વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વીરચંદ ગાંધી : વિશ્વ ધર્મ પરિષદનું બીજું અણમોલ રત્ન

વિશ્વ ધર્મ પરિષદનું નામ સાંભળીએ કે તરત જ આપણા માનસપટ પર સ્વામી વિવેકાનંદની તસ્વીર આવી જાય છે તેમજ તેના વ્યાખ્યાનનાં શબ્દો. એમણે વિવિધ દેશોમાંથી આવેલ વિદ્વાનો, તત્વ ચિંતકો, અન્ય મહાનુભાવો તેમજ પ્રેક્ષકો સમક્ષ આપણાં ભારત દેશની ધર્મ પરંપરા તેમજ વૈદિક સંસ્કૃતિ રજૂ કરી હતી. પરંતુ આપણામાંથી બહુ ઓછા લોકોને ખબર હશે કે એ પરિષદમાં સ્વામીજીની સાથે અન્ય એક મહાન વિભૂતિ પણ ત્યાં ગયા હતા, જેમણે જૈન ધર્મ વિશે વૈશ્વિક સ્તરે વ્યાખ્યાન આપ્યું હતું, અને આખા અમેરિકામાં ડંકો વગાડ્યો હતો. તો ચાલો જાણીએ - જૈન સમાજનું ગૌરવ એવા વીરચંદ ગાંધી વિશે, જેઓ વિશ્વ ધર્મ પરિષદમાં ભારત તરફથી બીજુ અણમોલ રત્ન હતાં. 

જન્મ અને ભણતર :- 


શ્રી. વીરચંદભાઈ ગાંધીનો જન્મ ૨૫મી ઑગસ્ટ, ૧૮૬૪નાં રોજ ભાવનગર જિલ્લાનાં મહુવા ગામમાં થયો હતો. તેમનો જન્મ એક જૈન કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રાઘવજીભાઈ ગાંધી અને માતાનું નામ માનબાઈ હતું. એ સમયગાળા દરમિયાન ચોતરફ રૂઢિચસ્તતા બહુ જ હતી, પરંતુ રાઘવજીભાઈ ગાંધી ધર્મપ્રિય અને સમાજ સુધારક હતા. તેઓ જૈન ધર્મનું ચુસ્તપણે પાલન કરનારા - આજીવન એમણે સચિત વસ્તુઓનો ત્યાગ કરેલો, પાણી હંમેશા ઉકાળીને જ વાપરતા, મરણમાં રડવા - ફૂટવાના રિવાજ અયોગ્ય લાગતો. રાઘવજીભાઈ ગાંધી વેપાર ભલે મોતીનો કરતાં પણ એની ઈમાનદારી ૧૦૦ % ની હતી. જેટલા ધર્મપરાયણ હતા એટલા જ બદલાતા સમયની સાથે ચાલવાવાળા આધુનિક માણસ પણ હતાં. સમાજમાં ચાલતા રૂઢિચુસ્ત રિવાજોને અયોગ્ય માનતાં. 


વીરચંદભાઈ નાનપણથી જ તીવ્ર યાદશક્તિ અને અદ્ભુત જ્ઞાન પિપાસા ધરાવતા હોવાથી, તેમણે પ્રાથમિક શિક્ષણ તો સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધું હતું. તેઓ વ્યવહારુ શિક્ષણ માટે જેમ શાળાએ જતાં, તેવી જ રીતે ધાર્મિક અભ્યાસ અર્થે નિયમિત પાઠશાળાએ જતાં. આ ઉપરાંત તેઓ વ્યાખ્યાન સંભળાવા માટે ઉપાશ્રય પણ જતાં. એ સમયમાં મહુવામાં માત્ર પ્રાથમિક શિક્ષણની જ શાળાઓ હતી, માધ્યમિક તેમજ સ્નાતક માટે બીજે ગામ જવું પડતું. એટલા માટે પિતાજીએ વીરચંદભાઈના આગળના અભ્યાસ માટે ગામ અને સમયની મર્યાદાની પરવાહ કર્યા વગર સહકુટુંબ ભાવનગર સ્થાયી થયાં. મહુવાનાં હેડમાસ્તર અને ઈન્સ્પેકટરની ભલામણથી ભાવનગરની હાઈસ્કૂલમાં પ્રવેશ લીધો. પોતાના અથાગ પરિશ્રમથી 

જોતજોતામાં જ વીરચંદભાઈએ માધ્યમિક શિક્ષણ પણ પૂરું કરી લીધું અને મેટ્રિક્યુલેશન એટલે કે ધો. ૧૦ની પરીક્ષામાં રાજ્યસ્તરે પ્રથમ ક્રમાંક મેળવ્યો. આ ઉપરાંત તેમને ભાવનગરમાંથી સર જશવંતસિંહજી સ્કોલરશીપ પણ મળી હતી. અભ્યાસની સાથે સાથે તેમણે સાહિત્ય - વાંચનમાં પણ રસ કેળવ્યો હતો. જીવન ઉપયોગી પુસ્તકો તેમની પ્રતિભા નિખારવામાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે તેમના ત્રણ જીગરી મિત્રો સાથે સાહિત્યિક વાર્તાલાપ, પત્ર વ્યવહાર પણ કરતાં તેમજ મિત્રોએ લખેલી કવિતા માટે યોગ્ય માર્ગદર્શન પણ આપતાં. વીરચંદ ભાઈ અને તેના બે મિત્રોની સાહિત્યરસિક ત્રિપુટી હતી, જેમાં ભગવાનદાસ દુર્લભદાસ પારેખ, શ્રી મૂલચંદ નાથુભાઈ અને વીરચંદભાઈ પોતે હતા. આ ત્રિપુટીએ પરસ્પર કરેલો સાહિત્યિક પત્ર વ્યવહાર આપણને શીખવી જાય છે કે - પત્રો પણ સાહિત્યનું સ્વરૂપ પામી શકે છે. 


ભાવનગરમાં કોલેજ નહોતી એટલે આગળના અભ્યાસ માટે બીજા શહેરમાં જવું પડે એમ હતું. વીરચંદભાઈનો અભ્યાસ પ્રત્યેનો રસ, એકાગ્રતા અને બુદ્ધિ પ્રધાનતાના ગુણોને પારખીને પિતાએ એના ઉચ્ચ અભ્યાસ - સ્નાતકની કેળવણી આપવા બાબતે સહેજ પણ ખચકાયા વગર ભાવનગર છોડી મુંબઈ સ્થાયી થયા, અને પછી તેઓ હંમેશ માટે ત્યાંજ રહ્યા હતાં. પહેલેથી જ વીરચંદભાઈની અંગ્રેજી ભાષા પરની પકડ સારી હતી. એટલા માટે કોલેજ ભણતર માટે બહુ વાંધો નહોતો આવ્યો. તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રવેશ મેળવ્યો અને ત્યાંથી માત્ર ૨૦ વર્ષની ઉંમરે વર્ષ - ૧૮૮૪માં સફળતાપૂર્વક વકીલાતમાં સ્નાતક થયા. તેઓ જૈન સમાજના પ્રથમ સ્નાતક વ્યક્તિ હતાં. આ સમય દરમિયાન તેમની મુલાકાત મહાત્મા ગાંધીજી સાથે થઈ હતી, તે અંગે ગાંધીજીએ પણ તેમની આત્મકથામાં ઉલ્લેખ કર્યો હતો.


આ ઉપરાંત તેઓ વર્ષ - ૧૮૮૪ માં જ જૈન એસોસિએશન ઑફ ઈન્ડિયા નામની સંસ્થામાં સર્વાનુમતે તેમની પ્રમુખ પદે વરણી કરવામાં આવી. આ સંસ્થાની સ્થાપના વર્ષ - ૧૮૮૨ માં કરવામાં આવી હતી, જેના મુખ્ય હેતુ કંઇક આ મુજબ હતા : 


૧. જૈન સમાજ અને ધર્મને સંગઠિત કરવો. તેની સામાજિક તથા નૈતિક ઉન્નતિ સાધવી. 

૨. જૈન ધર્મનાં ટ્રસ્ટ ફંડ અને ધર્માદા ખાતાઓની દેખરેખ રાખવી. 

૩. પશુ વધ અટકાવવા, તથા તીર્થ સ્થાનોમાં યાત્રિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવી વગેરે. 


આ સાથે વીરચંદભાઈને સરકારી વકીલ સુશ્રી. લિટલ સ્મિથ ફ્રેઅર એન્ડ નિકોલસન નામની સરકારી પેઢીમાં નોકરી મળી અને તેમાં આર્ટીકલ ક્લાર્ક તરીકે જોડાયાં.



વિશ્વ ધર્મ પરિષદમાં વ્યાખ્યાન :- 


૧૯મી સદીના ઉત્તરાર્ધમાં, વર્ષ : ૧૮૯૩માં શિકાગો (ચિકાગો)માં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં આપણા ભારત દેશનાં બે  અણમોલ રત્નો : સ્વામી વિવેકાનંદજી અને વીરચંદ ગાંધીએ પોત પોતાના વિષયોનાં વ્યાખ્યાન દ્વારા આગવી છાપ છોડી હતી. આ પરિષદની વિશેષતા એ હતી કે - આ પરિષદમાં જુદા જુદા દેશોમાંથી આવેલ અલગ અલગ ધર્મનાં પ્રતિનિધિઓએ પહેલી વખત હાજરી આપવાની હતી અને પોત પોતાના ધર્મ વિશે વ્યાખ્યાનો - (સ્પીચ ~ વક્તવ્ય) આપવાના હતાં. વિશ્વ ધર્મ પરિષદ નાં મુખ્ય ઉદ્દેશો આ મુજબ હતા : 


૧) જુદા જુદા ધર્મોનું વિશ્વને જ્ઞાન આપવાનું, 

૨) સર્વ ધર્મોનાં અનુયાયીઓમાં ભ્રાતૃત્વ તેમજ સ્નેહ ભાવ પ્રગટાવવાનો, તેમજ વિચાર વિમર્શ દ્વારા આ ભાવનાને પ્રબળ બનાવવાનો,

૩) ભિન્ન ભિન્ન ધર્મોનાં વિદ્વાનોનાં સાહિત્ય - કલા - વ્યાપાર આદિ વિવિધ વિષયોને આવરી લઈને વિચારોનો વિનિમય કરવાનો અને,

૪) વિભિન્ન રાષ્ટ્રોને એકત્ર કરી, વિશ્વમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો કરવા વગેરેનો સમાવેશ હતો. 


અને આ પરિષદનું જે સફળ સંચાલન થયું, તે વૈશ્વિક ઇતિહાસમાં સુવર્ણમય ઘટના બનીને રહી ગયું. આ પરિષદમાં ત્રણ હજારથી વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. 


શિકાગોમાં યોજાનારા વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનાં પ્રતિનિધિ તરીકે સર્વ પ્રથમ તો પૂ. આચાર્યશ્રી વિજયાનંદસૂરિ ~ પૂ. આત્મરામજી મહારાજની પસંદગી થઈ હતી. તેમની સમાજ અને ધર્મ પ્રત્યેની સેવા ઉપરાંત વિશિષ્ટ વિદ્વતાની ખ્યાતિ અમેરિકા અને યુરોપમાં પ્રસરી હતી. એટલા માટે વર્ષ - ૧૮૯૨ માં તેમને પરિષદમાં જૈન ધર્મનાં પ્રતિનિધિ તરીકે હાજરી આપવાનું નિમંત્રણ મળે છે. પરંતુ જૈન ધર્મની પ્રણાલિકા અનુસાર - વિદેશ મુસાફરી કરવાનું તેમને માટે બાધક હોવાથી, તેઓ પરિષદમાં હાજરી આપી શકશે નહીં તેવી દિલગીરી સાથેની જાણ પરિષદનાં સંચાલકોને કરી હતી. આથી પરિષદનાં સંચાલકોએ તેમને જૈન ધર્મ વિશેનો મહત્વપૂર્ણ મહાનિબંધ તૈયાર કરીને, અહીં પુસ્તક રૂપે મોકલવાનું સૂચવ્યું, જેથી પરિષદમાં હાજર રહેલ પ્રતિનિધિઓને વાંચન દ્વારા જૈન ધર્મનાં સિદ્ધાંતોનો ખ્યાલ આવે. પરિણામે જૈન ધર્મનાં તત્વજ્ઞાનની ઝાંખી દર્શાવતું પુસ્તક "ચિકાગો પ્રશ્નોત્તર" નામે તૈયાર થયું, અને તેને પરિષદનાં સંચાલકોને મોકલવામાં આવ્યું. આ પુસ્તક વાંચીને એ સંચાલકો એટલા બધા પ્રભાવિત થયાં કે તેમણે પૂજ્ય. આત્મરામજી મહારાજને વિશેષ પ્રતિનિધિ મોકલવાનો આગ્રહ કર્યો. આ આગ્રહને પરિણામે શ્રી. વીરચંદભાઈ ગાંધીની પસંદગી થઈ. શિકાગો જતાં પહેલાં છ મહિના સુધી વીરચંદભાઈએ પૂ. આત્મરામજી મહારાજ પાસે જૈન ધર્મનાં તત્વજ્ઞાનનું તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું. મહારાજે તેમને સ્વદેશી પહેરવેશ પહેરવાની તેમજ રોજિંદા જીવનમાં બીજી કશી જ શિથિલતા ન આવે તેની આજ્ઞા આપી. શિકાગોની યાત્રામાં રસોઈ માટે મહુવાનાં વતની એવા વિશ્વવિખ્યાત જાદુગર પ્રો. નથુ મંછાચંદને સાથે લીધાં.  શિકાગો જવાની સ્ટીમર અસમથી રવાના થવાની હતી. સ્ટીમરનાં કેપ્ટન પાસેથી અલગ રસોઈ બનાવવાની પરવાનગી મેળવી લીધી હતી. 


ભારતીય દર્શનનું તત્વજ્ઞાન, એનાં વિષયની છણાવટ અને સમજાવટ - આ બધું યોગ્ય ઢબે નવા લોકો સમક્ષ પ્રસ્તુત કરવું ખૂબ જ કઠણ કામ હોય છે. એમાં જ્યારે જૈન ધર્મનાં સિદ્ધાંતો અને તત્વજ્ઞાનની વાત આવે ત્યારે એના વિષયોનો ઊંડાણ પૂર્વક તેમજ સૂક્ષ્માતિસૂક્ષ્મ એવો તલસ્પર્શી અભ્યાસ કરી, એના તત્વજ્ઞાનને સરળતાથી સમજી અને તેને પરિષદનાં વિદ્વાનો સમક્ષ રજૂ કરવી - એ બાબત "ગાગરમાં સાગર સમાવવા" જેવી હતી, અને આવું અઘરું કાર્ય  માત્ર અને માત્ર વીરચંદભાઈ જ પાર પાડી શકે એમ હતાં. 


પરિષદમાં એમણે જૈન તત્વજ્ઞાન, જૈન નીતિ સંબંધી વ્યાખ્યાન આપતાં શ્રુત ધર્મને લગતી બાબતો જેમ કે - નવ તત્વ, છ પ્રકારનાં જીવો, વિશ્વનાં આદિ - અંતની અન્ય ધર્મોનાં મંતવ્યો સાથે તુલના, દ્રવ્ય આર્થિક તેમજ પર્યાયાર્થીક ન્યાય સંબંધી જૈન દર્શનની સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચારસરણી રસસભર રીતે રજૂ કરી. એ સમયમાં જૈન ધર્મની પરિભાષાને અંગ્રેજીમાં રજૂ કરવી ઘણી મુશ્કેલ હતી, પરંતુ શ્રી. વીરચંદભાઈએ એમની વિદ્વતા તેમજ તુલનાત્મક અધ્યયન શક્તિનો ઉપયોગ કરીને જૈન ધર્મની રજૂઆત અંગ્રેજીમાં કરવાનો પાયો નાખ્યો હતો. પરિષદમાં એમનાં જૈન ધર્મ વિશેનાં પ્રવચનોથી લોકોમાં જૈન ધર્મ વિશે એટલી પ્રબળ જિજ્ઞાસા જાગી કે પરિષદ પૂર્ણ થયા પછી અમેરિકામાં ઠેર ઠેર જગ્યાએ એનાં પ્રવચનો યોજાયાં. આ ઉપરાંત કર્મ, તત્વજ્ઞાન અને યોગનું સ્વરૂપ સમજાવવા માટેનાં વર્ગો પણ અનેક સ્થળોએ શરૂ થયાં. એમનાં મોહક વ્યક્તિત્વથી વિદેશીઓ એટલા બધા પ્રભાવિત થયાં કે અમેરિકાનાં વર્તમાનપત્રોમાં પણ ફ્રન્ટ પેજ પર શ્રી. વીરચંદભાઈનાં પ્રવચનોને અગ્રીમ સ્થાન આપવામાં આવ્યું અને તેની ખૂબ જ પ્રશંસા થઈ હતી. પરિષદમાં એવા ઘણાંય હિન્દુ વિદ્વાનો, તત્વજ્ઞાનીઓ અને ધર્મ ઉપદેશકોએ હાજરી આપી હતી અને પ્રવચનો આપ્યા હતાં. તે પૈકી કેટલાંક પ્રવચનો તો એવા હતા કે - જેમની વિદ્વતા, વકતૃત્વ શક્તિ અને ધર્મ ભક્તિ કોઈ પણ પ્રજાની ઉચ્ચમાં ઉચ્ચ વ્યક્તિઓ સાથે સમાન પદ પર મૂકી શકાય પરંતુ આ બધામાંથી શ્રી. વીરચંદભાઈનું પ્રવચન શ્રોતાઓએ જે રસથી સાંભળ્યું હતું,  તેનાં કરતાં કદાચ કોઈનું પ્રવચન આટલું રસપૂર્વક નહીં સાંભળવામાં આવ્યું હોય. જેમ સ્વામી વિવેકાનંદના પ્રવચનથી આખી પરિષદ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠી હતી, એવી રીતે જ શ્રી. વીરચંદભાઈનાં પ્રવચનથી પણ આખી પરિષદ ગુંજી ઉઠી હતી. આખી પરિષદમાં ભારતનાં આ બે અણમોલ રત્નોની ભારોભાર પ્રશંસા થઈ રહી હતી. આ બંને મહાનુભાવો પરિષદની શાન હતાં. 


ચિકાગો ધર્મ પરિષદની પૂર્ણાહૂતિ સમયે પરિષદમાં હાજરી આપેલ તમામ વિદ્વાનોએ આભાર વિધિ કરી હતી. એમાં શ્રી. વીરચંદભાઈએ જલદી વિદાય લઈ રહ્યા હતાં. વિદાય વેળાએ વીરચંદ ભાઈએ જલદીથી છૂટા પડવા અંગે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે - "શું આપણે એ વાતનું દુઃખ નથી અનુભવી રહ્યા કે આપણે અતિશિઘ્ર વિદાય થઈ રહ્યા છીએ ? શું આપણી ઈચ્છા નથી કે આ પરિષદ સત્તર વખત સત્તર દિવસ સુધી ચાલુ રહે ? શું આપણે આ મંચ ઉપરથી વિદ્વાન પ્રતિનિધિઓ નાં વ્યાખ્યાન આનંદ અને રુચિ પૂર્વક નથી સાંભળ્યા ? શું આપણને એમ નથી લાગતું કે પરિષદનાં સંચાલન દ્વારા જે કોઈ સિદ્ધ થયું છે એના કરતાં પરિષદનાં સંચાલકોનું સ્વપ્ન કંઈક અત્યાધિક હતું ?" 


વિદેશમાં એમના પ્રવાસ દરમિયાન વીરચંદભાઈએ ભારતીય સંસ્કૃતિને શોભે એ રીતે એમણે બાહ્ય ટીકાઓથી ભારતની સંસ્કૃતિનું રક્ષણ કર્યું હતું, તેમજ તેનો પ્રચાર કરવામાં એક નિખાલસ અને વિશાળહૃદયી વિદ્વાનને શોભે એવું કૌશલ્ય દાખવ્યું હતું. એમનાં પ્રવચનોમાં : હિન્દુઓનું પ્રાગ - ઐતિહાસિક જીવન, ભારતમાં લગ્નનો દરજ્જો, ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ, ભારતીય પ્રજાનાં સામાજિક રીત રિવાજો, હિન્દુ - જૈન અને બૌદ્ધ ધર્મનું મુખ્ય તત્વજ્ઞાન, ધી લૉ ઑફ એથીકલ કોઝેશન : અ સોલ્યુશન ઓફ લાઈફ, રાજકીય ભારત : હિન્દુ, મુસ્લિમ અને અંગ્રેજ, ભારતીય સ્ત્રીઓ : ભૂત, વર્તમાન અને ભાવિ વગેરે વિષયો મુખ્ય સ્થાન પર હતાં. અન્ય વિષયોમાં ઓકલ્ટીઝમ, ગાયન વિદ્યા, અમેરિકાઓની સ્ત્રીઓએ ટોપીમાં પક્ષીના પીછાં ન રાખવા જોઈએ, સમાચાર પત્ર અને રંગભૂમિનો સંબંધ, અમેરિકન રાજનીતિ પર વર્તમાન સામાજિક કાયદાનો પ્રભાવ, ભારતનો અમેરિકાને સંદેશ, ભારતની અમેરિકાને ભેટ, બૌદ્ધ ધર્મ, દર્શનની ત્રણ મૌલિક પ્રથાઓ, ભારતની રાજનૈતિક અવસ્થા, હિન્દુ - મુસલમાન અને અંગ્રેજ રાજ્યમાં નારીનું સ્થાન વગેરે વિવિધ વિષયો પર પ્રવચન આપીને પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. 


વિશ્વ ધર્મ પરિષદ બાદ તેઓ થોડોક વખત અમેરિકામાં રહ્યા હતાં. ત્યારબાદ તેમણે અનુક્રમે ઈ.સ. ૧૮૮૯ માં અને ઈ.સ. ૧૮૯૬ માં એમ બે વખત અમેરિકા ગયા હતાં. આ દરમિયાન તેમણે ૬૫૦ જેટલાં પ્રવચનો આપ્યા હતાં. એ પૈકી કેટલાંક - જૈન ફિલોસોફી, કર્મ ફિલોસોફી અને યોગ ફિલોસોફી નામક પુસ્તકમાં ગ્રંથસ્થ થયા.



વીરચંદ ગાંધીએ કરેલા અન્ય કાર્યો : 


(૧) પાલીતાણા શેત્રુંજ્ય પર્વત પર આવતા જાત્રાળુઓ માટે કર મુક્તિ :- 

આમ તો સમ્રાટ અકબર અને નગર શેઠ શાંતિદાસના સમયથી જ શેત્રુંજ્ય પર્વત શ્વેતાંબર જૈનોનાં કબજામાં હતું, પરંતુ તે પછીના આવેલા બાદશાહો એ જે તામ્ર પત્રો આપેલાં ફરમાનોનો વેળાસર ઉપયોગ ન થવાને લીધે શેત્રુંજ્ય પર્વત પર પાલીતાણાના નામદાર દરબારશ્રીની હકુમત આવી. હકુમત આવતાની સાથે જ નામદાર ઠાકોર સુરસિંહજીએ શેત્રુંજ્યની જાત્રાએ આવતાં યાત્રાળુઓ પર કર ઉઘરાવવાનો શરૂ કરી દીધો હતો.. આ કર પર્વતના સંરક્ષણ માટે છે -  એવું કહીને જાત્રાળુઓ પાસેથી વ્યક્તિ દીઠ બે રૂપિયાનો કર ઉઘરાવવાનો શરૂ કરી દીધો. આ કર અગવડભર્યો તો હતો જ, પણ સાથોસાથ ત્રાસદાયક પણ હતો. આ તરફ બીજી બાજુ એ શેત્રુંજ્ય પર્વત પાસે આવેલા સૂરજ કુંડ નજીક ભગવાન શ્રીઋષભદેવની પાદુકા સ્થાપિત હતી, જે કોઈ વિઘ્ન સંતોષી દ્વારા ખોદીને ચોરવામાં આવી હતી. આથી તે તીર્થના નોકરોને પકડીને તેની પાસે બધી કબૂલાત કરાવવામાં આવી. આ બાબત અંગેની ફરિયાદ એ સમયનાં ગવર્નર લોર્ડ રેને કરવામાં આવી તેમજ બીજે તાર દ્વારા સંદેશો મોકલ્યો. તા.૧૮/૦૭/૧૮૮૫ ના રોજ પૂનામાં ગવર્નર લોર્ડ રેને પાલીતાણાના આ જુલમ કેસ સંબંધિત એક જૈન પ્રતિનિધિ મંડળ બનાવ્યું. ત્યારબાદ આ કેસની યોગ્ય તપાસ સોનગઢ આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ કપ્તાન ફોરડાઈઝ દ્વારા કરવામાં આવી અને આ કેસને પોલિટિકલ એજન્ટની કોર્ટમાં લઈ જવામાં આવ્યો. પોતાનો બચાવ કરવા પાલીતાણાના નામદાર ઠાકોર પણ ગવર્નર પાસે અરજી લઈને ગયા અને આ બાજુ વીરચંદભાઈ પણ અન્ય જૈન આગેવાનો સાથે ગવર્નર પાસે પહોંચ્યા. થોડાક સમયમાં જ પાલીતાણાનાં એ ઠાકોર અવસાન થયું અને એની સાથે તેના પર ચાલતો કેસ પણ બંધ થઈ ગયો. હવે પાલિતાણાની ગાદીએ નવા ઠાકોરની ગાદીએ આવવાના હતા, એટલે તકનો લાભ ઉઠાવીને શ્રી વીરચંદભાઈએ પોતાના વકીલાતના કૌશલ્યથી નવા ઠાકોર શ્રી. માનસિંહજી સાથે જૈન યાત્રિકો પર લાદેલા કર અંગે સમાધાન કરવાના પ્રયત્નો કર્યા અને આખરે વીરચંદભાઈનાં પ્રયત્નો સફળ થયા. સમાધાનમાં ઠાકોરસાહેબ શ્રી.માનસિંહજી અને જૈન સંઘ વચ્ચે નીચે મુજબનો કરાર થયો - 


૧). યાત્રિકો દીઠ રૂપિયા - બે નો કર કાઢી અને પ્રતિવર્ષ ઠાકોરને તે માટે રૂ. ૧૫૦૦૦ ઉચક આપવી. 

૨) આ ગોઠવણ સન - ૧૮૮૬ નાં એપ્રિલથી ૪૦ વર્ષ સુધી કાયમ રાખવી. 

૩) ૪૦ વર્ષની આખરે ઉપરોક્ત ઉચક રકમમાં ફેરફાર કરવા બાબતે બંને બાજુએ છૂટ રાખવામાં આવી.


 બંને બાજુની દલીલો ધ્યાનમાં લીધા પછી એ ફેરફાર મંજૂર અથવા નામંજૂર કરવાનું કામ બ્રિટીશ સરકારનાં હાથમાં રહેશે. 


આમ, વીરચંદ ભાઈએ પોતાની પ્રભાવશાળી કર્તૃત્વ શક્તિ તેમજ વકીલાતની આવડતનો પરિચય આપ્યો હતો. 


૨) સંમેદ શિખર પર ચાલતાં કતલ ખાના બંધ કરાવ્યા (વર્ષ - ૧૮૯૧) :-.  

સંમેદ (સંમેત) શિખર એ જૈન સમુદાયનું પવિત્ર તીર્થ સ્થળ છે. જૈન સમુદાયનાં લોકો સંમેદ શિખરના દરેક કણને પવિત્ર માને છે. આ શિખરને "પાર્શ્વનાથ પર્વત"  તરીકે પણ ઓળખવામાં આવે છે.  અહીં ચોવીસ તીર્થંકરોમાંના ૨૩મા તીર્થંકર (ભગવાન પાર્શ્વનાથ) તેમજ અન્ય જૈન સાધુઓએ નિર્વાણ (મોક્ષ)  પ્રાપ્ત કર્યો હતો. જેની ચરણ પાદુકા હજુ પણ અહીં હાજર છે.  આ ઉપરાંત આ શિખર પર બે હજાર વર્ષ જૂનાં પૌરાણિક મંદિરો પણ આવેલા છે.  


સંમેદ શિખર પર ભગવાન પાર્શ્વનાથનું દેરાસર આવેલ છે, માટે આ શિખરની તીર્થ તરીકેની મહત્તા ઘણી છે. આ સમયમાં આ તીર્થ બંગાળનાં હજારીબાગ જિલ્લાનાં પલગંજ રાજ્યની સરહદમાં આવતું હતું.  જેમ પાલીતાણાના દેરાસરોમાં ચઢાવવામાં આવતી વસ્તુઓ ભાટ લોકો લઈ જતા હતા, તેમ અહીં ભગવાનને ચઢાવવામાં આવતી વસ્તુઓ લઈ જવાનો હક રાજાને હતો. તીર્થનાં રક્ષણ બદલ સંઘ દ્વારા રાજાને રૂ. ૧૫૦૦ આપવામાં આવતા હતા. બાદશાહનાં વખતથી જ આ તીર્થ જૈનોની માલિકીની જ હતુ, પરંતુ તેની દેખરેખ, જાળવણી તેમજ હક્ક જાળવવાના પ્રયત્નોમાં ખામી રહી ગઈ હોવાથી, તે હક ડૂબી ગયો હતો. એટલા માટે ત્યાંના રાજાએ પહાડ પર ઉગતા ઘાસ તેમજ વૃક્ષોનાં લાકડાઓ પર ઊપજ લેવાનું ચાલુ કરી દીધું હતું.  થોડાક સમય બાદ વિક્રમ સંવત - ૧૯૪૨નાં અરસામાં રાજાએ પહાડને લગતી થોડીક જમીન બેડમ નામના એક અંગ્રેજને ચા રોપવા આપી દીધી હતી. ચાર પાંચ વર્ષ પછી આ વ્યક્તિએ અહીં ડુક્કરોની ચરબી કાઢવાનું કારખાનું ઊભું કર્યું. આમ તો આ કારખાનું તીર્થ સ્થળ થી બે-ત્રણ માઈલ દુર હતું, પરંતુ સંમેદ શિખરની ફરતે બાર ગાઉની પ્રદક્ષિણા ફરતી વખતે તે રસ્તામાં આવતું હતું. કારખાનાની અંદર થતી ડુક્કરોની ચીસાચીસ અને રોકકળ છેક ઉપર મંદિર સુધી સંભળાતી હતી, જે જાત્રાળુઓ તેમજ મંદિરના અનુયાયીઓ માટે અસહનીય હતી. આવા નિર્દોષ જનાવરોની હત્યા હૃદય કંપાવી દે તેવું હતું. આથી મંદિરનાં  અનુયાયીઓ તેમજ શ્રીસંઘનાં આગેવાનોએ આ અંગે હજારીબાગ જિલ્લાનાં કમિશ્નરને ફરિયાદ કરી, પરંતુ ત્યાંના કમિશ્નરે "અમે કોઈ પણ પ્રકારનાં વ્યાપારમાં ન પડીએ" - એમ કહીને ફરિયાદને નકારી દીધી. ત્યારબાદ આ લોકોએ પરગણાની કોર્ટમાં આ કેસ દાખલ કર્યો, ત્યાં પણ સરખો ચુકાદો ન આવતા, આ કેસ છેક કલકત્તા હાઇકોર્ટમાં લઈ જવામાં આવ્યો. અહીં પણ બે બાબતોને લીધે કેસ મજબૂત નહોતો બનતો : (૧) પરગણાની કોર્ટમાં પ્રાથમિક પુરાવા દાખલ નહોતા કરવામાં આવ્યાં, અને (૨) સ્થાનિક ભાષામાં રહેલા મંદિરનાં પત્રો, શિલાલેખો, તામ્રપત્રો વગેરેની નકલો કોર્ટમાં બંગાળી ભાષામાં રજૂ કરવામાં આવ્યા. એટલા માટે સૌથી પહેલાં તો વીરચંદભાઈએ કલકત્તામાં રહીને છ મહિના સુધી બંગાળી શીખ્યા;  ત્યારબાદ એ પત્રો, શિલાલેખો તેમજ તામ્રપત્રો વગેરેની નકલો બંગાળી તેમજ અંગ્રેજી ભાષામાં (અનુવાદ કરીને) રજૂ કરીને સંમેદ શિખર માલિકીનો હક સાબિત કર્યો. કોર્ટમાં વીરચંદભાઈની કેસ સંબંધિત સ્પષ્ટ અને સુંદર રજૂઆતને લીધે કેસ જૈન સંઘની તરફેણમાં આવ્યો અને કેસ જીતી ગયા. આમ, ફરી એકવાર શ્રી વીરચંદભાઈએ પોતાની પ્રભાવશાળી પ્રતિભા તેમજ કર્તવ્યપરાયણતાથી અને આવડતથી એક મહત્ત્વનું કાર્ય પાર પડ્યું હતું. 


૩) શિકાગોમાં વીરચંદભાઈનાં મંત્રી પદે ભારતની મદદ અર્થે દુષ્કાળ રાહત સમિતિની રચના :-  વર્ષ : ૧૮૯૬ - '૯૭ માં ભારતમાં પડેલા દુષ્કાળને લીધે સ્વામીજી જ્યારે દેશનાં ખૂણે ખૂણે જઈને પીડિતોની સેવા અને માંદાની માવજત કરી રહ્યાં હતાં; ત્યારે વીરચંદભાઈએ અમેરિકામાંથી ત્યાંના લોકોને અપીલ કરીને અહીંની સ્થિતિ માટે મદદ કરી હતી. વીરચંદભાઈનાં કાને જેવી ખબર પડી કે ભારતમાં દુષ્કાળ સર્જાયો છે, ત્યારે તેમણે તરત જ વિશ્વ ધર્મ પરિષદનાં પ્રમુખ સી. સી. બોનીનાં અધ્યક્ષ પદે એક તત્કાલીન દુષ્કાળ રાહત સમિતિની રચના કરી. આ સમિતિમાં વીરચંદભાઈએ મંત્રીપદે રહીને શિકાગોની જનતાને આ પરિસ્થિતિમાં ભારતની મદદ માટે અપીલ કરી. તાત્કાલિક રાહતનાં પગલાં તરીકે તુરંત જ  અન્ન ભરેલું વહાણ સાન ફ્રાન્સિસ્કો થી કલકત્તા મોકલવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિશેષ રાહત કાર્ય માટે ટહેલની નાખવામાં આવતા જ શિકાગોની જનતાએ શ્રી.વીરચંદભાઈની ઝોળી છલકાવી દીધી. લગભગ ચાલીસ હજાર રૂપિયા રોકડા દેશનાં વિવિધ ભાગોમાં રાહત અર્થે પહોંચાડવામાં આવ્યાં.  


૪) આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદ :- ઈ.સ. ૧૮૯૯માં મળેલી આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં શ્રી. વીરચંદભાઈએ સમગ્ર એશિયાનાં પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. ત્યાં એમણે આપણી પોસ્ટલ પદ્ધતિ સુધારવા, વિસ્તૃત કરવા અને તેનો વિકાસ કરવા સૂચવ્યુ હતું, જેથી વિશ્વનાં દરેક દેશને તેમાં સમાવી શકાય. આ ઉપરાંત તેમણે વાણિજ્યનું વિસ્તૃત અને સંપૂર્ણ શિક્ષણ આપવા વિશે પણ કહેલું. 


આ ઉપરાંત તેમણે વર્ષ - ૧૮૯૫માં પૂણેમાં યોજાયેલ ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ (INC) નાં અધિવેશનમાં મહારાષ્ટ્ર રાજ્યનાં પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. તેમજ ૧૯ ડિસેમ્બર, ૧૮૯૮ નાં રોજ વિલિયમ સાઈન્સ બિલ્ડિંગનાં વિશાળ હોલમાં ભારતીય રાજકારણ અને ઉદ્યોગ પર લેક્ચર આપ્યો હતો. 



વિશેષ બાબતો :- 


- વિશ્વ ધર્મ પરિષદમાં ભારતનાં બે પનોતા પુત્ર : સ્વામી વિવેકાનંદ અને વીરચંદ ગાંધીએ ભારત દેશનું નામ વિશ્વ સ્તરે ઝળહળતું કર્યું હતું. આ બંને મહાનુભાવોનાં વ્યાખ્યાનોની બાબતો વિશ્વ ધર્મ પરિષદનાં ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ. વિદેશમાં જેમ જૈન ધર્મનો પરિચય કરાવવાનું માન વીરચંદભાઈ ગાંધીને જાય છે, તેવી જ રીતે વેદાંત તત્વજ્ઞાનનો પરિચય પાશ્ચાત્ય દેશોમાં કરાવવાનો યશ શ્રી. સ્વામી વિવેકાનંદને ફાળે જાય છે. સને - ૧૮૯૩ માં થયેલી વિશ્વ ધર્મ પરિષદમાં ભારત તરફથી આ બંને પ્રતિનિધિ હતાં. આ બંને મહાન વિભૂતીઓમાં ઘણી સામ્યતા જોવા મળે છે, કારણ કે બંનેનાં કાર્યક્ષેત્ર પણ સમાન છે. કર્તવ્યનિષ્ઠા, પવિત્રતા અને સત્યતા : આ ત્રણેય ગુણોને આ બંનેય વિભૂતિઓએ પોતાના જીવનમાં વણી લીધા હતા. બંને તત્વજ્ઞાનનાં પ્રખર અભ્યાસુ હતા તેમજ બંનેમાં અદ્ભુત તુલનાત્મક અધ્યયન શક્તિ અને વિશાળ દૃષ્ટિ હતી. બંને યોગનાં અભ્યાસી હતાં અને બંનેએ યોગની ક્રિયા - પ્રક્રિયા વિદેશીઓને સમજાવી હતી. આ ઉપરાંત આર્ય સંસ્કૃતિઓનું હાર્દ સમજાવવામાં બંનેએ અથાગ પરિશ્રમ લીધો હતો. વિદેશમાં તેઓ એકબીજાનાં પૂરક રહ્યા હતાં. સ્વામી વિવેકાનંદને વીરચંદભાઈની કાબેલિયત અને શક્તિ પર ખૂબ જ વિશ્વાસ હતો. આમ, સ્વામી વિવેકાનંદ અને વીરચંદ ગાંધી બંને કરુણાની મૂર્તિ હતાં. 


- વિશ્વ ધર્મ પરિષદ તેમજ આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદ જેવા વિદેશ પ્રવાસો દરમ્યાન વીરચંદભાઈનાં ઘણાં ગાઢ મિત્રો બન્યા હતાં અને કેટલાક તો તેમનાં અનુયાયીઓ પણ બન્યા હતાં. જે આ મુજબ છે : (૧) અમેરિકાનાં મિસિસ હાર્વર્ડએ વીરચંદભાઈની જૈન ધર્મ  પરાયણતા જોઈને એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા કે તેઓ વીરચંદભાઈનાં હસ્તે દીક્ષિત થયા હતા અને શિષ્યા બની ગયા હતાં. (૨) હર્બટ વોરન નામનાં વ્યક્તિ પણ વીરચંદભાઈનાં હસ્તે જ દીક્ષિત થયા હતાં. આ આદર્શ વ્યક્તિ ને "આદર્શ જૈન" નાં ઉદાહરણ રૂપ ગણાવી શકાય. શ્રી. વીરચંદભાઈએ ઈંગ્લેન્ડમાં જ્યારે " Philosophical Society (ફિલોસોફિકલ સોસાયટી)" ની સ્થાપના કરી, ત્યારે હર્બટ વોરન ત્યાં આવતા વિદ્યાર્થીઓમાંનો એક હતો. આ સંસ્થામાં જૈન ધર્મ, હિન્દુ યોગ તેમજ બૌદ્ધ તત્વજ્ઞાન વિશે તુલનાત્મક જ્ઞાન આપી શકાય એ માટેનાં વર્ગો ચલાવવામાં આવતા હતાં. હર્બટ વોરને શ્રી. વીરચંદભાઈનાં તમામ પ્રવચનોની નોંધ રાખી હતી. આ પ્રવચનોની નોંધ પરથી તેમણે "Jainism" નામનું એક પુસ્તક પણ પ્રગટ કરેલું. (૩) વિશ્વ ધર્મ પરિષદનાં પ્રમુખ : પ્રેસિડેન્ટ ચાર્લ્સ સી. બોની, મંત્રી : ડૉ. જ્હોન હેનરી બરોઝ અને ત્યાંના સહમંત્રી : વિલિયમ પાઈપ - આ ત્રણેય વીરચંદભાઈનાં ગાઢ મિત્રો બની ગયા હતાં. ભારતમાં જ્યારે દુકાળ પડ્યો હતો ત્યારે, અમેરિકામાં જે 'રાહત સમિતિ' ની રચના કરવામાં આવી હતી, તેમાં ચાર્લ્સ સી. બોની અધ્યક્ષપદે રહ્યા હતા અને વીરચંદભાઈની ખૂબ સહાય કરી હતી. પરિષદ પૂર્ણ થયા બાદ ધર્મનાં પ્રચાર અર્થે વીરચંદભાઈને થોડોક સમય ત્યાં રોકાવાનું થયુ  હતું, ત્યારે ડૉ. જ્હોન હેનરી બરોઝે તેમનું ઘર ખાલી કરી આપ્યું હતું અને ત્યાં વીરચંદભાઈ રોકાયા હતાં. અમેરિકામાં વીરચંદભાઈએ સ્થાપેલી "School of Oriented Philosophy" અને "Esoteric Studies" સંસ્થામાં  વર્ગો ચાલતાં, ત્યારે તેની દેખરેખનું કામ વિલિયમ પાઈપ કરતાં હતાં.  

 

- મહાત્મા ગાંધી જ્યારે ઈંગ્લેન્ડમાં હતાં, ત્યાં  તેમની મુલાકાત વીરચંદ ભાઈ સાથે થઈ હતી. તેઓ પોતાની આત્મકથા "સત્યનાં પ્રયોગો" માં તેઓ જ્યારે ઈંગ્લેન્ડમાં ખોરાકના અખતરા કરતા હતા, ત્યારે વીરચંદભાઈ પણ તેમાં શામિલ હતા - તેવું નોંધેલ છે. 


- વીરચંદભાઈનાં પત્રો બહુ ઓછાં ઉપલબ્ધ છે. એ પૈકી થોડાક શ્રી. મહાવીર જૈન વિદ્યાલયનાં સંગ્રહાલયમાં છે. એમનાં કુટુંબીજનોએ ઈ.સ. ૧૯૪૬ માં એમની જન્મ શતાબ્દીનાં ઉજવણી વખતે શ્રી. મહાવીર જૈન વિદ્યાલયને એમનું અપ્રગટ સાહિત્ય કાસ્કેટ, મેડલ તેમજ પત્રો વગેરે આપી દીધા હતાં.


- વર્ષ : ૧૯૯૦ માં શિકાગો અને મહુવામાં વીરચંદભાઈનું પૂતળું મૂકવામાં આવ્યું હતું.


-  ૮ નવેમ્બર, ૨૦૦૯ નાં રોજ ભારતીય ડાક (પોસ્ટ ઑફિસ) વિભાગે વીરચંદ ગાંધીનાં માનમાં તેમના ઈમેજ વાળી એક પોસ્ટ ટિકીટ બહાર પાડી હતી.  


કેટલીક મહાન વ્યક્તિ ઓનાં કાર્યો એટલાં મહાન હોય છે કે, એનાં સત્કાર્યોનો પ્રવાહ નિરંતર ચાલ્યા કરે એવી સૌની લાગણી હોય છે. પણ કહેવાય છે ને કે - કાળ કોઈનો નથી. ત્રીજી વખતની વિદેશયાત્રાએથી નાદુરસ્ત તબિયત લઈને જ્યારે ઘરે આવ્યા પછી, તેમની તબિયતમાં સુધારો થયો જ નહીં. પોતાની ૩૭ વર્ષ સુધીનાં જીવનકાળ દરમ્યાન તેઓ સતત કાર્યરત રહ્યાં, કદાચ શારીરિક ક્ષમતા થી વધુ તેઓ કાર્યશીલ રહ્યાં. વર્ષ - ૧૯૦૧ નાં જુલાઈ મહિનામાં સ્વદેશ પરત ફર્યાં અને તબિયતમાં કંઈ જ ફેરફાર ન થતાં ૭ ઑગસ્ટ, ૧૯૦૧નાં રોજ મુંબઈમાં પોતાના નિવાસ સ્થાને તેમનું દેહાવસાન થાય છે. કાકા કાલેલકર એ " સ્મરણ યાત્રા" માં નોંધ્યું છે કે - "ડાહ્યો - શાણો માણસ ઝાઝું જીવે નહીં. અને આ ઉક્તિ વીરચંદ ગાંધીના સમયનાં મહાનુભાવો - સ્વામી વિવકાનંદજી, શ્રીમદ્ રાજચંદ્ર વગેરે પર સાચી પડી. આ બધા જ મહાન વ્યક્તિઓએ હજુ પોતાની ચાલીસી વટાવી નહોતી ત્યાં જ ભગવાનનાં ઘરેથી આટલું વહેલું તેડુ આવી ગયું. કદાચ એટલા માટે જ આ લોકો પોતાની ટૂંકી જિંદગીમાં એક પછી એક કામ આટોપવા લાગ્યા અને કાર્ય પૂર્ણ થતાંની સાથે જ જીવનકાળ પણ સમાપ્ત થઈ ગયો.


 તો આ વાત હતી, વિશ્વ ધર્મ પરિષદનાં બીજા અણમોલ રત્ન એવા વીરચંદ ગાંધીની. જેમણે જૈન ધર્મને વૈશ્વિક સ્તરે લઈ જઈને ભારતની ધાર્મિક રીત - પરંપરા તેમજ જૈન ધર્મનું ગૌરવ વધાર્યું. એક એવા મહાન વ્યક્તિ જેઓ સ્વામી વિવેકાનંદની જ રૂપરેખા હતાં. પરિષદ પૂર્ણ કર્યા બાદ તેઓ જ્યારે ભારત આવ્યા ત્યારે, લોકોએ તેમને "નાના સ્વામી વિવેકાનંદ" કહીને સંબોધ્યા હતાં. 

 


શ્રી. વીરચંદ ગાંધીને શત શત વંદન ,







ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ