વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ટ્રેપ્ડ

એ ધુમ્મીલ સાંજે આકાશ પણ કદાચ મારાં મનની જેમ તોફાને ચઢ્યું હોય એમ ગર્જના કરી રહ્યું હતું અને કાળા ડીબાંગ વાદળોએ આકાશને એ રીતે બાનમાં લીધું હતું જે રીતે ક્રોધ અને બદલાના વિચારોએ મારાં દિલોદિમાગને.!

સવારે બની ગયેલી એ ઘટના હજુ સુધી મારાં મનને વિચલિત કરી રહી હતી. ગુસ્સો મારાં સ્વભાવને બિલકુલ માફક નહીં આવતો હોવા છતાં સવારના ફંક્શનમાં હું મોહિત ઉપર ધ્રુજતા અવાજે બરાડી ઉઠ્યો હતો..

"મોહિત... યુ બાસ્ટર્ડ.., આઈ વીલ કીલ યુ...!"

હું જાણતો હતો કે મોહિતને જાનથી મારી નાખવા તો શું, એને એક તમાચો મારવા જેટલો પણ હું સક્ષમ નહોતો.! પણ હું વાણીને દિલોજાનથી ચાહતો હતો અને એની વિરુદ્ધમાં બોલાયેલો એક શબ્દ પણ હું સહન કરી શકતો નથી. વાણી માટે મારાં દિલમાં સોફ્ટ કોર્નર હતો. એ વાત કદાચ વાણી પણ સારી રીતે જાણતી હતી. એ જયારે મારી સામે જોતી ત્યારે મારાં મનમાં ચાલી રહેલી મીઠી મૂંઝવણને એ વાંચી લેતી. મેં પણ ઘણીવાર એની પારદર્શક ભીની આંખોમાં મારાં પ્રત્યેની લાગણીને અનુભવી છે. ક્યારેક એની એ નિર્દોષ ભાવવાહી આંખોને મેં બોલતા પણ જોઈ છે કે..

"હા તન્મય, હું તને પ્રેમ કરું છું. પણ.... હું તો..."

બસ, આ 'પણ' શબ્દ મને કાયમ અટકાવી દેતો.! વ્હીલચેરમાં ઝૂલી રહેલા એના લાચાર પગ મને મારાં પ્રેમનો એકરાર કરતાં રોકી લેતા. ક્યાંક મારાં સાચા પ્રેમને એ એની પર થતી દયા નહીં સમજી બેસે, એ વિચારે હું હજુ સુધી એને મારી દિલની વાત કરી શક્યો નહોતો.

પણ મારી વાણીની આમ ઉઘાડેછોગ મજાક...!? એક અપંગ છોકરીની આવી મશ્કરી...? હવે તો મોહિતને તો પાઠ ભણાવવો જ રહ્યો. બદલો લેવાના ખૂન્ન્સથી લાલ થઈ ગયેલી મારી આંખોમાં ક્ષિતિજે થઈ રહેલા વીજળીના તેજ લસરકાઓ ચમકી રહ્યા હતા.

અત્યારે હું મારી બાઈક પર શહેરથી ઘણે દૂર સેન્ટ ફ્રાન્સીસ ચર્ચ પાસે રહેતી વાણીના ઘરે જ જઈ રહ્યો હતો. એને સમજાવવા, એને સાંત્વના આપવા.. અને બની શકે તો મોહિતને એના ખરાબ વર્તન માટે કઇરીતે સબક શીખવવો એનો પ્લાન ઘડવા.

સાંજનો ઓછાયો દિવસના અજવાળાને ગળી જવા ઉતાવળો થયો હતો. સૂર્ય પણ આખો દિવસ ઘટ્ટ કાળા વાદળોની પાછળથી ડોકિયું કાઢી કાઢીને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાનો વ્યર્થ પ્રયત્ન કરીને થાક્યો હોય એમ ઝડપથી ક્ષિતિજ તરફ સરકી રહ્યો હતો. મારી બાઈક શહેરથી ઘણે દૂર નીકળી ચુકી હતી. રસ્તાની બંને બાજુ ઉગી નીકળેલા ઝાડીઝાંખરામાંથી તમરાંઓ સાંજના રહ્યાસહ્યા અજવાશમાં પણ પોતાની હાજરી પુરાવી રહ્યા હતા. વરસાદ જાણે ગુમાનથી 'આજનો દિવસ તો મારો છે.!' એવું કહેતો હોય એમ સાંબેલાધાર વરસી રહ્યો હતો. શહેરની બહારનો સુમસામ વિસ્તાર અને વરસાદનું ક્રૂર અટ્ટહાસ્ય મારાં ડરપોક મનમાં ભયની ધ્રુજારી ફેલાવી રહ્યો હતો.

મારી બાઈકની હેડલાઈટ ચાલુ હોવા છતાં હવામાં ફેલાયેલું ધુમ્મસનું ઘટ્ટ આવરણ મારાથી દસ ફૂટ આગળના રસ્તાને પણ ભરખી જતું હતું. ભયાનકતાની ચાદર ઓઢીને પથરાયેલા સન્નાટાને ચીરતી મારી બાઈક વાણીના ઘર તરફ આગળ વધી રહી હતી.

ધોધમાર વરસાદમાં પોતાની મર્યાદા ઓળંગી ચૂકેલા ખાડા ખાબોચિયાને સાવધાનીપૂર્વક ઓળંગતો હું આગળ વધી રહ્યો હતો કે અચાનક જ સન્નાટાને ખુલ્લો પડકાર ફેંકતી હોય એવી એક ચીખ વાતાવરણમાં ગુંજી ઉઠી. ચીખ એટલી ભયંકર હતી કે વરસાદમાં મસ્તીથી ઝૂમી રહેલા ઝાડવાઓ પણ બેઘડી માટે સ્તબ્ધ થઈને ઉભા રહી ગયા. 'આટલા વરસાદમાં આવી ભયંકર ચીસ..!' મારું પારેવા જેવડું હૃદય ફફડી ઉઠ્યું. ચીખ મારી બાઈકની થોડે આગળથી જ આવી હતી અને એ પછીની બીજી જ ક્ષણે રસ્તા પરના કોઈ શાંત ખાબોચિયાએ 'છબાક...' અવાજ સાથે વાતાવરણને ફરી એકવાર ખળભળાવી મૂક્યું.

મારું હૈયું ધોધમાર પડી રહેલા વરસાદની સાથે હરીફાઈમાં ઉતર્યું હોય એમ તેજ ગતિએ ધડકી ઉઠ્યું. હું ગભરાયેલો હતો. પણ આગળ શું બન્યું હશે એ જાણવાની તાલાવેલીએ મને આગળ વધવા મજબૂર કર્યો. હું માંડ દસેક ફૂટ આગળ વધ્યો હોઈશ કે મારી આંખોની સામે જે અસ્પષ્ટ અને ધુંધળું દ્રશ્ય રચાયું એ જોઈને મારાં શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. થોડે દૂર એક માનવ આકૃતિ ઊંધા મોંએ ખાબોચિયામાં પડી હતી અને એના પીઠમાં એક મોટો છરો ખોંસાયેલો હતો. હજુ હું કંઈ વિચારું એ પહેલા જ એની નજીક ઉભેલી બીજી એક માનવ આકૃતિ ત્યાંથી ઝડપથી ભાગીને ધુમ્મસમાં ઓઝલ થઈ ગઈ.

મારી આંખો ફાટી ગઈ. આખુ શરીર ધ્રુજી ઉઠ્યું. ત્યાંથી ભાગવા માટે કાચી સેકન્ડમાં મેં મારી બાઈકને યુટર્ન મરાવ્યો અને રેસ આપવા હાથ ઘુમાવ્યો કે ત્યાં જ પાછળથી બૂમ સંભળાઈ...

"હે...લ્પ..... કોઈ... બચા...વો...."

મારાં કાન ચમક્યા.. આ અવાજ... ક્યાંક સાંભળેલો..... મેં દિમાગ કસ્યુ અને એ સાથે જ મગજમાં એક ચમકારો થયો. ઓહ.. આ અવાજ તો.... મોહિતનો હતો..! મારું મગજ ચકરાઈ ગયું. ખાબોચિયામાં પડેલો મોતની સામે ઝઝૂમી રહેલો માણસ મોહિત હતો.!

હવે...? મોહિતને બચાવવા જવું કે નહીં..? એક તો આજે સવારે જ થયેલો ઝઘડો..., વાણીનું કરેલું અપમાન... અને... અને.. મારી બદલો લેવાની તીવ્ર ઈચ્છા... સાલ્લો... આ જ દાવનો છે... એ વિચારે મારાં દાંત ભીંસાયા. પણ... એ માણસ મરી રહ્યો હતો. કદાચ.... મારાં પ્રયત્નોથી એનો જીવ બચી પણ જાય. મનમાં વિચારોની આંધી ઉઠી હતી. ભારે અસમંજસની ઘડી હતી એ..

અને... ત્યાં જ ફરી અવાજ આવ્યો.

"પ્લી...ઝ.., મને... બચાવો..."

મારી ગરદન અવાજની દિશામાં ઘૂમી ગઈ. મેં આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો અને આખરે બદલાની ભાવના ઉપર માણસાઈની ભાવનાનો વિજય થયો. મેં બાઈક બંધ કરી અને એની પાસે ગયો.

મોહિત એક એક શ્વાસ લેવા તડપી રહ્યો હતો. એને બચાવવા માટે એના પીઠમાં ભોંકાયેલો છરો બહાર કાઢવો જરૂરી હતો. પણ... એક મિનિટ... એને બચાવવા જતા હું ફસાઈ ગયો... તો...? છરો હાથમાં પકડતા પહેલા મને વિચાર આવ્યો.

"પ્લી..ઝ... મને... બચા...વો...."

એના મોંમાંથી લોહીની ધાર નીકળી રહી હતી. ભૂરા રંગનો એનો શૂટ લોહીથી ખરડાઈને લાલ થઈ ગયો હતો. એની છાતી શ્વાસ લેવા મોટેથી ફૂલી રહી હતી. છતાં એના શ્વાસ ખૂટી રહ્યા હતા. મારે ઝડપથી નિર્ણય લેવો જરૂરી હતું. નાછૂટકે મેં છરો હાથમાં લીધો અને હળવેકથી ખેંચ્યો.

"આહ..." મોહિતના મોંમાંથી જાણે મરણચીસ નીકળી ગઈ.

બરાબર એ જ સમયે પાછળથી કોઈ અજાણ્યા વાહનની હેડલાઈટનો શેરડો મારી પર પડ્યો. ગભરાહટમાં મારાં હાથમાંથી છરો છૂટી ગયો. કોણ આવી રહ્યું છે એ જોવા માટે મેં ગરદન પાછળની દિશામાં ઘુમાવી. પણ ગાઢ ધુમ્મસને કારણે સામેનું ચિત્ર સ્પષ્ટ નહોતું થતું. મેં ફરી ધ્રુજતા હાથે ગરદન મોહિત તરફ ઘુમાવી.

પણ આ શું...? મોહિતની આંખો તો ફાટી પડી હતી.

"મો...હિત...." સાથે જ મારો અવાજ ફાટી પડ્યો.

મેં મારાં હાથોથી એને આખો હલબલાવીને ઉઠાડવાની કોશિશ કરી જોઈ. પણ એનો નિશ્નચેતન થયેલો દેહ ખાબોચિયામાં ઢળી પડ્યો. ઓહ... હવે..? મોહિત મરી ચુક્યો હતો.

અજાણ્યા વાહનનો શેરડો ઘણો નજીક આવી ગયો હતો. હવે...? જે વાતનો મને ડર હતો એ જ વાત બની ચુકી હતી. હું હડબડાહટમાં ઉભો થઈ ગયો. ભાગીને કયાં જવું એ સમજાતું નહોતું અને બાઈક પર બેસીને ભાગવા જેટલો સમય નહોતો.

ભર વરસાદમાં મારાં કપાળે પરસેવો વળી ગયો હતો. ઉફ્ફ.. હું ચારેબાજુથી બહુ ખરાબ રીતે ફસાઈ ચુક્યો હતો. યસ, આઈ વોઝ ટ્રેપ્ડ...!

**

"હવે શું થશે..?"

આ લોહી તરસ્યો પ્રશ્ન છેલ્લા અડધા કલાકથી મને બેરહમીથી ચૂંથી રહ્યો હતો. મગજ પર હાવી થયેલા ડરે મારાં બ્લડપ્રેશરને એની નીયત મર્યાદા કરતાં ઘણું વધારી દીધું હતું.

કોઈક અજાણ્યા વાહનના આવવાથી ગભરાઈને હું મારું બાઈક મોહિતની લાશ પાસે જ છોડીને રસ્તાની આજુબાજુની ઝાડીમાં દૂર સુધી આવી ગયો હતો. હું ખુબ ડરેલો હતો. મારાં જેવો સીધો સાદો માણસ... અને નજરની સામે જ ખૂન...! ડરથી મારું આખુ શરીર ધ્રુજી ઉઠ્યું. મારો મોબાઈલ એ ભયાનક ક્ષણોમાં મારી મજાક ઉડાવતો હોય એમ એ પણ ધ્રુજી ઉઠ્યો. મેં ગભરાઈને મોબાઈલની સ્ક્રીન પર નજર કરી. થેન્ક... ગોડ..., કોઈ સામાન્ય મેસેજ હતો. મેં હાશકારો અનુભવ્યો. પણ ત્યાં જ મને વિચાર આવ્યો કે આવા સમયે મોબાઈલનું લોકેશન ટ્રેક કરીને કોઈપણ મારાં સુધી પહોંચી શકે છે. મેં પકડાઈ જવાના ડરથી મોબાઈલમાંથી સીમકાર્ડ કાઢીને એક તરફ ફેંકી દીધો અને મોબાઈલને બીજી તરફ દૂર ઝાડીમાં ફેંકી દીધો.

ઝાડીઝાંખરામાં છુપાઈને બેઠેલા મચ્છર જેવા નાના જીવો મારું લોહી ચૂસી ચૂસીને લુફત ઉઠાવી રહ્યા હતા. પણ એ દર્દ કરતાં પણ અનેકગણું દર્દ મને મારાં ખુદના વિચારો આપી રહ્યા હતા. "હવે શું થશે..?" એ સિવાય પણ બીજા પ્રશ્નોનું એક આખુ ઝુંડ મારાં મગજને સુન્ન કરી નાખતું હતું.

"કોણ હશે એ...? એણે મોહિતની હત્યા ક્યા કારણે કરી હશે..? સવારના ફંક્શનમાં મોહિત સાથે થયેલો ઝઘડો અને એની લાશ પાસે પડેલી મારી બાઈક અને છરા પર લાગેલા મારાં હાથના નિશાન એક જ વાત સૂચવે છે કે મોહિતનું ખૂન મેં કર્યું છે. તો હવે મને જેલ થશે...? હું ખૂની...? ના, ના, મેં મોહિતનું ખૂન નથી કર્યું. હું તો નિર્દોષ છું.. પણ હું મારી જાતને કઇરીતે નિર્દોષ સાબિત કરી શકીશ..?"

ઉફ્ફ... મારાં મનોમસ્તિષ્કમાં જન્મેલા પ્રશ્નો મારાં કાનમાં જોરજોરથી ચીખ પાડી રહ્યા હોય એમ અકળાઈને મેં મારાં બંને કાન હાથની હથેળીથી દબાવી દીધા.

સાંબેલાધાર વરસાદ અને ઝાડીમાં છુપાયેલા નિશાચર પ્રાણીઓના લયબધ્ધ અવાજને ચીરી નાખતા સન્નાટા સાથે બીજી દસ પંદર મિનિટ આમ જ પસાર થઈ ગઈ. મગજ હજુ પણ હેંગ થયેલું હતું. હું મારી જાતને નિર્દોષ સાબિત કરવા કંઈક નક્કર પગલાં નહીં ભરું તો પોલીસ મને શોધતી ગમે ત્યારે અહીં આવી જશે એ નિશ્ચિત હતું.

'મોહિતનું ખૂન કોણ કરી શકે..?' એની કડી મેળવવા સવારે થયેલા કંપનીના ફંક્શનની ઝીણામાં ઝીણી વિગત યાદ કરવી જરૂરી હતી. મેં ફરી એકવાર આંખો બંધ કરી અને મગજને બાર કલાક પહેલાના ભૂતકાળમાં ધકેલવાનો પ્રયાસ કર્યો.

****

"આજે આપણી ઓફિસની નવી શાખાના ઉદ્ઘાટનના આ શુભ અવસર પર હું બેહદ ખુશ છું. આ મારી એકલાની સફળતા નથી. પણ આખી ટીમની સફળતા છે..."

કંપનીના મુખ્ય કર્તાહર્તા સ્વયંસર મંચ પરથી ભાષણ કરી રહ્યા હતા. ચાલીસેક વર્ષની ઉંમર ધરાવતા સ્વયંસરનું આકર્ષક અને પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું.

"વાહ..., મેન ઈન બ્લ્યુ...! આજના ખાસ પ્રસંગે તમે બધા એક જ ડ્રેસકોડમાં રોયલ બ્લ્યુ રંગના શૂટમાં સજ્જ થઈને આવ્યા છો એ મને ખુબ ગમ્યું." તાળીઓના ગડગડાટથી બધાએ સ્વયંસરની વાતને વધાવી લીધી. આજે નવી શાખાના ઉદ્ઘાટન પ્રસંગે અમે બધાએ રોયલ બ્લ્યુ રંગનો શૂટ પહેરીને સ્વયંસરને સરપ્રાઈઝ આપી હતી.

સ્વયંસરે પોતાનું વક્તવ્ય આપ્યું પછી કંપનીના મેનેજર મેહુલ શાહે થોડો સમય લીધો. હું મારાં ઓફિસમેટ મલ્હાર, એડમ, મોહિત, રિસેપશનિષ્ટ તાન્યા અને વાણી અમે બધા કંપનીના પરીવારની જેમ એક હરોળમાં બેસીને શ્રોતા બનીને સાંભળી રહ્યા હતા.

હું છેલ્લા ત્રણ વર્ષથી આ કંપની સાથે જોડાયો હતો. જયારે વાણી એકાદ વર્ષ પહેલા કંપનીમાં જોડાઈ હતી. વાણીએ જોબ શરૂ કરી ત્યારથી જ અજાણપણે હું એની તરફ આકર્ષિત થયો હતો. વાણીનો માસુમ ચહેરો, એનું નિર્દોષ હાસ્ય અને એનો મળતાવડો સ્વભાવ મને સ્પર્શી ગયો હતો. પણ ચહેરાથી અત્યંત ખુબસુરત એવી વાણીને ભગવાને બધી જ સુંદરતા બક્ષીને પણ એના પગ છીનવી લીધા હતા. એ સાથે એના જીવનની બીજી પણ એક ટ્રેજેડી હતી, એનો ભાઈ.! વાણી પોતાના બે વર્ષ મોટા ભાઈને કોઈ એક્સિડન્ટમાં ગુમાવી ચુકી હતી. વાણીના પિતાજી લગભગ રોજ રિક્ષામાં બેસાડીને એને ઓફિસે મુકવા આવતા હતા. જોકે વાણીના ભાઈ વિશે વાત કરવાની હિંમત હું ક્યારેય કરી શક્યો નથી. કંપનીના દરેક કર્મચારીને વાણી પ્રત્યે હમદર્દી હતી. પણ હું એના માટે વિશેષ લાગણી ધરાવતો હતો. બસ, એના પગને કારણે જ હું ક્યારેય આ લાગણી જાહેર કરી શક્યો નહીં.

મલ્હાર અને એડમ કંપનીના ઘણા જૂના કર્મચારી હતા અને તેઓ કેટલા વર્ષોથી કંપની સાથે જોડાયેલા છે એ તો હું પણ નથી જાણતો. મલ્હાર મિલનસાર સ્વભાવનો વ્યક્તિ હતો. મારો સિનિયર હોવા છતાં ક્યારેય એણે મને સિનિયર હોવાનો અહેસાસ કરાવ્યો નહોતો. એ ઘણીવાર મને એના ઘરે પણ બોલાવતો. પણ મારાં અંતર્મુખી સ્વભાવને કારણે હું કોઈને કોઈ બહાનું આગળ કરીને એનું આમંત્રણ ટાળી દેતો. એના આવા સાલસ સ્વભાવને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં અમે દોસ્ત જેવા બની ગયા હતા. જયારે એડમ જિસસમાં માનવાવાળો ચુસ્ત ખ્રિસ્તી માણસ હતો. એડમ હંમેશા બહુ ઓછું બોલતો અને પોતાના કામથી કામ રાખતો.

રિસેપશનિષ્ટ તાન્યા હંમેશા હસતી રમતી રહેતી એક ચુલબુલી છોકરી હતી. છેલ્લા બે ત્રણ મહિનાથી જ કંપની સાથે જોડાયેલી તાન્યા પોતાના સ્વભાવને કારણે કંપનીમાં બધા સાથે હળીમળી ગઈ હતી.

મેનેજર મેહુલભાઈ અનુશાસનમાં માનતા અને ટીમવર્કથી કામ કરનારા શાંતિપ્રિય માણસ હતા.

અને... મોહિત, દોઢેક વર્ષ પહેલા કંપનીમાં જોડાયેલા મોહિતે પોતાના ખરાબ સ્વભાવને કારણે લગભગ બધા કર્મચારી સાથેના સંબંધ બગાડી નાખ્યા હતા. પણ મોહિત સ્વયંસરની ઓળખાણથી નોકરીએ લાગ્યો હોવાથી બધા એની સાથે ઝઘડો કરવાનું ટાળતા. મેહુલસર પણ બને ત્યાં સુધી એનાથી દૂર જ રહેતા.

સવારે પણ એવું જ તો થયું હતું. ન તો મોહિતને કંપનીની નવી શાખાના ઉદ્ઘાટનમાં કોઈ રસ હતો અને ન તો એને કોઈના ભાષણમાં રસ હતો. એણે તો બસ ડ્રિન્ક લઈને ઝૂમવું હતું.

થોડી ઘણી ઔપચારિકતા પછી સ્વયંસર બોલ્યા.. "લેટ્સ એન્જોય ધ પાર્ટી. એવરી બડી કમ ઓન ધ ડાન્સ ફ્લોર."

બધાએ હળવું ડ્રિન્ક લીધું અને પછી ધીમે ધીમે હાથ પગ હલાવી રહ્યા હતા. મને તો ડ્રિન્ક અને ડાન્સ બંને જરા પણ ફાવતું ન હોવાથી હું વાણીની વહીલચેર પાસે ઉભો હતો.

નશામાં ચૂર થયેલો મોહિત ઝૂમતો ઝૂમતો અમારી પાસે આવ્યો અને મારાં હાથ પકડીને મને ખેંચવા લાગ્યો.

"તન્મય, લેટ્સ ડાન્સ."

મેં એને બહુ પ્રેમથી ના પાડી. પણ એ જીદ કરવા લાગ્યો. છતાં હું નહીં માન્યો. તો એણે વાણીનો હાથ પકડી લીધો.

"ચાલ વાણી, મને એવું લાગે છે કે જ્યાં સુધી તું ડાન્સ કરવા નહીં આવે ત્યાં સુધી તન્મય પણ નહીં આવે." એ વિકૃત હસ્યો.

મારું મગજ છટક્યું.

"મોહિત, તું જાણે છે કે વાણી ડાન્સ નહીં કરી શકે." 

મેં મોહિતનો હાથ પકડી લીધો.

"હેય... તન્મય, તારે ડાન્સ કરવો નથી અને વાણીને મારી સાથે ડાન્સ કરવા દેતો નથી. વોટ્સ યોર પ્રોબ્લેમ...?"

એણે એક ઝટકા સાથે મારો હાથ છોડાવી દીધો.

"મોહિત, આપણા ઝઘડામાં વાણીને વચ્ચે નહીં લાવ. એનો હાથ છોડી દે." મારો અવાજ અસામાન્ય રીતે ઉગ્ર બન્યો.

"ઓહો..., બહુત યારાના લગતા હૈ..! આટલું બધું લાગે છે વાણીનું..! હવે તો હું વાણી સાથે ડાન્સ કરીને જ રહીશ."

મોહિતે જોરથી વાણીનો હાથ ખેંચ્યો. વાણીએ વહીલચેર પરથી પોતાની સમતુલા ગુમાવી અને એ ઓલમોસ્ટ ફ્લોર પર પડી ગઈ.

મારી આંખોમાં ખૂન્ન્સ ઉતર્યું અને હું બરાડી ઉઠ્યો.

"મોહિત... યુ બાસ્ટર્ડ.., આઈ વીલ કીલ યુ...!"

**

સવારે મેં ગુસ્સામાં બોલેલુ એ વાક્ય અત્યારે પણ મારાં મનમાં પડઘાઈ રહ્યું હતું. અડધી રાત નિશાચર પ્રાણીઓના સહવાસમાં વીતી ચુકી હતી. સવારે બનેલી આખી ઘટનાને હું બારીકાઇપૂર્વક યાદ કરી ગયો હતો. પણ હજુ કોઈ જવાબ મળતો નહતો. મોહિતની હત્યા કોણે કરી હશે..? સ્વયંસર, મેહુલસર, મલ્હાર, તાન્યા, એડમ કે પછી મોહિતની ઓફિસ બહારની કોઈ દુશ્મનાવટ... કે... કે... પછી ખુદ વાણી..? ના.. ના.. મારી વાણી તો નિર્દોષ.. ઉફ... વિચારી વિચારીને મગજ બહેર મારી જતું હતું.

મેં ફરી એકવાર આંખો બંધ કરી લીધી. ત્યાં જ ગયા અઠવાડિયે બનેલી ઘટના માનસપટ પર છવાઈ ગઈ. આવી ઘટના હું કઇરીતે ભૂલી શકું છું..! એ દિવસે પણ આદતવશ મોહિત એડમની સાથે બાખડી પડ્યો હતો. મોહિત જાણી જોઈને એડમને ઉશ્કેરવા ખ્રિસ્તી ધર્મ વિશે એલફેલ બોલી ગયો હતો અને ક્યારેય કશું નહીં બોલતો ધર્મચુસ્ત એડમ રાતોપીળો થઈ ગયો હતો.

"હું તને જીવતો નહીં છોડું, મોહિત." એડમ પણ મારી જેમ બરાડ્યો હતો.

યસ.., હવે પકડમાં આવ્યું. એડમ જ હશે. આમેય શાંત પાણી જ ઊંડા.. હોય..!, આ કામ એડમનું જ..! ઘનઘોર અંધકારમાં પણ મારી આંખો ચમકી ઉઠી. પણ એડમ પાસે કઇરીતે પહોંચવું...? હું વિચારી રહ્યો... હં... વાણી ક્યારે કામમાં આવશે..? અહીંથી વાણીનું ઘર નજીક જ તો છે. અજવાળું થાય એટલે પહેલા વાણીના ઘરે પહોંચું. મેં થોડા રિલેક્ષ થવા આંખો બંધ કરી.

**

સેન્ટ ફ્રાન્સીસ ચર્ચની ઉપરનું ક્રોસનું નિશાન મને દ્રશ્યમાન થયું અને મને ટાઢક થઈ. ઝાડીઝાંખરાના કાદવ કીચડમાં ચાલીને પગ દર્દ કરી રહ્યા હતા. વરસાદ રહી ગયો હતો. તાજી સવારની ઠંડી હવાએ મન હળવું કરી રહી હતી કે ત્યાં જ મને રસ્તાની બીજી તરફ એક બાઈક પડેલી દેખાઈ. હું રસ્તો ક્રોસ કરીને બાઈકની નજીક ગયો કે મારાં હોંશ ઉડી ગયા. આ તો મલ્હારની બાઈક હતી.! તો શું મલ્હાર મોહિતનું ખૂન કરીને બાઈક મૂકીને ભાગી ગયો હશે...? હવે..? મોહિતનો ખૂની કોણ..? એડમ કે મલ્હાર..? અસમંજસમાં ચાલતા ચાલતા હું વાણીના ઘરે પહોંચ્યો. પણ ત્યાં બહાર જ પોલીસવાન ઉભી હતી. હું ગભરાઈને સંતાઈ ગયો. થોડીવાર રહીને વાન જતી રહી અને હું લપાતો છુપાતો વાણીના ઘરે પહોંચ્યો. વાણી ઘરની બહાર ગાર્ડનમાં જ વહીલચેર પર બેઠી હતી. મને જોઈને એ એકદમ ગભરાઈ ગઈ.

"તન્મય, તું અહીંયા..? તને તો પોલીસ..."

"હા, મને ખબર છે કે મને પોલીસ શોધે છે. પણ મેં કશું નથી કર્યું." હું એની વાત કાપીને ઉતાવળે જ બોલી ગયો.

એ મને કુતૂહલથી જોઈ રહી.

"વાણી, મારી પાસે બિલકુલ સમય નથી. પોલીસ મને પકડી લે એ પહેલા હું મારી જાતને નિર્દોષ સાબિત કરી શકું એ માટે હું જે કહું છું એ ધ્યાનથી સાંભળ." 

 મેં એને ગઈકાલે રાતે બનેલો ઘટનાક્રમ એને કહી સંભળાવ્યો અને પછી એડમ અને મલ્હાર પર મને શક હોવાની વાત પણ કરી. મેં નોંધ્યું કે મેં જેવી એડમની વાત કરી, એના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી.

"વહેલી સવારે એડમનો મારી પર પણ ફોન આવેલો. એ બહુ ગભરાયેલો હતો અને એ મને કોઈ સિક્રેટ વાત કહેવા માંગે છે."

"ધેટ્સ ગ્રેટ." હું ઉછળી પડ્યો. "મને લાગે છે એ મોહિતનું ખૂન કરીને ગભરાઈ ગયો છે અને તારી સામે બધું કન્ફેસ કરવા માંગે છે." પછી મેં થોડું વિચાર્યું. "તે એને કોઈ જવાબ આપ્યો.?"

"ના.."

"ગુડ, તું હવે એડમને ફરીથી ફોન કરીને સાંજે સેન્ટ ફ્રાન્સીસ ચર્ચની પાછળની વેરાન જગ્યાએ મળવા બોલાવ. જો એ પોતાનો ગુનો કબૂલશે તો હું છુપાઈને બધું ફોનમાં રેકોડિઁગ કરી લઈશ." હું એકીશ્વાસે બોલી ગયો.

શરૂઆતમાં તો વાણીએ આનાકાની કરી. પણ પછી એના મમ્મી પપ્પા સાથે થોડી વાતચીત કર્યા પછી સાંજે ચર્ચ આવવા માની ગઈ.

**

વરસાદે ફરી પોતાનું એકહથ્થું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. વરસાદી વાદળોએ આકાશની સાથે જમીન પર પણ પોતાનું આધિપત્ય જમાવ્યું હોય એમ સાંજે છ વાગે જ અંધકારના ઓળા ઉતરી આવ્યા હતા. હું વાણીને વહીલચેરમાં લઈને ચર્ચના પાછળના ભાગમાં આવ્યો હતો. પણ સમગ્ર વિસ્તારને અંધકારનો અજગર ગળીને બેઠો હતો.

એડમ ક્યાંય નજરે ન પડતા મેં બે ત્રણ વખત એડમના નામની બૂમ પાડી જોઈ. પણ સામેથી કોઈ જવાબ નહીં મળતા મેં વાણીને ત્યાં જ વહીલચેર પર બેસીને મારી રાહ જોવાનું કહ્યું અને વાણીના મોબાઈલની ટોર્ચ ચાલુ કરી હું એડમને શોધવા લાગ્યો. હું માંડ બે ડગલાં જ આગળ ચાલ્યો હોઈશ ત્યાં જ રસ્તા પર કંઈક અડચણ આવતા હું ગડથોલીયું ખાઈને પડ્યો અને મોબાઈલ મારાં હાથમાંથી છૂટી ગયો. ફરીથી ચોતરફ અંધકાર ફેલાઈ ગયો. હું અંધારામાં જમીન પર મોબાઈલ શોધવા મારો ડાબો હાથ પસવારી રહ્યો. ત્યાં જ મારાં જમણા હાથને વરસાદની ઠંડકમાં પણ કોઈ ગરમ પ્રવાહીનો સ્પર્શ થયો. મને કંઈક અજુગતું લાગ્યું. મેં જમણો હાથ વધુ ફંફોસતા મારાં હાથમાં કોઈ હેન્ડલ આવ્યું હોય એવું લાગ્યું. મારાં મનમાં આશંકા જન્મી. મેં ઝડપથી મારો ડાબો હાથ જમીન પર પસવાર્યો. સદનસીબે મારાં હાથમાં મોબાઈલ આવી ગયો. મેં તરત જ મોબાઈલ ઊંચક્યો અને પછી ઝળહળી ઉઠેલા પ્રકાશમાં જે દ્રશ્ય મારી નજર સમક્ષ હતું એ જોઈને હું ધ્રુજી ઉઠ્યો. મારો જમણો હાથ ગરમ લોહીથી ખરડાઈ ચુક્યો હતો અને હાથને જે હેન્ડલ સ્પર્શયું હતું એ ચાકુનું હતું, જે એક માનવ શરીરમાં ખૂંપેલું હતું. મારી સામે ઊંધા મોંએ એક લાશ પડી હતી. મેં ઝડપથી એને સીધી કરીને જોતા જ મારાં હોઠ ડરથી ફફડી ઉઠ્યા...

"એ..ડ.....મ....."

પહેલા મોહિત અને હવે એડમ..! મારું દિલ જોરથી ધડકી ઉઠ્યું.

મોબાઈલના આછા અજવાશમાં જે દ્રશ્ય હું જોઈ રહ્યો હતો એ જ દ્રશ્ય નજીક જ વહીલચેર પર બેઠેલી વાણીએ પણ જોયું. વાણી બહુ ખરાબ રીતે ડરી ગઈ અને એના મોઢામાંથી એડમના નામની તીણી ચીસ નીકળી ગઈ અને ગભરાઈને એ મને વળગી પડી.

વાણીને મારી પાસે ઉભેલી જોઈને મારું મગજ સુન્ન થઈ ગયું, ચારે તરફ બધું ગોળ ગોળ ઘુમવા લાગ્યું, ચમકીને પહોળી થઈ ગયેલી મારી આંખો ઘડીકમાં વહીલચેર પર તો ઘડીકમાં વાણી ઉપર ફરી રહી હતી. ભરવરસાદમાં મારું મોઢું સુકાઈ રહ્યું હતું. હું બોલવા માંગતો હતો. પણ જીભના લોચા વળી જતા હતા.

"વા..ણી.... તું.... ચાલી... શ...કે છે...?!" મારાં મોંમાંથી તૂટક અવાજ આવ્યો.

કોઈ ચોરી પકડાઈ ગઈ હોય એમ વાણી નીચી નજરે ઉભી રહી ગઈ.

છેલ્લા ચોવીસ કલાકમાં મોહિત અને એડમની હત્યા જોયા પછી આ મારાં માટે ત્રીજો મોટો આઘાત હતો. ક્ષણાર્ધ પહેલા સુન્ન થયેલું મારું મગજ તેજ ગતિએ ગણતરી કરીને એક એક મણકા જોડવા મથી રહ્યું અને પછી તાળો મળી ગયો હોય એમ મેં મોટેથી અટ્ટહાસ્ય કર્યું.

"વાહ.., કહેવું પડે વાણી..! શું જબરદસ્ત માસ્તર સ્ટ્રોક રમ્યો છે તે..! શું ચાલ ચાલી છે..!"

વાણી સ્તબ્ધ થઈને મારી સામે જોઈ રહી.

"તે મારો એક મહોરા તરીકે ઉપયોગ કરીને તારો મોહિત અને એડમ સાથે બદલો લઈ લીધો. પણ આ બધું કરવા માટે તને હું જ મળ્યો..! બદલો લેતા પહેલા તારે મારો તો વિચાર કરવો જોઈએ. એક નિર્દોષ માણસને ખૂની સાબિત કરીને તું બદલો લઈને ખુશ રહી શકીશ..?"

"કેવું મહોરું..? કેવો બદલો..? કેવી ચાલ..?" વાણી અકળાઈ ઉઠી.

"એ મને શું ખબર..? કદાચ મોહિત અને એડમ સાથે તારા મૃતક ભાઈની કોઈ જૂની દુશ્મનીમાં તારા ભાઈના થયેલા ખૂનનો બદલો લેવા તે પણ એ બંનેનું ખૂન કર્યું હોય! પણ એ બદલો લેવા તે મારી સાથે છળ કર્યું.! મારી સાથે આવું કેમ કર્યું વાણી...?"

"ઓહ... તન્મય, તું ક્યાંની વાત કયાં જોડે છે..? પ્લીઝ..., મારો વિશ્વાસ કર.... હું કોઈ ચાલ નથી ચાલી. મેં કોઈ બદલો નથી લીધો. મેં જે કંઈ કર્યું એ મારી મજબૂરી...."

"બસ વાણી..., હવે સફાઈ આપવાની કોઈ જરૂર નથી. મને મારાં હાલ પર છોડી દે." હું એની વાત વચ્ચેથી જ કાપતા તાડૂકી ઉઠ્યો.

કદાચ ત્યારે વાણી ઘણું બધું કહેવા માંગતી હતી. પણ એ સમયે મારી આંખોમાં એના પ્રત્યેનો અવિશ્વાસ અને નફરત એ વાંચી શકતી હતી. એણે આંખો બંધ કરીને એક ગરમ નિશ્વાસ છોડ્યો.

"ઓકે તન્મય, કદાચ અત્યારે તારું દિમાગ ઠેકાણે નથી. એટલે તું મને નહીં સમજી શકે. પણ મારો ફોન હું તને આપતી જાઉં છું. જયારે મારી જરૂર વર્તાય ત્યારે મને ફોન કરજે. હું તારી મદદ કરવા ચોક્કસ આવીશ." એનો ફોન પાછો લીધા વિના એ પીઠ ફેરવીને જતી રહી.

હું મારું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય એમ એની પીઠને જોઈ રહ્યો. કોણ છે આ વાણી....? પોતાનો બદલો લેવા મને નર્કના કુંડાળામાં ફસાવી નાખે એવી કોઈ રહસ્યમય છોકરી કે પછી જેણે હું પ્રેમ કરતો હતો એ નિર્દોષ છોકરી ..? જો એ સાચે જ નિર્દોષ હોય તો આમ અપંગ હોવાનો નાટક કેમ..? શું આ માસુમિયતની પાછળ સાચે જ કોઈ કદરૂપો ચહેરો છુપાયેલો હશે..? મારી અંદર ઉઠી રહેલા પ્રશ્નો મને જ ગીધની જેમ ફોલી રહ્યા હતા.

કોણ મને વાણીની સચ્ચાઈથી વાકેફ કરવામાં મદદરૂપ થશે.? ત્યાં જ મને મલ્હાર યાદ આવ્યો. એની રસ્તા પર પડેલી બાઈક..! બની શકે એણે જ બંનેનું ખૂન..!

હવે મારી પાસે વાણીનો ફોન હતો અને એમાં મલ્હારનો નંબર પણ સેવ કરેલો હતો. મેં તરત મલ્હારને ફોન જોડ્યો અને મારાં આશ્ચર્ય વચ્ચે એણે મને બીજે દિવસે સાંજે ચર્ચની થોડે આગળ આવેલા એક ખંડેર પાસે મને મળવા બોલાવ્યો.

**

ફરી એક સુસ્ત અને રડમસ સાંજ, ફરી આકાશમાં વાદળોના વર્ચસ્વ વચ્ચે ઝઝૂમી રહેલું પ્રકાશનું અસ્તિત્વ અને ફરી એ જ વરસાદનું ક્રૂર અટ્ટહાસ્ય.! હું વેરાન ખંડેરની બહાર બેચેનીથી આંટા ફેરા મારી રહ્યો હતો. સમય ટીપું ટીપું કરીને પસાર થઈ રહ્યો હતો. પણ મને એ ઇંતેજારની ક્ષણો મણ મણથી પણ વધુ ભારી લાગી રહી હતી. આટલી બધી વાર..? ક્યાંક મલ્હાર પણ કોઈ મુશ્કેલીમાં તો નહીં મુકાયો હોય ને..? એ વિચારે હું ખંડેરમાંથી બહાર આવતો હતો ત્યાં જ મને નજીકની ગીચ ઝાડીમાંથી ફરી એક ચીસ સંભળાઈ. મારી આશંકા સાચી પડી. હું ઝડપથી એ દિશામાં ભાગ્યો. મોબાઈલના પ્રકાશમાં ઝાડીઝાંખરા હટાવતો હું ત્યાં પહોંચ્યો ત્યારે નીચે પગ પાસેથી કોઈનો કણસવાનો આવી રહ્યો હતો. મેં ધડકતે હૈયે મોબાઈલ નીચે તરફ ઝુકાવ્યો... અને...

હા.., એ મલ્હાર જ હતો...! પહેલા મોહિત, પછી એડમ અને હવે મલ્હાર...! લોહીથી ખરડાયેલી હાલતમાં મલ્હાર ચટ્ટોપાટ પડેલો હતો. હું એની તરફ નીચે નમુ એ પહેલા જ મને ઝાડી ખખડવાનો અવાજ આવ્યો. મેં મોબાઈલ એ દિશામાં ઘુમાવ્યો. કોઈ ભાગી રહેલી માનવ આકૃતિની પીઠ મને દ્રશ્યમાન થઈ. મોબાઈલના ઝાંખા અજવાશમાં પણ એના પહેરવેશ પરથી એ સ્ત્રી જ હોવી જોઈએ એવું હું અનુમાન લગાવી શક્યો. નક્કી એ વાણી જ હોવી જોઈએ. હું ઝડપથી ઉભો થઈને એ દિશામાં દોડ્યો. એ તેજ ગતિએ ઝાડીઓમાં દોડી રહી હતી. જયારે મારું બે દિવસનું ભૂખ્યું શરીર મને જવાબ આપી રહ્યું હતું. એ છતાં હું મરણીયો બની રહ્યો હતો. એકવાર બસ વાણીને રંગેહાથ પકડી લઉં તો મારી પર લાગેલા ખૂનના આરોપને હું ભૂંસાવી શકું. હું હાંફી રહ્યો હતો અને વરસાદી કાદવમાં મારાં પગ લપસી રહ્યા હતા. પણ મારાં સદનસીબે એનો ડ્રેસ ઝાડીમાં ફસાયો અને એના પગ અટક્યા. હું દોડીને એની નજીક પહોંચ્યો. બસ, હવે એ મારાથી પાંચ છ ફૂટની દુરી પર જ હોવી જોઈએ. એ મારી પકડમાંથી છટકી ન જાય એટલા માટે મેં છલાંગ લગાવી. પણ મારાં કમનસીબે મારો પગ કાદવમાં સહેજ લપસ્યો અને મારો કૂદકો સહેજ ટૂંકો પડ્યો. એ મારી પકડમાં આવવાની જગ્યાએ હું એના પગ પાસે પડ્યો. એક સેકન્ડમાં બાજી ફરી પલટાઈ ગઈ. એણે મોકાનો ફાયદો ઉઠાવવા ગરદન ઘુમાવી અને મને મારવા માટે પોતાના હાથમાં રહેલો છરો હવામાં ઊંચે ઉઠાવ્યો. બરાબર એ જ સમયે આકાશમાં વીજળીનો તેજ લસરકો થયો અને ક્ષણિક થયેલા એ અજવાળામાં એનું મોઢું અને એના હાથમાં રહેલા છરાની તેજ ધાર એકસાથે ચમક્યા.! એ મોઢું જોઈને મારી આંખો આઘાતથી પહોળી થઈ ગઈ અને મારાં અધખુલા રહી ગયેલા મોઢામાંથી એક ઉદ્દગાર સરી પડ્યો.

"તા...ન્યા.... તું....!?"

મારી ફાટી પડેલી આંખો જોઈને વિકૃત આનંદ મળ્યો હોય એમ એણે મોટેથી અટ્ટહાસ્ય કર્યું અને છરો મારી છાતીની આરપાર કરવા માટે હાથ આગળ વધાર્યો. મને હવે કોઈ બચાવી શકે એમ નહોતું. મારી જિંદગી અને મોત વચ્ચે બસ એક ફૂટનું જ અંતર રહી ગયું હતું અને એ જોવા જેટલી હિંમત મારામાં નહોતી. મેં ડરથી આંખો બંધ કરી દીધી.

પણ બીજી જ ક્ષણે મને છાતીમાં અસહ્ય દર્દ થવાને બદલે કાનમાં પિસ્તોલમાંથી ગોળી છૂટવાનો અવાજ આવ્યો.

"ધાંય...."

મેં ગભરાહટમાં આંખો ખોલી. કોઈ મોટી ટોર્ચના પ્રકાશમાં આખો વિસ્તાર ઝળહળી રહ્યો હતો. મારી છાતી પર સવાર થયેલી તાન્યાનો હાથ જખ્મી થઈ ગયો હતો અને એના હાથમાંથી છરો છૂટીને દૂર પડ્યો હતો.

મેં નજર પ્રકાશની દિશામાં ફેરવી. પણ મારી આંખો અંજાઈ ગઈ. મેં મારાં હાથની આડસ બનાવીને જોવાનો પ્રયત્ન કરી જોયો ત્યારે મને થોડે દૂરથી પોલીસનો કાફલો મારી નજીક આવતો નજરે ચઢ્યો અને એ કાફલાની સાથે બીજી એક માનવ આકૃતિ પણ મારી નજીક આવી રહી હતી કે જેણે યુનિફોર્મ નહોતો પહેર્યો. મેં આંખો વધુ ઝીણી કરીને જોવાનો પ્રયાસ કર્યો અને જે વ્યક્તિ મને દેખાઈ એ જોઈને મને ફરી એકવાર આઘાત લાગ્યો. પણ આ આઘાત સુખદ હતો. કેમકે એ બીજું કોઈ નહીં પણ વાણી હતી.!

મારી પર કબ્જો જમાવીને બેઠેલી તાન્યાએ ઉભા થઈને હાથ ઊંચા કરીને સરેન્ડર કરી લીધું હતું. પણ એના મોં ઉપર ગુનો કર્યાનો લેશમાત્ર દુઃખ નહોતું.

"તાન્યા.., તે આવું શું કામ કર્યું..?" વાણીએ પૂછ્યું.

પહેલા તો તાન્યા જવાબ આપવાની જગ્યાએ મોટેથી હસી પડી. પણ પછી એ થોડી ગંભીર બની અને પછી એની આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી.

"વાણી, જેમ તું તારા ભાઈને ગુમાવી ચુકી હતી એમ મારો ભાઈ પણ અકાળે જ મૃત્યુ પામ્યો હતો. પણ તારો ભાઈ એક્સીડેન્ટમાં મૃત્યુ પામ્યો હતો જયારે મારાં ભાઈને મારી નાખવામાં આવ્યો હતો અને એનું કારણ હતો આ નપાવટ મલ્હાર..!" નજીકમાં જ પડેલી મલ્હારની લાશને તિરસ્કારથી જોતા તાન્યા બોલી.

"તમને નહીં ખબર હોય, પણ મલ્હાર વર્ષોથી ડ્રગનો સપ્લાયર હતો અને એણે જ મારાં ભાઈને પણ ડ્રગની લત લગાડી. અમે ઘણી કોશિશ કરી કે ભાઈની એ લત છૂટી જાય. પણ એ લત એટલી ખરાબ હતી કે એ મારાં ભાઈનો જીવ લઈને જ ગઈ."તાન્યાનો અવાજ સહેજ ભારે થયો. એ સ્વસ્થ થવા સહેજ રોકાઈ.

"મારાં ભાઈના મર્યા પછી અમારી પાસે એવા કોઈ પુરાવા નહોતા કે જેથી મલ્હારને અમે પકડાવી શકીએ. મલ્હાર મને નહોતો ઓળખતો અને એનો ફાયદો ઉઠાવવા મેં ત્રણ મહિના પહેલા અહીં નોકરી સ્વીકારી. પણ મલ્હાર ઘણો ચાલાક હતો. એ પહેલા પોતાના શિકારને પુરેપુરો વિશ્વાસમાં લઈને પોતાના ઘરે બોલાવતો અને ઘરે બોલાવ્યા પછી પણ એને પુરી ખાતરી થયા બાદ જ એ પોતાની જાળ બિછાવતો. ત્રણ મહિના રાહ જોયા પછી પણ મને કોઈ પુરાવો નહીં મળતા હું બદલો લેવા માટે અધીરી બની હતી અને..."

"પણ તે મલ્હારની જગ્યાએ પહેલા મોહિત અને એડમને શું કામ માર્યા..? શું તેઓ પણ મલ્હાર સાથે મળેલા હતા..?" હું મારી ઉત્સુકતા રોકી નહીં શક્યો.

"ના, એ બિચારા તો નિર્દોષ હતા અને હું તો ખરેખર મોહિતને બચાવવા માંગતી હતી. કેમકે મોહિત મલ્હારની જાળમાં પુરેપુરો ફસાઈ ચુક્યો હતો. મોહિત ઘણીવાર એના ઘરે જઈ ચુક્યો હતો. મલ્હાર પોલીસથી બચવા આ કાળા કામ હંમેશા શહેરથી દૂર હાઇવે પર જ કરતો. જે અહીંથી હજુ છ કિલોમીટર દૂર છે. છેલ્લા ત્રણ મહિનામાં મેં ઘણીવાર આ રસ્તે મલ્હારનો પીછો કર્યો હતો અને મેં નક્કી કરી લીધું હતું કે મોકો જોઈને હું એને રસ્તા પર આંતરીને ત્યાં જ ખતમ કરી દઈશ.

"બસ, આ જ બાબતે હું માર ખાઈ ગઈ. એ દિવસે કદાચ મલ્હારે મોહિતને હાઇવે પર બોલાવ્યો હતો. પણ મારું નસીબ ખરાબ હતું કે એ દિવસે મલ્હારે પોતાની બાઈક મોહિતને ચલાવવા આપી હતી. અધૂરામાં પૂરું એ દિવસે કંપનીના બધા માણસોએ બ્લ્યુ સૂટ પહેર્યો હતો. હું મલ્હાર સમજીને મોહિતનો પીછો કરી રહી હતી. ધોધમાર વરસાદમાં કદાચ એની બાઈક બગડી હતી. એણે બાઈક રસ્તાની એક બાજુએ પાર્ક કરીને મદદ માટે ફરી શહેર તરફ ચાલીને જતો હતો. મેં પણ મારી મોપેડ ખૂણામાં કોઈને દેખાઈ નહીં એમ પાર્ક કરીને એની પાછળ પાછળ ચાલવા લાગી. પછી એ અચાનક ઝાડી તરફ મોઢું કરીને લઘુશંકા ઉભો રહ્યો. બસ, બરાબર એ સમયે મલ્હાર સમજીને મેં એની પીઠમાં છરો ખૂંપાવી દીધો. જોકે છરો માર્યા પછી મને તરત ખ્યાલ આવી ગયો હતો કે એ મોહિત હતો. પણ હજુ હું કંઈ કરું એ પહેલા બીજી એક બાઈકનો મારી તરફ આવવાનો અવાજ સંભળાયો. હું મોહિતને એમ જ છોડીને તરત જ મારી મોપેડ તરફ ભાગી ગઈ. કદાચ એ બાઈક તન્મયની હતી.."

"હં... એ તો બરાબર... પણ તો પછી તે એડમને કેમ માર્યો..?" મેં પૂછ્યું.

"એક જૂઠને છુપાવવા બીજું જૂઠ અને એક ખૂનને છુપાવવા બીજું ખૂન!" તાન્યા નિશ્વાસ નાખતા બોલી. "એડમ ખ્રિસ્તી હતો અને એકવાર એની સાથે વાતવાતમાં એણે મને કહેલું કે હું ઘણીવાર સેન્ટ ફ્રાન્સીસ ચર્ચમાં જાઉં છું. પણ મારાં કમનસીબે એડમને પણ એ જ દિવસે ચર્ચ આવવાનું થયું. મોહિતને માર્યા પછી તન્મયનું બાઈક નજીક આવતા હું મારી મોપેડ તરફ ભાગી. થોડીવાર રહીને તન્મય ઝાડીમાં છુપાઈ ગયો. ત્યાર પછી બીજો કોઈ ખતરો નજરે નહીં પડતા હું મારું મોપેડ લઈને ફરી શહેર તરફ આવવા લાગી. ત્યારે મારું મોપેડ અને એડમની બાઈક આમને સામનેથી પસાર થઈ ગઈ. પણ આટલા ધોધમાર વરસાદમાં પણ એની તેજ નજર મોપેડ પરનો મારો ગભરાયેલો ચહેરો ઓળખી ગઈ અને એને મારાં પર શક થઈ ગયો. એટલે એને પણ મારવો જરૂરી બન્યો. એને માર્યા પછી મલ્હારનો પીછો કરતાં કરતાં અહીં પહોંચી અને પછી એને પણ..." બોલતી વખતે તાન્યાની આંખોમાં લોહી ઉતરી આવ્યું.

"મને મોહિત અને એડમને માર્યાનું હંમેશા દુઃખ રહેશે. પણ હા.., મલ્હારને માર્યાનો કોઈ અફસોસ નથી. મારો બદલો પૂરો થયો. હવે કોર્ટ મને જે પણ સજા કરે મને મંજૂર છે."

અમે બધા દયાભાવે એની તરફ જોઈ રહ્યા.

"ચાલો ઇન્સ્પેક્ટર સાહેબ." તાન્યા પોલીસના કાફલાની સામે જોતા બોલી.

વરસાદ રહી ગયો હતો. હું અને વાણી તાન્યાને પોલીસ સાથે અંધકારમાં ઓગળતા જોઈ રહ્યા. અમે બંને ભીના કપડામાં તરબતર હતા.

"અચ્છા, તો તે મારી પાછળ પોલીસ વોચ પણ ગોઠવી રાખી હતી..?" મેં વાણી તરફ જોઈને પૂછ્યું.

"હું તો જાણતી જ હતી કે તું ખૂન નહીં કરી શકે. પણ અસલી ખૂની કોણ છે એ જાણવા પોલીસ વોચ જરૂરી હતી. મને તારી પર પૂરો વિશ્વાસ છે, પણ એક તું જ છે કે મારી પર વિશ્વાસ નથી કરતો." વાણી નિસાસો નાખતા બોલી.

"ઓહ..., હું તો ભૂલી જ ગયો. અચ્છા, તો હવે હું તારી પર વિશ્વાસ મૂકી શકું એ માટે તમે પણ તમારા રહસ્યો પરથી પડદો ઊંચકવાની મહેરબાની કરશો... મેડમ..?" હું વાણીની સામે જોઈને બોલ્યો.

મારાં સવાલથી વાણીનો હસતો ચહેરો અચાનક મુરઝાઈ ગયો. થોડીવાર શાંત રહ્યા પછી એ ભારે અવાજે એ બોલી.

"એ દિવસે ભાઈ બહુ ખુશ હતો.." વાણીની ભેજયુક્ત આંખો દૂરના ઘટ્ટ અંધકારમાં ભૂતકાળને જોઈ રહી. "નવી કાર લેવાની ખુશી કોને ન હોય.! હું અને એ.., અમે બંને નવી કારમાં ઘણે દૂર નીકળી ગયા હતા.. જોક મારતા..., એકબીજાની મજાક ઉડાવતા..., હસતા.., ખડખડાટ હસતા...., ઘણે.... દૂર... અને પછી અચાનક એક મોટો ધમાકો..., કાન ફાડી નાખે એવો જબરદસ્ત મોટો ધમાકો...!"

આજુબાજુ છવાયેલા સન્નાટાની જેમ જ વાણી ખામોશ થઈ ગઈ.

"એ એક્સીડેન્ટમાં ભાઈ ઘટના સ્થળે જ.... અને મારાં બંને પગમાં ફ્રેક્ચર થયું. મારું ફ્રેક્ચર તો બે મહિનામાં સારુ થઈ ગયું. પણ પપ્પા રિટાયર્ડ હતા. ઘર ચલાવવા મારી નોકરી જરૂરી હતી. ત્રણ મહિના આમતેમ ફાંફા મારવા છતાં નોકરી મળતી નહોતી. આખરે મારે અપંગ હોવાનું નાટક..."

વાણીએ એક ઊંડો શ્વાસ લીધો. મેં એને હળવી કરવા એની પીઠ થપથપાવી.

"બાય ધ વે, તું હવે તો મને પસંદ કરશે ને.? હવે તો મારાં પગ પણ..." વાણીએ ખોંખારો ખાઈને કહ્યું.

હું આશ્ચર્યથી એને જોઈ રહ્યો.

"હું તો તને પહેલા પણ એટલું જ પસંદ કરતો હતો. પણ તું મને ક્યારથી..?"

"અરે બુધ્ધુ, મેં તો તારી વાત ઘરે મમ્મી પપ્પાને પણ કરી રાખી છે. નહીં તો કોઈ બાપ પોતાની જુવાન છોકરીને અજાણ્યા યુવાન સાથે અંધારી રાતે જંગલમાં જવા દે ખરો...?"

વાણી ખડખડાટ હસી પડી અને હું સ્વચ્છ થયેલા આકાશમાં ચંદ્રપ્રકાશમાં ખીલેલા કમળના ફૂલ જેવો ચહેરો જોઈ રહ્યો.


સમાપ્ત.

----------

શબ્દો : 4969



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ