વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

મીરાં.. હો ગઇ મગન... ભાગ-3

     થોડીવાર થઇ અને રસ્તે બાઇક આવતી હોય એવો અવાજ સંભળાવા લાગ્યો. અવાજ સાંભળતાં વેંત વર્ષા સફાળી બેઠી થઇ ગઇ. અને તરત દોડીને ઓટલાની કોરે વચ્ચેની થાંભલી પાસે પહોંચી ગઇ. અને એક હાથે થાંભલી પકડી બહારની તરફ ઝુકીને રસ્તાની દિશામાં ડોકું કાઢતાં આ તરફ આવતી બાઇકને ધ્યાનથી નિરખવા લાગી. ઘર તરફ આવી રહેલી બાઇક સંદિપનીજ હતી. અને સંદિપની પાછળથી માથે ઓઢણી બાંધેલી અને ડાર્ક બ્લુ ડ્રેસવાળી કોઇ છોકરી બેઠી હોય એવું વર્ષાએ જોયું. જોતાની સાથેજ વર્ષાનાં રતુંબડા ગુલાબી ગાલો ગુસ્સાથી એકદમ લાલ થવા લાગ્યા. અને આંખોના ખુંણામાં પણ રતાશ ધસી આવી.  અને એ જ્યાં ઉભી હતી ત્યાંજ જોરશોરમાં બોલવા લાગી. 

“બહાર નિકળીને હવે આ નજરે જુઓ... હું કહેતી હતી, ત્યારે તો તમે કોઇ માનવા તૈયાર નંઇ હતા. હવે આ ઠેઠ ઘર સુધી બેસાડીને લઇ આવ્યો. “

   બપોરના સમયની એક્દમ નિરવ શાંતીમાં અત્યારે આજુ-બાજુના ફળિયાના લોકો પણ ખેતર બાજુથી આવીને હજુ તો જમી-પરવારીને નિરાંતે આરામ કરવાની અમુક તૈયારી કરતા હતા. ત્યાંજ આવું સંદિપના ઘરબાજુથી વર્ષાનો શોરબકોર બધાને જોરથી સંભળાવા લાગ્યો. એટલે કુતુહલતાવશ નાના-મોટા, અબાલ-વૃધ્ધ  સૌ કોઇ ઘરમાંથી જલ્દી-જલ્દી બહાર નિકળી આવ્યા અને કોની સાથે શું થયું છે?’ અત્યારે આ કોનો અવાજ સંભળાઇ રહ્યો છે. શું થયું હશે?’ એવું વિચારતાં સંદિપના ઘર તરફ નજર કરીને બધા જોવા લાગ્યા.   

    ત્યાં જોયુ તો, સંદિપના ઘરનાં આંગણે આંબાના ઝાડ્નાં છાંયડા નીચે અને ઓટલાથી થોડેકજ સહેજ દૂર, હજુ અત્યારેજ આવીને ઉભેલી બાઇક સાથે બન્ને પહોળા પગ જમીન પર ટેકવીને, સ્ટેરિંગ પકડીને સંદિપ બેઠેલો દેખાતો હતો. અને એની પાછળથી પીઠને બરાબર ચીપકીને બ્લુ ડ્રેસવાળી અને ઓઢણીથી આખો ચહેરો લપેટીને કોઇ છોકરી બેઠી હતી.  અને ઓટલા પર વચ્ચેની થાંભલી પકડીને ઉભેલી વર્ષા એમના તરફ જોઇને આંગળી ઉંચી કરીને જોર-જોરમાં બોલી રહી હતી.

    આની હિંમત તો તમે જુઓ.? આ રાંડને હવે ઘર સુધી બેસાડીને લઇ આવ્યો.

  બપોરના સમયે આવુ દ્રશ્ય જોઇને આજુ-બાજુનાં નાના-મોટા સૌ કોઇ હવે ધીરે-ધીરે ડગલા ભરતા સંદિપના ઘરના આંગણા તરફ આવી રહ્યા હતા. અને ત્યાં આવીને હવે સંદિપની ગાડી જ્યાં ઉભી હતી તેના ફરતેથી થોડું અંતર રાખીને ગોળ રાઉન્ડમાં જેને જ્યાં ખાલી જગ્યા દેખાય ત્યાં બધા ગોઠ્વાતા જઇને (પેલું મદારીના ખેલ જોવા માટે બધા ભેગા થયા હોય તેવું) ઉભા રહીને મફતનો તમાશો જોવા લાગ્યા હતા.

  આ બાજુ વર્ષાના ધનુષ્ય આકારના હોઠવાળા મુખમાંથી નિકળતા વાકબાણનો મારો અવિરતપણે ચાલુ જ હતો.

 એય... આ છેલ-છોગાળીને અત્યારેને અત્યારે.. આ ગાડી પરથી ઉતારી પાડ તો.? આ ગાડી પર બેઠેલી મારી નજર સામે જોઇએજ નીંઇઇ.?  પાછો ક્યારનો ચુપચાપ મારા મોઢા સામું શું જોયા કરે.? આને ઉતારવાનો..!!  કે, શું કેય.?  નૈય તો...! ઓટ્લા પરથી જો નીચે  ઉતરીને આય્વી-માય્વી તો..!! સાલ્લીનો ચોટલો પકડીને નીચ્ચે ખેચ્ચીને ઘહલી પાડા જો..!!

આ છેલ્લું વાક્ય સાંભળીને સંદિપનું મોં જરાક મલકી ગયું. અને મુંછમાં હસવા લાગ્યો.

આ જોઇને વર્ષા પાછી ભડ્કી. અને કહેવા લાગી. આ જુઓ તો ખરા..! આને કંઇ શરમ જેવી વસ્તુ છે કે નૈય..! જાણે કે.. પોતે બો સારુ કામ કરીને આવ્યો હોય. તેમ પાછો હસી બતાવે.

ત્યારે સંદિપ કહે, હસું નહિ તો, શું કરું.? મને અત્યારે રડવા કહે કે.?’

વર્ષા : કેમ.?’

સંદિપ : આને ચોટલો અહે, તો.. તું એને ખેંચીને પાડહે નેં.?’

 વર્ષા : કેમ.? આને ચોટલો નથી કે.? શું આ ટુંકા બખબાલ વાળી કોઇ મોટી હિરોઇન છે કે.?’

ત્યારે સંદિપ ગાડી પર બેઠા-બેઠાજ સહેજ પાછળ મોં ફેરવીને પેલીને કહે, આ લોકોને જરા તારા વાળ બતાવ તો.?’

ત્યારે પેલી પણ સંદિપના પીઠ પાછળ લપાતા-છુપાતા જેવી એક હાથ પોતાની ગરદન પાછળ લઇ ગઇ. અને ધીરે રહીને ઓઢણીનો છેડો પાછળથી પકડ્યો. અને ધીરે-ધીરે ઉપર તરફ ખસેડવા લાગી. અને માથું ખુલ્લું કરીને ખસેડેલી ઓઢ્ણીથી બંન્ને હથેળીઓમાં પોતાનો ચહેરો બરાબર દબાવી સંતાડીને પાછી સંદિપના પીઠ પાછળ નીચુ માથું કરીને બેસી ગઇ.

આ જોઇને ત્યાં ઉભેલા દરેકના મોં માથી આશ્ચર્ય સાથે ઉદ્દ્ગાર સરી પડ્યા. અરે... આના તો બિલકુલ છોકરા જેવાજ એકદમ ટુંકા વાળ છે.

આ જોઇ વર્ષાને પણ નવાઇ લાગી. એ એકદમ ચુપ થઇ ગઇ.  ને એક આંગળી મોમાં નાખી દાંતથી નખ કરડવા લાગી.

ત્યાર પછી સંદિપ બાઇક્ના સાઇડ ગ્લાસમાં પાછળ જોતા જઇને કહે, તારા ટુંકા વાળ બધાએ જોઇ લીધા. હવે તારા મુખારવિંદનાં પણ બધાને દર્શન કરાવી દે. એટ્લે બધા સાથે અમારી આ ઘરવાળીને પણ શાંતી થાય.

શરમાતા-શરમાતા બે હથેળી વચ્ચે ઓઢણીમાં છુપાવેલો ચહેરો હવે ધીરે રહીને ખુલ્લો કરી નાખ્યો. અને એ જોઇને વર્ષા સાથે બધાનીજ આંખ આશ્ચર્યથી એકદમ પહોળી થઇ ગઇ. ત્યાં ઉભેલામાં એક સાધારણ વડીલ એવા જગુકાકા (જગુટાલ) પણ બધાની પાછળથી ઉભા હતા. તેમનાથી આ જોઇને તરત હસતા હસતા બોલી પડાયું.  

અરે...!! ઓત્ત..ત્તારીની..! આતો હારો આપણા ફળિયામાનો જ મગનીયો દેહું.  જગુકાકાનું આ વાક્ય હજુ પુરુ થાય. ત્યાંજ શાંત માહોલની વચ્ચે શાંતીનો ભંગ કરતુ હોય એમ ત્યારેજ અચાનક ભરતના ટુંકા લેંઘાના ખીસામાં મુકેલા મોબાઇલની ફુલ વોલ્યુમમાં રીંગટોન જોરથી રણકવા લાગી.   “ઐસી લાગી લગન, મીરાં હો ગઇ મગન... વો તો... ગલી ગલી... એટલે બધાનું ધ્યાન ભરત તરફ ખેંચાયું.  ખીસામાં હાથ નાંખી તરત મોબાઇલ બહાર કાઢી કાને લગાડતા ભરત જોરમાં બોલ્યો.  હેલ્લો...  અને જરાકજ સાંભળીને મોબાઇલ તરફ ગુસ્સામાં બહાવરી નજરે મોટી-મોટી આંખ કરીને જોતા કટ કરવાનું લાલ બટન જોરમાં અંગુઠાથી દબાવી દીધું.  આ બાજુ બધા એની તરફજ એના  હાવ-ભાવ જોઇ રહ્યા હતા. ઉભેલામાંથી કોઇએ પણ એને પુછ્યું નહોતું કે કોનો ફોન હતો. તો પણ ભરતજ બધાની તરફ નજર ફેરવતા જઇને  સ્વગત જોરમાં બોલ્યો. સાલ્લા... કંપનીવાળાનો હતો.

   બધાની પાછળથી જેવા છેલ્લે ઉભા રહીને આ બધુ જોતા જગુકાકા ક્યારના પોતાના ખુલ્લા ઉઘાડા બદન પર ઉપસી આવેલા મોટી ગોળી-ગાગર જેવા પેટ પર એક હાથ અમસ્તાજ ફેરવ્યા કરતા હતા. અને બીજો હાથ માથે સફાચટ્ટ ચીકણી ચમક્તી ટાલ પર પરસેવાનાં બાઝી જતાં ઝીંણા ઝીંણા બુંદ સાફ કરવા માટે થોડી-થોડી વારે ફરતો હતો. અને વચ્ચે-વચ્ચે એક હાથે વધેલી ફાંદ નીચે કમ્મરમાં લટકી રહેલા જાડા કાપડના ટુંકા ખાખી લેંઘાને ઉપર તરફ ખેંચીને સરખું કર્યા કરતા હતા. લેંઘાનું બટન તુટી ગયેલું હતુ. એટ્લે પટ્ટો ભેરવવાના આગળ્યામાં સફેદ નાડુ તાંણીને બાંધ્યુ હતુ. અને એ નાડું કોઇને દેખાય નહી એમ કરીને લેંઘાની કોર કમ્મરમાં વાળી દીધેલી હતી. હવે, ઉઘાડી છાતી પરનાં કાળા-ધોળા થોડા ઘણા બચેલા વાળમાં આંગળીઓ રમાડતા, ફેરવતાં ભરત બાજુ જોઇને અડધા બોખા મોઢે ભરતને કહે, અલ્યા... ઓ... ભરતાં..!!  ત્યારે ભરતે પણ ચમકીને જોરમાં જેવો હોંકારો પૂર્યો,  હુંઉ..હ...

“અહિંયા તો, મીરાં.. હો ગઇ મગન... નૈય, પણ... મગનમાંથી મીરાં બની ગેયલી દેહું રે...” આવુ જગુકાકાનું બોલવું સાંભળીને, ક્યારના બધા ગંભીર મુખમુદ્રા કરીને  આ તમાશો નિહાળી રહ્યા હતા. અને લાસ્ટ સીન જોઇને મહામહેનતે હસવું રોકી રાખ્યું હતું. તે આ જગુકાકાના શબ્દબાણે હાસ્યનો બંધ અચાનક તોડી પાડ્યો. અને હાસ્ય ધોધ બેફામ વહેવા લાગ્યો. કોઇ હા..હા..હા.., હી..હી..હી.., ખુહુ..હુ.હુ.., ખી..ખી..ખી.. કરીને થોડી વાર માટે તો જબરુ હાસ્યનું પુર જેવુ ઉમટી પડ્યું. અરે.. નાનાં છોકરાઓ તો તાળી પાડીને કુદ્તાં જઇને હસતાં હતા.

આ બાજુ વર્ષા પણ એક હાથે થાંભલી પકડેલી. અને બીજો હાથ મોઢા આગળ આડો રાખીને બધા સાથે  ખુહુ..હુ.હુ.., ખી..ખી..ખી.. કરી રહી હતી.  બાઇક પર બેસેલો સંદિપ અને મગન પણ બધાની સાથે એક સુરમાં જેવા ધીમેથી હસી રહ્યા હતા.

બધાનું હસવાનું જરાક શાંત જેવું પડ્યું. એટ્લે જગુકાકા મગનની સામું જોતા પાછા બોલ્યા, અલા... ઓ.. મગન, તને આ બઉરૂપી જેવો વેશ કાઢવાનું કાંથી હમજ પયડું.? ને પોયરીઓનાં કપડાં પહેરવાનો શોખ તને કયારથી જાયગો.?’

આવો સવાલ સાંભળીને મગન હવે મુંઝાઇને સંદિપનાં મોઢા બાજુ જોવા લાગ્યો. ત્યારે સંદિપ જગુકાકા અને ઉભેલા બધાની તરફ જોતા કહે, આ બધુ તમારે જાણવું હોય ને.! તો બધા ઓટ્લા પર બેસો. હું તમને આની બધી પુરી વિગતે વાત જણાવું.

પછી વર્ષા બાજુ જોઇને સંદિપ કહે, તું ક્યારની અહીં ઉભી રહીને શું દાંત કાઢ્યા કરે.! જા ઘરમાં જઇને પહેલાં એક લોટો ભરીને માટલામાંનું ઠંડુ પાણી લઇ આવ. અમે છે તો ક્યારના આકરા તાપમાં તપીને આવ્યા. તો પહેલાં પાણીનો ભાવ પુછવો જોઇએ. ત્યારે તેની જગ્યાએ અહિંયા તો અમારા આવતાની સાથેજ  સ્વાગતમાં નોનસ્ટોપ બકાબક કરવાનું ચાલુ કરી દીધું.

ઘરમાં જઇ વર્ષા લોટો ભરીને પાણી લઇ આવી. એટ્લે સંદિપે પહેલાં મગનને પીવા માટે હાથમાં લોટો આપ્યો. મગન ગળામાં દુપટ્ટો લટકાવી ઉંચુ ડોકુ કરીને ઉંચેથી ગટ્ક-ગટક કરીને પાણી પીવા લાગ્યો. અને હવે અડ્ધો લોટો બચેલું પાણી  સંદિપની આગળ ધર્યુ.

હવે આ બાજુ આંગણામાં ઉભેલા લોકો પુરી વાત શું છે. એ જાણવા માટે ધીરે-ધીરે ઓટલા પર પોતાનું સ્થાન ગ્રહણ કરવા માંડ્યા હતા. ઓટલા તરફ બધાને જતા જોઇ જગુકાકા કહે, ‘આ વાતમાં કંઇ લેવાનું છે કે? તો તમે વાત હાંભળવા બેહવાનાં.? મગન પોરીનાં કપડાં પહેરીને આયવો. એમાં વળી હું એણે નવું કયરું? તમે બધા હાંભળો...!! હું તો આ ચાયલો...! (જવા માટે ડગલું ભરતા કહે,) તમે લોકોએ તો, મારી આ બપોરની ખાલી-ખોટી ઉંઘ બગાય્ડી.

ત્યારે ત્યાં ઉભેલો નાનકડો બટ્કબોલો છોકરો લાલુ બોલી પડ્યો, ‘જગુબાપા, અમે થોલા તમને બોલાવા આવેલા.? તમે તો તમાલી જાતેજ બધાની પાછલ પાછલ જેવા આવેલા.

આ.. જોવ, અવે તો.. આ અમ્ણેનાં કાલનાં ઉંદરાં જેવા પોયરાં હો અમને બે બોલ હંભળાવી જાય આમ બબડ્તા-બબડ્તા જગુકાકા જતા રહ્યા.

હવે બધા ઓટલા પર કોઇ કથા-સતસંગ સંભળવા માટે બેઠા હોય એવી રીતે ગોઠ્વાઇને બેસી ગયા હતા. સંદિપ પણ પાણી પીયને બાજુમાં ખાલી લોટો મુકતાં બધા શ્રોતાગણની સામે જાણે કોઇ મોટો કથાકાર-વક્તા હોય એવી અદામાં પલાઠીવાળીને બેસી ગયો.

હવે “મગન કૈસે બન ગઇ મીરાં” કથાની શરુઆત કરતાં પહેલાં બધા બાજુ એક ઉડતી નજર નાખતાં સંદિપ બોલ્યો. “જય..શ્રીઇઇ...” ત્યારે સામેથી શ્રોતાઓ એકી અવાજે સમુંહમાં જોરથી બોલ્યા “ક્ર્ષ્ણ...”

હાં... તો, વાત જાણે એમ બની હતી કે..,’ (ત્યારેજ ઓટલાની પાસે નીચે આંગણાંમાં ઉભેલા મગને, વચ્ચેની થાંભલીને અઢેલી ઓટ્લાની કોરે એક બાજુ પગ લટ્કાવીને બેઠેલા ભરત બાજુ જોઇ ધીરેથી “સુ...સુઉ..ચ્ચ..” સીસકારો કર્યો.) એટલે બધાનું ધ્યાન અવાજની દિશામાં દોરવાયું. મગન પોતાની હથેળીની વચ્ચે બીજા હાથનો અંગુઠો ઘસી બતાવીને ભરતને ઇશારો કરી રહ્યો હતો.

ભરત તરત સાનમાં ઇશારો સમજી ગયો. કે આને મિરાજ-તમાકુ ખાવાની તલબ ઉપડી લાગે છે. એટ્લે એનાં લેંઘાના પાછલા ખિસામાં હાથ નાંખી તમાકુનું અડ્ધુ ઘડી કરેલું પાઉચ કાઢ્યું. અને મગનને આપ્યું. મગને પાઉચ હાથમાં લઇ ઘડી ખોલી અને ચોરસ પાઉચના એક કોરે ખુંણામાં પાડેલા ઝીંણા કાણાને મોંમા મુક્યું. અને એમાં ફુંક મારી પાઉચ ફુલાવી કાઢ્યું. પછી હથેળીમાં થોડી તમાકુ ખંખેરીને કાઢી.

આ બધી તમામ ક્રિયા બેઠેલા લોકો નિહાળી રહ્યા હતા. એટ્લે સંદિપે મગન બાજુ જોઇને કહ્યું, એય... મીરાં, તું પણ અહિંયા આવીને મારી બાજુમાં બેસ તો.!! આ બધાનું ધ્યાન તારી બાજુજ ખેંચાયા કરે છે અને ક્યારના તનેજ  જોયા કરે છે.

સંદિપે મગનને મીરાં એવું કહ્યું. એટ્લે બેઠેલામાં પાછું એકવાર હળવું  હાસ્યનું મોજું ફરી વળ્યું.

જગુકાકા તો અહિંથી જતા રહ્યા. પણ, જતા-જતાં મગનનું  એક નવું નામકરણ કરતા ગયા. પહેલાં ફોઇ દ્વારા મૃગેશ નામ મુકેલું. પછી સ્કુલ અને આધારકાર્ડ્માં મંગેશ નામ બોલાતુ હતુ. દાદાએ મઘાન / મગન નામ પાડેલું. અને આજે ચોથું નવુ નામ ઉમેરાયું. મીરાં..  

હ્થેળીમાં કાઢેલી થોડી તમાકુની નાની ગોળ લોંદી બનાવીને ગાલના ગલોફામાં દબાવીને મુકયા પછી મગજમાં જાણે એકાએક સ્ફુર્તી આવી ગઇ હોય એમ એણે પહેરેલા લાંબા ડ્રેસને ઘુંટણ સુધી ઉપર ઉઠાવી જોરમાં કુદકો મારીને ઉચા ઓટ્લા પર મગન ચઢી આવ્યો.  આવીને સંદિપની બાજુમાં એ રીતે ઝડ્પથી બેઠો કે, એનાં ઘેરવાળા લાંબા ડ્રેસમાં હવા ભરાવાથી એના ગોળ ફરતે ફુદરડીની જેમ પથરાઇ ગયો. અને એ એક સાઇટ બન્ને પગવાળીને સંદિપની બાજુમાં બેસી ગયો. (જાણે કોઇ નવોઢા મેરેજ વખતે ફોટોશુટ માટે સુંદર પોઝ આપવા બેઠી હોય.) અને ગળામાં લટકતી ઓઢણી હવે માથા પર સરખી ઓઢી લીધી.  આ જોઇને સામે બેઠેલા શ્રોતાનાં મુખ ફરીથી મલકાયાં.

અત્યારનું આ સીન-દ્ર્શ્ય જોઇને બધાને એવું લાગતું હતું કે, જાણે જે રીતે ભાગવત પારાયણ કથા-સપ્તાહોમાં હમણાં હમણાં જે રીતે કથાને અનુંરૂપ પાત્રો તૈયાર કરીને અમુક પ્રસંગોની શાનદાર ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. તેવુજ અહીં પણ અત્યારે આ કથામાં ભજવવામાં આવવાનું છે કે શું.?  એવો ભ્રમ ઉભો થતો હતો.

હવે સંદિપે ખોંખારો ખાઇને વાતની શરૂઆત કરી…  

[મગન કૈસે બન ગઇ મીરાં...  જાણવા માટે વાંચો. વાર્તાનો અંતિમ ભાગ

મીરાં હો ગઇ મગન... ભાગ-4]

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ