વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

થોડો સંવાદ તારી સાથે

મારા વ્હાલા બાળક..


                એય મારા લાડકવાયા બચ્ચા..મજામાં છે ને બેટા? મને વિશ્વાસ છે મારી અંદર તું એકદમ ખુશ અને તંદુરસ્ત છે. 

                 તને ખબર છે બેટા, જ્યારથી તારા આગમનના સમાચાર મળ્યા છે ત્યારથી મારી અંદર એક અનેરો રોમાંચ જાગ્યો છે. મારી અંદર મારો અંશ ઉછરે છે એ જાણીને હું ખુદને ખૂબ જ નસીબદાર માનું છું. તારા આગમનની અનુભૂતિને વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી, બસ લાગણી છે..એક અદભૂત લાગણી..


                  તારી સાથે જોડાણ થયાનો આ સાતમો મહિનો છે. આ સાત મહિનામાં તારી સાથેનું તાદાત્મ્ય વધુને વધુ મજબૂત બનતું જાય છે. મારામાં અને તારા પપ્પામાં વધુ જ પરિપક્વતા આવી ગઈ છે. એક વાત કહું? બધા કહે છે કે તારા પપ્પા તો એકદમ હરખઘેલા થઈ ગયા છે. ખરેખર બેટા, એના હરખ અને ઉત્સાહનો તો પાર જ નથી. એ મારું વધુ પડતું જ ધ્યાન રાખે છે. મારા મૂડ સ્વિંગ્સને એ ખૂબ જ ધીરજથી હેન્ડલ કરે છે. મને કે મારા લીધે તને કોઈ તકલીફ ન પડે એની પૂરતી કાળજી લે છે. મને અને તને લઈને તારા પપ્પા વધુ પડતા જ સંવેદનશીલ થઈ ગયા છે. બેટા, અમે બન્ને તારા આગમન માટે ખૂબ આતુર છીએ. તારા માટે અમે તો ઘણી બધી તૈયારીઓ શરૂ કરી દીધી છે. તારા માટે લીધેલી વસ્તુઓ વારંવાર જોયા કરીએ છીએ અને આપણા ભવિષ્યને નીરખ્યા કરીએ છીએ. અમારા બન્નેની સાથે આપણા આખા પરિવાર માટે હવે તો તું જ કેન્દ્ર છે. બધા સાથે મળીને તારા આગમનને કઈ રીતે વધાવીશું એના સ્વપ્નો જોઈએ છીએ.


            સાચું કહું બેટા, એક ઇન્જેક્શનથી પણ ડરતી તારી મમ્મી અને સાથે જ તારા પપ્પા અત્યારે હોસ્પિટલ વિઝિટની રાહ જોયા કરે છે. કારણકે ત્યારે ડૉકટર અંકલ તારા ગ્રોથની, તારી તંદુરસ્તીની વાત કરે છે. સાથે જ તારા અવયવોનો વિકાસ જોઈ શકાય છે. મારી અંદર તને ઉછળકૂદ કરતું જોઈને રોમ રોમમાં થનગનાટ થાય છે. એ બધી ક્ષણો અદ્ભુત છે બેટા. 


            મારા હેલ્થી ખોરાક લેવાથી તને પૂરતું પોષણ મળે છે. સમયસરની દવાઓ અને પૂરતી કાળજી મારી સાથે તને પણ તંદુરસ્ત રાખે છે. હું ખૂબ જ સારા પુસ્તકોનું વાંચન કરું છું જેથી તારામાં એ બધા ગુણ વિકસે. મારા દ્વારા થતી અનેકવિધ પ્રવૃતિઓ તને સર્વ કળાઓમાં પારંગત કરશે. પૂજાપાઠ, દાન, ધર્મ, ભક્તિ વગેરે દ્વારા તારામાં આદ્યાત્મિકતાનો સંચાર થશે. તું નિરોગી અને નીડર હોઈશ. હકારાત્મકતા, કરુણતા, શૌર્યતા અને વીરતા આ બધું તારામાં હશે.


           મારા બચ્ચા, મારી અંદર તું ખૂબ જ સુરક્ષિત છે. અત્યાર સુધીની આ સફર ખૂબ જ અનેરી રહી છે. શારીરિક અને માનસિક રીતે મારામાં અનેક બદલાવ આવ્યા છે. હવે તારી વધુ પડતી હલનચલન જ્યારે રાતની ઊંઘ ઉડાડી દે છે ત્યારે કંટાળો નથી આવતો પરંતુ હરખ થાય છે. હું અને તારા પપ્પા તારી સાથે ખૂબ જ વાતો કરીએ છીએ. મને ખબર છે તું બધું સાંભળે છે અને સમજે પણ છે. અમને તારી સાથે સંવાદ કરવો ખૂબ જ ગમે છે. તને તો મ્યુઝિક પણ ખૂબ ગમે છે અને વાર્તાઓ સાંભળવી પણ પસંદ છે. હવે તો જ્યારે અમે તારી સાથે વાતો કરીએ છીએ ત્યારે તું પ્રત્યુતર પણ આપે છે.   


            અમારું ફૂલ જેવું કોમળ બાળક અમારા હાથમાં હશે એ ક્ષણ કેવી અલૌકિક હશે! પરંતુ આ ક્ષણ માટે અમારે હજુ ત્રણ મહિના જેટલી રાહ જોવાની છે. હા બેટા, હજુ ઘણો સમય છે. તું ખૂબ જ શુભ દિવસે એકદમ તંદુરસ્ત અવતરજે. તારા આવવાથી અમારી જિંદગી દીપી ઉઠશે. આપણા ઘર, પરિવારમાં તને ખૂબ જ લાડ દુલાર મળશે. તારા આવવાથી આપણો પરિવાર પૂર્ણ થશે. ખૂબ જલ્દી તું આ સુંદર દુનિયામાં તારું અસ્તિત્વ ધરાવીશ. તારા આવવાથી બધે જ ખુશાલી હશે. યાદ રાખજે બેટા, તું ઈશ્વરનો જ અંશ છે. તું સર્વ ગુણ સંપૂર્ણ છે. તું ખૂબ જ તેજસ્વી છે. તારા આવવાથી અમારી સુંદર દુનિયા વધુ જ સોહામણી બની જશે. 


                તો.. તારી મમ્મીની બધી વાતો તે સાંભળી એમ ને? હા, તારા હલનચલન પરથી જ મને ખબર પડી ગઈ કે તું બધું જ સાંભળે છે. બસ તું એકદમ ખુશ રહે અને અમે તારા માટે નિતનવા સ્વપ્નો જોઈએ જે હવે જલ્દી જ હકીકતમાં રૂપાંતરિત થશે. અમારા સુંદર સંસારમાં તને સમાવવા માટે હું અને તારા પપ્પા ખૂબ જ અધીરા છીએ પરંતુ બેટા, તું મારી અંદર તારો પૂરતો સમય લેજે. બસ, ઈશ્વરના આશિષ તને પ્રાપ્ત થાય અને પરમ શક્તિ તારું રક્ષણ કરે.


                  ચાલ ત્યારે, હવે ફરીથી નિરાંતે ખૂબ બધી વાતો કરીશું. ખૂબ ખુશ રહે બેટા..લવ યુ..


લી.

તારા આગમનની પ્રતીક્ષા કરતી તારી મમ્મી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ