વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કબીર કાચબો



        એક વન હતું. સુંદરવન એનું નામ. સુંદરવનમાં ઘણાં બધાં પશુપક્ષીઓ રહે. જળચર જીવ પણ તળાવમાં રહે. એમાં એક કબીર કાચબો પણ રહે.  કબીરને એક દિવસ ગાજર ખાવાનું મન થયું. તેણે દૂર ગાજરનાં ખેતરે જવા વિચાર્યુ, ખેતરે જવાનો રસ્તો તેને ખબર હતો નહીં. ગાજર ખાવાની ઈચ્છા પણ તે રોકી શકતો નહોતો.  'પૂછતા-પૂછતા પંડિત થવાય!, એમ પૂછતા-પૂછતા પહોંચી જવાય!' એવું વિચારી એકલો જ *પથિક* બન્યો.' 

સામે  નાગરાજ મળ્યાં. "નાગબાપુ! ગાજરનાં ખેતરે કંઈ બાજુથી જવાય?"

"ખેતર બહુ દૂર છે, ત્યાં સુધી તું ન પહોંચી શકે." નાગરાજે અતડો જવાબ આપ્યો. તેણે સડસડાટ ચાલતી પકડી. 

વળી કબીર આગળ ચાલ્યો.

સામે ખેમું ખિસકોલી મળી. કબીરે તેને પણ ખેતરનો રસ્તો પૂછ્યો. "એક ડાળથી, બીજે ડાળ કૂદીએ, ત્યારે પહોંચી શકાય! તું તો ઝડપથી ચાલી પણ નથી શકતો!!' 

ખેમું ખિસકોલીએ પૂંછડી ઊંચી કરી, ઝાડ પર ચડી ગઈ. 

કબીર કાચબો નિરાશ થઈ ગયો. એક ઝાડ નીચે આરામ કરવા બેઠો. 

આ ઝાડના થડમાં એક બખોલ હતી. તેમાં સોમી સસલું રહેતું હતું. તેણે કબીરને નિરાશ જોયો, એટલે કબીરને પુછ્યું  "શું થયું?" કબીરે સઘળી હકીકત જણાવી. 

"બસ આટલી જ વાત! મને ગાજર બહું ભાવે છે. હું અવાર-નવાર ગાજર ખાઈ આવું છુું. ચાલ હું તને ગાજરનાં ખેતરે લઈ જાઉં."

"પણ પેલી દોડ સ્પર્ધા હતી, ત્યારે આપણાં વડવાઓ પ્રતિસ્પર્ધી હતાં. તું મને મદદ કરીશ?"

"હાસ્તો વળી ! આપણા વડવાઓ પ્રતિસ્પર્ધી હતાં. આપણે નહીં. ચાલ આપણે મિત્ર બનીએ!"

સોમી સસલાએ હાથ લંબાવ્યો. કબીર કાચબાએ પણ હાથ લંબાવ્યો. બન્ને મિત્ર બની ગયાં.  

કબીર કાચબાને *સથવારો*  મળી ગયો.

બન્ને ઉપડ્યાં ગાજરનાં ખેતરે. કબીર કાચબાએ અને સોમી સસલાએ ધરાઈને ગાજર ખાધા,

પછી સુંદરવન પાછા ફર્યા. બન્નેની દોસ્તી કાયમ રહી. એ પછી બન્નેએ  ખાધું પીધું ને રાજ કર્યું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ