વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દીકરી સાપનો ભારો



    "ના હવ માર્ ત્યો નઈ મોકલવી.અન,'હા,પણ હવે મારી લાભુ....આ ઈના રોટલા તોડવા થોડી મારી દિચરી જાય સ.


      સાપના ભારાની આવી પડેલી મુશ્કેલીથી સીંતેરે પ્હોંચેલો હરતન ડોસો વિજળી ઝડપે ઊંચા હાદે બોલ્યો.


     તેની વાતમાં થોડી      અસમર્થતા બતાવતી સાઠેક ફટાકડા ફોડેલી રઈ ડોસી બોલી....  


       પણ, હું કવ સુ,ચ્યો લગી ઓમને ઓમ આપણ આ મુઈનો બચાવ કરવા રૈયશું....?... 


       જો લાભુની બા હવ મન તું વધુ બોલાવતી નઈં.તાર લીધ્યજ આ બધી રોમેણ થૈય સ.મનખો આખો મારી દિચરીને તે અન તારા ઓલ્યા જમ એ બગાળ્યો.અન હજુય તારા પંડમાં ટાઢક નથ થૈ.તે તું ન્યાં હજુયે હુળીએ ચળાવા મેલી આવવાનું કૈસ. 


     ઓરડીના કમાડે ઉભી-ઉભી નીચો મુંડો કરીને જમીન પગ વડે ખોતરતી ઉભેલી લાભુથી ડસકુ મુકાઈ ગ્યું.


       ડસકાંનો રવ સાંભળીને બાપે "લાભુ બેટા"! એટલું કે'તા કે'તા તો ડહ ડહ વરસાદના ફોરાં સમા આંસુડાની ધાર થઈ......ખોતરેલી અંગુઠેક ઊંડી જમીનનો ખાડો બળતા બપોરે પણ ભરાઈ ગયો.


       વીહ વીહ વરહના વ્હાણા વીતી ગ્યા;છોરીના હાથ પીળા કર્યે.કેવો રૂડો-માંડવો શણગાર્યોતો, નાનકડી ઓસરી હેઠે.ગામના હંધાય લોકોને ન્યોતું આપીને તેડાવ્યાતા.સઘળા નાતીલા ખુશ થ્યાતા.ગોમની પહેલી એવી દિકરી લાભુ હતી જેને શહેરમાં પરણાવવાની હતી.


      ગોમમાં પોચ ખોરડે માન મોભે વખણાતો હરતન ડોસો પણ ખુશ થ્યોતો.ગોમ આખું શહેરના લાડાને ને ગામડાની લાડીને જોવા ઓસરીના નાનકડા માંડવે હમાતું ન્હોતું.


      હરતને પણ શહેરમાં દિકરી ખુશ થશે ને શહેરી લોકોને તકલીફ ના પડે માટે તલાવડી પડખે આવેલ સૌથી વધુ આવક ને પેટીયું રળી આપતી વીઘેક જમીન સાવ સસ્તા ભાવે મુખીને આપીને દિકરીનો અવસર તાત્કાલિક લીધો હતો.       


       શહેરના લોકોમાં કેવા આગતા-સ્વાગતાને જમણને સગવડો હોય છે તે થોડા દિ અગાઉ રૂબરૂ એક દૂરના સંબંધીને ત્યાં વગર ન્યોતે જોઈ આવ્યોતો...અને બધી માહિતી પણ લેતાવ્યોતો. 


       દીકરાનું સુખ ના ભારનાર પોતે દિકરીનેજ સર્વે સર્વા માનીને બધું ન્યોછાવર કરવા તૈયાર હતો.


     જાનૈયાને વરપક્ષવાળા પણ નાના એવા ગોમડામાં શહેરને પણ શરમાવે તેવી સુવિધા જોઈને અચંબો પામી ગયા હતા.બહું રૂડા-રૂપાળા ઠાઠ-માઠથી તોરણ પૂરા કર્યાતા.જમાઈને પણ ગોમમાં કોઈએ પહેલા નહોતું આપ્યું એટલું કળિયાવર-દહેજ બાંધી આપ્યુ હતું.આજ લગી હૌથી હારા લગ્નની વાતોમાં લાભુના લગ્નનીજ વાતો લોકો કરે છે.


       પણ વિધિની વક્રતા,નસીબની બલિહારી કહો કે લાભુના કર્મો કહો.પોતે પણ મૈયરમાં એકલી હતી તેમ પોતાની કૂખે એક દીકરી અવતરી ને વાંઝણી બની ગઈ હતી.તેના પછી આજ લગી તેની કૂખ વાંઝણી રહી ગઈ હતી.પંડે અવતરેલી એક દીકરી પણ ચારેક મહિનાની થઈ હશેને કોઈ મહામારી રોગના વાયરામાં આવી જતા સાતેક જમણ કાઢીને ચીર શૈયામાં પોઢી ગઈ હતી.લાભુના કર્મોજ એવા કે કે તેની પહેલી સુવાવડેજ ગર્ભાશયના કોઇ રોગમાં આવી જતા,આજ લગી કૂખ નહોતી નવું સર્જન કરી શકી.કેટલાએ ડૉક્ટર,વૈદ,દવા,દારૂ,ભુવા-ભોપાળા,ધૂપને દોરા-ધાગા કરી જોયા પણ ફરક નો પડ્યો તે નોજ પડ્યો.બે-ત્રણ વરસ બધું બરાબર ચાલ્યું પણ બધે વાતો થવા લાગતા તથા કોઈ સારી આશા ના દેખાતા સાસરીયાઓ પોતાના અસલી સાસરવટમાં આવી ગયા.રોજ કોઈને કોઈ વાંકે સાસુ જીવી ને સસરો રાયમલ લાભુને ઘા માં લેવાનું રખે જો ચૂકતા.


       પહેલા તો બોલચાલ કે ગાળોથીજ તેમને સંતોષ થઇ રહેતો પણ,પછી પરેશાની કે વિતાડવાનો જોઈએ તેવો ઓડકાર ના મળતાં મારઝૂડ પર ઉતરી આવ્યા.ભેળો દીકરા મફાનોએ સથવારો મળી રહેતાં વિતાડવામાં કંઈ આનાકાની ના બાકી મૂકી.આટલા વર્ષોમાં નગણ્ય કહી શકાય એટલીવાર લબાચા ભરીને લાભુ રિહામણે આવીતી પણ,હર વખતે દીકરી સાસરે શોભે કે, દીકરી એટલે સાપનો ભારો કે સમાજની આબરૂની બીકે તેને ગમે તે રીતે સુલેહ કરીને વળાવી આવતાં.પણ હરતન ડોહાનો જીવ ના જાણે કેમ આ વેળાએ ડાબી આંખ્યએ અમંગળ ભાવિના એંધાણથી ધબકતો હતો કે તેને દિકરીને ના મોકલવાનો નિર્ણય કર્યોતો.


       દિવસોના દિવસો અને મહિનાઓ વિતવા છતાં કંઈ સાસરીયાનાં કહેણ ન્હોતા આવ્યા.....


       આવીજ એક અમંગળ ભાવિના એંધાણ સમી હરતનની ડાબી આંખ ફડફડતી વેળાએ ખોરડે આવીને જીવી અને જમ જેવો જમાઈ મફો આવી પૂગયા.


      વાંઝણી થયા બાદ પહેલીવાર"વહુ લાભુ બેટા"કહીને જીવીએ ઘણા વર્ષોના કોળિયા ગળ્યા બાદ ઓવારણાં(દુ;ખડા)લેતા કહ્યું;'હેંડો હવ,અમન્ અમારા કર્યાનો બઉ પસ્તાવો થ્યો સ.ભગવાનની મરજી આગળ ચ્યો કોઈનું હાલ્યું સ.એમ વિચારીન્ તમારા બાપુજીએ તેડવા મોકલ્યા સ. 


      કેટલીયે દલીલોને રકઝક થઈ.બંને પક્ષે મફો અને જીવીએ પાછલું બધું ભૂલીને નવેસરથી આવું નઈં થાયનું વેણ આપીને રઈ વેવોણને મનાવી લીધા.પણ, હરતન ડોહાનું મન આ વખતે ન્હોતું માનતું.


       ...પણ,રઈ ડોહીની જીદને કડવી વાણી આગળ હરતન ડોહાનું પલ્લુ ના ઊંચું થ્યું ,ને મને-ક-મને લાભુને મોકલવા મજબૂર થયો.


      લાભુ તો મનોમન ઘણા વરહો બાદ-સાસુ જીવીમાને ધણી મફામાં આવેલા પરિવર્તનથી ખુશ થતી બાપના કીધા પહેલાં તૈયાર થવા પણ મંડી પડીતી.અને દીકરીને તૈયાર થતી જોઈને તેના મુખ પરની ખુશીની લાલીમા જોઈને પરાણે ખુશ થઈને લાભુને રોકી ના શકયો. 


      લાભુ જતા-જતા બાપ અને માંને બાથે પડીને ઢગલો રોઈ પડી.લગ્ન વેળાની વિદાયે જેવું રોઈતી તેવુંજ રુદન આજ હતું.હરતન પણ જાણે આજે છેલ્લીવાર લાભુને બાથ ભરીને રોતો હોય તેવો ભાસ અનુભવતો રોતો હતો.લાભુ રઈને બાથ ભીડી પડી ત્યારે રઈ પણ વિધિના અમંગળની કંઈક ગંધ આવ્યાની અનુભવ કરી રહી.પણ દિકરી તો સાપનો ભારો કહેવાય એ યાદ આવતા,'બેટા ચિંત્યા ન કર અમે સ્યીએ.એમ કહીને મોડું ન કરો ઝટ નભો હવે વેળા થવા આવી.એમ કહીને કાળજાના ટુકડાને પરાણે અળગો કર્યો. 


        ટોડલે ચિતરેલા મોરલાનો રંગ ઊડી ગયેલો લાગતોતો.પીઠ પાછળ સાંજની પહેલી વેળાએ કયાંક ચીબડી બોલી ઉઠી.ફળિયે હૂતો કુતરો મરણ વેળાએ રડતો હોય એમ ઊં....ઊં....ઉં....કરતો લાંબી રાડ પાડી ઊઠ્યો.એકાએક વાદળોએ રૂપ રંગ બદલ્યા.ના વરસે તેવા કાળા ડિબાંગ વેહ ધારણ કર્યા.સૂકો-સૂકો વાયરો એકદમ વાવા લાગ્યો.સઘળી અમંગળ એધાણીઓ વચ્ચે લાભુએ વિદાય લીધી.લાભુ પણ ગામનું પાદર વટી ત્યાં લગી માં અને બાપને ઉદાસને છેલ્લી નજરે પૂંઠ્યુ નાંખી નાં ખીને જોતી રહી.હરતન અને રઈ પણ લાભુ ક્ષિતિજની ઓલે પા ઓજલ થઈ ત્યાં લગી તેને બુઝાતી જોઈ રહ્યા.


       ગાડામાં બેહતાજ જીવીને મફાના મનમાં નવી વહુના હાપોલિયા ફરવા લાગ્યા.અને નવોઢાની જેમ પરણ્યા બાદ પહેલીવાર સજેલી લાભુના મનમાં પણ નવી જિંદગીના સાપોલિયા રમવા લાગ્યા.અદ્લ વીહ વરહ પહેલાં સજેલી તેવી લાગતી હતી.વરહોને ખાઈને તેને પોતાનું યૌવન જાળવી રાખ્યું હોય તેવી આજના તેના સાજ શણગાર પરથી લાગતું હતું.માથે ટીકો,કાનમાં લાબી મોટી ગોળ કડીઓ,નથણી ઘુઘરીયાળુ,ભાલમાં જગદંબા સમો મોટો ચાંદલો,આંખોનું અણી ખેંચેલું કાજલ,પાવડરથી મહેકતો ઊજળો વાન,સહાગનની ચાડી પૂરતો સેંથીનો શણગાર ને મંગળસૂત્ર,ઝૂલથી ઝૂમતો ભરથ ગૂથેલો નકશીદાર-ભરાવદાર ઘાઘરો ને,રબારણના રુપને દેખા દેતો હાડલો ને હાડલાની પાડેલી ભાત તેને આજ કંઈક અલગ રૂપમાં ઢાળતા હતા.


         ગામડું વટીને શહેરની સીમા ચાલુ થઈ.અગન ધબકારા ધડકતી તેની વાંઝણી ના હોવા છતાં વાંઝણી બનેલી ઊર-વક્ષ:સ્થળ ધમણ માફક ઉલાળા લેતીતી.ખોરડું મેલીને ઘેર આવી પહોંચ્યા.મૈયરની માયા મેલી ઘણા મહીનાના ઘા સહીને સૈયરમાં આવી પૂંગ્યા હતાં લાભુબા....


      સૌનુ વાળું બનાવીને વાળું કર્યા બાદ ઘરની માલિપા બે ધબકતા દેહ આખા દિના થાકેલા-પાકેલા હૂંતાતા.......બ્હારની ઓસરીમાં કાળી ભમ્મર રાતે બે કાળી મંજ્જર આંખો કઈક અજુગતુ કરવાના ઈરાદે જાગી રહીતી.માલીપા ધબકતા બે દેહ એકમેક થઈ ગ્યાતાં.....ઘડિયાળના ટક ટક અવાજ સાથે બંનેના ઉહ- આહ....ના શબ્દો ઓગળી જતાતા...ચરરર...... ચરરર...... અવાજ રાતના અમંગળ ઓસાયામાં વિલોપ થઈ જતોતો.બે દેહ વર્ષો બાદ જાણે સુહાગરાત મનાવતાં હોય તેમ ધમણ માફક હાંફતાતા.ચાર પગ આજ એકમેકમાં ઘણાં વર્ષોના વાણા વાયાબાદ એવા ઓતપ્રોત થઇ ગ્યાતા કે ભયંકર રાત્રીને પણ પોતાના માથે અમંગળ વેળા ઓઢવાનું મન ન્હોતું થતું.મૈયરમાં રોતા કૂતરા જેવું રુદન સૈયરમાં પણ રડતા કૂતરાનો રવ કામક્રીડામાં મશગૂલ સ્ત્રી દેહના કાને અઠડાયા વગર રહ્યો નહીં.શૈયાસુખમાં રત પોતે પણ કંઈક હવે અમંગળ એંધાણ ભાળી રહી હતી.સંતોષની પરાકાષ્ઠા એક લાંબી ઉહ...ભરી બે દેહની સીસકારી સાથે શાંત થતા.પુરુષ દેહ ગભરાયેલી આંખે કંઈક નવું કરવા પરાણે પોપચાં બીડીને પડી રહ્યો.સ્ત્રી દેહ વર્ષો બાદ મળેલાં સુખને,નવસર્જનને નવો દેહ પોતાના દેહમાં મૂકવા ભગવાનને,માં રાંદલને છેલ્લીવાર વીનવી રહ્યો હતો તેવું લાગ્યું ......અને ઘડીમાંતો મીંચાઈ ગઈ...તેની અભરખા ભરતી આંખ્યું......


       ટક......ટક.....કરતો કાંટો સવારનો પહેલો પ્હોળ ભરતોતો......સવારનો કૂકડો આજે કંઈક જુદુંજ ગાન ગાતો હતો.મંદિરમાં સવારની ઝાલર વાગવા લાગી હતી.ભગવાનની આરતીમાં જ્યોત આજે વધુ ઊંચે જતી હતી....એની સાથે તાલ મેળવતી રાયમલ ડોહાને ત્યાંથી જ્વાળાઓ આકાશને આંબતી,અંધકારને ચીરતી ભડ- ભડ ઊઠવા લાગી........


       મંદિરના ઘંટારવને ચીરતો મને કૂકડાની બાંગને વીંધતો,શેરી આખાની નિંદરાને ભગાડતો બચાવો......બચાવો.......નો રવ-કૈંકારવ......ચીખી  ઉઠ્યો,મલ્હાર રાગનો મેહ પણ ના શમાવી શકે તેવો દાહ હતો આ.......


     સવારના પ્હોંળે દાતણનો કૂચો ઘસતા હરતન ડોહાને હંદેહો  મળ્યો....કે પ્રાયમસ ફૂટતા તેની જ્વાળાઓમાં લાભુ હળગી મૂઈ....... 


      કૂચો ઘસતા-ઘસતા હરતન ડોહો ભાન ભૂલ્યો અને મ્હોંમાંથી દાતણ પડતાંજ "ઊંચા હાદે" ડોહી આપનો હાપનો ભારો હળગી ગ્યો.(સાપનો ભારો સળગી ગયો)ની...... પોક મૂકી........રઈ ડોહી તો અવાક થઈ ગઈ...આજ પહેલી વાર તેને વાંઝણાપણુ મહેસૂસ થયું.લાભુ વિનાનું ઉદર હતું, તેને ખોળો ઠાલો લાગ્યો તેનું અંતર આર્તનાદ કરી ગ્યું... ઓય મારી લાભુ આજ હમજાણ્યુ આ મૂઈ તાર વિનાની વાંઝણીને ...ક  ખાલી ચણો વાગે ઘણો...ઓય મારા રતન લાભુ....



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ