વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્લાન

થીમ: વરસાદની એ રાત.


વાર્તા શીર્ષક: *પ્લાન*



'આપે કહ્યું, ત્રણ દિવસથી આપના પતિ અક્ષય પટેલ ગાયબ છે. એમનો કોઈ જ કોન્ટેક્ટ નથી થતો?' આધેડ વયના અનુભવી અને બાહોશ ઈન્સ્પેક્ટર શિવ મહેરાએ માથા પરની કેપ ઉતારી ધોળા કેશ પર પોતાની બરછટ હથેળી પસવારી. 


'જી. ઈન્સ્પેક્ટર. પોલીસ સ્ટેશને મેં એમની વિગતો અને ફોટો આપી ફરિયાદ નોંધાવી છે. મને ખૂબ ચિંતા થાય છે. શું એમના કંઈ ખબર મળ્યા?'


'હા. મારે અફસોસ સાથે કહેવું પડે છે કે એમની હત્યા કરવામાં આવી છે. આપે મૃતદેહની ઓળખ માટે અમારી સાથે મોર્ગમાં આવવું પડશે.'


'શું? હત્યા? શા માટે? કેમ? કોણે કરી?' અનેક સવાલો સાથે કામિનીના મોઢામાંથી એક તીણી ચીસ નીકળી ગઈ. આઘાતવશ એ ઈન્સ્પેક્ટર મહેરાને તાકતી રહી. કામિનીના ચહેરાના પલટાતા હાવભાવનું ઈન્સ્પેક્ટર મહેરા બારીકાઈથી અવલોકન કરતા રહ્યા. એમની અનુભવી પીઢ આંખોએ નોંધ્યું કે કામિનીની આંખોમાં છૂપો આનંદ છલકાતો હતો.


મોર્ગના કૉલ્ડ સ્ટોરેજમાં રાખેલા પતિના ક્ષતવિક્ષત શબને જોતાંવેંત કામિનીની આંખો ફાટેલી જ રહી ગઈ. બાજુમાં ઊભેલી સખી નેત્રાએ એનો હાથ ઝાલી રાખી એને જમીન પર ફસડાઈ પડતી બચાવી.


'આપના પતિ અક્ષયની છાતી તેમજ પેટ પર મોટા છરા વડે અનેક ઘા મારીને કરપીણ હત્યા કરવામાં આવી છે. લાશનું પોસ્ટમોર્ટમ કરતાં જણાયું કે, એમનું મૃત્યુ અડતાળીસ કલાક પહેલાં થયું હોવું જોઈએ. શરીરમાં થયેલા અનેક ઘાવમાંથી વધુ પડતું લોહી વહી જવાના કારણે એમનું મોત થયું છે. છાતીના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. પરમ દિવસે એટલે કે તારીખ તેરમી શુક્રવારની એ અંધારી મેઘલી રાત્રે સાંબેલાધાર વરસાદ તૂટી પડેલો. તમારા માંજલપુર સ્થિત બંગલાથી લગભગ સાડા આઠ કિલોમીટર દૂર આવેલા ઉદ્યાન સરદારબાગની પાછળના બંધ અવાવરુ મકાનના બગીચાની લૉન પર એમની ફુલી ગયેલી લાશ મળી આવી. આસપાસ રહેનારાઓએ તીવ્ર ગંધ આવતી હોવાની ફરિયાદ કરી હતી.' એકધારૂં બોલતા ઈન્સ્પેક્ટર મહેરા પાણી પીવા અટક્યા. એકીશ્વાસે પાણીનો ગ્લાસ ગળા હેઠળ ઉતારી દઈ તેઓ આગળ બોલ્યા, 'મિસિસ પટેલ, તમે ગયા શુક્રવારે રાત્રે ક્યાં હતા?'


'હું અને નેત્રા ફિલ્મનો છેલ્લો શો જોવા ગયેલા. ઘરે આવીને હું મારા બેડરૂમમાં જઈ કપડાં બદલીને ઊંઘી ગઈ હતી.' કામિનીને ધીમે ધીમે આઘાતની કળ વળી રહી હતી.


ઈન્સ્પેક્ટર મહેરાનો આસિસ્ટન્ટ સલમાન વચ્ચે બોલી પડ્યો, 'તમે તમારા પતિ સાથે ફિલમ જોવા નથી જતા?' 


'શટ્ અપ સલમાન. કામિનીજી, તમારા બેડરૂમમાં એટલે?' કામિની ઈન્સ્પેક્ટરનો તીખો કટાક્ષ સમજી ન શકે તેવી મૂર્ખ તો નહોતી જ.


'હા. મારો અને અક્ષયનો બેડરૂમ છેલ્લા ત્રણ વર્ષથી જુદો છે.' કામિનીના સ્વરમાં કડવાશ ભળી ગઈ.


ઈન્સ્પેક્ટર મહેરા આ બેતાળીસેક વર્ષની સપ્રમાણ આકર્ષક દેહ ધરાવતી કામિનીને તેના ટાઈટ જીન્સ અને ચપોચપ પહેરેલા ટોપની આરપાર જઈ તાકી રહ્યા. 


'તમે પૂછશો, શા માટે? ચોખવટ કરી દઉં કે એ અમારી અંગત બાબત છે.' બેફિકર કામિનીએ ઈન્સ્પેક્ટરની આંખમાં આંખ પરોવી સ્પષ્ટ અવાજે કહ્યું, 'હું એફ આઈ આર નોંધાવવા માંગુ છું. મારા પતિના હત્યારાની તપાસ થવી જ જોઈએ.' કામિનીએ એવી રીતે કહ્યું કે જેથી એ પોતે  શંકાના દાયરામાંથી ખસી જાય. સિગારેટ ફૂંકી રહેલી નેત્રાએ તેની સામે સૂચક નજરે જોયું. એક ઊંડો કશ ખેંચી એણે સિગારેટ કામિની તરફ લંબાવી. કામિનીએ નકારમાં ડોકું ધુણાવ્યું.


'નિશ્ચિંત રહેજો, હત્યારો છટકી નહીં શકે પણ મારે આપને થોડા પ્રશ્નો પૂછવા છે. આ કેસની તપાસ મને જ સોંપાઈ છે. હાલ આપ ઘરે જઈ શકો છો. આપ થોડા સ્વસ્થ થાઓ. હું કાલે આવીશ. જરૂર પડશે તો આપને પોલીસ ચોકીએ આવવું પડશે. આશા છે, આપ સંપૂર્ણ સહકાર આપશો.'


'જી. ઈન્સ્પેક્ટર. જરૂર.' કહી કામિની તેના ઘરે પહોંચી. મનને ચેન નહોતું. વિચારોનું ચક્ર ફરતું રહ્યું, 'આવું કોણે કર્યું હશે? શા માટે?' 


અક્ષય અને કામિનીને બનતું નહોતું એ વાત તો જગજાહેર હતી છતાંય કામિની આ ધનવાન પતિનો બંગલો, નોકરચાકરનું સુખ, એશોઆરામ અને અઢળક સુવિધાઓ છોડવા નહોતી માંગતી. એમને કોઈ સંતાન ન હોવાથી અક્ષયના મરણ બાદ તેની અઢળક સંપત્તિની હકદાર એકમાત્ર કામિની હતી.


કૉલેજમાંય અક્ષયની ઓળખ 'કાસાનોવા' રંગીન મિજાજના ધનવાન બાપની છેલબટાઉ બગડેલી ઓલાદ તરીકેની હતી. સુંદરતાની મૂરત એવી કામિની તેની તરફ આકર્ષાઈ હતી અને માબાપની મરજી વિરુદ્ધ બન્ને પરણી ગયેલા. અક્ષયને તો આમેય વાપરેલી વસ્તુઓ ફેંકી દેવાની ટેવ હતી. પરણ્યા પછીયે અક્ષયનો એ શોખ કાયમ રહ્યો. કામિની સમસમીને ચૂપ રહેતી. આ ભ્રમર એક ફૂલનું રસ ચૂસી લે પછી બીજા ફૂલ તરફ આકર્ષિત થતો.


ધાર્યા મુજબ નિયત સમયે બંગલાની ડૉરબેલ રણકી. નોકર ચંદુએ બારણું ખોલી ઈન્સ્પેક્ટર મહેરા તેમજ એમના આસિસ્ટન્ટ સલમાનને આવકાર્યા. કામિની સોફા પર ગોઠવાઈ.


'આહહા! શું મસ્ત બંગલો છે. એથીયે સુંદર ગાર્ડન અને એથીયે સુંદર એની માલિકણ.' બોલતા સલમાનને ઈન્સ્પેક્ટર મહેરાએ 'શટ અપ' કહી ચૂપ કર્યો.


'આપને ખબર છે કે શુક્રવારે અક્ષય ક્યાં અને કોને મળવા ગયો હતો?' ઈન્સ્પેક્ટરે પૂછપરછ શરૂ કરી.


'ના. એ ક્યાં કોને મળવા જાય છે એ મને ભાગ્યે જ જણાવતો.' 


'તમે અને નેત્રા ક્યાં કઈ ફિલ્મ જોવા ગયેલા?' 


'આપ તપાસ કરી શકો છો, અમે આઈનોક્સ મલ્ટીપ્લેક્સમાં નવથી બારના શૉમાં આદિપુરુષ જોવા ગયેલા. સી રૉ, સીટ નંબર દસ, અગ્યાર.'


'હમમ. શું તમને કોઈની પર શક છે?' મહેરાએ મનોમન ગણતરી કરી લીધી કે મલ્ટીપ્લેક્સ અને લાશ મળી એ જગ્યા એકબીજાથી ખાસી દૂર હતી.


'બધાં જાણે છે કે એની એક રખાત છે; રોઝી. એણે કદાચ લગ્ન કરવા દબાણ કર્યું હશે. કદાચ એ પ્રેગ્નન્ટ થઈ હશે અને અક્ષયે એબોર્શન કરવા દબાણ કર્યું હશે તો એણે કદાચ...' 


'કદાચ? અચ્છા? એટલે તમે ખાતરી કર્યા વગર આવી ધારણા બાંધી લો છો. સ્વાભાવિક છે, તમને રોઝી પરત્વે ઈર્ષા છે. પ્લીઝ કૉલ રોઝી.' ઈન્સ્પેક્ટરે આસિસ્ટન્ટ સલમાનને ફરમાન કર્યું. 


'હું એ ગુલાબીને ત્યાં જાઉં કે એને અહીં બોલાવું?' સલમાને મજાકિયા ટૉનમાં કહ્યું એટલે ફરી ઈન્સ્પેક્ટરે એને 'શટ અપ' કર્યું.


સલમાને રોઝીનો નંબર મેળવી તેને ફોન જોડ્યો. ચૌદમી મિનિટે સેક્સી યુવાન રોઝી ઈન્સ્પેક્ટરની સન્મુખ બેઠી હતી, 'વ્હોટ? હી ઈઝ નૉ મોર?'


અક્ષયની હત્યાના ખબર જાણીને રોઝીને આંચકો લાગ્યો. એનો ચહેરો કરમાઈ ગયો એ મહેરાએ નોંધ્યું. 'એ તમારે ત્યાં છેલ્લે ક્યારે આવેલા?' 


'ત્રણ દિવસ પહેલાંની એટલે કે શુક્રવારની સાંજે. ખૂબ જ અપસેટ હતો. ત્રણેક ડ્રિન્ક લઈને 'જાઉં છું' કહી નીકળી ગયો. ખાસ બીજી કોઈ વાતચીત પણ ન કરી. કોઈક વાર રાત રોકાઈ જાય. મેં એનો મૂડ જોઈ રોકાવાનો આગ્રહ કર્યો પણ એ માન્યો નહીં. મને એમ કે એના ઘરે ગયો હશે. કાન્ટ બીલીવ, એની હત્યા થઈ છે!' 


'તમે એમને લગ્ન કરી લેવા દબાણ કરેલું?' મહેરાએ આંખો ઝીણી કરી.


'ના, એણે મને ફ્લેટ, કાર, માસિક ખર્ચ બધી જ સગવડ કરી આપેલી. મેં ક્યારેય લગ્નની વાત સુધ્ધાં નથી કરી. આઈ સ્વેર.'


નેત્રા પોતાની ખાસ સહેલી કામિનીને પડખે જ બેઠી હતી. મહેરાએ શંકાની સોઈ નેત્રા તરફ તાકી, 'અક્ષય સાથે તમારા સબંધ કેવા હતા? તમારી ખાસ સહેલી કામિનીએ એના પતિ અંગે ફરિયાદ કરી જ હશે. વળી તમે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા? ઈન્સ્પેક્ટર મહેરા પાકું હોમવર્ક કરીને આવેલા.


'હું કુંવારો છું. મેં પણ લગ્ન નથી કર્યા.' વચ્ચે ટપકતા સલમાનને ફરી 'શટ અપ' કહી અટકાવવો પડ્યો.

 

'જી. હું અને કામિની એકબીજાને બધી જ વાત કરીએ. એટલું જ નહીં, હવે તો ખુલ્લમખુલ્લા કહીશ, દરેકને શરીરની ભૂખ અને હૂંફ સંતોષવાની જરૂર હોય છે અને હું માત્ર અક્ષયને નહીં, દરેક પુરૂષને ધિક્કારું છું. મને હંમેશા પ્રેમમાં નિરાશા મળી. એથી કંઈ હું અક્ષયને મારી ન નાંખું. મને કામિની પ્રત્યે સહાનુભૂતિ છે. હું અક્ષયથી દૂર જ રહી છું. અમારી વચ્ચે હાય હલ્લોનો જ વહેવાર હતો.'


'જુઓને આના કપડાં અને રંગઢંગ છોકરા જેવા છે. લેસ્બિયન લાગે છે.' આ વખતે સલમાન મોટેથી નહીં પણ મહેરાના કાનમાં ધીમેથી ગણગણ્યો.


'હમમમ શું અક્ષયને કોઈની સાથે અંગત અથવા ધંધાદારી દુશ્મની હતી?' મહેરાએ ત્યાં હાજર કામિની, નેત્રા, રોઝી, નોકર ચંદુ, રસોઈયા શંભુ તેમજ કામવાળી બાઈ રાધા, સૌને ઉદ્દેશીને પૂછ્યું પરંતુ સૌનો ઉત્તર એવો જ હતો કે, 'સાહેબનો સ્વભાવ બહુ સારો હતો. એ સૌને આર્થિક સહાય કરતા. કોઈની સાથે વેર કે ઝગડો નહોતો. પાર્ટી કરવાના શોખીન હતા. હા, એમની જુદી જુદી સ્ત્રી-મિત્રો હતી, શરાબનો શોખ હતો પરંતુ એ સૌની સાથે સારી રીતે વર્તતા.'


કોયડો ગૂંચવાતો જતો હતો. ઈન્સ્પેક્ટરે ચા પીતાં પીતાં, સૌના જવાબો ડાયરીમાં નોંધી રહેલા આસિસ્ટન્ટ સલમાનને સૂચના કરી, 'જાઓ, ડ્રાઈવર અને વૉચમેનને બોલાવો.' 


'આટલી ચા પી લઉં?' પૂછતા સલમાન સામે મહેરાએ ડોળા તગતગાવ્યા, 'જસ્ટ ગો.'


સફેદ યુનિફોર્મમાં સજ્જ રાજુ ડ્રાઈવર નતમસ્તકે અદબ જાળવીને ઈન્સ્પેક્ટર સામે ઊભો રહ્યો.


'આજે મંગળવાર થયો. તારા સાહેબ શુક્રવારની રાત્રે ક્યાં ગયેલા?' 


'એમને ઓફિસથી દરરોજના ટાઈમે સાડા સાત વાગ્યે હું ઘરે લાવ્યો પછી કલાકેક બાદ મને અલકાપુરી રોઝીને ત્યાં લઈ જવા કહ્યું અને મને જતા રહેવાની સૂચના આપી. તેઓ ઘણી વાર ત્યાં રાત રોકાઈ જતા હોય છે એટલે હું એમને કારની ચાવી સોંપી ત્યાંથી નીકળી ગયો.'


'પણ કાર તો સરદારબાગ પાછળથી મળી.' 


'હું બીજા દિવસે ડ્યુટી પર હાજર થયો ત્યાં સુધી સાહેબ પાછા નહોતા આવ્યા. મેડમે પૂછ્યું એટલે મેં કહ્યું કે એમને રોઝીને ત્યાં છોડીને હું ઘરે ગયેલો.'


વોચમેને પણ એ વાતમાં ટાપસી પૂરી કે કામિની મેડમ પોણાનવે ગયા એ પહેલાં સાહેબ લગભગ સવા આઠ સાડા આઠની વચ્ચે રાજુ સાથે કારમાં નીકળેલા. 


ધોધમાર વરસાદમાં સરદારબાગ પાછળના બંધ અવાવરુ મકાનના ઉજ્જડ બગીચામાં લોહીના ખાબોચિયામાંથી મળેલી ઉદ્યોગપતિ અક્ષય પટેલની લાશની આસપાસ કોઈ જ હથિયાર કે બીજી વસ્તુઓ હસ્તગત નહોતા કરી શકાયા પરંતુ હત્યા ધારદાર છરાથી થયેલી એ પોસ્ટ મોર્ટમના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવેલ હતું. દરેકનો જવાબ હત્યાના સમય સાથે મેળ ખાતો હતો. છાપાઓમાં આ જાણીતા ઉદ્યોગપતિની હત્યાના સમાચાર ગાજ્યા.


અત્યાર સુધી દરેકની પૂછપરછ કરાઈ એ મુજબ સૌ સાચું બોલતા હોય તો આ કરપીણ હત્યા કોઈ બહારની વ્યક્તિએ જુદાં જ કારણસર કરી હોવાની શક્યતા અંગે મહેરા વિચારી રહ્યા હતા પરંતુ કોઈ જ સગડ મળતા નહોતા. ન કોઈ છરો, ન કોઈ ક્લ્યુ કે ન આસપાસ પડેલી કોઈ ચીજવસ્તુ. વરસાદ હોવાને કારણે હત્યાસ્થળ આસપાસ પડેલા પગલાંની છાપ પણ ધોવાઈને ભૂંસાઈ ગઈ હતી. લાશનો કેટલોક ભાગ સમડીએ ફોલી ખાધેલો. નજીક પાર્ક થયેલી કાર લૉક હતી અને તેની ડીકી ખાલી હતી.


સતત સિગારેટ ફૂંકી રહેલા મહેરાએ ચાના છએક કપ ખાલી કરી નાખ્યા. એમણે કામવાળી રાધાને પૂછ્યું, 'શું તારા શેઠને કોઈની સાથે ઝગડો થયેલો?' 


'ના, સાય્યેબ. મારા શેઠ બવ હારા. એ તો વરબૈરી કો'ક વાર બાજે. શેઠ મને રૂપિયા આલતા. મને કે'ય તારી સોડીને મારી હારે રમવા મોકલ પણ કોઈને કે'વાનું નૈ. એનેય તે મોટી બધી ચોકલેટ આલે. એક દા'ડો સોનકી બવ રડી કે શેઠ પાહેં નૈ જાઉં, આંયા નૈ રેવું તે મારે ઈને ગોમડે મારી બેન પાંહે મોકલી આલવી પઇડી બોલો. હું તો હારી રીતેથી હંધુંય કોમ કરું.' વિધવા ગમાર રાધા ભોળાભાવે બધું બકી ગઈ. 


મહેરાએ નોકર ચંદુને બોલાવ્યો, 'તું બંગલાની સાફસફાઈ કરે છે. લાગ જોઈને શેઠનો કબાટ પણ સાફ કરી નાખ્યો અને પછી ડરને મારે એમને મારી નાખ્યા.' 


'મોટો દલ્લો હાથ લાગ્યોને?' સલમાન વચ્ચે ટપક્યો.


'અરે એ શું બોલ્યા સાહેબ. હું આ બંગલે વરસોથી કામ કરું છું. મને પુરતો પગાર, રહેવાનું, જમવાનું બધું મળી જાય છે. મારા બાપાના ઓપરેસન માટે બે લાખ માંગેલા તે શેઠે ના પાડી એટલે મને જરી ગુસ્સો આઈવો'તો બાકી હું એમના સોના ચાંદી પડ્યા હોય એને હાથેય ન અડકું. ભગવાનના સોગન, મારે એવું પાપમાં નો પડાય.' ચંદુએ સફાઈ આપી. 


તેવામાં રસોડામાંથી શંભુ મા'રાજ હાથ લૂછતા બહાર આવ્યા, 'રાધા, ચંદુ, કોઈએ મારો મટન કાપવાનો મોટો છરો ક્યાંય દેખ્યો? ક્યારનો સોધું છું તે કશેય જડતો નથી.'


એ સાંભળીને ઈન્સ્પેક્ટર મહેરાની આંખો ચમકી. તેમનું મગજ ડબલ સ્પીડે કામે લાગ્યું. વધુ પૂછપરછ કરતાં જણાયું કે, દરરોજ નોકર ચંદુ, કામવાળી બાઈ રાધા અને રસોઈયા શંભુ મારા'જ પોતપોતાનું કામ પતાવી બંગલાના આઉટહાઉઝમાં દરેકને ફાળવેલા સર્વન્ટ્સ ક્વાર્ટરમાં ચાલ્યા જતા. મહેરાએ પૂછપરછ દરમ્યાન એય જાણી લીધું અને ચોકસાઈ કરી લીધી કે એ ત્રણેય શુક્રવારની રાત્રે સાડા આઠ પછી શનિવાર સવાર સુધી પોતપોતાની રૂમમાં જ હતાં.


ચોકીદારના કહેવા પ્રમાણે શુક્રવારે રાત્રે અક્ષયશેઠ બહાર ગયા હતા પરંતુ ઘરમાં એ દિવસે કામિની સિવાય બહારથી કોઈ આવ્યું નહોતું કે સર્વન્ટ્સ ક્વાર્ટરમાં રહેતા ત્રણેયમાંથી કોઈ બહાર ગયું નહોતું. સવા બારે કામિનીને ડ્રોપ કરીને નેત્રા નીકળી ગઈ હતી. ડ્રાઈવર રાજુ સવારે નિયમિત સમયે આવ્યો ત્યારે તદ્દન સ્વસ્થ હતો અને એ પણ શેઠ હજુ નથી આવ્યા? તેવું પૂછતો હતો. બીજે દિવસે કામિનીએ રોઝીને ફોન કરી અક્ષય ક્યાં છે એ બાબતે પૃચ્છા કરી ત્યારે તેણે કહ્યું કે એ તો રાત્રે નવેક વાગે નીકળી ગયેલો. એને ત્યાં એ રાત નહોતો રોકાયો.


ઈન્સ્પેક્ટર મહેરા મૂંઝાયા. બધી પ્રાથમિક માહિતી મુજબ, અક્ષયની હત્યા શુક્રવારની એ વરસાદી રાત્રે નવ વાગ્યા પછી થયેલી. એ કાર લઈને પેલા બંધ રહેતા મકાનના બગીચામાં કોઈને મળવા ગયો હોવો જોઈએ જ્યાં કોઈક બાબત બની અને તેની હત્યા કરાઈ. કદાચ હત્યારાએ એને ત્યાં મળવા બોલાવ્યો એવું શક્ય હોઈ શકે. પણ એ કોણ અને શા માટે? 


રસોઈયા મા'રાજે કહ્યું કે મોટો છરો મળતો નહોતો અને હત્યા છરાના ઉપરાઉપરી ઘાને લીધે થયેલી એટલે કે રસોડાના છરાનો હત્યા માટે ઉપયોગ કરાયો હતો. યાને કિ, આ પ્રિ પ્લાન્ડ મર્ડર હતું જેમાં ઘરની જ કોઈક વ્યક્તિ સંડોવાયેલી હોવાની શક્યતા છે તેવું ઈન્સ્પેક્ટર મહેરાના ફળદ્રુપ ભેજાએ કડીઓ જોડીને અનુમાન લગાવ્યું.


હવે એમણે ફરીથી હત્યા કરવાના કારણ એટલે કે મોટીવ બિહાઈન્ડ ધ મર્ડરના એક પછી એક પાસા તપાસવા માંડ્યા.


અક્ષયની પત્ની કામિનીને પતિ સાથે નહોતું બનતું. તેમનાં શયનકક્ષ જુદા હતાં એ માટે અક્ષયની ભ્રમરવૃત્તિ જવાબદાર હોઈ શકે. અક્ષયના મૃત્યુ બાદ તેની અધધ સંપત્તિની કાયદેસરની હકદાર એકમાત્ર કામિની હતી પરંતુ અક્ષયની હત્યા કે અકુદરતી મૃત્યુ થાય તો કામિનીને કશું જ ન મળે માટે એ હત્યા કરે એવું સંભવ નહોતું વળી હત્યા થઈ એ સમયે તે ફિલ્મ જોવા ગઈ હતી અને થિયેટરમાંથી નીકળી એ હત્યા કરીને પાછી ફિલ્મ જોવા બેસી જાય એ પણ શક્ય નહોતું કારણ કે અક્ષય પોતે કાર ડ્રાઈવ કરી બાગની પાછળના સ્થળે ગયો હતો. કદાચ એવું બને કે કામિનીએ જ એને ત્યાં હત્યા કરવાના ઈરાદે બોલાવ્યો હોય. 


અથવા તો એ નેત્રા હોઈ શકે. જમાનાની ખાધેલ નેત્રા અપરિણીત હતી, તે પુરૂષોને ધિક્કારતી હતી. પ્રિય સખી અને શૈયા સંગીનીની વાતોમાં આવી જઈ એ ઉશ્કેરાઈ ગઈ હોય અને કામિની અને પોતાની વચ્ચે નડતો અક્ષય નામનો કાંટો કાઢી નાખવા તત્પર હોય. પછી તો એ કામિનીને સહેલાઈથી પોતાના વશમાં કરી શકે અને આ આખું સામ્રાજ્ય એને મળી જાય. તો શું એ અને કામિની ફિલ્મ જોવા ગયા એ જુઠાણું હશે? કે પછી એ બન્ને મળીને... 


હત્યાનો સમય ફિલ્મના સમય સાથે મેળ ખાતો હતો. કોલ્ડ બ્લડેડ મર્ડર? બન્ને બહાર નીકળી, કામ પતાવી ફરીથી થિયેટરમાં બેસી ગયા હશે? 


હવે ઈન્સ્પેક્ટર રોઝી અંગે વિચારતા રહ્યા, 'બની શકે કે વરસાદનો લાભ લઈ રોઝી જ અક્ષયને એ સ્થળે લઈ ગઈ હોય અને પછી... પણ શા માટે? ના. ના. એ શક્ય નથી.' 


કદાચ કામવાળી રાધા જેવી ભલીભોળી દેખાય છે તેવી ન પણ હોય. વળી તેની એકની એક દીકરીને અક્ષય મોલેસ્ટે કરતો અથવા શારીરિક શોષણ કરતો માટે એને બદલો લેવો હોય. વેર વાળવાના આંધળા ઝનૂનમાં વ્યક્તિ કંઈ પણ કરી શકે. જો કે વોચમેને કહ્યું કે રાધા એ ધોધમાર વરસાદી રાત્રે સર્વન્ટ્સ ક્વાર્ટરમાં જ હતી. 


શંભુ મા'રાજ કે ચંદુ પર શંકા કરવાનું કોઈ કારણ નહોતું કારણ કે બંગલામાંથી કોઈ જ માલમિલકતની ચોરી થઈ નહોતી. એ પણ શુક્રવારે ક્યાંય બહાર નહોતો નીકળ્યો.


'આપણે પેલો મોટો છરો શોધવો જ રહ્યો જે રસોડામાંથી ગાયબ છે. એ જ હત્યા માટે વપરાયો છે અને એ છરો આપણને અક્ષય પટેલના હત્યારા સુધી પહોંચાડશે.' મહેરાએ આસિસ્ટન્ટ સલમાનને કહ્યું, 'બીજા બે મદદનીશ બોલાવી દરેકે દરેકના રૂમના ખૂણાખાંચા, બધું જ તપાસો. સીસીટીવી.ના ફૂટેજ ફરી ચેક કરો. કંઈપણ શંકાસ્પદ જણાય તો મને બતાવજો.'


'એવો છરો બજારમાંથી લાવીને રસોઈયા મા'રાજને આપી દઈએ? બીચારા રસોઈ કેમની કરશે?' સલમાનને ફરી 'શટ અપ' કહેવાને બદલે મહેરા હસી પડ્યા. 


અક્ષયની લાશ મળેલી તેની આસપાસ તેમજ લાશના ફોટા પાડેલા એનું મહેરાએ ફરી ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવા માંડ્યું. કોઈ જ સગડ મળતા નહોતા. વરસતા વરસાદે બધું જ ધોઈ નાંખેલું. આસપાસ છરો અથવા બીજું કંઈ જ પડેલું નહોતું. હત્યારો ધંધાદારી અથવા તો અત્યંત શાતિર દિમાગ ધરાવતો હતો. 


અક્ષય પટેલની કાર બગીચા પાસે જ પાર્ક થયેલી મળી આવેલી. એ ડુપ્લીકેટ ચાવીથી ખોલાવી ઈન્સ્પેક્ટર મહેરાએ ઝીણવટપૂર્વક તપાસ આદરી. અક્ષયનો મોબાઈલ ફોન સીટની નીચે પડી ગયો હતો તેની પર નજર પડતાં જ મહેરાએ એ ઊંચકી લીધો, અનલોક કરાવ્યો અને કૉલ ડિટેઇલ્સ ચેક કરવા માંડી. 


છેલ્લે રવિવારે કામિનીએ ત્રણેક વાર ફોન કરેલા. એની પહેલાં શનિવારે રોઝીનો ઈનકમિંગ કૉલ હતો. એ બધાં જ આન્સર નહોતા કરાયા. શુક્રવારે સવારે તેમજ સાંજે ઈનકમિંગ અને આઉટગોઈંગ કૉલમાં 'એ' ફક્ત એટલું જ નામ સેવ કરાયેલ હતું.


'કોણ હશે આ ''એ"?' ઈન્સ્પેક્ટર મહેરા વિચારતા રહ્યા. એમણે એ નંબર પર કૉલ જોડ્યો. રીંગ વાગતી રહી. સામેથી નૉ રિપ્લાય! 


કોકડું ગૂંચવાઈ ગયું હતું. 'હત્યાનું કારણ ધાર્યા કરતાં ઊંડું છે,' મહેરાએ આ "એ" વાળા નંબરની તપાસ કરવા સલમાનને તાકીદ કરી.


'જી, સર. આ મોબાઈલ નંબર અક્ષય પટેલને નામે જ રજીસ્ટર્ડ છે.' સલમાને તપાસ કર્યા બાદ જણાવ્યું.


'વ્હોટ? એક જ વ્યક્તિને નામે બે મોબાઈલ? વેલ, હોઈ શકે પણ અક્ષય જ અક્ષયને ફોન કરે? કોઈક મહત્વની કડી ખૂટે છે. સલમાન, આ નંબરનું લોકેશન શોધ.' મહેરાની તપાસ આગળ વધી.


'સર, પેલું કાર્તિક કોલીંગ કાર્તિક જેવું.' આવી ગંભીરતામાંય સલમાન હસ્યો. 


'ચૂપ. આ મજાક નથી. ડૂ વોટ આઈ સે.' મહેરા તાડૂક્યા. આ તરફ મહેરાની તપાસ આગળ વધી અને પેલી તરફ કામિનીએ બીજા દિવસે સ્વર્ગસ્થ અક્ષય પટેલની શોકસભાનું આયોજન કર્યું.


'સર, ટાવરના સિગ્નલ પરથી સીમકાર્ડ ટ્રેક કર્યું. સઘન તપાસ કર્યા બાદ પત્તો મળ્યો. એ નંબરનું સીમકાર્ડ ધરાવતો મોબાઈલ ફોન સ્ટેશન પાસેની એક સાધારણ હૉટેલના કચરાના ડબ્બામાંથી મળ્યો છે. મારા હાળા કચરાના ડબ્બાનેય કેવું કેવું જોવું પડે.'


'શટ અપ. મારી પર હત્યારાને વહેલી તકે શોધી કાઢવાનું દબાણ કરવામાં આવ્યું છે અને તું મને વધુ ગૂંચવી રહ્યો છે. જો આ મોબાઈલ ફોન પરથી હત્યારાના કોઈ સગડ નહીં મળે તો ઉદ્યોગપતિ અક્ષય પટેલનો આ કેસ ડિટેક્ટિવને સોંપી દેવામાં આવશે.' 

*************


મોડી રાતે પોતાના શયનકક્ષમાં સુંવાળી પથારીમાં આળોટતી કામિનીએ એના કક્ષની લગોલગ આવેલા એના પતિના શયનકક્ષનું બારણું કોઈ ખોલતું હોય તેવું અનુભવ્યું. અવાજ સાંભળી એ સફાળી બેઠી થઈ અને તરત જ પોતાના રૂમનો દરવાજો ખોલ્યો. એની આંખો ફાટી ગઈ. એ અક્ષય હતો. 


'અઅઅ... અક્ષય, તું? તું તો... તું તો...' 


'મરી નથી ગયો, જીવતો છું.' અટ્ટહાસ્ય!


'વ્હોટ? તો અઅઅ એ કકક કોણ હતું? મેં લાશની બરાબર ઓળખ કરેલી.' કામિની રીતસર ધ્રૂજી રહી હતી. એની જીભ થોથવાઈ ગઈ. 


અક્ષયે ફ્રેશ થઈ નિરાંતે વ્હીસ્કીનો પેગ બનાવ્યો. 'બેસ, લાંબી વાર્તા છે. જો કે હવે કહ્યે જ છૂટકો. પણ ખબરદાર જો કોઈને કહ્યું છે તો. પાછલી તારીખનું વીલ બનાવીને તેમાં તને અડધોઅડધ સંપત્તિ, આ બંગલો બધું આપી દઈશ. હું ખોટા પાસપોર્ટ પર વેશપલટો કરીને વિદેશના એક એવા સ્થળે ચાલ્યો જઈશ જ્યાં મને કોઈ ઓળખી કે પકડી ન શકે. મને જોઈતી જરૂરી વસ્તુઓ લેવા આવ્યો છું. મારા જ બંગલોમાં આજે છુપાઈને આવવું પડ્યું. વોચમેન પેશાબ કરવા જાય તેની રાહ જોતો હતો અને સીસીટીવી સિસ્ટમનો વાયર મેં કાપી નાખ્યો.'


'એટલે પેલી વ્યક્તિનો હત્યારો તું છે. કોણ હતો એ? શા માટે એની હત્યા કરી?' ચીસ પાડતી કામિનીએ અક્ષયને લગભગ હલબલાવી નાખ્યો.


'બધું કહું છું. તારે મને અહીંથી એરપોર્ટ પહોંચવામાં મદદ કરવાની છે. કોઈનેય આ બાબતની બિલકુલ ક્યારેય જાણ ન થવી જોઈએ. આવતીકાલે મારી શોકસભા થઈ જવા દે.' અક્ષયે કડક અવાજે કહી મોટો છરો કોટના ખિસ્સામાંથી બહાર કાઢી કામિનીની હડપચી પર ટેકવ્યો, 'જા. આ કીચનમાં મૂકી દે. જો ચૂંચાં કરી છે તો મને બીજું ખૂન કરતાં વાર નહીં લાગે સમજી?'


અક્ષયના કહ્યા મુજબ કરીને કામિની ધબ્બ કરતી સોફા પર બેસી પડી. એસી.ની ઠંડકમાંય એને પરસેવો વળી ગયો. અક્ષયે રૂમ અંદરથી બંધ કર્યો.


'સાંભળ, આ બંગલાના ડ્રોઇંગરૂમમાં બે ફોટા લટકે છે તેમાં એક મારો બાપ કિશન છે પણ બીજો ફોટો મારી માનો નથી. હું મારા બાપનું અનૌરસ સંતાન છું. મારી ગર્ભવતી માને તરછોડી મારા બાપે પેલી અતિ ધનવાન બાપની દીકરીને ફસાવી એની સાથે લગ્ન કર્યા. એ તો અમને એટલે કે મને અને મારા જોડકા ભાઈ અવિનાશને મા મરણપથારીએ પડી ત્યારે એણે આ હકીકત જણાવી. કૂતરાને બટકુ રોટલો નાખતો હોય તેમ મારો બાપ અમને પૈસા પહોંચાડી દેતો. અમને તરછોડી જનાર મારા બાપ કિશન પટેલને લગ્ન બાદ કોઈ સંતાન ન થયું. 


માએ મરતા પહેલાં જે કહ્યું તે સાંભળીને મારું લોહી ઉકળી ગયું. એ વખતે હું અને અવિનાશ સત્તર વર્ષના. આટલો સંપત્તિવાન બાપ હોવા છતાં અમે ગરીબી જ જોઈ. અવિનાશ પહેલાથી ગભરૂ અને સીધો. હું કિશન પટેલ પાસે મારો હક માંગવા ગયો. એણે મને ધુત્કારી કાઢ્યો. મેં એને મારી નાખવાની ધમકીઓ આપીને વસિયતનામામાં એમના મોત બાદ બધું મને મળે એ રીતની સહીઓ કરાવી લીધી. પછી તો કિશન અને એની વાઈફનું અકસ્માતે કાર સળગી જવાથી બળી જઈને મૃત્યુ થયું એનું રહસ્ય હું જ જાણતો હતો. એમની બધી જ સંપત્તિનો હું એકલો વારસદાર બની ગયો. વીલના એક્સેક્યુટર નિમાયેલા એડવોકેટને હું એમનું એકમાત્ર અનૌરસ સંતાન છું એવો જ ખ્યાલ રહ્યો. અવિનાશને આ વાતની ગંધ આવી ગઈ. એ મને આમાં ભાગ આપવા દબાણ કર્યા કરતો પણ બીચારો ગરીબડો, ભલો અને સાવ ભદ્રિક.'


કોઈ જાતના ડર વગર અક્ષયે બીજો પેગ ભર્યો. કામિની એને અપલક નેત્રે અવાકપણે સાંભળી રહી. 


'સરખાઈ આવતાં બોલાવીશ તેમ એને સમજાવી પટાવીને મેં દૂર એક નાનકડા અંતરિયાળ ગામડામાં ઘર અને નોકરી અપાવી દીધાં. એને મારા નામે મોબાઈલ અપાવ્યો. હું એને નિયમિત અમુક રકમ મોકલી આપતો પણ કોણ જાણે કેમ એની નોકરી છૂટી ગઈ. મફતમાં મળતી આવકની એને ટેવ પડી ગઈ. એ ખોટી સોબતમાં ફસાયો હતો.


મેં મારી આવડતથી કિશન પટેલનો કારભાર સંભાળી લીધો હતો. આમ તો જૂનો સ્ટાફ અને મેનેજરો જ બધું ચલાવતા. મારે ફક્ત દેખરેખ રાખવાની હતી.


છેલ્લા થોડા વર્ષોથી અવિનાશની માગણીઓ વધતી ગઈ. મેં જ મારા બાપને અને એની પત્નીને મારી નાખ્યા છે તેવું એ જાણે છે અને બધું જાહેર કરી દેશે એવી ધમકીઓ આપ્યા કરતો. એને ડ્રગ્ઝની લત લાગી પછી એ બદલાઈ ગયો. વારંવાર મારી પાસે રૂપિયા મંગાવવા લાગ્યો. હવે એની માગણી વધતી ગઈ. કોઈનેય ખબર નહોતી કે મારે જોડકો ભાઈ છે.'


વાત લાંબી હતી પણ કામિનીને રસ પડ્યો, 'એટલે એને અડધો ભાગ આપવાને બદલે એનાથી કાયમનો છૂટકારો મેળવવા તેં તારા સગા ભાઈને મારી નાખ્યો?'


'એની માગણીઓથી કંટાળી ગયો હતો. ખરી રીતે મારો ઈરાદો એને છરો બતાવી ધમકાવવાનો હતો. છૂટા પડ્યા પછી અમે ભાગ્યે જ એકબીજાને રૂબરૂ મળ્યા છીએ. ફોર વન્સ એન્ડ ફોર ઓલ હું એને મોટી રકમ આપી કાયમ માટે પરદેશ મોકલી દેવાનો હતો. પાસપોર્ટ, ટીકિટ અને મોટી રકમ સુપરદ કરવા મેં એને પેલા બંધ મકાન પાછળ બોલાવ્યો જ્યાં કોઈની નજર ન પડે. રાત્રે બગીચોય બંધ હોય પણ એ ઝઘડવા પર ઉતરી આવ્યો. મેં એને ડારવા છરો બતાવ્યો. 


'નાલાયક, સાલો બાપનો ખૂની.' એ બરાડ્યો. મને ગુસ્સો આવ્યો, 'હું તને પાળુ છું.' મેં એને લાફો લગાવી દીધો. એણે મને લાત મારી. એ જ વખતે ગડગડાટી બોલાવતો વરસાદ તૂટી પડ્યો. વીજળીના કડાકામાં મારા હાથમાં ઉગામેલો છરો ચમક્યો અને મારા મગજમાં ઝબકારો થયો, ''કોઈ જાણતું નથી કે આ મારો જોડકો ભાઈ છે. આની વાર્તા પૂરી કરી નાખું તો બધાને થશે કે મારી હત્યા થઈ છે. વિદેશના વીઝા, પાસપોર્ટ તૈયાર છે. અઢળક નાણાં છે. હું અવિનાશની જફામાંથી કાયમ માટે છૂટું.''


'અને મેં પૂરી તાકાતથી એની છાતીમાં અને પેટમાં ખચ્ચ કરતાંને છરો ભોંકી દીધો. એના ડોળા બહાર નીકળી આવ્યા. એ અંધકાર ભરેલી રાત્રે ધોધમાર વરસતા વરસાદની ધડબડાડી અને મેઘ વાદળોના ગડગડાટમાં એની ચીસો દબાઈ ગઈ. એની લાશ છાપરા હેઠળ ખેંચીને મેં અમારા પહેરેલા વસ્ત્રોની અદલાબદલી કરી નાખી. લોહી નીંગળતી હાલતમાં એને મરવા માટે છોડીને અને પોલીસને ગેરમાર્ગે દોરવા મારી કારને ત્યાંજ મૂકી મેં સ્ટેશન તરફ જવા રિક્ષા પકડી. જતાં પહેલાં એનો મોબાઈલ ફોન મેં લઈ લીધો. મેં છરો ધોઈને શર્ટ હેઠળ છુપાવ્યો. કારમાં ઓવરકોટ પડેલો તે પહેરી લીધો એટલે કોઈને વહેમ ન પડે પણ એમ કરવા જતાં મારો મોબાઈલ ફોન કારમાં પડી ગયો એનો મને ખ્યાલ ન રહ્યો. ગાંડોતૂર વરસાદ વરસવો શરૂ થયો. ઠેર ઠેર પાણી ભરાવા માંડ્યા હતાં. દરેકને પોતપોતાને ઘરે પહોંચવાની ઉતાવળ હતી એનો મને ફાયદો થયો. કોઈને મારી તરફ ધ્યાનથી જોવાની ફુરસદ નહોતી.


સ્ટેશન પાસેની સાવ સાધારણ હૉટલમાં હું રહ્યો જ્યાં કોઈ આધાર કાર્ડ કે બીજી આઈડેન્ટિટી પ્રુફ માંગે નહીં. અવિનાશનો મોબાઈલ કચરામાં પધરાવ્યો. બીજા દિવસે થોડા કપડા ખરીદી લીધાં. મારી હત્યાના સમાચાર મેં છાપામાં વાંચ્યા.' 


અક્ષય બેહૂદું હસવા લાગ્યો, 'બીચારી પોલીસ મારા હત્યારાને શોધી રહી છે હા... હા... હા.'


અક્ષયે ડ્રિન્ક પૂરૂં કર્યું અને પોતાની સૂટકેસ ભરવા માંડી. 'લે બસ?' તેણે બંગલો, જમીનો, અમુક સંપત્તિ કામિનીને નામે કરી આપી.


'મારી શોકસભા થઈ જવા દેજે. હું રૂમમાં જ રહીશ. કાલે બધો સ્ટાફ આઉટ હાઉઝમાં જતો રહે પછી વોચમેનને કંઈક લેવા બહાર મોકલજે અને મને કારમાં એરપોર્ટ ડ્રોપ આપજે. ખબરદાર પેલી નેત્રાને દૂર જ રાખજે. મોજ કરજે અને મને ભૂલી જજે.' ફતવો બહાર પાડતો હોય એમ તે બોલી ગયો.


અક્ષયને હતું કે કામિનીને સંપત્તિમાં ભાગ લખી આપવાથી એ એના કહ્યા મુજબ કરશે. ડ્રિન્કના નશામાં અને છટકી જવાના પ્લાનના ગુમાનમાં એ બેઘડી ગાફેલ રહ્યો. એ તકનો લાભ લઈ કામિનીએ ઈન્સ્પેક્ટરને વ્હોટ્સઍપ મેસેજ કરી દીધો, 'કમ સૂન'


મોડી રાત્રે આ રીતનો મેસેજ વાંચી ઈન્સ્પેક્ટર મહેરાને આશ્ચર્ય થયું. ડ્યુટી પર ન હોવા છતાંય, આળસ મરડી એ જીપ લઈ અક્ષય પટેલના બંગલે પહોંચ્યા. ઝોકા ખાતા વોચમેનને એમણે હલબલાવી નાખ્યો. બારણે ડૉરબેલ મારવાની જરૂર નહોતી. તેઓ ખુલ્લા દરવાજામાં દાખલ થયા ત્યાં સામે નાઈટ ગાઉન પહેરેલી કામિની એમની રાહ જોઈ રહી હતી. 


'આવો, તમારો ગુનેગાર મળી ગયો છે.' કામિનીએ બેડરૂમમાં ઘસઘસાટ ઊંધતા અક્ષય તરફ આંગળી ચીંધી.


'આ?' ઈન્સ્પેક્ટર મહેરાને જબરજસ્ત આંચકો લાગ્યો.


'હા. એની કથા એના મુખે સાંભળજો.' કામિની બોલી.


બીજા દિવસે અક્ષય પટેલની શોકસભા રદ્ કરાઈ. મીડિયા, અખબાર, સામયિકોમાં સનસનીખેજ સમાચાર સાથે અક્ષય પટેલનો ફોટો છપાયો. હેડિંગ હતું, "અક્ષય પટેલ: જેણે પોતે જ પોતાની કરપીણ હત્યા કરી."


કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે કામિનીએ અક્ષય વિરુદ્ધ જુબાની આપી. ઈન્સ્પેક્ટર શિવ મહેરાએ મોબાઈલ ફોન દ્વારા અવિનાશ અને અક્ષયની થયેલી વાતચીત અને ચેટના પુરાવા રજુ કર્યા. હત્યા અક્ષયની નહીં પણ અવિનાશની થઈ હતી એ બાહોશ સરકારી વકીલે સાબિત કરી બતાવ્યું. છેવટે અક્ષયે પોતાનો ગુનો કબૂલ કરવો જ પડ્યો. એનો પ્લાન ફેઈલ ગયો.


'યુ બીટ્ચ.' અક્ષય કામિની તરફ આંગળી ચીંધી બરાડ્યો, 'મેં તારી પર વિશ્વાસ કર્યો.'


'એમ તો અવિનાશે પણ તારી પર વિશ્વાસ કરેલો.'

**********

મુક્તપણે હસતી કામિની નેત્રાને કહી રહી હતી, 'જોયું? અક્ષયનો કાંટો મેં સહેલાઈથી કાઢી નાખ્યો અને અડધી નહીં પરંતુ બધી જ સંપત્તિ, બંગલો, જમીનો એ બધું જ હવે મારું છે. એ એના ભાઈની જેમ મને કનડે એ પહેલાં...' 


કામિનીને અક્ષયે કહેલા છેલ્લા શબ્દો યાદ આવ્યા, 'મોજ કરજે અને મને ભૂલી જજે.'


અક્ષય જેલમાં સડતો રહ્યો.

***********















 














'




'







ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ