વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધ આઈપીએલ ૨૦૨૩ ફાઇલ્સ

ધ આઈપીએલ ૨૦૨૩ ફાઇલ્સ

ભારત નામનો એક દેશ, વિશ્વની સૌથી વધુ વસતિ ધરાવતો દેશ, ક્રિકેટ નામના ધર્મનો અનુયાયી દેશ, અહીં બે વ્યકિતઓ અતિશય લોકપ્રિયતા ધરાવે છે. એક, આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલે કે નમો અને બીજા સ્થાને મહેન્દ્ર સિંહ ધોની એટલે કે થાલા.

એ દિવસ છે શુક્રવાર અને ૩૧ માર્ચ, ૨૦૨૩. સ્થળ છે વિશ્વ વિખ્યાત નેતા નરેન્દ્ર મોદીનું નામ ધરાવતું, વિશ્વનું સૌથી વિશાળકાય નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ. સમય છે સાંજના ૭ કલાક. ત્યારે સ્ટેડિયમની ક્ષમતાથી (૧,૩૨,૦૦૦ અધિકૃત દર્શક) કદાચ વધારે જન મેદની ઉપસ્થિત છે, લાખો લોકો પોતપોતાના ટીવી પર આ પરોક્ષ રીતે એક પીળા રંગના મહાસાગરને હિલોળે ચડેલો માણી રહ્યાં છે. આ સમુદ્રનો નાદ એક જ છે, "ધોની, ધોની…!!!"

હા જી, હકીકતમાં એ મહાસાગર એક મહાસાગર નહીં પણ માહીસાગર છે. આ ભીડ એમના લોકપ્રિય માહીભાઈ ઉર્ફ મહેન્દ્ર સિંહ ધોની ઉર્ફ ધોની ઉર્ફ થાલાને કદાચ અંતિમ વખત ક્રિકેટ રમતો જોવા આવી છે. ભલે એ મેચ અમદાવાદ ખાતે રમાઈ રહી છે અને એ પણ હાર્દિક પંડયાની ટીમ ગુજરાત ટાઇટન્સ તથા મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પણ ઉદ્ઘાટન સમારંભ દરમ્યાન જ ખાતરી થઈ ગઈ હતી કે આઈપીએલ ૨૦૨૩ ની આ સીઝન તો ચોક્કસ થાલાના નામે જ ઓળખાશે અને આ ચેન્નઈ સુપર કિંગ્સની મેચ જ્યાં પણ રમાશે ત્યાં આવા પીળા માહીસાગરની ભરતી ચડતી જ રહેશે.

એ વખતે સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સની બ્લ્યૂ જર્સી કરતાં ચેન્નઈ સુપર કિંગ્સની પીળી જર્સી ખૂબ ખૂબ વધારે દેખાય છે. ગુજરાત ટાઇટન્સની ટીમના માર્કેટિંગ સ્ટાફ આ ચેન્નઈ સુપર કિંગ્સની પીળી જર્સી પહેરેલ પ્રેક્ષકોને વિનંતી કરી ગુજરાત ટાઇટન્સના બ્લ્યૂ ઝંડા આપતા નજરે ચડે છે. એક તરફ અરિજિત સિંહ કાંઈક ગાઈ રહ્યો છે તો પ્રેક્ષકો "ધોની, ધોની…" લલકારી રહ્યાં છે. આમાં ક્યાંક તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદાના પણ હતી પણ પ્રેક્ષકોની આંખો માહીભાઈને શોધી રહી હતી અને એમના મુખે ધોની ધોની નામનો અસ્ખલિત મંત્રોચ્ચાર ચાલુ છે. આ છે આઈપીએલ ૨૦૨૩ ના ઉદ્ધાટન સમારંભનું દ્રશ્ય. 

આ સીઝનની પ્રથમ મેચ, ચાર વખત ચેમ્પિયન એવા ચેન્નઈ સુપર કિંગ્સ તથા ગત સીઝનથી શુભારંભ તરીકે પોતાની પ્રથમ જ સીઝનમાં ચેમ્પિયન બનનાર ગુજરાત ટાઇટન્સ, વચ્ચે રમાઈ રહી છે. ભારતીય ક્રિકેટના સૌથી લોકપ્રિય અને સફળ સુકાની મહેન્દ્ર સિંહ ધોની તથા ભારતીય ક્રિકેટના ભવિષ્યના સુકાની હાર્દિક પંડ્યા પોતપોતાની ટીમ સાથે મેદાનમાં ઊતરી ગયા છે. આ પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ જીતી ગઈ પણ એ વખતે મહેન્દ્ર સિંહ ધોનીના મગજમાં એક ટીસ ઊઠી કે આ જ સ્થળ, આ જ સ્ટેડિયમ અને આ જ ગુજરાત ટાઇટન્સની ટીમને ૨૮ મે, ૨૦૨૩ ના દિવસે ફાઇનલમાં હરાવી પાંચમી વખત (મુંબઈ ઇન્ડિયન્સની સાથે) વિજેતાપદ ટ્રોફી જીતી મારી ટીમને ચેમ્પિયન બનાવીશ.

આમ ધમાકેદાર શરૂઆત થઈ આઈપીએલ ૨૦૨૩ સીઝનની. આઈપીએલ સિરીઝની સોળમી સીઝન. દસ ટીમ, એમની વચ્ચે ૭૦ મુકાબલા અને ૪ પ્લે ઓફ મુકાબલા આમ કુલ ૭૪ દિલધડક મુકાબલા સભર બે મહિના માટે ફક્ત ભારતીય જ નહીં પણ વિશ્વ ભરના ક્રિકેટ પ્રેમીઓ તૈયાર છે. હવે જામશે જંગ ખરાખરીનો.

ફ્રેન્ચાઇઝ, મુખ્ય કોચ, કેપ્ટન લીસ્ટ 

૧. ચેન્નાઈ સુપર કિંગ્સ, સ્ટીફન ફ્લેમિંગ, મહેન્દ્ર સિંહ ધોની
૨. દિલ્હી કેપિટલ્સ, રિકી પોન્ટિંગ, ડેવિડ વોર્નર
૩. ગુજરાત ટાઇટન્સ, આશિષ નેહરા, હાર્દિક પંડ્યા / રશીદ ખાન
૪. કોલકાતા નાઈટ રાઈડર્સ, ચંદ્રકાંત પંડિત, નીતિશ રાણા
૫. લખનઉ સુપર જાયન્ટ્સ, એન્ડી ફ્લાવર કેએલ રાહુલ / કૃણાલ પંડ્યા
૬. મુંબઈ ઈન્ડિયન્સ, માર્ક બાઉચર, રોહિત શર્મા / સૂર્ય કુમાર યાદવ
૭. પંજાબ કિંગ્સ, ટ્રેવર બેલિસ, શિખર ધવન / સેમ કરણ
૮. રાજસ્થાન રોયલ્સ, કુમાર સંગાકારા, સંજુ સેમસન
૯. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સંજય બાંગર, ફાફ ડુ'પ્લેસિસ / વિરાટ કોહલી
૧૦. સનરાઇઝર્સ હૈદરાબાદ, બ્રાયન લારા, એઇડન માર્કરામ / ભુવનેશ્વર કુમાર.

આ દસ ટીમને બે ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી હતી. એટલે દરેક ટીમને બીજા ગ્રુપની પાંચ ટીમ સાથે બે મેચ અને પોતાના ગ્રુપની બીજી ચાર ટીમ સાથે એક મેચ એમ કુલ ચૌદ મેચ રમવાની તક હતી. જેમાંથી સાત મેચ પોતાના ગૃહ મેદાન પર અને સાત મહેમાન તરીકે રમવાની હતી. રોજ સાંજે એક મેચ તો શનિવાર તથા રવિવારે બે મેચ એમ ટાઇમ ટેબલ ગોઠવાઈ ગયું હતું. 

જાણકારી ખાતર, જૂન ૨૦૨૨ માં, ૨૦૨૩ થી ૨૦૨૭ સુધી આઈપીએલ માટેના પ્રસારણ અધિકારો ₹ ૪૮,૩૯૦ કરોડમાં વેચાયા હતા, જેને લીધે ઇંગ્લિશ પ્રીમિયર લીગને પાછળ છોડીને રાષ્ટ્રીય ફૂટબોલ લીગ પછી વિશ્વની બીજી સૌથી મોંઘી ટૂર્નામેન્ટ તરીકે આઈપીએલ લીગને પ્રસ્થાપિત થઈ ગઈ છે. આ કરાર મુજબ ૨૦૨૩ થી ૨૦૨૭ સુધીની આઈપીએલની દરેક મેચનું પ્રસારણ અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, કેરેબિયન દેશો, નેપાળ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને સબ-સહારિયન આફ્રિકા, શ્રીલંકા, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા વગેરે દેશોમાં પણ થવાનું છે.

આ સિઝનની ખાસિયત એટલે આ ૨૦ ઓવરની મેચના નિયમમાં ખાસ ફેરફાર. 

૧. અત્યાર સુધી આઈપીએલમાં, ટીમોની ધીમા ઓવર રેટથી બોલિંગ કરવાને કારણે મેચો પૂરી થવામાં વધુ સમય લાગી રહ્યો હતો. વળી આઈપીએલના નિયમો અનુસાર, એક ઈનિંગ ૯૦ મિનિટમાં પૂરી થવી જોઈએ, જેમાં બે કુલ પાંચ મિનિટના વ્યૂહાત્મક સમયનો સમાવેશ થાય છે. છતાં પણ સંપૂર્ણ મેચ ૩ કલાક અને ૨૦ મિનિટમાં સમાપ્ત જ થવી જોઈએ. જો કે, સાધારણ રીતે, ઉપરોક્ત સમયમર્યાદામાં એક પણ દાવનો અંત આવ્યો ન હતો. ટીમના કેપ્ટનોને દંડ ફટકારવા બાદ ઓવર રેટમાં થોડો સુધારો જોવા મળ્યો હતો પણ આ દંડ અસરકારક સાબિત થયો નહીં.

ઇંગ્લિશ ક્રિકેટર જોસ બટલરે ટ્વીટર પર અપીલ કરી હતી કે આઈપીએલ મેચોની ઝડપ વધારવામાં આવે. વિવિધ ટીમોના ધીમા ઓવર રેટના કારણે આ સિઝનની મેચો રાત્રે ૧૧:૩૦ વાગ્યા પછી પૂરી થઈ રહી હતી. જ્યારે આઈપીએલની સાંજની મેચો સાંજે ૭:30 વાગ્યે શરૂ થઈ, ૧૦:૫૦ વાગ્યે સમાપ્ત થવી જોઈએ.

આથી જો કોઈ ટીમ નિર્ધારિત સમયમાં તેમની ૨૦ ઓવર નાખવામાં નિષ્ફળ જાય છે, તો બાકીની ઇનિંગ્સ માટે ફક્ત ચાર ફિલ્ડરોને ફિલ્ડિંગ પ્રતિબંધ વર્તુળની બહાર મંજૂરી આપવામાં આવશે એવો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.

૨. દરેક સુકાની બે ટીમ લીસ્ટ લઈ જઈ પ્રથમ બેટિંગ કે ફિલ્ડિંગ છે એ જાણી ટોસ બાદ ટીમો જાહેર કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.

૩. પ્રભાવિત ખેલાડી નિયમ ("ઇમ્પેક્ટ પ્લેયર" નિયમ) પ્રમાણે મેચ દરમિયાન ચાર નામાંકિત અવેજીમાંથી એક ખેલાડીને બદલવાની મંજૂરી આપવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.

૪. ટીમો ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) નો ઉપયોગ કરીને વાઈડ અને નો-બોલ માટે બોલની સમીક્ષા (આઉટ અથવા નોટ આઉટ ઉપરાંત) કરી શકે એવો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.

ટૂંકમાં આઈપીએલની આ સીઝન ઘમાકેદાર રહે એવી તકેદારી રાખવામાં આવી હતી.

એક પછી એક મેચ રમાતી ગઈ. ફક્ત દિલ્હી કેપિટલ્સ એક માત્ર મજબૂત ટીમ હતી આખરી સ્થાન નિશ્ચિત કરવા માટે. છતાં સનરાઇઝર્સ હૈદરાબાદ એમને માત આપીને દસમા સ્થાને બીરાજી પરફેક્ટ ટેન પોતાના નામે અંકિત કરી લીધું એટલે ડેવિડ વોર્નરની દિલ્હી કેપિટલ્સે નવમા સ્થાનથી સંતોષ માનવો પડ્યો.

ગઈ સીઝનની નવી બંને ટીમ (ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ), આ સીઝનમાં પહેલા અને ત્રીજા સ્થાને રહી તો ગત સીઝનની નવમી અને દસમી ટીમ (ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ) આ સીઝનમાં બીજા અને ચોથા સ્થાને રહી પ્લે ઓફ માટે ઉત્તીર્ણ થઈ ગઈ. 

જોકે અંતિમ લીગ મેચ સુધી રસાકસી જામી હતી. આ અંતિમ લીગ મેચ જે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. જે જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લે ઓફ રમવા ક્વાલિફાય થઈ શકત. પણ વિરાટ કોહલીના નાબાદ શતકને શુભમન ગીલના નાબાદ શતકે બહારનો રસ્તો બતાવી દીધો અને મુંબઈ ઈન્ડિયન્સને અંદર ખેંચી લીધી.

હવે નિયમ અનુસાર પ્રથમ બે સ્થાને રહેલી ટીમ વચ્ચે મેચ થાય જેમાં વિજય મેળવનાર ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ પામે જ્યારે હારનાર ટીમને એક ક્વાલિફાયર (સેમી ફાઇનલ, સમજોને) જીતી ફાઇનલમાં પ્રવેશવા એક મોકો પ્રાપ્ત થઈ શકે. આ ક્વાલિફાયર ૧ મેચ ૨૩ મે, ૨૦૨૩ ના ચેન્નઈ ખાતે એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ. હાર્દિક પંડ્યા એ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી. એમના ગૃહ મેદાન પર ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ બેટિંગ કરી વીસ ઓવરમાં ૧૭૨/૭ નો સ્કોર બનાવી ગુજરાત ટાઇટન્સને ૧૭૩ રનનો પડકાર આપ્યો. જેના જવાબમાં ગુજરાત ટાઇટન્સ વીસ ઓવરમાં ૧૫૭ બનાવી ઓલ આઉટ થઈ ગઈ. આ મેચનો હીરો ઋતુરાજ ગાયકવાડ રહ્યો.

આ ઋતુરાજ ગાયકવાડને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' નામની સિરિયલના પત્રકાર પોપટલાલ (તા.ક. હવે પત્રકાર પ્યારેલાલ) સાથે સરખાવી શકાય. આઈપીએલ ૨૦૨૩ પછી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટની ફાઇનલ મેચ લંડનના ઓવલના મેદાનમાં ૭ જૂનથી શરુ થશે. આ વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટની ફાઇનલ મેચ રમવા માટે ઋતુરાજ ગાયકવાડને પસંદ કરવામાં આવ્યો હતો. પણ ઋતુરાજ ગાયકવાડના ૩ જૂન, ૨૦૨૩ ના લગ્ન નિર્ધારીત થયા હોવાથી એણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટની ફાઇનલ મેચ લંડનના ઓવલના મેદાન પર રમવાની ના ભૂતો ના ભવિષ્યતી, તક નકારી દીધી. જેને લીધે યશસ્વી જયસ્વાલને લોટરી લાગી ગઈ. 

આમ ગુજરાત ટાઇટન્સ સામે જીત મેળવી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે દસમી વખત સીધું ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું. આ પહેલાં તેઓ નવ વખત ફાઇનલ રમીને ચાર વખત ચેમ્પિયન બન્યા હતા. આ મેચમાં શાંત પણ શાતિર ખોપરીના ધણી એવા મહેન્દ્ર સિંહ ધોની એ ફિલ્ડ અમ્પાયર્સના ભોળપણનો ઉપયોગ કરી લીધો. આ મેચ દરમ્યાન ચેન્નઈ સુપર કિંગ્સનો વિદેશી ખેલાડી, મહીશા પથીરાણા (શ્રીલંકા) મેચ દરમ્યાન મેદાન પરથી આઠ મિનિટ માટે બહાર ગયો હતો. એણે એક જ ઓવર નાખી હતી.

થાલા એની પાસે ૧૬, ૧૮ અને ૨૦ નંબરની બાકીની ત્રણ ઓવર બોલિંગ કરાવવા માંગતો હતો. પણ પંદરમી ઓવર સમાપ્ત થઈ ત્યારે મહીશા પથીરાણાને ચાલુ મેચ દરમ્યાન મેદાન પર પાછા આવ્યેને ચાર જ મિનિટ થઈ હોવાથી એ સોળમી ઓવર નાખવા માટે લાયક નહોતો. જો એ આ ઓવર ચૂકી જાય તો એની એક ઓવર ઘટી જાય અને બીજા કોઈ બોલર પાસે એક ઓવર કરાવવી પડે એટલે એમના હારવાના ચાન્સ વધી જાય એમ હતા. માટે ધોની નિરાંતે સ્કવેર લેગ અમ્પાયર પાસે જઈ આ નિયમ સમજવા લાગ્યો. એણે આ નિયમ સમજવા(?) ચાર મિનિટ લીધી. ત્યાં સુધી બોલર મહીશા પથીરાણા સોળમી ઓવર નાખવા માટે લાયક થઈ ગયો. બોલો અંબે માત કી….

જ્યારે ૨૪ મે, ૨૦૨૩ ના ચેન્નઈ ખાતે એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે એલીમિનેટર રમત રમાઈ. પ્લે ઓફ પહેલાં લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કૃણાલ પંડ્યાના નાના ભાઈ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ એવી આશા વ્યકત કરી હતી કે એ બંને ભાઈઓની ટીમ ફાઇનલમાં ટકરાઈ શકે તેમ છે. પણ એ ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારી જતા હવે એ બંને સેમી ફાઇનલ મેચ માટે ટકરાઈ શકે એવી શક્યતાઓ ઊભી થઈ ગઈ હતી.

મુંબઈ ઈન્ડિયન્સે આ મેચમાં પોતાની નિર્ધારીત વીસ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ૧૮૨ રન બનાવી ૧૮૩ રનનો પડકાર આપ્યો હતો. એની સામે કૃણાલ પંડ્યાની લખનઉ સુપર જાયન્ટ્સ વામણી પૂરવાર થઈ. તેઓ ૧૦૧ રન કરી ઓલ આઉટ થઈ ગયા. આમ શુભમન ગીલની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની સદીને કારણે અંદર આવી શકેલ મુંબઈ ઈન્ડિયન્સ સેમી ફાઇનલ સુધી પહોંચી ગયા. જ્યાં એમણે નાના ભાઈની ટીમ સામે રમવાનું હતું. આમ પંડ્યા ભાઈઓની ટીમ વચ્ચે કોઈ પ્લે ઓફ મેચ શક્ય ના થઈ શકી.

આખરે ૨૬ મે, ૨૦૨૩ ના દિવસે અમદાવાદના જૂના મોટેરા અને નવા નમો સ્ટેડિયમમાં આ ક્વાલિફાયર મેચ રમવા મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ ભેગા થયા. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે ૨૩૩ રન ઠોકી દીધા એ પણ ફક્ત ત્રણ વિકેટના નુકસાન પર. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ ફક્ત ૧૭૧ રન નોંધાવી શકી. આમ મહેન્દ્ર સિંહ ધોનીનું પ્રથમ મેચ વખતે જોયેલુ શમણું સત્ય બનવા તરફ સરકી ગયું. જોકે આ જીતનો હીરો મોહિત શર્મા રહ્યો. એણે માત્ર ચૌદ બોલમાં દસ રન ખર્ચી મુંબઈ ઈન્ડિયન્સની અડધી ટીમને (હા, પાંચ વિકેટ) ડગ આઉટ ભેગી કરી દીધી. જે શુભમન ગીલની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની સદીને કારણે અંદર આવી શકેલ મુંબઈ ઈન્ડિયન્સ શુભમન ગીલની એક વધુ સદી વડે એ જ મુંબઈ ઈન્ડિયન્સને બહાર કરી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. 

હવે આવી ગયો ફાઇનલનો દિવસ. 

એ દિવસ છે રવિવાર અને ૨૮ મે, ૨૦૨૩. સ્થળ છે વિશ્વ વિખ્યાત નેતા નરેન્દ્ર મોદીનું નામ ધરાવતું, વિશ્વનું સૌથી વિશાળકાય નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ. સમય છે સાંજના ૭ કલાક. ત્યારે સ્ટેડિયમની ક્ષમતાથી (૧,૩૨,૦૦૦ અધિકૃત દર્શક) કદાચ વધારે જન મેદની ઉપસ્થિત છે. એ મેચ અમદાવાદ ખાતે રમાઈ રહી છે અને એ પણ હાર્દિક પંડયાની ટીમ ગુજરાત ટાઇટન્સ તથા મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઇનલ ટક્કર હતી પણ કુદરતને આ મુકાબલો મંજૂર નથી. અમદાવાદમાં મુશળધાર વરસાદ ચાલુ છે. અટકે ફરી શરૂ થાય પણ પ્રેક્ષકો પોતાની જગ્યા પરથી ખસવા તૈયાર નથી.

વારંવારના ઇન્સ્પેક્શન બાદ પંચ ટીમ દ્વારા રાખીવ દિવસ એટલે કે રિઝર્વ ડેના સોમવારે ૨૯ મે, ૨૦૨૩ ના દિવસે આ ફાઇનલ મેચ રમાવાની જાહેરાત કરવામાં આવી. દર્શકોને એમની ફાઇનલની ટિકિટ જાળવી રાખવા માટે વિનંતી કરવામાં આવી. 

ફરી બીજા દિવસે પણ વરૂણ દેવતા આઈપીએલ ૨૦૨૩ ની ફાઇનલ મેચથી નારાજ છે. છતાં પણ ગ્રાઉન્ડ મેન્સની જહેમતથી મેદાન રમવા લાયક છે. ટોસ ચેન્નઈ સુપર કિંગ્સ દ્વારા જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. મહેન્દ્ર ધોની આજે એની ૨૮ મી આઈપીએલ પ્લે ઓફ મેચ, ૧૧ મી ફાઇનલ મેચ અને એકંદરે પોતાની ૨૫૦મી આઈપીએલ મેચ રમી રહ્યો છે. આવું પરાક્રમ કરનાર એ પ્રથમ ક્રિકેટર છે.

હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ પણ ખૂબ સકારાત્મક અભિગમ સાથે આ ફાઇનલ રમવા તૈયાર છે. એમણે પોતાની વીસ ઓવરમાં માત્ર ચાર વિકેટ ગુમાવીને ૨૧૪ રન સ્કોર બોર્ડ પર ચડાવી દીધા છે. હવે મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સની ગુજરાત ટાઇટન્સની ખૂબ મજબૂત બોલિંગ આક્રમણ સામે આકરી કસોટી થવાની છે. સમય છે રાતના ૯.૪૪. 

ઋતુરાજ ગાયકવાડ અને વ્રધિમાન શહાની આરંભિક જોડી મેદાન પર ઉતરી છે. એમની સામે મોહમ્મદ શમી પ્રથમ બે ડોટ બોલ નાખી દે છે પણ ત્રીજા બોલે ઋતુરાજ ગાયકવાડ એને એક ચોગ્ગો ફટકારી દે છે. બસ આ ચોગ્ગો જોઈને વરૂણ દેવતા નારાજ થઈ ગયા. ફરી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. સમય છે રાતના ૯.૫૦. 

હવે બધાં સ્ટેટેટિશિયન કેલક્યુલેટર લઈ બેસી ગયા છે. એક એક વેડફાઈ ગયેલી સેકન્ડનો હિસાબ થાય છે. ડકવર્થ લુઇસ નિયમ મુજબ નવા નવા ઈકવેશન બહાર પડી રહ્યા છે. રાતના ૧૧.૪૦ વાગ્યે નિર્ણય લેવાયો કે રાતના ૧૨.૧૦ વાગ્યે રમત શરૂ થશે. આમ આ ઐતિહાસિક મેચ હવે શરૂ થશે મંગળવાર ૩૦ મે, ૨૦૨૩ના ૦.૧૦ વાગ્યે. ટી૨૦ ઓવરની મેચના ઈતિહાસમાં આ સૌ પ્રથમ મેચ છે જે ત્રણ દિવસ સુધી ચાલી છે. 

પણ ચેન્નઈ સુપર કિંગ્સ માટે હવે ૨૦ ઓવરમાં ૨૧૫ ને બદલે નવો લક્ષ્યાંક છે ૧૫ ઓવરમાં ૧૭૧ રન. જોકે ખેલાડીઓના સહયોગથી આ મેચ મંગળવાર ૩૦ મે, ૨૦૨૩ના ૦.૦૬ વાગ્યે શરૂ થઈ આગળ વધે છે. સતત ઉતાર ચડાવ બાદ ચૌદમી ઓવરને અંતે ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર છે ૧૫૮/૫. હવે અંતિમ ઓવરમાં એમને જીતવા માટે તેર રનની જરૂરિયાત છે. અને એ સમયે ઇમ્પેક્ટ પ્લેયર શિવમ દુબે સાથે સર રવિન્દ્ર જાડેજા મેદાન પર છે તો સામે સેમી ફાઇનલનો હીરો મોહિત શર્મા અંતિમ ઓવર નાખવા થનગની રહ્યો છે. લાખો લોકો પોતાના દાંતથી પોતાના નખ કરડી રહ્યાં છે. લાખો લોકો પોતપોતાના ઇશ્વરને પ્રાર્થનાઓ કરી રહ્યાં છે.

મેચ આગળ વધી રહી છે. પલડું ગુજરાત ટાઇટન્સ તરફી છે.

૧૪.૧ બોલ શિવમ દુબે પાસે મોહિત શર્માના પરફેક્ટ યોર્કરનો કોઈ જવાબ નથી. રન શૂન્ય. પલડું ગુજરાત ટાઇટન્સ તરફી છે.

૧૪.૨ બોલ શિવમ દુબે ઓફ સ્ટમ્પ પર આવીને ઊભો છે. મોહિત શર્માના વધુ એક પરફેક્ટ યોર્કરનો કોઈ જવાબ નથી પણ રમી લે છે. એક રન. પલડું ગુજરાત ટાઇટન્સ તરફી છે.

૧૪.૩ બોલ રવિન્દ્ર જાડેજા પાસે પણ મોહિત શર્માના વધુ એક પરફેક્ટ યોર્કરનો કોઈ જવાબ નથી. એ પણ લોંગ ઓન તરફ રમી લે છે. એક રન. પલડું ગુજરાત ટાઇટન્સ તરફી છે.

૧૪.૪ બોલ શિવમ દુબે મોહિત શર્માના વધુ એક પરફેક્ટ યોર્કર સામે લાચાર છે. પણ એ લોંગ ઓફ તરફ રમી લે છે. એક રન. પલડું ગુજરાત ટાઇટન્સ તરફી છે.

હવે બે બોલમાં દસ રન જોઈએ છે. મોહિત શર્મા માટે ડ્રિંક્સના બહાને કોચ આશિષ નહેરાનો સંદેશ આવે છે. સુકાની હાર્દિક પંડ્યા પણ મોહિત સાથે વાતચીત કરે છે. 

૧૪.૫ બોલ રવિન્દ્ર જાડેજા પાસે આ વખતે મોહિત શર્માના વધુ એક પરફેક્ટ યોર્કરનો જવાબ છે. એ ડીપ ઊભો રહી એ બોલને લોંગ ઓન દર્શકો વચ્ચે મોકલી દે છે. છ રન. મેચ હવે જિવંત છે પલડું બંને ટીમ તરફી છે.

હવે આખરી બોલ, ચાર રન અને રવિન્દ્ર જાડેજા. સુકાની હાર્દિક પંડ્યા પણ મોહિત સાથે ફરી વાતચીત કરે છે. પણ ફિલ્ડિંગમાં કોઈ ફેરફાર નથી. આ બોલ સર રવિન્દ્ર જાડેજા અને મોહિત શર્મા, બંનેમાંથી એકને હીરો અને એકને ઝીરો કરી દેશે.

૧૪.૬ બોલ રવિન્દ્ર જાડેજા પાસે આ વખતે પણ મોહિત શર્માના વધુ એક પરફેક્ટ યોર્કરનો જવાબ છે. આ વખતે આ બોલ એના પેડ પર આવી રહ્યો છે. અહીં અનુભવની જીત થઈ ગઈ હતી. સર રવિન્દ્ર જાડેજાએ બીજા કોઈ પણ બેટ્સમેનની જેમ બેટ વિંઝવાને બદલે, એને હલકો સ્પર્શ કરી. બોલની ગતિનો ઉપયોગ કરી શોર્ટ ફાઇન લેગ તરફ 
બાઉન્ડ્રી બહાર મોકલી દે છે. ચાર રન. મેચ અને ચેમ્પિયનશીપ બંને ચેન્નઈ સુપર કિંગ્સ જીતી ચૂકી છે. સાલ ૨૦૧૮ બાદ પ્રથમ વખત ક્વાલિફાયર ૧ જીતનાર ટીમ ચેમ્પિયન બની છે. 

મેદાન પર ફટાકડાની આતશબાજી અને રોશની ચાલું છે. ખૂબ મોડી રાત (સવાર) હોવાથી સંગીત શાંત છે પણ લાગણીઓ વહી રહી છે. 

સર રવિન્દ્ર જાડેજાએ કમાલ કરી દીધી. એણે પહેલાં પણ આવી અનેક મેચ જીતાડી બતાવી છે. પણ આ ઇનિંગ ખૂબ જ ખાસ રહી છે. આ સીઝન ખૂબ ખૂબ ખાસ રહી છે. ખાસ કરીને આ સીઝન એ ધોનીની અંતિમ આઈપીએલ મનાઈ રહી હતી એટલે બધાં જ સ્ટેડિયમ પર જ્યાં ચેન્નઈ સુપર કિંગ્સની મેચ હોય ત્યાં સૌ ધોનીને રમતો જોવા આવતાં. વળી બેટિંગ ઓર્ડરમાં પણ સર રવિન્દ્ર જાડેજા, ધોની પહેલાં બેટિંગ કરવા આવે એટલે દર્શકો પણ સર રવિન્દ્ર જાડેજા આઉટ થઈ જાય એમ ઇચ્છતાં અને રવિન્દ્ર જાડેજા ખરેખર આઉટ થઈ જાય તો લોકો આનંદપૂર્વક ગોકીરો મચાવતાં. આમ દરેક મેચમાં રવિન્દ્ર જાડેજા માટે પીચ પર ટકી રહેવું એક જબરજસ્ત પડકાર સમાન સાબિત થઈ જતું. પણ જાડેજા એટલે જાડેજા. 

ફક્ત આ ફાઇનલ મેચમાં ધોની જાડેજા પહેલાં મેદાન પર આવ્યો (વર્ષ ૨૦૧૧ ની ૫૦ ઓવરની વર્લ્ડ કપ ફાઇનલમાં ધોની ઇન ફોર્મ યુવરાજ સિંહ પહેલાં આવીને જીત તથા વિશ્વ કપ મેળવી લીધા હતા એમ). પણ આ વખતે પ્રથમ બોલ પર જ ઓફ સાઇડના મોહિત શર્માના બોલને એક્સ્ટ્રા કવર પર સીધો ડેવિડ મિલરના હાથમાં કેચ આપી દીધો. આ સાથે બે બોલમાં અંબાતી રાયડુ તથા મહેન્દ્ર સિંહ ધોની આઉટ થઈ જતાં પલડું ગુજરાત ટાઇટન્સ તરફ નમી ગયું. અને ખતરનાક મોહિત શર્મા હેટ્રિક પર આવી ગયો. જોકે રવિન્દ્ર જાડેજાએ આ હેટ્રિક અને ટીમના રકાસને અટકાવી મેચને અંત સુધી ખેંચી છેલ્લા બે બોલમાં ચમત્કાર બતાવી દીધો.

થાલાએ રવિન્દ્ર જાડેજાને ઉંચકી આંખના ભીના ખૂણા છુપાવવા પોતાની પલકો બંધ કરી લે છે તો દુઃખી મોહિત શર્મા પોતાની લાગણીઓ પર અંકુશ ગુમાવી રડી પડે છે. એ જોઈ હાર્દિક પંડ્યા દોડીને એને ભેટીને આશ્વાસન આપે છે.

મેન ઓફ ઘ મેચનો ખિતાબ ડેવોન કોનવે, ચેન્નઈ સુપર કિંગ્સને તથા મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ શુભમન ગીલ, ગુજરાત ટાઇટન્સને ફાળે જાય છે. 

રાશીદ ખાન, ગુજરાત ટાઇટન્સને લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચ દરમ્યાન કાયલ મેયર્સના ઝીલેલા કેચને સર્વશ્રેષ્ઠ કેચનો એવોર્ડ મળે છે. 

દિલ્હી કેપિટલ્સને ૨૦૨૩ સીઝનનો ફેર પ્લે એવોર્ડ મળે છે. 

મોહમ્મદ શમી, ગુજરાત ટાઇટન્સને ૧૭ મેચમાં ૨૮ વિકેટ લેવા બદલ જાંબલી એટલે કે પર્પલ કેપનો એવોર્ડ મળે છે. 

શુભમન ગીલ, ગુજરાત ટાઇટન્સને ૧૭ મેચમાં કુલ ૮૯૦ રન કરવા બદલ ગેરૂઆ એટલે કે ઓરેન્જ કેપનો એવોર્ડ મળે છે.

ગુજરાત ટાઇટન્સ ટીમની ઉપ વિજેતા (રનર્સ અપ) ટ્રોફી ટીમ વતી હેડ કોચ આશિષ નેહરા સ્વીકારે છે. 

ચેન્નઈ સુપર કિંગ્સ ટીમની વિજેતા ઇનામ ટીમ વતી હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ સન્માન ચેક સ્વીકારે છે. 

આ દરમ્યાન મહેન્દ્ર સિંહ ધોની જાહેરાત કરે છે કે એ આગામી છ સાત મહિના બાદ પોતાના સ્વાસ્થ્ય અને ફોર્મ જોઈને પોતાની આગામી આઈપીએલમાં રમવા વિશે યોજના જાહેર કરશે. પણ આ ઘડીએ તો એ આઈપીએલ ટ્રોફી હાથમાં લઈ રિટાયરમેન્ટ જાહેર નહીં કરે. આ સાંભળી પીળા માહીસાગરના મોજાઓ આકાશ સુધી ઉછળે છે. પણ એમની ટીમનો એક સભ્ય અંબાતી રાયડુ પોતાની નિવૃતિ જાહેર કરી ચૂક્યો છે. 

મહેન્દ્ર સિંહ ધોનીએ સુકાની તરીકે, યોગ્ય રીતે સન્માનના હકદાર એવા રવિન્દ્ર જાડેજા, જેને પરિસ્થિતિ પ્રમાણે ખરો મેન ઓફ ધ મેચ કહી શકાય અને નિવૃતિ લેનાર અંબાતી રાયડુ સાથે આઈપીએલ સીઝન ૨૦૨૩ની ચેમ્પિયન ટ્રોફી સ્વીકારી, પોતાની ટીમના સદસ્યોના હાથમાં સોંપી દે છે. આ સાથે એક પણ સુપર ઓવર વગરની પણ દરેકે દરેક મેચ અંતિમ બોલ સુધી રસાકસી ભરી, શ્વાસ થંભાવી દેનારી આ સીઝન પણ પૂર્ણાહુતિ પામે છે.

(સમાપ્ત.)

ડિસક્લેમર : આ રચના મનોરંજન હેતુ લક્ષ્યમાં રાખી લખવામાં આવી છે. એટલે વાતો સત્યની નજીક રહે એવો પ્રયાસ કરવા છતાં કોઈ ક્ષતિ, ભૂલ કે ઉણપ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણી દરગુજર કરવા વિનંતી. આગોતરા આભાર. આપના અમૂલ્ય પ્રતિભાવ અપેક્ષિત છે અને રહેશે.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ