતા –તેના પડછાયાની માફક જ .. તે જાગે ત્યારે જ સુમનભાઇ ઉંઘ આવતી હોય તો પણ જાગતા , અને તે ઉંઘે ત્યારે જ ઉંઘતા . અરે ! એ તો ઠીક , પણ સુમનભાઇને ચાની ટેવ હતી –દિવસમાં ચાર પાંચ વખત ચા ના પીએ , તો તેમનું માથું દુખે .. તો પણ તેમણે પોતાની સુમતિ માટે ચાની બાધા રાખી હતી ..અને તેને દવાખાનામાંથી રજા આપી , ઘેર લાવ્યા અને ડોક્ટરે તે સંપૂર્ણ રોગમુક્ત છે , હવે બધા પ્રકારનો ખોરાક લઈ શકશે –એવું કહ્યું ત્યાર પછી જ ચા પીધી હતી ..! આવો દેવતા જેવો પતિ તેને મળ્યો હતો ...પણ ના જાણે કોની નજર તેમના દામ્પત્યને લાગી ગઈ ..?!

        છેલ્લા ચાર મહિનાથી સુમતિ એકલી પડી ગઈ , સુમનભાઇ કોણ જાણે ક્યાં દુનિયાના મેળામાં ખોવાઇ ગયા ...? ના કોઇ ફોન , ના મેસેજ ... કોણ જાણે ક્યાં સંતાઇ ગયા ? સુમતિ રડી રડીને દિવસો કાઢતી હતી , તેની તો સૂડી વચ્ચે સોપારી જેવી હાલત હતી , ના તો પતિના કોઇ સમાચાર મળતા હતા કે ના તેઓ જેને શોધવા અને પાછી લાવવા ગયા હતા તે નેહાના..! તેણે  બંનેના ખોવાયાની પોલિસ ફરિયાદ પણ આપી હતી , પણ પોલિસ ખાતું શું કરતું હતું –તેની પણ કોઇ ખબર પડતી નહોતી .ના.. નેહાના કોઇ સમાચાર મળતા હતા , ના સુમનભાઇના કોઇ વાવડ .બંને બાપ દિકરીને કોણ જાણે આકાશ ખાઇ ગયું કે પછી ધરતી ગળી ગઈ ..! ધરા ઉપરથી અદશ્ય જ થઈ ગયાં બંને ..! સુમતિએ પણ ઢગલો બાધાઓ રાખી હતી .કેટલા બધા વાર તે નકોરડા કરતી હતી .રોજ મહાદેવના મંદિરે જતી હતી , શિવલિંગ ઉપર જલાભિષેક કરતી હતી , બિલિપત્ર ચઢાવતી હતી , સૂર્ય નારાયણને અને તુલસીએ પણ જળ ચઢાવતી હતી ...ચાર ચાર મહિના વીતી ગયા હતા , છતાં એમના તરફથી કોઇ જ સમાચાર જ નહોતા . હવે તો સુમતિની ધીરજ પણ ખૂંટી ગઈ હતી .

        એ ગોઝારી રાત અને એ કપરા દિવસો યાદ આવતાં હજુ પણ સુમતિ ધ્રૂજી ઉઠતી હતી ..!

                        +                                               +

                નેહા નવમા ધોરણમાં આવી અને તેનું સ્કુલનું નવું સત્ર શરૂ થયું ત્યારથી જ નેહા કંઇક બદલાયેલી લાગતી હતી . બહુ સીધી સાદી નેહા હવે તો જાણે કે હવામાં ઉડવા લાગી હતી . તેની શરૂઆત થઈ તેની ભાષાથી . હા.. નેહા હવે તો ઘરમાં અને બહાર છાશવારે ઉર્દુ મિશ્રિત હિંદી બોલવા લાગી હતી – યે તુમ્હારી સમજસે બહારકી બાત હૈ અબ્બા જાન .. હા.. હવે તે પપ્પાના બદલે અબ્બાજાન અને મમ્મીના બદલે અમ્મા જાન કહેતી થઈ ગઈ હતી .સુમનભાઇ તો પોતાના ધંધામાંથી આ બધું જોવા કે માર્ક કરવા નવરા જ નહોતા પડતા , પણ સુમતિએ એક દિવસ નેહાને ટોકી ,” દિકરી , તેં આ બધું શું માંડ્યું છે ? આ હિંદી અને ઉર્દુનું ભૂત તને ક્યાંથી વળગ્યું ? “

        નેહા હસવા લાગી અને હસતાં હસતાંજ બોલી ,” હિંદી અપુનકી રાષ્ટ્ર ભાષા હૈ –યે તુમ જાનતી હો અમ્મી ? હમેં ઉસકા સન્માન કરના ચાહિએ , ઉસે અપનાના ચાહિયે ... ઓર જો મજા , મીઠાસ ઓર ચાર્મ ઉર્દુમેં હૈ વો ગુજરાતીમેં કહાં ? “ સુમતિ તો શું બોલે ? આ બધું તેની સમજ બહારનું હતું.. તેણે આ વાત સુમનભાઇને પણ કરી , પણ સુમનભાઇએ તો તે હસીને જ કાઢી નાખી .

        થોડા દિવસ પછી નેહાએ સમાચાર આપ્યા કે તેમની સ્કુલમાં “ ઇંડિયા બચાઓ અભિયાન શરૂ થયું છે અને નરેશ તેનો પ્રતિનિધિ છે .સુમતિએ આ તરફ કોઇ ધ્યાન આપ્યું નહીં .. તે એટલું તો સમજી શકતી હતી કે આ કોઇ દેશ બચાવવાની ઝુંબેશ છે ..!

        બીજા પંદર દિવસ પછી નેહાએ ઘરમાં કહ્યું કે તે અને નરેશ ફાસ્ટ ફ્રેંડ થઈ ગયાં છે .બંને સ્કુલમાં સાથે ને સાથે જ રહે છે . એમાં પણ સુમતિ કે સુમનભાઇને ક્યાં કોઇ વાંધો હતો ? પણ હવે તો ધીરે ધીરે નેહા અને નરેશના સંબધો આગળ વધી રહ્યા હતા , એવું નેહાના વર્તન ઉપરથી સુમતિ અને સુમનભાઇને લાગી રહ્યું હતું .ક્યારેક તો તે બધાંની વચ્ચે બેઠી હોય ત્યારે પણ સુનમુન થઈ જતી , કદાચ દુનિયાના મેળામાં એકાંત શોધતી હોય તેમ ..! આખો દિવસ હિંદી અને ઉર્દુ જ બોલ્યા કરતી ..ત્યાં સુધી પણ સુમનભાઇ અને સુમતિને વાંધો નહોતો ...પણ ..પણ .. એક દિવસ નેહાએ ધડાકો કર્યો –“ મૈ ઓર નરેશ નિકાહ પઢનેવાલે હૈ ...અબ તો નરેશકે અબ્બા ઓર અમ્મી હી મેરે અબ્બા ઓર અમ્મી હૈ , મુજે જો પૂરા જીવન ઉનકે સાથ બિતાના હૈ ..” બસ ... પતી ગયું...! દિકરી હાથમાંથી નીકળી ગઈ હતી .તેમણે પૂરો પ્રયત્ન કર્યો તેને પાછી વાળવાનો ..પણ પર્વતીય પ્રદેશમાંથી મેદાનમાં ઉતરી ગયેલી નદીને કોણ રોકી શકે છે ..? જે થવાનું હતું તેજ થયું...એમના લાખ વારવા છતાં પણ એક દિવસ નરેશ નેહાને લઈને ભાગી જ ગયો –તેમાંય નેહાનો નહીં , પણ નરેશનો ફોન આવ્યો ,” મૈ નેહાકો લેકર જા રહા હું , હમ શાદી કરનેવાલે હૈ .. બહુત દુર યુપી જા રહે હૈ –ઇસલિયે હમેં ઢૂંઢનેકી કોશિશ મત કરના ..હમ હાથ આનેવાલેં નહીં હૈ , થોડે મહિનો બાદ હમ ઇસ દેશકો છોડકર ચલે જાયેંગે ..” ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડ્યાં હતાં બંને પતિ પત્ની ... પોલિસ કમ્પલૈન પણ આપી શકતાં નહોતાં –સમાજમાં બદનામી થશે –ના ડરથી .. ચાર દિવસ સુધી તો ઘરમાં ચૂલો પણ નહોતો સળગ્યો . બે દિવસ તો રાંધ્યાં ધાન કૂતરાંને નાખ્યાં હતાં..! છોકરીએ આખરે મોંઢું કાળું કર્યું જ..! માબાપના મોંઢા ઉપર મેશ લગાડી ભાગી ગઈ ..બંને પતિપત્ની સાથે જ રડતાં.. .એકબીજાનાં આંસુ લૂછતાં , એક રડવાનું ચાલુ કરે એટલે બીજું રડવા માંડતું...પણ .. એ ગોઝારી રાતે કોઇક અજાણ્યા નંબર ઉપરથી નેહાનો ફોન આવ્યો .સુમનભાઇએ જ ફોન ઉપાડ્યો અને સ્પીકર ઉપર જ મૂક્યો , જેથી સુમતિ પણ સાંભળી શકે ---

---પપ્પા ..પપ્પા ..હું બરબાદ થઈ ગઈ , નરેશ હિંદુ નથી –આતંકી સંગઠનનો મેમ્બર છે .. એ લોકો પંદર સોળ જણ છે અહીં કાનપુરમાંજ ત્રણ માળના મકાનમાં રહે છે – માત્ર હિંદી અને ઉર્દુ જ બોલે છે –કદાચ બહારના મુલકમાંથી જ આવેલાં છે –ગેરકાયદે જ રહે છે , હું એકલી જ ઓરત છું..મારે બધા પુરૂષોને ...! “ કહેતાં કહેતાં તે રડવા લાગી ..રડતાં રડતાં બોલી ,” બુરખો પહેરવો પડે છે –ઘરની બહાર જતા નથી ..મુઝે બચા લો પાપા ..” અને અચાનક તમાચાનો અવાજ આવ્યો –ફોન કટ થઈ ગયો ..! સુમનભાઇ અને સુમતિ અવાચક થઈ ગયાં..! આ શું થઈ ગયું ? તેમની લાડકવાયી ક્યાં ફસાઇ ગઈ ..? રડી પડ્યાં.. અને પછી મન મક્ક્મ કરીને સુમનભાઇ બોલ્યા ,” સુમતિ , તું તારી જાતને સંભાળજે ..હું જાઉં છું આપણી નેહાને શોધવા ..આખી દુનિયા સામે લડી લઇશ , પણ નેહાને બચાવીને જ આવીશ –હું એ મોતના સોદાગરોના પંજામાંથી મારી દિકરીને બચાવીશ જ .. એને લીધા સિવાય હું પાછો નહીં આવું , મારી ચિંતા ના કરતી ..તું તારી જાતને સંભાળજે ..” કહી રડતા રડતા એ જતા રહ્યા –રાતના અંધારામાં ઉતરી ગયા , ઓગળી ગયા . એ રાત પછી સુમતિએ ઘણા પ્રયત્નો કર્યા પણ સુમનભાઇ કે નેહા કોઇનોય કોઇ પત્તો લાગ્યો નહીં , કોઇ સમાચાર કે મેસેજ મળ્યા નહી.. રડતી જ રહી સુમતિ .. સુમનભાઇની રાહ જોતી હતી –દામ્પત્ય ભાંગી પડ્યું..લાકડીનો ટેકો પણ ના રહ્યો .તે કરે તો પણ શું કરે ? ઓરત જાત ... !

અને તે દિવસે રાતે ...?!

                        +                                               +

        તે દિવસે રાતે લગભગ બે વાગ્યાની આસપાસ ..?! સુમતિ આખો દિવસ રડતી રહી હતી .હવે તો ઘરની બહાર પણ નીકળતી નહોતી . લોકો ચુંથી ખાય એ બીકે ..ઘરમાંજ જે હોય તે ભાવે કે ના ભાવે લુસ લુસ ખાઈ લેતી હતી . કોઇક વખત ખાધા વિના પણ દિવસોના દિવસો સુધી લાંધણ ખેંચી કાઢતી હતી .જીવનનો બધો જ રસ ઉડી ગયો હતો ..” હે ભગવાન ! હવે તો આ દોઝખમાંથી મને છોડાવ , મને મુક્તિ આપી દે ભગવાન ..” એમ હરતાં-ફરતાં પ્રાર્થના કરતી રહેતી . સુમનભાઇ કે નેહા આવશે –એવી રહી સહી આશા પણ હવે કે જાણે કે મરી પરવારી હતી . તે રાતે પણ ..મોડા સુધી તેને ઉંઘ આવી નહોતી . ઉંઘ પણ જાણે કે વેરણ થઈ ગઈ હતી ..મોડા મોડા આંખ મળી ગઈ હશેને ...લગભગ બે વાગ્યાની આસપાસ તેના ઘરનું બારણું જોરજોરથી ઠોકવાના અવાજો આવવા લાગ્યા ..સાથે સાથે “ મમ્મા...મમ્મા.. અમ્મા ...મા.... “ બૂમો રાતના શાંત વાતાવરણને ચીરતી ગુંજી ઉઠી .સુમતિ એકદમ ઝબકીને જાગી ગઈ જાણે કે .. હડબડાહટમાં આગલા બારણાના બદલે પાછલું બારણું ખોલ્યું..ઠંડા પવનની લહેરખી જુસ્સાભેર ધસી આવી , સુમતિનું આખું બદન કાંપી ઉઠ્યું..હજુ પણ આગળનું બારણું ઠોકવાના અવાજો આવતા હતા , ચીસો સંભળાતી હતી .સુમતિ આગળ દોડી અને ધડામ દઈને બારણું ખોલી નાંખ્યું...વંટોળની માફક જ નેહા અંદર ધસી આવી અને સુમતિને બાઝી પડી , જોરજોરથી રડવા લાગી . સુમતિએ તેના માથે અને બરડે હાથ ફેરવી તેને શાંત  પાડવાનો પ્રયાસ કર્યો .પાણીનો ગ્લાસ ભરી પાણી પાયું અને સુમતિના મોંઢામાંથી પહેલો પ્રશ્ન એજ નીકળ્યો કે –તારા પપ્પા કયાં ? કેવું સુખી દામ્પત્ય હતું ? વેરવિખેર થઈ ગયું .માનો પ્રશ્ન સાંભળી નેહા ફરીથી રડવા લાગી અને રડતાં રડતાંજ બોલી ,” કોણ જાણે મારા પપ્પા જીવે છે કે નહીં..કશી ખબર નથી ..” એ સાંભળતાની સાથે જ સુમતિ ધડામ દઈને ત્યાં ને ત્યાંજ ફસડાઇ પડી –જોરજોરથી તે પણ રડવા લાગી .

“ તે રાતે લગભગ દોઢ વાગ્યાની આસપાસ મારી ઉંઘ ઉડી ગઈ ..ઉનાળો હતો એટલે મેં બારી ખુલ્લી જ રાખી હતી .. ઘરના બધા જ પુરૂષો પોતપોતાની રૂમોમાં ઉંઘતા હતા . સ્ટ્રીટ લેમ્પના અજવાળામાં મેં પપ્પાને જોયા .પહેલાં તો ઓળખી જ ના શકી ..વધી ગયેલા વાળ અને દાઢીમુછ , ઉતરી ગયેલો ચહેરો , બેસી ગયેલા ગાલ ..કોણ જાણે કેટલાય મહિનાઓથી પપ્પા રાત દિવસ જોયા વિના કાનપુરની ગલીઓમાં ભટકતા રહ્યા હશે ..?! મને ઓળખાણ પડી એટલે મેં બૂમ પાડી ,” પપ્પા...અબ્બાજાન.. પ...પ..પા..” એમણે મારો અવાજ ઓળખ્યો એટલે આજુબાજુ ડાફોળિયાં મારવા લાગ્યા કે નેહાનો અવાજ ક્યાંથી આવ્યો ? હું બારણું ખોલીને બહાર આવી જેથી પપ્પા મને જોઇ શકે ..તે મારી પાસે આવ્યા અને મને બાથમાં લઈ લીધી પછી મને બહારની તરફ ધક્કો મારી ચીલ્લાયા ,” ભાગી જા બેટા ..” મેં જોયું તો એકસામટા બે આતંકવાદીઓ મારો અવાજ સાંભળી બહાર આવી ગયા હતા અને હાથમાં રીવોલ્વર લઈ પપ્પા તરફ ધસી આવ્યા હતા , મને બચાવવા જ પપ્પાએ ધક્કો મારી બહાર ફેંકી દીધી હતી , હું  પીંજરામાંથી છૂટેલા પોપટની પેઠે નાસી આવી ..પેલા લોકોએ પપ્પાને પકડી લીધા હતા એટલે તેમનો અંત ...?! નેહા શબ્દ પૂરો કરે તે પહેલાં તો સુમતિએ તેના હોઠ ઉપર પોતાની હથેળી દાબી દીધી અને જુસ્સાભેર બોલી ,” એમ મને એકલી મૂકીને ચાલ્યા જાય એવા તારા પપ્પા નથી જ ..બેટા ..એ આવશે , જરૂર આવશે ..જ્યાં સુધી એ નહીં આવે ત્યાં સુધી હું અન્નજળનો ત્યાગ કરું છું..” કહીને સુમતિ ત્યાંજ બેસી પડી ..!

“ મમ્મી , આ તેં શું કર્યું ? આવી બાધા લેવાય ? “

પણ સુમતિ અડગ હતી .તે ભગવાનને પ્રાર્થના જ કર્યા કરતી ,” હું મારો પ્રાણ ત્યાગ કરી દઈશ , પણ અન્નનો એક દાણો કે જળનું એક ટીપું પણ ગ્રહણ નહીં કરું..ભગવાન તારે જેટલી કસોટી કરવી હોય તેતલી કર , પણ મને મારું સૌભાગ્ય પાછું આપ.. સુમન સિવાય હું જીવી પણ નહીં  શકું કે મરી પણ નહીં શકું..”

બે દિવસ , ત્રણ દિવસ ..એમ કરતાં કરતાં પંદર દિવસ વીતી ગયા .સુમનભાઇનો કોઇ પત્તો નહોતો .સુમતિ હવે પથારીવશ થઈ ગઈ હતી . બેઠું પણ થવાતું નહોતું. આંખોના ડોળા બહાર આવી ગયા હતા , આખો દિવસ બારણા તરફ જ તાકી રહેતી હતી અને ...

        ખરેખર જ ચમત્કાર જ થયો .તે દિવસે બપોરે “ સુ..મ..તિ..” બૂમ પાડી તેઓ ઘરમાં દાખલ થયા .બંને પગ કપાયેલા હતા , ઘોડી એક બાજુ ફેંકી દીધી અને સુમતિને બાઝીને રડ્વા લાગ્યા , બોલ્યા ,” તારા પ્રેમે જ.. તારા જલેબી જેવા પ્રેમે જ મને જીવતો રાખ્યો , બાકી મારા બંને પગ કપાઇ ગયા હતા તો પણ હું આતંકવાદીઓને ભૂલા પાડીને આવી શક્યો ..” સુમતિ અને નેહા પણ રડતાંજ હતાં..!

                                        ---42 , ક્રુષ્ણશાંતિ સોસાયટી-2 , મુજમહુડા , અકોટા રોડ ,

                                        વડોદરા-390020.(મો) 9974064991 .

       

 

       

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ