વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

છોકરી જેવો

કોચીંગ ક્લાસનો છૂટવાનો બેલ વાગ્યો. બેય સખીઓ સાથે દાદર ઉતરી અને નીચે રસ્તાનાં સાઈન બોર્ડ નજીક ઊભી. સામે દાદર પરથી એક યુવકને ઉતરતો જોઈ પહેલીની દૃષ્ટિ તેની ઉપર પડી. એકદમ પાતળો, ગોરો ચટ્ટ યુવક. એની આંખો પણ અણીયાળી હતી. તે  યુવક સામે જોઈ રહી. છોકરીઓ પણ આનાથી ઓછી રૂપાળી હોય એવો પણ પાણીદાર. બેયની દૃષ્ટિ મળી. યુવકે એક સ્મિત આપ્યું. તેણે સામું. સખીનું પણ ધ્યાન ગયું. હળવેથી તેણીના કાનમાં બોલી "મમ્મીનો બાબો છે. છોકરી જેવો રૂપાળો લાગે છે, નહીં!" તે નિરુત્તર રહી. તેને આ છોકરો જોવે ગમ્યો. સોળ સત્તર વર્ષે હજી યુવાની પૂરી ફૂટી ન પણ હોય. મૂછનો પાતળો દોરો તેના હોઠ પર દેખાતો હતો. તે એક સ્મિત આપી પસાર થઈ ગયો. તેણી એની પીઠ સામું તાકતી રહી. સખીએ કહ્યું, "ચાલ, જશું?"

બેય સાથે પાર્કિંગમાં રાખેલાં લાઈનબંધ  વાહનોમાંથી પોતાનું  વાહન ગોતી રહી.  તેણીનું  સ્કુટી દેખાયું.  તેની આડું કોઈનું  બાઈક વિચિત્ર રીતે પડેલું. તેણી નાજુક હાથોએ એ વાહન ઊંચકી બાજુમાં કરતી અણગમો ઠાલવી રહી. આગળ મોટું વજનદાર બાઈક આડું આવતું હતું. ત્યાં પેલો 'રૂપાળો' યુવક આવ્યો. પોતાનું વાહન સાઈડ સ્ટેન્ડ કરી એની તરફ આવ્યો.  કાઈં બોલ્યા વગર એ બાઈક ઉંચકીને ખસેડ્યું. તેણીએ એટલી સાંકડી જગ્યામાંથી પોતાનું સ્કુટી ઊંધું કરી બહાર કાઢ્યું. હજી તે બાઈકનું ગરમ સાયલંસર તેણીના પગને અડે એમ હતું. યુવકે બાઈક એક હાથે ઊંચું કરી રાખ્યું અને તેણીએ પોતાનું ટુ વ્હીલર કાઢી ચાવી ભરાવી ધીમેથી થેંક્યુ કહ્યું. તેણે એક મસ્ત સ્માઈલ આપ્યું, એની અણિયાળી આંખે એક દૃષ્ટિ કરતાં હાથ હલાવ્યો અને પોતાનું એક્ટિવા લઈ ચાલતો થયો. તે સખી સાથે ઘર તરફ જવા લાગી પણ આજે  રસ્તે એ છોકરાના વિચારોમાં ખોવાયેલી હતી.

છોકરો હતો એકદમ પાતળો, પોતાનાથી કદાચ થોડો ઊંચો અને માય.. કેવો ગોરોગોરો હતો! તેને એ ગમી ગયો. બીજે દિવસે તેણે પોતાની સખીને વાત કરી કે એ છોકરાએ પોતાને સ્કુટી કાઢવામાં મદદ કરેલી. સખી કહે એ લાગે છે તો સારા ઘરનો પણ દેખાવે છોકરી જેવો છે. સાથે ફરતાં હોઈએ તો ઊલટી આપણી મશ્કરી થાય. ઠીક છે, એ સ્માઈલ આપે તો સામું આપીએ. 

તેણે સખીનો અભિપ્રાય મનમાં રાખ્યો પણ મનમાં તે છોકરાના વિચારો આવ્યા કર્યા. ક્લાસ છૂટે અને  તે આમથી આમ જુએ. એમ થોડા દિવસો ગયા. તે છોકરો આ બિલ્ડિંગ માં કોઈ ક્લાસ કરતો હોય એવું લાગ્યું નહીં.

પોતે આ શહેરના ગીચ વિસ્તારમાં એક  પોળમાં રહેતી હતી. એક વાર તે  નજીકમાંથી કાઈંક લેવા ચાલતી જતી હતી.  તે રસ્તો ક્રોસ કરવા ઊભી અને બાજુમાંથી તે ગોરો ચટ્ટ છોકરો પસાર થયો. તેનું ધ્યાન આગળ ટ્રાફીકમાં હતું. તેણીએ ' હેલો ' બૂમ પાડી તેને બોલાવ્યો. નામ ક્યાં ખબર હતું? 

એમ હેલો કહેવાથી પોતાની બોલાવે છે એમ કોણ સમજે? તે છોકરાને પોતાનો અવાજ પણ ખબર ન હતો. શું સૂઝ્યું કે તે પાછી ફરી પોતાનું સ્કુટી લઈ તે છોકરો ગયેલો તે દિશામાં ગઈ. આગળ એક મોટું સિગ્નલ બંધ હતું. હવે 10 - 9 - 8 એમ કાઉન્ટ બતાવતા હતા. તે ફૂટપાથ ની નજીક પહોંચી ગઈ અને બાજુમાંથી સ્કુટી કાઢ્યું. થોડી ઝડપ વધારી.  સહેજ આગળ જ તે ગોરો છોકરો જતો દેખાતો હતો. તે એનાં એક્ટિવા ની પાછળ રહી. થોડે આગળ ફરી લાલ લાઈટ થઈ. તે એ છોકરાની પાછળ જઈને ઊભી  રહી. હોર્ન મારવા સાથે ફરી 'હેલો' કહ્યું. પેલાએ પાછળ જોયું. ફરી તેણે સ્માઈલ આપ્યું. કેવું મીઠું સ્માઈલ! તે જોડાજોડ સ્કુટી ચલાવતી રહી.  તેણીએ કોચિંગ ક્લાસ વાળી વાત કરી. બન્નેએ નામની આપલે કરી. થોડે આગળ જઈ તેઓ ઊભાં રહ્યાં.

છોકરાએ ડરતો હોય તેમ અચકાતાં સામે ગોળાવાળા પાસે ઊભી ગોળો ખાવો છે તેમ પૂછ્યું. તે તો તૈયાર જ હતી. ગોળો ખાતાં તેમણે વધુ વાતો કરી. તે પોતાના ઘરથી એક શેરી આગળ જ રહેતો હતો અને કોચિંગ કલાસની ઉપર એક  લાયબ્રેરી કહેવાતો રીડિંગ રૂમ   હતો ત્યાં વાંચવા ગયેલો. તે રોજ ત્યાં જાય છે એ જાણી લીધું.

આ વાત પણ તેણી  પોતાની સખીથી છુપાવી શકી નહીં. ઘરમાં એકલી પડે એટલે પેલો ગોરો ચટ્ટ છોકરો દેખાતો અને તેની અણિયાળી આંખો પોતાને તાકતી દેખાતી. સખી થોડા દિવસ પછી તપાસ કરી લાવી કે એ છોકરાને કોઈ દોસ્ત નથી. તે સારા એવા ઉચ્ચ કોર્સમાં છે અને નીચી મૂંડીએ ભણવા જાય આવે છે. તે તો વાત લાવી કે એ છોકરાની શેરીમાં તેને પાછળથી માસી, ફતવો, બહેનજી વગેરે  બૂમો પાડી ચીડવે પણ છે. એની સાથે દોસ્તી કરવી એટલે મઝાકનું પાત્ર બનવું.

તે એકલી પડતાં વિચાર કરી રહી.  પોતાને  બોયફ્રેન્ડ તો શું, કોઈ વિજાતીય મિત્ર પણ ન હતો. છતાં આ છોકરા સાથે મૈત્રી કરવી તેને પણ નકામી લાગી.

એક બે મહિના પછી એક વખત તેનું  કુંવારીકા તરીકે છેલ્લું  વ્રત હતું. તે પૂજા કરવા નજીકનાં શિવ મંદિરે લાઈનમાં ઊભી હતી. તેને ખબર હતી કે પોતે ખૂબસૂરત છે અને હમણાં જ પોતે પોતાને શણગારેલી અરીસામાં જોઈને આવી હતી. તે બીજી કન્યાઓ અને સ્ત્રીઓ સાથે ઊભી હતી ત્યાં એ વિસ્તારના અમુક મવાલી જેવા છોકરાઓ ત્યાં આવી બે ચાર બાઇકો પર આવી ત્યાં અડ્ડો જમાવી છોકરીઓને સીટી મારવા લાગ્યા. એક બે બીભત્સ કૉમેન્ટ શરૂ થઈ ગઈ. કોઈએ તેને જોઈ સીટી મારી. તે ગુસ્સામાં એ સહુ સામે જોઈ રહી. મવાલીઓ અટક્યા નહીં. તેઓ તેની નજીક આવી 'રંડી..' 'રંડી..' એમ વારાફરતી બોલવા લાગ્યા. બીજી સ્ત્રીઓએ જોયું ન જોયું કર્યું. માથાભારે મવાલીઓ સામે કોણ પંગો લે?

તે લાઈનમાં કોઈને જગ્યા રાખવા કહી બે ડગલાં આગળ વધી. મવાલીઓને એ જ જોઈતું હતું. બે છોકરા આગળ આવ્યા અને ' આવવું છે ને? ચાલ, ચાલ ' વિકૃત રીતે કહેવા લાગ્યા. તે પાછી લાઇન તરફ જવા લાગી. 

 'રંડી..' 'રંડી..' ની બૂમો શરૂ થઈ ગઈ. તે પૂજા વગર જ ઘેર જવા વિચારતી હતી ત્યાં કોણ જાણે ક્યાંથી, 'ગોરો ચટ્ટ' ફૂટી નીકળ્યો. તેણે આ જોયું અને પોતાનું એક્ટિવા એક ખૂણે પાર્ક કરી આગળ વધી એ છોકરાઓ સામે ઊભો રહ્યો.

"બહેનજી, તું ખસ અહીં થી. તારો વારો કાઢશું હોં! " કહેતો એક મવાલી તેની તરફ આગળ વધ્યો. છોકરી ડરી ગઈ. તેના હ્રદયના ધબકારા વધી ગયા. તે શું થાય છે તે શૂન્યમનસ્ક થઈ જોઈ રહી. તેણીના પગ ધ્રુજવા લાગ્યા.

ગોરો તો આગળ વધ્યો. "મહોલ્લાની છોકરીઓ ની આપણે રક્ષા કરવી જોઈએ.  આવી કોમેન્ટ્સ બંધ કરો ." તે મક્કમ અવાજે બોલ્યો.

"હેઈ.. રક્ષા કરો.. બોલ્યો, ના, બોલી. અલ્યાઓ, આનું નામ રક્ષા. બાજુના ખાંચામાં રહે છે." કોઈ બોલ્યો.

બધા હવે તેને ' રક્ષા.. રક્ષા..' કહી બૂમો પાડી  ખીજવવા લાગ્યા. તે ડર્યા વગર બધાની નજીક આવી બૂમ પાડનારા મવાલીનો આંખમાં આંખ મેળવી ઊભો રહ્યો અને બધાની વચ્ચે આવી ઉભી ગયો.

"શું છે?" તે ધીમા પણ મક્કમ અવાજે બોલ્યો. એક મવાલી  પટ્ટો કાઢવા  લાગ્યો.  એ હજી પટ્ટો કાઢે કે એ રીતે ડરાવે ત્યાં તો ગોરા નો પટ્ટો વિંઝાઈને તેનાં કાંડાં પર જોરથી વાગ્યો.  એવું  આવો, સ્ત્રી જેવો દેખાતો છોકરો કરશે એની આ કોઈને કલ્પના નહોતી. તેઓ ફિલ્મી ઢબે હથેળીઓ ઘસતા આગળ વધ્યા. ગોરો પટ્ટો વિંઝતો પાછળ ગયો અને હજી પણ હેબતાઈ ગયેલી છોકરીનો હાથ પકડી એક મવાલીનું બાઈક અંદર ચાવી સાથે પડેલું તેની કીક મારી ઉપર બેસી ગયો અને 'જલ્દી' કહેતાં છોકરીને તેની પાછળ બેસાડી દીધી. બાઈક એ છોકરાઓની સાવ નજીકથી લીધું અને એકદમ શેરીની ભીંત સાથે લગભગ ઘસાતો હોય એમ  ઝડપથી બાઈક ભગાવી ગયો.  બે મવાલી પાછળ દોડ્યા. કોઈ સાઇકલવાળો રસ્તા પર  પંચર કરતો બેઠેલો. તેનું પંચર થતું  વ્હીલ એક મવાલીના પગમાં આવતાં જોરથી પડ્યો.  બીજાઓ પથરા ફેંકવા દોડ્યા પણ આ ડામરની સડક પાસે તો નાના કાંકરા હતા. ફેંકે ત્યાં તો બાઈક અદ્રશ્ય થઈ ગયેલું!

ગોરાએ સીધા બાઈક છોકરીને ઘેર ઉતારી. 

ઘેર બધી વાત કહી  પોતાની ઓળખાણ આપી  પછી કાઈં બાકી રહે?

બીજે દિવસે તેણી ધરાર એ નીકળે તે વખતે નીકળી અને તેનાં એક્ટિવા પર બેસીને જ કોચિંગ ક્લાસ ગઈ. 

એણે પૂછ્યું કે તેનું પોતાનું એક્ટિવા કેવી રીતે છોડાવ્યું? તો કહે તેને મૂકી પોતે બીજું કાઈં કર્યું નહીં,  નજીકનાં એક તંબુ પાસે ત્રિકોણીયાં નજીક પોલીસનો બાંકડો હતો ત્યાં જાણ કરી. પોતે તેણીને મૂકવા ગયેલો તે બાઈક પોલીસને  પરત આપતાં વિગતો કહી. એ બાઈક તે જ દિવસે ચોરાયેલું. પોલીસ તેની સાથે એ મંદિર પાસે ગઈ તો એક્ટિવા લઈ ત્યાં જ એક સોડાની દુકાન પાસે બેઠેલા એ મવાલીઓ ઝડપાઈ ગયા. તેમાંનો એક મવાલી આ એક્ટિવા નો જ સોદો કરી રહ્યો હતો! એ બધા કસ્ટડીમાં છે એમ તેણે કહ્યું.

ક્લાસ છૂટતાં એ પોતાના મિત્ર પાછળ  જોડાજોડ બેસી સખીને 'હાય..' કહેતી પસાર થઈ.


સખી તો ઈર્ષ્યાની મારી બળી રહી. પોતે સરસ દેખાવનો ફ્રેન્ડ પણ  ગુમાવ્યો અને રક્ષક પણ. મનમાં તો પોતાની સખીને તેનાથી દૂર રાખી પોતે ડાયરેક્ટ ડાયલીંગ કરવું હતું પણ લાઇન જ કપાઈ ગઈ!

હવે તેણે જાણી જોઈ પોતાના એક્ટિવા નજીક કોઈનું બાઈક મૂકી તેને ' પ્લીઝ હેલ્પ'  કહેતાં ઘાયલ કરતું સ્મિત આપી બોલાવ્યો. હક્ક જમાવતી તેની સખી આવી, પોતાના 'પરમ સખા ' ને બાવડેથી પકડી કહે " મદદ કરશું? મારી ફ્રેન્ડ છે."

બાઈક હટ્યું પણ એ બન્નેએ એકમેકને અડકીને સાથે મળીને હટાવ્યું. તેણે અણિયાળી આંખો ઠેરવી  સ્મિત આપ્યું પણ  ફોર્મલ.

ન છૂટકે સખીએ  "હાય જીજ્જુ" કહેવું પડ્યું. એ બેય  બાઈક હટાવી  આગળ  નીકળી ગયાં. 'જીજ્જુ ' એ  ફરીથી એક સ્મિત આપ્યું. તે હવે અલગ રીતે ઘાયલ થઈ તેને  પોતાની સખીને લઈ જતો જોઈ રહી.

***

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ