વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિરોધાભાસ

રાત્રિના એક વાગ્યે જુદા જુદા શહેરની બે વ્યક્તિઓ એકબીજા સાથે ચેટ કરી રહી છે.
અભિમન્યુ "અર્થ" એ સ્માઈલી મોકલતા લખ્યું, "એન્ડ ફાઈનલી, આજેય મારી વાર્તા છવાઈ ગઈ.!
કાલિંદી "રાધા"એ પ્રેમાળ અને મસ્તીના ઈમોજીશ મોકલતાં કહ્યું, "નવાઈ કરી, ના જોયા હોય મોટા જાણે, તમારી બધી વાર્તાઓની જોડણી સુધારતાં મારી ચશ્માના નંબર વધી ગયા, લોકો વાર્તામાં ભાવ ત્યારે પકડી શકે જ્યારે જોડણી બરોબર હોય...!
અભિનો જવાબ, "હા..હવે..ના જોઈ હોય મોટી જોડણીવાળી તો..

રાધાનો મસ્તીભર્યો જવાબ, "હાસ્તો, હું વાર્તાઓ ના સુધારું તો તમારા ગરબડિયા વાક્યો વાંચેય કોણ..?

અભિએ લાગલું કહ્યું, "કેમ કોણ વાંચે? મારું એ ગરબડીયા વાક્યોવાળું સાહીત્ય પણ તને આકર્ષિત કરી જ ગયેલું ને?

રાધાએ બોલી, "એજ તો રામાયણ છે બધી, તમારી વાર્તામાં રહેલા કલ્પનો, ભાવ મને આકર્ષી ગયેલા. મને થતું, આ વ્યક્તિ કેટલી બધી ભૂલો કેમ કરે છે? જો કોઈક મદદ કરે તો તેની વાર્તાઓ સાહિત્યજગતમાં ધૂમ મચાવી શકે, તેથી થાકીને મેં જ તમને પર્સનલ મેસેજ કરેલો..
અભિએ સ્મિત સાથે જવાબ વાળ્યો, "હા, અને મને લાગણીશીલ પ્રૂફ રીડર મળી ગયેલી..

રાધા, "માત્ર પ્રૂફ રીડર જ..?

અભિ, "રાધા...plz..!"

રાધા, " plz કેમ.? આપણે સાથે સર્જેલ આ સગપણનું કોઈ નામ ના હોઈ શકે?

અભિ,"........!

રાધા, "કેમ ચૂપ છો? શબ્દોનાં મહારથીને શબ્દો નથી મળતા..? કે પછી મહાન સર્જકને અન્ય કોઈ પ્રૂફરીડર મળી ગયું છે ?

અભિ, "એવું બિલકુલ નથી રાધા, પણ તું સંબધ, સગપણની વાત મૂકી દે, તે પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ જેટલી વાર આ વિશે કહ્યું, મેં એ વિષે જવાબ ટાળ્યો જ છે..

રાધા, "ખોટી વાત, તમે સેકડોવાર મારા સ્નેહને વેગ આપ્યો છે, મારી લાગણીઓને મનોઆધર બનાવીને શાનદાર પળો જીવ્યા છો, એવુંય તમે હજારોવાર જણાવ્યું છે, પણ..જ્યારે હું કોલ પર વાત કરવા કહું તો તમે હંમેશા ના કહો છો, અને સ્નેહની વાતને   પણ નકારી જાઓ છો..!"

આ પ્રકારની ચેટ રાધા માટે અંતે ઉદાસીનતામાં પરિણમતી, 
જિદ્દી અભિમન્યુ દિવસો સુધી સાહીત્યગ્રુપમાં વાર્તાઓ મૂકીને ચાલ્યો જતો, રાધાના મેસેજીસના જવાબ ના આપતો, 
તો વળી ક્યારેક રાધાનું નસીબ ખૂલતું ત્યારે કોઈ લાગણીનો વાદળી વરસાવતો હોય તેમ અભિ તેની સાથે ચેટ કરીને જતો રહેતો.
આવા જ એક દિવસે...
રાધાએ અભિ સાથે કોલ પર વાત કરવાની અત્યંત જીદ કરી, અભિએ ના પાડી તો તેણે અભિની ના ઉપર કોલ કરવા શરૂ કર્યા. અભિ કોલ કાપતો રહ્યો , રાધા કોલ કરતી રહી. અભિએ તેને કોલ અને સોશિયલ એપમાં બ્લોક કરી દીધી. 
થાકીને રાધાએ અભિને ટેક્સ્ટ મેસેજ મોકલી દીધો, "આપણાં લાગણીભર્યા આ સગપણનું નામ અને નિયતિ તમે નક્કી નહિ કરો તો પરમ દિવસે સાંજ સુધીમાં તમારા શહેરમાં આવીને તમને શોધી કાઢીશ અન્યથા હું.....
બસ, આવું લખીને તે રડતી રહી.
બીજી સવારે તમામ સહિત્યગૃપોમાં નવાઈભર્યા સમાચાર વહેતા થયા, જેનાથી ક્યાંક હસી-મજાક, ઠઠ્ઠામશ્કરી થઈ, તો ક્યાંક કોઈકને લાગ્યું કે પરિસ્થિતિઓને લીધે સર્જકે આવું કરવું પડતું હોય છે.
સમાચાર કંઈક આવા હતા.
"તમામ સહિત્યાગૃપોના સર્જકમિત્રોને સામે ગુનો કબૂલ કરીને નમ્રતાપૂર્વક જણાવું છું કે મારું ઓરીજીનલ નામ "અભિમન્યુ પાર્થ" નહિ, પણ અનુરાધા "આગંતુકા" છે, હા..હું એક સ્ત્રી છું, અને પુરુષની નામ-ઓળખ ધારણ કરીને વાર્તાઓ લખતી હતી. તેનું કારણ એ હતું કે મોટાભાગે સ્ત્રીસર્જકોને જાતજાતનાં અનિચ્છનિય મેસેજીસ, બેહુદા આમંત્રણ મળતાં હોય છે, હું કેટકેટલાને બ્લોક કરત? તેથી બનાવટી તમામ સોશિયલ સાઈટ્સ બનાવટી ઓળખ ઊભી કરેલ, હવે હું સાહિત્યજગતમાંથી વિદાય લઉં છું. સૌને પ્રણામ, મારા વાર્તાઓને આપેલ સ્નેહ બદલ સૌનો આભાર..!
આ સમાચારથી રાધાના રૂદય નીચોવાઈ ગયું, તેને થયું, "શું પોતે સ્ત્રી થઈને સ્ત્રી પાસે જ સગપણની આશા બાંધી બેઠી હતી..? પોતાની સાથે ઊભી થયેલ આવી વિચિત્ર સ્થિતિ માટે હવે અભિ(હવે અનુરાધા) ને પણ શું દોષ આપવો?" એવું વિચારતી તે બેત્રણ દિવસમાં ચૂપચાપ સાહીત્યજગત છોડી ગઈ.
થોડાક મહિનાઓ બાદ...
અનુરાધા "આગંતુકા" પૂછી રહી હતી, "અભિમન્યુ, તને આ કરીને શું મળ્યું એ જણાવીશ? તેં તારું કેરિયર દાવ પર લગાવી દીધું...!"
ખડખડાટ હસતાં અભિમન્યુ બોલ્યો, "પહેલા તો એ કે મને તું મળી, વળી.. તું જ કહેતી હતી ને કે કાશ...અભિ..હું તારી જેમ વાર્તાઓ લખો શકતી હોત..? તો મેં એક જ ઝાટકે મારી વાર્તાઓ અનુરાધા "આગંતુકા" એટલે કે... તારા નામે કરી દીધી, રહી વાત મારા કેરિયરની...તો સરકારી ગેજેટના સહકારથી નવું નામ, નવી ઓળખ સાથે જમાના સામે આવવું સાવ સરળ છે, કારણ હજી સુધી મને કોઈએ રૂબરૂ જોયો નથી, તેઓ માત્ર મારું નામ જાણે છે જે મારે બદલવું પડશે, જે હું બદલીશ, સાથે સાથે બદલીશ મારી વાર્તાશૈલી..હા...શૈલી...જેનાથી લોકો મને ઓળખતા હતા,  કદાચ શૈલી નહિ પણ બદલાઈ તોય શું ફરક પડશે?  આખો જમાનો આખો બેવફા છે, એ ભલભલાને જલદી ભૂલી જાય છે, અભિમન્યુનેય ભૂલી જશે, તારી સાથે સગપણ બાંધવા આટલું તો મારે કરવું જ પડશે ને?

અનુરાધા બોલી, "અને રાધા ? રાધા ભૂલશે..?

થોડોક દુઃખી થતાં એ બોલ્યો, "કદાચ ના...કારણ.. એ રાધા છે,  પણ હું કૃષ્ણ નથી,નહોતો જ. મારી લાગણીને તે પ્રેમ સમજી બેઠી, ને સાચું કહું તો હુંય થોડોક લાગણીઓમાં વહી ગયો હતો પણ મેં મારી જાતને સંભાળી લીધી, કારણ કે હું અભિમન્યુ હતો, હા હતો..કારણ કે હવેથી હું ઓળખાઈશ આનંદ "વિષાદ" તરીકે, હા નામ અને તખલ્લુસ વચ્ચેનો આ વિરોધાભાસ મને ગમશે, મારા લાયક પણ હશે....!" 

- અનિરૂદ્ધ "આગંતુક"
૦૯૩૨૮૯૪૭૭૪૧

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ