વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તરસ્યું માવઠું

તરસ્યું માવઠું


માવઠું થવાના એંધાણ સાફ નજરે પડતા, મનોરમ્ય વાતાવરણ જોઈ ખુશ થતી તૃષા બાલ્કનીના ઝૂલા પર જઈ બેઠી!


તૃષા, "આ માવઠું પણ તેજસ જેવું જ છે. ગમે તે સમય અને ગમે તે ઋતુમાં આવીને બસ વરસી પડે! અરે તેજસ, અહીં આવી જોવો તો ખરા! આ કાળી ડિબાંગ વાદલડીઓ, વરસવા થનગની રહેલા મેઘાને મળવા કેવી ઉતાવળી બની છે! ટોળેવળી ઉમટેલી આ વાદલડીઓને જોઈ એવું લાગે છે, જાણે હમણાં તે મેઘાની આગોશમાં સમાઈ જવાની હોય!" આટલું બોલી તૃષા એકલી એકલી મલકાઈ ઉઠી!


વા સાથે વાતો કરતી તૃષા, પગને ઠેસ મારતી આગળ પાછળ ઝૂલે ઝૂલતી હતીને, મેઘો પણ મન મૂકી અનરાધાર વરસવા લાગ્યો! ભીંજાયેલી વાદલડી અને અનરાધાર વરસતાં મેઘાનું અવર્ણનીય મિલન જોતી તૃષા, સાત વર્ષ પહેલાં તેજસ સાથેના પ્રથમ મિલનને યાદ કરી ભીંજાવા લાગી!


તરસી તૃષા સ્વગત વાતો કરતી, 'તેજસ તમે કેવા ગમે તે સમયે પ્રેમનું માવઠું બની, અનરાધાર પ્રેમ વરસાવતા મને ભીંજવી મૂકતા! તમારા પ્રેમાળ સ્પર્શની મધ મીઠી યાદો હાલ પણ જોવો મને ભીંજવી રહી! આપણી વચ્ચે રીસામણાં મનામણાં થતા ત્યારે, મને બાહોમાં સમાવતાં પ્રિયે કહી સંબોધી બોલતો,

 તરસતી વાદલડી તું, અને વરસતો મેઘો હું.


 ભીંજાતી પ્રિયા તું, અને ભીંજવતો પ્રેમી હું.


 બોલ, મારી વ્હાલી તારું શું કહેવું!'


અનરાધાર વરસતો મેઘો અચાનક વિદાય થયો અને સૂર્યદેવ આકરો તાપ વરસાવવા આવી ગયા! અચાનક શરીર પર અનુભવાતા આકરા સૂર્યકિરણોથી, તેજસની યાદો દિલમાં સમેટતી તૃષા વર્તમાનમાં પાછી ફરી!


ભીંજાયેલી આંખે તૃષા સ્વગત, 'મસ્ત મજાનો અમારો સોનેરી યુગ હતો! તેજસ, હું અને પ્યારા બે પુષ્યોથી અમારો નાનો પરિવાર, સુખી પરિવાર બની મહેકતો ચહેકતો હતો! તેજસના ઓજસને એવું શું ગ્રહણ લાગ્યું કે, અકાળે જ અમારો સાથ છૂટી ગયો! પ્રભુને ગમ્યું તે ખરું!'


'તેજસ તમારા અનરાધાર પ્રેમની તરસી, આ તૃષાના દિલમાં હંમેશાં તમારો પ્યાર મધમીઠું માવઠું બની જીવંત છે અને રહેશે. અફસોસ તો એ વાતનો જ રહ્યો, તમારી તૃષાને મળ્યું બસ તરસ્યું માવઠું!' આટલું બોલી તૃષા જોરથી ફેંકાઈ પડી, અને તેના ગળામાં ડૂમો બાજી ગયો! આંખમાંથી અનરાધાર આંસુઓ ટપકવા લાગ્યા!


ઝૂલો થંભાવી તૃષા ભીંજાયેલી આંખો સાથે રૂમમાં ગઈ! તેજસના ફોટાને પ્રેમાળ સ્પર્શ કરી નિહાળતી હતી, ત્યાં એકાએક તાજું ખીલેલું લાલ ગુલાબનું ફૂલ તૃષાના માથા પર આવી ખરી પડયું!




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ