વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હનુમાન ચાલીસા

        હનુમાનજી એવા ભગવાન કે જેમના મંદિરમાં પગ મૂકતાની સાથે જ હિમ્મત આવી જાય. આજે તમને હનુમાન ચાલીસા બાબતે કેટલીક રસપ્રદ વાત કહેવી છે. 

        હનુમાન ચાલીસાના રચયિતા સંત તુલસીદાસ ગોસ્વામી હતા. ‘હનુમાન ચાલીસા’માં ચાલીસા શબ્દ અવધી અને હિન્દી ભાષાના 'ચાલીસ’  શબ્દ પરથી આવ્યો છે. હનુમાન ચાલીસામાં કુલ ચાલીસ ચોપાઈઓ છે. જેમાં શરુઆતના અને અંતના દોહાઓ ગણતરીમાં લેવાના નથી. 

         ચાલીસ ચોપાઈઓના દસ દસના ચાર ભાગ પાડવામાં આવ્યા છે. જેમાં પહેલી ચોપાઈથી દસમી સુધીમાં ભગવાન હનુમાનનો પૂર્ણ પરિચય આપવામાં આવ્યો છે. ત્યાર બાદ અગ્યારમીથી વીસમી સુધીની ચોપાઈઓમાં હનુમાન ભગવાન રામને કેટલા સમર્પિત છે, તેમનું કયું કયું કામ કરેલું તે જણાવવામાં આવ્યું છે. પછી એકવીસમીથી ત્રીસ સુધીની ચોપાઈઓમાં હનુમાનને રીઝવવા માટેની વાતો કરવામાં આવી છે અને અંતે એકત્રીસથી ચાલીસ સુધીની ચોપાઈઓમાં તુલસીદાસ લોકોને કહે છે કે જો તમે હનુમાન ચાલીસાના પાઠ કરશો તો તમને કેવા કેવા પરિણામો મળશે તેની વાત કરવામાં આવી છે.  હનુમાનજી અને તુલસીદાસનો સંબંધ આટલા પુરતો જ નથી, પરંતુ હનુમાન સ્વયં તુલસીદાસજીને સ્વપ્નમાં આવે છે અને રામચરિતમાનસ લખવાનો આદેશ આપે છે. પછી એમણે રામચરિતમાનસનું સર્જન કર્યું હતું. 

         રામાનંદ સંપ્રદાયના જગતગુરૂ રામભદ્રાચાર્યજીએ અત્યારે ગવાતી હનુમાન ચાલીસામાં ચાર ભૂલો કાઢી છે. પણ એ જાણતા પહેલા રામભદ્રાચાર્યજીનો ટુંકો પરિચય મેળવી લઈએ. એમનું સાચું નામ ગિરધર મિશ્રા. ઈ.સ. ૧૯૫૦માં મકરસંક્રાંતિના દિવસે ઉત્તરપ્રદેશના જૌનપુરમાં સરયુપરીન બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ થયો હતો. બે મહિનાની ઉંમરે જ એમણે આંખોની રોશની ગુમાવી દીધી હતી. પછી શ્રવણ કરીને જ એમણે બધું જ્ઞાન મેળવ્યું. અંધ હોવા છતાં તેઓ બાવીસ ભાષાના જાણકાર તેમજ વેદ-પુરાણોના જ્ઞાતા છે. એંસીથી વધારે ગ્રંથોની એમણે રચના કરી છે. સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર કેસમાં એમણે વેદ પુરાણોના સંદર્ભ સાથે નિવેદન આપ્યું હતું, જે ખૂબ જ મહત્ત્વનું અને ઉપયોગી સાબિત થયું હતું. ઈ.સ. ૨૦૧૫માં ભારત સરકારે એમને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સમ્માનિત કર્યા હતા. હમણાં ચર્ચામાં છે એ બાગેશ્વર ઘામના ધીરેન્દ્ર શાસ્ત્રી રામભદ્રાચાર્યજીના જ શિષ્ય છે.
         
         હવે હનુમાન ચાલીસાની ભૂલો વિશે જોઈએ. રામભદ્રાચાર્યજીનું કહેવું છે કે હનુમાનજી ભગવાન શંકરના પુત્ર નથી પણ તેઓ ભગવાન શિવના અવતાર છે. તેથી છઠ્ઠી ચોપાઈમાં 'શંકર સુવન કેસરી નંદન'ને બદલે 'શંકર સ્વયં કેસરી નંદન' ગાવું જોઈએ. સત્તાવીસમી ચોપાઈમાં 'સબ પર રામ તપસ્વી રાજા'ને બદલે 'સબ પર રામ રાજશીર તાજા' ગાવું જોઈએ. બત્રીસમી ચોપાઈમાં 'સદા રહો રઘુપતિ કે દાસા'ને બદલે 'સાદર રહો રઘુપતિ કે દાસા' ગાવું જોઈએ. છેલ્લે આડત્રીસમી ચોપાઈમાં 'જો સત બાર પાઠ કર કોઈ'ને બદલે 'યે સત બાર પાઠ કર જોઈ' ગાવું જોઈએ. 

         હનુમાન ચાલીસા હિંદુઓ દ્વારા સૌથી વધુ ગવાતી કોઈ ભગવાનની આરાધના છે. હિંદુ સાહિત્યોમાં પણ હમણાં સુધી હનુમાન ચાલીસા સૌથી વધુ વેચાઈ અને વહેચાઈ છે.  યુટ્યુબ પર હનુમાન ચાલીસા સૌથી વધુ સાંભળવામાં આવતું ગીત (અહિયાં સમજવા માટે ગીત લખ્યું છે.) છે. હમણાં સુધી અસંખ્ય લોકોએ હનુમાન ચાલીસાને પોતાનો સ્વર આપ્યો છે પરંતુ ગુલશન કુમાર દ્વારા ગવાયેલી હનુમાન ચાલીસા ભારતીય-યુટ્યુબ ઈતિહાસનું સૌથી વધુ સાંભળવામાં આવતું ગીત છે. હમણા સુધી તેને લગભગ 300 કરોડથી વધુ વ્યુ મળ્યા છે, જે એક વિક્રમ છે. આ વિક્રમની નજીક પણ બોલીવુડનું કોઈ ગીત નથી. હવે તમે પણ દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ શરુ કરી દો તમારા જીવનમાં ચમત્કારિક બદલાવ જરૂર આવશે. 
         જય બજરંગ બલી.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ