વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વેંત ઊંચેરો ઉંબરો

     
      ધણી વગરના ખેતરમાં આજે તો બાયુંને વાતોનાં પોટલાં ખોલવાની વધારે મોંકાણ મળી જ ગઈ. એટલે નંદુમા એ રાધા કથાની શરૂઆત કરી.

     "રાધુડી આમતો પહેલેથી અવળચંડી તો હતી જ ને હવે તો ફાંટીને સાવ ધુવાડે ગઈ! ઘરભાંગતા જીવ કેમ હાલ્યો હઈસે બાય એનો તો." નંદુ ડોશી સહેજ અટક્યા. ગળું સાફ કર્યું. પછી ઠાવકાઈથી બોલ્યાં.

"આપણાં જેવા દુઃખ આજકાલની છોડીઓને થોડા છે હે! આપણે તો પુરે મહિને બે બે ગાઉં પાણી ભરવા જાત્યું. ખેતર, ઢોર ને એમાંય પાણીની અછત! માથે છાણ વાસિંદાનાં તગારા ઉપાડી ઉપાડીને, ને માથે પાણીની પિત્તળની વજનદાર હેલું લઈ લઈને માથા બોડા થઈ જાતાં. આજકાલ ક્યાં એવા કામ રહ્યા છે. ચાપ પાડી ને પાણી નળમાં. છાશુંએ ક્યાં વલોવી પડે છે. એમાંય મોટર આવી ગઈ."

"નંદુમાં આપણો જમાનો વિયો ગયો. આજ તો સગપણ થાય ને પહેલી વાત. મારી સોડી કામ નહિ કરે. આપણે કંઈ દીકરાને વાંઢા થોડા રખાય? આપણાં કરમમાં તો જિંદગી આખીનાં ઢસરડા ને ઢસરડા જ હતાં. હવેની બાયુને હારું સે."વજીએ અણછાજતાં નેદ ઉપર દાતરડી  ફેરવતાં કહ્યું.

"તો એ ક્યાં બાયુને રેવું સે? જયેથી પિટ્યો મોબાઈલ આવ્યો સે ને ત્યારથી તો કારે'ક રોટલાએ બળીને કોયલા થઈ જાય તોય મોબાઈલમાંથી મોંઢા બારા તો નો જ નીહરે!"

"રાધુડી બાય પેલેથી કામાકુટી તો હતી જ ને? એમાંય સાસરું મોટા શેરમાં મળ્યું.બાપને હ્યાં કોઈ'દી કંઈ જોયું હોય તો ને?"

"નંદુમા મે તો સાંભળ્યું કે રાધુડીને ફીલમ જોવાનો ને હોટલુમાં ખાવા જાવાનો ભારે ચસ્કો હતો. રોજ રોજ શેરમાં આવા ખર્ચા પોસાય? હ્યાં તો તાવડી તરત પો'રો લઈ જાય."

"તો એ બાય, બસારો એનો ઘરવાળો લઈ જતો ને. હું તો સાંભળેલી વાત કરું છું હો!. હાચુ ખોટું મારો રામ જાણે! પણ આ કોઈને બે ટંક રોટલો ઘડીને દે એવી હતી? આયા હતી તો એ આખા ગામમાં ઉલાળા મારતી'તી. હવે ઠેકાણે બેહી જાશે."

"મંજૂડી તને તો ખબર હઇસે ને આખી વાતની તારા ઘરને અડીને રે છે તે?"

"ના..રે...ના.. નંદુ મા હુ તો એના ઘર હામુ ડોકાવે નઈ હો! એને એક દહાડો મે પૂછ્યું તું. તો મારું મોઢું તોડી લીધું. મને કે, મંજુભાભી તમી તમારું કામ કરો. તમારે મારી પંચાત નો કરવી કોઈ'દી. પછી તો મેય એને પૂછવાનું મેલી દીધું. મંજુએ હોઠ મચકોડ્યા.

"વજી તને તો ખબર હઇશે જ ને?" બોલતાં બોલતાં નંદુમા એ બજરને પહેલી આંગળીનાં ટેરવામાં લીધી. દાંતમાં ફેરવી. અને મંજુ સામે તરસી નજરે જોયું.

"કોઈને કહેતાં નહિ તો વાત કરું. ક્યાંય મારું નામ નો આવું જોઈ. વળી તમારા દીકરાના આકરા સ્વભાવની તમને તો ખબર ને? મારો વારો પાડી દેશે."

"કોઈને નો કવ બસ. તારા સમ! કે..ની હું વાંધો હતો રાધુડીને?" નંદુમા એ દાતરડીને હેઠી મેલી. એક પગ ખોડાંગી એના ઉપર હાથ ટેકવી. સાડલાને માથા સુધી ખેંચતા બેસી ગયા.

"રાધાનું છૂટું નહોતું થયું ને એ પહેલાં એનો સસરો ને એનો વર બેય આવ્યા'તા રાધાને તેડવા. પણ રાધા એમ કાઈ જાય એમની નથી. આ તો હું એ ટાણે રાધાના ઘરે હાજર હતી તે મને ખબર."

"એમ! શું કહેતા હતા?" નંદુમાએ ચિબુક ઉપર આંગળી ટેકવતા કહ્યું. ને રાધા પુરાણનો પહેલો અધ્યાય શરૂ થયો.

"રાધાના સાસરા એમ કહેતાં હતાં કે તમારી રાધાને હથેળીમાં રાખીએ તો એ ક્યાં રેવું છે. નથી કામ કરવું. કે નથી શાંતિથી રહેવું. રાધાના કહેવાથી મે મારા દીકરાને નોખોએ કરી દિધો. છતાંય જો એને નથી રહેવું તો એનો તો કોઈ રસ્તો નથી ને?" વજી ઉવાચ.

"પછી રાધા કાંઈ નો બોયલી?" નંદુમાને જાણે રાધાની વાત દાઢે વળગી હોય એમ એક પછી એક સવાલો પૂછીને વાતનો રસાસ્વાદ લેવા માંડ્યા.

"એ તો એના સાસરાની સામે આંખો ફાડીને ઊભી ગઈ. ને કહેવા લાગી. તમારા દીકરાને કમાવાની તેવડ નથી ને મને કહો છો? મારે રોજ ફિલમ જોવા જાવી હોય. ને હોટલમાં ખાવા જવું હોય. પેલા પૂછો તમારા કપાતરને એના ખિસ્સાંમાં કોઈ'દી રૂપિયા હોય છે ખરા. સવારે ટિફિન કરીને મોકલ્યો હોય તો એ બપોર થાય ત્યાં તો ઘરે આવી જાય. કોક દહાડો કે કામ નોતું. તો ક્યારેક સેઠ નોતા. પૂછો  આખો મહિનોય કોઈ દિવસ કામ કર્યું છે એણે? "

"ક્યારેક કામ ઓછું એ હોય તો ક્યારેક ના પણ હોય! એમાં ઝઘડીને માવતર આવતું રે'વાનું? "

"તો શું કરું? તમારા દીકરાને બેઠા બેઠા ખવડાવું? ઉપર જતા રોજે ઢીંચવા જોઈએ એ અલગ. એ મારાથી સહન નો થાય. ઓછા પૈસે ઘર હકાવી લેવાની ત્રેવડ છે મારામાં. પણ એને બેઠે બેઠે તો નો જ ખવડાવું. કમાઈને ઘરમાં દેશે તયી જ પાછી હું આવીશ. બાકી હું કોઈના ટિફિનું કરીને ઘર હલાવવાની નથી. "

"બાય આતો ભારે ભૂંડી નીકળી!"નંદુમાએ આંખો પહોળી કરતાં કહ્યું. વજી અને મંજુ પણ એકબીજા સામે જોઈ રહી.

"ઘર તો બાયુનું કેવાય. ભાઈડા તો કામ કરે ને નો એ કરે? વ્યસન હોય તો પીવે. આપણે બાયુની જાત ઘર ઢાંકીને બેસવું એ આપણી ફરજમાં આવે. આમ ઘર ભાંગી નાખાય કંઈ. માવતરની આબરૂનું જરી વિચાર તો કરાય કે નઈ. દુઃખ સુખ તો હાલ્યા રાખે. ભાગ્યમાં હોય તો દિવસો સુધરી એ જાય." નંદુમાએ રાધા કથા પછી  શિખામણનો પ્રસાદ વહેંચયો.

"હાચી વાત સે મા તમારી આપણે બાયુંની જાત છીએ. આપણે નો કરીએ તો કોક આવીનેં આપણાં ઘરમાં થોડું બાજરો નાંખી જવાનું છે." વજીએ કહ્યું. અને ફરી બાયું પોતપોતનાં કામે વળગ્યું. રાધા પુરાણનો આઘ્યાય નીરસતાંથી સાંભળતી શારદાનાં મનમાં ઝંઝાવાત ઉપડ્યો હતો. સ્ત્રીઓ જેમ જેમ રાધાની ખોદણી કરતી તેમ તેમ શારદા બમણી ઝડપે દાતરડીથી જમીન ખોતરવાં લાગી. છોડની વચ્ચે ઉગી નીકળેલા ખડ ઉખળતું અને કમરે બાંધેલાં વાવણિયામાં ઠલવાઈ જતું.

   ખેતરની કાળી મજુરીથી સાવ નિંચોવાઈને  આવેલી શારદા અણગમતા ઉભરાતાં પ્રવાહ સાથે તણાતી ઉંબરનાં ઊંચા સાગનાં લાકડા ઉપર બેસી ગઈ. સાસું એની સામેં તરડાકીથી જોતાં બબડ્યાં પણ ખરા"માંગણાવાળી ઉંબરે હું બેઠી હૈસે?"

તીર છૂટ્યું હોય એમ શારદા ખોડંગાતા પગે ઊભી થઈ. અને રસોડા તરફ એણે પગને ઢસડિયા. ગેસ ચાલુ કરી એના ઉપર ખીચડીનું આંધણ ચડાવ્યું. એમાં મીઠું હળદર નાખી. એ મગ ચોખા લેવા રસોડામાંથી ઓરડા તરફ ગઈ ત્યાં ઉંબરો આડો ઉતર્યો. અંગૂઠામાંથી નીકળતી લોહીની લાલાશ એની આંખોમાં ઉતરી આવી." ગોઝારા તું તો શાંતિ દે!" ગળા સુધી આવેલા શબ્દો ફળિયામાં બેસેલી સાસુને જોઈ અટકી ગયા.

    ઉનાળાના લાંબા દિવસો એટલે નવરાશની પળો? સાસુ વળી ગોદડાં કાઢીને બેસે. બાપાના ધોળા અધોતા થયેલાં જરી ગયેલાં ચોરણાના ભરણીયા સાસુએ સાચવી રાખેલાં જ હોય! "વહુ ચિથરા પડ્યાં સે તે હચવાઈ ને આપણો એ ટેમ જાય. થાય એટલા ગોદડાં કરી નાંખો."ત્યારે શારદા ચાકડો  ભરવા માટે  રાખેલ પીળા કાપડને અભેરાઈ પર ચડાવીને ગોદડાંનાં ચિથરા ચુંથવા લાગતી.

  શારદા મોઢું વકાસીને હજુ ઉંબરે જ બેસી રહી. જ્યારે હોય ત્યારે ભટકાતો ને ભટકાતો! શારદાને ઉંબરો ઉખેડીને બહાર કાઢી નાખવાનું મન થયું. સાસુએ ફરી પાછો હુકમ છોડ્યો. "ખાવાનું થઈ ગયું? નક્કર હુઈ જાઇ.તે વેલી પડે હવાર."

"હા, હમણાં આપી દવ."શારદા ઊભી થઈને પાણિયારે ગઈ. ગ્લાસને ગોળામાં નાખ્યો. પાણી પીધું. ત્યાં રાધા ઘરે આવી ચડી. રાધાને જોઈ સાસુને રીસ ચડી એટલે બબડ્યા. "છાંડેલ!"  રાધા ચૂપ રહી. શારદાની સામુ જોઈ બોલી.

"ભાભી મન બાવળિયો ટાંકો શીખવાડ..ની! મારે ટોડલીયા ભરવા સે."

"હવે બાપના ઘરે બેઠા બેઠા બાવળિયા જ ભરવાના સે ને?"

"કાશી બા હું મારા બાપના ઘરે આયાવી સુ. તમારો રોટલો તોડવા નથી આવી હમજ્યા? હું શારદાભાભી નથ કે તમારું હાભળી ને બેહી જાવ." રાધા ફલાંગો ભરતી કાશી બા સામે. જઈને ઉભી.

"બા જમી લો!" શારદાએ વાત વાળતા કહ્યું. કાશીબા લાકડીનાં ટેકે ચાલતાં ફળિયામાંથી ઓસરીનાં પગથિયાં ચડતાં અંદર આવ્યા. ને દીવાલને અઠેલીને બેઠાં. શારદાએ થાળીમાં રોટલી ને તાસળી ભરી દૂધ આપ્યું.

"મારો દીકરો નથી આવ્યો?"

" ડોશી જુવે સ કે એનો ગગો નથી આવ્યો તો એ પૂછે છે.  હરાયા ઢોરની જેમ રખડતો, આખા ગામના ઓટલા ભાંગીને ગગો ઘરે આવે! તો એ મારો દીકરો!" રાધા મનમાં બબળતી બબળતી શારદા સામું બે ઘડી જોઈ રહી.

"નાં.. એ નથી આવ્યા." શારદાએ ધીમા આવજે કહ્યું. અને ડબાપેટીમાંથી મગની દાળ અને ચોખાને કાઢી. એ રસોડામાં ગઈ. આંધણ ઉકાળી ગયું હતું. એટલે આંઘણમાં મગ ચોખા નાંખ્યા.

"હાયલ ભાભી મન એક ટાંકો શિખવાડને એટલે હું હાલતી થાવ." રાધાએ છણકો કર્યો. શારદા ગેસની આંચ ધીમી કરી. બહાર આવી. "હાયલ" કહેતી ઓરડા તરફ ગઈ.

"નખ્ખોદયો પાછો ભટકાણો! ઓય માડી! મારો નખ ઉખેડી નાખ્યો."શારદા ઉંબર પાસે ધબ કરતી બેસી ગઈ. આંખોમાં પાણીની ધાર અને પગના અંગુઠામાંથી નીકળતી લોહીની ધાર બન્ને એકી સાથે વહી રહી.

"ભાભી તું જોઈને હાલતી હો તો! ઊભી રે ભીનો પાટો વારી દવ!" રાધાએ ઘરનાં ખૂણે ઉનાળા માટે રાખેલા ગોદડાંનાં ચીથરા ભરેલાં બાચકામાંથી ચારણી થઈ ગયેલી સાડીનો છેડો ફાડીને એને ભીનોં કર્યો. શારદાના લોહી નીકળતા અંગુઠમાં પાટો બાંધ્યો. શારદા ઊભી થઈને ઓરડામાં દીવાલે ટેકો લઈ બેસી ગઈ. રાધાએ થેલીમાંથી કાંચનાં મોટા ગોળ આભલા. મરુંન, લીલા, પીળા, કલરના  રેશ્મી દોરાનો જમીન ઉપર ઢગલો કર્યો. રાણી કલરના રેશમી કોટનના કપડાંને બતાવતા રાધા બોલી."સાસરે હતી તયી વડોદરેથી લીધું હતું."

"મજાનું સે કપડું તો! હાચુ કવ રાધુડી મન રાણી કલર તો એવો ગમે એવો ગમે કી મારું હાલે તો હંધુય રાણી....રાણી કરી નાખું."

"ઘરની રાણી સો એ બઉ સે. આપણે ઘરને રાણી નથી કરવું!" કાનના નરવા સાસુએ ચાબખા માર્યા. સોય કપડાંને વિંધતી સીધી આંગળીમાં પેસી ગઈ. શારદાએ આંગળીને દાંત વડે ભીંસી ત્યારે ગાલ ઉપર પડેલાં આછા રતાશ ભર્યા આંગળાની છાપ ઉપસી આવી.

    ડોશી વાળું કરીનેં જેવી ફળિયામાં ગઈ. એવી જ રાધા બોલી." ભાભી હાચુ કવ તારા જેવી સહન કરવાની શક્તિ ભગવાને મારામા'ય આપી હોત તો કેવું હારું થાત ને? હું એ મારું ઘર ઝાલીને બેઠી હોત. કોકના ચાર પાંચ ટિફિન કરીને ઘર હંકારત. આમ કોઈના મેહણા નો ખાત." રાધાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા.

"રાધુડી વેતે'ક ઊંચો ઉંબરો ઓળંગવાની હિંમતે'ય ભગવાને હંધાયને આપી હોત તો કેવું હારું થાત નઈ?"

દિવ્યા જાદવ

  

   

   
   












 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ