વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અફવા

જીવ બચાવી ભાગતું હતું. સોમી સસલું જીવ બચાવી ભાગતું હતું. હતી એટલી તાકાત ભેગી કરી ભાગતું હતું. ખેમુ ખીસકોલી વડલાની ડાળ પર હતી. બે પગે  ઊભી હતી. બન્ને હાથ વડે વડના ટેટા ખાતી હતી. ખેમું ખીસકોલીએ આ જોયું. ટેટાનો  ઘા  કર્યો  ને ભાગતા સોમીને તે પણ આંબવા મથી. 
ખેમું : "આમ શ્વાસ અધ્ધર લઈ ક્યાં ભાગો છો? "     "આકાશ ફાટવાનું છે." હાંફતાં-હાંફતાં સોમુંએ માંડ જવાબ આપ્યો. ખેમુંને પણ જીવ વહાલો હતો. તે પણ સોમું સાથે જોડાણી.
        સોનું સાપ બાવળનાં થડે બેઠો હતો. પોતાની ફેણ આમ-તેમ ડોલાવતો હતો. 'લબડાક લબડાક'  જીભ બહાર કાઢતો હતો. સોનુંએ બન્નેને ભાગતાં જોયા. તે પણ સરકવાં લાગ્યો. 'કોઈ  રાનીપશું  શિકાર કરવા આવતું લાગે છે ?'. વિચારી સરકતાં-સરકતાં  તેણે પુછી લીધું :  "કોણ પાછળ પડયું છે ?."  ખેમુંએ આકાશ ફાટવાની વાત જણાવી. 
    સરોવરની પાળે દીનુ દેડક બેઠો હતો. તડકો ખાવા પાણીમાંથી બહાર આવ્યો હતો. આંખનાં મોટા મોટા ડોળા આમ તેમ ફેરવતો હતો. ખેમુંએ તેનો પણ હાથ પકડયો. ' ચાલ ભાગ !!, ' કંઈ વિચાર્યા વગર દીનું પણ  છલાંગો ઉછાળવા માંડ્યો.  
      કીંચું કાચિડો એક ઝાડની ડાળીએ લાંબો થયેલો હતો. વારંવાર શરીરના રંગો બદલતો હતો, અત્યારે કોઈ શિકાર મળે, વિચારી લીલો રંગ ધારણ કરેલો હતો. કાફલો ડાળ નીચેથી પસાર થયો, તેણે આ જોયું. ડોકને તેણે આમ-તેમ ફેરવી, વળી તેણે ભુખરો રંગ બદલ્યો. " શું વાત છે? "જાણવા તેણે પણ બધાંની સાથે દોટ મુકી.
        નેનું નોળીયો પોતાના દર પાસે આટા મારી રહયો હતો. સાપ અને નોળીયો એકબીજાનાં દુશ્મન ! પણ અહીં મુસીબતની ઘડી હતી. મુસીબતમાં સૌ 'ભાઈ-ભાઈ' સોનું એ બૂમ પાડી " ભાઈ નૈનું ભાગ!" ભાઈ શબ્દ સાંભળીયો. નેનુંને સારું લાગ્યું. કાફલો મોટો થતો ગયો. ધીમે ધીમે વિનુ વીંછી, કેનું કાનખજૂરો પણ જોડાયાં.  અરે ! કાનું કાચબો પણ સૌની પાછળ હતો.
             વિકીવાનર એક ઝાડ પર આરામ કરતો હતો. કોની સળી કરવી વિચારી રહ્યો હતો, ત્યાં જ મો..ટા..ટાં
કાફલાને ભાગતો જોયો. 'આ બધાં કેમ  ભાગે  છે ? કંઈક થયું લાગે  છે?. એ લોકોને  જ પુછી લઉ. " આટલી વારમાં તો તેઓ ઘણે દૂર નિકળી ગયાં હતાં.  પુછવા તે પણ દોડ્યો. એક ઝાડ પરથી બીજા ઝાડ પર ઠેકડા મારતો હતો, ત્યારે માંડ આ લોકોની હરોળમાં પહોંચી શકતો હતો.
વિકીવાનર : " શું થયું  છે?. કેમ તમે ભાગો છો?  જંગલમાં કોઈ શિકારી આવ્યો છે?." 
પ્રમુખ થયેલા સોમી સસલાએ જવાબ આપ્યો : "આકાશ ફાટવાનું છે!!"
નેનું નોળીયો  : " તું પણ ભાગ "
ભાગતાં ભાગતા સૌ વિકીને સમજાવવાં માંડ્યાં. :    " આકાશ ફાટે અને  તેની  ઉપર રહેલો વિસ્તાર આપણી ઉપર પડે!"  " સ્વર્ગ પણ પડે ને નરક પણ પડે "  "ટમટમતા તારલાએ પડે."  "ચાંદામામા પણ ઢબ થઈ શકે." '"આપણે તો છુંદો જ થઈ જઈએ !." " વળી વાદલડી પડે તો આપણે ક્યાંય તણાઈ જઈએ."    "સૂરજદાદા પડે, ત્યારે તો બધું  બળી ખાખ થઈ જશે."  "ભાગો જીવ બચાવીને ભાગો!! " 
સૌ પોત પોતાની રીતે વિકીવાનરને સમજાવતાં હતાં.

વિકીવાનર : "પણ તમને આવું કોણે ક્હ્યું ?"
સોમી સસલું  : "તે તો કહયું "  
બધાનું  ભાગવું તો શરું જ હતું.
વિકીવાનર : " મેં ? મેં આવું  કહ્યું ? થોભો! ઊભા રહો!  આવી અફવા કોણે ફેલાવી ?. માંડીને વાત કરો!. "
વિકીએ બધાંને ઊભા રાખ્યાં.  માંડ બધાંને ઘડી પોરો ખાવા મળ્યો.  બધાં ઊભા રહ્યાં. છતાંએ જીવ  તો અધ્ધર જ હતાં.  'અબઘડી આકાશ ફાટશે તો ? '
સોમી  સસલું : "હું ઝાડ નીચે નિંદર માણી રહ્યો હતો. તું ડાળખે બેસી મોબાઈલ પર વાત  કરી રહ્યો હતો. તારો અવાજ મારાં કાને પડ્યો  'આકાશ ફાટવાનું છે !'  એ સમયે મારી આંખ ઉઘડી ગઈ ને હું  ભાગ્યો. ખબર  પડતી ગઈ  તેમ સૌ ભાગ્યાં. કોઈ સુરક્ષીત જગ્યાએ જવા માટે !." 
વિકીવાનર : " અરે! મારાં ભાઈઓ-બહેનો. આ બિપોરજૉય વાવાઝોડું આવવાનું છે. પોરબંદર તરફ આગળ વધ્યું છે. એવી ખબરો  આવી રહી છે. આ વાવાઝોડાની હું અને મારો મિત્ર વાતો કરતા હતા. મિત્રે ક્હ્યું વરસાદ પણ પડશે! એટલે મેં જવાબ આપ્યો. કદાચ વાદળ ફાટે ?.  મારાથી વાદળને બદલે આકાશ બોલાઈ ગયું. આકાશ ફાટે ? એટલે કે ધોધમાર વરસાદ પડે."
  " ઓહ ! 'આકાશ ફાટવાનું છે! ' એ શબ્દે મારી આંખ ઉઘડી ગઈ ને હું ભાગ્યો... " સોમી સસલો લજ્જિત થઈ ગયો. સત્ય હકીકત જાણવા મળતા સૌએ ભોઠપ અનુભવી. એકબીજાથી  શરમિંદા થતાં-થતાં  કાફલો  વિખરાય ગયો.
■‣ નામ આશા જીતેન્દ્ર  ભટ્ટ. ગામ : ભાવનગર.
*✮✮✮✮✮✮✮✮✮✮*

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ