વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પાગલ- એક પ્રેમ કથા.


      'પકડો-પકડો કોઈ મારાં દીકરાને પકડો...' નિર્મલાબહેન પોતાના દીકરા માટે બૂમો પાડવાં લાગ્યાં.  નિર્મલાબહેન  અને અનિરદ્ધભાઈને બે દીકરા...  મોટો પુત્ર  સમીર અને નાનો મિહિર. મોટો પુત્ર અભ્યાસપૂર્ણ કરી પોતાની કારકિર્દીમાં લાગી ગયો હતો, પરંતુ નાના પુત્રએ માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. નિર્મલાબહેનને આથી કરીને ઉપાધી રહેતી. એવું પણ ન હતું કે કાયમ માનસિક અસંતુલનમાં રહે, પરંતુ ક્યારેક-ક્યારેક સ્ક્રીજોફેનીયાનો સ્ટ્રોક આવી જતો, ત્યારે તેને સાચવવો મુશ્કેલ થઈ જતો. આજે પણ મિહિરે માનસિક સંતુલન ગુમાવી દીધું હતુું અને તેણે ધાબા પરથી નીચે પડતું મુકવા દોટ મુકી હતી. જયારે પણ તેને સ્ટ્રોક અવતો, ત્યારે તે બેકાબૂ બની જતો. ઘરમાં તોડફોડ કરી દેતો. પોતાની જાતને નુકસાન કરવા તૈયાર થઈ જતો. છેલ્લા થોડા મહિનાથી મિહિરની આ દશા થઈ હતી.

         મિહિર દેખાવે ખૂબ જ હેન્ડસમ હતો. 12સાયન્સ પછી BSC NURSINGનાં કોર્સ માટે લીલા નર્સિંગ સ્કુલમાં એડમિશન લીધું હતું. મિહિરને BSC NURSINGનો અભ્યાસ  કરી, 'બ્રધર' બની, દર્દી નારાયણની સેવા કરવી હતી.  BSC NURSINGનાં ત્રણ વર્ષ ખૂબ જ જળહળતા પસાર કર્યા હતાં. પરંતુ છેલ્લા વર્ષમાં તેણે માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. આજે પણ માનસિક સંતુલન ગુમવી દેતાં પોતાની જાતને મિટાવવા અગાસીનાં દાદર ચડવા લાગ્યો. સદભાગ્યે બાજુની અગાસીમાં મનસુખભાઈ ઉભા હતા. નિર્મલાબહેનની બૂમો તેના કાને પડતાં, તેમણે મિહિરને ઝાલી રાખ્યો. થોડી કળ વળતાં મિહિરને તેના સાયકાટ્રીક ડૉ.કૈરવ શાહ પાસે લઈ ગયાં. ડૉ. શાહે તેને તાત્કાલીક કમ્પોઝ 5 CC ઈન્જકશન આપ્યું અને મિહિર શાંત થયો. 

 *********************************************

      "સાહેબ ! મારી દીકરીનું મોત થયું છે અને મને શંકા છે કે મારી દીકરીનું મૃત્યુ કુદરતી નથી. તેની હત્યા થઈ છે." રમણભાઈ પોલીસ સ્ટેશનમાં પોતાની દીકરી નિધિનાં મોતની ફરિયાદ લખવવા માટે આવ્યા.

જાડેજા (ઈન્સ્પેક્ટર) : "ક્યાં છે તમારી દીકરીની લાશ? કઈ રીતે તેનું ખૂન થયું છે?"

રમણભાઈ : "મારી દીકરીએ 12 સાયન્સ પછી BSC NURSINGનાં કોર્સ માટે લીલા નર્સિંગ સ્કુલમાં એડમિશન લીધું હતું. અમે ગામડે રહીએ છીએ. એ અહીં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. છેલ્લું વર્ષ બાકી હતું. તેની સગાઈ  નક્કી થઈ ગઈ હતી. BSC NURSINGનો અભ્યાસ પૂર્ણ થાય પછી તેનાં લગ્ન કરવાનાં હતાં. પરંતુ અચાનક તેનું મૃત્યુ થઈ ગયું. મારી દીકરીનાં અગ્નિસંસ્કાર પણ  થઈ ગયા છે. પરંતુ મને ખાતરી છે કે તેનું મોત કુદરતી મોત નથી."

જાડેજા : "તમે અગ્નિસંસ્કાર પહેલાં કેમ પોલીસ સ્ટેશન ન આવ્યા. ?  તેનું પોસ્ટમોર્ટમ ન કરાવ્યું?"

રમણભાઈ : "પોસ્ટમોર્ટમ કરાવ્યું છે સાહેબ!"

જાડેજા : "પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું આવ્યું?"

રમણભાઈ : "મારી દીકરીનાં મૃત્યુથી મને ખૂબ જ આઘાત લાગ્યો હતો. એટલે તે સમયે મને કંઈ હોશ-હવાસ હતા નહીં. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ 'હાર્ટ એટેક'નો છે. મારી દીકરી સંપૂર્ણપણે સ્વસ્થ્ય હતી. તેને કંઈ રીતે હાર્ટ એટેક આવે ??"

જાડેજા : "રમણભાઈ ! તમને ખરેખર દીકરીનાં મૃત્યુનો આઘાત લાગ્યો છે. સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિને પણ હાર્ટ એટેક આવી શકે છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હાર્ટ એટેક સ્પષ્ટ બતાવે છે, છતાં તમે ખૂનની ફરિયાદ લખાવવા આવ્યા છો! જાઓ, રમણભાઈ જાઓ! તમારો અને પોલીસનો નાહકનો સમય બરબાદ ન કરો!"

રમણભાઈ : "સાહેબ ! પ્લીઝ સાહેબ, તમે ફરિયાદ લખી લો અને મારી દીકરીનાં મોતની તપાસ કરો!!"

જાડેજા (ઉંચા  અવાજે) : "રમણભાઈ પોસ્ટમોર્ટમાં મોતનું કારણ  સ્પષ્ટ આવ્યાં પછી, તમે પોલીસને માત્ર હેરાન કરવાના આશયથી ફરિયાદ લખાવવા આવ્યા છો."

રમણભાઈ (પણ ઊંચા અવાજે ) : "સાહેબ તમે ફરિયાદ લખો છો કે હું DSP પાસે ફરિયાદ લખાવવા જાઉં? તમે નર્સિંગ સ્કુલની મુલાકાત લઈ જુઓ. મારી દીકરીનાં મોતની ત્યાં ચણભણ થાય છે. તેની અંગત સખીઓએ મને મારી દીકરી નિધિનાં મોતની અસાધરણ હોવાની વાત જણાવી છે. તમે નર્સિંગ સ્કુલમાં જઈને સત્યાસત્યની ચોક્સાઈ કરો."

      રમણભાઈએ DSP પાસે ફરિયાદ કરવાનું કહેતાં,  પોલીસ ઈન્સ્પેક્ટર જાડેજાએ મહાપરાણે ફરિયાદ લખી. 

રમણભાઈ પોતાના ઘરે ગયા. 'શું ખરેખર મારી નિધિને હાર્ટ એટેક આવ્યો હશે? કોઈએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બદલી તો નહીં નાખ્યો હોય ને?  કુમળી કળી જેવી મારી નિધિ અમને સાવ આમ અચાનક કેમ છોડીને જતી રહી હશે? તેનાં લગ્ન અને સગાઈની તૈયારીઓ અત્યારે ચાલી રહી હતી. તેનાં બદલે તેનાં મોતનો માતમ અમે મનાવી રહ્યા છીએ.' રાતમાં શયનખંડમાં રમણભાઈનો તકીયો ભિંજાઈ રહ્યો હતો. 

   દિવસો પર દિવસો પસાર થતા હતા. પોલીસ સ્ટેશનમાંથી જાડેજા તરફથી કોઈ તપાસની કાર્યવાહી થતી ન હતી.  

       રમણભાઈ પણ એમ કંઈ હાથ જોડી બેસી રહે તેવા ન હતા. તેણે DSP અને કલેક્ટર સુધી અરજી આપી.  અખબારમાં પણ આ અંગે અહેવાલ છપાવ્યો. 

       ઉપરથી દબાણ આવતાં આખરે જાડેજા, હવાલદાર જાદવને લઈને લીલા  નર્સિંગ સ્કુલમાં તપાસ  માટે ગયા.

**********************************************

  ( લીલા નર્સિંગ સ્કુલ, પ્રિન્સિપાલ ઓફીસ, પ્રિન્સિપાલ-પટેલ સાહેબ)

જાડેજા : "પટેલ સાહેબ! તમારી એક સ્ટુડન્ટ નિધિ મહેતાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. અમારી પાસે ફરિયાદ આવી છે.  તેનું મૃત્યુ અકુદરતી છે. આપ આ વિશે કંઈ જાણતા હોય તે જણાવો."

પટેલ સાહેબ : "જુઓ સાહેબ! નિધિ એક હોનહાર સ્ટુડન્ટ હતી. BSC NURSINGનાં ત્રણ વર્ષમાં ખૂબ ડીસ્ટીક્શન સાથે આગળ વધી હતી. અમને પણ એવી જાણ થઈ છે કે અચાનક તેને હાર્ટ એટેક આવતાં તેનું અવસાન થયું છે. સ્કુલે આવી સ્ટુડન્ટ ગુમાવતાં, અમને પણ દુઃખ થયું છે. અન્ય કોઈ ઓફિસીયલ જાણકારી મળી નથી. અમારી પાસે આવી કોઈ જાણકારી આવશે તો તમને જરૂર જાણ કરીશું."

"ઓકે આભાર!" પટેલ સાહેબ સાથે હાથ મેળવી જાડેજા બહાર નિકળ્યા.

સ્કુલ કેમ્પસમાંથી નિધિનાં અંગત કહેવાય તેવા મિત્રો-સખીઓનાં સંપર્ક નંબર અને સરનામા મેળવ્યાં.  

નિધિની ક્લોઝ ફ્રેન્ડ હસ્તીનો સંપર્ક થઈ શક્યો. હસ્તી કોઈ પ્રસંગે પોતાનાં ગામ ગયેલી હોઈ, બે દિવસ પછી મળવાની હતી.

અન્ય ફ્રેન્ડ પલકનાં ઘરે સંપર્ક કરતા તેઓ અન્ય સરનામે રહેવા જતાં રહ્યાં હતાં. તેનો ફોન લાગી રહ્યો ન હતો. સ્કુલે પણ તે આવતી નહોતી.

એક ફ્રેન્ડ યસ્વીનો સંપર્ક થઈ ગયો, પરંતુ નિધિ અને યસ્વી વચ્ચે કોઈ બાબતને લઈ ઝઘડો થયેલ હોઈ, નિધિ બાબતે  યસ્વી પાસે કોઈ જાણકારી હતી નહીં.

સ્કુલનાં ટ્યુટર પાસેથી જાડેજાએ નિધિની જાણકારી મેળવવાની કોશિશ કરી, 'નિધિ એકદમ સુશીલ અને હોનહાર સ્ટુડન્ટ હોવાની જાણકારી મળી.' 

**********************************************

જાડેજા : "શું લાગે છે જાદવ! નિધિનું ખૂન થયું હોઈ શકે? "

જાદવ : "પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી પણ ખૂન અંગેની તપાસ?  મને તો નરી મૂર્ખતા દેખાય છે."

જાડેજા : "મને કંઈક શંકાસ્પદ લાગે છે. કેમ્પસમાં કંઈ સ્પષ્ટ જણાઈ આવતું નથી. પલકનો મોબાઈલ લાગતો નથી. સરનામું પણ બદલાઈ ગયું છે. સ્કુલમાં પણ તે આવતી નથી." 

જાદવ : "તેનું અન્ય કારણ પણ હોઈ શકેને?"

જાડેજા : "યસ્વી સાથે ઝઘડો થયેલ છે. હોઈ શકે તેણે ખૂન કરી, વગ વાપરી પોસ્ટમોર્ટમ રિપોર્ટ બદલી નાખ્યો હોય. બે દિવસ પછી હસ્તી આવે તેની રાહ જોઈએ."

**********************************************

રમણભાઈ : "સાહેબ ! મારી દીકરીનાં મૃત્યુ વિષે કોઈ જાણકારી મળી?" 

જાડેજા : "ના, હજું સુધી કંઈ શંકાસ્પદ માહિતી હાથ લાગી નથી. તમને કોઈ પર શંકા હોય તો જણાવો!"

રમણભાઈ: "ના સાહેબ, મારાં ગામમાં મુખી પછી ઇજ્જતદાર વ્યક્તિ તરીકે મારી છાપ છે. મારી દીકરી સામે કોઈ ઉંચી આંખ ન કરી શકે. મારી ઇજ્જતને લઈને મેં નિધિને સ્પષ્ટતા સાથે જ નર્સિંગ સ્કુલમાં દાખલ કરી હતી કે 'માત્ર તારાં શોખ ખાતર હું તને અભ્યાસ કરવા મોકલું છું. અભ્યાસ સિવાય અન્ય કોઈ જંજાળ ના જોઈએ. તારો અભ્યાસ પૂર્ણ થઈ જાય એટલે સારું ઘર, સારો વર જોઈને અમે આપણી જ્ઞાતિમાં તારા હાથ પીળા કરી દઈશું. તારાં સાસરીયાં જે ઈચ્છે તે, હું તને નોકરી કરવા નહી દઉં. અન્ય કોઈ લફરું થયું છે તો મારે વખ ઘોળવું પડશે." 

જાડેજા : "કોઈ સાથે પ્રેમ સંબંધ?"

રમણભાઈ  : "મારી દીકરી કહ્યાગરી હતી. મેં પસંદ કરેલ પાત્ર સાથે લગ્ન કરવા તેણે હા કહી હતી. અમે ઘણી ખરી તૈયારીઓ પણ કરી લીધી હતી પણ..." 

રમણભાઈની આંખોમાં ફરી જળબિંદુઓ ઉપસી આવ્યાં. 

જાડેજા : "ધરપત રાખો રમણભાઈ ! જો ખૂન થયું હશે તો ખૂની મારાં હાથથી છુટી નહી શકે."

**********************************************

   હસ્તી પોલીસ સ્ટેશન પર આવી.

હસ્તી : "જી સાહેબ આપે મને પોલીસ સ્ટેશન આવવા જણાવ્યું હતું. શું થયું છે ? સાહેબ મારો કોઈ અપરાધ ?"

જાડેજા : "તમારી ક્લોઝ ફ્રેન્ડ નિધિનું અચાનક મૃત્યુ થયું છે.  અમને શંકા છે કે તેનું ખૂન કરવામાં આવ્યું છે. તમારી ઉંમર એવી છે કે માતા-પિતા પાસે તમે જેટલું જણાવતા ન હોય એટલું તમે મિત્રો સાથે શેર કરો છો! માતા-પિતા, કુટુંબ કરતા વધારે મિત્રો મિત્રોને જાણતાં હોય છે."

હસ્તી : "પરંતુ નિધિને તો હાર્ટ એટેક આવ્યો..."

જાડેજા (થોડા ઉંચા અવાજે) : "એ વાત જૂની થઈ ગઈ. તું જે જાણતી હોય તે જણાવ. કોઈ બોયફ્રેન્ડ? કોઈ લફરું,  અન્ય કોઈ ઝઘડો?"

હસ્તી (સહેજ ડરીને) : "સાહેબ! હું, નિધિ, પલક, યસ્વી, મિહિર અને તન્વીર અમારી  ક્લોઝ ફ્રેન્ડશીપ હતી. અમારું છ જણનું ગ્રુપ હતુું. દરેક પાર્ટી અમે સાથે એન્જોય કરતાં. યસ્વીને મિહિર પસંદ હતો. પરંતુ મિહિરને નિધિ પસંદ હતી. આથી, યસ્વીને નિધિ સાથે વેર થયુું અને તેણે અમારું ગ્રુપ છોડી દીધું. મિહિરને નિધિ સાથે પ્રેમ થઈ ગયો. મિહિર નિધિ સાથે લગ્ન કરવા માંગતો હતો. ત્યાં નિધિને હાર્ટ એટેક આવ્યો અને..."

જાડેજા : "પલકનો સંપર્ક કેમ નથી થઈ શકતો?"

હસ્તી : "તેનાં પપ્પાને કોઈ આર્થિક સંકડામણ આવી જતાં તેઓ સપરિવાર શહેર છોડીને જતાં રહ્યાં છે."

જાડેજા : "મિહિર અને તન્વીર?"

હસ્તી : "તન્વીરનો અભ્યાસ ચાલું છે અને મિહિરે નિધિનાં મૃત્યુથી માનસિક સંતુલન ગુમાવી દીધું છે."

જાડેજા : "ઓહ! "

હસ્તી : "નર્સિંગ સ્કુલમાં બોઈઝની સંખ્યા નહીંવત હોય છે  એટલે તન્વીર અને મિહિરની ગાઢ મિત્રતા હતી. મિહિર અને તન્વીર નાની-નાની અને અંગત બાબતો પણ એકબીજા સાથે શેર કરતા હતા. કેટલીક વાતો અમારી સુધી પણ પહોંચતી નહીં."

જાડેજા : "નિધિનું ખૂન??"

હસ્તી : "સાહેબ મને ઝાઝી ખબર નથી, પણ તન્વીર એવું કહેતો હતો કે  'નિધીનું  ખૂન થયું છે' બસ સાહેબ આથી વિશેષ મને કોઈ વાતની જાણ નથી.  સાહેબ પ્લીઝ."

 જાડેજા :  "હંમ્! જાદવ, આવતીકાલે તન્વીરની પણ પરોણાગત કરી લઈએ. હવે તો નિધિના મોતના મૂળ સુધી પહોંચવું જ રહ્યું."

********************************************** 

જાડેજા : "મિ. તન્વીર, તમે નિધિનાં ખૂન અંગે શું જાણો છો?"

તન્વીર: "સાહેબ નિધિને હાર્ટ એટેક..!"

એક જોરદાર તમાચો તન્વીરના ગાલ પર પડયો. 

"સાહેબ સાચું કહું છું. સાહેબ નિધિ મિહિરની ગર્લફ્રેન્ડ હતી.  એ બંને સાથે હરતાં-ફરતાં. મિહિર તેની સાથે લગ્ન કરવા પણ તૈયાર હતો. એ નિધિનું ખૂન કંઈ રીતે કરે? સાહેબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ તો સત્ય હકીકત જણાવી દે સાહેબ? બસ એકવાર મેં મજાકમાં કહ્યું 'મિહિરથી નિધિનું ખૂન થયું છે!' બધાંએ એ વાતને સાચી માની લીધી અને સ્કુલમાં ફેલાવી દીધી... મિહિરનો પ્રેમ સાચો પ્રેમ હતો. નિધિનાં મૃત્યુથી તેને એટલો આઘાત લાગ્યો છે કે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. તેના ઘરે તેની અવસ્થા જોઈ હુું પણ..."


જાડેજા : "જાદવ જીપ લઈ લો!"

**********************************************

   નિર્મલાબહેને મહામહેનતે મિહિરને અગાસી પરથી નીચે ઉતાર્યો...

'ઈન્સ્પેક્ટર જાડેજા, હવાલદાર જાદવ' નિર્મલાબહેન સામે જાડેજાએ પોતાનું આઈકાર્ડ ધર્યુ. "અને આ મિહિરનો મિત્ર તન્વીર. તમે તેને જાણતા જ હશો?"

"જી બોલો!" નિર્મલાબહેન મિહિરને પકડીને ઊભાં હતાં. 

જાડેજા : "નિધિનાં મૃત્યુની તો તમને ખબર જ હશે?" 

નિર્મલાબહેન : "હા! એનાથી તો મારા દીકરાની આ હાલત થઈ છે. નિધિ તો દુનિયા છોડી જતી રહી, પરંતુ મારો દીકરો..."

નિર્મલાબહેન રડવા લાગ્યાં. 

નિધિના મૃત્યુ અંગે અમે મિહિરની પુછપરછ માટે આવ્યા છીએ. 

"સાહેબ ! મારાં  દીકરાની માનસિક સ્થિતિની જાણ તો થઈ જ હશે? આ સ્થિતિમાં તમે કોઈની પુછતાછ ન કરી શકો." નિર્મલાબહેન ઘરમાંથી  મિહિરની મેડિકલ ફાઈલ લઈ આવ્યાં.

"it's ok"  પણ તમે નિધિનાં મૃત્યું બાબતે અમને મદદ કરી શકો છો. પ્લીઝ, મિહિરની માનસિક સ્થિતિ સારી થાય તો અમને જાણ કરશો. 

**********************************************

જાદવ : "સાહેબ તમને શું લાગે છે, ખરેખર નિધિનું ખૂન થયું હશે?"

જાડેજા : "લાગતું તો નથી, પણ તન્વીરની વાતોમાં ડર ડોકાતો હતો." 

જાદવ :  "હા,  મને પણ એવું જણાઈ આવતું હતું."

જાડેજા : "જો સાચે જ ખૂન થયું હશે તો તન્વીર જાણતો જ હશે. એક કામ કરીએ. બન્ને મિત્રોને ક્રોસ એક્ઝામીન કરીએ.  કદાચ સાચી હકીકત જાણવા મળી જાય. નહિંતર પછી કેસ સંકેલી લઈએ."

**********************************************

તન્વીર  : "સાહેબ ! ફરી મને પોલીસ સ્ટેશન બોલાવાનું કારણ?"

જાડેજા : "તન્વીર તારી ચાલાકી ઝાઝી નહીં ચાલે. ખૂની જેટલો ગુનેગાર છે. એટલો જ ગુનેગાર, એ ગુનાને જાણનાર,  ગુનાનો ઢાંકપછેડો કરનાર છે. કાનૂન તેને પણ સજા કરે જ છે."

તન્વીર : "પણ સાહેબ ! હું કંઈ પણ જાણતો નથી." 

જાડેજા : "હમણાં બધું જ જાણી જઈશ.. મિહિર પાસેથી અમને સાચી હકીકત જાણવા મળી છે..."

સન્ની દેઓલના 'ઢાઈ કીલો કા હાથ' નો પરચો  તન્વીરને આજે મળી ગયો. 

"કહું છુું સાહેબ..!"

**********************************************

હવે ઈન્સ્પેક્ટર જાડેજાની તપાસ આસાન થઈ ગઈ.  

જાડેજા :  "જાદવ ! મિહિર પર નજર રાખ... એ સ્વસ્થ્ય હોય એટલે ઝડપી લે..."

**********************************************

  મિહિર પર 'ઢાઈ કીલો કા હાથ' અજમાવવાની જરૂર ન પડી. તે માનસિક રીતે તૂટી પડેલો હતો. આજ સ્વસ્થ્ય હતો અને બજારમાં ટહેલતો હતો. જાદવે જોઈ લીધો અને પોલીસ સ્ટેશન લઈ આવ્યો.

 જાડેજા : "તારાં મિત્ર તન્વીરે બધું જણાવી દીધું છે. મારે તારાં મુખેથી બધું સાભળવું છે."

     મિહિર પોપટની જેમ પઢવા લાગ્યો. 

જાડેજા : "જાદવ, મિહિરના માતા-પિતાને પણ બોલાવી લે."

થોડીવારમાં  નિર્મલાબહેન અને અનિરુદ્ધભાઈ પણ આવી જાય છે. 

પોલીસ સ્ટેશનમાં સન્નાટો છવાઈ ગયો. માત્ર મિહિરનો અવાજ જ સંભળાઈ રહ્યો.

મિહિર: "લાંબી વાત છે સાહેબ..."  

"મારે બ્રધર બની દર્દી નારાયણની સેવા કરવી હતી.12સાયન્સ પછી મેં  BSC NURSING કોર્સ માટે લીલા નર્સિંગ સ્કુલમાં એડમિશન લીધું હતું. BSC NURSINGનો કોર્સમાં ચાર વર્ષનો અભ્યાસ હોય છે.  

   એક વર્ષ મેં ખૂબ જ જળહળતા પસાર કરી નાખ્યું. બીજા વર્ષનાં એકાદ બે મહિના પસાર થયા હતા. નર્સિંગ અભ્યાસ(ટ્રેનિંગ) માટે સવારે અમારે નિયત હોસ્પિટલમાં  પ્રેક્ટિકલ અભ્યાસ માટે જવાનું હોય છે. જ્યાં  દર્દીનાં પલંગની ચાદરો બદલવી વગરે સામાન્ય કામોથી અમારી ટ્રેનિંગ શરું થાય છે.  આવવા જવા માટે અમારી સ્કુલની બસો હોય છે. જે અમને અમારી નક્કી કરેલી હોસ્પિટલે લઈ જાય છે અને મુકી જાય છે.  

   આજે પણ અમારે ટ્રેનિંગ માટે જવાનું હતું. હુું બસમાં  ચડયો. એક સીટની બારી પાસે જઈ બેસી ગયો. નર્સિંગ અભ્યાસમાં બોઈઝ સ્ટુડન્ટસ બહુ ઓછા હોય છે. આજે મારો મિત્ર તન્વીર આવ્યો ન હતો. હું અને તન્વીર રોજ એક સીટમાં સાથે જઈએ. તન્વીરના કુટુંબમાં પ્રસંગ હોઈ તે હમણા આવવાનો ન હતો. કોઈ સીટ ખાલી ન હતી. માત્ર મારી પાસેની એક જ સીટ ખાલી હતી. બસ ઉપડી જ રહી હતી, ત્યાં એક સ્ટુડન્ટ બસ રોકવા હાથ લાંબો કરીને દોડતી-દોડતી આવી. ડ્રાઈવરે બસ ઊભી રાખી અને તેને બસમાં લઈ લીધી. દોડવાથી તે હાંફી રહી હતી. હાંફતી-હાંફતી તે મારી બાજુમાં બેસી ગઈ. મને એવું લાગ્યું કે તેના આવવાથી  મારી આસપાસનાં વાતાવરણમાં એક માદકતા છવાઈ ગઈ છે. સ્કુલ યુનિફોર્મ અને ટાઈટ બાંધેલા તેના કેશ-કલાપ, કાનમાં માત્ર બિંદી સમાન બુટ્ટીથી તેની સાદગીમાં પણ તે કોઈ મસ્તસ્ય કન્યા સમાન દીશતી હતી. તે સુંદર હતી. નાજુક હતી. નમણી હતી.  એક જ સ્કુલનાં સ્ટુડન્ટ હોવાને નાતે મેં તેને 'હાય' કહ્યું. પરંતુ તેણે મારી સામી માત્ર નજર કરી, મને કોઈ જવાબ ન આપ્યો. પહેલીવાર મને કોઈ છોકરી પ્રત્યે અંદરથી લાગણી ઊગી નીકળી હોય તેવું લાગ્યું. 

હોસ્પિટલના એક જ વોર્ડમાં અમારી ટ્રેનિંગ હતી. સવારના એ કલાકો મારા માટે સુવર્ણ કલાકો રહ્યા. પ્રેક્ટિકલ પાર્ટનર તરીકે તે મારી સાથે જ રહી. તેણે અન્ય કોઈ લાગણી  દર્શાવી નહીં. એ દરમિયાન તેનુ નામ નિધિ છે, એ જાણવા મળ્યું.

    તન્વીર આવ્યો તે સમયમાં બે ત્રણ વખત બસમાં મારી બાજુમાં તેને જગ્યાં મળી. હવે તે થોડી પરિચિત થઈ ગઈ હતી. મને સ્માઈલ આપતી થઈ ગઈ હતી.  

તન્વીર આવ્યો. મેં તેને  નિધિની વાત જણાવી. તેની ફ્રેન્ડ હસ્તીની તે ક્લોઝ ફ્રેન્ડ હતી. તેમ છતાં અમે ક્યારેય મળ્યાં ન હતાં. મારાં કહેવાથી તન્વીરની ફ્રેન્ડ હસ્તી થકી અમારે સ્કુલ બહાર પણ મળવાનું થવા લાગ્યું. મને નિધિ ગમવા લાગી હતી.  

    એક દિવસ મેં તેને ફ્રેન્ડશીપ માટે પ્રપોઝ કર્યુ. તેણે તેનો  અસ્વીકાર કર્યો. "હું અહીં સ્ટુડન્ટ બની આવી હતી અને એક નર્સ બની પાછી જવાની છું. ગ્રામ્ય સંસ્કૃતિમાં હુું ઉછરી છું.  ગામડાની દીકરીઓ વધુ અભ્યાસ કરતી નથી. મારાં પિતાજીનો દીકરી તરફનો પ્રેમ છે, કે મારી માતાની ના છતાં મારી ઈચ્છાને માન આપી મને સ્કુલમાં એડમિશન અપાવ્યું. એટલે 'ફ્રેન્ડશીપ શું છે?' એવી કોઈ વાત મારે જાણવી નથી." 

"આપણે માત્ર મિત્ર તો બની શકીએ ને? મેં મારો  હાથ લાંબો કર્યો."

 એણે મારી આ પ્રપોઝલ સ્વીકારી લીધી અને હેન્ડ શેક કર્યો.

"હવે અમે સારાં મિત્રો બની ગયાં હતાં. અમારા અભ્યાસમાં અમે એકબીજાને મદદ કરતાં હતાં. સ્કુલમાં થતા કાર્યક્રમોમાં સાથે ભાગ લેતાં હતાં. નવરાત્રીમાં સાથે ગરબા રમતાં હતાં.  રવિવારની રજાઓ સાથે માણતાં હતાં. મેસ બંધ હોય ત્યારે અમે સાથે ડીનર માટે જતાં હતાં. તેને મન આ માત્ર નિર્દોષ મિત્રતા હતી. પરંતુ મારાં તો એ શ્વાસોશ્વાસમાં સમાયેલી હતી. હું તેને અગાધ પ્રેમ કરવા લાગ્યો હતો. 

   એ સમય દરમિયાન અમારા ગ્રુપની યસ્વીને મારી તરફ આકર્ષક થયું. તેણે તેની સાથે ફ્રેન્ડશીપ બાંધવા મને જણાવ્યું. પરંતુ મારે મન તો ગર્લફ્રેન્ડ એટલે નિધિ જ. મેં તેની ફ્રેન્ડશીપ સ્વીકારી નહીં એટલે તેણે નિધિ સાથે ઝઘડો કરી અમારું ગ્રુપ છોડી દીધું. 

  હું વધારેને વધારે નિધિ તરફ ઢળતો જતો હતો. મારી  આખી દુનિયા નિધિમાં સમાવવા લાગી હતી. આમ ને આમ અમારો નર્સિંગ કોર્સનાં ચોથા વર્ષમાં પ્રવેશ થઈ ગયો. રજાઓમાં તે ઘરે જતી ત્યારે મારી સમગ્ર દુનિયા તેની સાથે ચાલી જતી હતી. રજાઓમાં મારી ગેરહાજરી તેને પણ અનુભવાતી હશે? તે હોસ્ટેલ પાછી ફરી ત્યારે તેનાં મનમાં પણ મારાં પ્રત્યેની કૂણી લાગણી મેં અનુભવી.  

મેં ફરી તેની સમક્ષ પ્રેમની લાગણી પ્રગટ કરી. મારાં પ્રેમનો સ્વીકાર કરવા જણાવ્યું. લગ્નનો પ્રસ્તાવ મેં તની આગળ મૂક્યો. તે શુન્યમનસ્ક બની ગઈ."  

"તું પણ મને ગમે છે. હું પણ તને પ્રેમ કરવાં લાગી છું. મારે પણ તારી સાથે સંસાર માણવો છે, પણ હું વિવશ છું. પપ્પાને પ્રોમિસ આપીને આવી છું. પપ્પાએ પસંદ કરેલ પાત્રને જ જીવનસાથી બનાવીશ. મારાં માટે લાયક પાત્રની શોધ ચાલી રહી છે. મિહિર પ્લીઝ મને માફ કરી દેજે. હું તને પ્રેમ કરી શકું પણ તારી સાથે લગ્ન ના કરી શકું. એ પ્રેમ પણ પવિત્ર હોવો જોઈએ. એમાં ક્યાંય પણ વાસનાની છાંટ ન હોવી જોઈએ." અતિશય લાગણીવશ થઈ તેણે મારા પ્રેમનો સ્વીકાર કર્યો. 

"તું મને પ્રેમ કરે તે જ મારા માટે મોટી વાત છે. તારાં પ્રેમના નામથી હું આખી જીંદગી એકલો પસાર કરી શકું છું. મારાં પ્રેમ પર વિશ્વાસ રાખજે. મારો પ્રેમ પવિત્ર હતો, છે અને રહેશે." મેં તેને વિશ્વાસ આપ્યો. 

  હવે હું ગગનમાં વિહાર કરવા લાગ્યો હતો. અમારો પ્રેમ સ્કુલમાં છતો ન થાય તેની અમે ખાસ કાળજી રાખતાં હતાં. અમારાં ગ્રુપ સિવાય અમારાં પ્રેમની વાત સ્કુલમાં કોઈને ખબર હતી નહીં. હા! નિધિ સાથેની દરેક વાતો હું તન્વીર સાથે શેર કરતો.

શ્રાવણમાસની રજાઓમાં તે પોતાનાં ગામડે ગઈ હતી.  તહેવારો મેં તેની મધુર યાદોમાં જેમ-તેમ પસાર કર્યા.  તહેવારો પુરાં થતાં તે પરત આવી. સ્કુલનો સમય પુરો થયાં પછી અમે ગાર્ડનમાં મળ્યાં. તે થોડી ખુશ હતી અને થોડી ઉદાસ પણ. ખુશી એ વાતની હતી કે તેનાં માટે યોગ્ય પાત્રની પસંદગી થઈ ગઈ હતી અને ઉદાસી એ હતી કે હવે તેને મારાંથી જુદા થવું  પડશે. ટર્મ પુરી થયે તેની સગાઈ અને લગ્ન સાથે જ લેવાનાં હતાં.  

    તેનાં એક સંબંધી અહીં શહેરમાં રહેતાં હતાં. તેનાં  કોઈ ફેમીલી મેમ્બરને વિટામિન B12ની ઉણપનો ડોક્ટરનો રિપોર્ટ  આવ્યો હતો, એટલે તેને  હાયડ્રોક્સોકોબાલામાઈન ઈન્જેક્શન આપવાનાં હતાં. આ ઈન્જેકશનો નિધિ આપવા જવાની હતી. નિધિ ઝાઝો સમય હવે મારી સાથે રહેવાની ન હતી. જે સમય બચ્યો હતો, તેમાંની એક પળ પણ હું ગુમાવવા માંગતો ન હતો. સ્કુલેથી છુટીને નિધિ તેના સંબંધીને ઈન્જેક્શન આપવાં જતી, ત્યારે હું તેને મારા બાઈક ઉપર લઈ જતો. નિધિ મોં પર દુપટ્ટા બાંધી દેતી. જેથી તેની કોઈ ઓળખ છતી ના થાય. પેલા સંબંધીના ઘરથી દૂર હું તેને ઉતારી દેતો. જેથી સંબંધીને નિધિનાં ચારિત્ર્ય બાબતે કંઈ શંકા ન ઉપજે. નિધિ ઈન્જેકશન આપીને આવે એટલે તેની હોસ્ટેલથી થોડે દૂર ઉતારી દેતો. 

 આમ ને આમ દિવસો પસાર થતા હતા. એક-એક દિવસ મને નિધિથી દૂર લઈ જતો હતો. હું નિધિની જુદાઈના વિચાર માત્રથી કંપી જતો હતો. શ્રાવણનાં સરવડિયાં પુરાં થઈ ગયાં હતાં. ભાદરવાએ ગતિ પકડી હતી. વરસાદ પણ પોતાના નિવાસસ્થાને જતો રહ્યો હોય તેવું લાગતું હતું, પણ આજ ફરી તેને ટહેલવાનું મન થઈ આવ્યું હશે? આજ સવારથી આકાશમાં વાદળો ઉમટવા લાગ્યાં હતાં. 

 હું નિધિને લઈને તેના સંબંધીના ઘરે જવા નિકળ્યો. અમે થોડે દૂર નિકળ્યાં કે ઝરમર વરસાદ શરું થયો. નિધિ ઝડપથી ઈન્જેકશન આપીને આવતી રહી. તેના સંબંધીએ ઘરે જ રોકાઈ જવાનો આગ્રહ કર્યો, પરંતુ નિધિ અસ્વિકાર કરી હોસ્ટેલ જવા આવતી રહી.  હવે ઝરમરે,  છાંટાનું અને પછી ધોધમાર વરસાદનું રૂપ ધારણ કર્યુ. વરસાદની મોસમ જતી રહી હતી એટલે રેઈનકોટ પણ સાથે હતો નહીં. મને વરસાદમાં ગાડી ચલાવવી તકલીફ થઈ રહી હતી. પરંતુ નિધિ મારી પાછળ બેઠી હતી. વરસાદ અને ઠંડીથી બચવા તે વધુને વધુ મારી નજીક આવી રહી હતી. મને થયું વરસાદ આમ જ વરસતો રહે અને નિધિ આમ જ મારી નજીક બેસી રહે. આ સમય સદા માટે થંભી જાય, પણ આવું શક્ય હતું નહી.  વરસાદનાં જોરે સડક પર પાણીનો પ્રવાહ વધી રહ્યો હતો.  નિધિને પણ ઠંડી લાગી રહી હતી. એક દુકાનની ઓથ તળે અમે ઊભાં રહી ગયાં. આમને આમ કલાક દોઢ કલાક જેવો સમય વહી ગયો. વરસાદ રોકાવાનું નામ નહોતો લેતો. રાત પડી ગઈ હતી. ચોતરફ અંધકાર છવાય ગયો હતો. કોઈ રડ્યા-ખડ્યા વાહન સિવાય સડક  સુનસામ હતી. નિધિએ હોસ્ટેલ પર 'પોતે વરસાદમાં ફસાઈ ગઈ' હોવાનો ફોન કરી દીધો હતો. મને રસ્તા પરનું એક ગેસ્ટ હાઉસ યાદ આવતા હું નિધિને ત્યાં લઈ ગયો.

     "વરસાદ થંભી જાય ત્યાં સુધી આપણે અહી રોકાઈ જઈએ." મેં નિધિને કહ્યું. નિધિને સંકોચ થયો. ડર પણ લાગ્યો. તેણે મારી આંખમાં જોયું. મારી આંખો નિષ્પાપ હતી. તેને પણ ઠંડીથી બચવું હતુું. આખરી ઉપાય તરીકે અમે ગેસ્ટહાઉસમાં ગયાં. ગેસ્ટહાઉસમાં એક રૂમ લીધી. ગેસ્ટહાઉસના મેનેજરે મારી તરફ માર્મિક દૃષ્ટિ કરી. 

   અમે રુમમાં ગયાં. ગેસ્ટહાઉસ નાનું હતું એટલે અહીં એસી કે રૂમ હિટરની સગવડ ન હતી. મેં નિધિ તરફ દૃષ્ટિ કરી. નિધિનાં દેહ પરથી પાણી નિતરી રહયું હતું. વસ્ત્રો ભિંજાઈને તેનાં તન સાથે ચિપકી ગયાં હતાં. ભિંજાયેલ વસ્ત્રોમાંથી તેના તનનાં ઉભારો સ્પષ્ટ દેખાઈ રહ્યાં હતાં. હિમાલયમાંથી નિકળતી ગંગા ધરતી પર રેલાય, તેમ પાણી તેની આસપાસ રેલાય રહ્યું હતું. હું ગ્રામ્ય સૌંદર્યમૂર્તિને નજરથી માણવા લાગ્યો. તે ઠંડીથી થરથર ધ્રુજી રહી હતી.

  બે ઘડી મારાં પવિત્ર પ્રેમમાં શેતાને પ્રવેશ કરી લીધો હોય તેવું મને લાગ્યું. હું મારાં પરનો અંકુશ ગુમાવવા લાગ્યો. મને થયું હું આ દેહલતાને માણી લઉં. પ્રેમથી ન માને તો બળજબરી કરી લઉં. પરંતુ મારો પ્રેમ સાચો હતો. એક ઘડીએ મેં તેને 'પવિત્ર પ્રેમનું' આપેલું વચન યાદ આવી ગયું. તો બીજી ઘડીએ મારા અંદરનો પુરુષ બેઠો થઈ જતો હતો.  

     તેણે મને કહ્યું "હું બાથરૂમમાં જઈને કપડાં કોરા કરવાની કોશિશ કરું છું !" તે બાથરૂમમાં ગઈ. હું તેનાં ભિંજાયેલ વાંસા અને નિતંબના સૌંદર્યને નિરખી રહ્યો.  મારે આ સુંદરતાની મૂર્તિનો  જીવનભરનો સાથ જોઈતો હતો. મારે તેની સાથે મધુરજની માણવી હતી. તેની સાથે દેશદેશાવરનો પ્રવાસ ખેડવો હતો. મારે તેને પ્રેમ કરવો હતો. મારે તેની સાથે લડવું હતું-ઝઘડવું હતું. હું ધંધાર્થે નિકળું ત્યારે મને દરવાજા સુધી વળાવવા આવે તેવો તેનો સાથ જોઈતો હતો. આખો દિવસ દોડધામ કરીને ઘરે આવું ત્યારે મારે પ્રતિક્ષામૂર્તિનાં દર્શન કરવાં હતાં. દિવસભરનો મારો થાક ઉતારી દે તેવું તેનું એક મંદ સ્મિત જોઈતું હતું. તેનાં હાથનાં મનભાવન પકવાન આરોગવા હતાં. તેના હાથનાં મનભાવન પકવાન આરોગવાં હતાં. મારે તેને મારાં બાળકોની માતા બનતાં જોવી હતી. મારાં માતા-પિતાની કાળજી લેતી નર્સનું રૂપ મારે નીરખવું હતું. મારા ઘરને સજાવતી સન્નારીને મારે ભેટવું હતું. મારા ઘરના મંદિરમાં મધુર ઘંટડી વગાડતી નાર મારે જોઈતી હતી. મારે તેની સાથે વૃદ્ધાવસ્થાને પામવી હતી. મારાં આ શમણાં કોઈ કાળે સાકાર થઈ શકે તેમ ન હતાં. આખરે મારી અંદરના પુરુષે મારી ઉપર જીત મેળવી લીધી હતી. મારી અંદર રહેલા શૈતાને ખતરનાક પ્લાન ઘડી કાઢયો. બહાર વરસાદ પોતાનું રૂપ બતાવી રહ્યો હતો અને હુું અંદર. રાતની કાલીમા મારા મનને વધારે કાળું કરી રહી હતી. વરસાદની આ રાત મારાં માટે અને નિધિ  માટે ભયંકર બની ગઈ. 

મેં તેના મોબાઇલ પરથી મારાં મોબાઇલ પર કોલ કર્યો. મેં જ ઉપાડી થોડીવાર રહી કાપી નાખ્યો. તેનાં પર્સમાં હાયડ્રોક્સોકોબાલામાઈન ઈન્જેક્શન હતાં. મારા સદભાગ્યે સિરિંજ 10CC હતી. હાયડ્રોક્સોકોબાલામાઈનની 2CC સિરિંજ ભરી બાકી 8CC હવા ભરી. થોડીવાર પછી તે બાથરૂમમાંથી બહાર આવી. હવે તેનાં વસ્ત્રો નિતરી રહ્યાં ન હતાં. તેણે પોતાના કેશ ખુલ્લા કરી નાખ્યાં. વાળની એક-એક લટ તે પોતાની આંગળીઓથી છુટી કરવા લાગી. 

અત્યાર સુધીનાં મારાં વર્તનથી તેને મારી પર વિશ્વાસ આવી ગયો હતો. હવે તે નિર્ભય થઈ ગઈ હતી. તે મારી સાથે હસીને હસીને વાતો કરવા લાગી. તેને ખબર નહોતી, તેનું આ હાસ્ય છેલ્લું હાસ્ય છે. કંઈક યાદ આવતાં તે પોતાનું પર્સ લેવાં પાછળ ફરી કે મેં અચાનક તેની નસમાં ઈન્જેકશન આપી દીધું. (મારી અંદર રહેલો પુરુષ સ્વગત બોલ્યો 'તું મારી નહીં તો કોઈની નહીં' ) તેણે પ્રશ્નાર્થ નજરે મારી સામે જોયું. "કંઈ નહી નિધિ તારાં લોહીમાં વિટામિન-B12ની ઊણપ છે. મેં પુરી કરવાની કોશિશ કરી."

જાડેજા : "વિટામિન B12નાં ઈન્જેકશન..."

મિહિર : "તમે માત્ર સાંભળો. તેનો મારી પરનો વિશ્વાસ મેં તોડ્યો છે. તેણે મારાં પ્રેેમનો સ્વીકાર કર્યો, મારી સાથે મિત્રતા કરી તેમાં તેનો કોઈ ગુનો કે અપરાધ ન હતો. તે નિર્દોષ હતી. મેં એક નિર્દોષની  હત્યા કરી છે. મને મારું પાપ કબુલી લેવા દો...

 ...છતાં તેને મારી પર વિશ્વાસ હતો. ફરી મારી સાથે વાતો કરવા લાગી. તેને ખબર નહોતી કે મેં તેની ઠંડે કલેજે હત્યા કરી છે. દશેક મિનિટ થઈ હશે કે તેને છાતીમાં દુઃખાવો ઉપડ્યો. મારાં મોં પર એક ખંધુ હાસ્ય રેલાય ગયું. તેણે મારી સામે જોયુ. તે મારાં ભાવ કળી ન શકી. તેને હતું કે હું હમણા બેબાકળો થઈ જઈશ, પણ તેણે મને શાંત જોયો. હવે તેને તેનાં છાતીનાં દુઃખાવાનું કારણ જાણી લીધું...

     નર્સ કે ડોક્ટરને તમે ઈન્જેકશન આપતાં જોયાં હશે? સિરિંજમાં પ્રવાહી ભરી ઈન્જેકશન ઉંચે લઈ જઈ તેમાંથી થોડું પ્રવાહી બહાર રેલાવી દે છે. આવું એટલા માટે કરે છે કે સિરિંજમાં રહેલી હવા બહાર કાઢી નાખે છે. આમ ન કરે તો સિરિંજમાં રહેલ હવા જ્યારે નસમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને વેનિસ એર એમ્બોલિઝમ કહેવામાં આવે છે. જ્યારે હવા ધમનીમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને આર્ટરી એર એમ્બોલિઝમ કહેવામાં આવે છે. આ હવા મગજ, હૃદય અથવા ફેફસામાં જઈ શકે છે અને હૃદયરોગનો હુમલો, સ્ટ્રોક અથવા રેસ્પીરેટરી ફેઈલ્યોરનું કારણ બની શકે છે. જો સમયસર સારવાર ના થાય તો એક કલાકથી લઈ 30 દિવસ સુધીમાં દર્દીનું રીબાઈ-રીબાઈને મોત થાય છે. જો હવા હ્રદયમાં આવે તો હ્રદય ફાટી જાય અથવા હાર્ટ એટેક આવે. દર્દીનું તુરંત મૃત્યુ થાય. જો હવા મગજમાં જાય તો મગજ કામ કરતું બંધ થઈ જાય અને જો હવા ફેફસાંમાં જાય તો શ્વાસ લેવામાં તકલીફ થાય. એક દિવસથી લઈ 30 દિવસમાં વ્યક્તિનું મૃત્યુ થાય.

     નિધિને પણ મેં આ રીતે એર સહિત ઈન્જેકશન આપી દીધું હતું અને એ ઈન્જેકશનની હવા તેનાં હ્રદય પર અસર કરી રહી હતી. મને એમ હતું કે મારું ઈન્જેકશન થોડા કલાકો બાદ કામ કરશે. પરંતુ તે પણ મારી જેમ શેતાન બની ગયું હતું. તેનાં હ્રદયના દર્દથી મને કોઈ દર્દ ન થતા નિધિ સમજી ગઈ હતી કે મેં શું પરાક્રમ કર્યુ છે. તે મને કંઈ કહેવા જતી પણ હાર્ટ સ્ટ્રોક એટલો ગંભીર હતો કે તેની વાચા હરાઈ ગઈ હતી. એ પોતાની છાતી પર જોર દઈ દર્દને નાથવા મથી રહી હતી. હું તેના દર્દને જોઈ શક્યો નહીં. મેં તેની તરફ પીઠ ફેરવી લીધી. તે મને ઢંઢોળવા કોશિશ કરી રહી હતી. તેને પોતાના પ્રેમ પર થોડી આશા હતી. 'મને જરૂર મદદ કરશે?' આમ જ થોડો સમય વિત્યો હશે કે મારો સાચો પ્રેમ જાગી ગયો. મને જ વિચાર આવ્યો કે  ગેસ્ટ હાઉસમાં જ નિધિ પ્રાણ ત્યાગી દેશે તો તેની બદનામી થશે. અમારાં પ્રેમને શુદ્ધ રાખવા તેની અહીથી બહાર લઈ જવી રહી. 'હોસ્પિટલ જઈએ!' હું તેને ટેકો આપી રુમની બહાર લઈ આવ્યો અને મેનેજરને રુમની ચાવી આપી. મેનેજર ફરી મર્માળુ હસ્યો. 

 બહાર આવી જોયું તો વરસાદે હજુ વિરામ લીધો નહોતો, પણ થાકી ગયો હોય તેમ તેનું જોર ઓછું થઈ ગયું હતું. મારી ગાડી પર તેને બેસાડી. તે મારી પીઠ પર લથડી ગઈ હતી. ગાડી મેં તેનાં પેલાં સંબંધીનાં ઘર તરફ હંકારી દીધી. એ રસ્તા પર કોઈ જગ્યાએ ઓથ આવતા નિધિને ત્યાં લઈ ગયો. ત્યાં બાકડો હતો, તેની પર સુવડાવી 108ને બોલાવી લીધી. થોડી જ વારમાં 108 આવી ગઈ. તેની સારવાર શરું થઈ, પરંતુ હોસ્પિટલ પહોંચીએ એ પહેલા જ મારો પ્રેમ મને મુકીને જતો રહ્યો. મેં એવું જાહેર કર્યું કે 'નિધિ તેનાં સંબંધીનાં ઘરેથી ઈન્જેકશન આપીને નિકળી પછી વરસાદે જોર પકડતા અહીં આ ઓથ તળે રોકાઈ ગઈ હતી. વરસાદને લઈ અહીં કોઈ વાહનની અવરજવર પણ ન હતી કે તે રિક્ષા કરી હોસ્ટેલ જઈ શકે. વાહન ન મળતા અને છાતીમાં દર્દ થતાં નિધિએ મને ફોન કરીને  અહીં બોલાવ્યો...'

    એ પછી મેં તન્વીરને પણ ફોન કરી હોસ્પિટલ બોલાવી લીધો હતો. તેના પિતા ગામડેથી આવ્યાં. તેનું પોસ્ટમોર્ટમ કરાવી તેનાં શબને અંતિમસંસ્કાર માટે ગામડે લઈ ગયાં. નિધિનો મૃતદેહ જતાં હું એકદમ જ ભાગી પડ્યો અને તન્વીરનાં ખંભે માથું ઢાળી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. આઘાતમાં જ તન્વિરને સઘળી હકીકત જણાવી દીધી. મારી દોસ્તી પર મને વિશ્વાસ હતો કે આ હકીકત અમારા બે પુરતી સીમિત રહેશે, ખબર નહીં તેણે સ્કુલ કેમ્પસમાં 'નિધિનું ખૂન થયું છે' તેવી વાત કોઈને જણાવી દીધી.

     લાગણીનાં જોશમાં મેં નિધિને ઠંડે કલેજે મોતને ઘાટ તો ઉતારી દીધી, પણ હવે અંદરનો મારો માહ્યલો મને ઝંપવા દેતો નહોતો. એ ક્ષણને હું ખમી શકતો નહોતો અને મેં માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. મારો અંતરાત્મા સતત નિધિ પાસે જવા ઝંખતો હતો. જ્યારે પણ મારો અંતરાત્મા જાગે ત્યારે હું મારી જાતને મિટાવવા મથતો હતો. પરંતુ હું કોઈનો દીકરો હતો. મારી મા મને હંમેશા ઝાલી લેતી હતી...

 જાડેજા : "ખૂની ગમે તેટલો હોશિયાર હોય, કેટલી પણ કાળજી રાખે, તો પણ કોઈને કોઈ સબુત છોડી દે છે. તે પણ તન્વીરને હકીકત જણાવીને એક સબુત રાખી લીધું અને હવામાં ઉછાળેલો અમારો કીમિયો કામયાબ રહ્યો.

        મિહિર સાચો પ્રેમ આ રીતે ખરો ન ઉતરે. પ્રેમમાં બલિદાન આપવાનું હોય, લેવાનું ન હોય. સાચો પ્રેમ ત્યાગ માગે. હસતા હૈયે તારે તેને બીજાની થવા દેવાની હતી. તેના બદલે તે તારા પ્રેમની હત્યા કરી દીધી. એ પણ એક સાવ નિર્દોષ છોકરીની હત્યા કરી, ઠંડા કલેજે મોતને ઘાટ ઉતારી નાખી. ગભરું સસલી  હણી નાખી. કાનૂન તો સજા આપશે જ. ઈશ્વર પણ  તારાં  ગુનાને માફ નહીં કરે.  કાનૂન પ્રેમ નથી જોતો. એ ગુનો જુએ છે. એક હત્યારાને તો કાનૂન માત્ર ફાંસી કે ઉમર કેદ આપે છે.  તને પણ..."

મિહિર : "હા સાહેબ! મને ફાંસી આપો. હમણાં જ ફાંસી આપો. હું ગુનેગાર છું. મેં આ હાથે જ નિધિની હત્યા કરી છે. મને સજા મળવી જ જોઈએ. મારે પણ નિધિ પાસે જવું છે. તેનાં વિશ્વાસઘાતની માફી માંગવી છે. સાહેબ મને મારો.."

      મિહિર પોતાની હથેળીથી પોતની ગળચી દબાવવા લાગ્યો. બધાં તેને રોકવા લાગ્યાં, પણ મિહિર પર એક ઝનૂન સવાર થઈ ગયું હતું.

નિર્મલાબહેન : "સાહેબ! તેને ફરી માનસિક સ્ટ્રોક આવ્યો છે. ડો. કૈરવ શાહને ત્યાં લઈ જવો પડશે અને તેનું શરીર ધગધગે છે. તાવ પણ આવી ગયો છે."

     તાત્કાલીક મિહિરને ડો. કૈરવ શાહને ત્યાં લઈ જવામાં આવ્યો

ડો. શાહે તેની ટ્રીટમેન્ટ શરું કરી. 110 ડિગ્રી તાવ હોઈ, તાવ માટે નર્સેને એસીટોમીનાફેન ઈન્જેક્શન આપવા જણાવ્યું. નર્સ ઈન્જેકશન ભરવા લાગી. અચાનક તેનો ફોન આવતા તેણે ફોન ઉપડ્યો. સૌ રઘવાયા હતાં. મિહિરે ઝડપથી નર્સનાં હાથમાંથી ઈન્જેકશન ઝડપી એમાં ખાલી હવા ભરી લઈ પોતાની જાતે ઈન્જેક્શન નસમાં લઈ લીધું...

          કોઈ કંઈ સમજે વિચારે એટલીવારમાં મિહિરે પોતાનો હાથ પોતાની છાતી પર દબાવ્યો. હાજર સૌનાં મોં અધખુલ્લાં રહી ગયાં. 'મિહિર...મિહિર" નિર્મલાબહેન મિહિરને ઢંઢોળવા લાગ્યાં.




.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ