વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

મીરાં.. હો ગઇ મગન... ભાગ-4

અત્યારનું આ સીન-દ્ર્શ્ય જોઇને બધાને એવું લાગતું હતું કે, જાણે જે રીતે રામાયણ, ભાગવત પારાયણ કથા-સપ્તાહોમાં હમણાં હમણાં જે રીતે કથાને અનુરૂપ પાત્રો તૈયાર કરીને અમુક પ્રસંગોની શાનદાર ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. તેવીજ રીતે અહીં પણ અત્યારે આ કથામાં ભજવવામાં આવવાનું છે કે શું.?  મગનને ડ્રેસ પહેરીને સામે બેઠેલો જોઇ બધાના મનમાં એવો ભ્રમ આભાસ ઉભો થતો હતો.

હવે સંદિપે ખોંખારો ખાઇને વાતની શરૂઆત કરી…  

“હાં.. તો, મિંત્રોંઓઓ...” આટલું સંભળતાની સાથેજ બધાની પાછળ છેલ્લે બેઠેલા દિપકે કનુંના કાનમાં કંઇક ગુસપુસ કરીને કહ્યું,  ‘….દી, આયવો. 

“જરા જોરથી બોલની.!! કંઇ હમજાય નીંઇ.! હું.? હોધી લાયવો.?” કનુંએ જરા મોટેથી કહ્યું. એટ્લે બેઠેલા બધાજ પાછળ તરફ ડોકાં ફેરવીને જોવા લાગ્યા. ત્યારે દિપક બધાને કહે, એ..તો, કંઇની.. રે.. કંઇની..! હું હમણાં ખેતરમાં માપ ખોદી આયવો. એમ કનુને કેતોતો.”

ત્યારે સંદિપ કહે, “મારા ભાઇઓં.. બહેનોંઓં... તમે જરાક શાંતી રાખીને આ વાત સાંભળશોઓં.. તો, આ વાતમાં તમને મઝા આવશે.” (પછી એની પલાઠીવાળા ઘુંટણ પાસે ખુલ્લી રાખેલી એક હાથની હથેળીમાં બીજા હાથની એક આંગળીથી ઠોકતા. અને એજ આંગળી પછી સામે બેઠેલાઓ તરફ લંબાવીને પુછતાં.) “શું.? આવશે.?” સામેથી અવાજ આવ્યો મઝા આવશે. પાછળ છેલ્લે બેઠેલા તરફ આંગળી લંબાવીને  “શું.? આવશે.?”   પાછળથી સમુંહમાં અવાજ  મઝા આવશે.

આવુ જોઇને છેલ્લે બેઠેલા ધોતીયાવાળા મગજીકાકાથી ન રહેવાયું અને ઉંચા-નીચા થતા વચ્ચે બોલી પડ્યા, ઓય.. સંદિપ પોયરા, તું વાત કરવાનોં?, કથા કરવાનો? કે પસી ભાષણ કરવાનો... તે કંઇ અમને હમજ નીં પડે. જે હોય તે, આ બધું વાતમાં મોંણ નાંખવાનું, ફેશન કાઢ્વાનું રેવા દેયને મુદ્દાની વાત ચાલુ કરની.!! અંઇયા કંઇ બધા પાંહે તારા જેવો ફાજલ ટાઇમ પડેલો નીં મલે. અંહીથી અવે પસી પાસુ ખેતરબાજુ હો જાવાનું સે.

હાં.., સારુ.. સારું મગજીબાપા, હવે આપડે આપણી સાદી ભાષામાંજ વાત ચાલુ કરીએ ત્યારે... સંદિપે કહ્યું. એટલે સામેથી પણ એક સાથે નાના-મોટાનો સુર સંભળાયો. “હોવ્વે... બરાબર છે... હાચી વાત...”

“આજે મારે રજા હતી. એટ્લે બાજુનાં ગામમાં રહેતા મારા એક દોસ્તારને ત્યાં મારે થોડું કામ હતું. તે આજેજ જઇને પતાવી આવું. એમ કરીને સવારમાં હું જવા માટે તૈયારી કરવા લાગ્યો હતો. ત્યારે તે જોઇની અમારી આ ઘરવાળી (બાકડા પર બીજાઓ સાથે બેઠેલી વર્ષા બાજુ બતાવતા) પણ મારી સાથેજ આવવા માટે તૈયાર થતી હતી. પણ હું જઇને પાછો તરત આવી રહેવાનો હતો. તો આવા ધોમધખતા તાપમાં ખાલી-ખોટી શું કામ એને ફેરવવા લઇ જાઉ.? એમ કરીને એને સાથે આવવાની ના પાડી હતી. તેથી એને મનમાં જરાખાણ ચુચરો ને ખોટું લાગી ગયેલું હશે. અને પાછુ અધુરામાં પુરું અત્યારે હું મગનને છોકરીનાં ડ્રેસમાં ગાડી પર બેસાડીને લઇ લાવ્યો. અને એને જોઇને આ સાચેમાચનીજ કોઇ છોકરી હશે. એવું જાણીને અદેખાઇમાં એનો ગુસ્સો ઓર વધ્યો હશે. તેથી એ અમારા આવતાની સાથેજ, કંઇ પણ પુરું જાણ્યા-મુંક્યા પુછ્યા સિવાય તરત બબાલ અને શોરબકોર કરવા મંડી પડી. તેથી એ સાંભળીને તમે બધા અત્યારે અહિં ભેગા થઇ ગયા.

    તો... હું આજે સવારે અહીં ઘરેથી આઠેક વાગે મારી બાઇક લઇને નિકળી ગયો હતો. પછી આપણા ગામનાં ચાર રસ્તા પડે છે ત્યાં દુકાન પાસે જરાકવાર માટે મે મારી બાઇક ઉભી રાખી હતી. ત્યારે આપડો આ મગન ત્યાંજ રોડની બાજુમાં બીજા બધા સાથે દુકાન પાસે ઉભેલો હતો. એણે મને જોયો એટ્લે તરત મારી પાસે ઝડપથી આવી ગયો. અને મને પુછવા લાગ્યો. કે, સંદિપ, આજે કઇ બાજુ રે.. જવાનો.! ત્યારે મેં એને કહ્યું, અહીં નજીકમાંજ બાજુના ગામમાં જવાનો છું. આવવાનો તો ચાલ હંઘાતમાં. તો એ એક્દમ પરવાર્તો ભાઇ, એટ્લે તરત મારી ગાડી પર પાછળથી ઘોડો કરીને બેસી ગયો. અને એને સાથે લઇ જવાનું કારણ એ પણ કે, એ પાછો લપલપિયા કાચબા જેવો બો ભારે વાતુડીયો, એનું મોઢું જરાકવાર પણ બંધ ની રેય. કંઇને કંઇ વાત ચાલુજ રેય. તેથી એની સાથે ટાઇમપાસ સારો થઇ જાય. અને રસ્તે મને એકલાને કંટાળો ની આવે. એમ કરીને એને હંઘાતમાં સાથે બેસાડીને લઇ ગયેલો.

   પછી સાઢા દસેક વાગે જેવા અમે મારા દોસ્તારને ત્યાંથી કામકાજ પતાવીને પાછા આવવા માટે નિકળ્યા. અમે આપણા ગામ તરફના રસ્તે આવી રહ્યા હતા. અને હવે દુરથી સફેદ ચુનાથી રંગાયેલા નદીના પુલના બંને કઠેરા નજરે પડી રહ્યા હતા. ત્યારે ચાલુ બાઇક પર મગન મને વાત-વાતમાં પુછવા લાગ્યો.  સંદિપ, અત્યારે આપડા ગામમાં, ફળિયામાં, આજુ-બાજુમાં કોઇ એવું વ્યક્તિ, ડોહું-ડ્ગરું બિમાર છે કે.? જેણે ખાવા-પીવાનું બિલકુલ છોડી દીધેલું હોય. અને એકદમ છેલ્લી પાયરી પર આવીને હવે ઉપર જવાની તૈયારી કરીને છેલ્લી ઘડીઓ ગણી રહ્યું હોય. એવું કોઇ તારી જાણમાં છે કે.?’

સંદિપ : કેમ.? કોઇ એવું માણહ હોય. તો, તેની તું સેવા કરવા માટે જવાનો કે.?? યાર... તારો આ આવો ઉંચો વિચાર જાણીને મને ખુબ આનંદ થયો. દોસ્ત કેવુ પડે હંકે.. 

મગન : યાર... એવું કંઇ નીં મલે.?’        સંદિપ : તો.., પછી.?’

મગન : મેં તો, એના હારુ પુછતો અતો. કે, આવું જો કોઇ માણહ હોય ને? તો.. એ મરી જાય. એટલે એને અહિંયા નદી કિનારે સ્મશાનમાં બાળવા માટે લાવવું પડે. અને આપડેભી સ્મશાનયાત્રામાં સાથે જોડાઇને આવીએ. તો એ બહાને અહિંયા નદીમાં નહાવાની બો મઝા આવે. એટ્લે તને પુછ્તો હતો. અને અત્યારે તો સ્પેશ્યિલ નદીમાં નહાવા માટે આવવાનો કોઇ મોકો ટાઇમ જ નીં મળે. તો આ બહાને ઘણા સમયે નદીમાં નહાવાનો એક મોકો મળી જાય. તેના હારુ..

સંદિપ : યાર... તું તો, કંઇ માણસ છે કે.? તારો પોતાનો ખાલી નદીમાં નહાવાનો શોખ પુરો થઇ જાય એટલાક ખાતર કોઇ સારું માણસ મરી જાય. એવી તું ઇચ્છા કરે કે.? બોજ સ્વાર્થી માણસ તું તો. આવો અશુભ વિચાર કરે એટલે તને તો બો પાપ લાગહે.

હવે વાત કરતા-કરતા પુલ પર અધવચ્ચે આવી ગયા હતા. અને પુલ પરથી નીચે નજર કરતા પાણીથી છલોછલ ભરેલા ચેકડેમને જોઇ મગનનું મન નહાવા માટે ક્યારનું એકદમ તલપાપડ થયા કરતું હતું. આ સહ્યાદ્રીના પર્વતમાળામાંથી વહેતી આવતી તાન નદીનો પ્રભાવ જ એવો છે કે, એના નીર નિહાળીને ભલભલાને નહાવાનું તાન ચડી જાય.   

સંદિપ : અને જો.. સાંભળ, નીચે જો.. અહિંયાજ સ્મશાન ભૂમિ છે. અને તું અત્યારે આવી કોઇના મરવાની વાત કરે છે. તો અહિંયા કોઇની સદગતિ ન થયેલી હોય એવા આત્મા કદાચ ભુત-પ્રેતના રૂપમાં રખડ્યા-ભટકયા કરતા હશે. અને એ જો તારી આ વાત અત્યારે સાંભળી પાડ્શેને.? તો, તને ખુબ હેરાન પરેશાન કરશે. ત્યારે તને ખબર પડશે.  

મગન : અરે.. ઓ ભાઇ, જવા દેને આ બધી વાત. એ બધુ પહેલેના જમાનામાં, આગળના વખતમાં કદાચ થતું હશે. હવે આવું કંઇ નીં મળે. આતો મનનો ખાલી-ખોટો વહેમ છે. બાકી એવું કંઇ નથી.

પછી સંદિપના ખભા પર પાછળથી હાથ મુંકીને મગન કહે, સંદિપ, જો ને.. અત્યારે બપોરની કેટ્લી બધી સખત ગરમી પડે છે. તો, ચાલની અત્યારે આપણે બંને જણા આ નદીમાં જરાક નહાઇને ઠંડ્ક કરીને પછી ઘરે જઇએ.

ંદિપ : નૈય.. મારે તો અત્યારે નદીમાં નહાવાની બિલકુલ ઇચ્છા નથી.

મગન : કેમ.?? આમા બોજ કંઇ વાર નીં લાગે. આપણે પેલાં ચકલાંની જેમ કોઇ મોટા પાણી ભરેલા વહેતા ખાડામાં પાંખ ફફડાવીને જરાક છબછબીયાં કરીને જલ્દીથી પાછા બહાર નિકળી આવીએ. 

 ંદિપ : તારે નહાવું હોય તો નાહી લે. પણ, મારે નથી નહાવું.

મગન : કેમ.? નહાવામાં શું વાંધો છે.?’

ંદિપ : નહાવામાં મને કોઇ વાંધો નથી. પણ, નહાયા પછી મારી હેરસ્ટાઇલ અને વાળ બગડી જાય એટલે. અને મારા પેન્ટ્નાં પાછલા ખિસામાં કાયમ રહેતી નાની કાંસકી પણ આજે નથી એટ્લે. અને આવા અસ્તવ્યસ્ત વાળ સાથે ગામમાં જવાનું મને ઠીક નીં લાગે.

 મગન : હારું... તો, તું નીં નાહ્ય તો કંઇ નીં. પણ.. મને તો જરાક નહાય લેવા દે. જેથી મારી મનની બો કેદિવસની અધુરી ઇચ્છા પુરી થાય.

પુલ પુરો થયો. પછી થોડે આગળથી યુ-ટર્ન મારીને નીચેના ઢોળવવાળા રસ્તે  સ્મશાન ઘર તરફ જવાના રસ્તે ગાડી સંદિપે વાળી. અને સ્મશાન ઘરની સામે રોડની બાજુમાં ડાઘુઓને બેસવા માટે બનાવેલા પતરાના શેડ પાસેના પગથિયા પાસે બાઇક ઉભી રાખી. પછી મગનને કહ્યું. ચેકડેમ આખો પાણીથી છલોછલ ભરેલો છે. એટ્લે એમાં નહાવાનું સાહસ ના કરતો. એમાં પાણી ખુબ ઉંડુ છે. તેથી નીચે લીકેજ થઇને વહેતા પાણીમાં કોઇક જગ્યાએ જલ્દી નહાઇને પાછો આવતો રહે. એટલી વાર હું અહિંયા બેસીને તારી રાહ જોઉં.

ચાલ તો.. મેં અમ્ણાં નાહ્યને પાછો આયવો હંકે. એમ કહીને ચેકડેમની પાળી તરફ દોડતો નિકળી ગયો.

હવે આ બાજુ સંદિપ પગથિયાં ચઢીને શેડની અંદર દાખલ થયો. અને ખુણો પડે ત્યાં બેસવા માટે બનાવેલી બેઠક પર બેઠો. પછી ખિસામાંથી મોબાઇલ બહાર કાઢી, બેઠક પર પગ લાંબા કરી પાછળની પાળીને અઢેલી નિરાંતે આડો પડ્યો. અને મોબાઇલમાં વોટ્સએપ અને ફેસબુકનાં મેસેજો ચેક કરવા લાગ્યો. આમ એક પછી એક મેસેજ જોતો જતો હતો. ત્યારે થોડીવાર થઇ હશે ને, ‘સંદિપ.., ઓ... સંદિપ... એના નામની કોઇ દુરથી જોર જોરમાં બુમ મારતું હોય એવું એને સંભળાયું. એટલે એણે બેઠા થઇને અવાજની દિશામાં જોયું. તો, ચેકડેમની પાળી પર વચ્ચેવચ જેવો અંડરવિયરમાં ઉભો રહીને મગન બુમ પાડી રહ્યો હતો.

ખિસામાં મોબાઇલ મુંકી ઝડપથી ચેકડેમની પાળી પર થઇને બંધ કરેલી બારીનાં નાકાંવાળી ગેપને (ખાલી જગ્યા) જોરથી કુદતો-કુદતો સંદિપ મગન પાસે આવ્યો. અને આવતાંવેત પુછ્યું. શું થયું. કેમ બુમો પાડે છે.?’

મગન : મારાં કપડાં ક્યાં?’   સંદિપ : મને શું ખબર.? તેં કઇ જગ્યાએ કાઢીને મુંકેલાં?’

મગન : અત્યારે અહિંયા ઉભેલા છે. એજ જગ્યાએ મેં આ પાળી પરજ મુંકેલા. આટ્લે જીન્સનું પેન્ટ કાઢીને મુંકેલું અને એની બાજુમાંજ જર્સી હો કાઢીને મુંકેલી. મારા ચંપલ તો અહિંયાજ છે. પણ પેન્ટ ને જર્સી ની મળે.

આ સાંભળીને સંદિપે પણ આજુ-બાજુમાં બધેજ નજર દોડાવીને જોયું. પણ ક્યાંય કપડાં દેખાયાં નહિ. પછી સંદિપ કહે, ‘અહિંથી તો તારા કપડાં કોણ લઇ જાય.? અને અત્યારના બપોરનાં સમયે આ બાજુ કોઇ માણસની અવર-જવર પણ નથી. તો પછી તારા કપડાં જાય ક્યાં.?’

પછી વિચારીને હસતાં હસતાં સંદિપ કહે, ‘હું પછી તને કહેતો હતો ને? કે અહીં સ્મશાનમાં ભુત-પ્રેત, આત્મા એવું કંઇક ભટકતા હોય છે. તો તેઁમણેજ નક્કી તારા કપડાં ગુમ કરી દીધા હોય એવું લાગે છે. બાકી તારા જુનાંને ઘસાય ગયેલાં કપડાં અહિંથી વળી કોણ લઇ જાય.

અંડરવિયરમાં પાળી પર ઉભેલો મગન હવે ટુંટ્યુવાળીને ઉભડ્ક બેસી ગયો. અને સંદિપને કહે, ‘તને અત્યારે મશ્કરીને ગમ્મત કરવાનું સુઝે છે. પણ હવે કપડા વગર ઘરે કેવી રીતે જઇએ?’

સંદિપ : તું એકદમજ કપડાં વગરનો થોડો છે? ઇજ્જ્ત ઢંકાય એટ્લું તો એક કપડું તારા શરીર પર મોજુદ છે. ચાલ.. મારી પાછળથી નીચું માથું કરીને તું બેસી જા. એટલે ફટાફટ એકદમ સ્પીડમાં ગાડી ભગાવીને ઘરે પહોચી જઇએ. 

મગન : હા.. હા.. હા.., જો.. જો..!! અત્યારે તું મને કેવોક રે.. કહે. થોડીવાર પહેલાં તો તું મને એમ કહેતો હતો કે, તારા વાળ બગડી જાય તો, ગામમાં જવાની તને શરમ આવે. અને અત્યારે મને આવી દશામાં ગામમાં જવાનું કહે. તો, મને શરમ નીં આવે કે.?  હવે આવી બધી વાતમાં ટાઇમ બગાડવાનું છોડ અને દિમાગ લગાવીને કોઇ મારા માટે યોગ્ય ઉપાય શોધ.

હવે સંદિપ ત્યાંજ ઉભા રહીને આમ-તેમ નજર દોડાવીને વિચારવા લાગ્યો. પછી અચાનક ઝ્બકારો થયો હોય એમ મગનને કહે, ‘મગન, એક ઉપાયથી તારું કામ થઇ જાય એવી આશા બંધાયી છે. જો.. ત્યાં નદીનાં સામે કિનારે કોઇ કપડાં ધોતું હોય એવું લાગે છે. અને નદીના ખુલ્લા પથ્થરો પર કપડાં પણ સુકવવા નાખ્યાં છે. તો તું ત્યાં જા. અને ત્યાં પેન્ટ-શર્ટ હોય તો માંગીને પહેરી આવ. અને ઘરે જઇને પછીથી એમને પાછા પરત પહોંચાડી દઇશું.

ઉભા થઇને મગને ઝીણી નજરે ધ્યાનથી કપડાં ધોવાતા હતા તે તરફ જોયું. અને સંદિપને કહે, ‘સંદિપ, ત્યાં છે ને.! એક બૈરી અને એક છોકરી કપડાં ધોતી હોય એવું લાગે છે. એટ્લે આવી પોઝીશનમાં મારાથી ત્યાં ન જવાય. એલોકો મને જોઇને જો કંઇક ઉધો અર્થ કાઢી બેસે તો સાલી મગજમારી થઇ જાય. એટ્લે તું જ જઇને જરા માંગી લાવે ને.! તો સારું પડે.

સંદિપ : યાર.. એક તો હું તને ફ્રીમાં મારી સાથે ફરવા લઇ ગયો. તેં નદીમાં નહાવાની ઇચ્છા કરી. તો તને નહાવા દીધો. અને હવે તારા માટે કપડાં માંગવા પણ મારે જ જવાનું કે.?’

મગન : દોસ્ત, હવે બો નાટક નીં કરની.!! જરાક જઇને અવે લઇ આવની.!! આ તારા દોસ્તનો અત્યારે ઇજ્જ્તનો સવાલ છે.

ચાલ.. તો હવે તારું આ કામ કરવા માટે પણ જાઉ છું ત્યારે... કહીને કપડાં ધોવાતા હતાં તે દિશામાં પથ્થરો પર સાચવીને પગ મુકતા જઇને  સંદિપ જવા લાગ્યો.

ત્યાં પહોચીને પેલી સ્ત્રી અને છોકરીને પ્રોબ્લેમની વાત કરી. આ સાંભળીને તેઓ પણ દાંત કાઢીને ખુબ જોર જોરથી હસવા લાગી. પછી સંદિપે ત્યાંથીજ ઉંચા અવાજે બુમ મારીને મગનને કહ્યું, “અરે... અંહિંયા તો.. ડ્રેસ અને સાડીઓજ છે... પેન્ટ, શર્ટ નથી... તો, હવે શું કરું...??”  (પેન્ટ-શર્ટ હતા. પણ તે એકદમ નાના છોકરાનાં હતા)        

મગન : “અરે... ભાઇ, તું જે હોય તે લઇ આવને... અહિંયા તો શરીર ઢંકાવું જોઇએ...”  

પછી ત્યાં સુકવવા નાખેલા કપડામાંથી પસંદ કરીને એક ડાર્ક બ્લુ કલરનો ડ્રેસ, ઝાંખા પીળાશ કલરની લેંગીસ અને દુપટ્ટો લઇને પેલી છોકરીને બતાવ્યું કે આ હું લઇ જાઉ છું. અને તેમનું ફળિયું-ઠેકાણું બરાબર પુછીને જાણી લીધું. અને કહ્યું, ‘સાંજે અમે આવીને પાછું પરત કરી જઇશું. એમ કહી મગન પાસે સંદિપ કપડાં લઇને આવી ગયો.   મગનનાં હાથમાં કપડાં આપ્યાં એટ્લે એ તરત પહેરવા લાગી ગયો. પહેલાં ઘુંટણ સુધીનો લાંબો ઘેરવાળો ડ્રેસ પહેરી લીધો. પછી પાળી પરથી ઉતરીને ડેમની નીચેનાં પથરાઓમાં કંઇક શોધતો હોય એમ આમ-તેમ આંટા મારવા લાગ્યો. આ જોઇ સંદિપ કહે, ‘હ્જુ પાછો શું? તે બાજુ પથરાઓમાં ફાંફા મારે છે. જલ્દી કપડાં પહેરી લેય. તો હવે ઘરે જઇએ. (પછી કંટાળીને) અરે... તું આ લેંગીસ પહેરવાનું માંડીવાળ અને એમજ ગાડી પર બેસી જા. આ ડ્રેસ લાંબો છે એટલે વાંધો નંઇ આવે.

મગન કહે, ‘પણ... આ પગ પરના કાળા જાડા વાળ કોઇ જોઇ પાડે તો, કેવું ખરાબ લાગે.!!

ત્યારે સંદિપ હસતાં-હસતા કહે, ‘એવી ખબર હતે તો આપણે પહેલાં વેક્સીન કરાવીનેજ આવતે.

મગન પછી શોધી લાવેલ એક ઝબલા કોથળી હાથમાં પકડીને ચેકડેમની પાળી પર ચઢી ગયો. અને પાળી પર બેસીને પગના પંજામાં ઝબલા થેલી ભેરવી દીધી. અને તેના પરથી સરકાવીને એક પગમાં ઝડપથી ખેંચીને અડધે સુધી ફીટીંગ લેંગીસ ચડાવી લીધું. પછી એજ પ્રમાણે બીજા પગમાં પણ કર્યું. હવે ઉભા થઇને બંને પગમાં અડધે સુધી ચઢાવેલું પગને ચપોચપ, ચુસ્ત ફીટીંગવાળું લેંગીસ બરાબર ખેંચીને કમ્મર સુધી પહેરી લીધું.

ક્યારનો આ બધી ક્રિયા નિહાળી રહેલો સંદિપ નવાઇ પામતાં કહે, ‘દોસ્ત મગન, કેવું પડે હાં..! આ આવી રીતે પહેરાય એવું મેં આજેજ પહેલીવાર જોયુંને જાણ્યું.  

પછી ગળામાં દુપટ્ટો નાંખીને હવે મગન પુછે, ‘બોલ.. સંદિપ, હવે હું કેવી લાગું?’

યાર... તું તો એકદમ કમાલની લાગે. તારા શરીરનો ઘાટ નકશો એવો છે કે, આ ડ્રેસમાં તને જોઇને છોકરો છે એવું  કોઇભી નીં માને. ભલભલા થાપ ખાઇ જાય... એક મિનિટ, આવ્વોજ ઉભો રહેજે હંકે... તારો એક મસ્ત ફોટો પાડી લઉં. એમ કહી ખિસામાંથી સંદિપે મોબાઇલ બહાર કાઢ્યો. અને કેમેરો ઓન કરતો હતો. ત્યારેજ મગને સામેથી પુછી પાડ્યું, ‘આ ફોટો પાડીને તું શું કરશે?’

સંદિપ : આ ફોટો હું વોટ્સએપ અને ફેસબુક્માં મુકી દઉં. એટલે એક રાતમાં તુ ફેમસ બની જાય.  

આ સાંભળતાની સાથેજ મગન કહે, ‘એય... ઓય... આવું ન કરતો... આવી ભુલ ન કરતો... નીં તો તું મારી ઇજજતની પથારી ફેરવી લાખહે.. એમ કહેતાં તરત મગન ઉધો ફરી ગયો. અને મોઢા પર ફટાફટ ઝડપથી ઓઢણી બાંધવા લાગ્યો. ચહેરો પુરેપુરો ઢંકાઇ ગયા પછી હવે સંદિપને કહે, ‘લેએ...  હવે તારે જેટલા ફોટા પડવા હોય એટલા પાડ.     

ત્યારે સંદિપ કહે, ‘યાર... તું તો, બો જબરો કમાલનો માણસ નિકળ્યો. આ ઓઢણી-દુપટ્ટો તને મોંઢા પર મસ્ત બાંધતા કેવી રીતે આવડે.? આવું તુ ક્યાંથી શીખી આવેલો.

હું છે ને..! બધી છોકરીઓ મોપેડ પર બેઠા પછી કેવી રીતે ઓઢણી બાંધે. તે ધ્યાનથી બરાબર જોતો રહેતો હતો. તે આજે મને કામ આવ્યું.

અત્યારે સંદિપના હાથમાંજ ફોન હતો. અને ત્યારેજ અચાનક રીંગ વાગવા માંડી. એટ્લે સ્ક્રિન પર પડેલું નામ વાંચ્યું. અને ફોન રિસીવ કર્યો.

 હાં.. બોલ.. ભરતા, શું રે.. કેય.

 સામેથી સ્ત્રીનાં જેવા પતલા રાગમાં અવાજ સંભળાયો. અત્યારે તમે ક્યાં? ને કંઇ બાજુ છો.?’

 અવાજ પરથી સંદિપને તરત ખ્યાલ આવી ગયો કે, આતો ઘરવાળી વર્ષાનો ફોન છે. એટલે એકદમ નરમાશથી જેવો જવાબ આપ્યો.  કેમ.? કંઇ ખાસ કામ છે કે.?’

વર્ષા : નાં રે.. ખાસ કામ જેવું તો કંઇ નથી. પણ તમે સવારનાં ગયેલા. અને અત્યારે બપોર થવા આવી. એટલે હજુ કેટલેક કંઇ બાજુ છો. એ જાણવા માટે જ ફોન કર્યો.

સંદિપ : હું છે ને.!! અત્યારે આપણાં ગામ પાસેની નદી છે. ત્યાં પુલ પાસે આવી ગયો છું. એટલે થોડીવારમાં હવે આવ્યો. ઘરે આવતા મને ખાલી દસ-પંદર મિનીટ લાગશે.

ફોન કટ કરી ખિસામાં મુક્યો. અને મગનને કહે, ‘ચાલ હવે ઘરે જઇએ. ઘરથી ફોન પણ આવી ગયો. ત્યારે મગન કહે, ‘આ કપડાં મેં પહેરી તો લીધાં. પણ, મારા કપડાં ક્યાં ગયા હશે.? તે કંઇ હજુ સુધી મને ખબર નંઇ પડી.

ચાલ... તું ચાલવા માંડની. તને ચાલતાં-ચાલતા કહું કે, તારા કપડાં ક્યાં ગયા તે.! એ રહશ્ય મને સમજાઇ ગયું છે. હું જ્યારે આ તારા માટે કપડાં લેવા ગયોને..!! ત્યારે ત્યાં સુકવવા નાખેલાં બધાજ કપડાની કોરે કપડા પર સાધારણ નાના પથરાઓ મુંકેલા હતા. એટલે હું સમજી ગયો કે, સુકાઇ ગયા પછી આ કપડાં જોરથી ફુંકાતા પવનમાં ઉડી ન જાય. એટલા માટેજ આ પથ્થરો મુંકેલા છે. તો તારા કપડાં પણ કદાચ જોરથી પવન ફુંકાઇને આવ્યો હશે. ત્યારે આ પાળી પરથી ઉડીને, અથવા ગબડીને ડેમના ઉંડા પાણીમાં ગરક થઇ ગયા હશે. અને આ તારી ચંપલ વજનદાર છે અને એમાં પવન ઘેરાય નંઇ. એટ્લે એ એમજ સલામત રહી ગઇ હશે. એવું બની શકે

વાત કરતા-કરતા બાઇક પાસે આવી ગયા. અને બાઇક સ્ટાર્ટ કરીને હવે ઘરે જવા માટે ત્યાંથી નિકળી ગયા.

ચાલુ બાઇકે મગન સંદિપને કહે, ‘સંદિપ, આવા વેશ-દિદારમાં હું મારા ઘરે કેવી રીતે જાઉં.? અને ઘરનાં સદાચ મને સવાલ કરીને પુછે કે, આવું કેમ.? તો, એમને હું આનો શું જેવો જવાબ આપું.?’

સંદિપ : યાર... તું એનું ટેન્શન અત્યારે છોડ. એનો પણ હું તને સોલિડ આઇડિયા બતાવું. જેથી તારો આ પ્રોબ્લેમ પણ આસાનીથી સોલ્વ થઇ જશે. અત્યારે આપણે સિધ્ધા અમારા ઘરે જઇએ. હમણાં બપોરનો ટાઇમ છે. એટ્લે ફળિયાના બધા ખેતરબાજુથી આવીને, જમીને અત્યારે નિરાંતે સુતા હશે. અમારા ઘરે પણ બા-બાપુજી આરામ કરતા હશે. અને વર્ષા કંઇ કામમાં રોકાયેલી હશે. એટલે આપણે આંગણાંમા ગાડી ઉભી રાખી ચુપચાપ ઘરમાં ઘુસી જવાનું. અને તારે આ કપડાં ફટાફટ કાઢીને હું આપું તે મારા કપડાં જલ્દીથી પહેરી લેવાના. એટલે કોઇને કંઇ ખબર ની પડે. પછી તુ તારા ઘરે નિરાંતે જજે. હવે આ આઇડિયા તને કેવો લાગ્યો.?’

મગન : આઇડિયા તો બરાબર છે. આવુ જ કરવું પડશે. આના સિવાય બીજો કોઇ ઉપાય પણ હાલમાં દેખાતો નથી.

આમ વાત કરતા કરતા ખુશ થતા અમે બંને જણા બાઇક પર અમારા ઘરના આંગણામાં આવી ગયા.

અને આંગણામાં આવીને જેવા ઉભા રહ્યા. ત્યાર પછી શું થયું.? તે તમે ઓટલા પર બેઠેલા આપ સૌએ બધાએ નજરો નજર જોયું જ છે. એટલે એ કહેવાની હવે કંઇ જરૂર રહેતી નથી. માટે..

ચાલો... તો, આ કથા-વાર્તાને હવે, અહિ.. વિરામ આપીએ...   

“જયશ્રી... કૃષ્ણ...”  

પોયરા.. અવે અંઇયા આ કથા-વાર્તા પુરી કે ?’ વાંકા વળીને પોતાના ઘુંટણ પર હાથ રાખી ધીરેથી ઉભા થતા મગજીકાકાએ પુછ્યું.

“હમણાં સંદિપે છેલ્લે હું કેયું તે બરાબર હાંભય્ળું કે, મગજીબાપા...!! આ કથા-વાર્તાને વિરામ આયપો. વાત પુરી થૈય ગેય, સમાપ્ત થૈય ગેય. એવું અઝુ  એણે નીં કીધું. એટલે અઝુ આપડે અંઇયાજ બેહી રીયેને!. તો કદાચ જરાખાણ વચ્ચેનું કંઇ બાકી રેય ગેય્લું હોય. તે વાત પાસી કાઢે હો કદાચ...!!”  બાજુમાં બેઠેલા દિપકે મગજીકાકાને કહ્યું.

*  *  *  *  *

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ