વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

મીરાં.. હો ગઇ મગન... ભાગ-2

    બપોરના પોણા બાર જેવા વાગ્યા હશે. ત્યારે સંદિપના બાજુના ઘરવાળા મોટાબાપા છન્યાનો છોકરો ભરત. તેનાં મોબાઇલ પર ફોન આવ્યો.

     ભરત ત્યારેજ માથે લીલી જુવારનો ભારો ખેતરેથી લઇ આવીને માંડ ઘરનાં આંગણામાં આવીને હજુ તો ઉભો જ હતો. ત્યાં એણે પહેરેલા ટુંકા લેંઘાનાં ખીસામાં જોર-જોરથી મોબાઇલની રીંગ વાગવા માંડી.  (રીંગટોન)

“ઐસી લાગી લગન, મીરાં હો ગઇ મગન... વો તો... ગલી ગલી...

     ઓટ્લાની બાજુમાં બનાવેલા પેઝારા પાસે વ્હેલાં વ્હેલાં ઝડપથી પહોંચી જઇ જુવારનો ભારો જોરથી નીચે નાંખી દીધો. અને તરત ખીસામાં હાથ નાંખી મોબાઇલ બહાર કાઢી કાને લગાડતા પુછ્યું. 

    “હેલ્લોઓ... કોણ રે.. બોલે?”

    એ... તો, મેંજ.. અશોક બોલું.

    હાં... બોલ હચ્છા, શું રે.. કેય?’

    ભરતા.. અત્યારે તું કાં? ને કંઇ બાજુ રે.. છે?’

    અરે... અત્યારેજ ખેતરબાજુથી આવીને હજુ તો ઘરનાં આંગણામાંજ આવીને ઉભો હતો. ને તારી રીંગ વાગવા માંડી.

   હાં., તો પછી મારુ એક કામ કરની.! તમારે બાજુમાં જઇને જરાક સંદિપવાળી વર્ષાભાભીને આ ફોન આપની.

  હંઅ.. ચાલની, જઇને ફોન આપુ હંકે.!! પણ, ફોન ચાલુ જ રાખુ કે, પછી કટ કરીને પાછો કરવા કેંઉ.

  કંઇ નીં, તું ફોન ચાલુ જ રેવા દેની. હમણાં તો પેલી ફ્રી અનલિમીટેડ વાળી સ્કિમ કરાવેલી છે. એટલે વાંધો નંઇ.

  ફોન પર વાત કરતા-કરતાંજ ભરત સંદિપનાં ઘરનાં આંગણાંમા આવીને ઉભો રહ્યો. અને ત્યાંથીજ જોર-જોરમાં બુમો પાડવા લાગ્યો.

 વર્ષાભાભીઇઇ... ઓ... વર્ષાભાભી... કઇ બાજુ રે... ગઇ..!  અરે.. જલ્દી આવ, આ તારો... ફોન છે.

  ભરતનો અવાજ સાંભળીને ઘરમાં કામ કરતી હતી. ત્યાંથી વર્ષા તરત સાડીનાં એક છેડાથી હાથ લુછતી લુછતી સાફ કરતી જલ્દીથી બહાર ઓટલા પર નિકળી આવી. અને હાથ લંબાવતા ભરતને પુછવા લાગી.

   કોંણ.? કોનો રે.. ફોન છે ?’

    વર્ષાના લંબાયેલ હાથમાં ફોન થમાવતા ભરત કહે, ‘અરે... પહેલાં તુ ફોન હાથમાં પકડની.!! પછી વાત કરશે એટલે ખબર પડી જશે.

(ઓટલા પરથી ઉતરી ઝડપથી ચાલતાં-ચાલતા મોબાઇલનું જે જગ્યાએ સરખુ ટાવર પકડાય. તે જગ્યાએ જઇને ઉભા રહેતાં વર્ષાએ ફોનમાં પુછ્યું.)

  હેલ્લો...! કોણ બોલે ?’

 ‘’ભાભી હું અશોક બોલું.

  હાં... અશોકભાઇ, શું કેય.!

  સંદિપ ઘરે છે કે ?’

  સંદિપ તો અત્યારે ઘરે નથી.  એ તો કંઇ ખાસ કામ છે. એવુ કહીને સવારનાંજ કશે ગયેલા છે. હજુ સુધી આવ્યા નથી. એમનું કંઇ ખાસ કામ હતું કે ?’

  કામ તો તેનું કંઇ હતુ નંઇ. પણ.., તમારી સાથેજ વાત કરીને તમને એક ખાનગી વાત જણાવવાની હતી.

   કેવી..! શું જેવી વાત.?’

   હું છે ને..! અત્યારે મારું એક કામ પતાવીને વડપાડા ગામ બાજુથી આવતો હતો. ત્યારે આપણા ગામ પાસેની નદી છે ને.!! તેના ઉંચા પુલ પરથી ધીરે ધીરે મારી ધુનકીમાં બાઇક લઇને બિન્દાસથી જેવો આવ્યા કરતો હતો. ત્યારે અચાનક... ( વર્ષા ચાલુ ફોનમાં વચ્ચેજ ટપકી પડી)

   પુલ પરથી જોરમાં ગબડી પડ્યો કે.?’               અશોક : નૈઇઇ...!!  

  તો પછી કોઇની સાથે ઠોકાઇ પડ્યો કે.?’

  અરે... ભાભી એવું નૈય..! તું પણ શું? આવું ઉંધુ ઉંધુ વિચારીને કહે. પહેલાં મારી વાત જરાક શાંતીથી સાંભળ ને.!

  હંમ્મ... સારુ સારુ.. ત્યારે, હવે તારી વાત આગળ ચલાવ.

  હંઅ... અત્યારે હું શું રે.. વાત કરતો હતો.?’  અશોક કહે.

  બાઇક લઇને પુલ પરથી આવતો હતો. વર્ષાએ યાદ કરાવ્યું.

  હાં.., મારી બાઇક લઇને હું પુલ પરથી પસાર થતો હતો. ત્યારે મારાથી વળી પુલની નીચેની બાજુ નદીમાં બનાવેલા ચેકડેમ તરફ જોવાઇ ગયું. તો ત્યાં ચેકડેમના પાળા પર વચ્ચેવચ જેવાં બે ક્બુતરાં ગુટુર્ગુ-ગુટુરગુ કર્યા કરતાં હતાં. તો મને થયું કે ખરા બપોરનાં આવા એકાંત અને બળબળતા ભર તડકા-તાપમાં કયાં જેવા કબુતરાં ઘુટર્યા કરતાં હશે.? એવું વિચારીને મેં પુલની પાળી નજીક મારું બાઇક જરાકવાર ઉભુ રાખ્યું. અને તેઓને બરાબર ધારીને જોવા લાગ્યો.

   તો..! એય.. હચ્છા, એ કબુતરાં સફેદમાનાં છે કે કાબરાવાળા.?’  વર્ષાએ અધવચ્ચેથી વાતને અટકાવતાં પુછી નાંખ્યું.

  અરે.. ભાભી, હવે તને હું શું? જેવું કંઉ. તું પણ શું આવા સવાલ કરે.? કબુતરાં કોને કહે તે હ્જુ સુધી તને ખબર નથી કે.? કબુતરાં એટલે પેલાં પ્રેમીપંખીડાં, નવા લવરિયાં. અહિયાં એક જુવાનીયો છોકરો અને એક મસ્ત જોરદાર છોકરી, બન્ને જણાં ચેકડેમની પાળી પર એકદમ નજીક-નજીક ઉભા રહીને વાતો કર્યા કરે છે.

  ઓત્ત..ત્તારીની..!! એવું છે કે.? (થોડું વિચારીને) હં.. પણ.., એ લોકો ત્યાં વાત કરતા હોય. તેમાં હું શું કરું.? એમાં મારે શું લેવાદેવા. વાત-વાતમાં થોડા કંટાળા સાથે જેવું વર્ષાએ ફોનમાં કહી નાંખ્યું.

  અરે... આજ મેઇન વાત કરવા માટે તો મેં તને ફોન કર્યો છે. 

  આય.. હાય.! એમ કે.? તો.. એ કઇ બાજુનાં.! અને કોણ રે.. છે.? કંઇ ઓળખાય કે.?’

  ઓળખાતા તો નથી. કેમ કે, પેલી છોકરીએ તેના ચહેરા પર સારો એવો દુપટ્ટો વીંટાળીને તેનું આખ્ખું મોઢું બરાબરનું ઢાંકી લીધેલું છે. પણ છોકરી એકદમ મસ્ત ને આઇટમ જેવી હશે. એવું અનુંમાન તેણે પહેરેલા ડાર્ક જાંબલી કલરનાં ઘેરવાળા લાંબા ડિઝાઇનીંગ ડ્રેસ પરથી મને લાગે છે. કેમ કે, તેણે પહેરેલો ડ્રેસ જો તું એકવાર જોઇને.! તો, આય.. હાય.. હાય..! શું એટ્લો બધો મસ્ત.. કે, ત્યાંથી મારી તો નજર હટાવવાનું  મન ની થાય.

 આય્ય.. હાય્ય..!! હાચ્ચેજ એ ડ્રેસ એટ્લો બધો મસ્ત છે કે.?  હં તો હવે પેલો સાથેવાળો છોકરો કોણ છે. તે ઓળખય કે? તેના વિશે કંઇ ખબર પડી?’ 

  વર્ષાને પણ હવે વાતમાં થોડો થોડો ઇન્ટ્રેસ જાગ્યો. અને અંદરથી જાણવાની ઉત્સુકતા, તાલાવેલી લાગી.

 આ છોકરો છે ને.! ક્યારનો પેલી સાઇટ એનું મોઢું રાખીને ઉભેલો હતો. એટ્લે સાલો ઓળખાતો ની હતો. પણ તેવામાં છે ને.! તો મારી નજર નદીના કિનારે બનાવેલા સ્મશાન ઘર તરફ પડી. અને ત્યાંથી જે રોડ પસાર થાય છે. તેની સામેની બાજુ ડાઘુઓને બેસવા માટે એક પતરાવાળો શેડ બનાવેલો છે. ત્યાં બેસવા જવા માટે રોડ સાઇટે બન્ને બાજુથી અંદર જવાય એવાં ઉંચા પગથીયાં પણ બનાવવામાં આવેલા છે.

   હં.. રે.. હાં., એ તો મેં પણ જોયેલું છે. એટ્લે મને ખબર છે. પણ હવે આગળ શું.?’ વર્ષાએ અકળાઇને અશોકને કહ્યું.  (અશોકને શોર્ટ્કર્ટ વાત હોય, તે પણ ખેંચીને લાંબી કરીને કહેવાની ટેવ)

   ત્યાં પહેલા પગથીયા પાસેજ એક સ્પ્લેંડર બાઇક પુલવાળા મેઇન રોડ તરફ તેનું સ્ટેરીંગ આવે તેવું ઉભુ રાખીને મોટા સ્ટેન્ડ પર મુકેલું મને દેખાઇ ગયું. હવે બધીજ ગાડીઓનાં નંબર મને બો કંઇ યાદ ની રેય. પણ આ ગાડીના હેડ્લાઇટ્નાં ઉપરનાં ભાગમાં કાળા કવર પર એક લાંબી ને વાંકી સુંઢવાળો ગણપતિ, વ્હાઇટ રેડિયમથી ચિતરાવેલો. તે જોઇને તરત યાદ આવી ગયું કે, આ ગાડી તો આપડા સંદિપીયાની જ છે. પછી ત્યાંથી નજર હટાવીને પેલાં બન્ને ઉભાં હતા તે બાજુ દોડાવી. અને બરાબર ઝીણી નજરે ધારીને જોવા લાગ્યો. તો, આતો હહરીનો આપણો સંદિપ જ છે.

   શું વાત કરે? ત્યાં ઉભેલો તે ખરેખર સાચ્ચેમાચ સંદિપજ છે કે?’ થોડા ખેદ સાથે પુછ્યું. અને આ સાંભળીને વર્ષાને પણ દિલમાં એક હળવો આંચકો જેવો લાગ્યો.

  હાં ભાભી, એ સંદિપ જ છે. આતો આવતાં મારી અચાનક નજર પડી ગઇ. અને મને જે દેખાય ગયું. તેની તમને મેં ખાલી જાણવા ખાતર જેવી ફોન કરીને જાણ કરી.

  ચાલો.. સારું, આવુ ફોન કરીને જણાવ્યું તો બહુ સારુ કર્યું.  આવું વર્ષાએ કહ્યું. અને એની સાથેજ સામેથી ફોન કટ થઇ ગયો. (હવે વધુ લાંબી વાત કરવા કરતાં અશોકેજ સામેથી ફોન કટ કરી દીધો હશે.) 

  હવે એક હાથમાં ફોન પકડીને વર્ષા ઘરનાં આંગણાં તરફ આવતી હતી. ત્યારે ભરત ઓટલાની કોરે પલાંઠીવાળી બે હાથનાં આંગળીઓની આપસમાં આંટી મારીને તેની વચ્ચે બંન્ને ઘુંટણ ઉંચા કરીને નિરાંતે બેઠો હતો. એના બાજુ જોઇને વર્ષાએ ત્યાંથીજ પુછ્યું. અલા.. ભરત, તારા મોબાઇલમાં અત્યારે બેલેન્સ છે કે? એક ફોન કરવાની હતી. અને જો બેલેન્સ ઓછુ હોય તો પછી હું મિસ્ડ્કોલ મારું.

  ત્યારે ભરત કહે, ‘અરે.. છે રે.. છે, તારે જ્યાં ફોન કરવો હોય ત્યાં કરની.! બેલેન્સ તો ઘણું છે.  આવુ ભરતે કહ્યું. એટલે તરત વર્ષાએ ફોનમાં પીટીક-પીટીક કરીને સંદિપનો નંબર મોઢેજ હતો. તે દબાવી દીધો.

 સામે રીંગ જવા માંડી. એટલે વર્ષાએ બરાબર કાન પાસે દબાવીને મોબાઇલ પકડ્યો. અને રીંગ જાય તે સાંભળવા લાગી.  

  હવે, આ બાજુ હાથમાંજ ફોન પકડીને સંદિપ ઉભેલો હતો. અને રીંગ વાગવા માંડી. એટ્લે સ્ક્રિન પર પડેલું નામ વાંચ્યું. અને ફોન રિસીવ કર્યો.

 હાં.. બોલ.. ભરતા, શું રે.. કેય.

 સામેથી સ્ત્રીનાં જેવા પતલા રાગમાં અવાજ સંભળાયો. અત્યારે તમે ક્યાં? ને કંઇ બાજુ છો.?’

 અવાજ પરથી સંદિપને તરત ખ્યાલ આવી ગયો કે, આતો ઘરવાળી વર્ષાનો ફોન છે. એટલે એકદમ નરમાશથી જેવો જવાબ આપ્યો.  કેમ.? કંઇ ખાસ કામ છે કે.?’

વર્ષા : નાં રે.. ખાસ કામ જેવું તો કંઇ નથી. પણ તમે સવારનાં ગયેલા. અને અત્યારે બપોર થવા આવી. એટલે હજુ કેટલેક કંઇ બાજુ છો. એ જાણવા માટે જ ફોન કર્યો.

સંદિપ : હું છે ને.!! અત્યારે આપણાં ગામ પાસેની નદી છે. ત્યાં પુલ પાસે આવી ગયો છું. એટલે થોડીવારમાં હવે આવ્યો. ઘરે આવતા મને ખાલી દસ-પંદર મિનીટ લાગશે.

     અત્યારે ફોનમાં સંદિપે કહ્યું કે, ગામની નદીના પુલ પાસે છું. અને અશોકે પણ ફોન કરીને  જણાવ્યું કે, નદીમાના ચેકડેમ પર એક મસ્ત છોકરી સાથે સંદિપ ઉભેલો છે. તો આ વાતનો તાળો અહીં બરાબર મેચ થઇ જાય છે. અને કહેલી વાત સોએ સો ટકા એકદમ સાચી જ છે.

     ફોન કટ કરીને ભરતને આપી દીધો. એટલે ભરત પણ ઓટલા પરથી ઊઠી. મોબાઇલ એનાં લેંઘાના ખીસામાં મુંકીને ઘરે જતો રહ્યો.

     હવે, આ વાત જાણ્યા પછી વર્ષાના મનમાં પણ વિચારોનું મહા દ્વંદયુધ્ધ જેવું ચાલુ થઇ ગયું. આના માટે હવે શું જેવું કરવું જોઇએ. કંઇ સમજ ન પડે. એટલે એ ઓટલા પરથી અંદર ઘરમાં જાય. અને અંદરથી પાછી બહાર આવે. પેલી પાંજરામાં પુરાયેલી સિંહણ કેવી અંદર આંટા મારતી હોય. બસ તેવીજ વર્ષા પણ ઘરમાં અંદર-બહાર આંટા મારવા મંડી.

     આવુ જોઇને વર્ષાની સાસુથી ન રહેવાયું. એટ્લે એને પુછી કાઢ્યું. કેમ.?  શું થયું.? આમ કેમ આંટા-ફેરા કરે છે.? હમણાં ફોન જેવો આવેલો તે કોનો હતો.?’

   ગુસ્સાથી ધુંધ્વાયેલી વર્ષા કહે, ‘આ બધુ તમારા છોકરાનું  કારસ્તાન.

  સાસુ : અમારા છોકરાએ વળી શું કર્યું.?’

  વર્ષા : શું.. કર્યું શું.? એ કોઇ છોકરીને સાથે લઇને ફર્યા કરે છે.

 સાસુ : નંઇ હશે રે.., આવું તો નંઇ બને. અમારો છોકરો આવો છે જ નંઇ. અમે એને નાનો હતો ત્યારથી સારી રીતે ઓળખીયે. આજ સુધીમાં આવી કોઇ વાત અમારા કાનો સુધી નથી આવી. તારે સાંભળવામાં સમજવામાં કંઇ ફેર પડ્યો હશે. બાકી અમારો છોકરો એવો નથી. 

 વર્ષા : કોઇ ભુલ કે ફેર નથી પડ્યો. મને અત્યારે ફોન પર પાક્કી માહિતી મળી છે. અને મેં મારી રીતે એની પુરી તપાસ કરીને ખાતરી પણ કરી લીધી છે. હું કંઇ એમજ ખોટું નથી કહેતી.  આજે સવારે મેં એમને આટ્લું-આટ્લું કહ્યું કે આજે તમારે રજા છે તો અમારા ઘરે ફરી આવીએ. તો ત્યારે કહે, આજે મારે ખાસ કામ છે. બીજી વખત, બીજા વારે જઇ આવીશું. આવું કહી વાતને ટાળી દીધી હતી. એ મને હવે સમજાયું કે, સાથે લઇ જવાની કેમ ના પાડતા હતા તે.!!  આવી બીજી છોગાળીઓને સાથે લઇને ફેરવતા દેહું. પછી મને સાથે ક્યાંથી લઇ જાય.

 સાસુ : નંય રે.. નંઇ, એવું નંઇ હશે.     

વર્ષા : નંઇ શું? હું અત્યારેજ ચાર રસ્તા પડે ત્યાં દુકાન પાસે પહોંચી જાંઉ છું. અને એ લોકો જેવા ત્યાં આવે તેવાજ  એમને રંગેહાથ પકડી લઉ. પછી એ લોકો કુદીને ક્યાં જાય. તે હું પણ જોઉ છું. ત્યાર પછી તો તમે સાચુ માનશો ને.!!   

   આવુ કહેતાં-બબડતાં વર્ષા ઓટલા પરનાં બાકડા નીચે તેમજ આજુ-બાજુમાં એના નવા ચંપલ કાઢીને ક્યાં મુંકાયા છે.? તે અત્યારે પહેરીને જવા માટે શોધવા લાગી.

  આ બાજુ ઘરની અંદર પરસાળમાં વર્ષાનો સસરો ખેતરબાજુથી આવી, જમીને અત્યારેજ ખાટલા પર એક પગનાં ઉંચા ઘુંટણ પર બીજો પગ ચઢાવી નિરાંતે આંખો બંધ કરી આડા પડીને. ઉંઘવાનો ડોળ કરતાં સાસુ-વહુનો સંવાદ ચુપચાપ સાંભળ્યા કરતા હતા.

  પણ હવે વહુ ગામના ચાર રસ્તા પાસે જવાની તૈયારી કરે છે. એ જાણ્યા પછી એમને લાગ્યું કે, હવે ચુપચાપ પડી રહેવામાં ફાયદો નથી. નહિં તો, વહુ જો ગામના ચાર રસ્તા પાસે પહોંચી ગઇ તો ખાલી-ખોટો ત્યાં ભવાડો કરશે. એવું વિચારી તરત ખાટલામાં બેઠા થઇ ગયા. અને બારણાં પાસે ઉભેલી સાસુ અને ઓટલા પર વહુ. બન્ને જણીઓ સાંભળે એ રીતે પોતાની પત્નીને ઉદ્દેશીને જોરમાં ખોંખારો ખાઇને બોલ્યા.  “તમારે વળી પાછું શું છે? આ શાનું રામાયણ માંડ્યું છે.?” 

   ઉતાવળે પગમાં ઝડપથી ચંપલ પહેરી લઇને વર્ષા હવે જવાની એકદમ તૈયારીમાંજ હતી. ત્યાં અંદરથી આ અવાજ સંભળાયો એટ્લે એ ચુપચાપ ત્યાંજ જગ્યા પર શાંત ઉભી રહી ગઇ. અને એક પણ શબ્દ ન બોલી. વર્ષાને ચુપ ઉભેલી જોઇ એની સાસુજ પછી બોલી. વાતમાંતો એવું છે કે, આપણો સંદિપ કોઇ બીજી છોકરીને સાથે લઇને બહાર ફર્યા કરે છે. એવું આ વહુ કેય.

  આવુ તો, સાલું.. કેમ બને.? આવું નૈય હશે. સસરાએ કહ્યું.

 હું પણ ક્યારની એને આજ કહું છું. પણ એ સમજે તો ને.?’  સાસુનું આ વાક્ય પુરુ થયું. પછી ઓટલે ઉભેલી વહુ પણ સાંભળે તે રીતે સસરાએ કહ્યું. અહિયાં અત્યારે આપણે ઘરે બેસીને જેવી-તેવી વાતો કર્યા કરીએ. એના કરતાં ખરેખર ત્યાં શું ઘટના બનેલી છે. હકીકતમાં વાત શું છે. એ પુરેપુરુ જાણ્યા મુક્યા સિવાઇ અત્યારે ખાલી-ખોટી ચર્ચા કરવાનો કોઇજ મતલબ નથી.

ત્યારે વર્ષા બોલી,  હાં.., એટલેજ તો એ પુરી સાચી હકીકત જાણવા માટે હું ચાર રસ્તા પાસેના દુકાન બાજુ જાંઉ છું.   

   સસરો પરસાળે ખાટલા પર બેઠા-બેઠાજ એની પત્નીને કહે,  એય... હાંભળે કે.? પેલી ઉજમાળીને અત્યારે રોક તો.!! ત્યાં હમણાં જવા ન દેતી. કેમ કે, વાતમાં કંઇ લેવાનું ને હવાદ હશે નૈંઇ. અને આખા ગામમાં આ વાત પ્રસરાવી મુંકશે. અને તને તો ખબર જ છે કે ત્યાં બધા કેવા લોકો કાયમનાં બેસી રહે તે.!! એ લોકો તો બસ આવી વાતનાં મુદ્દ્દાની શોધમાંજ ટાંપીને બેઠેલા હોય. પછી આંગળી જેટલી વાત હોય તેને વહેંત જેટ્લી કરે. અને વહેંતમાંથી હાથ જેટલી કરતાં એ લોકોને કંઇ વાર ન લાગે. અને જ્યાં સુધી ગામમાં બીજી કોઇ નવી ઘટના ન બને ત્યાં સુધી બસ આવીજ વાતને ચગાવ્યા કરે. અને આવી પારકી પંચાતમાં બીજાની ઇજ્જત ઉડાવવામાં બધાને ખુબ ઇન્ટ્રેસ, આનંદ ને બો મઝા આવે.  [ઘડિક અટકીને પછી વહુ સાંભળે તેમ]

     સંદિપ ઘરે આવે પછી એને પ્યારથી ધીરેથી પુછવાનું કે આજે તમે ક્યાં ગયેલા. સાથે કોણ હતું. વગેરે... એ બધુ શાંતીથી વાત કઢાવીને જાણી લેવાનું અને ત્યાર પછી જો એ જવાબ આપવામાં ગલ્લા-તલ્લા કરે. જુઠુ બોલે. અને હમણાં સાંભળેલી વાત જો મને સાચી માલુમ પડે. તો, હું જ એને લેવડાટીને સારો એવો ખખડાવી નાંખીસ. પછી કંઇ છે.?

      આ કહ્યા પછી પત્ની તરફ જોઇ આંખ ઉલાળી અને એક હાથની આંગળીઓના ઇશારા વડે મૌનની ભાષામાં સંકેતથી પુછ્યું કે, ‘પેલી ગઇ કે, અહિંયાજ છે. ત્યારે સાસુએ પણ સામેથી આંખો વડે અને બે વાર માથું નીચે તરફ હલાવીને જ્વાબ આપ્યો કે, ‘વહુ હજુ અહિંયાજ છે. નથી ગઇ.  

     આ જાણીને સસરાએ પણ પાછું ખાટલામાં આંખો બંધ કરીને નિરાંતે લંબાવી દીધું. સાસુ પણ ઘરમાં પાછળ કંઇ કામ કરવા માટે જતા રહ્યાં. આ બાજુ વર્ષા ઓટ્લા પર ચુપચાપ સાડી સરખી કરી ઉંચે લેતાં પલાઠીવાળીને બાકડા પર બેસી ગઈ. અને સંદિપ આવે તેની એકીટસે રાહ જોવા લાગી.

    થોડીવાર થઇ અને રસ્તે બાઇક આવતી હોય એવો અવાજ સંભળાવા લાગ્યો. અવાજ સાંભળતાં વેંત વર્ષા સફાળી બેઠી થઇ ગઇ. અને તરત દોડીને ઓટલાની કોરે વચ્ચેની થાંભલી પાસે પહોંચી ગઇ. અને એક હાથે થાંભલી પકડી બહારની તરફ ઝુકીને રસ્તાની દિશામાં ડોકું કાઢતાં આ તરફ આવતી બાઇકને ધ્યાનથી નિરખવા લાગી. ઘર તરફ આવી રહેલી બાઇક સંદિપનીજ હતી. અને સંદિપની પાછળથી માથે ઓઢણી બાંધેલી અને ડાર્ક બ્લુ ડ્રેસવાળી કોઇ છોકરી બેઠી હોય એવું વર્ષાએ જોયું. જોતાની સાથેજ વર્ષાનાં રતુંબડા ગુલાબી ગાલો ગુસ્સાથી એકદમ લાલ થવા લાગ્યા. અને આંખોના ખુંણામાં પણ રતાશ ધસી આવી.  અને એ જ્યાં ઉભી હતી ત્યાંજ જોરશોરમાં બોલવા લાગી.  

“બહાર નિકળીને હવે આ નજરે જુઓ... હું કહેતી હતી, ત્યારે તો તમે કોઇ માનવા તૈયાર નંઇ હતા. હવે આ ઠેઠ ઘર સુધી બેસાડીને લઇ આવ્યો. “

[હવે,  બ્લુ ડ્રેસવાળી છોકરી કોણ હતી? મગનમાંથી મીરાં ક્યારે બનશે? એ જાણવા માટે વાંચો.

મીરાં હો ગઇ મગન... ભાગ-3]

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ