વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બાળપણની યાદ

#બાળપણની #મીઠી #યાદ

        

             આનો પણ એક જમાનો હતો,  ભલે બ્લેક અેન્ડ વ્હાઈટ હતું પણ જિંદગીમાં ઘણા રંગીન સ્વપ્નો ભર્યા છે આ ONIDA એ.

             ઈ. સ. 1997માં પ્રથમવાર ઘરે આવ્યું. પપ્પા જ્યારે સવારે આને લેવા નીકળ્યા ત્યારે કહીને નીકળ્યા કે ટી.વી. લેવા જઉં છું ત્યારથી જ મગજ વિચારતું થઇ ગયેલું કે આ ટી.વી. વળી શું ચીજ હશે. ભણવા ગયો તોય દોસ્તારો સાથે ટી.વી. સિવાય બીજી કોઇ વાત જ નહીં. 

              બપોરની રિસેસ પડીને જેવો ગેટની બહાર નીકળ્યો એવાં જ પપ્પાને ગાડીમાંથી ઉતરતા જોયા.  હું તો પહોંચી ગયો ને સીધું પપ્પાને કીધું આ ખોખું મને આપો પણ પપ્પાએ તો સીધી ના પાડી કે તારાથી ના ઉપડે પણ એક કામ કર આ એન્ટેના ઉપાડ. ઉપાડીને ઘરે ગયાં તો પપ્પા કે હવે એને સાંજે ચાલુ કરીશું. નિશાળમાં 5 વાગે એની રાહમાં જ બેસી રહ્યો. જેવા છૂટ્યા એવો સીધો જ ઘરે પહોંચ્યો અને જોયું તો એન્ટેના લાગી ગયું હતું ને ટી.વી. પણ ચાલુ થઇ ગયું હતું

            તારીખ તો યાદ નથી પણ વાર ગુરૂવાર હતો. એટલે કે અમારું ટીવી 1997માં ગુરૂવારના દિવસે ચાલુ થયેલું.  બધી સિરિયલના તો નામ યાદ નથી પણ જે મને બહુ ગમતી એના નામ યાદ છે;  સુરાગ, આંખે, જુનિયર જી, બિન્ગો, આર્યમાન, શક્તિમાન, ચિત્રહાર, ગમ્મત ગુલાલ, જય શ્રી હનુમાન અને રવિવારે સાંજે 4 વાગ્યે આવતું ગુજરાતી  ફિલ્મ વગરે.  શનિવારે રાત્રે તો અમારા ઘરે 80% ગામ હોતું કારણ પેલ્લું જ ટીવી અમારા ઘરે હતું. જય શ્રી હનુમાન જોવા માટે એટલે અમે ટી. વી. ને ઓસરીમાં લાવી દેતાં.  અને ઘણી માજીઓતો રીતસરની હનુમાનજીને પગે લાગીને અને હાથ જોડીને ધન્યતા અનુભવતી. 

             શનિવારે સવારે 11:00 વાગે બિન્ગો આવતુ એ જોવા તો જેવા શાળામાંથી છૂટતાં એવા જ સીધી દોટ મૂકતા..

             પછી તો 2-3 વર્ષમાં ગામમાં બીજા બે-ચાર ટી.વી.  આવ્યા અને કલર ટી.વી. પણ આવ્યા, વીસીઆર  પ્લેયર પણ આવ્યું. મને ક્રિકેટનો શોખ પણ આ ટી.વી.એ જ જગાડ્યો. ઘણા વરસ સુધી આ ટી.વી.એ અમારા ઘરમાં રાજ કર્યું અને અંતે 2006 માં આ ટીવીને રિટાયર્ડમેન્ટ આપ્યું.

               ગઈ કાલે મમ્મીએ આને ભંગારમાં વેચવા કાઢ્યું ને બધી યાદ તાજી થઇ. ઘણી ના પાડી મમ્મીને કે ના વેચ પણ મમ્મી કે કંઇ કામનું નથી આ. પણ પછી ભંગારીએ જ આને લેવાની ના પાડી કે બેન આ કંઇ કામનું નથી,  એટલે મનમાં થયુ કે ભાઇ આ તારા કામનું નથી પણ મારા માટે તો મારું આખું બાળપણ સંઘરાયેલું છે આમાં..!!


- પંકજ ગોસ્વામી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ