વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દત્તક

 

અષાઢના પ્રથમ દિવસની ઘનઘોર મેઘલી રાતનાં કાળાંડિબાંગ વાદળાંમાંથી મેઘરાજા જાણે ઝાઝેરું હેત વરસાવી રહ્યો હોય તેમ અંધારી રાતે વીજળીના ચમકારા સાથે ગહન ઘોર કરી, વરસીને ધરતીને ધરવી રહ્યો હતો! હાંફતી ધરાનો શહૂર પણ પુરજોશમાં સંવનનનું અદ્ભુત સુખ માણી રહી હતી. એવા ટાણે સોનલે અંધારામાં વરસતા વરસાદમાં એક પુરુષ ઓળાને ઝાપટાભેર સુવર્ણાના ઓરડામાંથી ભાગતા જોયો. ઉતાવળે રસોડામાંથી દોડીને આવી એટલી વારમાં તો એ મુખ્ય દરવાજાને ઉઘાડીને અદૃશ્ય થઈ ગયો. તેણે દીવાનખંડની લાઇટ ચાલુ કરી.

સોનલ તેની પાછળ દોડી પણ ધૂંઆધાર વર્ષાને કારણે ખાસ ઓળખાણ ન પડી. અને એવી પળોમાં તેની પાછળ જવાનું સાહસ કરવાનું માંડી વાળ્યું. વિશાળ બંગલામાં બે બહેનો સિવાય ત્રીજું કોઈ નહોતું. આ પુરુષ ક્યારે અને શા માટે આવી મેઘલી રાતે મોટી બહેનના શયનખંડમાં ગયો હશે એ એની સમજમાં ન આવ્યું. દરવાજે ઊભી ઊભી વિચારમાં પડી ગઈ, પણ તરત મન મનાવી ઉતાવળે સુવર્ણાના ઓરડામાં જઈને લાઇટ કરી. સુવર્ણાને શય્યામાં ચત્તીપાટ અસ્તવ્યસ્ત હાલતમાં જોઈને તેણીએ ઢંઢોળી, પણ સુવર્ણા જાગી નહીં, કંઈ સળવળાટ થયો નહીં, શ્વાસોચ્છવાસ પણ અટકી ગયેલો હતો. ઓશીકું પણ એક તરફ પહેલું જોયું ને ‘હે ભગવાન.’ બસ આ બે શબ્દો મોટામાંથી સારી પડ્યા ને સોનલ પણ અરધી શય્યા પર લબડતી ફસડાઈ પડી.

મેઘરાજાની મૃદુ મહેર વહેલી સવાર સુધી અવિરત ચાલી. છેલ્લે છેલ્લે આભમાંથી નીર નીતરી રહ્યું હતું. ચોમેર સૂનકાર વ્યાપી ગયો હતો. ધીરેધીરે બંગલાના ઘટાદાર વૃક્ષોમાંથી પાણીનાં બુંદ ટપ ટપ ટપકતાં હતાં. વૃક્ષો પર વિહંગો સુવાળો કલરવ કરી રહ્યાં હતાં, પરંતુ ભવ્ય બંગલામાં સૂનકાર છવાયેલો હતો. બંગળનો માલિક અને સુવર્ણાનો પતિ શરદ વ્યાસે વહેલી સવારે ઝાંપે કાર ઊભી રાખી. ઝાંપો ખોલ્યો ને અંદર પ્રવેશ કર્યો. કાર એક તરફ રાખીને બંગલાના મુખ્ય દ્વાર પરની ડોરબેલ દબાવીને થોડીવાર રાહ જોઈ, પણ કોઈ ન આવ્યું. ફરી ડોરબેલ દબાવીને સાથે બારણાને હળવો ધક્કો મારતાં જ આપોઆપ ખુલ્લી ગયું. મનમાં ધ્રાસકો પડ્યો, સાથોસાથ વહેમાયો કે દ્વાર ખાલી બંધ કરેલું હશે? એવું ન બને. ચિંતાસ્પદ ચહેરે ઉતાવળે પગલે શયનકક્ષ તરફ ગયો. સોનલને શય્યા પર લબડતી હાલતમાં જોઈને દોડ્યો ને તરત સુવર્ણા પર નજર પડી કે ઠંડકમાં પણ શરદને પરસેવો છૂટી ગયો. સુવર્ણાના મુખ પર હાથ ફેરવી વારાફરતી બંનેનાં નામની રાડ ફાટી ગઈ ને પોક મુકાઈ ગઈ. અવાજનો પડઘો સોનલના અંતરમન પર પડતાં સળવળાટ સાથે સફાળી જાગી થઈ ગઈ ને શરદને કચકચાવીને ભેટી પડી. “સોનલ, તારી બેન જવાબ નથી આપતી. જો તો તેને ખરી શું થયું છે?” બંને એને ઢંઢોળવા લાગ્યાં, પણ નિશ્વેત દેહને હલાવતા ખાલી હલ્યો. શરદે તેની છાતી પર કાન ધર્યા, પણ હૃદયના ધબકાર કે નાકમાંથી શ્વાસોશ્વાસ બંધ જણાયો. હીબકાં ભરતી ભરતી સોનલે રાતે જે જોયું હતું તે કહ્યું, “શરદ, એ કોણ હતું તેની ઓળખાણ નહોતી પડી.” અને સુવર્ણા સામે જોઈને વધુ રડવા લાગી. શરદે તેને આગોશમાં ભરી શાંત પાડી.

પોલીસ સ્ટેશનને ફોન કરીને હકીકત જણાવી. પોલીસની જીપ તરત આવી. પરિસ્થિતિથી વાકેફ થઈને જીણવટભરી તપાસ કરી. કેટલીક માહિતી મેળવીને શરદને પૂછ્યું, “તમે ક્યાં હતા?

તેણે કહ્યું, “હું વડોદરાથી હમણાં કલાક પહેલાં જ આવ્યો. બંગલામાં બંને બહેનો જ હતી.”

સોનલને ઇનસ્પેક્ટરે પૂછ્યું, “આ બનાવ બન્યો ત્યારે તમે ક્યાં હતાં?” સોનલના બયાન મુજબ એ પુરુષ ઓળો જે તરફથી ફરાર થયો હતો ત્યાં છેક બંગલાની બહાર સુધી ઇનસ્પેક્ટરે તપાસ કરી પણ ખાસ સુરાગ ન મળ્યો. ફક્ત એટલું અનુમાન કરી શક્યા કે સુવર્ણાના મોં પર ઓશીકું દબાવી શ્વાસ ગૂંગળાવીને હત્યા કરી છે. જોકે, પોસ્ટ મોર્ટમ થયાં પછી મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે. સુવર્ણાનો પાર્થિવ દેહ સરકારી હોસ્પિટલ પહોંચાડવા માટે વાન મંગાવી.

ઇન્સ્પેકટરના ગયાં પછી શરદ દીવાનખંડમાં બેસી વિચારવા લાગ્યો, સુવર્ણાને આ રીતે મોતને ઘાટ ઉતારવાનું કારણ અને આનો શત્રુ કોણ હોઈ શકે? શરદે ફરીફરીને સોનલને બેત્રણ વાર પૂછ્યું. સોનલે કહ્યું, “શરદ, મારી જાણમાં એવી કોઈ વાત કે કોઈની સાથે પ્રેમસંબંધ હોય એવી મને ખબર નથી. સંસારમાં કોઈનું મન કળી શકવું અઘરું છે.” આવા શબ્દોએ શરદને વિચારમાં મૂકી દીધો. સોનલે મગનું નામ મરી ન પાડ્યું ને ચૂપચાપ મૌન ધારણ કરીને એક તરફ મોં ફેરવી બેસી રહી. હારીથાકીને સુરતમાં અઠવાલેન પર રહેતા સાસુસસરાને ફોન કરી સરકારી હોસ્પિટલે આવવા કહ્યું. કારમાં બંને હોસ્પિટલે જવા નીકળી ગયાં. શરદને માબાપ કે અન્ય કોઈ હતું નહીં. સસરાએ પૂછપરછ કરી, પરંતુ પોતે તો હાજર હતો નહીં અને સોનલે જે કહ્યું તે બધું જણાવ્યું.

ચાર કલાકે પોસ્ટમોટમ કરીને શબ શરદને સોંપવામાં આવ્યું. સુવર્ણાનો મૃતદેહ લઈને સૌ બંગલે આવ્યા ત્યાં સુધીમાં સગાંસંબંધી અને મિત્રો સૌ મોટી સંખ્યામાં ભેગાં થઈ ગયાં હતાં. અંતિમ સંસ્કાર કરીને પરત આવીને જે કંઈ વિધિ બાકી હતી તે કરીને લોકો અવનવી મોંમાથાં વિનાની મનફાવે તેવી વાતો કરવા લાગ્યા. એ સાંભળીને શરદ મનમાં પત્નીના મૃત્યુના માતમમાં સમસમીને બેસી રહ્યો. શરદના સસરાએ એની પાસે બેસીને આશ્વાસનના શબ્દો સાથે કહ્યું કે, “આવું જઘન્ય કૃત્ય કરવાથી શું ફાયદો થયો હશે? અજાતશત્રુ નિર્દોષ સુવર્ણાને હતી ન હતી કરી નાખી.” આટલું કહીને એમણે પોક મૂકી. નવનીતરાયને શરદ છાના રાખવા લાગ્યો. ધીમેધીમે સૌ પોતપોતાના ઘરે જવા લાગ્યા. સાંજ સુધીમાં સાસુસસરા સિવાય અન્ય લોકો ચાલ્યા ગયા. સોનલે આવીને શરદને કહ્યું, “તમારો ઓરડો વ્યવસ્થિત કરવામાં આવ્યો છે. પોલીસની પરવાનગી મળી ગઈ છે તો ત્યાં જઈને સૂઈ જાઓ.”

“આજે મારાથી તો ત્યાં સૂવા નહીં જવાય. જેને સૂવું હોય તે જાઓ. હું અહીં સોફા પર જ સૂઈ રહીશ.” સોનલે સમજીને વધુ આગ્રહ ન કર્યો અને પોતાના ઓરડામાં ચાલી ગઈ.

શરદને સોફામાં સૂતા સૂતા કઈક પ્રકારના વિચારો એક સામટા ઊમટી પડ્યા ને વિચારવમળમાં સારી પડ્યો. સુવર્ણા સાથેના રંગીન દિવસો તથા સહવાસની સુવાસ સંભારતો સંભારતો ભીતર રડવા લાગ્યો. આવા સુખી સંસારની કોને ઈર્ષા થઈ હશે કે ઉમદા યુગલની જોડી તોડી નાખી. વિચારવાયુમાં પડી જતાં નિદ્રા પણ વેરણ થઈ ગઈ હતી. એવામાં સોનલની રૂમમાંથી ધીમેધીમે વાતો થતી સંભળાઈ. ધીરેધીરે એ અવાજ નજીક આવતો હોય એવું લગતાં સોફમાં ઊંઘવાનો ઢોંગ કરીને એમની વાતો સાંભળવા એકદમ સ્થિર પડી રહ્યો.

“મા, છૂટકો જ નહોતો. દીદીને મારી ઈર્ષા થવા માંડી હતી. ઘણીવાર આ પ્રકારનાં તેનાં વ્યવહાર-વર્તન મને હતાશ કરી મૂકતાં હતાં. એકવાર તો સાફસાફ કહ્યું કે, ‘તું અહીં શા માટે પડીપાથરી રહે છે? શરદ પ્રત્યેનું તારું વર્તન પસંદ નથી વગેરે વગેરે’ જે તને ન કહી શકાય તેવું હોવાથી કહેતી નથી. જોકે, મારી વાત તું સારી રીતે સમજી શકે છે, ખરું ને?”

“હા સમજી, પરંતુ તેં ઉતાવળ કરી હોય તેમ નથી લાગતું?”

“એ જે કહો તે, પરંતુ હું રાહ જોવાનું મુનાસિબ માનતી નહોતી અને અન્ય કોઈ વિકલ્પ જડતો નહોતો. આ વાતનો પિતાજીને જરા પણ અણસાર ન આવવો જોઈએ, એ તારી જવાબદારી. સુવર્ણા એમને બહુ વહાલી હતી. મારું ધાર્યું ન થાય ત્યાં સુધી મને ચેન ના પડે, મા. તારી પેટની જણીનું હિત જાળવવું એનું નામ લોહીની સગાઈ કહેવાય. પારકું લોહી એ પારકું લોહી, તું ક્યા નથી જાણતી? કાલે તમે બંને ચાલ્યા જાઓ. પરિસ્થિતિને અને શરદને હું સંભાળી લઈશ. મારી ચિંતા ન કરશો.” સોનલે કહ્યું ને ઓરડા બહાર નીકળી, ત્યાં એના પિતાજી નવનીતરાય આવ્યા. “કેમ હજુ સુધી જાગો છો?”

“ઊંઘ નથી આવતી એટલે બેઠાં હતાં. શરદ હોલમાં સૂતા છે.”

“ઠીક, પાથરીમાં લંબાવો એટલે ઊંઘ આવી જશે, સવાર પડવાને ઘણી વાર છે.”

નવનીતરાયે કહ્યું એમ કરવા બંને રૂમમાં જઈ પથારીમાં આડી પડી અને નવનીતરાય પણ બીજા ઓરડામાં સૂતા હતા ત્યાં ચાલ્યા ગયા.

સોનલની ઊંઘ ઊડી ગઈ અને જોયું તો સવારના આઠ વાગી ગયા હતા. મનમાં થયું, બહુ મોડું થઈ ગયું છે. ઉતાવળે હોલમાં શરદને જગાડવા ગઈ, પણ જોયું તો કોઈ હતું નહીં. કદાચ સ્નાનાદિ કરવા ગયા હશે એમ ધારી એના ઓરડામાં જોયું તો બહારથી ઓરડો બંધ હતો, છતાં ખોલીને તપાસ કરી પણ શરદ ન મળ્યો. એકદમ નવનીતભાઈને બૂમ પાડી તો એ નીચે જ આવી રહ્યા હતા. હાંફળીફાંફળી થયેલી સોનલેએ કહ્યું, “શરદ ક્યાં? અરે બહાર જોયું?” કહીને બંને બંગલા બહાર જવા બંગલાનું બારણું ખોલવા લાગ્યા તો બહારથી બંધ હતું. એટલે નક્કી થયું કે, શરદ ક્યાંક બહાર ગયો હોય તેવું લાગે છે. બાજુની બારી ખોલીને સોનલ કૂદીને બહાર નીકળી. બહારથી દરવાજાનું હેન્ડલ ખોલ્યું. ઉદાસીન ચહેરે આમતેમ બધે જોયું પણ કોઈ જોવા ન મળ્યું. કાર પણ પડેલી જ હતી. નવાઈ થાય છે કે, શરદ કહ્યા વિના ક્યાં ગયા હશે! બંનેનાં મનમાં આવો સવાલ થયો અને પરસ્પરના ચહેરા સામે જોઈ રહ્યાં. સોનલની મા બીના પણ ઉતાવળે દોડતી આવી ને પૂછ્યું, “શરદની ભાળ મળી?”

બંનેએ નકારમાં માથું હલાવી જાણ કરી. અંતે નિરાશા ભરીને બંગલામાં આવીને એના મોબાઇલ પર નંબર જોડ્યો, તો એ ફોન સોફા પર જ રણક્યો. “અરે, ફોન તો અહીં પડ્યો છે, આમ ચાલ્યો ગયો? ઘણી નવાઈ થાય છે,પિતાજી હવે?”

“દીકરી, ચિંતા ન કર. કામસર ગયો હશે, હમણાં આવશે. ખાસ માદીકરી ચિંતામાં પડી ગઈ, નવનીતરાય તો નિર્ભય હૈયે સોફા પર બેસી રહ્યા. થોડીવારે બીના ચાપાણી સાથે આવી અને ઊચક જીવે ચા પીધી અને કેટલીક જરૂરી બિનજરૂરી વતોએ વળગ્યાં.

*****

પોલીસ સ્ટેશને ઇન્સ્પેકટર ઝાલાએ સહસા મદદનીશ કાથડને પૂછ્યું, “હેં કાથડ! આ કેશમાં તને કંઈ ટપો પડે છે?”

“હા સર.”

“બોલ બોલ, જલદી બોલ.” કાથડને થયું, સર કેટલા ગૂંચવાયેલા છે. બિચારા આખી રાત નિરાંતે સૂતા પણ નથી. વિચારમાં પડેલા કાથડને ધક્કો મારી ઝાલાએ કહ્યું, “એ નવરી બજાર! પાછો વિચારમાં ક્યાં પડી ગયો?”

“સર, મને પેલી બાર્બીડોલ જેવી નટખટ સોનલ પર કંઈક શંકા જય છે.”

“હા, તારી શંકાની સોએ મને પણ ચટકો ભર્યો હોય તેવું થયું, પરંતુ એની સામે કંઈક બહાનું કે શંકાસ્પદ કડી મળે તો ધરપકડ કરી શકાય. પૂછપરછ માટે અહીં બોલાવી શકીએ છીએ, કેમ કે બંગલામાં એ બે બહેનો સિવાય કોઈ નહોતું. ઘટના અંગે મોં ખોલવા મજબૂર કરી શકાય થાય.”

“અરે અહીં પોપટની જેમ બોલવા લાગશે એવું મારું મન કહે છે.”

“કાથડ, તારી વાત સાચી છે, પણ એને એકલીને ન બોલાવી શકાય. સુવર્ણાના પતિ શરદને પણ સાથે લાવીએ. જરૂર કંઈક જાણવા મળશે.”

જીપ સ્ટાર્ટ કરી તેઓ બંગલે પહોંચ્યા, ત્યારે એ સોનલ અને તેનાં માતાપિતા પોલીસ સ્ટેશન જવાની તૈયારી કરી રહ્યાં હતાં. નવનીતરાયે શરદના ગુમ થયાની જાણ કરી, એટલે ઇનસ્પેક્ટર ઝાલાએ કાથડ સામે જોયુ ને ધીમેથી કહ્યું, “આ નવીન થયું.” પણ કાથડે કંઈ જવાબ ન આપ્યો.

સૌ પોલીસ સ્ટેશને ભેગા ગયા અને શરદકુમાર વ્યાસના લાપતા થયાની ફરિયાદ નોંધાવી. ત્રણેક દિવસ સુધી વિવિધ સ્થળે તપાસ કરી, પણ ક્યાંથી વાવડ મળતા ન હતા. ઇન્સ્પેકટરને મનમાં કંઈક નવીન વિચાર આવ્યો. શરદ નાસી ગયો છે માટે હત્યા કરવામાં તેનો જ હાથ હોય તેવું નક્કી થાય છે, કેમ કે અંધારામાં સોનલે એક પુરુષ ઓળાની વાત કરી હતી તે શરદ જ કે મન હોય? તેણે તરત જ નાવ્રિતરાય, બીના અને સોનલને પોલીસ સ્ટેશને બોલાવ્યા. “મને લાગે છે કે એ જ સુવર્ણાની હત્યા કરનાર નાસી ગયો લાગે છે.” ઇનસ્પેક્ટરે કહ્યું.

“એટલે શું શરદકુમારે ખુન કર્યું છે? અરે, એ તો છેક સવારે વડોદરાથી આવ્યો હતો. વડોદરા જેને મળવા ગયો હતો તેની પૂછપરછ કરો તો ખબર પડશે કે ત્યાંથી ક્યારે પાછો ફર્યો હતો વગેરે. એમ જ કોઈની ઉપર આક્ષેપ કરવો ઠીક ન કહેવાય.” આક્રોશ સાથે સોનલે કહ્યું.

“આક્ષેપ નથી શંકા છે અને શંકા કરવી એ અમારું મુખ્ય હથિયાર છે.”

“સર, પહેલા શરદકુમારને હાથ ધરો પછીની વાત પછી.”

“તમારી વાત સાથે સંમત છું અને અમારા પ્રયત્નો ચાલુ જ છે. એકબે દિવસમાં અવશ્ય પરિણામ હાથ લાગશે.” વાતચીતનો દોર લાંબો ચાલ્યો અને ત્રણેય જણ બંગલે પાછા આવ્યા. સોનલના મનમાં ચિંતાનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું, કારણ કે જેને પ્રાપ્ત કરવાનો છે તે જ લાપતા થઈ ગયો, શા માટે? કંઈ સમજ પડતી નહોતી. નવનીતરાય ઊંડો નિસાસો નાખી બહાર જોઈ રહ્યા. ત્રણેય જણ વાળુ કર્યા વિના પોતપોતાની પથારીમાં પડ્યાં પડ્યાં વલોપાત કરવા લાગ્યાં, ખાસ તો માદીકરી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. શરદના ચાલ્યા જવાથી આ યાત્રા કેવો વળાંક લેશે એ ચિંતા સતાવી રહી હતી. આમ, અસમંજસમાં રાત વીતી ગઈ.

સવારે સ્નાનાદિથી પરવારી સોનલ દીવાનખંડમાં બેઠી બેઠી મનોમંથનમાં પડી ગઈ, શું રાતે થયેલી વાતો સાંભળીને શરદ નાસી ગયો હશે? ને એવું જ હોય તો, એ મારી વિરુદ્ધ ઇન્સ્પેક્ટરને જણાવે તો? શરીરમાં ટાઢું લખલખું પસાર થઈ ગયું. હકીકત તો જુદી જ હતી. હા, શરદને પામવા જતી હતી એ ખરું, પરંતુ આવું જઘન્ય અપકૃત્ય કરીને તો નહીં જ. સુવર્ણા જે વાતે ફસાણી હતી તે જાણીને અંદરખાને રાજી થયેલી, એટલે એને કહેલું કે શરદને છોડીને પેલાની સાથે ચાલી જાય. હું શરદને સંભાળી લઈશ, પણ એવું સુવર્ણાને સ્વીકાર્ય ન હતું. અને કહેલું કે, લગ્ન થયાં પછી એ પ્રેમી ત્રણ વર્ષે રૂબરૂ આવીને ધમકી આપે તો ડરી ન જવાય. એવું પણ કહેલું કે, શરદને પણ અ વાતની જાણ કરવી, પણ સુવર્ણાએ જ ભલાઈ કરી હતી અને બીજો રસ્તો કાઢવાનું કહેલું. શું બીજા દિવસની મધરાતે એણે જ સુવર્ણાને ખતમ કરી નાખી હશે? પરંતુ આવું બધું આટલી ઝડપથી થશે એવું વિચાર્યું નહોતું. આ રીતે વિચારોમાં ઘેરાયેલી બેઠી હતી ને અચાનક પોલીસની જીપ આવી. ઇનસ્પેક્ટરે લેડી કોન્સ્ટેબલને આદેશ કર્યો અને કંઈપણ પૂછ્યા વિના સોનલને જીપમાં બેસાડી ઉપાડી ગયા. માતાપિતા હતપ્રભ થઈ જોઈ રહ્યાં.

પોલીસ સ્ટેશને ઇનસ્પેક્ટર અને લેડી કોન્સ્ટેબલનો તોર જોઈ ગયેલી સોનલે જણાવ્યું, “મારાં માબાપે ત્રણ વર્ષની બાળકી સુવર્ણાને દતક લીધેલી, ત્યાર પછી છેક પાંચ વર્ષે મારો જન્મ થયો હતો. બંને બહેનોનો ઉછેર સમાન થતો હતો. મારું રૂપ કુદરતી રીતે સુવર્ણા કરતાં વધારે આકર્ષક હતું. સુવર્ણાનાં લગ્ન શરદકુમાર વ્યાસ સાથે થયાં કે જે અનાથ હોવા છતાં ડૉલર કંપનીનો માલિક હતો. તેનો ઉમદા સ્વભાવ હતો અને પિતાજીનો પરિચિત પણ હતો. મને ઘણી વખત મારી આ મોટી બહેનની ઈર્ષા થતી, પણ મન મનાવી સાથેસંગાથે જ રહેતી. સુવર્ણાનાં લગ્નને પાંચ વર્ષ વીતી ગયાં છતાં એના ઘરે પારણું બંધાયું નહોતું. એની ચિંતા અમને સૌને હતી, પણ પિતાજીને વધારે હતી, કેમ કે મારે પણ ભાઈ નહોતો. બંને ઔધોગિક સામ્રાજ્ય માટે વારસ અત્યંત આવશ્યક હતો. પિતાજીએ એક દિવસ બંનેને અમારા બંગલે અઠવાલેન બોલાવી પ્રસ્તાવ મૂક્યો, “શરદકુમાર, તમે સોનલ સાથે બીજાં લગ્ન કરી વારસ આપો. ડૉક્ટરી તપાસમાં સાબિત થયું છે કે, સુવર્ણા મા નહીં બની શકે.” એમ રાજીખુશીથી સંમતિ આપવા માટે નિવેદન કર્યું.

સુવર્ણા નામકર ગઈ અને કહ્યું કે, “એ રિપોર્ટ સાચો નથી, અમે મુંબઈ તપાસ કરાવી છે, રાહ જોવી જરૂરી હોઈ, આવો ખ્યાલ છોડી દો.” એમ કહીને તરત બંને ચાલ્યાં ગયાં. આ વાતને લગભગ બે મહિના થયા હશે. શરદકુમારના મનની વાત જાણી નહોતી એટલે અમે ઉતાવળ ન કરવી એવું વિચારી રહ્યા હતા ને આ ઘટના ઘટી જવા પામી. આના સિવાય હું વિશેષ કંઈ જાણતી નથી. સર, હું નિર્દોષ છું.” ઉપરાંત, મનોમંથન વખતે જે ખ્યાલ આવેલો તે પણ ટૂંકમાં ઇનસ્પેક્ટરને કહ્યો. આમ પોતાની કલ્પનાને શબ્દદેહ આપ્યો ને પૂરું કરતાં બોલી, “શરદકુમારની પણ કોઈ ભાળ નથી. એની જ ઉપાધિ કરી રહ્યા છીએ.”

નવનીતરાયને વધુ પડતી ચિંતા થવા લાગી. શરદકુમાર લાપતા છે. સોનલને ઇન્સ્પેકટર ઉપાડી ગયા. હવે આ ઘટનાનો વળાંક કેવો આવશે તેની કલ્પના માત્રથી ધ્રુજી જવાયું. મોં પર પરસેવો વળી ગયો. સામે બેઠેલી બીના પણ ધ્રુજી ગઈ. નવનીતને પૂછવા લાગી કે શું થાય છે? તરત પાણી પાયું. થોડીવારે સ્વસ્થતા કેળવી પાણી પીધું, પણ ભીતર ઉમટેલો ઉત્પાત શાંત નહોતો થયો. છેવટે પોલીસ સ્ટેશને ઉતાવળે ગયા અને મહામહેનતે સોનલને પરત લઈ આવ્યા. ભીષણ કટોકટીની ઘડીએ માણસ સાચા નિર્ણય પર આવતો હોય છે અને સંસારનો કંસાર ખારો થવા નથી દેતો. માણસ બીજી બાજુની નરી વાસ્તવિકતા દર્શાવે છે. માદીકરીને કહીને નવનીતરાય કામસર પોતાને ઘરે જતાં કહેતા ગયા, “સાંજે પરત આવીશ,  ચિંતા ન કરશો. ભરોસો રાખો, શરદકુમાર પણ આવી જશે.”

ચારેક વાગે સોનલે નવનીતરાયને ખબર આપ્યા કે, શરદકુમાર વડોદરા ખાસ કામે ગયા હતા. પોલીસ સ્ટેશને પણ જાણ કરીને બંગલે આવી ગયા છે.

સંધ્યા ટાણે એકાંત ઓરડે બેસી નવનીતરાયે ઊંડા શ્વાસ લીધા અને પ્રાણાયામની મુદ્રામાં ઘણી વાર બેસી રહ્યા. અંતે અડગ નિર્ણય કરી પત્ર લખવાનો પ્રારંભ કર્યો.

એ દિવસે ઘોર અંધારી રાત હતી. નભ નીતરી રહ્યું હતું. સુવર્ણાને મળવા બંગલે ગયો. મને ખબર હતી કે, સાંજે શરદકુમાર દિલ્હી ગયા હતા. સોનલને અહીં બોલાવવાની હતી, પણ એ એની મિત્રને મળવા વલસાડ ગયેલી, તેથી આવી નહોતી. મને જોઈને સુવર્ણા ખુશ થઈ. બીનાને ફોન કરીને સુવર્ણાએ જાણ કરી કે, બંગલે રાતવસો કરશે, ચિંતા ન કરશો. વાળું કરીને અમે વાતોએ વળગ્યાં. વાતોમાં ને વાતોમાં આગિયાર વાગી ગયા. સુવર્ણા સૂવાનું કહીને ચાલી. અચાનક મેં એનું બાવડું પકડીને કહ્યું, “પેલી વાતનું શું કરવાનું છે?”

એણે કહ્યું, “સવારે વાત, સૌ મળીને નક્કી કરીશું.” એવું કહીને હાથ છોડાવી ચાલવા લાગી, પરંતુ મારા મનમાં વિકૃતિએ વાસો લઈ લીધો હતો, તેથી એક ઝાટકે તેણીને મારી સાથે ભટકાવી ભીંસી દીધી. “સુવર્ણા, દિવસો, મહિના, વર્ષો વીતી ગયાં. હવે ધીરજ નથી રહી, મારું માન. મુંબઈના ગાયનેક ડૉક્ટરના રિપોર્ટ મુજબ તું મા બની શકે છે. આજે બીજદાન કરું. એમાં કંઈ અજુગતું નથી. આપણા દેવીદેવતાઓ સંબંધની ખેવના કર્યા વિના સમાગમ કરી સંતાનો પેદા કરે છે. જ્યારે તું તો દત્તક લીધેલી છે. માટે બીજું ત્રીજું વિચારતા પ્રસન્ન વદને મારી સાથે સમાગમ કર.”

“પિતાજી, દતક તો દતક લીધેલી, પણ બાળપણથી મને તમારી પુત્રી તરીકે તમે ઊછેરી છે, એ કેમ ભૂલો છો? હું તમારી સોનલ જેવી જ છું.’ કહીને ઘણી અક્રમકતા દાખવી, મને વારંવાર મના ફરકાવી ધક્કો મારી ભાગી, પણ મેં બાથમાં દબાવી તેના અંગો પણ દબાવવા લાગ્યો. છેવટે, માદાની નબળાઈએ એને મહાત કરી અને એ હાંફવા લાગી, એટલે ઊંચકીને એને શયનકક્ષમાં લઈ ગયો, ત્યાં સુધી બિલકુલ શિથિલ થઈ ગઈ. એક કામાતુર પુરુષે સુવર્ણા સાથે રતિક્રીડા આદરી અને બીજદાન કર્યું.

પોસ્ટ મોર્ટમના રિપોર્ટમાં બે મહિનાના ગર્ભનો ઉલ્લેખ ન થાય માટે ખાનગીમાં ડૉક્ટરને મળીને તેની કિંમત ચૂકવીને મૂળ રિપોર્ટ મેં ડોકટર પાસેથી લઈ લીધો, પછીથી એને બીજો રિપોર્ટ બનાવી રજૂ કરેલો. મૂળ રિપોર્ટ આ પત્ર સાથે સામેલ છે.

વહેલી સવારે મોં બતાવ્યા વિના ઘરે ચાલ્યો ગયો, પરંતુ મનમાં ડંખ સતાવતો હતો. દિવસો સુધી સુવર્ણા સામે જોઈ ન શક્યો. મનોમન સમસમી બેસી રહેતો. શરદકુમાર દિલ્હીથી આવ્યા, પણ કોઈ અણસાર જોવા ન મળ્યો, એટલે થયું કે સુવર્ણાએ ઘટના અંગે કંઈ કહ્યું નથી. એવું નકકી થવા છતાં મનની શાંતિ ડહોળાતી હતી. એક મહિના પછી એક દિવસ ઓફિસે તેણીનો ફોન આવ્યો ને કહ્યું કે, આજે સાંજે બંગલે આવવું. હું બીતો બીતો ગયો. તેણીએ નફરત જતાવી કહ્યું, “નવનીતરાય, તમારા બુંદથી મને ગર્ભ રહ્યો છે. હું નિ:સંકોચ એને જન્મ આપીશ અને ત્યારે તમને બધાની હાજરીમાં સરાજાહેર સવાલ કરીશ. આ બાળકનો સાચો સંબંધ નક્કી કરીશું.” હું ધ્રુજી ગયો. વિચારવિમળમાં ઘેરાયો ને એ ખખડાટ હસવા લાગી. “મિસ્ટર, હવે મૂંઝાવાય નહીં. સંસારમાં આપણે નવીન ચીલો પાડીશું. મનમાં સહમી સહમીને નહીં, બલકે ધોળેદહાડે જાહેરત કરીને.” એ વખતે મને પારાવાર ક્રોધ ચડી ગયો, પરંતુ રીસ ચડાવીને ચાલ્યો ગયો.

એ દિવસે શરદકુમાર વડોદરા ગયેલા હતા. સોનલ રાતવાસો હતી. કદાચ વહેલી સવારે શરદ આવવાનો હોવાથી હું ઘરે જવાનું કહીને દ્વાર બંધ કરીને ચાલ્યો ગયો, જે બેમાંથી એકેયને ધ્યાનમાં ન આવ્યું કે દ્વાર બંધ કરે. શાયદ શરદ આવશે એવા વહેમમાં હશે. બહાર નીકળીને ઘરે બીનાને જણાવ્યું કે, શહેરમાં એક અધિકારીને મળવા જવાનો છું. એટલે રાતે મોડો આવીશ. નચિંતપણે બે કલાક પછી પરત બંગલે જઈને સીધો સુવર્ણાના ઓરડે ગયો. ઊંઘમાંથી એ જાગે એ પહેલાં જ એના મોં પર ઓશીકું દાબીને કાયમ માટે પોઢાડી દીધી. મારી આબરૂ ના ધજાગરા જીવતે જીવ ન જોવા પડે માટે મેં પણ ઝેરી દવા પી લીધી છે.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ