વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગુલાબી આંખે જો તેરી દેખી

        સમી સાંજનો સમય હતી. 'ગુલાબી આંખે જો તેરી દેખી' ગીત ગાતાં ગાતાં અનુજ રોજની જેમ રિવરફ્રન્ટ પર બેઠાં બેઠાં સફેદ કૅન્વાસ પર અલગ અલગ રંગ રેલાવી રહ્યો હતો ત્યાં તેના કાને એક છોકરીનો હસવાનો અવાજ આવ્યો. અનુજે એ તરફ જોયું તેનાથી થોડે દૂર એક યુવતી હાથમા ડાયરી અને પેન લઈને બેસેલી હતી. એ યુવતીની બાજુમાં કોઈ કોલેજીયન વાપરે એવું એક બેગ પડેલું હતું. આજુબાજુમાં એ સમયે બીજું કોઈ ન હતું. વળી તે યુવતીના કાનમાં ઈયરબર્ડ પણ ભરાવેલા ન હતા એટલે એ યુવતી અચાનક કેમ હસી, એ અંગે અનુજના મનમાં પ્રશ્ન તો થયો પણ પછી કોલેજમાં પોતાના પ્રિયતમ સાથેના પલ યાદ કરી ને એ યુવતી હસતી હશે એવું અનુમાન કરીને અનુજ ફરીથી પોતાની ધુનમાં ગાવા લાગ્યો, 'ગુલાબી આંખે જો તેરી દેખી'


        અનુજે ફરીવાર એ રીતે ગાવાનું શરૂ કર્યું હતું ત્યાં ફરી એ યુવતીના હસવાનો અવાજ આવ્યો. અનુજે ફરીવાર એ યુવતી સામે જોયું પણ આ વખતે પણ અનુજ યુવતીના હાસ્ય પાછળનું રહસ્ય ન સમજી શકયો. એવુ બે ત્રણ વાર બન્યું એટલે અનુજને સમજાઈ ગયું કે તે યુવતી પોતે ગીત ગાય છે, એ વાત પર જ હસી રહી છે. અનુજ ભલે કોઈ પ્રોફેશનલ સિંગર ન હોય પણ કોઈ એની ગાયકી પર હસી જાય એવો બકવાસ સિંગર પણ ન હતો, એવું કમસેકમ અનુજ પોતે તો માનતો જ હતો. એટલે તેને એ યુવતીની સામે જોઈને કહ્યું, " એક્સ્કયૂઝ મી મિસ. "


         જવાબમાં પેલી યુવતી એ કહ્યું, " હા, બોલો. "


         યુવતી વડે બોલાયેલા માત્ર એ બે જ શબ્દો સાંભળીને અનુજને લાગ્યું કે, જાણે કે એ યુવતીના કંઠમાંથી મધ ટપકી રહ્યું હતું. બે ઘડી તો અનુજને મનમાં એમ પણ થયું કે આટલા મધુર અવાજની માલિક યુવતીને મારો અવાજ કરકસ લાગે એ નેચરલ છે, એને લીધે જ કદાચ એ હસતી હશે. અનુજના મનમાં વિચારોની એ રેલગાડી વધુ આગળ વધે એ પહેલા તેના કાન પર પેલી યુવતીનો મધુર અવાજ ફરીવાર આવ્યો, " શું કામ છે? "


          એ યુવતીનો મધુર અવાજ સાંભળીને અનુજ તેની સાથે વાકયુદ્ધમાં ઉતરવાનો પોતાનો આઈડિયા કેન્સલ કરી ચુક્યો હતો. તેને ખૂબ શાંત અવાજમાં એ યુવતીને કહ્યું, " હું કયારનો જોવ છું કે હું જેવું ગીત ગાવાનું શરૂ કરું છું કે તમે હસવા લાગો છો, માન્યું કે તમારો અવાજ ખૂબ મીઠો છે પણ તમે મારાં અવાજ પર આમ હસો એ તો બરોબર ન કહેવાય ને. "


           ફ્લર્ટ કરતાં કરતાં ફરિયાદ કરવાની અનુજની એ સ્ટાઇલ જોઈને પેલી યુવતી સહેજ હસી અને બોલી , " કોમ્પ્લીમેન્ટ માટે થેન્ક્સ, હું તમારા અવાજ પર હસતી ન હતી, તમારો અવાજ પણ ખૂબ સારો છે. હું તો બસ આ ગીતના શબ્દો પર હસી રહી હતી. "


        યુવતી એ પોતાના ફ્લર્ટના જવાબમાં સામે ફ્લર્ટ કર્યુ તેનાથી ખુશ થઈને સહેજ મલકાટ સાથે અનુજે એ યુવતી ને પૂછ્યું, " ગીતના શબ્દો પર મતલબ? મને કશું સમજમાં ન આવ્યું. "


        " આ ગીતમાં આમ તો ગુલાબી આંખનું કહે છે પણ લોકોની આંખ સામાન્ય રીતે ગુલાબી હોતી નથી એટલે આ ગીતમાં બીજી જ કોઈ આંખ ની વાત છે. " એમ કહીને પોતાની ડાયરી ને પેન બેગમાં મૂકીને પોતાના હોઠ પર હાથ ફેરવતા ફેરવતા એ યુવતી ત્યાંથી જવા લાગી અને અનુજ એ જગ્યા પર ઉભીને તેની વાત પર વિચાર કરવા લાગ્યો. પેલી યુવતીની વાતનો બીજો મતલબ અનુજને સમજમાં આવ્યો ત્યાં સુધીમાં તો એ ચાલી ગઈ હતી. 


        એ યુવતીનો મીઠડો અવાજ અને ડાર્ક હ્યુમર જોઈને અનુજનું હૈયું એ યુવતી માટે ધબકવા લાગ્યું હતું. તેના દિલમાં એ યુવતી સાથેનો પરિચય આગળ વધારવાની ઈચ્છા બળવતળ બનતી જતી હતી પરંતુ અનુજ તો એ યુવતીનું નામ પૂછવાનું પણ ભૂલી ગયો હતો. આવડા મોટા શહેરમાં નામ વિના કોઈ યુવતીને શોધવી એ કામ ખૂબ અઘરું હતું, એ વિચાર આવતા અનુજ થોડો ટેંશનમાં આવી ગયો પણ પછી તેને યાદ આવ્યું કે એ યુવતી આજુબાજુમાં જોઈને પોતાની ડાયરીમાં કશું લખી રહી હતી. એ વાત પરથી તેને અનુમાન લગાવ્યું કે એ યુવતી વારેવારે એ જગ્યા પર આવીને કશું લખતી હશે. એ અનુમાનને આધારે અનુજની અંદર ઉત્સાહનો સંચાર થઈ ગયો. એ હેલ્મેટ પહેરીને પોતાની બાઈક પર બેસીને ગુલાબી આંખે જો તેરી દેખી ગીત ગાતાં ગાતાં પોતાના ઘર તરફ જવા લાગ્યો.


         એ રાત અનુજને જાણે કે સદી જેવી લાગી. તે જેવો સુવાની ટ્રાય કરતો કે તરત જ તેના કાનના પડદા પર પેલી યુવતીના મધુરા અવાજનો ભાસ થવા લાગતો. પોતાના પચ્ચીસ વર્ષના જીવનમાં અનુજે પોતાની અંદર યુવાનીનો એવો થનગનાટ પહેલી જ વાર અનુભવ્યો હતો. બીજા દિવસે વહેલી સવારમાં જ અનુજ તૈયાર થઈને રિવરફ્રન્ટ પર તે યુવતીને ફરી મળવાની આશામાં પહોંચી ગયો. પરંતુ તેની એ આશા સાંજ પડતા સુધીમાં તો બેચેનીમાં ફેરવાઈ ગઈ. એ બેચેનીથી ભાગી છૂટવા માટે અનુજ ત્યાંથી જવા લાગ્યો ત્યાં જ તેના કાને ફરીથી એ જ મીઠો મધુરો અવાજ આવ્યો, " એક્સ્કયૂઝ મી મિસ્ટર. "


         એ અવાજ કાને પડતા જ અનુજની નજર એ તરફ ગઈ. થોડીકવાર સુધી એ નજર એમ ને એમ જ ચોંટી રહી. પેલી યુવતી આજે કોઈ અપ્સરા હોય એ રીતે તૈયાર થઈને આવી હતી. ગુલાબી રંગનું ટાઈટ ટીશર્ટ, લાઈટ બ્લ્યુ પેન્ટ, ગુલાબી શેડવાળા ચશ્માં, એ ચશ્માંની પાછળ ડોકાતી તોફાની આંખો અને ખુલ્લા વાળ:- એ બધા સાથે મળીને એ યુવતીના દેહલાલિત્યને એક અનોખો ઓપ આપી રહ્યા હતા. એ દેહલાલિત્યનું પોતાનું આંખ વડે પાન કરવાની લાલચમાંથી ભાગ્યે જ કોઈ નોર્મલ યુવક પોતાને રોકી શકે એમ હતો. અનુજ પણ એક નોર્મલ યુવક જ હતો એટલે એ યુવતીના એ રૂપને જોઈને તેની નજર એમ ને એમ અટકી ગઈ હતી. ત્યાં જ પેલી યુવતીનો અવાજ ફરી એના કાન પર આવ્યો, " ઓહ, હેલો મિસ્ટર, કયાં ખોવાઈ ગયા? શું જોવો છો? " એ વાક્ય બોલતા સમયે યુવતીને આંખ માં એક તોફાની મસ્તી હતી, એ અનુજના ધ્યાનમાં ન આવી. એ તો એ યુવતીના યૌવનને જોઈ રહેલી પોતાની નજરની ચોરી પકડાઈ જતા ડરી ગયો હતો.


        તેને એ યુવતીના ઠપકાના જવાબમાં ડરેલા અવાજમાં કહ્યું, " અ.. હું.. હું.. ના, હું તો ક. ક.. ક.. કશું જ જોતો ન હતો. "


        પેલી યુવતી સહેજ ઝૂકીને અનુજની નજીક આવી અને બોલી, " ઓહો, એવુ હતું તો પછી તમારી ગાડી કેમ આમ શાહરુખ ખાનની જેમ ક પર અટકી ગયેલી?, બાય ધ વે, તમારું નામ તો કહો, આ મિસ્ટર મિસ્ટર બહુ ઓડ લાગે છે. "


       યુવતીની એ હરકતને જોઈને અનુજના મનમાં ઝબકારો થયો કે જેને એ ઠપકો સમજી રહ્યો હતો એ તો ફ્રેન્ડશીપ માટેનો ઈશારો હતો. એ ઈશારો મળતા જ તેને દેવરાજ ઇન્દ્ર એ જેમ ગોવર્ધનધારી શ્રી કૃષ્ણ પર હુમલો કરવા માટે પોતાના બારેય મેધ છુટા મૂકી દીધા હતા ઠીક એજ રીતે પોતાની ફ્લર્ટસ્કિલને પેલી યુવતીને ઈમ્પ્રેસ કરવા માટે છૂટી મૂકી દેવાનું નક્કી કર્યું. એને પોતાનો હાથ હેન્ડશેક માટે પેલી યુવતી તરફ લંબાવીને કહ્યું, " મારું નામ અનુજ છે અને તમારું નામ શું છે મિસ યુનિવર્સ? "


         પેલી યુવતી એ પોતાનો હાથ અનુજના હાથમા મૂકીને કહ્યું, " મારું નામ અવંતિકા છે પણ લોકો મને પ્રેમથી અનુ કહે છે ને હા, હું કોઈ મિસ યુનિવર્સ નહીં. "


         "મારાં માટે તો તમે જ મિસ યુનિવર્સ છો. " એટલું બોલીને અનુજે અવાજમાં ખાસ લહેકા સાથે ઉમેર્યું, "મિસ અનુ , શું તમે મારી સાથે કોફીડેટ પર આવશો ?"


        અનુ શબ્દ બોલતા સમયે અનુજના અવાજમાં રહેલો લહેકો અવંતિકાના ધ્યાન બહાર ન રહ્યો. એ લહેકાના લીધે તેના ચહેરા પર એક સ્મિત આવી ગયું. એ સ્મિત સાથે જ તેને કહ્યું, " ઓહો તો જનાબ અનુજ ભારે અધીરા લાગે છે એટલે જ ડેટ પર લઇ જવા માંગે છે અને એય પાછી કોફીની"


        "હા, તો ડેટ પર જઈએ તો જ એકબીજાને વધુ ઓળખીએ ને." અનુજે કહ્યું.


      " હમ્મ, એ સાચું પણ તોય પહેલી જ મુલાકાત માં કોફીની ડેટનું કહો છો એટલે તમારો ઈરાદો મને નેક નથી લાગતો. " અવંતિકાએ કહ્યું.


      "લે કેમ? " અનુજે પૂછ્યું.


      " સાવ ભોળા ન બનો અને તમને જો સાચે જ ખબર ન હોય તો એ માટે તમે ગુગલમાં ઇફેક્ટ ઓફ કોફી ઓન હોર્મોન્સ સર્ચ કરી લો, એટલે તમને બધું સમજાઈ જશે. " અવંતિકા એ પોતાના સુકાઈ ગયેલા હોઠને જીભ ફેરવીને ભીના કરતાં કરતાં કહ્યું.


        અવંતિકાએ એવું કહ્યું એટલે અનુજે તરત જ ગુગલમાં એ સર્ચ કર્યું. ગુગલમાં જે રિઝલ્ટ આવ્યું એ જોઈને અનુજ શરમાઈ ગયો. અવંતિકાની વાતનો શું જવાબ આપવો એ તેની સમજમાં ન આવ્યું એટલે તે ચૂપ રહ્યો. તેની એ ચુપકીને જોઈને અવંતિકાએ વાતચીતનો દોર ફરીથી પોતાના હાથમા લેતા કહ્યું, " ચાલો, હવે વધુ વિચાર ન કરો, બાકી કોફીશોપ બંધ થઈ જશે. "


        અવંતિકાના એ વાક્યનો મતલબ હતો કે તેને અનુજની કોફીડેટ માટેની ઓફરને સ્વીકારી લીધી હતી. ગઈકાલ રાત સુધી જે યુવતી માત્ર સપનામાં આવી ને અનુજને હેરાન કરતી હતી એ કોફીડેટ માટે હા પાડી દે પછી અનુજની અંદરનો ઉત્સાહી યુવાન શાંત કેમ રહે? એ તરત જ અવંતિકા સાથે પોતાની બાઈક પર બેસીને શહેરની જાણીતી કોફીશોપ પર જવા માટે નીકળી ગયો. બાઈક જયારે કોફીશોપ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે રસ્તા પર આવતા બમ્પ, ખાડા અને ટ્રાફિકને લીધે અચાનક મારવી પડતી બ્રેકને લીધે સર્જાઈ રહેલી સ્થિતિની મજા લેતાં લેતાં અનુજ અને અવંતિકા કોફીશોપ પર પહોંચી ગયા.


        કોફીશોપને ગુલાબી રંગની થીમ પર ડેકોરેટ કરવામાં આવ્યું હતું. હળવા મ્યુઝિકની સાથે સુગંધિત મીણબત્તીમાંથી આવતો પ્રકાશ અને એક્સપ્રેસો કોફીની મહેક શોપના વાતાવારણને એક અલગ જ લેવલનો નશો આપી રહ્યા હતા.


          એ વાતાવરણમાં અનુજ અને અવંતિકા કોફીની ચુસ્કીઓ લેતાં લેતાં પોતાના કલાના શોખ અંગેની, સ્ટડી અંગેની, ઘર અંગેની, પેરેન્ટ્સની વિદાય બાદ સાવ એકલા દુનિયામાં કઈ રીતે રહ્યા એ અંગેની જેવી અલગ અલગ વાતો કરવા લાગ્યા. એ બંનેની આર્થિકહાલત મિડલક્લાસ કહી શકાય એવી હતી પણ કોઈ ખાસ જવાબદારી ન હોવાને તેઓ પોતાના શોખ વડે મળતી આવકમાંથી જ મોજીલું જીવતા શીખી ગયા હતા. ટૂંકમાં કહીએ તો એ બંનેની વાઈબ એકબીજા સાથે એકદમ મેચ થતી હતી. એ વાઈબ મેચ થવાને લીધે જ એકબીજા માટેનું તેમનું આકર્ષણ ધીમે ધીમે પ્રેમમાં બદલવા લાગ્યું હતું. એ પ્રેમને લીધે તેમની વચ્ચેની એ વાતચીત એકમેકનો હાથ હાથમા લેવો, ગાલ પર હાથ ફેરવવો, એકબીજામાં વાળમાં હાથ ફેરવવો જેવી હળવી રોમેન્ટિક મોમેન્ટ્સ તરફ આગળ વધવા લાગી હતી. એ મોમેન્ટ્સ વચ્ચે જ અનુજે અવંતિકાને પૂછ્યું, " કોફીની હોર્મોન્સ પરની અસર અંગે પ્રેક્ટિકલ ટ્રાય કરવી છે? "


          એના જવાબમાં કશું બોલવાને બદલે અવંતિકા અનુજનો હાથ જોરથી પકડીને બહાર તરફ જવા લાગી. થોડીકવારમાં એ બંને અનુજના ઘરે પહોંચી ગયા. અનુજે પોતાની પોકેટ માં રહેલી ચાવી વડે ઘરનો ડોર ઓપન કર્યો અને સ્ત્રી દાક્ષીણ્યના પ્રતીક તરીકે અવંતિકાને પહેલા અંદર જવા માટે કહ્યું. અવંતિકા ઘરમાં પ્રવેશી એ પછી અનુજ પણ ઘરમાં પ્રવેશયો અને ઘરનો દરવાજો બંધ થઈ ગયો. 


            અનુજને એક પછી એક બે ઉજાગરા થયાં હતા. એક 

અવંતિકાની યાદમાં અને બીજો અવંતિકાના સાથમાં. એ બે ઉજાગરામાંથી કયો ઉજાગારો વધુ મીઠો હતો એ અંગે વહેલી સવારે અનુજ વિચારી રહ્યો હતો ત્યાં જ તેના કાને અવંતિકાનો મધુર અવાજ આવ્યો, " તું શું વિચારે છે? "


       અવંતિકા એ પોતાને તમે અને બદલે તું કહીને બોલાવ્યો એ વાત અનુજે નોંધી. તેને અવંતિકાના માથા પર હાથ ફેરવીને કહ્યું, " બસ, તારા અંગે જ વિચાર કરતો હતો અનુ ."


       "ઓહો એમ, તો તું પણ મારી જેમ આપણે મેરેજ કયારે અને કઈ રીતે કરશું એ અંગે જ વિચાર કરવા લાગ્યો એમ ને." અવંતિકા એ પૂછ્યું.


        લગ્નનું નામ સાંભળતા જ અનુજ ચોકી ઉઠ્યો. એને એ અંગે તેને હજી કશું વિચાર્યું જ ન હતું. અવંતિકાની એ વાતનો શું જવાબ આપવો એ અનુજની સમજમાં ન આવ્યું પણ સ્ત્રીઓ પુરુષના ચહેરાને વાંચવામાં હોશિયાર હોય છે એટલે અવંતિકાએ અનુજના ચહેરાના બદલાયેલા ભાવ જોઈને તરત જ તેને પૂછ્યું, " અનુજ, તું શું વિચાર કરે છે? તું મારી સાથે મેરેજ તો કરવાનો છે ને? "


         " અવંતિકા, મને તું બહુ ગમે છે પણ સાચું કહું તો મે હજી લગ્ન અંગે કશું વિચાર્યું નથી. હું લગ્નની જવાબદારી નિભાવી શકીશ કે કેમ એ અંગે સ્યોર નથી. " 


       અનુજના મોઢેથી એ વાક્ય સાંભળતા જ અવંતિકા ભડકી ઉઠી. તેને અનુજ સામે જોઈને કહ્યું, " લગ્ન અંગે વિચાર કર્યો નથી તો કાલે રાતે મારી સાથે મધુરજની કેમ ઉજવી? અને શું જવાબદારી? હું કાંઈ નાનું બાળક નહી કે તારે મારી જવાબદારી લેવી પડે. હું હજી સુધી મારુ પોતાનું ધ્યાન રાખતી આવી છું અને આગળ પણ રાખી શકું છું. તમે પુરુષો અમને સ્ત્રીઓને શું સમજો છો? "


        " અરે મારો કહેવાનો મતલબ એમ ન હતો અને યાર તું સહેજ ધીમે બોલ, આજુબાજુના લોકો તારી આ બૂમો સાંભળશે તો શું વિચાર કરશે? " અનુજે કહ્યું.


         " યુ બાસ્ટર્ડ, ગઈકાલે રાતે તો મારી ચીસો સાંભળીને તું ખુશ થતો હતો અને હવે હું મારી વાત કહું છું તો તને લોકોનો વિચાર આવે છે. તારામાં દમ ન હતો તો પણ તને ખુશ કરવા મેં અવાજ કરેલ અને હવે તું જ મારો અવાજ બંધ કરવા માંગે છે. " અવંતિકા એ કહ્યું.


         અવંતિકા એ પોતાનું એ લાસ્ટ વાક્ય પૂરું કર્યું ત્યાં સુધીમાં તો એક તમાચો એના ગાલ પર પડી ગયો હતો. પોતાના પૌરુષ પરનો આરોપ અનુજ સહન કરી શક્યો ન હતો. તેને અવંતિકાને તમાચો મારીને કહ્યું, " જા, જા, હવે મારાં પર સવાલ કરવાવાળી, તે ન જાણે શું શું ખેલ કર્યા હશે. "


        પોતાના ચરિત્ર પરનો એ આરોપ સાંભળીને અવંતિકા એ પણ અનુજને એક તમાચો મારી દીધો અને પછી એની સામે ક્રોધ વરસાવતી આંખે જોતાં જોતાં કપડાં પહેરીને ત્યાંથી ચાલી ગઈ. બીજી બાજુ ગુસ્સામાં રહેલા અનુજને પણ એ ઘટનાનો શું પ્રતિભાવ આપવો એ સમજમાં આવતું ન હતું. એ પલંગ પર એમ ને એમ બેઠો રહ્યો.


         કેટલીય વાર સુધી એમ ને એમ બેઠાં પછી અનુજનો ગુસ્સો ઓછો થતા એ આખી ઘટના અંગે શાંતિથી વિચાર કરવા લાગ્યો. એને થયું કે પોતે આખી ઘટનામાં ઓવર રીએક્ટ કર્યું હતું. અવંતિકા પર હાથ ઉપાડવા માટે તેને પોતાના પર જ ગુસ્સો આવવા લાગ્યો. તેનું મન તરત જ અવંતિકા પાસે દોડી જઈને એની માફી માંગવા માટે કરવા લાગ્યું પણ લગ્ન માટે તે હજી પણ તૈયાર ન હતો વળી પોતાના પૌરુષ પર અવંતિકાએ કરેલા પ્રહારને એ ભૂલી શક્યો ન હતો. તેનું અહમ અવંતિકા પાસે જઈને એની માફી માંગતા તેને અટકાવી રહ્યું હતું. 


         પણ અવંતિકાનો મધુર અવાજ, એનો નિખાલસ સ્વભાવ એ બધી વાતો તેને વારંવાર યાદ આવી રહી હતી. તેને રાતે સપનામાં અવંતિકા જ આવી રહી હતી. અવંતિકાના ગુલાબી હોઠ, ગુલાબી ગાલ અને બીજા ગુલાબી અંગો વારંવાર તેની આંખોની સામે આવી રહ્યા હતા પણ એ બધી બાબતોથી પણ ઉપર તેની નજર સામે વારેવારે વિદાય વેળાએ અવંતિકાની ક્રોધને લીધે ગુલાબી ઝાય ધરાવતી આંખ આવતી હતી. એ આંખનો સામનો કેમ કરવો એ અનુજની સમજમાં આવતું ન હતું. અનુજની સામે જેટલી વાર એ આંખ આવતી એટલી જ વાર એને પોતાની ભૂલનો અનુભવ થતો. એના મનમાં પસ્તાવો થતો. અંતે, એ બનાવ બન્યાના એક મહિના બાદ પસ્તાવા અને અહમની લડાઈમાં પસ્તાવાની જીત થઈ. અનુજે અવંતિકાની માફી માંગવાનું નક્કી કર્યું. એને પહેલો જ વિચાર અવંતિકાને ફોન કરવાનો આવ્યો પણ પછી તરત જ તેને યાદ આવ્યું કે એને અવંતિકાનો ફોન નંબર તો લીધો ન હતો એટલે તે તરત જ બાઈક લઇને અવંતિકા એ આપેલા એડ્રેસ તરફ નીકળી ગયો. થોડીકવાર પછી એ અવંતિકા એ આપેલા એડ્રેસ પર પહોંચી ગયો હતો પરંતુ તે ઘરને તાળું મારેલું હતું. એ જોઈને અનુજને થયું કે અવંતિકા આજુબાજુમાં જ કયાંક ગઈ હશે એટલે તે અવંતિકાની રાહ જોતા ત્યાં જ બેસી ગયો.


          કેટલોય સમય પસાર થઈ ગયો તેમ છતાં અવંતિકા ન આવી એટલે અનુજે બાજુના ઘરની ડોરબેલ વગાડી. એક વડીલે દરવાજો ખોલ્યો. તેમને જોતા જ અનુજે તેમને પૂછ્યું, " અંકલ, અહીં બાજુમાં અવંતિકા રહેતી હતી, એ કયાં ગઈ છે એ તમને ખબર છે? "


           પેલા વડીલે થોડીવાર સુધી અનુજ સામે જોયા કર્યું પછી નિસાસો નાખીને કહ્યું, " બેટા, એ તો પાંચ દિવસ પહેલા જ આ ઘર મૂકીને ચાલી ગઈ છે. એ ગઈ ત્યારે એની આંખોમાં બહુ ઉદાસી દેખાતી હતી. "


           " એ કયાં ગઈ છે, એ અંગે તમને ખબર છે? " અનુજે પૂછ્યું.


          " ના, એ છેલ્લા કેટલાય દિવસથી કોઈ સાથે વાત જ કરતી ન હતી અને ગઈ ત્યારે પણ કશું કહીને ગઈ નથી. બિચારી બહુ ઉત્સાહી છોકરી હતી પણ ખબર નહી છેલ્લા એક મહિનાથી એને કોની નજર લાગી ગઈ હતી. " એટલું કહેતા કહેતા પેલા વડીલ પોતાની આંખ ઝીણી કરીને અનુજની સામે જોયું.


         અનુજ પેલા વડીલની એ નજરનો સામનો ન કરી શક્યો. તેને પોતાની આંખ નીચે કરીને એ વડીલને કહ્યું, "અંકલ, અવંતિકાની એ દશા માટે હું જ જવાબદાર છું. હું જ એને સમજી ન શકયો અને એની જોડે ઝગડો કરી બેઠો. " એટલું બોલતા બોલતા અનુજની આંખમાં આંસુ આવી ગયા હતા.


        એ જોઈને પેલા વડીલ તેને સાંત્વના આપવા માટે કહ્યું, " બેટા, આમ રડ નહીં, બધું સરખું થઈ જશે. "


        પણ અનુજ એ શબ્દો સાંભળ્યા વિના જ પીઠ ફેરવીને ત્યાંથી જવા લાગ્યો હતો પરંતુ પછી કશું યાદ આવતા જ તે પાછો ફર્યો અને બોલ્યો, " તમારી પાસે એના ફોન નંબર હોય તો પ્લીઝ આપો ને."


       પેલા વડીલે અનુજને અવંતિકાના ફોન નંબર આપી દીધા. અનુજે 

અવંતિકાને કોલ કર્યો. કેટલીક રિંગ વાગ્યાં પછી અવંતિકા એ અનુજનો ફોન ઉપાડ્યો. અનુજે ફોનમાં જેવું હેલો કહ્યું કે અવંતિકા એનો અવાજ સાંભળીને તરત જ ફોન કાપવા જતી હતી ત્યાં જ અનુજે ઉમેર્યું, " પ્લીઝ, અનુ, તું ફોન ન કાપતી. તને મારાં સમ છે. મને મારી ભૂલનો અહેસાસ છે. પ્લીઝ યાર પ્લીઝ મને એક મોકો આપ. હું તને મળવા માંગુ છું. "


         અનુજના અવાજમાં રહેલું દર્દ અવંતિકાને ભીતર સુધી સ્પર્શી ગયું. એ માત્ર એટલું જ બોલી, " કઈ જગ્યાએ? "


       અનુજે કહ્યું, " આપણી પહેલી મુલાકાત થઈ હતી ત્યાં જ. "


      " ઓકે, હું અર્ધી કલાકમાં ત્યાં આવું છું. " સામે છેડેથી અવંતિકા એ કહ્યું અને ફોન કટ થઈ ગયો.


        અર્ધો કલાક પછી અવંતિકા ફરી રિવરફ્રન્ટ પર અનુજની સાથે હતી. અનુજે તેની સામે ધ્યાનથી જોયું. લાસ્ટ મુલાકાત પછી અવંતિકામાં ઘણો બદલાવ આવ્યો હતો. તેના ચહેરા પર ગુલાબી હોઠ પરના હાસ્યની જગ્યા રડીને ગુલાબી થઈ ગયેલી આંખો એ લઇ લીધી હતી. પોતે એ માટે જવાબદાર છે, એ વાતના અહેસાસમાં દયામણા અવાજે અનુજે કહ્યું, " અનુ , મારે તને એ સમયે એવા કોઈ શબ્દ કહેવા જોઈતા ન હતા, હું તારી માફીને લાયક તો નથી પણ એક ભૂલ તો ભગવાન પણ માફ કરી દે છે. હું લાઈફમાં ફરીથી તને કયારેય હર્ટ નહીં કરું, પ્લીઝ મને એક ચાન્સ આપ. "


        ઘરેથી નીકળતા પહેલા અવંતિકા મનમાં અનુજ સાથે લડવાનું અને એને કેટલુય સંભળાવી દેવાનું નક્કી કરીને આવી હતી પણ અનુજનો દયામણો ચહેરો જોતા જ એ ન જાણે કેમ પણ પોતાનો બધો ગુસ્સો ભૂલી ગઈ અને અનુજને વળગી પડી. એ પછી અનુજ અને અવંતિકા કેટલીય વાર સુધી એકબીજાને એમ વળગીને રડતા રહ્યા અને આજુબાજુ રહેલા લોકો તેમને જોતા રહ્યા. લોકોનો ગણગણાટ સાંભળીને એ બંને એકબીજાથી દૂર થયાં. 


        એ પછી રિવરફ્રન્ટની પારી પર બેઠાં બેઠાં એ લોકો પોતાના લગ્નના પ્લાનિંગ અંગેની વાતો કરવા લાગ્યા. અચાનક કશું યાદ આવતા અનુજે 

અવંતિકાને પૂછ્યું, " આપણી લડાઈ થઈ ત્યારે અવાજ અંગે તે જે કહ્યું હતું એ સાચું હતું? "


      " ના, એ તો હું ત્યારે તને ગુસ્સે કરવા માટે બોલી હતી. " અવંતિકા એ કહ્યું.


       " મને ગુસ્સે કરવા માટે? કેમ? " અનુજે પૂછ્યું.


        " મને એમ હતું કે તું ગુસ્સે થઈને લગ્ન કરવા માટે તરત હા પાડી દઈશ અને... " એટલું બોલી અવંતિકા અટકી ગઈ એટલે અનુજે તેને પૂછ્યું, " અને શું? "


       " અને તું કાયમી માટે મારી ગુલાબી આંખમાં ડૂબતો થઈ જઈશ." અવંતિકા એ કહ્યું.


        " મતલબ? " અનુજે પૂછ્યું.


        " મતલબ મતલબ કરવાનું રહેવા દે અને કહે હવે તું મેરેજ કરવા માટે તૈયાર છે કે નહી? મારે તારી સાથે રોજ મધુરજની ઉજવવી છે. " અવંતિકા એ કહ્યું. અનુજે એ પ્રશ્નના જવાબમાં પોતાના બન્ને હોઠ અવંતિકાના હોઠ પર મૂકી દીધા. એ મૌનમાં જ અવંતિકાને પોતાનો જવાબ મળી ગયો.



       








      





        


       


             

        


          


         


     


         


          

        


         


         



         


         


        


        


           


         


         

 


         

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ