વીર જશરાજ
પ્રકૃતિ આ શહેર પર કઈંક વધારે જ મહેરબાન હતી. ચારેબાજુ પહાડીઓથી ઘેરાયેલ તળેટીના આ શહેરમાં સૂકા મેવા પણ ઘાસની જેમ સહેલાઈથી ઊગતા. મધ્ય એશિયાના આ મહત્વપૂર્ણ શહેર કાબુલમાં આજે એક અભૂતપૂર્વ બેઠક ભરાઈ હતી. અહીં એકઠા થયેલા બધાંજ અફઘાન સરદારો, બાદશાહો અને નજીકની કેટલીય નાનીમોટી ભટકતી જાતિઓના કબીલાઓના વડાઓનો એક જ હેતુ હતો – ભારત પર ચડાઈ. અને એ હેતુને સિધ્ધ કરવામાં એમની મોટામાં મોટી અડચણ હતી અખંડ ભારતના મુગટ સમા ઉત્તરી ૨૪ સીમાવર્તી રાજ્યોમાં રાજ કરતાં વીર ક્ષત્રિય લોહરાણા રાજાઓ. રામના પુત્ર લવના વંશજ એવા આ લોહરાણા રાજાઓ દેશની રક્ષા કાજે પોતાનું બલિદાન આપતા પણ અચકાતાં નહીં. આ લોહરાણાઓના ચોવીસ રાજ્ય એટલે કે લોહર ચોવીસીનું પ્રતિનિધિત્વ કરતા મહારાણા જશરાજના નામ માત્રથી થરથર કાંપતા અફઘાનો આજે એક થઈને ષડયંત્ર રચવા ભેગા થયા હતા.
દારૂ અને માંસની છોળો વચ્ચે એક લવરમૂછરીયો અફઘાન જેવો દેખાતો વ્યક્તિ પિસ્તા ખાતો ખાતો મુસ્કુરાઈને સૌનું અભિવાદન કરતો, અલગ અલગ દરેક અગત્યના ટોળાંમાં ભળી હિંદુસ્તાનની સરહદો પાર કરવા માટેની સૌની યોજનાઓ સાંભળી, એમની બાલિશતા પર મનમાં પરિહાસ કરી રહ્યો હતો. સભાની શરૂઆત થઈ કે એક અનુભવી બુઝુર્ગ જેવા અફઘાનને એક ક્રૂર તાનાશાહ જેવા ભયંકર બાદશાહે સત્તાવાહી અવાજે પુછ્યું, “અય ફકીર, તું બુઝુર્ગ દેખાય છે, તારી આંખોમાં અનુભવનું ભાથું છલકાય છે. તું ફરમાવ કે તારું શું કહેવું છે?”
એ બુઝુર્ગ થોડો ગભરાયેલો લાગતો હતો, બાજુની મેજ પરથી મદિરાનો એક પ્યાલો ઘટઘટાવીને થોડી ક્ષણોમાં સ્વસ્થ થઈ એ બોલ્યો, “ગુસ્તાખી માફ હુઝૂર, પણ મારું માનવું આપ મહાશય પચાવી નહીં શકો. પણ બુઝુર્ગની હેસિયતથી મારે એ કહેવું પણ જરૂરી બને છે, અને જુવાનની હેસિયતથી આપ સૌને એ નકારવાનું પણ બને છે. અમે પણ જુવાન હતા ત્યારે અમારા બુઝુર્ગોની વાતો અમે ય ક્યાં ગણકારી છે? ખેર, જો આપ જુવાનોને ખુદા મતિ આપે તો મારી એ વાત સ્વીકારો, કે હિંદુસ્તાન તરફ નજર નાખવી છોડી દો.”
સમગ્ર સભામાં ગણગણાટ ફેલાવા માંડ્યો, કેટલાકના ભવા ખેંચાયા, કેટલાકના નશા ઉતર્યા. પેલા લવરમૂછરીયાને પણ આ અચાનક અજુગતું લાગ્યું, એટલે એનાથી થોડું હસાઈ ગયું.
પેલા બુઝુર્ગે વાત અગાળ ચલાવતા કહ્યું, “એક સમયે આપણાં અને એમના રોટી-બેટીના વહેવાર હતા એવું મેં બાપ-દાદાના મોઢે સાંભળ્યુ છે. કંદહાર જ્યારે ગાંધાર હતું, ત્યારે આપણીને એમની મિત્રતા ચરમસીમાએ હતી. પણ ત્યારે પણ આપણે એમના પર ક્યારેક ક્યારેક કરેલા હમલાઓ સફળ થયા નથી. વટલાયા પછી, હવે તો આમપણ આપણી એ વિચારશક્તિ રહી નથી, અને ઝૂનૂન સિવાય આપણી પાસે એવી કોઈ મૂડી ય નથી. હિંદુસ્તાનની લોહર ચોવીસીના રક્ષક અમારા સમયે વાસુપાળ હતા. એ સમયે ઈરાનીઓએ હિંદુસ્તાન પર હમલો કરેલો. આપણે ત્યાં સૈનિકો આગળ, પછી તીરંદાજો, પછી હાથીઓ, પછી ઘોડાઓ, પછી સેનાપતિ, સૂબેદારો અને પછી બાદશાહ એમ લડાઈમાં ચાલતા હોય છે. જ્યારે આ લોકો કઇંક નોખી માટીના બનેલા ઇન્સાન છે. ઈરાનીઓએ હુમલો કર્યો ત્યારે સૌથી આગળ એ રઘુવંશી મહારાણો વાસુપાળ તલવાર લઈને ચાલતો હતો અને પાછળ બીજા રાણાઓ અને સૈન્ય.
ભાગેલા ઈરાનીઓના મોઢેથી સાંભળ્યુ કે કઈ રીતે વાસુપાળ એકલો ય ‘જય શ્રી રામ’નો નાદ કરતો સેનાઓની સેનાઓના ખોખરાં બોલાવતો હતો, અને એ જ્યારે પડ્યો ત્યારે એના દેહને ખભે ઊંચકીને એના રાણાઓએ જે ખૂનામરકી ઈરાનીઓની બોલાવેલી, એ કહેતા કહેતા પેલા ઈરાનીની રૂહ કાંપી ઉઠી હતી. પણ અમે જુવાનીના નશામાં નક્કી કર્યું, કે અત્યારે એમનો મહારાણો જન્નતનશીન થયો છે તો અત્યારે એમની પરિસ્થિતી નબળી હશે. અત્યારે આપણે અફઘાનો એમના પર ચડી જઇયે, તો કામ શું ન બને? એટલે અમે ચડાઈ કરી. વાસુપાળના ગયા પછી રાણાઓએ એના દીકરા વત્સરાજને મહારાણો બનાવેલ. અમે મોકાનો ફાયદો જોઈ સૂર્યકુંડ પર ચડાઈ કરી. આ સૂર્યકુંડના યુધ્ધમાં બાપની જેમ જ વત્સરાજ પણ મોતને ભેટવા ‘જય શ્રી રામ’ પોકારતા સામી છાતીએ દોડતો આવ્યો.
હજુ તો હમણાં જ સત્તારૂઢ થયેલો એ જુવાનીઓ જે ખુમારીથી લડ્યો છે, અમારી સમગ્ર સેનાથી એને મારી ન શકાયો. એના બંને પગ યુધ્ધમાં કપાયા, તોય એ મહાન મહારાણો લડતો જ રહ્યો. (આ વત્સરાજદાદા આજે પણ અસંખ્ય પરિવારોમાં વાછરાદાદાના નામે પૂજાય છે.) એ લોહઠાકુરોએ અમારા હજારો સૈનિકોને મારી પાડ્યા. અમે જેમતેમ જીવ બચાવીને ભાગ્યા. એ પછી વત્સરાજે પોતે જ આગામી યુદ્ધોની આગેવાની લઈ શકે એમ ન હોવાથી પોતાના ફક્ત ૧૬ વર્ષના ભાઈ જશરાજને મહારાણો બનાવ્યો. એ તો પાછો આ બંનેનો ય બાપ નીકળ્યો વીરતાની બાબતમાં....”
“બસ.. બસ.. બસ...” ક્રૂર બાદશાહ બોલી પડ્યો, “બુઢ્ઢા, બસ કર. મને તો એમ હતું કે તું અમ જુવાનીઆઓની હોંસલા અફઝાઇ કરીશ. તું તો પોતાના ય હોંસલા ખોઈને બેઠો છે, બુઢાઉ. સિપાહીઓ, આને લઈને કાળકોઠડીમાં નાખી દો. આવા નામુરાદ બુઢ્ઢાઓની અફઘાનિસ્તાનને કોઈ જરૂર નથી. હોંસલાપરસ્તી માટે એને આજીવન કેદની સજા આપો.”
સભામાં હાસ્યનું મોજું ફેલાઈ ગયું. ફરી બધાને બિરયાનીની વાનગીઓ અને મદિરા પીરસવામાં આવી. પેલા બાદશાહે થોડી કડકાઇથી આ વખતે કહ્યું, “આપ બધાને ઉમદા શરાબ અને ગૌમાંસથી ભરપૂર બિરયાની કઇં ઘોડા જેવુ પેટ ભરીને એદ કરવા માટે નથી આપી. કોઈની પાસે કોઈ નક્કર યોજના હોય તો એ જણાવો. હું અત્યારે જ અહીંથી એ જાહેર કરું છું કે લોહરગઢના એ મહારાણા જશરાજનું સર જે કલમ કરશે એની સાત પુશ્તોને કમાવું નહીં પડે એટલી અશર્ફીઓ હું મારા તરફથી આપીશ. આજથી, અત્યારથી જ હું એ જશરાજના સર પર આ અશર્ફીઓના ઢગલાનું એલાન કરું..”
હજુ તો એ વાક્ય પૂરું થાય એ પહેલા તો ક્યાંકથી ‘જય શ્રી રામ’નો નાદ સંભળાયો અને ફચાક કરતી એક તલવાર એ ક્રૂર ચેહરાને એના ધડથી અલગ કરી ગઈ! સભામાં એક ક્ષણ માટે સોપો પડી ગયો. ક્ષણેક રહીને જ્યારે બધાને એ જ્ઞાન થયું કે જેણે તલવાર ચલાવી એને પકડીએ ત્યારે ધ્યાનમાં આવ્યું કે પેલો લવરમૂછરીયો ત્યાં જ ઊભો રહી ને ભાગવાની લગીરે કોશિશ કર્યા વગર મંદમંદ હસતાં રહીને પિસ્તા ખાઈ રહ્યો હતો. વાસ્તવમાં એ લોહરગઢનો જ એક બાહોશ લોહરાણો સિપાહી હતો જે અફઘાનનો વેશ લઈને ઐયારી (જાસૂસી) કરવા માટે અફઘાનિસ્તાનમાં થોડા સમયથી માહિતી એકઠી કરી રહ્યો હતો.
જેવા અફઘાનો એના પર હુમલો કરવા આગળ વધ્યા કે એ મસ્કરાની અદામાં વાંકો વળીને બંને હાથ પહોળા અને ઊંચા કરીને બોલ્યો, “અરે ઊભા રહો, ઊભા રહો, મહેરબાન, કદરદાન. મારે જીવ વહાલો હોત તો હું આ ભાઈનો વધ કરત જ શા માટે? ચૂપચાપ ભોજન અને મદિરા ગ્રહણ કરીને સરકી જાત, પણ મને મારી નાખતા પહેલા અમુક વાત તમને કહેતો જાઉં તો તમારો નિશ્ચિત ફાયદો થશે. બોલો જોઇયે, કહું?” અને ફરી એક પિસ્તા એણે મોઢામાં નાખીને બેફિકરાઈથી મમળાવવા માંડ્યુ.
“બોલ ફટાફટ જે બોલવું હોય એ.” એક અફઘાની ગિન્નાયો.
“હં.. આ વ્યક્તિ બુધ્ધિશાળી લાગે છે.” લોહરાણો ઠઠ્ઠો કરતાં બોલ્યો, “વાત જાણે એમ છે કે વીર ક્ષત્રિય લોહરાણાઓના મહારાણાઓની જે ગાથા પેલા વૃદ્ધ કરી રહ્યા હતા, એ થોડી બાકી રહી ગઈ હતી, તો એ પૂરી સાંભળી લો, એટલે હિંદુસ્તાન તરફ આગળ વધવું કે નહીં, એ તમે નક્કી કરી શકો.”
આટલું કહેતા એના ચહેરાના ભાવ થોડા બદલાયા. હાંસી કરતા એના મુખ પર ગર્વની લાગણી જન્મી. “વત્સરાજ પછી વીર જશરાજ ફક્ત ૧૬ વર્ષની ઉમરે મહારાણો બન્યો. આ વાતને થોડો સમય વીત્યો હશે કે બીજનોરના રાણા પર બદાયુઓએ હુમલો કર્યો અને દગાથી એ વીર રાણાનું જ્યારે મૃત્યુ થયું, ત્યારે બિજનોરની હજારો લોહરાણીઓએ રક્ષા ખાતર કેસરિયા કર્યા હતા.” ઐયારની ગર્વિત આંખોના ખૂણા ભીંજાયા, “આ વાતની જાણ થતાં મહારાણા જશરાજ ‘જય શ્રી રામ’નો નાદ પોકારી બદાયુની આખી ટોળી પર ભારી પડ્યા હતા. બદાયુ સરદારને મારીને બિજનોર પર સૂર્યવંશનો ધ્વજ એમણે કાયમ રાખ્યો હતો.”
આટલું કહીને એ ભયભીત અફઘાનો સામે જોઈ રહ્યો. ક્ષણેક પછી એણે વાત આગળ ચલાવી, “એ દરમ્યાન હિંદુસ્તાનના સરહદી રાજ્યોને ચંગેઝ ખાનનો ખૂબ ત્રાસ હતો. એ અચાનક ચડી આવીને સૈનિકો ઉપરાંત બીજા નાગરિકોને પણ રંજાડતો અને માલ લૂંટી જતો. બહેનો, માતાઓ ચંગેઝખાનના નામથી ગભરાતી, એવો એ રાક્ષસ હતો. એની ક્રૂરતા અને નીચતાથી બચાવવા એ રાજ્યોએ મહારાણા જશરાજનો સાથ માગ્યો. એ સમયે જશરાજ ૧૮ વર્ષનો જ હતો. અમારો એ યુવા મહારાણો મુલ્તાનના કિલ્લામાં જઇને ૧૦ મણ વજનના ભાલાના એક ઘા એ ચંગેઝ ખાનનો વધ કરી આવ્યો. તમારામાંથી કોઈ વ્યક્તિની એટલી તાકાત ખરી કે ૧૦ મણ વજનના ભાલાને ઊંચકી પણ શકે? જો હોય, તો જ હિંદુસ્તાન પર ચડાઈ કરવાનું વિચારજો.”
અફઘાનોને તો કાપો તો લોહી નહીં, લોહઠાકુરે વાત આગળ વધારી, “અને આજે એક નવો અધ્યાય જશરાજની વીરતામાં જોડાયો કે અફઘાનના કાબુલમાં એક સભામાં જ્યારે જશરાજના સર પર ઈનામ રાખવામા આવ્યું, ત્યારે એના એક અદના સેવકે એ જ ભરસભામાં એ ઈનામ જાહેર કરનારનું સર વાઢી લીધું.” લોહરાણાના વદન પર હવે શૌર્યરસના ભાવ જાગ્યા, “હા હા હા, ભવિષ્યમાં જ્યારે પણ વીર જશરાજની વાતો કહેવાશે ત્યારે એના આ અદના સૈનિકનો પણ ચોક્કસ ઉલ્લેખ થશે જ.”
આટલું કહી પોતાની તલવાર ફેંકી પ્રાણ ત્યાગવાની તૈયારી સાથે એ વીર લોહરાણાએ કહ્યું, “હવે તમે વિચારો કે જો વીર જશરાજના અપમાન સામે કોઈ એક નાનકડો સૈનિક પણ પોતાનો પ્રાણ ત્યાગવા તૈયાર હોય, તો જો તમે લોહરગઢ પર ચડાઈ કરવા જશો તો તમારા શા હાલ થશે?”
અને એક સાથે આઠ દસ અફઘાનોએ હિમ્મત કરી એ વીરની નજીક જઇ એના શરીરને ચાળણી બનાવી નાખ્યું, ત્યાં સુધી એ વીરલો હસતો રહ્યો.
___
(થોડા વર્ષો બાદ)
૨૨ જાન્યુઆરી, ૧૦૫૮ (વસંતપંચમી)
“સિન્ધુ, ક્યાં ઉપડયો? અહીં મારી જોડે જ રહે.”
“અરે, રાણા! તમારા લગ્ન છે. અણવર જોડે છે. હું જોડે રહીને શું કરું? અને લોહર ચોવીસીનો વીર મહારાણો જશરાજ, જે ચંગેઝ ખાન સામે ખુલ્લી છાતીએ ચાલ્યો જાય એ શું સૂર્યાકૌરભાભીથી ગભરાય છે? ઉનળકોટવાળા લોહરગઢના રાય વિષે શું વિચારશે?” સિન્ધુ શર્માએ મીઠી મશ્કરી કરી.
ભારતવર્ષ માટે આજે આનંદની ઘડી હતી. લોહર ચોવીસીના મહારાણા વીર જશરાજના લગ્ન ઉનળકોટના રાણા રઘુપાલની પુત્રી સૂર્યાકૌર સાથે થવા જઇ રહ્યા હતા. સમગ્ર ચોવીસી હર્ષના હિલોળે ચડી હતી. લોહરાણીઓ હરખઘેલી થઈને મંગળ ગીતો ગાઈ રહી હતી.
“અરે, ગભરાવાની વાત નથી, સિન્ધુ. આ બધું નવું નવું લાગે, દોસ્ત. યુદ્ધના મેદાન વચ્ચે, સૈનિકોના ગણ વચ્ચે તો ઘર જેવું જ લાગે. અહીં આટલી બધી બાઈમાણસો આજુબાજુ હોય એ અજુગતું લાગે.” જશરાજના ગાલ ગુલાબી થઈ ગયા હતા.
“નવું નવું લાગે જ ને? પહેલી પહેલી વાર લગન કરવા જઇ રહ્યો છે. ને હું, સિન્ધુ શર્મા, આપનો સેનાપતિ” સિન્ધુએ છાતી ફુલાવીને અભિનય કરતાં કહ્યું, “યુધ્ધનો મેદાન હોય તો આપની આજુબાજુ જ રહું. અરે, આપનાથી ય પહેલા પોતાના પર ઘા લઈ લઉં. પણ, અહીંના ઘા તો આપને પોતાને જ સહેવાના છે, મહારાજ!”
સિન્ધુની રમુજથી જશરાજ થોડા હળવા થયા, “અરે સેનાપતિ જ નહીં, તું મારો મિત્ર પણ છે, સિન્ધુ. પોખણાં થવા જઈ રહ્યા છે, ત્યારે સાસુમા અને કુંવરીની બહેનપણીઓથીની મશ્કરીઓથી તો તારે જ રક્ષા કરવી પડશે ને તારા મિત્રની?”
“અરે, હું આ ગયો ને આ આવ્યો, રાણા.” સિન્ધુએ ગંભીર થતાં કહ્યું, “એક નાનકડું કામ છે પાડોશી ગામમાં. તારા ફેરા ચાલુ થશે એ પહેલા તો પાછો ય આવી જઈશ.”
___
દોડતા ઘોડાઓના પગ ગામની બહાર પડતાં જ સિન્ધુના સાથી સૈનિકે પુછ્યું, “સિન્ધુ, હવે બોલ શી વાત છે? આમ અચાનક જ તું અમને લઈ, લગ્ન છોડીને કઇં બાજુના ગામમાંથી ઉઘરાણી કરવા તો નીકળ્યો ન જ હોય ને?!”
“સાચી વાત. સાંભળો બધા. આ બાજુ કંદહાર અને આ બાજુ હિંદુકુશની પર્વતમાળાઓની ખીણમાંથી મલેચ્છ સૈનિકો આવી ચડ્યા છે. ઉનળકોટના કિલ્લા પર પહોંચી આવ્યા છે. જો રાણાને કહીશું તો એ પ્રસંગ છોડીને લડવા નીકળી પડશે. આજે તો આપણને જ સંભાળવાનું છે.” સિન્ધુ શર્માએ ઝડપથી કોટ તરફ ઘોડો દોડાવતા કહ્યું.
સૈનિકો પણ ક્યાં પાછા પડે એવા હતા. એમણે પણ કોટ બાજુ ઘોડા દોડાવી માર્યા. ધમાસાણ યુદ્ધ જામ્યું. પણ બહાદુરી અને યુદ્ધકળામાં લોહરાણા સૈનિકોથી કોણ પહોંચી શકવાનું હતું! થોડા જ સમયમાં આક્રમણકારો ભાગવા લાગ્યા. મલેચ્છ સેનાનો સરદાર શમશૂદ્દીન ગોમતીઘાટની પહાડી ખીણની ઓથેથી ભાગી છૂટ્યો.
___
“ક્યાં નજરો ફરે છે, વરરાજા?” મહારાણા જશરાજની થનારી એક સાળીએ મીઠી મસ્તી કરતાં કહ્યું, “અત્યારે તો ઠીક છે પણ વરમાળા પહેરાવતી વખતે ધ્યાન રાખજો, નહીંતર ક્યાંક અમારી બહેનને બદલે ક્યાંક એમના ફઇ કે માસીને વરમાળા ન પહેરાવી દો.” અને મંડપમાં હાસ્યની છોળો ઉડવા લાગી. મિત્ર સોમસિંહ દાવડા, ઇન્દ્રપાલ વગેરે બધા પણ હરખઘેલા થયા હતાં. પણ જશરાજની નજરો પોતાના પરમ મિત્રને જ શોધી રહી હતી. ખબર નહીં કેમ, પણ આટલા સુંદર અને શુભ પ્રસંગે એમને કૈંક અમંગળ થવાના અણસાર દેખાઈ રહ્યા હતા.
___
“રાણાસાહેબના ફેરા ચાલુ નહીં થાય તારા વગર, સિન્ધુ. તારી ઘોડી જેટલી ઝડપે અમારી ઘોડીઓ નહીં દોડી શકે.” ઉનળકોટ તરફ પાછા ફરતી વખતે એક સૈનિકમિત્રએ સેનાપતિને ફરિયાદ કરતાં કહ્યું.
“અરે ભાઈ, લગન અને મોત બંને કોઈની રાહ જોતાં નથી, સિવાય કે સિન્ધુ શર્માની.” સિન્ધુએ મશ્કરી કરતાં કહ્યું, “મારે તો લગનસરામાં જલ્દી પહોંચીને રાણાને શરમાતો જોવો છે, એની ઉતાવળ છે.”
પણ વિધાતાને કૈંક બીજું જ મંજૂર હશે. હસતાં, મશ્કરી કરતાં, મિત્રના લગ્નમાં હોંશભેર ભાગ લેવા જતાં વીર સેનાપતિ સિન્ધુ શર્માની પીઠ પર હુમલો થયો. ભાગી છૂટેલા સરદાર સમશૂદ્દીને પહાડીમાં છુપાઈને તીરથી સિન્ધુ શર્માની પીઠ પર વાર કરેલો. સિન્ધુ શર્માના જીવનની છેલ્લી ઘડીઓ ગણાવા લાગી કે એનો વફાદાર અશ્વ સિન્ધુને પીઠ પર લઈ પૂરઝડપે ભાગ્યો.
___
“કન્યા પધરાવો... સાવધાન.” પંડિતના કહેણથી સોળે શણઘાર સજેલી કન્યા, કુંવારી સૂર્યાકૌરને બોલાવવામાં આવી. વીર જશરાજને પંડિતે કન્યાને વરમાળા પહેરાવવાનું કહેવામા આવ્યું કે ત્યાં જ સિન્ધુનો અશ્વ ઘાયલ સિન્ધુને લઈને લગ્નમંડપમાં પહોંચ્યો. ઘાયલ સિન્ધુ શર્મા ઘોડા પરથી ઉતરીને મહારાણા જશરાજના ચરણોમાં ફસડાયો. “રાણા.. રાણા, જો હું તારા ફેરા ચાલુ થાય, એ પહેલા પહોંચી આવ્યો છું, હો? મેં મારું વચન પાડ્યું, જશરાજ. વાહ, તારા ચરણોમાં આવીને હવે મારા પ્રાણ છૂટે એટલે મારો જીવ સદગતે જશે.”
હસતાં મોઢે સિન્ધુએ જશરાજના ચરણોમાં પ્રાણ ત્યજ્યા. વફાદાર સેનાપતિ અને પરમ મિત્રનું પોતાના લગ્નપ્રસંગે જ મૃત્યુ થતાં, જશરાજને આત્મગ્લાનિ થઈ, ફરજ ચૂક્યાનું ભાન થયું. આંખોમાં અશ્રુ સાથે એણે ઇન્દ્રપાલને પોતાના દેવાંગી અશ્વ લાલુ અને રાજદંડને લાવવાની આજ્ઞા કરી.
થનારા સસરા રાણા રઘુપાલને હાથ જોડીને કહ્યું, “આજથી અને અત્યારથી જ હું આપની પુત્રી રાજકુંવરી સૂર્યાકૌરને મારી ધરમપત્ની માનું છું, પણ અત્યારે મારું ક્ષત્રિય લોહી મને પોકારી રહ્યું છે. આ મારા ખભાની ખેસના ચેડાં સાથે એની ચુંદડીનો છેડો બાંધું છું.” અને મોટા ભાઈ વત્સરાજ તરફ ફરીને કહ્યું, “આપ મારી ખેસ સાથે કુંવરીના ચાર ફેરા પૂરા કરાવો અને ઉંબરે મારી રાહ જુઓ, હું દુશ્મનોને એમના પૂર્વજો પાસે પહોંચાડીને પાછો આવું છું.”
“વીરા, વિજયી થઈને પાછો આવજે.” બહેન હરકૌરે ભાઈ જશરાજના કપાળે તિલક કરી, જમણા હાથે મીંઢોળ બાંધી, શૌર્યતાથી વિદાય આપી. વીર જશરાજના મુખેથી ‘જય શ્રી રામ’નો ઉદઘોષ નીકળ્યો અને લાલુ જશરાજને લઈ દોડતો થયો. લોહરગઢનું સૈન્ય એ વીર મહારાણાની પાછળ ઊમટ્યું, પણ ઉનળકોટના લાતૂર દરવાજા પાસે પહોંચતા જ જોયું તો દરવાજો બહારથી બંધ હતો. બલોચી સરદાર સમશૂદ્દીનની સેનાએ ઉનળકોટને ચારે તરફથી ઘેરી લીધેલું.
“દાવડા..”
“જી, રાણા. ચિંતા ન કરો, એક પહેરનો સમય આપો. મારા સૈનિકો દરવાજો ખોલી આવશે.”
એક પહેરથી પહેલા જ તો સોમસિંહ દાવડાના સૈનિકોએ દરવાજો ખોલી કાઢ્યો હતો, પણ દરવાજાને પેલે પાર એક મોટી મુસીબત લોહર સૈનિકોની રાહ જોઈ રહી હતી. સમશૂદ્દીનને લોહરગઢની ગૌભક્તિની જાણ હતી, જેનો એણે ગેરફાયદો લેવાનું નક્કી કર્યું. તેણે પોતાના સૈન્યમાં ગાયોના ધણ ફેલાવી દીધા.
“આ ખરો ખેલ કર્યો છે બલોચોએ, રાણા.” ઇન્દ્રપાલે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, “મલેચ્છ સૈનિકો ગાયોના ધણની વચ્ચે થઈને હુમલો કરતાં રહેશે અને આપણાં સૈનિકોને એ ધ્યાન રાખવું પડશે કે ગૌમાતાને કોઈ ઇજા ન પહોંચે.”
“ઇન્દ્રા, સૈનિકોને કહી દો કે એક પણ ગૌમાતાને ઇજા ન જ પહોંચવી જોઇયે.” જશરાજે તલવાર ઊંચી કરી કહ્યું, “આપણે પોતે પ્રાણ ત્યાગી દઇશું, પણ ગૌ માતાને રક્ષીશું.”
આ રીતે ધ્યાન રાખીને દુશ્મનો પર હુમલો કરવામાં મલેચ્છ સેનાનો હાથ ઉપર તો રહેતો હતો, પણ એક એક લોહર સૈનિક દસ બલોચને પહોંચે એવો અને હજારને પહોંચે એવો વીર જશરાજ હોય ત્યાં હિંદુસ્તાનને કોઈ ચિંતા કરવાની જરૂર ખરી?!
જશરાજનું સૈન્ય સમયની કસોટી પર ખરું ઉતર્યું. પોતાની સેનાના હાલ હવાલ થતાં જોઈ સમશૂદ્દીન પોતાના પડાવ તરફ ભાગ્યો. સોમસિંહની નજર એ તરફ પડતાં જ એ જશરાજ પાસે આવ્યો, “રાણા, એક ઈચ્છા છે. જો આપ પૂરી કરો તો મારુ અહોભાગ્ય સમજું. જો તમારી પરવાનગી હોય તો આ બલોચ સરદારનો વધ કરી, આ સોમસિંહ દાવડો ઈતિહાસમાં અમર થવા માગે છે.”
જશરાજનો હકારમાં ઈશારો થતાંજ સોમસિંહ અશ્વ પર વાયુવેગે સમશૂદ્દીનને આંતરવા દોડ્યો. એ જ્યારે થોડા સમય બાદ પરત થયો, ત્યારે એના હાથમાં સમશૂદ્દીનનું વાઢેલું માથું હતું જે તેણે જશરાજના ચરણોમાં ધરી દીધું.
___
લગ્નના મંડપમાં રઘુપાલ અને વત્સરાજ ચિંતામાં બેઠા હતા. ગર્વિત વદને પોતાના ભાગ્ય પર પોરસાતી રાજકુમારી સૂર્યાકૌરને પણ ક્યાંક ભવોભવના સાથી એવા જશરાજની ચિંતા સતાવી રહી હતી, તો ક્યાંક લગ્નસંસારના ભાવિ સાંસારિક વિચારોથી ખુશી થઈ રહી હતી. ત્યાં તો દૂત ખુશીના સમાચાર લઈને દોડતો આવ્યો. “સમશૂદ્દીન પડ્યો. મહારાણા જશરાજનો ભવ્ય વિજય થયો. બદાયુઓની સેના ભાગી ઉઠી. વીર સોમસિંહ દાવડાએ બલોચ સરદારનો વધ કર્યો. માતૃભૂમિના રક્ષક વીર લોહરાણા જશરાજ ઇતિહાસમાં ગૌમાતાના રક્ષક તરીકે પણ ઓળખાશે.”
“અરે, વાહ! ક્યાં છે જશરાજ અને આખી સેના?” રઘુપાલે દૂતને પુછ્યું.
“વિજયના વધામણાં ચાલી રહ્યા હતા, મહારાજ.” દૂતે જવાબ વાળ્યો, “મને મહારાણાએ વિજય પ્રાપ્ત થતાં તરત જ મોકલ્યો, એ વિચારીને કે આપ સૌ ચિંતામાં હશો.”
ખુશીઓની એક લહેરખી આખા મંડપમાં ફરી વળી. વત્સરાજની આંખોમાં આંસુ ફરી વળ્યા, રઘુપાલ પણ આનંદથી ઝૂમી ઉઠ્યા. “લોહરગઢનો જય જયકાર”, “અખંડ ભારતનો જય જયકાર”, “વીર જશરાજનો જય જયકાર”, “સિન્ધુ શર્મા અમર રહો” વગેરેના જયઘોષથી ઉનળકોટ ગુંજી ઉઠ્યું, ત્યાં તો સોમસિંહ દાવડા, ઇન્દ્રપાલ અને સૈનિકોને વીલા મોઢે પાછા ફરતા જોઈને મંડપમાં સોપો પડી ગયો.
“જશરાજ... જશરાજ ક્યાં છે?” વત્સરાજ બૂમ પાડી ઉઠ્યા.
સોમસિંહ અને ઇન્દ્રપાલ રડમસ ચહેરે ચૂપચાપ ઊભા રહ્યા.
“બોલો, ઠક્કર બોલો. મારો ભાઈ ક્યાં છે? ક્યાં છે મારો જશરાજ? ક્યાં છે લોહારાણા કુળનો મહા વીર મહારાણો? ક્યાં છે સૂર્યાકૌરનો ભરથાર?” બહેન હરકૌરની આંતરડી કકડી ઉઠી.
“મહારાણા... જશરાજ..” ઇન્દ્રપાલની જીભ નહોતી ઉપડી રહી, પણ એને બોલવું પડ્યું, “મહારાણા જશરાજ વીરગતિ પામ્યા છે.”
અશ્રુધારાઓનો ધોધ વહેવા લાગ્યો લગ્નમંડપથી. “કઈ રીતે? આપણી સેનાએ તો વિજય મેળવી લીધો હતો ને?” રઘુપાલે આંખોમાં આંસુ સાથે પુછ્યું.
“મહારાજ, વિજયના વધામણાં ચાલી રહ્યા હતા.” સોમસિંહ દાવડાએ જવાબ વાળ્યો, “એક દુરાની શત્રુ લોહઠાકુરના છુપા વેશે મહારાણાને વધામણાં આપવાના બહાને આગળ આવ્યો અને દગાથી જશરાજની ગરદન પર ઘા કર્યો. બીજી જ ક્ષણે ઇન્દ્રપાલનો ભાલો એ બલોચ સરદારની છાતીમાં પોરવાયો અને એને જમીનમાં જડી દીધો, પણ જશરાજ.. મહરાજ આપણો જશરાજ..”
“ક્યાં છે એમનું દેહ?” સૂકી, કોરી, નિરાધાર, નિર્વિચાર આંખે સૂર્યાકૌરે ઇન્દ્રપાલને પુછ્યું.
“મહારાણી..” વિધિની વક્રતા જુઓ, સૂર્યાકૌર માટે આ શબ્દનો પહેલી વાર ઉપયોગ થઈ રહ્યો હતો, અને એ પણ આ પરિસ્થિતીમાં. “મહારાણી, વીર જશરાજનું દેહ.. એમનું ધડ તો હજુ ય વિના સીરે યુદ્ધમેદાનમાં લડી રહ્યું છે. એમની તલવાર હજુ ય શત્રુ સેનાનીઓને વીંધી રહી છે. અમે ખૂબ કોશિશ કરી રોકવાની, સમજાવવાની. પણ કઈ રીતે? એમનો ધડદેહ પડી નથી રહ્યો. વત્સરાજ.. બાપ.. આપ તો ધરમરાજ છો.. આપ કૈંક કરો.”
વત્સરાજ આંખમાં આંસુ સાથે મનોમન માતાજીને પ્રાર્થના કરવા લાગ્યા. અગ્નિ મંગાવી, એના પર હાથ મૂકી પ્રતિજ્ઞા લીધી, “હે મા..! મારા જશરાજના આત્માને શાંતિ આપ, મા. હું પ્રતિજ્ઞા લઉં છું કે આ લગ્નશોકની યાદમાં અમારું કુળ વરરાજાને સફેદ અને ગુલાબી કાપડનો કટકો બાંધશે. વરરાજાની દીર્ઘાયુસ્ય કાજે એના હાથમાં મીંઢોળ બાંધશે. નવોઢાની ચુંદડીને વરરાજાની ખેસ સાથે બાંધીને ફેરા ફરશે. વરકન્યાના આસન નીચે સાંગની નિશાની રૂપે સાંબેલું રાખશે, અને અશ્વ લાલુને યાદ કરી નવદંપતીને વરઘોડિયાના નામે સંબોધશે.”
“વીર દાદા જશરાજની જય.. વીર દાદા જશરાજની જય... વત્સરાજદાદાની જય (વાછરાદાદાની જય).. વત્સરાજદાદાની જય (વાછરાદાદાની જય)..”ના જયઘોષથી આખી ય લોહરચોવીસી, આખું ય અખંડ ભારત ગુંજી ઉઠ્યું.
- હાર્દિક રાયચંદા
hardik_raychanda@yahoo.co.in
9825198717
