વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કચ્છનું સિવિલ વોર

કચ્છનું સિવિલ વોર, કાંતિવીર મેઘજીશેઠ અને અષાઢી બીજ

 

“કારભારી નાગર આવી ચૂક્યા છે, બા સાહેબ.” ઝૂકેલી આંખે પહેરવાને કહ્યું.

મહારાણી સોઢી સ્વરૂપબા જે નાગરની રાહમાં જ રાણીવાસના શયનખંડમાં ચહેલકદમી કરી રહ્યા હતા, એમણે આખરે એ બુધ્ધિશાળી ગૃહસ્થનું આગમન સુણીને રાહતનો શ્વાસ લીધો અને પહેરવાનને પુછ્યું, “એમને દીવાનખંડના રસ્તે તો નથી લાવ્યા ને?”

“ના, બા સાહેબ. આપની આજ્ઞા અનુસાર ગુપ્ત રસ્તેથી જ લાવ્યો છું.”

“એમને રસોડાઘરમાં બેસાડો.” કૈંક વિચારીને પછી કરૂણ હાસ્ય સાથે મહારાણી ધીરેથી બબડ્યા, “કેવા દિવસ આવ્યા છે, રામસંગ? જે જ્ઞાની મહારાજને કચ્છના સભાખંડની શોભા બનાવાય, એમને ચોરીછૂપીથી રસોડાઘરમાં બેસાડવા પડે છે.”

મહારાણીની આંખોના ખૂણા ભીંજાયા. રસોડાઘરના નાનકડા પણ ભવ્ય મંદિરમાં મહાદેવને નમન કરી તેઓ નાગર તરફ ફર્યા. નાગરે ‘હર હર મહાદેવ’ કહી રાણીબાનું અભિવાદન કર્યું.

“આજે ‘જીએ રા’ નહીં કહો, નાગરશ્રેષ્ઠી?” સ્વરૂપબાએ નાગરની આંખોમાં જોયું. કચ્છની રાંક પ્રજાને રાજાથી ગમે તેટલી ફરિયાદો કેમ ન હોય, રાવનું નામ પડતાં જ દરેકના મોઢેથી એક જ વાક્ય નીકળતું – ‘જીએ રા’. (રાવસાહેબ લાંબુ જીવો.)

નાગર સૌમ્ય ભાવે નજરો જુકાવીને બોલ્યા, “રાવસાહેબ રાયધણ હવે રા રહ્યા જ ક્યાં છે, બા સાહેબ?”

“એ તો હવે બાદશાહ બની ગયા છે, એમ ને? બાકીનું વાક્ય પણ પૂરું કરો ને નાગરશ્રેષ્ઠી.” સ્વરૂપબાએ શુષ્ક અવાજે કહ્યું.

“એ તો કચ્છ ધરાના નસીબ, રાણીબા. રાયધણ બીજો ગાદીએ આવ્યો ત્યારથી જ આમ તો કચ્છમાં અંધાધૂંધી, ખુશામતશાહી અને ગેરવહીવટનું જ રાજ હતું, પણ હદ તો ત્યારે થઈ જ્યારે વિધર્મીઓ સાથે મળીને એમણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો. આમ તો ધર્મ ખૂબ જ ખાનગી બાબત છે, બા સાહેબ. પણ રાજા બન્યા પછી તમારી અંગત બાબતોને અંગત ગણવાનો રાજાને કોઈ હક્ક નથી રહેતો, એવું કૌટિલ્ય નીતિમાં લખ્યું છે. ખેર, કચ્છની સીધીસાદી સરળ પ્રજા તો એ ય કબુલી લેત કે એમનો રા મહાદેવે નહીં પણ મસ્જિદે માથું જુકાવે છે, પણ એ તો દેશ આખાનો ધરમ બદલવા માગે છે, બા સાહેબ. ગાયોની કતલ કરે છે, મંદિરોની મૂર્તિઓને ખંડિત કરે છે. આવામાં કયા મોઢે ‘જીએ રા’ બોલું? જોઇયે તો જીભ કાઢીને આપના ચરણોમાં આપી દઉં, બા સાહેબ, પણ માફ કરજો, રાયધણ પહેલવાન માટે ‘જીએ રા’ તો હવે આ જીભ પર નહીં આવે.”

“બસ આટલું કરીને સંતોષ મેળવી લઈશું, નાગર?” સ્વરૂપબાએ છણકો કર્યો.

નાગર થોડું મલકાયાં અને કહ્યું, “તો ગામમાં સાંભળેલી વાતો સાચી છે કે મહારાણીબા પત્નીધર્મ ભૂલ્યા છે.”

“કૌટિલ્ય નીતિ મેં પણ વાંચી છે, નાગર. પત્નીધર્મ કરતાં રાજધર્મને ઊંચો હોદ્દો આપ્યો છે એમાં. અને જો ગામની વાતો સાંભળતા હશો તો એ પણ સાંભળ્યુ જ હશે કે આવતીકાલે રાવસાહેબ સૈયદ સાથે મળીને ભુજના બધા મંદિરોની મુર્તિઓ ખંડિત કરવા નીકળવાના છે! તડામાર તૈયારીઓ ચાલી રહી છે, હીંસ, કોદાળીઓ એકઠી કરીને મંદિર તોડકો તૈયાર થઈ રહ્યા છે. એટલે એકબીજાને ચકાસવાનો સમય નથી રહ્યો, નાગરશ્રેષ્ઠી. આપના બુદ્ધિધનના ખૂબ વખાણ સાંભળ્યા છે. કોઈ ઉપાય બતાવો એટલે ભવિષ્યકાળના ઈતિહાસમાં દરબારગઢની લાજ રહી જાય.”

“બરાબર છે, બા સાહેબ” નાગરનો સ્વર થોડો ભીનો થયો, “ધર્માંધતામાં રાવસાહેબ એટલું ભાન ભૂલ્યા છે કે કુળદેવી જગતજનની આશાપુરાના મંદિરને પણ એ આવતીકાલે ધ્વસ્ત કરવા માગે છે એવા સમાચાર થયા છે. પણ બા સાહેબ, આશાપુરાનું નામ સાંભળીને પણ બીજા જાડેજાઓનું લોહી નથી પોકારતું?”

“રાયધણ બીજો એમને એમ કઇં રાયધણ પહેલવાન તરીકે નથી જાણીતો, નાગર.” જમાદાર ફતેહમામદે રસોડાઘરમાં પ્રવેશ કરતાં કરતાં કહ્યું, “જાડેજા ભાયાતોને ખબર મોકલવામાં આવી હતી, પણ ભુજ બાજુ કોઈએ પગ ફરકાવ્યો નથી. અને કદાચ ‘જીએ રા’ના ભાવથી પણ એમને હજુ મુક્તિ નહીં મળી હોય.”

“જમાદાર, આપ તો ખુદ પણ મુસલમાન છો. આપને તો બાદશાહ રાયધણના કાર્યોમાં સાથ આપવાનું ન સુજયું?” નાગરે અવિશ્વાસથી કહ્યું.

“કચ્છ દેશ માટે ફતેહમામદનો જીવ પહેલા પણ હાજર હતો અને હંમેશા હાજર રહેશે, નાગર. આવી હલકાઈમાં પણ રાવને સાથ આપે એવી કુબુધ્ધિ ખુદા મને ક્યારેય ન આપે તો મારી ઈબાદત સફળ. જેટલો દેશપ્રેમ નાગરના લોહીમાં છે એટલો જ આ જમાદારના લોહીમાં પણ છે. મોકો મળશે તો એ લોહી વહાવીને સાબિત કરી આપીશ. આપ નિશ્ચિંત રહો, શ્રેષ્ઠી.” ફતેહમામદે નાગરને આશ્વસ્ત કરતાં કહ્યું. “આપ રસ્તો બતાવો, હું, કાશીગર ગુંસાઈ, ડોસલવેણ જમાદાર બધા સાથે મળીને લડી લેવા તૈયાર છીએ.”

નાગરની આંખમાં ચમક દેખાઈ, “આ પરિસ્થિતિમાં કચ્છને એક જ વીરલો તારી શકે છે, બા સાહેબ. રઘુવંશનો લોહાણો વીરલો મેઘજી. અંજારના ઉકાશેઠના મોટા દીકરા મેઘજીશેઠના પરાક્રમોથી આપ પરિચિત તો હશો જ, બા.”

“વાહ વાહ, શું વાત કરી નાગર.” રાણીબા કઇં બોલે એ પહેલા જ ફતેહમામદ બોલી ઉઠ્યો, “હાલ જ માંડવીનો કિસ્સો ક્યાં અજાણ્યો છે? બા સાહેબ, થોડા દિવસો પહેલાની જ વાત છે. સૈયદ સાથે પોતાની ટુકડી લઈને રાવસાહેબે માંડવીમાં ગાયોની કત્લેઆમ ચલાવી હતી, મહાજનમાં હાહાકાર મચી ગયો હતો. બીજું કોઈ હોત તો ખાલ ખેંચી કાઢત એની, પણ રાજાને તો અહીંની પ્રજા દેવનો અવતાર જ માને. એના વિરુધ્ધ હોંકારો ય કેમ કરાય? પણ રાવસાહેબે રાણેશ્વર મંદિરની એકાદ મુર્તિ ખંડિત કરી અને સુંદરવરના મંદિર તરફ દોડ મૂકી ત્યારે મહાજન એક થયું.”

“સાચી વાત.” નાગરે વાત આગળ ચલાવી. “આ પહેલા મેઘજી શેઠે એકવાર મિત્ર કાશીગરને મદદનો કોલ આપેલો, એટલે મેઘજીશેઠને હાકલ કરી તો એ ધર્મની રક્ષા કાજે દોડતા આવ્યા. રાજની ટોળી અને મેઘજી શેઠની આગેવાની હેઠળના મહાજનો વચ્ચે ખાસી એવી ઝપાઝપી ચાલી, રા’ની ટોળીમાં બે જણ માર્યા ગયા, ત્યારે એકતા જીતી, ધર્મ જીત્યો અને રાયધણે ભુજ તરફ દોટ મૂકી.”

“હા, સાંભળ્યુ તો છે એ વીર વિશે.” સ્વરૂપબાએ જવાબ વાળ્યો, “રાવસાહેબે એનું વેર વાળવા અંજાર પર પણ હુમલો કર્યો હતો, પણ મેઘજી શેઠની સૂચકતાને કારણે પાછા વળવું પડ્યું. એક કામ કરો, જમાદાર. વંકા રબારીને કહો કે મેઘજી શેઠને જલ્દીથી જલ્દી ખબર પહોંચાડે અને અહીંની પરિસ્થિતી વિષે જ્ઞાત કરે. એમને કહો કે જમાદારો તમારી સાથે છે. રાણીમા તેમજ દરબારગઢની લાજ એમના હાથમાં છે. સનાતન ધર્મની રક્ષા કરવા મોટા લશ્કર સાથે ભુજને પંથે પડો.”

______

 

એ અંધારી રાતે એક ઘુવડ પણ પાંખ ફફડાવતું હતું તો પણ ભુજના દરેક ઘરમાં સંભળાય એવી નીરવ શાંતિ હતી. ભુજની પ્રજા ઊંઘે તો ક્યાંથી? પણ આવતીકાલની બીકમાં બધા બારી-દરવાજા બંધ કરી પોતપોતાના ઘરોમાં મૂક વદને પ્રાર્થના કરી રહ્યા હતા. દૂરદૂર ક્યાંક વળી કોદાળીઓની અણી કાઢીને આવતીકાલ માટે સજ્જ કરવાના અવાજો સાંભળતા હતા અને રાંક ધર્માળુ પ્રજાના હ્રદય કપાઈ રહ્યા હતા. રાતના બાર-એક વાગ્યાનો પહોર હશે અને નાકા બહાર દૂરથી ઘોડાઓના તાલબધ્ધ રીતે દોડવાના અવાજ નજીક આવતા સંભળાયા. દેખતા-દેખતા તો નવસોથી વધારે ઘોડેસવાર યોદ્ધાઓ ભુજના નાકાની બહાર ઊભા હતાં.

“ઠક્કર, રા’ ત ધરવાજા ભંધ રખી વેઠો આય.” મેઘજીના પરમમિત્ર વલ્લભે ઠઠ્ઠો કરતાં કહ્યું, “મહેમાનો માટે નાકા બંધ છે. મને એમ કે ખુલ્લા હોત તો થોડી મહેનત બચી જાત.”

“ખુલ્લા હોત તો અત્યારે વળી તને નાગરચકલે કોઈ શરબત થોડી પાવાનું હતું?” મેઘજીએ હસીને જવાબ વાળતા કહ્યું, “વલ્લભા, તારી પસંદગીના પચ્ચીસ જણાને લઈને ગઢને ટપી જા. જલ્દીથી અંદર જઇને દરવાજા ખોલો, એટલે પોય તુકે સિંહ પોતર કરીયાં વેલો.”

ક્ષણેકમાં તો વલ્લભ અને બીજા પચ્ચીસ જણની ટોળી ગઢની રાંગ પરથી અંદરની તરફ ઉતરી રહી હતી. ગાફેલ દરવાનો અણધાર્યા હુમલાથી ડગાઈ ગયા હતા. બે ચાર જણ સામે પડ્યા પણ માર્યા ગયા અને બાકીનાએ હાર સ્વીકારી લીધી. નાકું ખોલીને જ્યારે વલ્લભ બહાર નીકળ્યો ત્યારે મેઘજી ઉત્સાહથી એને ભેટી પડ્યો.

“ઠક્કર, એક બે જણ ભાગી નીકળ્યા છે.” વલ્લભે અહેવાલ આપતા કહ્યું, “કદાચ રા’બાવાને સમાચાર પહોંચશે.”

“એનો તો વાંધો નહીં, પણ આપણે આશાપુરા મંદિરે ઝડપથી પહોંચવું પડશે.” મેઘજી વાયુવેગે ઘોડા પર સવાર થયો, “જેવી જાણ થશે કે કોઈ વિરોધ કરનાર આવી પહોંચ્યું છે કે સૈયદની ટોળકી આશાપુરા મંદિરને ધ્વસ્ત કરવા જ પહોંચશે.”

થયું પણ એવું જ. સૈયદ અને વિધર્મીઓની મોટી એક ટોળકીને સમાચાર મળતાં જ જગતમંદિરની બહાર પહોંચી અને કાલે કરવાનું કાર્ય આજે જ શરૂ કર્યું. એક હુમલાખોરે હજુ તો દીવાલનો એક જ પથ્થર પાડ્યો હશે કે ટોળકીને મેઘજીની ત્રાડ સંભળાઈ. પથ્થર પાડનારના તો જાણે ગાત્રો જ થીજી ગયા.

“જય જશરાજ”ના નાદ સાથે ખુલ્લી તલવાર લઈને એની તરફ ધસી આવતા મેઘજીને જોઈને એના પગ નીચેની જમીન સરકી ગઈ. મેઘજી શેઠે એક જ ઝાટકા સાથે એના ધડથી માથાને અલગ કર્યું અને વાળથી એનું માથું પકડી ભુજના ગામ લોકોને હાક પાડી, “ભુજનું લોહી થીજી ગયું છે કે શું? દેશદેવીના મંદિરની કાંકરી પણ કોઈ ખેરવી જાય તો ય અંગેઅંગમાં ઝાળ લાગી જવી જોઇયે. રાવ હોય તો શું થયું? માતાજીથી ઊંચા છે શું? અરે અમને અંજારથી નવસો ઘોડેસવારોને દોડતા બોલાવી લે, એવી જગતજનની આશાપુરા તમને ભુજવાસીઓને કાં બૈરાંઓની પાછળ છુપાવવાની છૂટ આપે છે?” શૌર્યરસથી એમનું અંગેઅંગ ધ્રુજી રહ્યું હતું. પછી કરુણસભર શાંતિથી આશ્વસ્ત કરતાં કહ્યું, “ચિંતા ના કરો, આ કોઈ આપણાં રા’ સામે બળવો નથી, આ એક ક્રાંતિ છે. હજુય મોડું નથી થયું. બહાર નીકળો, લડો અમારી સાથે, નહિતર કચ્છડું આખુંય હાંસી ઉડાવશે તમારી. અમારી ખાતર નહીં, બા સાહેબને ખાતર નહીં, દરબાર ગઢને ખાતર નહીં, કચ્છભૂમિને ખાતર બહાર આવો.” અને પાછળથી એના પર હુમલો કરવા આવતા એક દુશ્મનને એના પદચાપ પરથી જ પામી જઇને મેઘજીએ પાછળ વળ્યા વગર જ તલવારના એક ઘા એ પાડી દીધો.

સૈયદની સેના અને મેઘજીની ટોળી વચ્ચે યુદ્ધ ચાલુ જ હતું કે કાશીગર બાવો, ડોસલવેણ જમાદાર અને ફતેહમામદ પણ ત્યાં એમની સેના લઈને પહોંચ્યા અને મેઘજીનું પલડું ભારે થવા લાગ્યું, ત્યાં સુધીમાં મેઘજીની હાકની વાત પણ પ્રજાજનોમાં ફેલાઈ ગઈ હતી અને જાગૃત પ્રજાજનોના ટોળેટોળાં મેઘજી સાથે જોડાવા લાગ્યા. તલવારો, લાકડીઓ, ચપ્પુ, સાંબેલા જેના હાથમાં જે આવ્યું એ હથિયાર લઈને આજે ભુજ પોતાના જ મહારાજા સાથે યુધ્ધે ચડ્યું હતું.

સૈયદની સેના ભાગીને દરબાર ગઢમાં ભરાઈ કે જ્યાં પહેલવાન રાયધણ પણ લડાયક થયો હતો. પૂરા ત્રણ દિવસ સુધી કચ્છનું આ સિવિલ વોર ચાલ્યું. અંતે રાયધણને પકડીને કેદ કરવામાં આવ્યો. ભયના સામ્રાજ્યનો અંત થયો, ધર્મનો વિજય થયો. ક્રાંતિયુદ્ધનો આ વિજય અષાઢી બીજ, ૧૮૪૨ના દિવસે થયો અને એ દિવસથી અષાઢી બીજના એ દિવસને ઉજવવાની શરૂઆત થઈ. આજે પણ કચ્છીઓ અષાઢી બીજના આ તહેવારને દિવાળીથી પણ અધિક ઉત્સવ તરીકે મનાવે છે. મેઘજીના નાના ભાઈઓ જ્યારે પગભર થયા હતા, ત્યારે જ મેઘજી વ્યવસાય-ધંધા એમને સોંપીને પોતે જાહેરસેવામાં જાત ઘસતો એટલે આમ પણ એ અંજાર અને થોડેઘણે અંશે કચ્છના પસંદીદા મહાજનમાં ઓળખાતો તો હતો જ, પણ આ સિવિલ વોરના મહાનાયક તરીકે એ ક્રાંતિવીરનું બિરુદ પામ્યો અને કચ્છના ઇતિહાસમાં અમર બન્યો.

 

-     હાર્દિક રાયચંદા

hardik_raychanda@yahoo.co.in

9825198717

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ