વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આત્મા

રાત્રે ધાબે હું સૂતો હતો. ઉનાળાના દિવસો ચાલતા હતા. અમાસની અંધારી રાત્રિ હતી. અમારા ફલેટના ધાબે હું એકલો સૂતો હતો. રાતના માંડ બે વાગ્યા હશે..! ચારેબાજુ નરી શાંતિ હતી. વાતાવરણ એકદમ શાંત અને સ્થિર હતું. હું ભર ઊંઘમાં હતો તેમજ નોકરીમાં વધુ પડતો લોડ હોવાના કારણે સારી એવી ઊંઘ આવી ગઈ હતી.

એટલામાં જોરદાર કોઈ વાસણ પડવાનો અવાજ આવ્યો. રાતના અંધકારમાં અને સૂનકારમાં એ વાસણનો અવાજ મને હેરાન કરી ગયો. હું એકદમ સફાળો જાગી ગયો. હું પથારીમાંથી ઉભો ના થયો પણ આજુબાજુ નજર કરી તો કોઈ કરતા કોઈ હતું નહીં..! હું મનમાં સમજ્યો કે મારો ભ્રમ હશે એટલે પાંચેક મિનિટ બાદ હું સુઈ ગયો. આંખોમાં ઊંઘ હતી એટલે આડો પડતા જ ઊંઘ આવી ગઇ.

માંડ દસેક મિનિટ થઈ હશે ને..., ધાબે કોઈના ચાલવાનો અવાજ આવ્યો. જાણે કોઈ ઝાંઝર પહેરીને ચાલતું હોય તેમ લાગ્યું. હું ઊંઘમાં જ હતો પણ એ અવાજની સાથે કોઈ સાયો જાણે મારી નજીક આવતું હોય તેમ લાગ્યું. મને અહેસાસ થવા જ લાગ્યો કે કોઈ મારી નજીક આવી રહ્યું છે. મેં એકદમ કડક મુઠ્ઠી વાળી ને ચાદરને પકડી રાખી જેથી એ કોઈ ખેંચી ના શકે..! એ અજાણી વ્યક્તિ મારી બાજુમાં બેસી ગઈ હોય તેમ મને લાગ્યું. મારા શ્વાસ વધવા માંડ્યા હતા. આખાય શરીરે પરસેવો નીતરી રહ્યો હતો. ગરમી લાગતી હતી તેમજ ડરના કારણે શરીર ધ્રુજી રહ્યું હતું. હું હેબતાઈ ગયો હતો.

મેં હિંમતભેર મારી ચાદર હટાવી. હનુમાનજીનું નામ લેતા મેં મારી આંખો ધીમે રહીને ખોલી. આજુબાજુ મેં નજર કરી અને જોયું તો કોઈ કાકો ય નહતો. મેં મનમાં બે ચાર ગાળો આપી. હું હિંમત કરીને ઊભો થયો અને પથારીમાંથી બહાર નીકળીને ધાબે ખૂણા તરફ ગયો. રાતના પોણા ત્રણ થવા આવ્યા હતા. દૂર કૂતરાઓ રડતા હતા. એવું લાંબુ લાંબુ ખેંચીને રડતા હતા કે એમજ લાગે કે કૂતરાઓ કશું કહી રહ્યા છે. મેં એ બાજુ બહુ નજર ના કરી અને મારી પથારી તરફ પાછો વળ્યો. હવે મારામાં આત્મવિશ્વાસ વધી ગયો હતો અને ડર થોડો દૂર જતો હતો.

હું પથારીમાં મારી જગ્યાએ સૂઈ ગયો. માંડ વીસેક મિનિટ થઈ હશે ને ત્યાંજ..., કોઈનો ધીમા અવાજે બોલવાનો અવાજ આવ્યો. જાણે કોઈ ધીમા અવાજે ગણ ગણ કરતું હોય તેમ..! મેં એ તરફ બહુ ધ્યાન ન આપ્યું અને હનુમાન ચાલીસા કરવા માંડ્યો. એમ કરતાં કરતાં સવારના પાંચ વાગ્યા હશે ને મને ઊંઘ ચડી. એટલીવાર માં સૂરજદાદા પણ આવી ગયા અને મારું એલાર્મ પણ ગુંજી ઉઠ્યું. રાત્રે ઊંઘ સરખી આવી નહતી અને જ્યારે ઊંઘ આવી ત્યારે ઉઠવાનું થઈ ગયું એટલે આંખો એકદમ લાલ હતી. આંખોને ચોળતો ચોળતો હું પથારી વાળતો હતો. એટલામાં મારું ધ્યાન એકાએક ધાબે પેલા ખૂણા તરફ ગયું.

મેં જોયું તો..., સ્ટીલની નાની વાડકી ત્યાં પડેલી હતી. એ વાડકીની બાજુમાં કચરાની વચ્ચે નાની અમથી પાયલ પડેલી હતી. એ જોતાવેંત હું ધ્રુજી ગયો અને ફટાફટ દોડતો નીચે ઘરે ગયો. મારી આંખ સામે ગઈ રાતે આવેલ એ વાસણનો અને પેલી પાયલનો અવાજ મારા કાનમાં વાગવા લાગ્યો.

        મને આજે પણ વિશ્વાસ નથી આવતો કે એ રાતે ખરેખર મારો કોઈ આત્મા સાથે ભેટો થયો હતો કે પછી મારા મનનો વહેમ..?


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ