વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સુખની સ્વાનુભૂતી...

 સુખની સ્વાનુભૂતી

' સુખ પતંગિયા જેવું છે, પકડવાનો પ્રયત્ન કરો તો હાથ ન આવે અને તમને જાણ પણ  ન હોય, ત્યારે ખભા ઉપર આવીને બેસી જાય છે'

સુનયના  ડાયરીના પાના ફેરવતી હતી, ત્યારે આ વાક્ય નજરે ચડ્યું. વાક્ય વાંચી પોતાની જાતને પૂછ્યુ,"' સુખનું પતંગિયું મારા ખભા ક્યારેક આવીને બેઠું છે ""?

પોતાની જાતને વિચારતી કરી મૂકી, એ દશામાં ઘરના બગીચામાં બપોરની ચા બનાવવા તાજા ફુદીના અને તુલસીના પાન ચૂંટવા ગઈ.

ઠંડીની મૌસમ હતી. હવાની લહેરખી તેના લટ સાથે અડપલા કરતી રહી. લટને હવામા ફફરવા દીધી, અતીતની ક્યારીઓ ઓળંગતી કોલેજના સુનહરા સમયમાં પહોંચી ગઈ.

કોલેજમાં હુ સૌંદર્યવાન  હતી. આર્થિક રીતે ધનવાન નહોતી પણ રૂપમાં હુ ધનવાન હતી. રૂપ બધાને લલચાવી મૂકતું, કેટલાય આશિકો રૂપના દિવાના થઈને ફરતા. મને રૂપનો ગર્વ હતો. તેની સાથે સંસ્કાર પણ મળેલા હતા. કોઈને હડધૂત કરતી નહોતી. રૂપ હોય તો કોઈ યાચના કરે... કોઈને એલફેલ બોલવું મને ગમતું નહિ. નજરોથી ના કહેવાની આદત પાડી હતી. નજર પારખું સમજી પણ જતો. ઘણા રોમિયો ગમેતેમ બોલતા."" ગોરે રંગ પે ઇતના ગુમાન ના કર, ગોરા રંગ  કભી ભી ઢલ જાયેગા..""

મને રૂપનું ગર્વ હતુ, હુ સૌંદર્યવાન છું, મેં ક્યારેય રૂપનું અભિમાન નથી કર્યું. ગર્વ લેવો અને અભિમાન કરવું બંને ભિન્ન બાબતો છે.

કોલેજની લાઇબ્રેરી મારી ફેવરીટ જગ્યા હતી. હું સાહિત્યનો જીવડો હતી. મને કોઈનાં લખેલા સાહિત્યમાંથી ફેવરિટ વાક્યો લખી લેવા ખૂબ ગમતા. જ્યારે નવરી પડુ ત્યારે વાંચીને આખી વાર્તા વાંચ્યા જેટલો આનંદ લેતી.

જુઓને આજે આ વાક્યે ફરી મને તરુણી બનાવી દીધી. સંસ્મરણોનો મોટો ઢગલો ખડકાયો. થોડું થોડું ખોદતી ગઈ અને મમળાવતી ગઈ.

ચામાંથી ઉઠતી વરાળો, ફુદીના અને તુલસીની સુગંધ ફરી એક ડૂબકી મરાવી ગઈ અતીતની મીઠી યાદોની.

સાવન, ઝરમર વરસતા વરસાદ જેવો, આંખોમાં તરતી હોય લાગણીઓ, ગીત ગાતાં ઉઠતી તેની અદમ્ય સંગત સૂરોની. સુરોને છેડતો જાણે વેલીઓ ડાળને વીંટળાઈ જતી હોય, તેમ તેની ગાયકી દરેક છોકરીઓના દિલ ડોલાવી દેતી. છોકરીઓ તેના સૂરોની, તેના વ્યક્તિત્વની દીવાની હતી.

અમારું દસ છોકરા છોકરીઓનું ગ્રુપ હતુ, જેમાં ચાર છોકરા અને છ છોકરીઓ હતી. ફ્રી પડે એટલે બધા અમારો સ્વીટ કોર્નર હતો, ત્યાં આવી જતા. મુલાકાતો ત્યાંજ થતી.

ચર્ચાનો વિષય હતો, જોય ઓફ ગીવિંગ...

બધાએ મંતવ્યો જણાવાના હતા, સાવનનો વારો આવ્યો..
સાવન બોલ્યો, હુ જેનેં પ્રેમ કરીશ, તેનાથી છૂટા પડવાનું થશે તો હું પ્રેમનો ત્યાગ કરીશ. મારાં મનમાં પ્રેમ રહેવાનો જ છે.  પ્રેમ મારો છે. હું સામેના પાત્રને મુક્ત કરીશ,' જા જીવી લે જિંદગી '

તેની પણ પ્રેમમાં સાથે ના રહેવાની કોઈ મજબૂરી ઊભી થઈ હશે. કોઈનું દબાણ હશે. પરિવારની ઈજ્જત બચાવવા પણ પગલું ભર્યું હોય.

કોઈ દબાણ મારા તરફથી નહી હોય. મે પ્રેમ કર્યો, સાથે રહીને જ પ્રેમ કરાય, પ્રેમ તો સમર્પણ નું નામ છે પ્રેમમાં ત્યાગની ભાવના અનમોલ છે. પ્રેમ પાસે હોય કે દૂર હોય તેની અનુભૂતિ એક સરખી જ હોય છે.

સાવનના મહાન વિચારોથી, તેનુ વ્યક્તિત્વ વધારે નિખરી ઉઠ્યું. હું તેને મનોમન ચાહતી હતી, તે આંખોમાં ઉતરી આવ્યું. પ્રેમ જ્યારે છડી પોકારે ત્યારે બધાને આગાહ કરે છે.
પ્રેમી પ્રેમની ભાષા સમજી લેછે.

નજરોથી આમંત્રણ મળ્યું,
દિલે કર્યો હસીને સ્વીકાર,
એક ઉલ્ઝન અમળાઈ,
સુંદરતામાં સાદગી અપાર.

હજી  મારી સુંદરતા ટકી રહી છે, એકવાર જોઇલે ઘાયલ હજી બને છે. મારા પતિદેવ એટલે મને કોઈને મળવા દેતા નથી, ખાસ કરીને જ્યાં પુરુષ વર્ગ વધારે હોય. જવાનું હોય તો દૂર રહે, નજરો મારા તરફ જ હોય. બે આંખો સતત પીછો કરતી હોય. તેમના અતિશય પ્રેમથી હુ ગૂંગળાઈ જવું છું. મારે હવામાંથી શ્વાસ લેવો છે.  મુક્ત પંખીની જેમ ચહેકવું છે. હુ ચાહું તેની સાથે બોલી શકુ, મને ગમે તેની સાથે વાત કરી શકું. મારી સુંદરતા ક્યારેક મને અભિશાપ લાગે છે.

દરેક રૂપ પાછળ પાગલ હોતા નથી, હા, ગમી જાય તો ફરીવાર જોઈલે એનો અર્થ એવો નથી કે ગમી જાય નો અર્થ પ્રેમ થઈ ગયો કહેવાય.

દરેક વ્યક્તિમાં કંઈક ખાસ ખૂબીઓ હોય છે. દરેક માણસ કોઈક ને કોઈક રીતે દરેકને ગમતું હોય છે.

મારી ચાની વરાળ મહદઅંશે ઠંડી પડી હતી. ચૂસકી લઈને પીવા લાગી. ક્યારેક ચુસ્કીનો અવાજ ખૂબ ગમતો હોય છે. મિત્રો સાથે બેસીને ચાઈ પીવે ત્યારે ખાસ કોનો મોટો અવાજ આવે છે, તેની હરીફાઈ થાય છે.

હું, સાવન અને મિત્રો આવી જ હરીફાઈમાં કરતા. સાવન તેના સૂરોની સાથે કદમ મીલાવતો હોય તેમ ચુસ્કીઓ લેતો અને આખરે જીતી જતો.

હું અને સાવન  ધીરે ધીરે આલાપ આપી નજદીક આવતા રહ્યા. એક તારમાં, એક સૂરમાં બંધાઈ ગયા. મારી સુંદરતામાં મનની સુંદરતા પણ તેને સ્પર્શી હતી. મારા પ્રેમને જોઈને રોજ ગીત નવું બનતું. ગીતોનો જાણે ખડકલો થઈ ગયો. તેને ડાયરીમાં રોજ ઉતારતો. ડાયરીનું નામ આપ્યું "સાવનની સરગમ સુનયના "

અમે બંને એકાંત શોધતા સંગીતના રિયાઝ માટે. પ્રેમાલાપ માટે. પ્રેમની વાતો સંગીત દ્વારા જ વધારે થતી. આંખોથી મસ્તી સરતી, હાથ હવામા લહેરાતા, ક્યારેક બાહોમાં આલિંગાતા, સરગમની ધૂન નસનસમાં વહેતી થતી.

સાવન ગીતોમાં ખોવાતો, હું તેના સૂરમાં ખોવાતી. તેના ખોળામાં માથું રાખીને સૂવાની મજા, તેનો હાથ મારા લાંબા કેશમાં ફરતો, હું અલૌકિક આનંદ માણતી, ક્યાં ને ક્યાં ખોવાઈ જતી, ભવિષ્યના સુનહરા સ્વપ્નમાં.

એક દિવસ અચાનક સાવન રડમસ ચહેરે આવ્યો. સુનયના મને માફ કરી દે. તને આપેલું વચન, તે જોયેલા ભવિષ્યના આપણા સપના, બધુ વેરણ છેરણ થઈ ગયું છે. મારા પિતાને ધંધામાં ખૂબ દેવું થઈ ગયું છે. નાદાર જાહેર થવું પડે એવી સ્થિતિ પેદા થઈ છે. તેમના મિત્ર મદદ કરવા તૈયાર છે. શરત એવી રાખી છેકે તેમની અપાહિઝ છોકરી સાથે મારા લગ્ન થાય. સુનયના તું બોલ હું શું કરું ?

એકબાજુ તારો પ્રેમ છે, બીજીબાજુ મા બાપનો પ્રેમ છે. બંને વચ્ચે હું ફસાયો છું. મારી મનની ડામાડોળ પરિસ્થિતી છે, તુજ કંઇક માર્ગ સુજાડ !!!

સાવન, પ્રેમમાં મુસીબત નાં આવે એમાં જ નવાઈ. પ્રેમ એટલે સમર્પણ. પ્રેમ એટલે કસોટી. મને થોડો સમય આપ વિચારવાનો, જે આપણા બંનેના હિતમાં હોય.

વિચારોમાં  ચાની ચૂસકી ધીરે ધીરે લેવાતી રહી, મન તે સમયમાં જઈને સ્થિર થઈ ગયું. જ્યારે મારી જિંદગીનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હતો. સાવનના વિચારોએ જ મારા વિચારોનું પરિવર્તન કર્યું હતું. તેમાં હું સમંત હતી. સાવનના એક એક શબ્દ મારામય બન્યો હતો.

સાવન, આપણી લય અને રિધમ મળી, જિંદગીનું ગીત શરૂ થતા પહેલા અધૂરું રહી ગયું. સાજ અને સુર છૂટા પડી ગયા. રાગો વિખેરાઈ ગયા. તાર તૂટી ગયા. તારા શબ્દો તને યાદ અપાવું..

તે કહેલું મારા પ્રેમને હુ મનમાં પ્રેમ કરીશ, તેની મજબૂરી હશે તો હું મુક્ત કરીશ, પ્રેમ તો રહેવાનો છે. પ્રેમમાં ત્યાગ પણ જરૂરી છે.

સાવન, તુ આજથી મુક્ત છે. તારા પ્રેમના સંસ્મરણોને હુ દિલમાં કેદ રાખીશ. તારા મારા દિલના તારથી તેને બાંધીશ. થોડું થોડું મમળાવીશ, તને યાદોમાં જીવંત રાખીશ.

સાવન અને હું ભરપૂર એકબીજાને વ્હાલ કરીને છુટા પડ્યા. બંનેએ આંખમાં આસું નહી લાવવાની કસમ આપી હતી. યાદોમાં જીવંત રહેવાનુ પણ ગૃહસ્થી પર તેની અસર ના પડવી જોઈએ. સુખી સંસાર રચી રચ્યા પચ્યા રહેવાનુ આશ્વાસન લીધું. દિલમાં યાદોનો સમંદર ભર્યો, નહી ઉલેચવાની શરતે. ક્યારેક યાદોમાં જઈને ભીંજાવી આવવાનું. નક્કી થયું કરાર કરીને.

સુનયના, પતિદેવની બૂમ પડી.

આજે તમે જલદી આવી ગયા ?

જલદી, ક્યાં છે તું ? સમયનું ભાન છે ? ક્યારેક તુ એવી ખોવાઈ જાય છે તારી આ ડાયરીમાં, કોઈ વાક્ય વાંચ્યું હશે, તેની પાછળ વાર્તા બની હશે, તમે સંસ્મરણોની રેતીમાં આળોટવા લાગ્યા હશો. ક્યાંથી સમયનું ભાન રહે, બોલો ?

અભિષેક, ક્યારેક તમે પણ સ્મરણની રેતીમાં આળોટો, પછી મને કહો કેવું લાગે છે ?

સુનયના, મારે કોઈ ચર્ચા કરવી નથી. તુ કડક મીઠી મસાલા વાળી ચાઈ બનાવ અને ગરમ ગરમ ઉપમા બનાવજે.

સાંજના સમયે ઉપમા ?

તારે જે બનાવું હોય તે બનાવ, પણ ગરમ કંઇક બનાવી આપ, આમ પણ તુ રસોડામાં જતા પહેલા કહે હું આ વાનગી બનાવું છું, પીરસાય જુદું જ. આજે એવુજ બનવાનું હતું એટલે ઉપમા લીધી, કહીને મેનુ ચેન્જ થયું.

હા હા હવે, એ તો સ્ત્રીઓને એવું જ હોય !!!

( ગરમ નાસ્તાનું એટલે કહ્યું, સ્મરણોની રેતીમાંથી બહાર આવે, અરે ખાનગીમાં તમને કહું, બહુ વિચારે તો depression આવી જાય છે ક્યારેક, એટલે મારે થોડું કડક વલણ રાખવું પડે છે. આની જોડે બોલ, નાં બોલ.. મને સ્વભાવ ખબર છે. મારે તેની સાથે રહેવાનું છે. પ્રેમ કરું છું. હકક તો બને છે તેને સાચવવાનો.. એને ક્યારેક ગમતું નથી હોતું પણ જિંદગીના છેલ્લા પડાવ પર અહેસાસ થશે મારો, અનુભૂતિ થવી જરૂરી છે )

કોની સાથે વાતો કરવા લાગ્યા ?

(મનની વાત પણ જાણી જાય છે. બોલો, આ પ્રેમ નથી તો શું છે )?

મસાલાવાળી ચા સાથે ગરમ ગરમ ભજીયા. ચાલો અભી..
ઠંડા થઈ જશે, પછી કહેતા નહિ, ગરમ નથી..

સુનયના, આવ્યો આવ્યો, તારા ભજીયાની મહેકે વધારે ભૂખ જગાડી દીધી છે. ચાલ બેસ, સાથે આરોગીએ.

બીજા ભજીયા તળાય છે, અબઘડી લઈને આવું, તમે ચાલુ કરો..

ચા.. નાસ્તો.. જમવાનું.. એવી વસ્તુ છેકે એકલા એકલા ખાવાની મજા જ નાં આવે. જોડે કોઈ હોય, વાતો થતી હોય, ચર્ચા ચાલતી હોય, લિજ્જત પડી જાય, જમવાનું ક્યાંય પચી જતું હોય છે. સમયનું ભાન ના રહે. તેનાથી આત્મીયતા પણ વધે છે. પરિવારની એકતા વધે છે.

અભી, આજે શ્વેતાનો ફોન આવ્યો હતો, બે દિવસ પછી હું આવું છું ભાભી.

હા, એનું કાયમનું છે, જ્યારે મન કરે ત્યારે આવી જવાનું, બધી બચત આપણી વપરાઈ જાય છે. તેના સાસરે જલસા છે. હું કેટલી મહેનત કરું ત્યારે માંડ સુખેથી રહી શકીએ છે. ભાઈની પરિસ્થિતિની જાણ છે, અહી આવીને બાદશાહી ઠાઠ માણે છે. તું આપે છે એને..

અભી, પિયરમાં કેટલુ મન કરીને આવે છે. હું કેવી રીતે ના કહી શકું ?

એને કહી દેજે, આપણી પરિસ્થિતી પ્રમાણે રહેતા સિખે. આ વખતે હું કહી દેવાનો છું. રહેવાની છૂટ છે પણ ફાલતુ ખર્ચ નહી કરીએ તારી પાછળ. હોસ્ટેલમાં છોકરાને મોકલવાના હોય છે. પેલો જમાઈ પણ સમજતો નથી, અહી આવીને રોફ જાડે છે. તુ આ વખતે તેના ઘરે તેની જાહોજલાલી માણવા જજે જોડે. ખબર તો પડે, શું કરે છે તેના ઘરે.

અભી અભી, શાંત થઈ જાવ. હું મેનેજ કરી લઈશ. તમે કામમાં ધ્યાન રાખો.


સુનયના ચા અને ભજીયાના વાસણો રસોડામાં મૂકવા ગઈ.
ત્યારે શ્વેતાનો કોલ  આવ્યો, અભિષેક ફોન પર વાતો કરવા લાગ્યા. બોલો બહેના.. ક્યારે આવે છે ?

ભાઈ, હમણાં કામ આવી ગયું છે, પંદર દિવસ પછી આવીશ.

સારું હું તારી ભાભીને તારા ઘરે  ચાર દિવસ રહેવા મોકલું છું. તેને થોડો ચેન્જ મળશે.

હા, ભાઈ જરૂર મોકલજો.

હા કીધું છે, જો ભાભી અહી આવી જશે. બધી પોલમપોલ જાણી જશે. હું તો ત્યાં જઈને સાસરાનો કેટલો વટ રાખું છું. બધાની તારીફ કરતી હોઉં છું. ભાભી અહી આવીને શું શું જાણી જશે ? મારા વિશે કેવું વિચારશે ?,  હું ઘરે જઇશ ત્યારે કેવું વલણ હશે તેમનું. મને કંઇક સંભળાવશે ?

અભિષેક, હું તેમના ઘરે નહી જાવું. હું એકલી જાઉં તો કેવું લાગશે ? જવું તો ગિફ્ટ આપવાનો ખર્ચો થઈ જશે.

સુનયના, તું જઈ જ આવ. તને  હાઈ લાઇફ સ્ટાઈલ કેવી રીતે જીવાય છે, ખબર પડે. તારી પણ આવીજ કંઇક ઈચ્છા મનમાં રહેતી હોય છે. તે શ્વેતાના ઘરે પૂરી કરી આવ. મારો પગાર તને કાયમ ઓછો પડતો હોય છે. મને તારા અરમાનની ખબર છે, ખૂબ ઊંચા તારા ખ્વાબ છે. ચાર દિવસ જોતો ખરી જઈને. હાઈ લાઇફ સ્ટાઈલ જિંદગીનો અનુભવ લઇ જો.

હું માનસિક રીતે તૈયાર થઈ જવા માટે, શારીરિક ટાપટીપ પણ કરી. થોડીઘણી ગિફ્ટ લીધી. અંદરથી ખુશ હતી. નવા બંગલામાં, તેના બગીચામાં, જાહોજલાલી માણવા મળશે. શું તેં મારા માટે પાર્ટી અરેંજ કરશે ? નવા લોકોને મળાવશે? પાર્ટી રાખે તો મજા પડી જશે, મનમાં સપનાના મહેલ રચતી, ખખડતી બસમાં તેના શહેરમાં જઈ પહોંચી. ત્યાંથી ઓટો કરીને બંગલે પહોંચી. ગેટ પર દરવાન ઊભો હતો, કોણ છો ? કોને મળવું છે ? હું તો દાન માંગવા આવી હોય એવી જાણે એને લાગતી હતી. ઘુરી ઘુરીને જોતો હતો.

સવાલો જવાબોને પતાવી અંદર ગઈ, ઘરમાં સન્નાટો હતો. લિવિંગ રૂમ લાઈવ હોવો જોઈએ તેને બદલે માતમ છવાયો હોય એમ ખાલીપો લાગતો હતો.

શ્વેતા દોડતી આવી, કહોને ઢસડતી મને ગેસ્ટ રૂમમાં લઈ ગઈ, ભાભી તમે આરામ કરો. હું કલાકમાં આવી. કહીને બહાર ભાગી.

બે કલાક થયા, શ્વેતા આવી નહી, એ દરમ્યાન બીજા રૂમમાંથી સંભળાતા શબ્દોથી ઘણું અનુમાન લગાવી ચૂકી હતી.

ખુબજ તરસ લાગી હતી, આવી ત્યારથી કોઇએ પાણીનો ભાવ પૂછ્યો નથી, કોઈ મળવા આવ્યું નથી, એક મોટા મહેલમાં રૂમ આપી દીધો, શું રૂમ મારી આગતાસ્વાગતા કરશે ?

મોટા ઘરની મોટી વાતો, અહીં મને જોવા મળી, મારા મનમા જે માન અને ઈજ્જત હતા, તે રેલાની જેમ વહી કીચડ બની ગયા, જ્યાં પગ મૂકવાનું ફરી મન ન થાય.

મારા ઘરે જોડે આવીને દેખાડો કરતા હતા. અમારે પરિવારમાં સંપ છે. ક્યાં છે સંપ ? અહિતો અદેખાઈ ચાલી રહી છે. ગરીબ અને તવંગરના ખેલ ચાલી રહ્યા છે. સ્ત્રીઓને કોઈ મર્યાદા નથી, પુરુષો રાતભર બહાર પાર્ટીમાં. પતિ પત્ની અલિપ્ત રહે છે. ખપ પૂરતું બોલવાના સબંધો છે.

પરિવારમાં જોડાણ નથી, દેખાદેખીના ખેલ છે. વિશાળ મહેલ જેવું ઘર પણ જ્યાં દિલમાં વિશાળતા નાં હોય. વિશાળ મન નાં હોય, મહેમાનની આગતાસ્વાગતા નાં હોય. એ ઘર નથી, ખંડેર કહેવાય, જ્યાં મુકામ થતો હોય.

મારું ઘર જ્યાં પ્રેમના પુષ્પો ખીલેલા છે. પ્રેમની ચોતરફ મહેક છે. માન છે, સન્માન છે, લાગણી છે, કરુણા છે, દયા છે. ઘરમાં આ બધી ચીજોની ઘણી આવશ્યકતા હોય છે. ઘર સંવેદનાઓથી ધબકતું હોવું જોઈએ. મારો પતિ, હુ ઘણી વાર વિચારતી, મને પ્રેમ નથી કરતો કે હું નથી કરતી. અમુક ખરાબ આદત ના ગમે તેનો મતલબ પ્રેમ નથી એવો ઓછો છે. અભીને તો મારા વગર ચાલે જ નહી, કેવા પાછળ ફરતા હોય, મારા નામની બૂમો પાડતા હોય, મારી પાસે બેસ, કહી ઉઠવા જ નાં દે. રોમાન્સ કોઈ અભી પાસેથી શીખે. છે ખડૂસ પણ રોમેન્ટિક છે. મારું ઘર વિશાળ નથી, જાહોજલાલી નથી, અમારા દિલ વિશાળ છે. અમારા સબંધો અમારી જાહોજલાલી છે.

ભાભી, કેમ રૂમની બહાર આવી ગયા કરતી શ્વેતા ઉતાવળથી આવી.

શ્વેતા, મારે આવ્યે બે કલાક થયા, તરસ લાગી હતી, તો હુ પાણી પીવા જતી હતી. તારું ઘર મહેલ જેવું છે. મને રસોડું જ નાં મળ્યું.

ભાભી, પીવાના પાણીની અલગ જગ્યા છે. રસોડામાં પાણી લેવા નહી જવાનું.
રસોઈ સેમાંથી બનાવવાની ?

ભાભી, વાપરવાનું અને પીવાનું પાણી અલગ આવે. પીવાનું પાણી ખુબજ મોંઘુ છે.

ચાલો, હુ તમને મારું ઘર બતાવું !!!

ઘર બતાવવા દરમ્યાન ઘરની દરેક વ્યક્તિ મળી, મારા ભાભી છેની ઓળખાણ કરાવી પણ રિસ્પોન્સ અજનબી જેવો હમમ. સાસુમાને પગે લાગી, ઉતાવળમાં હોય એવો ડોળ કરીને ચાલ્યા ગયા. મૂળ જ ખરાબ હોય ત્યાં ડાળીઓ કર્કશ જ હોય.

શ્વેતાના પતિ, મારા કુમાર, વાચા ગળી ગયા હોય તેવું લાગ્યું. મારા ઘરે એમ થાય voice box કેમનું બંધ કરીએ, અહીંયા તેથી વિરૂદ્ધ,  જાણે ભાભીને જોઈ કોઈ સાંપ સૂંઘી લીધો હોય, તેમ બસ મજાથી રહો, કહીને શ્વેતાને થોડામાં ઘણું સમજાવી દીધુ નજરોથી અને વાક્યોથી.

મારું ઘર ભરપૂર યાદ આવવા લાગ્યું. હું મોટા મહેલના સ્વપ્ના જોતી, મારું ઘર સારું છે, મારા પતિ મને કેટલુ વ્હાલ કરે છે.
મારી સુખની પરિભાષા બદલાઈ ગઈ. જ્યાં આત્મીયતા નિરંતર વહેતી હોય, ઘર ચહેક્તું હોય, જ્યાં વાતોના ખજાના હોય, જમવાના ટેબલ પર સૌ સાથે હોય, એકબીજા માટે લાગણીઓ હોય, તારું કે મારું નહી, આપણુંની ભાવના હોય. વડીલોનો આદર હોય જ્યાં સુખ ત્યાં નિરંતર વહેતું હોય છે.

પૈસા કરતાં જ્યાં શબ્દોનો વૈભવ હોય, અતિથીઓની આવન જાવન હોય. પ્રેમ હમેશા રહેતો હોય, આદર સાથે સનમાન મળતું હોય. ત્યાં સુખ રહેતું હોય.

અભિનો ત્યાં ફોન આવ્યો. સુનયના કેવું લાગ્યુ શ્વેતાનું ઘર ?

અભી, મને એક કામ અર્જન્ટ યાદ આવ્યું છે, કરવું પડે તેમ છે, હુ વળતી બસમાં પાછી આવું છું.

સુનયના, હું શ્વેતાના ઘરની બહાર જ ઉભો છું. તને સાચું કહુ, તારા વગર હુ નાં રહી શક્યો. તુ હોય તો ઘર ઘર લાગે, જ્યાં નિરંતર તારું હાસ્ય ગુંજતું હોય.

અભી, તમે બહાર જ રહો, હુ સામાનની બેગ લઈને આવું છું, હજી unpack પણ નથી કરી. આપણે સાથે ઘરે જઈએ.
શ્વેતાને કહેવા પણ નાં ઊભી રહી, રૂમમાંથી બેગ લઈને દોડી જાણે માઇલોથી ચાલતી હાંફી ગઈ હતી.

અભિષેકને જોઈ, બેગ હાથમાંથી છોડી દીધી, બે હાથનો હાર બનાવી ડાળી વેલને વીંટળાઈ એમ ભરડો લીધો. મારું સુખ તમે છો, અભી. હું અહીં તહી ભટકતી હતી, પ્રેમના સુખ માટે, સામે હોવા છતાં અહેસાસ થતો નહોતો. તમે કેટલો અહેસાસ કરવાની કોશિશ કરી, આત્મગ્લાની થશે ત્યારે અહેસાસ થશે કહી તમે છોડી દીધું, પ્રેમ જતાવાનું. હું મૂર્ખ તમારો પ્રેમ સમજી ના શકી, ઘર ગૃહસ્થી એમ જ ચાલે, એ રાહ પર ચાલતી રહી.

આજના અહેસાસે મારી આંખો ખોલી દીધી. ફ્લેશબેકમાં પ્રેમના દ્રશ્યો દ્રશ્યમાન થતા ગયા. સુખની વ્યાખ્યા શું સમજમાં આવી ગયું. સુખ એટલે મારું ઘર, જ્યાં અમે અને આમારો પ્રેમ રહેતો હોય.

સુખનું પતંગિયું ખભા ઉપર હંમેશા બેઠેલું હતું, મારી નજરોમાં નહોતુ. અભીની આંખોથી જોયું હોત તો સુખ જ સુખ હતુ.

અભીએ પણ તેની બાંહો ફેલાવી, હું તેમાં સમાઈ ગઈ. પ્રેમના સુખ સાગરમાં મહાલતી હું પતંગિયું ખભે રાખીને સુખની સ્વાનુભૂતી માણતી રહી.

સમાપ્ત...

""અમી ""
















ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ