વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દીકરી

ઓફિસમાં લગાવેલ જૂના એ.સીના એક્ઝિટફેનનો ધ્રૂજતો ઘોંઘાટ ઓફિસમાં કામે ચોંટેલ જૂનાકર્મચારીઓને કોઠે પડી ગયેલો પણ થોડા દિવસો અગાઉ નવી આવેલ યામિની માટે એ મગજનો દુખાવો હતો.ચાલીમાં વસતા સામાન્ય પરિવારની છોકરી પણ એના વિચારો સામાન્ય ન હતા એ ખુદ પોતાના પગ પર ઊભી થઈ સ્વનિર્ભર બની પોતાનાં માતા પિતાને જવાબદારીઓમાંથી નિવૃત કરી એમની સેવા કરવી. અત્યારના યુગથી તદ્દન વિરોધી ઇચ્છાઓ સેવતી હતી અને સેવા કરતી પણ હતી.

એનો મેકઅપયુક્ત ચહેરો વાસ્તવિક રંગને છુપાવી રહ્યો હતો.એના સિલ્કીવાળમાં સામેલ સુંગધિત તેલની મીઠી સુવાસ ઓફિસના ખૂણેખાંચરે પહોંચી હતી. કાનમાં લટકતી રિંગ લોલકની ગતિએ બન્ને તરફ હીંચતી હતી.હાથમાં રહેલ પેન એની પાતળી આંગળીઓની કરામતે તાલબંધ નાચતી હતી. કુંડામાં સમાયેલા છોડ સમી યામિની પંજાબીડ્રેસમાં શોભતી હતી.પારિજાતના પુષ્પ જેવો મંદમંદહસતો ચહેરો ઓફીસના પ્યુનથી લઈ બોસ સુધીના કર્મચારીઓને પળે પળે આકર્ષતો હતો.છતાં યામિની પોતાની કોઠાસુઝથી દરેકને માત આપતી હતી.

વ્હીલચેર પર શોભતી યામિની પગની ઠેસે સરકી બાજુના કેબિનમાં કામ કરતી આયુશીને ઉદ્દેશી બોલી,

આયુ આ એ.સીનો ડબ્બો બદલાવવાનો થઈ ગયો છે શું તને નથી લાગતું.

હા યાર લાગે છે પણ ખડુસ બોસની સામે કોઈ કહેવા તૈયાર થાય તો ને.

હું તૈયાર છું.

રહેવા દે તારો વધારે ઓવરકોફીડન્ટ અહીં કામ નહીં લાગે.

લગાવ બેટ.

બોલ કેટલાની?

તું કહે એટલાની.

સો-સો ની

તું ચાહે તો વધારી શકે.

ઓકે ચલ આજે જે હારે એ આજના ડિનરનું બિલ પે કરે.

ઓકે.

સ્યોર આયુ.

યસ મેમ, આઈ એમ સ્યોર.

ઓકે કહી યામિની ઊભાં થતાં થતાં બોલી,

આજના ડિનર માટે રેસ્ટોરન્ટની ચોઇસ કરી લે.કહેતીક યામિની બોસની કેબિન તરફ ચાલી.

આયુશી વ્હીલચેર છોડી ઉભી થઇ યામિનીને જતી જોઈ રહી.

યામિની બોસની કેબિન બહાર ઊભી રહી અંદર આવવા પરમિશન માંગતા,

મેં આઈ કમીન સર.

ઓહ યશ યામિની, પ્લીઝ કમ.

થેન્ક યુ સર.

પ્લીઝ.ટેક યોર સીટ.

નો થેન્ક સર.

પ્લીઝ યામિની ટેક યોર સીટ.

થેન્ક યુ સર.

યશ બોલ શુ વાત છે યામિની. કઈ પ્રોબ્લમ છે.

સર પ્રોબ્લમ મારો અંગત નથી. પુરા સ્ટાફનો છે.

વોટ. શું પ્રોબ્લમ છે?

સર ઓફિસમાં લગાવેલ એ.સીનો અવાજ કામમાં ખલેલ પહોંચાડે છે.કામમાં ધ્યાન રહેતું નથી તો આપ એ....

ઓકે.. ઓકે...નો પ્રોબ્લમ યામિની.કાલ સુધી નવું એ.સી લાગી જશે. ઇટ્સ ઓકે યામિની.

ઓકે સર થેન્ક યુ વેરી મચ.

ઓહ. યામિની મોસ્ટ વેલકમ.

થેન્ક યુ સર.કહી યામિની મનોમન નાચતી નાચતી બહાર આવી હાથની મુઠ્ઠીવાળી પાછળની તરફ ઝટકા સાથે ખેંચી પોતાની જીતની ખુશીનું પ્રદર્શન કરતા કરતા પોતાના કેબિનમાં આવતા જ બોલી,

આયુ કાલે નવું એ.સી લાગી જશે.

હાસ. હવે આ ખટખટીયુ અહીંથી જશે.થેન્ક યુ યામી.

વેલ કમ આયુ. પણ મારું ડિનર.

ઓકે તારું ડિનર તને મળી જશે.

કઈ રેસ્ટોરન્ટમાં ? આયુ.

તારી ફેવરિટ રેસ્ટોરન્ટ ફાઈવ સ્ટારમાં

ઓહ... આયુ થેન્ક યુ સો મચ.

ઓકે ઓક.તું ઘરે કોલ કરી દે. હું પણ ઘરે જાણ કરી દઉં.

યામિનીએ ઘરે ફોન જોડી ખભાને સહારે ફોન ટેકવી અધૂરું કામ પૂર્ણ કરવા હાથ ચલાવ્યો.રીંગ પૂરી થતાં સુધી કોલ રિસીવ ન કર્યો.એને તરફ ફરી ફોન જોડ્યો પહેલી જ રીંગ પૂરી થતાં જ ફોન રિસીવ થયો.

હેલ્લો.

હેલ્લો બેટા યામી.

હા મમ્મી.

બોલ બેટા શું કહે છે.

હું ને આયુશી રેસ્ટોરન્ટમાં જમવા જવાના છે તો તમે બધાય મારી રાહ જોયા વિના તમતમારે જમી લેજો.

હા બેટા. ઘરે સમયસર આવી જજે.

હા મમ્મી આવી જઈશ.કહેતા જ યામિની ફોન કાપી કામમાં જોતરાઈ ગઈ.

એક પછી એક સહકર્મચારી વારાફરતી ઓફીસ છોડતા હતા આયુશી યામિનીનું કામ પૂરું થવાની રાહ જોતી બેઠી હતી.દિવાલ પર લટકતું ડીઝીટલ વૉચની સ્ક્રીન પર સાતનો સમય સુચવતું સેકન્ડો ગણતું સ્થિર પડતું હતું.

અલી યામી કેટલો ટાઈમ લાગશે?

બસ બે જ મિનિટ. આ ફાઇલ સબમિટ થઈ જાય એટલે પત્યું.

ઓકે. તું પૂરું કર હું પાર્કિંગમાં તારી રાહ જોવ છું.

અરે બેસને રાહ જોનારી સાથે જઈએ છીએ.લે પતી ગયું.

બન્ને સેકન્ડફ્લોરથી નીચે ઉતરી પાર્કિંગમાં પાર્ક વાહનો લઈ જાહેર માર્ગે આગળ વધ્યા. ઝગમઝતી રોશની સ્ટ્રીટલાઈટથી ફેલાઈ રહી હતી.ચાલુ વાહને પણ બન્નેની ગોષ્ઠિ ચાલતી હતી.ટ્રાફિકની સમસ્યા એમને વારંવાર અડચણરૂપ બનતો.લાલ,લીલા સિગ્નલો અનુસરતા રસ્તામાં આવતી રેસ્ટોરન્ટે પહોંચતા અડધો કલાક પસાર થઈ ગયો.

રેસ્ટોરન્ટમાં ગુંજતું મધુર સંગીત દરેક કસ્ટમરને પોતાની તરફ ખેંચતુ હતું.સ્વચ્છ સિલિંગો પર વાગોળની માફક લટકતા કાચના ઝુંમરો પ્રસરતી હવાના જોરે રણકતા હતા.એલ.ઇ.ડી લાઈટોનો પ્રકાશ,ગેટ પર ફરતી ચાઇના સિરિજોની કરામત રેસ્ટોરન્ટ તરફ આકર્ષણ જમાવતું હતું.

આયુશીએ મેનુમાં વાનગીઓ પસંદ કરવા યામિનીને વિનંતી કરી.ચકોર વેઈટર ઉપસ્થિત થતા જ યામિનીએ પીઝાનો ઓર્ડર કર્યો.

કેમ પીઝા યામી ?

ખાતા ખાતા પસંદ કરીએ.

ગુડ થિંક.

થેંક્સ આયુ.

યામિનીએ મનપસંદ વાનગીઓ ઓર્ડર કરી બંનેએ વાતોવાતોમાં ડિનર પૂરું કરી ઘર તરફ પ્રયાણ કર્યું.

રસ્તા પર પુરપાટ ઝડપે પસાર થતા વાહનો એકબીજાની ઓવરટેક કરવાના મૂડમાં હતા.તો કોઈ હરીફાઈમાંથી બાકાત રહી વાહન હંકારતા હતાં એમાં યામિની અને આયુશી પણ બિનહરીફ રહી સંવાદ રચતા અંતર કાપતા હતાં છતાં ધ્યાન તો રસ્તા પર હતું જ. ખિલખિલાટ હસતી યામિની આયુની વાતોનો ઉત્તર રજૂ કરતી હતી.ત્યાંજ અચાનક ધસમસતા પૂરની ગતિએ આવેલ કારની ટક્કરે યામિની હવામાં ફંગોળાઈ ડિવાઈડર પર પટકાઈ બેસુંદ અવસ્થાએ રસ્તા પરની ચહલપહલ અર્ધખુલ્લી આંખોએ ભાળતી હતી.આયુ હાથ પકડી ઉઠાડવાનો વ્યર્થ પ્રયાસ કરતી હતી.વિડિયો સુટ કરનાર ટોળું ચોફેર ફરી વળ્યું.મોબાઈની ફ્લેશ લાઈટ એકપછી એક યામિનીની દુર્ઘટનાને કેમેરામાં કેદ કરતી હતી.તો કોઈ જીવતા મનુષ્યો મદદે આવ્યા ત્યાં સુધી યામિનીની અર્ધખુલ્લી આંખો ઢળી ગઈ.

* * *

હપ્તા અગાઉ સપાટ ડામરના રસ્તે પડેલ દેહની ઢળેલ આંખો આઈ.સી.યુમાં ઉઘડી.માતાપિતા બન્ને કોર હાથમાં હાથ પકડી બેઠા હતાં.ઘણાં વખતથી રડતી આંખોના હિસાબે કરમાયેલા ચહેરે ઉદાસી ઘર કરી ગઈ હતી.આખો રૂમ ઓફિસના સહકર્મચારીઓથી ભરાયો હતો.એ દરેકના ચહેરા પણ ખાસ તો આયુશીના ચહેરા પર યામિનીને હોશમાં આવ્યાની ખુશી તરવરી રહી હતી.પણ મમ્મીપપ્પાની આંખો હજુ પણ રડતી જોઈ યામીની થોડી ક્ષણો પહેલાં ઉઘડેલી આંખો ઉભરાય ગઈ.

ડોકટર આવ્યા અને બધોજ મેળાવણો બહારની તરફ ધકેલાયો. ડોકટરે યામિનીની આંખો તપાસી ઘેનનું ઇન્જેક્શન આપી બીજા દર્દીઓની સંભાળ લેતા દૂર થઈ ગયા.

ખુલ્લી રહેવા મથતી યામિનીની આંખો કોઈ અદ્રશ્ય દબાણથી ઢળતી હતી અને આખરે ઢળી પણ ગઈ.પણ એ સભાન અવસ્થામાં હતી.

સુતેલી દીકરીને માથે માતાપિતાનો હાથ ફર્યો. યામિનીએ બંધ આંખે અનુભવ્યું.દંપતી વચ્ચે વાતચીત શરૂ થઈ,

કહો તો, ડૉક્ટરસાહેબે શું કહ્યું.

જે કહ્યું હોય એ આપણને આપણી દીકરી પાછી મળી એમાં જ ઈશ્વરનો આભાર માન.

માનું છું જ પણ તમે કહો તો ખરા.

શું કહું મારે મારી લાડકીને પરણાવી હતી ને આ ગોઝારા અકસ્માતે વ્હાલી દીકરીને પથારીવશ કરી.બોલતા બોલતા દંપતી રડી પડ્યું.

સૂતી દીકરી માબાપના રુદનને અનુભવી રહી હતી.બંધ આંખોના ખૂણેથી એની વેદના રેલો બની વહેતી હતી.દંપતી એકબીજાને આશ્વાસન પૂરું પડતું દરવાજા બહાર ચાલી ગયું.

સગાસબંધીઓની અવર જવર દિવસે દિવસે વધતી હતી.એ દરેક પોતપોતાની વાણી મુજબ આશ્વાસન આપતા, ભગવાન બધું સારું કરી દેશે, એની ઈચ્છા આગળ દરેક જીવ પામર છે,હિંમત રાખજે દીકરી હારી જવાથી કઈ નઈ વળે,આમને આમ તું બહુ જલ્દી હરતીફરતી થઈ જઈશ એવી ખોટી આશાઓ સજાવતા હતાં પણ યામિની બધું સમજતી હતી.આમનેઆમ દિવસો પસાર થતા રહ્યા યામિની સ્વસ્થ થતી હતી પણ એના ચરણોમાં રીકવરીનો અંશ પણ પ્રવેશ્યો ન હતો.

માતા પિતાની રઝળપાટ,ભાઈનો ભણતરનો ખર્ચ,એમાં પોતાની દવાદારૂનો આવી પડેલ ખર્ચ પાછળ બચતની મૂડી ખર્ચાઈ ગઈ.પિતા પૈસા માટે સગાંસંબંધીના ઘેર ઘેર ફરતા પણ કોઈ મદદ કરે તેમ નહોતું.

હોસ્પિટલમાંથી રજા મળી ગયે પંદરેક દિવસ વીત્યા હશે.ને પથારીવશ યામિની હારી ગઈ. બાજુના ટેબલ પર પડેલ ડાયરી લઈ રડતા રડતા કોરા પાના પર પેન ફેરવી ડાયરીને ખુલ્લી અવસ્થામાં ટેબલ પર તેના યોગ્ય સ્થાને મૂકી બે હાથે ચહેરો છુપાવી ખૂબ રડી,હીબકે ચડી ગઈ પણ એ હારી હતી એના જીવનથી.

ફળો ભરેલ છાબડીની બાજુ પડેલ ચાકું ઉઠાવી મમ્મીપપ્પા ભાઈ,આયુશી દરેક સ્વજનને યાદ કરી રડતા રડતા હાથની કલાઈ પર ધારદાર ચાકુંનો ઝાટકો માર્યો.ચાકું છૂટી ગયું.સફેદ ફર્શ પર રક્તની શૅર ટપકતી. વારંવાર ઉઘડતી આંખોને યામિની એ બળજબરીપૂર્વક ઢાળી એક ઊંડો શ્વાસ લઈ પથારીમાં બેભાન બની પડી રહી.

હંમેશને માટે ઢળેલી આંખો ફરી ખુલશે એવી આશા યામિનીએ નોહતી સેવી પણ એના માતાપિતાએ એના લગ્ન કરાવવાનું સ્વપ્નું જરૂર સેવ્યું હતું.આખરે ઢળતી સંધ્યાએ હોંશમાં આવી પણ આંખો ખુલી નહિં.એનું મન એની જાતને પ્રશ્ન કરતું હતું કે મમ્મીપપ્પાને શું જવાબ આપવો, શુ મોં બતાવું એવા ઘણાં સવાલોએ એની આંખો ખોલી નાખી.

દુર્ઘટના વખતે હતું એજ દ્રશ્ય આજ ફરી ખડું થયું. મમ્મીપપ્પા બંને બાજુ હાથમાં હાથ પકડી બેઠા હતા.ઑફિસ સ્ટાફ ઉપસ્થિત હતો,ભાઈ હતો,આયુશી હતી,ડૉકડર પણ હતા.બધાયના ચહેરા કહેતા હતા યામિની તારે જીતવાનું છે.

આંસુ સારતા પિતાએ સહેજ હાથ દાબીને કહ્યું,

બેટા ભલે જમાનો બદલાયો પણ માબાપના મન હજુ એના એ જ છે એજ વ્હાલ આજ પણ છે દીકરા. પોતાનું સંતાન ક્યારેય બોજ બન્યું નથી ને ક્યારેય બનશે નહીં. દીકરા તો તે એમ કેમ માની લીધું કહેતા જ યામિની રડતા રડતા પિતાને ભેટી પડી.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ