દ્રૌપદી
વરસાદ હજું શરૂ નહોતો થયો. આમ છતાં વાતાવરણ ઘેરાઈ ગયું હતું. મધ્યરાત્રી ક્યારની વીતી ચૂકી હતી. દિવસે અને સાંજનાં સમયે ધમધમતો અમદાવાદનો નવરંગ સર્કલ વિસ્તાર અત્યારે ખૂબ જ સૂમસામ હતો. એક તેજ લીસોટો આકાશના અંધકારને ચીરી ગયો. પળભર માટે સમગ્ર વાતાવરણમાં આંખ અંજવી દેતો પ્રકાશ છવાઈ ગયો. આમ છતાં તેણીની આંખોએ પલકારો માત્ર ન ભર્યો. ફરીથી સમગ્ર અવનીને જાણે અંધકાર ગળી ગયો. પ્રકાશની તીવ્રતાને સમાન તીવ્રતા ધરાવતો ગગનભેદી અવાજ ધરતી પર પહોંચ્યો. ભલભલાના રુવાંટા ઉભા કરી દે એવી મેઘરાજાની ગર્જનાને પણ તેણીએ કોઈ પ્રતિસાદ આપ્યો નહીં. તેણીનાં હાથ યાંત્રિક રીતે જ કાર્યરત હતાં. સામે પડી હતી એક લાશ. એક પુરુષની લાશ. એ પુરુષનાં પેટમાં ભોંકાયેલું હતું એક ખંજર. આ જ ખંજરથી રચાયેલા અનેક ઘાવમાંથી રક્ત વહી રહ્યું હતું. તે સ્ત્રીની બંને હથેળીઓ લાશનાં પેટમાં રહેલ ઊંડા ઘાવમાં ગરકાવ થઈ ગઈ. ઘાટા અને ચીકણા રક્તથી રંગાઈ ગયેલા હાથ યંત્રવત જ તેણીનાં માથા પર રહેલ છેલ્લી સૂકી લટને પંપાળવા લાગ્યા.
વરસાદનાં એક ટીપાએ આભ છોડી જમીન તરફ દોટ મૂકી. પરંતુ જમીન પર પટકાયા પહેલાં જ તે ટીપું રક્તથી ખરડાઈ ગયેલાં કપાળ પર પટકાયું. બે ભ્રમરોની બરાબર વચ્ચે પટકાયેલા ટીપાથી તે સ્ત્રીનું ધ્યાનભંગ થયું. તેણીની અચેતન આંખોમાં ચેતનાનો વરસાદ થયો. આ સાથે જ મેઘરાજા પણ મન મૂકી વરસી પડ્યાં. વરસાદની સોડમથી માટી મહેકી ઉઠી. મહિનાઓથી બંધ રહેલી સ્ટ્રીટલાઈટમાં જળની બૂંદોએ પ્રવેશ કરી વિજળીનો સંચાર ફરી શરૂ કર્યો. સ્ટ્રીટલાઈટનો લબક ઝબક પ્રકાશ રેલાયો. પ્રકાશની પુનઃ હાજરીથી અનાયાસે જ આનંદ અનુભવી તે સ્ત્રીએ બન્ને હાથ ફેલાવી આકાશ તરફ જોયું. તેનું હાસ્ય વાતાવરણમાં ગુંજી ઉઠ્યું. રાક્ષસી હાસ્ય.
***
વહેલી સવારે નવરંગ સર્કલ પાસે દરરોજ કરતાં વધુ હલચલ હતી. આગલી રાત્રે થયેલ વરસાદનાં લીધે થોડું થોડું પાણી ભરાયેલું હતું. આમ છતાં પોલીસની જીપ આસપાસ લોકોનું ટોળું જામી ગયું હતું. જ્યારે પોલીસ લાશને સાચવીને હોસ્પિટલ સુધી પહોંચાડવાની અને ખૂનની જગ્યાએથી પુરાવા એકઠા કરવાની કામગીરીમાં વ્યસ્ત હતી, ત્યાં સુધીમાં ટોળાએ મૃતક, ખૂન અને ખૂની અંગેની ઘણી કલ્પનાજનક છતાં રસપ્રદ થિયરીઓ રચી લીધી હતી. ધીમે ધીમે પત્રકારોનો મેળાવડો જામવા લાગ્યો હતો. આ અરેરાટી ભરી હત્યા અંગે હવે કંઈ રીતે ચોવીસ દિવસ સુધી ચોવીસ કલાક ટીવી પર ચર્ચા થઈ શકે તેનો તખ્તો ગોઠવવામાં આવી રહ્યો હતો. મૃત શરીરનાં અલગ અલગ એન્ગલથી લીધેલા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં હતાં.
થોડીવારમાં પોલીસની બીજી એક જીપ સ્થળ પર આવી ઉભી રહી. તેમાંથી ઉતરેલા કોન્સ્ટેબલે ભીડ વચ્ચે થોડો રસ્તો કર્યો એટલે વચ્ચેની સીટ બાજુનો દરવાજો ખોલી ઈન્સ્પેકટર રાઠોડ બહાર નીકળ્યા. તેમની ખાખી વરદી એકદમ કડકાઈથી તેમનાં કસાયેલા શરીર પર ચોંટેલી હતી. તેમનાં ખભા પર રહેલ ત્રણ તારાઓ સવારનાં કુમળા તડકામાં ચમકી ઉઠ્યા. તેમને પોતાની જાડી મૂછો પર આંગળીઓનાં ટેરવાં ફેરવી, માથા પર રહેલી પી-કેપ સરખી કરી. યૌવન હજું છલકાતું હતું આથી મીડિયામાં એક પોઝીટીવ ઈમેજ ઉભી કરવાનો કોઈ મોકો છોડવા તેઓ તૈયાર ન હતાં. માંડ ત્રીસેક વર્ષનાં ઈ. રાઠોડને તેમની વગ અને થોડાં સમય પહેલાં બનેલ વિભાગીય વિવાદ વિના અમદાવાદનો આટલો સારો વિસ્તાર આટલી નાની વયે મળે તે શક્ય નહોતું. કદાચ આ જ ઉપલબ્ધીને લીધે તેમનાં ખાતામાં તેમનાં પ્રત્યે ઈર્ષ્યા સેવતાં લોકોની કમી નહોતી.
ઈ. રાઠોડને આવતાં જોઈ હત્યાનાં સ્થળ પાસે ઉભેલા સબ-ઇન્સ્પેકટર પટેલ તથા તેમનાં માણસો દોડી આવ્યા અને સલામી ભરી. પ્રત્યુત્તરમાં ઈ. રાઠોડે ફક્ત માથું ધુણાવ્યું.
"મામલો શું છે?" હત્યાના સ્થળે લોહી મિશ્રિત પાણીનાં ખાબોચિયા તરફ નજર કરી ઈ. રાઠોડે કડક અવાજે પૂછ્યું.
"સર! દેખીતી રીતે તો મર્ડરનો કેસ લાગે છે. તેમ છતાં વિસ્તાર અને નક્કર પુરવાઓના અભાવને ધ્યાનમાં લેતાં, હું અકસ્માતની શક્યતાને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં સુધી નકારી નહીં શકું," સમય સાથે પોલીસ ખાતાની અગ્નિમાં પંકાઈ ગયેલા સબ-ઇનસ્પેક્ટર પટેલે ખૂબ શાંતિપૂર્વક જવાબ આપ્યો. તેમનાં ચેહરા પરની રેખાઓ પોલીસ ખાતામાં તેમને વિતાવેલા લાંબા સમયનો આયનો હતી.
"ઓળખાણ?"
"નથી થઈ શકી, સર. મૃતકનાં ખિસ્સાઓ તપાસતા ન તો કોઈ પર્સ મળ્યું છે, ન કોઈ આઈ ડી. ત્યાં સુધી કે મૃતકનો મોબાઇલ ફોન પણ નથી મળ્યો."
"હમ્મ… મૃત્યનું કારણ?" સિંઘમ અંદાજમાં લટાર મારતાં ઈ. રાઠોડે પૂછ્યું. તેમનાં પર પડી રહેલ કેમેરાનાં ફ્લેશ તથા તેમની સાથે સાથે ચાલી રહેલ કેમેરાનાં એંગલથી તે મનોમન હરખાઈ રહ્યા હતા. અલબત્ત આ વાત તેમને પોતાના ચહેરા પર જતાવવા દીધી નહોતી.
"બોડી પર લગભગ સત્તર જેટલાં જખ્મ છે," સબ-ઇન્સપેક્ટર પટેલે જવાબ આપ્યો. "કોઈ તીક્ષ્ણ વસ્તુથી વારંવાર મૃતકનાં શરીર પર ઘા કરવામાં આવેલ હશે તેવો મારો અંદાજ છે. મારો પ્રારંભિક અંદાજ વાહન અકસ્માતને લીધે મૃતક ફંગોળાઈને સર્કલની આસપાસ રહેલ સળિયા પર પડયાનો હતો. પણ બોડીનાં ગળા પાસે ત્રાસમાં એક જખ્મ છે. પાછું આટલામાં કોઈ અકસ્માત નડેલ વાહન પણ મળ્યું નથી."
"હથિયાર?" ઈ. રાઠોડે એ જ બેફિકરાઈથી પૂછ્યું.
"મળ્યું નથી," સબ-ઇન્સપેક્ટર પટેલે જવાબ આપ્યો. "મર્ડર કદાચ તો ચાલુ વરસાદે થયું છે અથવા તો વરસાદ પહેલાં. જેનાં કારણે ફોરેન્સિકને પણ કોઈ સબૂત મળે એવું લાગતું નથી."
"સીસીટીવી ફૂટેજ?"
"સર્કલ આસપાસ લગાવેલા ટ્રાફિક કેમેરા બંધ છે, સર. સામેની સોસાયટીના ગેટ પર સીસીટીવી કેમેરા છે. રેકોર્ડિંગ મેળવવાં બે કોન્સ્ટબલને સોસાયટીના ચેયરમેન સાથે વાતચીત કરવા મોકલી આપ્યાં છે."
"જુઓ પટેલ," ઈ. રાઠોડનો સ્વર ધમકીભર્યો હતો. "મારા આવ્યાં પહેલાં પણ આપણાં વિસ્તારમાં આ રીતની જ એક ઘટનાં બની હતી. એ કેસમાં મળેલ નિષ્ફળતાનાં કારણે જ મારી પહેલાંના ઈન્સ્પેક્ટરની બદલી થઈ અને હું અહીં આવ્યો. મીડિયામાં પોલીસતંત્રની છબી ખરડાઈ હતી. મારા કાર્યકાળમાં એમ ન થવું જોઈએ. બહું સ્પષ્ટ શબ્દોમાં કહીં દઉં છું તમને. જરૂર પડે તો સ્ટાફને ચોવીસ કલાક કામે લગાડી દો. ગમે તેમ કરો પણ અઠવાડિયાની અંદર ખૂનીનો પતો લાગી જવો જોઈએ. આ કેસ હું ક્રાઇમ બ્રાન્ચને નહીં સોંપવા દઉં."
સબ-ઇન્સપેક્ટર પટેલે હુકારમાં માથું ધુણાવ્યું.
"ધીસ ઇઝ માય ફર્સ્ટ મર્ડર કેસ," ઈ. રાઠોડે પોતાનો અવાજ એટલો ધીમો રાખ્યો કે ફક્ત સબ-ઇન્સપેક્ટર પટેલ જ સાંભળી શકે. "માય ટિકટ ટું ક્રાઈમ બ્રાન્ચ. ખૂનીને શોધો. અને જો ના મળે તો ગમે તેમ કરી કેસને અકસ્માતમાં ખપાવી દો. જસ્ટ ડોન્ટ બ્લડી લેટ ઈટ રુઇન માય કરિયર."
***
અમુક અપવાદરૂપ કિસ્સાઓ બાદ કરવામાં આવે તો અમદાવાદ કોઈ ક્રાઇમ સીટી નથી. એમાં પણ શહેરનાં શાંત અને વિકસિત મનાતા વિસ્તારમાં થયેલ આવી હત્યાથી ચકચાર મચી જાય એ કંઈ નવાઈની વાત નથી. ટીવી પર વારંવાર એકનાં એક દ્રશ્યો ચલાવી, એક જ વાત અલગ અલગ અંદાજમાં રજૂ કરી ટીઆરપી વધારવા પ્રયાસ ચાલી રહ્યાં હતાં. અલગ અલગ ન્યૂઝ ચેનલ્સ પર કહેવાતાં નિષ્ણાંતો જાત જાતની થિયરી વિકસાવી રહ્યા હતાં. પોલીસની સક્ષમતા પર વારંવાર સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં હતાં. રાજકારણીઓએ એકબીજાં પર આંગળીઓ ચીંધવાનું શરૂ કરી દીધું હતું.
આ બધી ધાંધલ ધમાલ વચ્ચે ઈ. રાઠોડ આ કેસમાં વ્યક્તિગત રસ દાખવી રહ્યાં હતાં. પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમનાં ટેબલ પર પડ્યો હતો. તે પોતે ફોરેન્સિક ટીમ દ્વારા આપવામાં આવેલ અહેવાલને ચોક્કસાઈથી વાંચી રહ્યાં હતાં. બરાબર એ જ સમયે સબ-ઈન્સ્પેક્ટર પટેલ કેબીનનાં દરવાજા પર નોક કરી, અંદર દાખલ થયા.
"આવો આવો, પટેલ," ઈ. રાઠોડે એક ક્ષણ માટે ઉપર નજર કરી, ફરી અહેવાલનાં પત્તાઓમાં ઝંપલાવ્યું.
"સર," સબ-ઈન્સ્પેક્ટર પટેલે ટટ્ટાર થઈ સલામી ભર્યા બાદ કહ્યું. "આપની પાસે થોડો સમય હોય તો નવરંગ સર્કલ મર્ડર કેસ બાબતે એક મહત્વની વાત કરવા આવ્યો છું."
"હમ્મ," ઈ. રાઠોડ થોડી ક્ષણો માટે મૌન રહ્યાં. પોતે કેટલાં મહત્વનાં વ્યક્તિ છે તે દર્શાવવા તેઓ ઘણીવાર પોતાનાથી નીચેનાં હોદ્દાનાં વ્યક્તિને થોડો સમય તેમની વાટ જોવા ફરજ પાડતાં. થોડી ક્ષણો બાદ ફોરેન્સિક અહેવાલ પોતાના ટેબલ પર મૂકી તેમને સબ-ઇન્સ્પેકટર પટેલને ખુરશી તરફ ઈશારો કરતાં કહ્યું, "પ્લીઝ સીટ. હું ક્યારનો એ જ કેસ પર કામ કરી રહ્યો હતો. આ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટ્સ વાંચ્યા મેં. તમે કીધું હતું તેમ કંઈ જ નથી એમાં. મૃત્યનું કારણ ઍક્સેસીવ બ્લીડીંગ. સબૂત… ઝીરો. વરસાદ…"
"સર," સબ-ઇન્સ્પેકટર પટેલ થોડાં ખચકાટ સાથે બોલ્યાં. "આપની વાત વચ્ચેથી કાપવા બદલ માફી માંગુ છું. પણ… પણ… એક…"
"ઇટ્સ ઓકે," ઈ. રાઠોડનાં ચેહરા પર થોડી નારાજગી છવાઈ છતાં તેમને કંઈ ફરક ન પડ્યો હોય તેવો ડોળ કરવાં પ્રયત્ન કર્યો. "ખચકાશો નહીં. જે હોય તે સીધેસીધું કહો."
"સર… મૃતકની ઓળખાણ થઈ ગયી છે," આટલું સાંભળતા ઇ.રાઠોડ ટટ્ટાર થયાં. સબ-ઈન્સ્પેક્ટર પટેલે વાત આગળ વધારી. "એ… સર… એક્ચ્યુલી… એ…"
"લેટ ઈટ સ્ટ્રેઇટ આઉટ," ઈ. રાઠોડે થોડાં કડક સ્વરે કહ્યું.
"સર, મૃતકનું નામ ધીરેન્દ્ર દેસાઈ છે. આપણાં ગૃહમંત્રી ચિરાગ મહેતાનાં જમાઈ," સબ-ઈન્સ્પેક્ટર પટેલ એક શ્વાસે બોલી ગયાં.
થોડીવાર માટે કેબિનમાં સન્નાટો છવાઈ ગયો. ઈ. રાઠોડ ફાટી આંખે સબ-ઈન્સ્પેકટર પટેલ સામે જોઈ રહ્યાં. સબ-ઈન્સ્પેકટર પટેલ જાણે કે આ સમગ્ર ઘટનાં તેમનાં કારણે જ બની હોય તેમ નીચી નજર કરી બેસી રહ્યાં.
"ડેમ ઈટ પટેલ!" ઈ. રાઠોડ તાડુકી ઉઠ્યા. પોતાની ખુરશી પરથી ઉભા થઈ તેમના બન્ને હાથ તેમને ટેબલ પર પછાડ્યા. સબ-ઈન્સ્પેક્ટર પટેલ કોઈ મૂર્તિની માફક પોતાની જગ્યા પર સ્તબ્ધ થઈ બેસી રહ્યાં. "આ વાત ક્યારે કહેવાના હતાં મને? મારા સસ્પેન્ડ થયાં પછી?"
"સર… મૃતકની ઓળખાણ હજું ત્રીસેક મિનિટ પહેલાં જ થઈ છે. મને ખબર પડી એટલે તરત જ હું આપને કહેવા દોડી આવ્યો."
ઈ. રાઠોડ થોડાં શાંત પડ્યાં. ફરીથી ખુરશી પર બેસી, તેમને પોતાના ટેબલના ડ્રોઅરમાંથી એક બૉક્સ કાઢ્યું. બોક્સમાં પાંચ સિગાર પડી હતી. એક સિગાર પસંદ કરી, ઈ. રાઠોડે સિગાર કટરથી એક છેડેથી કટકો કાપ્યો. ત્યારબાદ એ સિગારને બે હોઠો વચ્ચે દાબી, ખિસ્સામાંથી લાઈટર નીકાળી, સિગાર સળગાવી. એક લાંબો કસ ખેંચી, માથું પાછળ તરફ ઢાળી તેમને આંખો બંધ કરી. એકાદ ક્ષણ બાદ તેમને મોં વાટે ધૂમાડો બહાર કાઢ્યો અને પછી એક લાંબો શ્વાસ લીધો.
"મારે હોમ મિનિસ્ટર સાહેબને પર્સનલી કોલ કરવો પડશે," અંતે ઈ. રાઠોડે ચૂપ્પી તોડી. "આ કેસ બહું સેન્સિટિવ થઈ ગયો છે, પટેલ. હવે આખો કેસ મારે જાતે જ હેન્ડલ કરવો પડશે. મીડિયામાં વાત પહોંચી ગઈ છે?"
"ખબર નથી, સર," સબ-ઈન્સ્પેક્ટર પટેલે નજર ઉપર કરી કહ્યું. "હું તો સીધો આપની પાસે દોડી આવેલો."
"હમ્મ," સિગારમાંથી કસ ભરતાં ભરતાં ઇ. રાઠોડે ટેબલના ડ્રોઅરમાંથી ટીવીનું રિમોટ નીકળી, ન્યુઝ ચેનલ ચાલુ કરી. ન્યુઝ ચેનલ 'સનસની'ના સ્ટાર સ્ત્રી રિપોર્ટર મિસ શ્રીવાસ્તવ આજે ઓવરટાઈમ કરી રહ્યાં હતાં.
આજની સનસનીખેજ ખબર!
હાલમાં જ સૂત્રો દ્વારા મળેલ ખબર મુજબ નવરંગ સર્કલ મર્ડર કેસના વિકટીમની ઓળખ થયેલ છે. મૃતક બીજું કોઈ નહીં પણ આપણા રાજ્યનાં ગૃહમંત્રીશ્રી ચિરાગ મહેતાનાં જમાઈ ધીરેન્દ્ર દેસાઈ છે.
હા… તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. જે સરકારનાં રાજમાં ગૃહમંત્રીનાં સગા-વ્હાલા પણ સુરક્ષિત નથી તે આપણી સુરક્ષાની ધુરા સંભાળે છે.
ખેર…સામાન્ય રીતે ઝાકમઝોળથી દૂર રહેતાં મિ. દેસાઈને પોલિસ પણ ઓળખી શકી નહોતી. એવું જાણવા મળેલ છે કે સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલ વિડીયોનાં આધારે કોઈ સંબંધી દ્વારા મિ. દેસાઈની ઓળખ કરવામાં આવી છે.
અમારી ચેનલના સંવાદદાતા દ્વારા આ બાબતે મિ. મહેતાંનો સંપર્ક સાધવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, પરંતુ એ બાબતે હજું સુધી કોઈ સફળતા મળી નથી.
"શું કહે છે આ છોકરી?" ઓળખ કરવામાં પોલિસની નિષ્ફળતાં અંગેની વાત સાંભળી ઈ. રાઠોડ ધુંઆપુઆ થઈ ગયાં. પોતાનાં હાથમાં રહેલાં રિમોટનો તેમને ટેબલ પર ઘા કર્યો. "આઈ હેટ ધીસ બ્લડી ચેનલ."
સબ-ઈન્સ્પેક્ટર પટેલ રિમોટ ઉઠાવી ટીવી બંધ કરવા જ જતા હતાં કે પોતાનાં હાથમાં રહેલ સિગાર ટીવી તરફ ચીંધી ઈ. રાઠોડ બોલ્યા," વેઈટ અ મિનિટ!"
સબ-ઈન્સ્પેકટર પટેલનું ધ્યાન ફરી ટીવી તરફ ગયું અને તે મનોમન બબડી ઉઠ્યાં, "દ્રૌપદી ઇઝ બેક!"
ટીમ 'સનસની'નું ફરી એક સફળ ઓપરેશન.
જ્યારે શહેરનું આળસુ પોલિસ ખાતું નવરંગ સર્કલ મર્ડર કેસ અંગે કોઈ કડી શોધી શકી નથી, ત્યારે 'સનસની'એ જોડી દીધો છે આ કેસને ભૂતકાળની કડી સાથે.
જી હા…આપે આપની ટીવી સ્ક્રીન પર વાંચેલી ન્યુઝ લાઈન બિલકુલ સાચી છે.
દ્રૌપદી ઇઝ બેક!
દ્રૌપદી પાછી ફરી છે.
અમારાં નવા દર્શકો કે જેઓ દ્રૌપદીથી વાકેફ નથી તેમને જણાવી દઉં કે ત્રણ વર્ષ પહેલાં પણ નવરંગપુરા વિસ્તારમાં આવી જ એક હત્યા થઈ હતી. આ હત્યાનાં ફક્ત એક જ સાક્ષી હતાં. આ સાક્ષીનાં મત મુજબ એ હત્યા બીજા કોઈએ નહીં પણ દ્રૌપદીએ કરી હતી!
જી હા! દ્રૌપદી! મહાભારતનું એક અમર પાત્ર.
એ સાક્ષી હતાં નિમિષાબેન ચૌધરી. એ સમયે સરદાર પટેલ સ્ટેડિયમ પાસે રહેતાં નિમિષાબેન પોતાની ખરાબ માનસિક અવસ્થાથી રાહત મેળવવાના ઇરાદે મોડી રાત્રે એકલાં જ લટાર મારવા નીકળી પડ્યાં હતાં. પરંતુ તેઓ પોતાનાં ઘરથી વધુ દૂર જાય એ પહેલાં ચાર રસ્તા પર જ તેમને એક લાશ પડેલી જોઈ. નિમિષાબેનના નિવેદન મુજબ એ લાશ પાસે બેસી દ્રૌપદી લાશનાં ખૂનથી પોતાનાં વાળ ધોઈ રહી હતી.
અજાણતાં જ આવી ગંભીર સ્થિતિમાં ફસાઈ ગયેલ નિમિષાબેનનાં નિવેદનથી પોલિસે ઉલટાની તેમનાં પર શંકા કરેલ. જો કે પાછળથી મળેલ સીસીટીવી ફૂટેજમાં ખરેખર એક સફેદ સાડીમાં રહેલ સ્ત્રી એ લાશમાંથી લોહીનાં ખોબા ભરી પોતાનાં વાળ ધોતી જોવા મળેલ. સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષ સાક્ષીની હાજરી છતાં નવરંગપુરા પોલિસ સ્ટેશનની નાલાયક ટીમ ખૂનીને શોધી શકી નહોતી. ત્યાં સુધી કે ક્રાઈમ બ્રાન્ચને આ કેસ સોંપાયાને લગભગ એક વર્ષ થઈ ગયું હોવાં છતાં હજું પણ દ્રૌપદી પકડાઈ નથી.
અગાઉથી જ માનસિક સંતાપ ભોગવી રહેલ નિમિષાબેન આ ઘટના બાદ પોલિસનાં ત્રાસથી પોતાનું માનસિક સંતુલન સંપૂર્ણપણે ગુમાવી બેઠેલાં. ત્યાં સુધી કે પોતાનાં ઘરમાં રહેવાથી પણ નિમિષાબેનને ડર લાગવા લાગ્યો. આ જ કારણથી તેમનાં પતિ અમિતભાઈ તેમને એ ઘર છોડી બીજી જગ્યાએ રહેવા લઈ ગયાં. આમ છતાં નસીબનો ખેલ તો જુઓ…
દ્રૌપદી પાછી આવી… અને ફરી એકમાત્ર સાક્ષી બન્યાં નિમિષાબેન!
"શું!?" અત્યાર સુધી શાંત બેઠેલાં સબ-ઈન્સ્પેકટર પટેલ એકદમ આઘાત લાગ્યો હોય તેમ ઉભા થઈ ગયાં. તેમનાં હાથમાંથી ટીવી રિમોટ સરકીને જમીન પર પડી ગયું. પોતે ફરી સ્વસ્થ થાય તે પહેલાં જ ટેબલની સામેની બાજુએથી ઈ. રાઠોડે કોલર પકડી તેમને ખેંચ્યા.
"ડેમ ઇટ યુ ફૂલ્સ!" પોતાનાં હાથમાં રહેલ સિગારને એક આંગળીથી દૂર ફંગોળી, સબ-ઈન્સ્પેકટર પટેલનાં ચહેરાની એકદમ નજીક પોતાનો ચહેરો લઈ જઈ ધમકીભર્યા સ્વરમાં ઈ. રાઠોડે કહ્યું, "નકામા છો તમે બધાં. આટલી મહત્વની વાત તમને કોઈને ખબર ન પડી. ગધેડાઓ છો બધાં!"
"સર…," બન્ને હાથ જોડી આજીજી કરતાં સબ-ઈન્સ્પેકટર પટેલે કહ્યું, "સર… પ્લીઝ…"
ઈ. રાઠોડે ધક્કો મારી સબ-ઇન્સ્પેકટર પટેલને દૂર ફેંક્યા. ઊંધા ફરી તેમને એક ઊંડો શ્વાસ લીધો. એકાદ ક્ષણ બાદ ફરી સ્વસ્થતા મેળવતા તેમને સબ-ઈન્સ્પેકટર પટેલ સામે જોયું. સબ-ઈન્સ્પેકટર પટેલનાં ચેહરા પર ડર જોઈ તેમને દયા આવી.
"આ ચૌધરી પતિ-પત્નીને અડધી કલાકમાં હાજર કરો," ધીમા અવાજે પણ કડક શબ્દોમાં કહેતાં કહેતાં ઈ. રાઠોડે પોતાની પી-કેપ ટેબલ પરથી ઉપાડી માથા પર ગોઠવી અને પોતાની પર્સનલ કારની ચાવી ખિસ્સામાંથી કાઢી સબ-ઈન્સ્પેકટર પટેલ તરફ ફેંકી. "ડ્રાઈવરને કહો ગાડી લઈ આવે. હું ગાંધીનગર જઉં છું. સાંજ સુધીમાં પાછો આવી જઈશ. ત્યાં સુધીમાં તમે આ ચૌધરી દંપતિનું નિવેદન લો. જરૂર પડે તો મુશ્કેલ રસ્તો અપનાવો, પણ હું પાછો આવું ત્યાં સુધીમાં મારે કોઈ નક્કર માહિતી જોઈએ છે. અન્ડરસ્ટુડ?"
જવાબમાં સબ-ઈન્સ્પેકટર પટેલે ફક્ત માથું ધુણાવ્યું અને હિંમત એકઠી કરી પૂછ્યું,"કેમ અત્યારે ગાંધીનગર, સર?"
સિગાર બોક્સમાંથી બીજી સિગાર પસંદ કરી નિસાસો નાંખતા ઈ. રાઠોડે એટલું જ કહ્યું, "ડેમેજ કંટ્રોલ… પટેલ… ડેમેજ કંટ્રોલ…"
***
ગૃહમંત્રીનાં બંગલા પર ભીડ જામેલી હતી. નેતાઓ અને રાજકારણીઓ, સાથીઓ અને વિરોધીઓ, સૌ, વ્યવહાર સાચવવા આવી ગયાં હતાં. આવતીકાલે જ જે લોકો સભાગૃહમાં પોતાના જ પરિવારની રક્ષા ન કરી શકવા બદલ ગૃહમંત્રી મિ. મહેતાને ચાબખા ભરવાના હતાં, એ લોકો પણ આજે રૂબરૂ જ દુઃખ જતાવવા આવ્યાં. ટીવી અને ન્યુઝ પેપરનાં પત્રકારો પણ આવતાં જતાં લોકોની ગણતરી કરી, અવનવાં સમીકરણો રચવા બંગલાની બહાર જ ડેરો જમાવી બેઠાં હતાં.
ઈ. રાઠોડને થોડી દૂર ગાડી પાર્ક કરી ચાલતાં જ બંગલા સુધી આવવું પડ્યું. જેવાં જ તેઓ ગેટ પાસે પહોંચ્યા કે પત્રકારોનું એક આખું ટોળું તેમની તરફ ધસી આવ્યું. "નો કવેશ્ચન્સ! પ્લીઝ… અત્યારે કોઈ સવાલ નહીં,"નું રટણ કરતાં કરતાં સિક્યુરિટી ગાર્ડ્સની મદદ લઈ માંડ માંડ તેઓ બંગલાના પરિસરમાં પ્રવેશી શકયા.
પરિસરથી દરવાજા તરફ જતી વખતે પણ આસપાસનાં લોકોની નજરનો બોજ તેઓ મહેસૂસ કરી રહ્યાં હતાં. શોકસભામાં મૌન બેસી રહેલાં અસંખ્ય લોકોમાં પણ તેમની હાજરીથી ચણભણ શરૂ થઈ ગઈ હતી. આસપાસ લોકોને સફેદ કપડામાં જોઈ ઈ. રાઠોડને પોતાની ભૂલ સમજાઈ હતી. ખાખી વરદીનાં લીધે તેઓ અલગ તરી આવતાં હતાં અને તેથી તરત જ લોકોનું તેમનાં તરફ ધ્યાન ખેંચાઇ આવ્યું હતું. શોકસભામાં બેઠેલ મોટી હસ્તીઓમાંથી એક પ્રૌઢ વ્યક્તિએ ઉભા થઈ, ઈ. રાઠોડ તરફ આગળ વધવા માંડ્યું.
"સર!" અમદાવાદ શહેરનાં એસ.પી. મિ. સિંઘને પોતાની તરફ આવતાં જોઈ, ઈ. રાઠોડે અદબીથી સલામી ભરી.
"રાઠોડ," મિ. સિંઘે ખૂબ ઘીમાં અવાજે કહ્યું. "તારે અહીં નહોતું આવવું જોઈતું."
"પણ સર… મિ. મહેતા સાથે રૂબરૂ વાત કરી, ખૂનીને હું જલ્દી જ પકડી પાડીશ એ વિશ્વાસ આપવા માટે હું આવ્યો છું."
"તારા પપ્પા મારા ખૂબ અંગત મિત્ર હતાં. એ મિત્રતાને લીધે જ હું તારી ભૂલો નજરઅંદાજ કરું છું, રાઠોડ. પણ આ વખતે નહીં. તારા વિસ્તારમાં ગૃહમંત્રીનાં જમાઈનું મર્ડર થઈ જાય અને તમે લોકો લાશની ઓળખ પણ ન કરી શકો? તને ખબર નથી કેટલું સાંભળવું પડ્યું છે મારે આ કારણે. મિ. મહેતા તો ઠીક મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધી બધાનાં કોલ આવી રહ્યા છે મારા પર. અને હવે તું સીધેસીધો અહીં દોડી આવ્યો. હવે મિ. મહેતાનાં ગુસ્સાથી હું પણ તને નહીં બચાવી શકું."
"સોરી સર. પણ મને લાગ્યું કે એક વાર મિ. મહેતા સાથે વાત કરી હું થોડું…"
"ડેમેજ કંટ્રોલ કરી લઉં એમ જ ને," મિ. સિંઘે અણગમા સાથે કહ્યું. "ખેર. કંઈ નહીં. આવી ગયો છે તો મળીને જ મિ. મહેતાને. હવે મળ્યાં વગર જઈશ તો કેટલાય તર્ક વિતર્ક થશે. પણ ફરી ક્યારેય આવું બને તો અટ લિસ્ટ પ્રોપર કપડાંમાં આવવાની ડીસન્સી રાખજે."
ઈ. રાઠોડ કોઈ પ્રકારની દલીલ કરે એ પહેલાં જ મિ. સિંઘ બંગલાની અંદર તરફ ચાલવા લાગ્યા. ઈ. રાઠોડ પણ માથું ઝૂંકાવી તેમની પાછળ પાછળ બંગલાની અંદર દાખલ થયાં. નીચલા માળમાં બરાબર વચ્ચે રહેલી સીડીને સડસડાટ ચડી તેઓ બીજા માળનાં કોરિડોરમાં જમણી બાજુ ચાલવા લાગ્યાં. મિ. સિંઘ ઈ. રાઠોડને ત્યાં જ ઉભા રહેવાનો ઈશારો કરી થોડે દૂર જઈ એક રૂમમાં દાખલ થયાં. થોડીવાર બાદ તેઓ જ્યારે પાછા ફર્યા ત્યારે તેમનો ચેહરો ગુસ્સાથી લાલચોળ હતો. મિ. સિંઘને આટલા ગુસ્સામાં જોઈ ઈ. રાઠોડ મૂંઝાયા. તે કંઈક કહેવા જ જતાં હતાં કે મિ. સિંઘે જોરથી તેમનાં ગાલ પર એક તમાચો જડી દીધો. અચાનક થયેલ આવા વારથી ઈ. રાઠોડ ડઘાઈ ગયા અને સંતુલન ગુમાવી પડતાં પડતાં રહી ગયાં.
"કેટલાં કારસ્તાન કર્યા છે મારાથી છુપાવીને?" ઈ. રાઠોડ કંઈ કહે તે પહેલાં જ મિ. સિંઘ તાડુકી ઉઠ્યાં. "યાદ રાખ રાઠોડ, મારી ભલામણથી જ તને સારું પોસ્ટિંગ મળ્યું છે. મેં અને તારા બાપે સાથે મળીને જે ઈજ્જત કમાઈ છે એને ધૂળમાં મેળવી રહ્યો છે તું."
ઈ. રાઠોડ હજું સંપૂર્ણપણે આઘાતમાંથી બહાર નહોતાં આવી શક્યાં. મિ. સિંઘે ક્યારેય આ પહેલાં ઈ. રાઠોડ સાથે આ રીતે વર્તન કર્યું નહોતું. ઈ. રાઠોડનાં પિતા પોલિસ વિભાગમાં એસ.પી. તરીકે ફરજ બજાવી ચૂક્યાં હતાં. ઈ. રાઠોડ જ્યારે પોલીસ ઈન્સ્પેક્ટરની સીધી ભરતીમાં ઉત્તીર્ણ થયા તે સમયે જ તેમનાં પિતાનું અકાળે અવસાન થયું હતું. ત્યારબાદ મિ. સિંઘે ઈ. રાઠોડને કોઈ વાતે તકલીફ પડવા દીધી નહોતી. આજે મિ. સિંઘનાં આવા અણછાજતાં વર્તનને જોઈ ઈ. રાઠોડ અસમંજસમાં મુકાઈ ગયાં હતાં.
"શું ઉભો છે અહીં!" મિ. સિંઘે ઈ. રાઠોડને બાવડું પકડી ખેંચ્યા. "મિ. મહેતા તારી વાટ જોઈ રહ્યાં છે."
"પણ સર થયું શું?" કોઈપણ પ્રકારનો પ્રતિકાર કર્યા વિના ઈ. રાઠોડ જે બાજું મિ. સિંઘ દોરી જાય તે તરફ જઈ રહ્યાં હતાં.
"એ બધું જ જે નહોતું થવું જોઈતુ," મિ. સિંઘના એક એક શબ્દમાં અણગમો છલકાઈ રહ્યો હતો.
થોડી જ ક્ષણોમાં મિ. સિંઘે ઈ. રાઠોડને એક રૂમની અંદર ધકેલ્યા. રૂમની અંદર મિ. મહેતા સોફા પર પગ ઉપર પગ ચડાવી બેઠાં હતાં. તેમનાં ચહેરા પર ગમગીની છવાઈ હતી કે ગુસ્સો તે નક્કી કરવું મુશ્કેલ હતું. તેમની નજર ટીવી પર ચાલી રહેલ 'સનસની' પર કેન્દ્રિત હતી. જ્યારે ઈ. રાઠોડની નજર ટીવી પર પડી તો તેમનાં પર આભ ફાટી પડ્યું. ઈ. રાઠોડે જ્યારે સબ-ઇન્સ્પેકટર પટેલને ધીમા અવાજે સબૂતોના અભાવે જરૂર પડે કેસને અકસ્માતમાં ખપાવી દેવાની વાત કરેલ તે વાતનો ક્લિયર ઓડિયો ટીવી પર ફરી ફરીને પ્લે કરવામાં આવી રહ્યો હતો. હેડલાઈનમાં લખ્યું હતું 'ક્રાઈમ બ્રાન્ચ કે ક્રાઈમ રફેદફે?'
માય ટિકટ ટું ક્રાઈમ બ્રાન્ચ. ખૂનીને શોધો. અને જો ના મળે તો ગમે તેમ કરી કેસને અકસ્માતમાં ખપાવી દો. જસ્ટ ડોન્ટ બ્લડી લેટ ઈટ રુઇન માય કરિયર…
મિ. સિંઘના તમાચા પાછળનું કારણ હવે ઈ. રાઠોડને સમજાયું હતું. તેમનાં બોલેલા શબ્દો સતત રૂમમાં ગૂંજી રહ્યાં હતાં. તેમને બરાબર યાદ હતું કે ખૂબ ધીમા અવાજે તેમને સબ-ઈન્સ્પેકટર પટેલને આ વાત કહી હતી. મતલબ સાફ હતો. સબ-ઈન્સ્પેકટર પટેલે કોઈ રીતે તેમની સાથેની વાતચીત રેકોર્ડ કરી લીધી હતી. સબ-ઈન્સ્પેકટર પટેલે તેમને દગો આપ્યો હતો. પણ કેમ? આ 'કેમ'નો જવાબ મળે એ પહેલાં જ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મિ. મહેતા ટીવી બંધ કરી ઈ. રાઠોડને તાકી રહ્યા હતાં. એક એક શ્વાસ સાથે ઈ. રાઠોડ વધતી જતી અકળામણને મહેસૂસ કરી રહ્યાં હતાં.
"સર," મિ. સિંઘે ધીમેથી કહ્યું. "સારો છોકરો છે. પહેલી ભૂલ છે. જવા દો ને…"
"જવા દઉં?" મિ. મહેતાં તાડુકી ઉઠ્યાં. ગુસ્સાથી તેમનાં નસકોરા ફુલવા લાગ્યાં. તેમની આંખો પહોળી થઈ ગઈ. "આ બાયલાને જવા દઉં? આવા માણસોનાં લીધે મારે આજે શરમથી નીચું જોવું પડે છે. એક તો પોતાના વિસ્તારને તો સાચવી નથી શકતાં ને ક્રાઈમ બ્રાન્ચનાં સપના જુએ છે."
"સર… સર… મને એક મોકો…" ઈ. રાઠોડ આજીજી કરી રહ્યાં હતાં.
"ચૂપ!!!!" મિ. મહેતાનો અવાજ રૂમમાં ગુંજી ઉઠ્યો. "મોકો? ઔકાત શું છે તારી? સાલા બે કોડીનાં ઈન્સ્પેક્ટર. બહુ શોખ છે ને ક્રાઈમ બ્રાન્ચનો? તને તો હું ખોટા કેસમાં ફસાવી જેલ ભેગો કરીશ. જમાનત ય નહીં થવા દઉં તારી. આખી જિંદગી જેલમાં સડીશ તું. સિંઘ. સસ્પેન્ડ કર આ નાલાયકને. હાલને હાલ."
મિ. સિંઘ કઈ કહેવા જઈ જ રહ્યાં હતાં કે મિ. મહેતાએ હથેળી આગળ કરી તેમને રોક્યા. એક ઊંડો શ્વાસ લઈ, થોડાં અંશે રાહત અનુભવતા મિ. મહેતા ઝડપથી રૂમની બહાર નીકળી ગયાં.
ઈ. રાઠોડે નિઃસહાય નજરે મિ. સિંઘ તરફ જોયું.
"ક્રાઈમ બ્રાન્ચમાં જવું હતું તો મને એકવાર તો કહેવું હતું," મિ. સિંઘના અવાજમાં નારાજગી હતી.
"કેટલો સમય તમારા પડછાયામાં રહીશ?" ઈ. રાઠોડે ભારે અવાજે કહ્યું. "મારે પોતાની ઓળખાણ બનાવવી હતી."
"બહુ મોટી પળોજણમાં પડ્યો છે તું," ઈ. રાઠોડની દયા ખાતાં મિ. સિંઘે તેમનાં ખભા પર હાથ મૂકીને કહ્યું. "આ વખતે હું તને નહીં બચાવી શકું, રાઠોડ. પણ સમય આપી શકું છું તને. મૌખિક રીતે તો હું તને આજથી જ સસ્પેન્ડ કરું છું. પણ આજે શુક્રવાર છે. સાંજ સુધી હું ઓફીસ જવાનો નથી. શનિવાર અને રવિવારે વહીવટી સ્ટાફ રજા પર છે. બે દિવસ આપું છું તને છોકરાં. સોમવારે સવારે તારો સસ્પેન્શન ઓર્ડર તારા ટેબલ પર હશે. સસ્પેનશન તો હું નહીં રોકી શકું, પણ આ બે દિવસમાં જો તું ખૂની તો તાળો મેળવી શકીશ તો આગળ કોઈને કોઈ રસ્તો નીકળી જશે. જા. બે દિવસ છે તારી પાસે ઓળખાણ બનાવવા. પણ હું એટલું જરૂર કહીશ કે ઑફિસ જઈ ખોટી કંકાશમાં ન પડે તો સારું."
***
અડધી રાત વીતી ચૂકી હતી. આમ છતાં ઈ. રાઠોડના ફ્લેટની લાઈટ હજું ચાલુ હતી. એક હાથમાં શરાબનો પ્યાલો અને તે જ હાથની બે આંગળીઓ વચ્ચે સળગતી સિગાર રાખી બીજા હાથથી આંખની એકદમ નજીક લાવેલ કાગળને તેઓ નીરખી રહ્યાં હતાં. તેમની આસપાસ અસ્તવ્યસ્ત કાગળ પડ્યાં હતાં. ખુદ એકલાં જ રહેતાં હોવાથી કોઈને મુશ્કેલી પડવાની તો વાત નહોતી. આમ છતાં તે દિવસની ઘટનાએ ઈ. રાઠોડને પાગલ કરી દીધાં હતાં. સબ-ઈન્સ્પેકટર પટેલને તેઓ બરાબર પાઠ ભણાવવા માંગતા હોવાં છતાં મિ. સિંઘની સલાહ અનુસરી તેમને ઓફીસ જવાનું ટાળ્યું હતું. ડ્રાઈવર પાસે દ્રૌપદીનાં કેસની જૂની ફાઈલો અને આ વખતનાં બનાવની સીસીટીવી ફૂટેજ મંગાવી લીધા હતી. તેમની પાસે રહસ્ય ઉકેલવા ફક્ત બે દિવસ હતાં. તે દિવસે સાંજથી જ તેઓ ફાઈલોનાં ઢગલા ઉલેચી રહ્યાં હતાં. તેમનાં પોતાના પોલીસ સ્ટેશનથી લઈ ક્રાઈમ બ્રાન્ચ સુધીની બધી ફાઈલો તેમને ઉલેચી કાઢી હતી. કોઈ નક્કર પૂરાવા મળી રહ્યા નહોતા. ત્યાં સુધી કે આ વખતની જેમ અગાઉ પણ હથિયાર કે હત્યા પાછળનો ઈરાદો મળ્યાં નહોતા.
અંતે કંટાળીને તેમને ફાઈલોનાં ઢગલાને ધક્કો મારી, સીસીટીવી ફૂટેજ ટીવી પર ચડાવી શરાબના ઘૂંટ ભરતાં ભરતાં રેકોર્ડિંગને રિપીટ મોડમાં સ્લો મોશનમાં જોવાનું ચાલું કર્યું. શરાબે તેનું કામ ચાલુ કર્યું હતું. ઈ. રાઠોડની આંખો ઘેરાઈ રહી હતી. સામે રહેલ ટીવી સ્ક્રીન પર દ્રૌપદી સ્ટ્રીટલાઈટના ઝાંખા પ્રકાશ વચ્ચે આકાશ સામે હાથ પોહળા કરી હસી રહી હતી. સીસીટીવીમાં કોઈ અવાજ કેદ ન થયો હોવા છતાં ઈ. રાઠોડના કાનમાં એ રાક્ષસી હાસ્ય ગુંજી રહ્યું હતું. સાથે સાથે તેઓને પોતાનો જ અવાજ સંભળાઈ રહ્યો હતો. દ્રૌપદી…દ્રૌપદી… ની તેઓ ચીસો પાડી રહ્યાં હતાં.
ઈ. રાઠોડ કોઈ એવી અવસ્થામાં પહોંચી ગયાં હતાં જ્યાં ન તો તેઓ સભાન હતા કે ન બેભાન. આ અવસ્થામાં જ તેઓએ પોતાને રસ્તા પર પીઠનાં બળે સૂતેલા મહેસૂસ કર્યા. આંખો ખોલી તો દ્રૌપદી તેમની પાસે જ બેઠી હતી. આકાશ સામે જોઈ અટ્ટહાસ્ય કરી રહી હતી. લોહીથી લચપચ તેણીની લટો તેણીનાં ચેહરા પર ચોંટી ગઈ હતી. તેણીએ નીચે જોઈ પોતાની લાલઘૂમ આંખો ઈ. રાઠોડ પર સ્થિર કરી. ઈ. રાઠોડનાં શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. તેઓ ચીસ પાડવા ગયાં પણ ગળામાંથી કોઈ અવાજ ન નિકળ્યો. હાથ ઉપર કરી દ્રૌપદીને ધક્કો મારવા જ્યારે તેમને પ્રયાસ કર્યો ત્યારે પોતાનું કોઈ અંગ તેઓ ડગાવી શક્યાં નહીં. દ્રૌપદીએ બન્ને હાથમાં ખંજર પકડી શક્ય તેટલું ઉપર કર્યું. ખંજરની ધાર સ્ટ્રીટલાઈટનાં પ્રકાશમાં સહેજ ચમકી. વિજળીવેગે ખંજરે અધઃપતન શરૂ કર્યું કે…
"ખંજર…." બેબાકળા બની ઈ. રાઠોડ એકદમ જાગી ઉઠ્યાં. તેમની સામે હજું પણ સીસીટીવી ફૂટેજ રિપીટ મોડમાં ચાલી રહી હતી. એ.સી. રૂમમાં પણ તેમને પરસેવો છૂટી ગયો હતો. "ચાકુ!? ખંજર!? એ હથિયાર? ક્યાં છે એ હથિયાર?"
"વ્હેર ધ હેલ ઇઝ ધેટ બ્લડી વેપન!?"ની બૂમો પાડતાં પાડતાં તેમને જૂની ફાઈલો ફરી ફંફોળવા લાગી. એક પછી એક ફાઇલ ચકાસી તેઓ તેનો ઘા કરવા લાગ્યાં. આ વખતની જેમ અગાઉનાં કેસમાં પણ હથિયાર મળ્યું નહોતું. એવું કંઈ રીતે બની શકે? આટલાં વર્ષો બાદ પણ હથિયાર ન મળે. એ પણ પાછો ક્રાઈમ બ્રાન્ચનો કેસ! દાળમાં કંઈક કાળું હતું. બન્ને કેસોનાં ફોરેન્સિક રિપોર્ટ્સ મુજબ બન્ને હત્યા માટે એક જ અથવા સમાન પ્રકારનાં હથિયારનો ઉપયોગ કરાયો હતો. આ હથિયાર જ કડી હતી. હથિયાર મળશે તો કોયડો આપોઆપ ઉકેલાઈ જશે! પણ તેના માટે ઈ. રાઠોડને જૂના કેસને વિગતવાર જાણવું પડે તેમ હતું. ફક્ત ફાઈલોનાં સહારે કોઈ કેસને સંપૂર્ણ રીતે સમજી શકાય નહીં. આથી જ ઈ. રાઠોડને જે-તે વખતે જે અધિકારીએ દ્રૌપદી કેસમાં છાનબીન કરી હતી તેની સહાય લેવી પડે તેમ હતી. ઈ. ધવન! ઈ. રાઠોડ પહેલાં નવરંગપુરા પોલીસ સ્ટેશનની ડોર ઈ. ધવનનાં જ હાથમાં હતી. અલબત્ત તેઓ દ્રૌપદી કેસને પાર પાડી શક્યા નહીં અને તેની સજા રૂપે તેમની બદલી એક સામાન્ય વિસ્તારનાં પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. આ વાતનો વિરોધ ઈ. ધવને છાપરે ચડી કર્યો હતો. આથી જ કંઈક અંશે ઈ. રાઠોડ પ્રત્યે તેમને અણગમો રહ્યો હતો. જો કે તેમાં ઈ. રાઠોડનો કોઈ દોષ હતો નહીં. ધાર્યું હોત તો ઈ. રાઠોડ ક્રાઈમ બ્રાન્ચની પણ મદદ લઈ શક્યા હોત પણ ક્રાઈમ બ્રાન્ચ પણ આ કેસમાં કંઈ ઝાઝું ઉકાળી શકી નહોતી.
મને-કમને ઈ. રાઠોડે પોતાનાં મોબાઈલ ફોનમાંથી ઈ. ધવનને વ્હોટ્સએપ કોલ લગાવ્યો. સરકારી બાબુઓ કોઈ વાત છાપરે ન ચડે તેનું ધ્યાન રાખવા, ગુપ્ત કે સંવેદનશીલ માહિતીઓ રેકોર્ડ ન થાય એ હેતુ વ્હોટ્સએપ કોલનો જ ઉપયોગ કરવો હિતાવહ સમજે છે.
રાતનાં બે વાગ્યાં હતાં. ઈ. રાઠોડને જરા પણ અપેક્ષા નહોતી કે ઈ. ધવન કોલનો જવાબ આપશે. આમ છતાં કોલ રિસીવ થયો.
"ઈન્સ્પેકટર રાઠોડ," સામેથી અવાજ આવ્યો. અવાજમાં નિંદ્રાનાં કોઈ અણસાર નહોતા. સ્વર હતો તો ફક્ત રમૂજ કે ટીખળનો. "આઈ વોઝ વેઈટિંગ ફોર યોર કૉલ."
"સર?" ઈ. રાઠોડને શું કહેવું તે સમજાઈ નહોતું રહ્યું. ઈ. ધવનને કઈ રીતે અંદાજો આવ્યો હશે કે હું તેમને કૉલ કરવાનો છું!!?
"કંઈ વાંધો નહીં… દેર આયે દુરસ્ત આયે…," અટ્ટહાસ્ય કરતાં કરતાં ઈ. ધવને આગળ વધાર્યું. "જો રાઠોડ મને ખબર છે તે કેમ કૉલ કર્યો છે. જરાય ચિંતા ન કરીશ. હું તારી મદદ કરવા આતુર છું. પણ યોગ્ય કિંમત સાથે."
"સર… આપ જે કિંમત કહેશો એ આપવા હું તૈયાર છું. બસ એકવાર…"
"આમ ઉતાવળો ન થઈશ," તેમના અવાજ પરથી સ્પષ્ટ હતું કે ઈ. ધવન ઈ. રાઠોડની આ પરિસ્થિતિનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યાં હતાં. "કાલે મળીયે. મારા ફાર્મહાઉસ પર. પટેલ લઈ જશે તને. સવારે દસ વાગતાં તૈયાર રહેજે."
ઈ. રાઠોડ આગળ કંઈ બોલે તે પહેલાં જ કૉલ કપાઈ ગયો.
***
સવારે દસ વાગતા ઈ. રાઠોડ તૈયાર થઈ પોતાના ફ્લેટ નીચે ઉભા હતાં. તેમનાં હાથમાં એક થેલો હતો. થોડીવારમાં એક કાર પૂરપાટ ઝડપે આવી તેમની પાસે ઉભી રહી. કાચ નીચે કરી પોતાનું હસતું મોં ઈ. રાઠોડને બતાવતાં સબ-ઈન્સ્પેકટર પટેલ બોલ્યાં,"પેશગી લાવ્યાં છો કે શું સર?"
"હમ્મ…" બીજા હાથની મુઠ્ઠી વાળતાં ઈ. રાઠોડે ધિક્કારભર્યા સ્વરે પ્રતિભાવ આપ્યો. "એક કરોડ છે. બીજા જોઈશે તો મળી જશે."
સબ-ઈન્સ્પેકટર પટેલે ઈ. રાઠોડને પાછળની સીટ પર ગોઠવાઈ જવા ઈશારો કર્યો. કાર ફરી પૂરપાટ ઝડપે હંકારી મૂકાઈ. ઈ. ધવનના ફાર્મ હાઉસ પર પહોંચતા લગભગ પોણા કલાક જેટલો સમય લાગ્યો. મુસાફરી દરમિયાન બંનેમાંથી કોઈએ એક પણ શબ્દો ઉચ્ચાર્યો નહીં. ફાર્મ હાઉસની બહાર પડેલ બીજી એક કારની બાજુમાં પોતાની કાર પાર્ક કરી સબ-ઈન્સ્પેકટર પટેલ અંદરની બાજું ચાલવા લાગ્યાં. આસપાસની પરિસ્થિતિનો તાળો મેળવતાં ઈ. રાઠોડ પણ સબ-ઈન્સ્પેકટર પટેલની પાછળ ચાલવા લાગ્યાં. થોડી જ પળોમાં તેઓ ફાર્મ હાઉસમાં પાછળની બાજુએ રહેલાં બગીચામાં પહોંચી ગયાં. બગીચામાં પાથરેલ લૉનની બરાબર વચ્ચે એક ટી-ટેબલની આસપાસ પાંચ ખુરશીઓ ગોઠવેલી હતી. ટેબલ પર કપ-રકાબી અને કીટલી ગોઠવેલા હતાં. એક ખુરશી પર ટટ્ટાર થઈ બેઠેલાં ઈ. ધવન પોતાના હાથમાં રહેલ કપમાંથી ચાની ચૂસકીઓ ભરી રહ્યાં હતાં. તેમની ડાબી બાજુ એક પુરુષ અને એક સ્ત્રી બેઠા હતા. તે પુરુષ પણ ચાની મજા લઈ રહ્યો હતો જ્યારે તે સ્ત્રી એવી તે વિચારમગ્ન હતી કે શારીરિક રીતે તે જગ્યાએ હોવા છતાં માનસિક રીતે ગેરહાજર હોય તેમ પ્રતીત થતું હતું. સબ-ઈન્સ્પેકટર પટેલ ઈ. ધવનની જમણી બાજુની ખુરશીમાં ગોઠવાયા અને એક કપ લઈ તેમાં ચા રેડવાં મંડ્યા. પોતાના હાથમાં રહેલો થેલો ઈ. ધવનની ખુરશીની બાજુમાં મૂકી, ઈ. રાઠોડ ઈ. ધવનની બરાબર સામે રહેલ એકમાત્ર ખાલી ખુરશીમાં બેસ્યાં. તેમને અજાણ્યાં બે વ્યક્તિ તરફ નજર ફેરવી. તે વ્યક્તિઓનાં ચેહરા કંઈક અંશે પરિચિત લાગતાં હતાં.
"ચા લઈશ રાઠોડ?"
"ના," ઈ. રાઠોડે પોતાના ચહેરા પર અણગમો છતો ન થાય એ રીતે કહ્યું. "આપણે સીધાં મુદ્દા પર આવીશું તો મને ગમશે."
"ભલે," ઈ. ધવને હસતાં હસતાં જવાબ આપ્યો. "કેટલી રકમ છે પેશગીની?"
"એક કરોડ છે સરકાર," સબ-ઈન્સ્પેકટર પટેલે કહ્યું. તેનાં અવાજમાં લાલચ છલકાતી હતી.
"સારું," ઈ. ધવને કહ્યું. "આટલામાં તો ફક્ત કેસની સમરી મળશે."
"આપ કિંમત કહો," ઈ. રાઠોડે ટટ્ટાર થતાં કહ્યું. "આઈ કેન અરેન્જ!"
"કિંમત તો તારી ડિમાન્ડ પર નક્કી થશે," ઈ. ધવને કોઈ સોદાગરની માફક ભાવતાલ કરવાં માંડ્યું. "હાલ તો તને તારા એક કરોડના તોલ બરાબર માહિતી આપી દઉં. તો સાંભળ…
મારા સમયગાળા વખતે થયેલ હત્યા એક સામાન્ય વ્યક્તિની હતી. હિરેન ચૌરસીયા નામ હતું. ગુપ્ત સૂત્રો એમ કહે છે કે કોઈ મીડિયા હાઉસનો ખબરી હતો. પણ આ બાબતની કોઈ પુષ્ટતા થઈ શકી નથી. આઈ ગૅસ ધેટ બ્લડી મેન ન્યુ સમથિંગ વેરી અગલી અબાઉટ સમવન વેરી ડેન્જરસ. હત્યા કોણે કરી? કયાં કારણે કરી? મને કંઈ ખબર નથી. પણ જેમ મીડિયા કહે છે તેમ દ્રૌપદીએ કરી તેમ આપણે માન્ય રાખીયે. અરે હા… આ બન્નેને ઓળખ્યા કે નહીં, રાઠોડ?"
ઈ. રાઠોડે અસમંજસ સાથે તે અજાણ્યા પુરુષ અને સ્ત્રી સામે જોયું. પુરુષે નકલી સ્મિત વેર્યું, પણ સ્ત્રી તો તેની અલગ દુનિયામાં જ હતી.
"મિ. ઍન્ડ મિસિસ ચૌધરી," ઈ. ધવને હાથ લંબાવી કહ્યું. "ધી વિટનેસીઝ!"
ઈ. રાઠોડનાં મોં પરથી રંગ ઉડી ગયો. જરૂર સબ-ઈન્સ્પેકટર પટેલ જ તે બન્નેને ઈ. ધવન પાસે લાવ્યો હશે. નિમિષાબેન તો ઠીક પણ તેમનાં પતિને આટલા સહજ જોઈ ઈ. રાઠોડને દાળમાં કશુંક કાળું લાગ્યું.
"વેલ! હત્યાનાં સમયે નિમિષા ત્યાં જ હતી, દ્રૌપદી પાસે," ઈ. ધવને હસતાં હસતાં કહ્યું. ઈ. રાઠોડનાં ચહેરા પર ઉદભવતી અસમંજસતાનો તેઓ પૂરો આનંદ ઉઠાવી રહ્યાં હતાં. "પછી તો ચિલાચાલુ કહાણી છે. દ્રૌપદીથી ડરીને નિમિષા દોડીને ઘરે ગઈ. અમિતને બધી વાત કરી. અમિતે પોલીસને ફોન કર્યો… વગેરે… વગેરે…"
"આ બધી વિગતોથી હું વાકેફ છું," ઈ. રાઠોડે કહ્યું. "મારે ઊંડાણપૂર્વક જાણવું છે."
"જો રાઠોડ… એક કરોડમાં તો આટલું જ મળે."
"તમે કિંમતની ચિંતા ન કરશો. ખાલી રકમ બોલો."
"તું સવાલ બોલ… હું રકમ બોલીશ."
"હથિયાર ક્યાં છે? તમારા કે ક્રાઇમ બ્રાન્ચનાં એકપણ રેકોર્ડમાં હથિયાર મળ્યાનો ઉલ્લેખ નથી. ભલે તમે ખૂનીને ન શોધી શક્યાં. પણ હથિયાર મળશે તો ખૂની મળી જ જશે. મને ખબર છે કે હથિયાર પાછળ તમે મહેનત કરી જ હશે."
"હમ્મ… દસ કરોડ… તારા આ સવાલનો જવાબ દસ કરોડમાં મળશે."
"ડન. મને હથિયારનો પતો મેળવી આપો, તમને દસ કરોડ મળી જશે."
"અરે વાહ! જોયું પટેલ… પાર્ટી મોટી છે. પૈસા બાબતે કોઈ ભાવતાલ જ નહીં," ઈ. ધવને કટાક્ષ કર્યો. જવાબમાં સબ-ઈન્સ્પેકટર પટેલ પણ ખંધુ હસ્યાં એટલે ઈ. ધવને વાત આગળ વધારી. "હા તો, રાઠોડ. હથિયાર એક ખંજર હતું. લીડ છે મારી પાસે. હથિયાર પણ મળી શકે છે. શું છે… આમ હાથવેંતમાં છે. પણ એક પ્રશ્ન છે મારો. તને શું લાગે છે હથિયાર મળશે તો કેસ સોલ્વ થઈ જશે?"
"એક કદમ આગળ તો વધાશે જ," ઈ. રાઠોડે દાઢી પર હાથ ફેરવતાં કહ્યું. "સોલ્વ કરવા તો ખૂની શોધવો પડશે."
"ચાલ, હું ખૂની ય શોધી આપું. પણ તેની કિંમત અલગ હશે."
"બોલો," ઈ. રાઠોડે એકદમ અવિશ્વાસથી જ કહ્યું.
"એમ નહીં. પહેલાં એ જાણવું છે મારે કે આ કેસ સોલ્વ થઈ જાય તો તારી બદલી અટકશે ખરી? શું સેટિંગ છે?"
"કદાચ અટકી જશે," ઈ. રાઠોડે મક્કમતાથી કહ્યું. હકીકતમાં તેમની નોકરી રહેશે કે કેમ તે પણ એક સવાલ હતો. આમ છતાં ઈ. ધવનની ઑફર સાંભળવામાં તેમને વધુ રસ હતો.
"સારું. એક નવી ઑફર. દસ કરોડ તો લઈશ જ. પણ એના ઉપર નવરંગપુરા વિસ્તારમાંથી જેટલી આવક કરે છે ને તું, તેનો અડધો હિસ્સો મારો. બોલ… છે મંજુર?"
ઈ. રાઠોડ કઇ પણ બોલ્યાં વિના ઈ. ધવન તરફ તાકી રહ્યાં. તેમની આંખોમાંથી ગુસ્સો છલકાતો હતો. તેઓ લાચાર થઈ બસ ખેલ જોઈ રહ્યાં હતાં.
"બહું ના વિચારીશ, રાઠોડ. આવો સારો વિસ્તાર ફરી નહીં મળે. પાછું આ વિસ્તારની અડધી માસિક આવક પણ બીજા ઘણાં વિસ્તારો કરતાં ઉંચી છે. ડીલ ખોટી નથી. અને નોકરીનો ય સવાલ છે. શોધવો છે કે નહીં ખૂનીને?"
ક્ષણભર મૌન રહી, કમને જ ઈ. રાઠોડે હકારમાં માથું ધુણાવ્યું.
"પટેલ, કાઢ ખંજર," ઈ. ધવને કહ્યું.
ઈ. ધવને આદેશ આપતાં જ સબ-ઈન્સ્પેકટર પટેલે ટેબલ નીચે પડેલાં થેલામાંથી એક ખંજર કાઢી ટેબલ પર મૂક્યું. એ ખંજર પર સુકાયેલું લોહી ચોટયું હતું. ખંજર પર નજર પડતાં અત્યાર સુધી સ્તબ્ધ રહેલાં નિમિષાબેન અચાનક જ બબડવા લાગ્યાં.
"દ્રૌ… દ્રૌપદી… અમિત… આ…"
"શાંત થઈ જા, નિમિષા," અમિતભાઈએ નિમિષાબેનને પંપાળતા કહ્યું.
ઈ. રાઠોડ ખંજર ઉપાડવા જ જતાં હતાં કે ઈ. ધવને રૂમાલથી પકડી ખંજર પોતાનાં હાથમાં લઈ લીધું. પોતાનાં ખિસ્સામાંથી કોઈ પ્રવાહીની શીશી કાઢી, તે પ્રવાહી ખંજરનાં હાથા પર રેડી ઈ. ધવને હાથાને રૂમાલથી બરાબર સાફ કરવા માંડ્યો.
"જો રાઠોડ… તારો ખૂની મળી ગયો," આટલું કહીં અટ્ટહાસ્ય કરતાં ઈ. ધવને ખંજરનો તીક્ષ્ણ ભાગ નિમિષાબેન તરફ તાક્યો. "શી ઈઝ દ્રૌપદી. તેનાં ફિંગરપ્રિન્ટ્સ આ હાથા પર લઈને ચાલાકીથી આ ખંજર નવરંગ સર્કલ આસપાસ ક્યાંક ફેંકી દે. પછી જાતે જ શોધીને ફોરેન્સિકમાં આપી દેજે. નિમિષા આમ ય ગાંડી છે. આસાનીથી બન્ને ખૂન સાબિત થઈ જશે અને તારો પ્રશ્ન પણ સોલ્વ. બોલ છે ને હટકે આઇડિયા?"
સ્તબ્ધ થઈ ગયેલા ઈ. રાઠોડે નિમિષાબેન તરફ નજર કરી. તે જાણતાં હતાં કે નિમિષાબેન ખૂની નથી. ઈ. ધવન પોતાની મેલી મુરાદ પૂરી કરવા ફરી એકવાર નિમિષાબેનને ફસાવી રહ્યાં છે. જેવી તેમને પોતાની નજર અમિતભાઈ તરફ ફેરવી કે તેઓ સમજી ગયાં કે ખેલ કોઈ મોટો છે. પોતાની પત્નિને બચાવવાનો પ્રયત્ન કરવા કે ઈ. ધવન પર ગુસ્સે થવાના બદલે અમિતભાઈ પણ ઈ. ધવન અને સબ-ઈન્સ્પેકટર પટેલની માફક હસી રહ્યાં હતાં.
"સામે શું જુઓ છો, સાહેબ?" અમિતભાઈએ હસતાં હસતાં કહ્યું. "આ તમે જે કરોડોનાં સોદા કરો છો ને… તેમાં પાંચ ટકા ભાગ મારો ય છે."
"ચૌધરી… ચલાવ તારો જાદુ," ઈ. ધવને ખંજર ટેબલ પર ફેંક્યું. નિમિષાબેન ચમકીને ઉભા થઈ ગયાં.
"નિમિષા… બેસી જા, બકા," અમિતભાઈએ જૂઠી પ્રેમ લાગણી સાથે કહ્યું. નિમિષાબેન તરત જ બેસી ગયા. "દ્રૌપદી મળી ગઈ છે. તને ખબર છે કોણ છે?"
"ક… કોણ?" નિમિષાબેનનો અવાજ ડરથી ધ્રુજી રહ્યો હતો.
"તું," એકદમ જોરથી અમિતભાઈએ બૂમ પાડી અને ડરી ગયેલા નિમિષાબેન સ્તબ્ધ થઈ અમિતભાઈ તરફ જોઈ રહ્યાં. "હા… તું. તું જ છે દ્રૌપદી, નિમિષા. તે જ કર્યા છે આ બધા ખૂન. તેં જ રહેંસી નાંખ્યા છે નિર્દોષ લોકોને. જો… આ ખંજરથી. યાદ કર."
"મેં… હા મેં," નિમિષાબેન ચોધાર આંસુએ રડવા લાગ્યાં. "મેં મારી નાંખ્યા બધાને. કેમ? હે ઈશ્વર… કેમ!"
"આ શું થઈ રહ્યું છે?" ઈ. રાઠોડ ગુસ્સાથી લાલચોળ થઈ ગયાં હતાં. "નાટક કરો છો? મને ફસાવવા માંગો છો? કાલે ફરી જશે આ લેડી."
"ડોન્ટ વરી, રાઠોડ," ઈ. ધવને એકદમ બેફિકરાઈથી કહ્યું. "શી વૉન્ટ. શી કાન્ટ. તું જાણે છે નિમિષાને માનસિક બીમારી છે. તેનાં માટે સત્ય એટલું જ છે જેટલું અમિત કહે છે. વિચારવાની ક્ષમતા ગુમાવી બેઠી છે નિમિષા."
"હું કંઈ રીતે વિશ્વાસ કરું આ વાતનો?" ઈ. રાઠોડ વારાફરતી બધાનાં ચેહરા જોઈ રહ્યાં હતાં. ત્યાં બેઠેલા દરેક વ્યક્તિનાં મગજમાં શું ચાલી રહ્યું છે તેનો તાળો મેળવવા મથી રહ્યાં હતાં.
"અરે પહેલી વાર પણ આવું જ…," ટેબલ નીચેથી ઈ. ધવનનો પગ અડકતા અમિતભાઈ અડધેથી જ અટકી ગયા.
ઈ. રાઠોડનાં મગજમાં હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. ધવન, પટેલ અને ચૌધરીની ત્રિપુટીએ કેસને અવળે રવાડે ચડાવ્યો હતો. શક્યતઃ એમણે જ હિરેન ચૌરસીયાની હત્યા પણ કરી હોય. વાતાવરણમાં ગંભીરતા છવાઈ ગઈ હતી. અમિતભાઈએ કરેલી ભૂલનો ખ્યાલ એ ત્રણેય લોકોને આવી ગયો હતો. તેઓ સુન્ન થઈ એકબીજાની સામે જોઈ રહ્યાં હતાં.
ઈ. રાઠોડને ખબર હતી કે આવો મોકો ફરી નહીં મળે. તેમની સામે પડેલાં ખંજરને ઉઠાવી, ચિત્તાની ઝડપે ખંજર ઈ. ધવનના ગળામાં ભોંકી દીધું. ટેબલ નીચે પડેલાં થેલામાંથી પિસ્તોલ કાઢવા નીચે નમેલા સબ-ઈન્સ્પેકટર પટેલ પિસ્તોલ તાકી શકે તે પહેલાં જ તેમનાં ગળા પર ખંજરનો ઘા થયો. પોતાના સાથીઓને અચાનક જ ઢેર થયેલ જોઈ ડઘાઈ ગયેલાં અમિતભાઈ દોડવા જતાં હતાં કે ઉતાવળમાં ખુરશી સાથે પગ અથડાતાં ગોથું ખાઈ નીચે પડી ગયાં. ઈ. રાઠોડે વાયુવેગે ઊભાં થઈ, અમિતભાઈની પીઠ પર પગ રાખ્યો અને ખંજરની અણી તેમનાં ગળા પર રાખતાં બોલ્યાં, "આટલી શું ઉતાવળ છે, ચૌધરી? હજું તો તારું કામ બાકી છે. કોઈપણ જાતની ચાલાકી વગર ઊભો થઈ જા ચાલ."
ઈ. રાઠોડે પોતાનો પગ ખસેડયો એટલે અમિતભાઈ ધીમે ધીમે ઉભા થયાં.
"સર… જવા દો મને," અમિતભાઈ બન્ને હાથ જોડી આજીજી કરવાં લાગ્યાં. ક્ષણભર પહેલાં અટ્ટહાસ્ય કરી રહેલાં અમિતભાઈની આંખોમાંથી હવે અશ્રુધારા વહી રહી હતી. "હું… હું… કોઈને કંઈ નહીં કહું. તમે કહેશો એમ કરીશ. પ્લીઝ જવા દો મને. મારે એક રૂપિયો ય નથી જોઈતો. મને જીવતો છોડી દો. જિંદગીભર તમારી ગુલામી કરીશ, સાહેબ. મને ન મારશો. આ મારી પત્નિ સામે જોઈ થોડી દયા કરો, સાહેબ."
"વાહ! હવે કેવી પત્નિ યાદ આવે છે નહીં!" ઈ. રાઠોડે કટાક્ષ કર્યો. "તારે તો છુટકારો જોઈ તો હતો ને આ સ્ત્રીથી. ચિંતા ન કરીશ. છોડવવાનો જ છું તને."
"સાહેબ… સાહેબ… હું કંઈ સમજ્યો નહીં. માફ કરી દો મને. હું આ લોકોએ દેખાડેલાં સપનાઓમાં આંધળો થઈ ગયો હતો. માફ કરી દો. હું પગે પડું છું તમારા."
"વિચારીશ," ઈ. રાઠોડનાં અવાજમાં કોઈ દયાભાવ નહોતો. "પહેલાં તું મને એ જણાવ કે ચૌરસિયાની હત્યા કોણે કરી હતી? સીસીટીવી ફૂટેજમાં જે દ્રૌપદી દેખાઈ તે કોણ હતી? તારું જીવન આ પ્રશ્ન પર નભે છે, ચૌધરી. જો ખોટું બોલ્યો તો…"
"ના… ના… સાહેબ. તમારી સામે ખોટું બોલીને મરવું છે મારે! એ ખૂન તો આ… આ… હરામખોરો ધવન અને પટેલે કર્યું હતું. હું તો ત્યાં હાજર ય નહોતો. આ તો નિમિષા જોઈ ગઈ એટલે… અને એ દ્રૌપદી… ત્યાં કોઈ દ્રૌપદી હતી જ નહીં… એ તો પાછળથી બીજા દિવસે કોઈ છોકરીને લાવીને સીસીટીવી ફૂટેજ બનાવી હતી. લાશ તો આમ પણ સીસીટીવીમાં ઓળખી શકાય નહીં એટલે એડીટિંગથી ખાલી તારીખ અને સમય બદલી નાંખ્યા. સીસીટીવી ફૂટેજમાં પડેલી લાશ તો હું જ હતો સાહેબ. પટેલે ધ્યાન રાખ્યું હતું કે કોઈ એ વિસ્તારમાં આવી ન ચડે એટલે ફૂટેજ આસાનીથી બની ગઈ હતી. એ છોકરીને પછી ગાયબ કરી દીધી હતી. ક્યાં એ હું નથી જાણતો…"
"એટલે તે પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો એમને! પણ મને એક વાત ન સમજાઈ. આ લોકોએ તને અને તારી પત્નિને પતાવી કેમ ન દીધાં!?"
"એ તો… એ તો એમનાં બોસે ના પાડી હતી. પાછો આ કેસ ક્યારેય ઉકેલાય નહીં તેનો પણ તેમનાં બોસ ખ્યાલ રાખતાં હતાં. શરૂઆતમાં અમને રસ્તામાંથી હટાવવાનો જ મુસદ્દો ઘડ્યો હતો તેમને. પણ જ્યારે તેઓને નિમિષાની હાલત વિશે ખબર પડી ત્યારે તેઓ મારી પાસે એક ઓફર લઈને આવ્યાં. દ્રૌપદી ત્યારથી જ…"
"તે સ્વીકારી લીધી ઓફર એમને! કોણ છે તમારો બોસ!?"
"સાહેબ… સાહેબ… જવા દો પ્લીઝ. એ કહી દઈશ તો તે મને જીવતો નહીં છોડે."
"નહીં બોલે તો હું જીવતો નહીં છોડું."
"આપણાં ગૃહમંત્રી," આસપાસ કોઈ સાંભળી ન લે તેવી રીતે ધીમેથી અમિતભાઈએ કહ્યું. "મિસ્ટર મહેતાં."
"હા… હા… હા…," ઈ. રાઠોડનું અટ્ટહાસ્ય ગુંજી ઉઠ્યું. અમિતભાઈ ડરથી થથરી રહ્યાં હતાં. જો કે કઈ બન્યું જ ન હોય તેમ નિમષાબેન હજુ પણ 'હું દ્રૌપદી… મેં કર્યા છે બન્ને ખૂન'નું રટણ કરી રહ્યાં હતાં.
"ચાલ," ઈ. રાઠોડે હળવેથી ખંજર અમિતભાઈનાં ગાલ પર અડાડયું. "એક છેલ્લું કામ કર. પછી મુક્ત કરી દઈશ તને."
"શું?"
"તારી પત્નિનાં મગજમાં ઠસાવી દે કે આ પાંચ ખૂન તેણે જ કર્યા છે. આટલું કર એટલે તું છુટ્ટો. મારાથી પણ અને તારી પત્નિથી પણ!"
"સારું સાહેબ," અમિતભાઈ પડતાં-અથડાતાં નિમષાબેન સુધી પહોંચ્યા.
"નિમિષા," અમિતભાઈએ નિમિષાબેનને પંપાળતા પંપાળતા કહ્યું. "આ શું કર્યું તે?"
તેમનો અવાજ ધીમેધીમે મોટો થવા લાગ્યો. "પાંચ ખૂન કર્યા તે… પાંચ? હા.. તે જ કર્યા છે… તે જ. ખૂની છે તું નિમિષા… ખૂની. સ્વીકારી લે!"
"હા… હા… મેં જ કર્યા છે આ ખૂન," નિમિષાબેનની આંખોમાંથી આસું વહી રહ્યાં હતાં. તેઓ બરાડા પાડીને અમિતભાઈના શબ્દો દોહરાવી રહ્યાં હતાં. "મેં જ માર્યા છે આ પાંચ લોકોને!"
"એક મિનિટ," અમિતભાઈને અચાનક કંઈક અજુગતું લાગ્યું. અંદરખાને તેમને હકીકતનો અહેસાસ થઈ ગયો હોય તેમ તેઓ થથરી રહ્યાં હતાં. "સાહેબ… સાહેબ… આ પાંચમું ખૂન કયું? ખૂન તો ચાર જ થયાં છે ને?"
"પાંચમો તું…"
આંખનાં પલકારામાં ઈ. રાઠોડનાં હાથમાં રહેલું ખંજર અમિતભાઈના ગળામાં ભોંકાયું. ડઘાઈ ગયેલાં નિમિષાબેન આક્રંદ કરવાં લાગ્યાં. ટેબલ પર પડેલ પ્રવાહીની શીશી લઇ, રૂમાલથી ખંજરની ધાર પકડી, ઈ. રાઠોડે ખંજરનાં હાથા પરથી ફિંગરપ્રિન્ટ દૂર કરવા માંડી. હાથો બરાબર સાફ કર્યા બાદ ઈ. રાઠોડે ખંજર નિમિષાબેન પાસે જમીન પર ફેંક્યું અને આદેશભર્યા સ્વરે કહ્યું.
"દ્રૌપદી… રડે છે શું? આ રહ્યું તારું હથિયાર અને આ રહ્યાં તારા શિકાર. ઉપાડ ખંજર અને કરી દે બધાનાં શરીર પર સોળ-સોળ ઘા. રંગી દે તારા વાળ તારા શિકારોનાં ખૂનથી!"
વશીકરણનો ભોગ બન્યાં હોય તેમ નિમિષાબેન આદેશ મળતાં અચાનક જ ચૂપ થઈ ગયાં. અચાનક જ મૃત શરીરમાં જીવનનો સંચાર થયો હોય તેમ ચિલઝડપે ખંજર પકડી નિમિષાબેન ઉભા થયાં અને પોતાનાં શિકાર તરફ આગળ વધ્યા.
***
વાતને બે દિવસ વીતી ગયાં હતાં. પોતાનાં સાહસની એક કાલ્પનિક કથા ઉભી કરી ઈ. રાઠોડ મીડિયા સમક્ષ હીરો બની ગયાં હતાં. તેમને એક દિલધડક કહાની ઉભી કરી બધા જ ખૂનનો દોષ નિમિષાબેન પર ઢોળી દીધો હતો. પુરાવાઓ પણ નિમિષાબેન તરફ આંગળી ચીંધતા હતાં. ત્યાં સુધી કે નિમિષાબેન પણ ખૂનની જવાબદારી સ્વિકારી ચૂક્યાં હતાં. જો કે ગૃહમંત્રી મિ. મહેતાનું નામ કોઈ જગ્યાએ ઉછળ્યું નહોતું. આ ઉપરાંત કેસ સોલ્વ થઈ ગયો હોવા છતાં ઈ. રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.
સંધ્યા સમય હતો. આછો પાતળો અંધકાર દિવસને ગળી રહ્યો હતો. એક અવાવરું જગ્યાએ પોતાની ગાડી પાર્ક કરી, બોનેટ પર બેઠાં-બેઠાં ઈ. રાઠોડ સિગાર ફૂંકી રહ્યાં હતાં. થોડી વારમાં એક ગાડી તેમની પાસે આવીને ઉભી રહી એટલે ઈ. રાઠોડ કૂદીને બોનેટ પરથી ઉતર્યા અને સિગાર જમીન પર ફેંકી પગથી કચડી નાંખી.
"યુ આર અર્લી, રાઠોડ," મિ. મહેતાએ ગાડીમાંથી ઉતરતાં કહ્યું. મિ. મહેતાં પોતે જ ગાડી હંકારીને આવ્યાં હતાં એટલે મતલબ સાફ હતો કે મિટિંગ ખૂફિયા હતી. "મેં તને કોઈ હથિયાર લાવ્યાં વિના મળવાનું કહ્યું હતું."
"તમારી સૂચનાનું ચુસ્ત પાલન કર્યું છે, સર," ઈ. રાઠોડે કહ્યું. "હું કંઈ ધવન જેવો મૂર્ખ નથી કે તમારી સાથે દુશ્મની કરું."
"સ્માર્ટ બૉય," મિ. મહેતાએ હસતાં હસતાં કહ્યું. "બહું આગળ જઈશ. હવે દ્રૌપદી આવી જાય એટલે વ્યવહાર પતાવીએ."
"સર, મારી ક્રાઇમ બ્રાન્ચમાં બદલી…"
"થઈ જશે, રાઠોડ. ધીરજ રાખ. થોડો સમય વાતાવરણ ઠંડુ પડવા દે."
ઈ. રાઠોડ અને મિ. મહેતા વચ્ચે વાતચીત ચાલી જ રહી હતી ત્યારે દૂરથી પૂરપાટ ઝડપે આવતી એક ગાડી તેમની નજીક આવી ઉભી રહી.
"આવી ગઈ આપણી દ્રૌપદી," આટલું કહીં મિ. મહેતાએ પોતાની ગાડીમાંથી બે થેલા નીકાળ્યાં.
મિસ શ્રીવાસ્તવે ગાડીમાંથી ઉતરી મિ. મહેતાને નમસ્કાર કર્યા.
"સરસ. લોકશાહીનો ચોથી સ્તંભ આવી ગયો," ઈ. રાઠોડ બોલ્યાં.
"રંજ ન રાખશો, રાઠોડ," મિસ શ્રીવાસ્તવે કહ્યું. "તમને જનતાની નજરમાં હીરો બનાવવાના અલગથી પૈસા નહીં લઉં."
મિ. મહેતાએ એક-એક થેલો ઈ. રાઠોડ અને મિસ શ્રીવાસ્તવ તરફ ફેંક્યો જે તેમણે હવામાં જ પકડી પડ્યો.
"ડીલ પુરી થઈ," મિ. મહેતાએ સત્તાભર્યા સ્વરે કહ્યું. "તમારા બેમાંથી કોઈને પણ જો મને ડબલ ક્રોસ કરવાનો વિચાર સુધ્ધાં આવે તો પહેલાં તમારા પરિણામ વિશે વિચારી લેજો. ડબલ ક્રોસ માટે માફ તો મેં મારા જમાઈને પણ નથી કર્યો. સાલો, મને બ્લેકમેઇલ કરતો હતો. થૂં!"
"હું આ ઘટનાને ભૂલી ચૂકી છું," મિસ શ્રીવાસ્તવે મક્કમતાથી કહ્યું. "મને કોઈ ખોટો રસ્તો પસંદ નથી. પણ મારા પ્રેમી હિરેનનો બદલો લેવા મારી પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો. ઈ. ધવન જેવા હત્યારાને મારવામાં ભાગીદાર થવાનો મને કોઈ રંજ નથી. જો કે એક વાતનો પસ્તાવો મને આખી જિંદગી રહેશે. ભલે ઈ. રાઠોડે તમારા જમાઈનું ખૂન કર્યું, પણ તેનાં લહુથી મારે પણ વાળ ખરડવા પડ્યાં હતાં. પણ તમે ચિંતા ન કરતાં, મિ. મહેતા. આ બાબત ક્યારેય સામે નહીં આવે. પણ મારું એટલું માન રાખજો કે ફરીવાર કોઈ ષડયંત્રમાં મારે સામેલ ન થવું પડે."
"ઠીક છે," મિ. મહેતાએ શાંતિથી કહ્યું. "આપણાં વચ્ચે આ અંડરસ્ટેન્ડિંગ કાયમ રહેશે. તું જઇ શકે છે."
મિસ શ્રીવાસ્તવે પોતાની ગાડીની પાછળની સીટમાં થેલો ફેંકી દીધો. બે જ ક્ષણમાં ધૂળ ઉડાડતી ગાડી હાઈ-વે તરફ ચાલી ગઈ. જ્યાં સુધી ગાડી અદ્રશ્ય ન થઈ ત્યાં સુધી મિ. મહેતા ગાડી સામે જોઈ રહ્યાં. જ્યારે તેમનું ધ્યાન હટયું ત્યારે ઈ. રાઠોડની નજરનાં વજનનો તેમને અહેસાસ થયો.
"ટગર ટગર શું જોવે છે, રાઠોડ?" મિ. મહેતાએ ગાડીનો દરવાજો ખોલતાં પૂછ્યું.
"એ જ કે આ છોકરીને નથી ખબર કે હિરેનને તમે જ…"
"ખબર પડવી પણ ન જોઈએ," ઈ. રાઠોડને આદેશ ફરમાવતા મિ. મહેતા ગાડીમાં બેસી ગયાં અને થોડી જ ક્ષણોમાં ગાડી હંકારી મૂકી.
હસતાં હસતાં ઈ. રાઠોડે પોતાનાં હાથમાં રહેલો થેલો ગાડીના બોનેટ પર ફેંક્યો. થેલાની ચેઇન ખોલી અંદર રહેલી કડક નોટોના નજારાથી ઈ. રાઠોડનાં આંખોમાં એક નવી ચમક આવી. પોતાનાં ખિસ્સામાંથી સિગાર અને લાઈટર નીકાળી, સિગારમાંથી ધ્રુમસેર પ્રસરાવતા તેઓ પૈસા ગણવામાં મશગુલ થઈ ગયાં. તેમની સિગારમાંથી નીકળેલી ધૂમ્રસેર અનેક રહસ્યોની જેમ હવામાં ઓગળી ગઈ.
