વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વૃક્ષારોપણ

                  વૃક્ષારોપણ

             "કૃપા, તારી જીદને કારણે મારે ઓફિસમાં સાંભળવું પડશે."

 "તો સાંભળી લેજે. ફરવાની કેવી મઝા આવી તે જ યાદ રાખ. આબુ-અંબાજી તો દર મહિને જવું જ જોઈએ."

 "તું તારો જિદ્ધી સ્વભાવ બદલ. તે જીદ ના કરી હોત તો અંબાજીથી સીધા હાઇવે પર આપણે અમદાવાદ પહોંચી ગયા હોત. તે આ ખેડબ્રહ્મા વચ્ચે ઘુસાડ્યું."

"તારે મારો આભાર માનવો જોઈએ કે ફરવાની સાથે જાત્રા પણ થાય છે."

ખેડબ્રહ્મા દર્શન કરવાની કૃપાની જીદને કારણે અનલે હાઇવે છોડીને સાઈડનો રસ્તો લીધો. પણ  અનરાધાર વરસાદ રસ્તામાં વરસવા માંડયો તેથી તકલીફો શરૂ થઈ. શરૂમાં તો વરસાદ જોઈ કૃપા રાજીની રેડ થઈ ગઈ હતી. પણ પછી તો ગાડીના આગલાં કાચમાંથી  બધું ધૂંધળું દેખાવા માંડ્યું. આગળ ફક્ત પાણીના રેલા જ દેખાય અને અંદરથી ફક્ત ફરતું વાઇપર!  બંને થોડાં ચિંતિત થયાં. કૃપા ગભરાઈ તેથી તેણે સલાહ આપી.

"ગાડીને થોડીવાર બાજુમાં ઊભી રાખી દેવી છે?"

 "વરસાદનો શું ભરોસો? એ તો બે કલાક પણ ચાલે. હું પાછો ક્યાંક અટવાઈ જઈશ તો ઘરે પણ મોડા પહોંચીશું. તારાં દર્શન બંધ પણ થઈ જાય."

 "પણ આગળ કંઈ જ દેખાતું નથી.  રસ્તો પણ સુમસાન છે. એક વાહન પણ જતું દેખાતું નથી! અકસ્માત થશે તો ઉપાધિ."

 ત્યાં જ બે સાયકલ સવાર ત્યાંથી પસાર થયાં. 

 "રસ્તો વપરાશમાં તો છે પણ આ વરસાદને કારણે અને ચાલુ દિવસ હોવાથી સુમસાન લાગે છે! મોટાભાગના લોકો હાઇવે થઈને અંબાજીથી ઘેર જતા રહે. પણ તમારે તો બધે ફરવું છે ને!"

 "બસ, તું સંભળાવવાનો હોય તો પાછી લઈ લે. માતાજીની ઈચ્છા નહીં હોય ફરી કોઈ વાર."

 "હવે પાછા ના જવાય. ગાડીને વાળવા માટે પણ જગ્યા નથી. આજુબાજુ શું છે તે પણ દેખાતું નથી. ક્યાંક વાળવા જઉ અને કોઈ ખાડામાં પડી જઈશું તો પણ ઉપાધિ જ. રસ્તામાં અટકવામાં પણ જોખમ છે. વધારે બીક લાગશે. ધીરે ધીરે આગળ વધીએ તે જ સારું છે."

 કૃપા બોલી, "કેવો ભયંકર વરસાદ છે! ઝરમર હોત તો મજા આવી જાય. પણ આ તો માથામાં વાગે તેવો વરસાદ. સાંબેલાધાર!" 

 છેવટે આગળની લાઈટ ચાલુ રાખીને ગાડી ધીરે ધીરે ચલાવતાં ચલાવતાં તેઓ આગળ વધ્યા. પણ આછી લાઇટમાં થોડેક જ દૂર નીચે કંઈક રસ્તામાં  મોટી સફેદ વસ્તુ પડેલી દેખાઈ!

 કૃપાએ ચીસ પાડી. 

"ઊભી રાખ.‌ કંઈક આગળ પડ્યું છે. કોઈ પ્રાણી મરી ગયું લાગે છે!"

સફેદ વસ્તુની પાસે જઈને તેમણે બ્રેક મારી. ગાડીમાંથી કંઈ જ સ્પષ્ટ દેખાતું ન હતું. છેવટે છત્રી લઈને તેઓ નીચે ઉતર્યા. પણ નજીક જતાં જ બંને ચોંકી ગયાં. એક પ્લાસ્ટિકના મોટા કોથળામાં કોઇ માણસ વીંટાયેલો હતો. તેનું શરીર પ્લાસ્ટિકના કોથળામાં હતું પણ પગ બહાર હતાં! તેમણે તેને જગાડવા પ્રયત્ન કર્યો પણ તે મૃત હોય તેવું લાગ્યું. બંને એકબીજાની સામું જોઈ  પાછા ગાડીમાં જતા રહ્યાં.

પાંચ દસ મિનિટ બેમાંથી કોઈ કંઈ બોલી શક્યું નહીં. બહાર પણ સન્નાટો અને ગાડીની  અંદર પણ સન્નાટો. 

કૃપા બોલી, "હિંમત કરીને આને સાઈડમાં ખસેડીને આપણે આગળ તો જવું જ પડશે. તેની ઉપરથી તો ગાડી લેવાય નહીં. મને તો બીક લાગે છે. ઝડપથી ભાગીએ નહીં તો ફસાઈ જઈશું."

"આ માણસ જીવે છે કે મરેલો છે? આપણે કંઈ જ જાણતા નથી. ખૂન કેસ હશે તો?"

ખૂબ વિચારીને તેમણે ખાનામાંથી  પ્લાસ્ટિકના કોરોના કાળ દરમિયાન વપરાતાં પ્લાસ્ટિકના હાથના ગ્લોવ્ઝ પહેરી લીધાં. 

       હવે છત્રીનો પણ કોઈ અર્થ રહ્યો ન હતો. ખૂબ મોટી ઉપાધિમાં તેઓ પડ્યાં હતા. બંને ભગવાનનું નામ લેતાં પેલા કોથળા પાસે ગયાં અને તેને સાઈડમાં ખસેડવા માટે પ્રયત્નો કરવા માંડ્યાં. સાઈડમાં ખસેડ્યા પછી રસ્તો તો થયો પણ તેમણે પાણીની સાથે દોડતા લાલ લિસોટા પણ જોયાં. કૃપા તો એક ધબકારો ચૂકી ગઈ અને ખૂબ જોરથી રડીને અનલને વળગી પડી. "આને તો કોઈએ મારી નાખ્યો લાગે છે!"

"લોહીની ધારાઓ બતાવે છે કે હમણાં જ ખૂન થયું છે! કદાચ ખૂન કરનારા આજુબાજુ પણ હોય." તેઓ ઝડપથી ગાડીમાં ગોઠવાઈ ગયાં.

 પ્લાસ્ટિકના ગ્લોવ્ઝ કાઢીને લીલી કોથળીમાં ભર્યા. અનલે ગાડી ચાલુ કરી દીધી. થોડે જ આગળ એક પાણીનું નાળું દેખાયું. કૃપાએ ગ્લોવ્ઝની કોથળીનો તેમાં છૂટો ઘા કર્યો.

 "આને અહીં નાખવાની શું જરૂર હતી?"

 "આને ઘરમાં થોડું લઈ જવાય? આપણે નાળાના પાણીમાં નાખી છે એટલે વાંધો નહીં."

 "અરે, આપણાં હાથના નિશાન અંદરની સાઈડ હોય. તું મને પૂછતો ખરી! હવે આ નાળામાં કોણ પડશે? ખરેખર, મારે તારાં વિચારો પ્રમાણે ચાલવા જેવું જ ન હતું."તે ખૂબ ગુસ્સે થઈ ગયો.

"હવે ખેડબ્રહ્મા દર્શન નથી કરવાં."

"ના, હવે મારે દર્શનની ખાસ જરૂર છે. માતાજી આપણી રક્ષા કરે."

"આપણે આખાં પલળી ગયાં છીએ અને મને બીક લાગે છે." 

"જો‌ આપણે તે વ્યક્તિને ઓળખતા પણ ન હતાં અને તેનું ખૂન પણ કર્યું નથી." 

કૃપાએ બોલવાનું ટાળ્યું. આખે રસ્તે વરસાદમાં ધીમે ધીમે ગાડી ચલાવી બંને ખેડબ્રહ્મા તો પહોંચ્યા પણ ગાડીમાં ફક્ત  નિશબ્દતા  રેલાતી હતી. વરસાદને કારણે ખેડબ્રહ્મામાં એકદમ શાંતિ હતી. ઝડપથી બંનેએ દર્શન કરી લીધાં. કૃપાએ તો બાધા પણ માની લીધી. ગાડીમાં પાછા વળતાં અનલને સમાચાર મળ્યા કે અમદાવાદમાં પણ એક કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે. અને આગળ પણ પાણી સખત ભરાયા છે. ગાડી ચલાવવી જોખમી છે. કંઈક વિચારીને બંને ખેડબ્રહ્માની એક સારી હોટલમાં રોકાઈ ગયાં. 

     વહેલી સવારે અનલે કૃપાને ઉઠાડી અને કહ્યું, "આપણે એ રસ્તે ફરી જઈ આવીએ? વરસાદ બંધ થઈ ગયો છે. ત્યાં શું ચહલ પહલ છે તે ખબર પડે."

"મારી હિંમત નથી. ક્યાંક ફસાઈ ના જઈએ." 

આમે ફસાઈ તો ગયાં જ છીએ. હવે ત્યાં લાશ છે કે નહીં તે મારે જોવું છે. બીજું હું વિચારું છું કે આપણે પોલીસને તો જણાવી જ દેવું જોઈએ."

"ના આપણે માથાકૂટમાં પડવું નથી."

"હું સીધો અહીંથી પોલીસ પાસે જવા માગું છું. તારા પ્રમાણે ભારે વરસાદમાં નીકળવાથી જ આપણે ફસાયા. હવે તારાં વિચારો પ્રમાણે હું નહીં ચાલુ."

ન છૂટકે કૃપા પણ ગાડીમાં ગોઠવાઈ અને બંને પાછા તે રસ્તે આગળ વધ્યાં. આમ તો વિરુદ્ધ દિશામાં તેઓ હતાં પણ પેલું નાળું આવ્યું એટલે આ જ રસ્તે થોડે આગળ પેલી લાશ હતી તે તેમને ખબર પડી ગઈ. અનલે ગાડી ઉભી રાખી અને નાળા તરફ જોયું. પેલી લીલી પ્લાસ્ટિકની કોથળી વચ્ચોવચ તરી રહી હતી! ત્યાં ઝાડીઓમાંથી ત્યાં જવાનો રસ્તો આસાન ન હતો. તે પાછો ગાડીમાં ગોઠવાઈ ગયો. તેઓ  આગળ વધ્યા અને નજર ફેરવતાં ગયાં. તેમને આંચકો લાગ્યો કે આખા રસ્તે ક્યાંય પેલો પ્લાસ્ટિકનો કોથળો ન હતો! 

"એવું તો નથી ને કે આ રસ્તે ભૂત-પિશાચ હોય અને આપણને રાતે હેરાન કરવા આ બધું થયું હોય! કે આપણાં મનનો વહેમ છે? આવાં વરસાદમાં આવીને કોણે લાશને ગુમ કરી!"

"હું તને હવે એક જ સલાહ આપું છું કે તું ચૂપ રહે. મને મારી રીતે વિચારીને કામ કરવા દે. આપણે વધુને વધુ મુશ્કેલીમાં પડવાં માંડ્યા છીએ. લાશ ગુમ થઈ તે પણ એક મોટી મુશ્કેલી છે."

        અનલે ગાડી નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ લીધી. રાત્રે બનેલી આખી ઘટના સમજાવી. પોલીસની વાન તેમની જોડે આવી અને કઈ જગ્યાએ આ બધું થયું હતું તે બતાવવા જણાવ્યું. આશરે નાળાની પહેલાં એવું અનલે જણાવ્યું. નાળા સુધી આંટો મારી આવ્યા છતાં એ ક્યાંય કંઈ દેખાયું નહીં. પોલીસે જણાવ્યું કે આ તમારો વહેમ હશે. અહીં તો સરસ મઝાના વૃક્ષો ઉગાડવામાં આવે છે અને દર વર્ષે કિશનભાઇ તરફથી વૃક્ષારોપણનો કાર્યક્રમ થાય છે. બાવળિયા ઉગતાં હતા ત્યાં નંદનવન બનાવી દીધું. આ વૃક્ષારોપણના ભવ્ય કાર્યક્રમોથી  આટલી વનરાજી દેખાય છે. ચોમાસું ના હોય ત્યારે પાઇપો દ્વારા ત્યાં પાણી પણ પહોંચાડાય છે. 

જીવવા માટે ઓક્સિજન પણ જોઈશે ને?"ઇન્સ્પેક્ટરે  હસતાં હસતાં પૂછ્યું.

 "એ બધું બરાબર પણ આ અમારો વહેમ નથી ત્યાં હતું જ..."

 "તમે વરસાદમાં ગભરાઈ ગયા હશો અને તમને એવું લાગ્યું હશે? બાકી, આટલાં કલાકોમાં લાશ થોડી ગુમ થઈ જાય?"

 "મને એ જ આશ્ચર્ય થાય છે કે આટલી મોટી લાશ ક્યાં ગઈ? કોઈનું કાવતરું પણ હોય."

 "તમારી પાસે કોઈ પુરાવા નથી તેથી અમે આ કેસ કઈ રીતે આગળ ચલાવીએ?"

થોડું વિચારીને અનલે કહ્યું, "અમારી પાસે પુરાવો છે. ચાલો, પેલા નાળા પાસે."

"તમારાં જેવાં બહું ઓછા હોય કે ખૂન કેસમાં વધારે ને વધારે સંડોવાતા જાય. બાકી, લોકો લાશ જોઈને ભાગી જતાં હોય છે. તમે સારા ઘરના છો એટલે ચેતવું છું કે આવા બધાંથી દૂર જ રહો."

 "હું દૂર જ રહેવા માગું છું પણ સત્યને થોડું છુપાવી શકાય? એ તો છાપરે ચડીને બોલે. કાલે ઊઠીને કંઈક હોય તો અમારી સામે પ્રશ્ન ઉભો થાય કે તમે જણાવ્યું કેમ નહીં?"

ના છૂટકે પોલીસ સાથે આવી. બધાં નાળા પાસે પહોંચ્યા. અનલે પેલી કોથળી બતાવી.

 બે જણ પાણીમાં ઊતર્યા અને મહા મહેનતે તે કોથળીને ઉપર લાવ્યાં.

 "આ કોથળીમાં અમે પહેરેલા ગ્લોવ્ઝ છે. ફિલ્મોમાં જોયું હતું એટલે અમે  ગ્લોવ્ઝ પહેરીને લાશને ખસેડી હતી. જેથી અમારા ફિંગર પ્રિન્ટ ના આવે. અમે તો ખાલી પસાર થતા હતાં પણ..." 

 "તમારું મગજ તો બહુ ચાલે છે! ખૂની કરતા પણ વધારે! ક્યાંક તમે તો..."

અનલ કંઈ જ બોલ્યો નહીં.  પોલીસે કહ્યું કે કોથળીને ખોલ્યા વગર સીધી ઓફિસમાં જમા કરાવો.

 છેવટે પોલીસ વધુ શોધખોળ કરવા તૈયાર થઈ. 

 "તમે ઘેર જાવ જરૂર પડશે ત્યારે બોલાવીશું. આ અગાઉ પણ અમને બે ત્રણ વ્યક્તિઓ લાપતા થયાની ફરિયાદ મળી તો છે જ. અમારા પ્રયત્નો કરવા છતાં પણ અમે શોધી શક્યા નથી."

      અનલ અને કૃપા અમદાવાદ પહોંચી ગયાં પણ તેમની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ. એક સાદો ફોન આવે તોય તેઓ ગભરાઈ જતા હતાં. બે ત્રણ દિવસ પછી અનલે ફરી રજા લીધી. બંને જણ અમદાવાદના પોલીસ સ્ટેશનમાં ગયા. આખી વાત જણાવી. તેમણે તપાસ કરીને કહ્યું કે એ ગામ ગુંડાઓનું ગામ છે અને એ ગામમાં ઘણા ગેરકાનૂની કામ થાય છે. સહકાર મળશે નહીં. છતાં પ્રયત્ન કરીએ.

         અનલ મુંઝાયો કે કોઈ જગ્યાએથી સહકાર મળતો નથી પણ આ કેસ ઉકેલવો તો જોઈએ જ. નહીં તો આખી જિંદગીનો રંજ રહી જશે.

      તે તેના મિત્રને લઈને ફરી તે જગ્યાએ ગયો. આ વખતે તેણે ગાડી બાજુમાં ઉભી રાખી અને નીચે ઉતર્યો. ચારે બાજુ લીલુછમ વન હતું અને વૃક્ષારોપણ કરેલ કિશનભાઇના નામની તકતીઓ પણ ક્યાંક ક્યાંક હતી. અનલને એટલો સંતોષ થયો કે  વરસાદ અટકી ગયો હતો. બાકી આ જંગલોમાં ફરવું અઘરું હતું. તેણે દરેક વૃક્ષોનું અવલોકન કરવા માંડ્યું. આમ તો ખાસ કંઈ અજુગતું લાગ્યું નહીં. તોય તે આગળ વધતો ગયો. નવાં રોપાયેલા રોપાઓ પણ તેણે જોયાં. એક આનંદ પણ થયો કે  અહીં આટલું સુંદર પર્યાવરણનું કામ થાય છે.

         હજું પણ જેમ તે આગળ ને આગળ જતો ગયો તેમ તેની ખુશીમાં વધારો થતો ગયો. જંગલને માણવા માટે પણ ત્યાં મોટાં મોટાં બાંકડા ગોઠવવામાં આવ્યા હતા. તે બાંકડા પર બેસી ગયો. કિશનભાઇએ કરેલ સગવડ પર તેને માન થયું. પણ હજુ તેનું મગજ ચકરાવે તો ચડેલું જ હતું. પેલી રાત્રે શું હતું? આમ કોઈ લાશ ગુમ થઈ જાય? અથવા તેવું બન્યું હશે કે કોઈ ખટારા કે ટેમ્પામાંથી લાશ પડી ગઈ હશે અને આગળ નીકળી ગયાં હશે. પછી ખબર પડતાં પાછાં આવીને લઈ ગયાં હોય! આ રહસ્ય ઉકેલવું તો અઘરું જ હતું. તેણે ઊંડો શ્વાસ લીધો અને માતાજીને યાદ કર્યા. 

"હે મા, તે અસુરોનો વિનાશ કર્યો છે. આજે મને પણ મદદ કર. કંઇક ખોટું થઈ રહ્યું છે." બે મિનિટ માતાજીની પ્રાર્થના કરી તેણે આંખો ખોલી. પાણી પીધું અને તે ગાડી તરફ  આગળ ચાલવા લાગ્યો. ત્યાં તે અચાનક અટકી ગયો. જીવજંતુઓ અને કીડીઓનું કીડીયારું ઉભરાયું હતું. એક કુમળા રોપાની આજુબાજુ. સરસ મઝાની રોપાના આધાર માટે આજુબાજુ ટેકરી પણ કરેલી હતી. તેણે પગથી થોડી જમીન ખોતરી. જમીન વરસાદને કારણે થોડી લીલી હતી. મગજમાં કંઈક ચમકારો થયો. તેણે મોબાઈલથી જમીનનાં અને વિસ્તારનાં ફોટા લઈ લીધાં.

         તે અમદાવાદ પાછો આવ્યો અને પોલીસની ફરી મદદ માંગી. તેમણે કહ્યું કે તમે ના હક તમારો અને અમારો સમય બરબાદ કરો છો. કંઈ મળશે નહીં તો અમે બદનામ થઈ જઈશું. પાછો અમદાવાદથી અમે કાફલો લઈને જઈશું એટલે રાઈનો પર્વત થશે. મારે હાયર ઓથોરિટીને પૂછવું પડશે. એક વહેમના આધારે આગળ ના વધાય."

 "આ વહેમ નથી. સત્યની શોધ છે. અને તમે એમ તો વિચારો કે જ્યાં આટલો બધો સરસ વરસાદ પડતો હોય ત્યાં વૃક્ષો તો આપોઆપ ફૂટી નીકળે. આટલો બધો દેખાડો કરવાની શું જરૂર? જંગલોમાં તો વૃક્ષો હોય ને આપમેળે ઉગતા જ જાય. ક્યાંક કચ્છના રણમાં કે અમદાવાદ જેવાં શહેરમાં વૃક્ષારોપણ કર્યું હોય તો સમજી શકાય! મને ચોક્કસ દાળમાં કંઈક કાળું લાગે છે. ત્યાં જ ક્યાંક લાશ છુપાવી છે."

પોલીસે કોઈકને ફોન કર્યો અને પછી કહ્યું કે તમારી વાતની તપાસ કરીશું. અમારે કંઈ જ ગુમાવવા જેવું નથી. દાવો તમે કર્યો છે અને જો કંઈક હાથમાં આવશે તો અમારે તો લીલા લહેર છે. કરો કંકુના. કંઈ નહીં મળે તો એક સામાન્ય નાગરિકને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો તેવો સંતોષ માનીશુ. બીજું શું? આપણે આજે જ મોટી પોલીસ ફોર્સ લઈને નીકળીએ છીએ."

        બધાં  ફોટાવાળી જગ્યાએ પહોંચી ગયાં. તાજા વાવેલાં રોપાઓને કાઢીને એક બાજુ એકઠા કર્યા. ગામનાં વંઠેલા લોકોનું પણ ટોળું આવ્યું.  તેમણે દેકારો કર્યો. હાય, હાય પણ બોલાવી. પણ બહુ લાંબી શોધ કરવી ના પડી. જ્યાં જીવજંતુ ઉભરાયા હતાં તેની નીચેથી જ  લાશ નીકળી. તે પેલી લાશ જ હતી. તેના પગનાં જોડા પરથી અનલે ઓળખી કાઢી. પણ બીજાં મોટા થઈ ગયેલાં રોપાઓ નીચેથી પણ બીજી ત્રણ કોહવાઈ  ગયેલી લાશો મળી!

        બીજે દિવસે છાપામાં હેડલાઈન હતી કે વૃક્ષારોપણના કાર્યક્રમ હેઠળ પાપને છુપાવતા પાપીઓ. માથાભારે લોકો તેમની સામે અવાજ ઉઠાવતી વ્યક્તિઓને પતાવી દઈ અહીં દાટી દે છે! લાશને  જંગલમાં દાટી તેમની પર જ રોપા વાવી દેવામાં આવતા હતાં! અને આ કામ રાત્રે જ થતા હતાં.  વરસાદનો તો ખાસ લાભ લેવામાં આવતો હતો. ગભરુ, ગરીબ અને ડરેલા ગામ લોકો પૈસો અને સત્તા આગળ નિઃસહાય હતાં. ફરિયાદો થતી પણ પરિણામ મળતું નહીં.

       પેલા દિવસે અચાનક જ્યારે દૂરથી અનલની ગાડી દેખાઈ ત્યારે લાશને ત્યાં રસ્તા પર જ મૂકીને કાવતરાખોરો  ઝાડ પાછળ સંતાઈ ગયાં હતાં. અનલના ગયાં પછી તેમણે ખાડો ખોદી લાશને દાટી દીધી હતી.  તેની પર કુમળો રોપો પણ રોપી દીધો હતો. જાણે કંઈ થયું જ નથી! ઘરની વ્યક્તિ ગુમ થાય તો પોલીસમાં ફરિયાદ કરવામાં આવતી હતી પણ પોલીસ પણ નિઃસહાય હતી કે મળેલી તે પણ એક પ્રશ્ન હતો? પ્રશ્નો ઘણાં બધાં હતાં પણ મુખ્ય પ્રશ્ન ઉકલી ગયો કે લાશ કોની હતી અને તેનું ખૂન કોણે કર્યું હતું. ગામમાં ગેરકાનૂની દારૂનું પીઠું ચલાવનાર કિશનના ભાઈએ આ ખૂન કર્યું હતું અને તે પણ મૃતકની મિલકત પડાવી લેવા માટે.

આ બધું પત્યા પછી કૃપા બોલી કે જોયુંને માતાજીની કૃપા હોય તો તમે છાપે પણ ચડો. 

  "છાપે બે રીતે ચડાય. સારાં કામ માટે અને ખરાબ કામ માટે. સમજી. આ તો બચી ગયાં. નહિંતર આપણું પણ રામ બોલો ભાઈ રામ થઈ જાત. હા, પણ આપણી માતાજીએ લાજ રાખી. તારી શ્રદ્ધા કામ કરી ગઈ. જય માતાજી."

 "જય માતાજી, આપણને જિંદગીભર વરસાદની એ રાત યાદ  રહી જશે."

 "હા, સાથે એ પણ યાદ રાખજે કે ખોટું ના કર્યું હોય તો ડરવું જોઈએ નહીં."


અલકા ત્રિવેદી 

અમદાવાદ

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ