વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બાપુજી

(૧)

વૃક્ષ ઉભું છે

થૈ ઘટાદાર,ઉનાળે

શીતળ છાંયો!

(૨)

સુખદુઃખમાં

હૈયે ધરપત,છે

વિસામો સૌનો!

(૩)

લડે જગથી

હર પ્રસંગે,બાપ

બનીને સૌનો!

(૪)

ખુદના માટે

ખર્ચે ના પાઇ,સૌનો

તારણહાર!

(૫)

હસતો રહે

સદાયે,ભીતરથી

ભલે હો દુઃખી!

(૬)

ભીંતે ઝૂલતી

છબીમાંથી, આંખો દે 

માર્ગદર્શન.!

(૭)

સફેદ ટોપી

છબીમાં,લ્યો હજુયે 

રૂઆબદર!

(૮)

ઊંધે મારગ

હાલ્યા જો,છબીમાંથી

દેખાડે આંખો!

(૯)

આંગળી ઝાલી

તારે મારગ,દુઃખ

હરે સઘળા !

(૧૦)

ભલેને આજ

ભીંતે લટકે,તોયે

બોલી કડક! 

(૧૧)

ઉભી બજારે

સૂર્ય સમ,બાપની

બોલતી તૂતી!

(૧૨)

છત વિનાનું

શીર્ષ અંબર,ભાસે

ધુંધળો ભવ!

(૧૩)

ભોળું ચકલું

છબી પર,હજુયે

કરે ચીં..ચીં..ચીં..!

(૧૪)

ભલેને બેઠા

છબીમાં,પગરવ

હજુ બારણે!

(૧૫)

ધરામાં ભળી 

ગ્યા તોયે,કાગળે

ચિતર્યો છાંયો!

(૧૬)

ભળી ગ્યો ભલે

અંધકારે,ઓળખ

ધરી મુજને!

(૧૭)

અમી નજર

હાથ હુંફાળો,તારી

ગયા અમને!

(૧૮)

પૂરું આયખું

ખૂબ વરસ્યાં,જાણે

અષાડી મેઘ!

(૧૯)

'માં'નો શૃંગાર

ઘરનો મોભી,સદા

વેરતો સુખ!

(૨૦)

આપે આધાર

આંગળીઓ પકડી,

માર્ગદર્શક!

(૨૧)

બનીને સંત  

પીરસી ગયા,ધન

ફાંટ ભરીને!

(૨૨)

કદી સરળ

કદી અઘરો,છતાં

સૌને વહાલો!

(૨૩)

સૂકા રણમાં

મીઠું ઝરણું,બાપ

વહે શ્વાસોમાં!

(૨૪)

ખરા બપોરે

જુતે ખેતરે,ખૂબ

પ્રસ્વેદે ન્હાય!

(૨૫)

કાળા ઉનાળે

તડકો ઓઢી,લડે

એકલપંડે!

(૨૬)

બાપના કર્મો

લખતાં થાકી, ધાર

બુઠ્ઠી કલમ!

(૨૭)

કદી બનતો

અશ્વને,કદી કાંધે

વેંઢારે બોજ!

(૨૮)

ચાલશે બધું

કહી,ખેંચે એકલો

ઘરનું ગાડું!

(૨૯)

વહેલા ઉઠે

કામ અટોપે,ભાગ્યે

વિશ્રાન્તિ શૂન્ય!

(૩૦)

ચોમાસુ બેઠું

વરસી યાદો,બાપ

હૈયે અમર!


'માં'ના વિષય પર ખૂબ ગદ્યને પદ્યમાં લખાયું છે, 'ફાધર ડે'ના અવસર પર બાપુજીના પરિવાર માટેના યોગદાન પર થોડાં હાઈકુઓ લખવાનો પ્રયાસ કર્યો છે. વાંચી યોગ્ય લાગે તો આપનો કિંમતી પ્રતિભાવ જરૂરથી આપશો..!


જયંતિલાલ વાઘેલા (એકાંત)



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ