વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ટીવીઓ શરૂ થી આજ સુધી

ટીવી એટલે સહુથી પહેલાં શું યાદ આવે? પહેલાં તો લાકડા ના, ત્રાંસા ચાર પાયા ના સ્ટેન્ડ પર મુકેલી પેટી જેની આગળ  વળાંક વાળો કાચ

નો સ્ક્રીન હોય, પાછળ બાઇસ્કોપ જેવી બોક્સ હોય, અગાશીમાં લાંબી દાંડીઓ વાળો એન્ટેના હોય. ( મારા પિતાશ્રી ના ઘરમાં ઇન્ડોર  ત્રણ દાંડી વાળો એન્ટેના હતો).

પહેલાં તો એ  ટીવી જ 1984 આસપાસ લોકપ્રિય થયેલું, તે વખતે 3200 આસપાસ આવતું બ્લેક એન્ડ વ્હાઇટ પિકચર નું ટીવી. 

હું એટલો સદનશીબ કે મારી રાજકોટની શેરીમાં છેલ્લું ટીવી મેં લીધું અને કલર સહુથી પહેલું. 21 ઇંચ સ્ક્રીન ક્રાઉન ટીવી તે વખતે 7350 રૂ. માં. એ જુલાઈ 85 માં લઇ તેના પર ઐતિહાસિક કપિલદેવ ની વર્લ્ડ કપ જીત જોયેલી. દર રવિવારે સાંજે છ વાગે હિન્દી  ફિલ્મો. હમલોગ, એક કહાની, નુક્કડ , યહી હૈ જિંદગી વગેરે સિરિયલો આવતી. શુક્રવારે ચિત્રહાર. એ જ મનોરંજન, એ જ ટીવી દર્શન, એકલું દૂરદર્શન.

1993 માં સ્ટાર અને ઝી ની પ્રાઇવેટ ચેનલ શરૂ થઈ. શરૂમાં સ્ટાર પર તો આજે પણ સેન્સર થાય, સાથે બેસીને ન જોવાય એવા કાર્યક્રમો પણ આવતા. છતાં એમાં કલર ને બ્રાઇટનેસ, કોંટ્રાસ્ટ કેવો હોય શકે તે ખબર પડી. દૂરદર્શન કરતાં ઘણું સારું ક્વોલિટી ની દૃષ્ટિએ પ્રસારણ.

કોઈ ચેનલ વાળાને મહિને 200- 250 માં સબ્સ્ક્રાઇબ કરો એટલે રોજ રાતે ગોવિંદા ની મૂવી, મ્યુઝિક , ભક્તિ વગેરે ની ચેનલો જોવા મળતી. ઘરમાં તેનો વાયર જોડી જાય. 

નવું ટીવી અમે એ ક્રાઉન કલર ટીવી  16 વર્ષે કાઢી 2001 માં BPL લીધું એમાં વળી નવી ટેકનોલોજી હતી કે ઇલેક્ટ્રોનિક કેમેરા નો વાયર ભરાવી તેના ફોટા રી પ્લે  થાય. એ પણ 21 ઇંચ, પાછળ CRT ટ્યુબ નું ભૂંગળું પણ નાનું. એનો સ્ટેટીક  ચાર્જ એવો ભયંકર કે એમાં એક વાર વિડિયો ગેમ નો વાયર ભરાવતાં ઝટકો લાગી પુત્ર પાછો ફેંકાયેલો. એમાં સાઉન્ડ આઉટપુટ બીજે જોડવો વગેરે વ્યવસ્થા હતી. રેઝોલ્યુશન ક્રાઉન કરતાં સારું. બે બાજુ સ્પીકર્સ હોઈ વુફર  અને સ્ટિરીયો સાઉન્ડ જેવી ઇફેક્ટ પણ મળે.

2011 આસપાસ આવ્યાં ફ્લેટ LCD અને LED ટીવી. પાછળના  કેથોડ રે ટ્યુબ નાં ભૂંગળાંને આવજો કહ્યું. એમાં પણ દુનિયા થી મોડું એટલે કદાચ 2011 ઓકટોબરમાં લીધું હવે LED, સહેજ જૂની LCD ટેકનોલોજી કરતાં સારું કહેવાય એમ લોકોએ કહ્યું એટલે એ. શું કામ વધુ સારું એ ખબર નહીં. એ 32 ઇંચ નું, એના માટે ફ્લેટ માં વોલ નો પીલ્લર પણ 42 ઇંચ જેવો રાખ્યો. 

કદાચ ઘેર વાયર થી ચેનલ આપતા લોકલ પ્રસારક ને બદલે પેલા પાઇપો ના એન્ટેના ને બદલે ધાબા પર ડીશો એ અરસામાં આવવા લાગેલી, અમે તો હજી પણ ચેનલ વાળાને જ મહિને ભરી દેતા.

હવે છેક 2017 માં ભીંત ભરી દેતું 51 ઇંચ નજીકનું ટીવી લીધું, એમાં ક્રોમ કાસ્ટ થી યુ ટ્યુબ, જૂની ફિલ્મો વગેરે જોઈએ, પેન ડ્રાઇવ પણ વપરાય, રેકોર્ડિંગ પણ થાય ને કાર્ડ વાળું સેટ ટોપ બોક્સ પ્રસારણ ઝીલવા. ક્યારેક એનું રિમોટ હેંગ થાય ત્યારે ટપલી દાવ પણ કરવાનો. 2023 માં મારી પાસે તો એ જ છે. ધાબે ગોળ , મોટાં તગારાં જેવી ડીશ છે. વાંદરાઓ મરડી નાખે કે હવામાન ખરાબ થાય એટલે પ્રસારણ બંધ.

હવે તો  આ ડીટીએચ માં કાર્ડ વગરનું સેટ ટોપ બોકસ નવાં  કનેકશનો માં આવી ગયું છે.

એ પછી ચાર પાંચ વર્ષમાં આવેલાં ટીવી પણ સ્માર્ટ ટેકનોલોજી એટલે ડીશ વગર, એરટેલ કે ડીશ ટીવી જેવા આવે છે. પ્રસારકના કોમ્પ્યુટર સાથે સંકળાયેલ. સ્વીચ ઓન કરો એટલે ઓપ્શન, નેટ ફ્લીકસ, યુ ટ્યુબ, ચેનલ,  પ્રાઈમ વ. માંથી શું જોવું છે તે પસંદ કરવાનું.

એમાં પણ LED જૂનું થઈ ગયું, HD, UHD આવી ગયું. 3860 x 2140 પિક્સેલ નું. પિકચર વગર 3 ડી હોય લગભગ એવું દેખાય! 

અમુક ટાઇમ પહેલાં મોટાં 60 ઇંચ ઉપરનાં, અંતર્ગોળ કર્વ વાળા, 72 કે તેથી વધુ ઈંચનાં સ્ક્રીન ના ટીવી આવી ગયાં ને જતાં  રહ્યાં. (મારી વાર્તા ' હું તો એમને પૂછીને પાણી પીઉં ' માં આ ટીવિ લેવાની પત્ની જીદ કરે છે. એ 2020 માં લખેલ.) એ અદ્રશ્ય થઈ ગયાં.

આ વખતે જોયું ક્રિસ્ટલ UHD 4K ટીવી.

 એમાં કલર ઉત્પન્ન થાય છે અમુક ઇલેક્ટ્રોનિક ક્રિસ્ટલ થી. By default એ બધાં સ્માર્ટ ટીવી છે. મારું ડીશ એન્ટેના વાળું પણ પ્રાચીન થઈ ગયું. મોટા ટાવર માં સોળ સત્તર માળ માં દરેક  રહીશ ડીશ કેવી રીતે લગાવે?

અહીં ફોટો મૂક્યો છે એ ક્રિસ્ટલ ટીવી ના સ્ક્રીન નો. હું ફોટો પાડું છું તે હમણાં કાચમાંથી બહાર  જતો રહીશ એવું લાગે ને! અરીસા થી પણ ક્લીઅર.

તમને પોતે બનાવેલ નવી વસ્તુઓ વેંચવા, જૂની કાઢીને વધારે પૈસે વેંચવા કેવી ટેકનોલોજીઓ આવી રહી છે! એને કદાચ ટેકનોલોજી ગતકડાં કહીએ પણ લોકોની સગવડ અને એનો હેતુ વધારે સરતો હશે તો જ ચાલે ને?

એ બધાં 42 ઇંચ થી લઇ 60 ઇંચ સુધીનાં લાગ્યાં. કદાચ હવે 72 ઇંચ નાં બંધ થઈ ગયાં હશે કે ઓછાં વેચાતાં  હશે.

ટીવીઓની આ યાત્રા નું વિવરણ ગમ્યું હશે.

મળશે તો મારાં જુનાં ટીવી નો ફોટો પણ મૂકીશ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ