વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મનનું માણસ નવલકથા વિશે

બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ‘મનનું માણસ’નો પરિચય

બંગાળના લાલન ફકીરની કથા પર આધારિત સુનીલ ગંગોપાધ્યાયની બંગાળી નવલકથા ‘મોનેર માનુષ’નો પ્રીતિ સેનગુપ્તા દ્વારા ગુજરાતી અનુવાદ. 

[પુસ્તકના પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ :૨૦૧૩, પેજ: ૧૨૮]

‘મનનું માણસ’ નવલકથા વિષે એના મૂળ લેખક સુનીલ ગંગોપાધ્યાયના નિવેદનમાંથી જાણવા મળે છે કે : ‘આ નવલકથાના નાયક લાલન ફકીર અને એમનું જીવનદર્શન બંગાળની બહાર બહુ પરિચિત નથી. આ અનુવાદ વાંચીને ગુજરાતના લોકો એ વિસ્મયકારક મનુષ્યની વાત જાણવા પામશે.’  

બંગાળી નવલકથા ‘મોનેર માનુષ’નો ગુજરાતીમાં અનુવાદ કરનાર લેખિકા પ્રીતિ સેનગુપ્તાએ એમના નિવેદનમાં નવલકથાના નાયક લાલન ફકીર વિષે જણાવ્યું છે કે : ‘જેમના વિષે વાંચતાં પણ સહજ આનંદની અસર થતી હોય તેવી સરળ ને અધ્યાત્મિક વ્યક્તિ તે લાલન ફકીર તરીકે ઓળખાતા એક સંસારી ભજનિક. એમની ચોક્કસ જન્મતારીખ મળતી નથી, પણ મૃત્યુ ૧૮૯૦માં થયેલું ગણાય છે. એ બંગાળમાં જન્મ્યા, રહ્યા, મૃત્યુ પામ્યા. આપણી બાજુ એમની કોઈ ઓળખાણ કદાચ છે નહીં, પરંતુ બંગાળમાં, અને બાંગલાદેશમાં આજે પણ એમની લોકપ્રિયતા છે. સંત કબીરની જેમ લાલન ફકીરે પણ ખૂબ સાદા શબ્દોમાં ઊંડા અર્થ દર્શાવતાં અસંખ્ય ગાન લખેલાં, તથા હિન્દુ-મુસલમાન- ખ્રિસ્તી વગેરે જેવા કોઈ  ભેદ મન, વાણી કે વર્તનમાં કદી રાખ્યા ન હતા.’ 

લાલન ફકીર વિષે આટલી જાણકારી મેળવ્યા પછી આ નવલકથાનો  આનંદ મેળવવામાં ઘણી જ અનુકૂળતા રહે છે. લેખકે કથાની રચના કરતી વખતે લાલનનાં ગાનનો ઉપયોગ કર્યો છે, લોક-સાહિત્યનો ઉપયોગ કર્યો છે અને પોતાની કલ્પનાઓ પણ ઉપયોગમાં લીધી છે. આ કારણથી નવલકથા રસપ્રદ બની છે.

નવલકથાની શરૂઆતમાં જ ઓગણીસમી સદીનું બંગાળના એક ગામનું વાતાવરણ રજૂ થયું છે. જેમ કે : ગડાઈ નદીને કિનારે વૈદરાજ કૃષ્ણપ્રસન્નસેનાના આવાસમાં રહેનારાંની સંખ્યા ઘણી હતી. એમની બે પત્ની અને સાત દીકરા-દીકરી, કુટુંબીઓ અને આશ્રિતો, બધાં મળીને ઓગણીસ જણ. રસોડામાં ચૂલાની આગ ક્યારેય બૂઝાય નહીં, સવાર–સાંજ ચાલુ જ રહે ભોજનનાં રાંધણ. એક ખૂબ મોટા ગોળાકાર ચૉકની આસપાસ સાત ટીનનાં છાપરાંવાળા ઓરડા, ને એક તરફ ઈંટનું ચણેલું ઘર. ઝાડપાન ખૂબ પ્રમાણમાં.

આ વૈદરાજ કેવા? એમનું આવાસ કેવું? લેખકે એ વિષે જણાવ્યુ છે : વૈદરાજ મહાશય દરરોજ બ્રાહ્મ મુહૂર્તે પથારી ત્યાગે. એ પછી આ ઘરના કોઈની પાસે સૂઈ રાહેવાનો ઉપાય રહેતો નહીં. પ્રભાત થાય ના થાય ત્યાં તો  શરૂ થતો કર્મયજ્ઞ. રાતે પણ બધું સમેટીને દીવો બંધ કરતાં ઘણું મોડું થાય. તે પછી પણ હાથમાં ભાલા લઈને બે જણ ચૉકી કરે. આમ આ ઘરમાં ચોરનું આવવું બહુ અસામાન્ય બનાવ કહેવાય.

તો પણ વૈદરાજના ઘરમાં ચોર તો આવ્યો જ. વળી, ચોર કેવો? લેખકે ચોર વિષે જણાવ્યું છે : થાંભલા સાથે બાંધેલા ચોરની ઉંમર હશે ચોવીસ-પચીસ. ડાકુ કહેતાં જ જેમ મોટી મૂછવાળો, કઠોર ચહેરાવાળો પુરુષ યાદ આવે તેમ ચોર સાંભળતાં જ મનમાં થાય જાને સૂકલકડો, કંગાળ, કાળા કાળા ચહેરાવાળો હશે. પરંતુ આ ચોર એવો ન હતો, પણ ગૌરવર્ણ, દીર્ઘકાય, માથા પર સરસ વાળ, એક ફાટેલી ધોતી કછોટો મારીને પહેરેલી, બદન ખુલ્લું, સારો એવો માર ખાધેલો, પીઠ પર એના સૉળ હતા.

આ ચોર એ બીજો કોઈ નહિ, પરંતુ આ નવલકથાનાં નાયક લાલન ફકીર પોતે. એ વૈદરાજના ઘરે ચોર તરીકે પકડાય છે ત્યાંથી જ કથાની શરૂઆત થાય છે.

લાલનનું મૂળ નામ લાલુ હતું. એ પદ્માવતી નામે ગરીબ, વિધવા પણ સબળ સ્ત્રીનો દીકરો હતો. એ નિ:સ્પૃહ, ઉદાસીન, શાંત, અલગારી અને પરગજુ સ્વભાવનો છોકરો હતો. એના ખાસ કોઈ મિત્ર નહોતા કે શત્રુ નહોતા. એને દુનિયાદારીનું કશું ભાન નહોતું. એમનું ભણતર જરાય નહોતું. એ કશા પણ સ્વાર્થ વગર બીજાને સહાય કરવા હંમેશા તત્પર રહેતો. એની માએ ગોપાલિ નામની નાદાન કન્યા સાથે લાલુના લગ્ન તો કર્યાં, પરંતુ લાલુંને સંસારમાં રસ નહોતો. એને રસ પડતો હતો ગીતો ગાવામાં. એનું ગળું સારું હતું. આ જ લાલુ સમય જતાં લાલન તરીકે ઓળખાવા લાગ્યો.

લેખકે લાલન વિષે લખ્યું છે : કોઈ પણ પાઠશાળા, સંસ્કૃત શાળાએ એ ગયો નહતો, કોઈએ એને લખતાં-વાંચતા શીખવાડવાનું વિચાર્યું પણ નહોતું. એ એક છોડી મુકાયેલા બળદની જેમ ફરતો રહ્યો છે. જાત્રાદલની પ્રેક્ટીસને વખતે બેસી રહ્યો છે એક ખૂણામાં. એ અંચલમાં અસંખ્ય બાઉલ, ફકીરોના અડ્ડા, કીર્તનનાં જૂથ પણ છે. એ એમની આસાસ ફર્યા કર્યો છે, ત્યારે જે કાને પડ્યું તે સાંભળ્યું છે. હવે અનેક ગાનની પંક્તિઓ, મોટેરાંના શબ્દો પાછા આવી રહ્યાં છે એની પાસે. એ બધું આકાર લઈ રહ્યું છે. 

કથામાં સિરાજ સાંઈ  નામે એક ફકીરનું પાત્ર છે. આ પાત્ર લાલન વિષે શું કહે છે તે જોઈશું તો આપણને આ વાતનો ખ્યાલ આવશે. ફકીર કહે છે : જુઓ જુઓ. આ એક શુદ્ધ માણસ છે. એને નામ નથી, સરનામું નથી, જાતિ, ધર્મ કશુંયે નથી, તેથી જ એને કશી તકલીફ પણ નથી. ખુદાએ જ્યારે મનુષ્યની સૃષ્ટિ સર્જી હતી, ત્યારે આદમ અને હવાને શું કોઈ જાત-ધરમ હતાં? કેવું સરળ, સુંદર જીવન હતું એ લોકોનું! ખુદાએ તો એમને કોઈયે ધર્મની દિશા આપી નહોતી.  

આવા લાલનના જીવનમાં એવી ઘટનાઓ બને છે કે એણે પોતાનું ઘર છોડવું પડે છે. એ વનમાં જઈને રહે છે. વનમાં એ ભૂખ,તરસ અને તકલીફો વેઠે છે. ખાવાલાયક જે ચીજ મળે તે ખાઈને ચલાવી લે છે. વનમાં જ વસાહતની સ્થાપના કરે છે અને દુનિયાથી તરછોડાયેલા લોકો વસાહતમાં આવતા જાય છે. લાલન એમને આશરો આપે છે. જોકે, લાલન ક્યારેય એ બાબતનું અભિમાન કરતો નથી. પોતે કરેલા સારા કાર્યોનો જશ લેવાનું એને ગમતું નથી. એ પોતાની જાતને હંમેશા નિમિત માને છે.

લાલન ધીરે ધીરે એ સંસારના બંધનોથી મુકત થતો જાય છે. વનમાં જ એને કેટલાક  ફકીરોનો સંપર્ક થાય છે. ફકીરો પાસેથી એ ગાન સાંભળતો જાય છે અને પોતે નવાં નવાં ગાન ગાતો જાય છે. ગાનાઈ શેખ નામનો લાલનનાં ગાન યાદ રાખી લે છે. આ રીતે લાલનનાં ગાન સચવાઈ રહે છે. લાલન અને બીજા અલગારી માણસો મોઢેથી મોટી મોટી વાતો કરતા નથી. મજાક-મશ્કરી, વાતો-વાર્તાઓ, ગાન આ બધામાંથી જ બધું ફૂટી નીકળે છે. એ લોકોને  જે જ્ઞાનપ્રાપ્તિ થાય છે તે  ખૂબ જ સહજતાથી થાય છે. લાલન એકતારો વગાડતાં પણ શીખી જાય છે. વળી, વખત આવ્યે એ લાઠીના દાવ પણ અજમાવી શકે છે.

નવલકથામાં વિવિધ સ્વભાવના અન્ય પાત્રો કથાને વહેતી રાખે છે. લાલુની મા પદ્માવતી આમ તો સબળ સ્ત્રી છે, પરંતુ ધાર્મિક ભેદભાવમાં માનનારી છે. પતિથી છોડી દેવાયેલી રાબેયા સ્વાવલંબી સેવાભાવી સ્ત્રી છે. કાલુયા ક્યારેક ખૂબ જ ગુસ્સે થઈ જાય તો કયારેક રડી પડે એવો ફકીર છે. જેનો જાતીય આવેગ ઓછો થયો નથી એવી યુવાન વિધવા કમલિ સારું ગાય છે. હરિનાથ એક પત્રિકાનું સંપાદન કરે છે. તેઓ શોષણખોર જમીનદારોની વિરુદ્ધમાં લખે છે. ભાનુમતીને પરાણે સતી થતાં થતાં બચી ગયેલી ઠાકુરાણી છે. જમીનદાર જ્યોતિરિન્દ્ર કળામાં રસ ધરાવતા અને ભલાઈમાં માનનારા  છે. આ સિવાયનાં અન્ય પાત્રો પણ કથામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.      

નવલકથામાં લેખક ઠેકઠેકાણે માર્મિક વાતો ખૂબ જ સરળ રીતે કહી છે. એક વખત લાલન કહે છે : ‘મારું પૂરું નામ કશું નથી. હું સામાન્ય ,માણસ છું. આટલું નામ જ પૂરતું છે. મારી જાણકારી- હોશિયારી પણ ઓછી છે. અલ્લાહ અથવા પરમેશ્વરની લીલાની વાતો માથામાં રાખવા જેવી શક્તિ નથી. હજી તો મનુષ્યને જ સારી રીતે ઓળખ્યા નથી, મનુષ્ય કેટલો વિચિત્ર છે. હું તો પોતાને જ હજી પણ જાણતો નથી. હું ક્યાંથી આવ્યો છું, કયા નિરાકારના કોયડામાં ઘૂમું છું, તે ય સમજતો નથી.’

અંગ્રેજોનું શાસન, જમીનદારોનો ત્રાસ, ધાર્મિક આગેવાનો અને કુરીવાજોનો પ્રભાવ, ગરીબી, શોષણ, એક તરફ આ બધુ હતું તો બીજી તરફ કેટલાક માણસો કુદરતના ખોળે સહજતાથી, સાદાઈથી, શાંતિથી અને ભાઈચારાથી રહેવાનું અને ગાન ગાવાનું પસંદ કરતા હતા. લાલન ફકીર આમાંના એક હતા. આવા અલગારી માણસની આ કથા લેખકે ખૂબ જ સહજતાથી રજૂ કરી છે.  

નવલકથાના અંતે લાલનના પાંચ પદ છે. એમાંથી એક પદ આ મુજબ છે...

મિલન થશે કેટલા દિને

મારા મનના માણસની સંગે.

મેઘની વીજળી જેમ મેઘમાં

છુપાઈ ના શકે શોધની સામે

કાળામાં એ રીતે ખોવાતાં

એ જ રૂપને જોઉં આ દર્પણે.

એ રૂપ જ્યારે આવે યાદ

રહે નહીં લોક-લજ્જાનો ભય

લાલન, ફકીર રડીને કહે હંમેશાં

એ પ્રેમ જે કરે તે જાણે. 

રૉનોજીત ગુહો, સમકાલીન ઇતિહાસવિદ્ લેખકને આ નવલકથા વિષે જણાવે છે :

સન્માનનીય સુનીલબાબુ,

‘મોનેર માનુષ’ વાંચ્યું. બહુ જ ગમ્યું. લાલન તેમ જ આ પ્રકારની લૌકિક માન્યાતાઓ સંદર્ભે તમારા વિચાર સાથે થોડો પરિચિત થવાનો સહજ સુયોગ મળી ગયો. આ પ્રકારનું લેખન કેટલું તો કઠિન છે તે સમજ્યું લેખકનું વક્તવ્ય વાંચીને. સાચે જ તો આ જાતની કથા-રચનામાં ઇતિહાસની સમાજને કલ્પનાનો આશ્રય લેવો જ પડે, તથા તમે જે રીતે લીધો છે તે માટે આપત્તિનું કારણ કશુંયે નથી. બલ્કે મને તો લાગે છે કે તથ્યવાળી સામગ્રી ખૂબ ઓછી હોવા છતાં એક ઐતિહાસિક કાહિનીની ઐતિહાસિકતા કઈ રીતે સાચવી શકાય, તે કઠીન પ્રયત્નની સફળતા આ ઉપન્યાસમાં સાચે જ વિસ્મયકારક છે.

તો આવી વિસ્મયકારક નવલકથા વાંચ્યાનો મને આનંદ છે.

અ નવલકથા પરથી કલાત્મક ફિલ્મ પણ બની છે.

[સમાપ્ત]

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ