વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રક્ષાબંધન

 

વિદિશને તહેવારો જરાય ગમતા નહોતાં. તહેવારો ઊજવવા માટે ઘરમાં કોઈ સભ્ય જ નહોતું. આશરે એક વર્ષ પહેલાં એક ગંભીર અકસ્માતમાં તે પોતાના માતા-પિતા અને લાડકી બહેનને ગુમાવી બેઠો હતો. ત્યારથી જ દરેક તહેવાર તેને વીંછીના ડંખની માફક ખુંચતાં! દર તહેવારે તે પોતાની જાતને વ્યસ્ત રાખવા માટે ઑફિસે જતો રહેતો.

આજે રક્ષાબંધનનો તહેવાર હતો. વિદિશનું હૃદય સાવ ભાંગી પડ્યું હતું. આગલી રક્ષાબંધને તેના કાંડા પર રાખડી બાંધીને, તેની રક્ષાનું વચન આપીને અચાનકજ ગાયબ થઈ ગયેલી તેની લાડકી બહેન તેને ક્યાંય નજરે ચડતી નહોતી. અચાનકજ આગલા રક્ષાબંધનની દરેક સ્મૃતિઓ તેની આંખો આગળ તરવા લાગી. આ હળવાફૂલ જેવી સ્મૃતિઓનો ભાર તેના હૃદયને હિમાલય જેવડો લાગતો હતો! અંતે તેની નજર દીવાલ પર લટકાવેલી જાણીતા ચહેરાઓની છબીઓ પર સ્થિર થઈ. તેમાં તેની બહેનનો ચહેરો જોઈને તેની આંખોમાંથી શ્રાવણ વહેવાં લાગ્યો.

આ અસહ્ય દુઃખથી દૂર થવા માટે, તે પોતાનું બેગ ખંભે ટાંગીને, હરવખતની જેમ ઑફિસે જવા નીકળી પડ્યો. વિચારમગ્ન અવસ્થામાં તે પોતાનું બાઇક હાઇવે પર ચલાવી રહ્યો હતો. અચાનકજ તેની નજર રસ્તાની સામેની બાજુએ રાખડી વેચતી એક નાની છોકરી પર પડી. તેણે એકદમથી બાઈકને બ્રેક મારી. તેનું દુઃખી મન અને સુનું કાંડુ તે રંગબેરંગી રાખડીઓ તરફ આકર્ષાયા. તે રોંગ સાઈડમાં બાઇક ચલાવી, પેલી રાખડીઓ વેચતી નાની છોકરી પાસે ગયો.

વિદિશ રાખડીઓને એકીટશે જોઈ રહ્યો હતો. તેને રાખડીઓ તરફ જોતાં જોઈને, પેલી છોકરીએ વિદિશને સ્મિત સાથે પૂછ્યું, "બાબુજી, કૌન સી ચાહીયે?"
"યે લાલ વાલી કા ક્યા હૈ?" વિદિશે એક રાખડી તરફ આંગળી ચીંધતા કહ્યું.
"યે લાલ વાલી કે... ઈસકે સિર્ફ પચાસ રૂપિયે હૈ બાબુજી."
"પચાસ રૂપિયે... સિર્ફ એક રાખી કે! યે તો બડી મહેંગી હૈ. ઐસા ક્યા હૈ ઈસ રાખી મેં?" પોતાની જિંદગીમાં પહેલી વખત રાખડી ખરીદતા વિદિશે આશ્ચર્યભાવ પ્રગટ કરતાં પુછ્યું.
"અરે બાબુજી... યે સિર્ફ ધાગા નહીં હૈ. યે રક્ષા કવચ હૈ. કહતે હૈ, યે ઉમ્ર બઢા દેતી હૈ." છોકરીએ રાખડી વિશે ચોખવટ કરી.
"અચ્છા... તો એક લાલ વાલી દે દો." છોકરીના તર્ક સામે હારીને, વિદિશે તેનાં પાકીટમાંથી એક પચાસ ની નોટ છોકરીને આપતાં કહ્યું.
"તુમ આજ કિસી કો રાખી નહીં બાંધોગી?" વિદિશે પુછ્યું.
"મેરા ઈસ દુનિયા મેં કોઈ નહીં હૈ બાબુજી." આટલું કહીને એ નાની છોકરી પચાસની નોટને બીજા પૈસાની સાથે ગોઠવવામાં વ્યસ્ત થઈ ગઈ.

વિદિશ શર્ટનાં ખીસ્સામાં રાખડી મુકીને કંઇક વિચારતાં વિચારતાં પોતાની બાઇક પર બેઠો. તે રોંગ સાઈડમાંથી પોતાની સાઈડ તરફ બાઇકને લઈ જતો હતો, ત્યાં પૂર ઝડપે દોડતી એક કાર તેની બાઇક સાથે જોરથી અથડાઈ. વિદિશ ઉલળીને દૂર પડયો. પછડાટનાં કારણે તેના શરીરને ખૂબ જ ઈજા પહોંચી. હેલ્મેટ ના હોવાનાં કારણે તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું. ધીમેધીમે તેની આંખો સામે અંધારા આવવા લાગ્યાં. તેનાં ધબકારા શાંત પડવા લાગ્યાં અને શરીર ઠંડું પડવા લાગ્યું. તેનાં શરીરમાંથી ઘણું બધું લોહી વહી ચૂક્યું હતું. અચાનકજ તેની આંખો સમક્ષ તેની જિંદગીની દરેક સ્મૃતિઓ તરવા લાગી.

ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું. વિદિશ લોકોનાં અવાજ ને માંડ માંડ સાંભળી શકતો હતો. તે બેહોશ થવાની તૈયારીમાં જ હતો, ત્યાં તેને પોતાના કાંડા પર કોઈ નાની આંગળીઓના સ્પર્શનો આભાસ થયો. તેને લાગ્યું કે કોઈ તેના કાંડા પર પર કંઈક બાંધી રહ્યું છે. ત્યાર બાદ અમુક ક્ષણોમાં તે બેહોશીમાં સરી પડ્યો.

વિદિશે આંખો ખોલીને જોયું તો તે કોઈક હોસ્પિટલમાં શ્વાસ લઈ રહ્યો હતો. વિદિશને ભાનમાં આવેલો જોઈને બાજુમાં ઊભેલા ડૉક્ટરે વિદિશને કહ્યું,"ઇટ્સ અ મિરેકલ! ટ્રુ મિરેકલ! આટલી મોટી ઈજા પછી પણ તમે તરત જ હોંશમાં આવી ગયા, જરૂર કોઈ દૈવીય શક્તિ તમારી રક્ષા કરી રહી છે." વિદિશે તેના કાંડા પર નજર ફેરવી. ત્યાં રાખડી બાંધેલી જોઇને તેની નજર કોઈકને આસપાસ શોધવાં લાગી. ડૉક્ટરે પરિસ્થિતિને પારખી, વિદિશને કહ્યું,"બહાર કોઈક નાની છોકરી તમને મળવા માટે ક્યારનીય બેઠી છે, કહો તો અંદર બોલવું?" વિદિશે હકારમાં માથું ધુણાવ્યું.

ડૉક્ટરે છોકરીને અંદર બોલાવી. વિદિશને ભાનમાં આવેલો જોઈને છોકરીએ વિદિશને કહ્યું," બાબુજી... બોલા થા ના, યે સિર્ફ ધાગા નહીં હૈ, યે ઉમ્ર બઢા દેતી હૈ."
"તુમને જૂઠ બોલા થા." વિદિશે ધીમાં સ્વરે કહ્યું.
"કૌન સા જૂઠ, બાબુજી."
"યહીં કી તુમ્હારા ઈસ દુનિયા મેં કોઈ નહીં હૈ. ઈસ એક ધાગે સે તુમને મુજે અપની પૂરી ઉમ્ર તક તુમ્હારા કર્ઝદાર બના દીયા હૈ. આજ સે તુમ્હે રાખી બેચને કી કોઈ જરૂરત નહીં હૈ. અબ સે તુમ મુજે સિર્ફ રાખી બાંધના, બોલો મંજૂર હૈ."
નાની છોકરીએ જવાબમાં સ્મિત વ્હોર્યું. અને આ રક્ષાબંધને વિદિશને રાખડી અને તેની બાંધનાર બહેન મળી ગઈ.

ત્યાર બાદનાં દરેક તહેવારે વિદિશની ઑફિસ બંધ જ રહેતી. હવે દરેક તહેવાર વિદિશ પોતાનાં ઘરે જ, બહેન સાથે ઊજવવા માંડ્યો. અને દીવાલ પર લટકાવેલી છબીઓમાંનો તેની બહેનનો ચહેરો આ દૃશ્ય જોઈને હસતો જણાયો.

મૃગજળને શોધતાં શોધતાં, હૂં ખૂબ દુર આવી નીકળ્યો;
આંસુ વહેડાવ્યા દફન સબંધો પર, ત્યાંથી એક નવો સબંધ ફૂટી નીકળ્યો.
- અંકિત

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ