વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વસુધા જાણે મનમનમાં મલકે..!

ભીની થઈ ઝાકળથી ધરતી મરક-મરક મલકે,

વીતેલી વર્ષાની યાદે થઈ છલોછલ એ છલકે,


વસુધા જાણે મન-મનમાં મલકે..!


ભૂલી શકાય ક્યાં પેલી, મેઘ અષાઢ તણી હેલી,

ગ્રીષ્મમાં તપતપતી કાયા, કરી'તી જેણે ઘેલી,

માટીની સોડમ ઊતરીને અંદર અંતર માંહે ખલકે,


વસુધા જાણે મન-મનમાં મલકે..!



સ્મૃતિમાં સચવાયાં, શ્રાવણનાં સ્નેહ સરવડાં,

કંચન સી કાયામાં ઊગેલાં, કૂણાં-કૂણાં  તણખલાં,

ધૂપ ને છાંવની સંતાકૂકડીમાં હરખે હૈયું છલકે, 


વસુધા જાણે મન-મનમાં મલકે..!


ભાદરવે તીખા તાપથી ડરી, ઓઢી પછેડી છે  લીલી,

વળી શરમાતી એમ જાણે, ષોડશી જુવાની ખીલી,

વીજ સમી એ રોશની, નયનોમાં જઈને ઝલકે,


વસુધા જાણે મન-મનમાં મલકે..!


આસો મહિનાની જ્યાં આવી, હતી નવલી નવરાતો,

ધરતીએ માંડી'તી પછી, લહેરાતાં ફાલ તણી વાતો, 

ઝગમગતાં દીવડાં કેરી એ, 'ઝંખના'માં છે એક પલકે,


વસુધા જાણે મન-મનમાં મલકે..!



©️  જાગૃતિ, 'ઝંખના મીરાં'...



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ