વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કૃષ્ણ - માનવથી મહામાનવ બનવાની સફર

કૃષ્ણ - માનવથી મહામાનવ બનવાની સફર

કૃષ્ણ.. આ નામ વાંચતાં જ એક મનોહર છબી નજર સમક્ષ ઉપસ્થિત થઈ જાય. શ્યામ રંગ, હાથમાં મોરલી, માથે મોરપીંછ, ચહેરા પર મોહક હાસ્ય, મોહિની લગાડતી આંખો… મનમાં કા તો વહાલનું ઝરણું વહેવા માંડે અથવા પ્રેમરસમાં તરબોળ થઇ જવાય. મનમાં ગુંજવા માંડે - યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત… આ એ કૃષ્ણ છે જે એક મહામાનવ છે. આજે આપણે કૃષ્ણની આખી જીવની જાણીએ છીએ, એમાંની ઘણી ઘટનાઓને ચમત્કાર સ્વરૂપે જોઇએ છીએ, એટલે એમને વિષ્ણુનો અવતાર માની પૂજીએ છીએ. પરંતુ એમના જીવનકાળ દરમિયાન, એમના સમકાલીન માટે તો એ પણ સામાન્ય માનવ જ હતા. આજે આપણે કૃષ્ણને એક સામાન્ય માનવ તરીકે જોઈએ, એમનો સંઘર્ષ સમજીએ, તો માનવમાંથી મહામાનવ બનવાનો રસ્તો મળી જાય. 

શરૂઆત કરીએ વર્ણથી. કૃષ્ણને આપણે શ્યામ પણ કહીએ છીએ કારણ એમનો વર્ણ શ્યામ છે. હવે આજની તારીખમાં પણ આપણે કોઈ અજાણ્યા બાળકને જોઇએ, કે જેની ત્વચા ગોરીને બદલે શ્યામ હોય, તો એને સામેથી બોલાવીને રમાડવાવાળા કેટલા? અને ગોરી ત્વચાવાળા બાળકને સામેથી રમાડવાવાળા કેટલા? એ તો ઠીક, લગ્નના બજારમાં શ્યામ ત્વચાની વેલ્યુ કેટલી? બસ, તમારી જાતને આ એક પ્રશ્નનો જવાબ આપશો એટલે સમજાઈ જશે કે શ્યામ રંગ સાથે જનસમાજને મોહિની લગાડવી એ કેટલું અઘરું કામ છે! આજે એકવીસમી સદીમાં પણ "બ્લેક લાઈવ્ઝ મેટર" ની ચળવળ ચલાવવી પડતી હોય તો એ સમયની જરા કલ્પના કરી જુઓ. 

હવે આગળ વધીએ. નવજાત શિશુને માતા-પિતાની હુંફની કેટલી જરૂર હોય છે એ સર્વવિદિત છે. હવે વિચારો, કે કોઈ બાળકને જન્મીને બીજી જ મિનિટે માતાથી અળગો કરી દેવામાં આવે, તો એનું શું થાય? આજના સમાજમાં પણ એવા કેટલાય તરછોડાયેલા બાળકો હશે, પરંતુ એમનું ભવિષ્ય કેવું ઘડાય છે? 

ચાલો માન્યું કે નંદજી અને યશોદાજીએ કૃષ્ણને ભરપૂર પ્રેમ આપ્યો હતો. પરંતુ જ્યારે કૃષ્ણ એ ઉંમરે પહોંચ્યા કે એ પ્રેમ સમજીને સામે પોતાની જવાબદારી નિભાવે, એ સમયે, માત્ર અગિયાર વર્ષની ઉંમરે કોઇક અજાણ્યો વ્યક્તિ આવીને કહે કે જેને માતા-પિતા માને છે એ એના સાચા માવતર નથી. એના માવતર તો મથુરા છે, કંસની કેદમાં.. અને હવે એમને મુક્ત કરાવવાના છે. શું વીતી હશે એ બાળક પર! છતાં એકપણ ફરિયાદ વિના વૃંદાવન છોડી દીધું. એ સાથે જ છૂટી ગયા મિત્રો, છૂટી ગઈ ગોપીઓ, છૂટી ગઈ ગાયો અને સૌથી મહત્વનું, રાધાનો સાથ પણ છૂટી ગયો. આજે પ્રેમમાં નિષ્ફળ જનારનું કેટલી હદે નર્વસ બ્રેકડાઉન થાય છે અને એને સાચવવા કેટલા અઘરા પડે છે એ આપણે સૌ જાણીએ છીએ. હવે વિચારો, માતા-પિતા અને રાધા તથા અન્યોનો વિરહ પચાવી જઈ હસતા મુખે મથુરા જનાર માનવ મહામાનવ બનવા તરફ એક કદમ આગળ વધે તો એમાં નવાઈ શું? 

કૃષ્ણની જ્યારે ઘોડિયામાં સૂવાની ઉંમર હતી ત્યારે તેમની ઉપર કેટકેટલાય હુમલા થયા. એ દરેક હુમલામાંથી સાંગોપાંગ બહાર આવીને જે અનુભવજ્ઞાન મળ્યું છે, તે બનાવે છે માનવને મહામાનવ. 

કૃષ્ણના જીવનની બીજી સૌથી મોટી ટ્રેજેડી શું હતી, ખબર છે? જેને અનહદ પ્રેમ કર્યો તે રાધા સાથે કાયમી વિરહ થયો,તો જેની સાથે લગ્ન થયા, તે રૂક્મણીજીને લગ્ન પહેલા ક્યારેય મળ્યા પણ નહોતા. રૂક્મણીજીએ શિશુપાલ, કે જે કૃષ્ણના ફઈના દિકરા ભાઈ થાય, ની સાથે લગ્ન ન કરવા પડે એટલે કૃષ્ણને સંદેશો મોકલ્યો હતો કે જો એ આવીને તેમનું હરણ નહી કરે, તો પોતે આત્મહત્યા કરી લેશે. માત્ર ને માત્ર રૂક્મણીજીનો જીવ બચાવવા માટે થઈને કૃષ્ણ તેમની સાથે લગ્નના બંધનમાં બંધાયા. એટલું જ નહી, એ સંબંધમાં પોતાનું 100% આપીને દામ્પત્ય જીવન સફળ બનાવ્યું. કૃષ્ણની ઉદારતા તો જુઓ, નરકાસુરનો વધ કરીને મુક્ત કરાવેલી 16000 સ્ત્રીઓને મૃત્યુથી બચાવવા માટે, એમને સમાજમાં યોગ્ય સ્થાન અપાવવા માટે એમની સાથે પણ લગ્ન સંબંધથી બંધાયા. લંકામાં રહ્યા પછી અગ્નિપરીક્ષા તો સીતામાતાને પણ આપવી પડી હતી. આજના યુગમાં પણ કેટલીય સ્ત્રીઓ પોતાની પવિત્રતા સાબિત કરવા મૃત્યુને વહાલું કરતી હોય છે. સમાજ તરફથી થતો અસ્વીકાર ત્યારે પણ અસહ્ય હતો ને આજે પણ અસહ્ય જ છે. એ 16000 સ્ત્રીઓને પોતાની સાથે જોડતી વખતે કૃષ્ણે એવું નહી વિચાર્યું હોય કે એમની પાછળ સમાજ મારો પણ બહિષ્કાર કરશે, પરંતુ એમ વિચાર્યું હશે કે મારું નામ જોડાયેલું હશે તો એ 16000 સ્ત્રીઓ સમાજમાં સ્વમાનભેર જીવી શકશે. અને એવું જ થયું. આ લેવલનો કોન્ફિડન્સ જ્યારે ડેવલપ થાય ત્યારે એક માનવની મહામાનવ તરફની સફર આગળ વધે. 

કૃષ્ણના જીવનનો એક એક પ્રસંગ આપણને કશુંક શીખવે છે. જો એ સમજાય જાય ને, તો માનવથી મહામાનવ બનવાની આપણી સફર પણ શરૂ થઈ જાય. કૃષ્ણની બાળલીલા અને યૌવનલીલાથી તો સહુ કોઈ સુપેરે પરિચિત છે. પરંતુ એક વાત કદાચ હજુ કોઈના ધ્યાનમાં નથી આવી. કૃષ્ણને આજે યાદ કરવામાં આવે છે એનું એક સૌથી મોટું અને સબળ કારણ છે ભગવદ્ ગીતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે યુદ્ધક્ષેત્રની વચ્ચે, અર્જુનને યુદ્ધ કરવાની પ્રેરણા આપવા માટે જે જ્ઞાન આપ્યું છે, એમાં એકપણ વખત 'યુદ્ધ' શબ્દનો ઉપયોગ થયો નથી. ભગવદ્ ગીતા એ તો જીવન જીવવાનું જ્ઞાન છે. એમાં જે છે તે કૃષ્ણના 84 વર્ષના જિવનનો નિચોડ છે. એ અનુભવનું જ્ઞાન છે. આજે પણ એવું કહેવાય છે કે તમારા જીવનમાં આર્થિક, સામાજિક, માનસિક કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેનો ઉકેલ ભગવદ્ ગીતામાંથી મળી જાય છે. વિચારો, એ વ્યક્તિનું અનુભવનું ફલક કેટલું વિશાળ હશે! 

આજના યુગની સૌથી મોટી ટ્રેજેડી શું છે? એક પિતાના ખભે પુત્રની નનામીનો બોજ… આજના માનવ માટે જો એક પુત્રના મૃત્યુનો બોજ ઉઠાવવો પણ અસહ્ય હોય, તો આખા વંશનો વિનાશ પોતાની નજર સામે જોનાર વ્યક્તિની પીડા કેટલી હશે, એનો અંદાજો તો લગાવી જુઓ. આપણું વસાવેલું ઘર પણ જો કુદરતી આફતમાં તૂટી જાય તો આપણે ભગવાનને અને નસીબને કેટલા કોસીએ છીએ? વિચારો, અત્યંત મહેનતથી વસાવેલી દ્વારિકા નગરી આખેઆખી સમુદ્રમાં ડુબી ગઈ! છતાં જે વ્યક્તિ સમતામાં રહી શકે એની મહામાનવ બનવા તરફની સફર પૂર્ણતાના આરે આવીને ઉભી રહે. અને એ જ સમતાનો ભાવ પોતાના મૃત્યુ સમયે, જીવનની અંતિમ ક્ષણોમાં પણ જાળવી રાખીને પોતાને બાણ મારનારને એવું કહેવું કે આમાં તારો કોઈ વાંક નથી, મેં તને માફ કર્યો… જરા વિચારી જુઓ. પોતાની જાતને એ પરિસ્થિતિમાં રાખી જુઓ અને હૈયા પર હાથ રાખીને કહો, આ પરિસ્થિતિમાં આપણે હોઈએ તો શું કરીએ? જવાબ તમારી જાતને જ આપવાનો છે. આ પ્રશ્નનો સાચો જવાબ આપી શકશો તો સમજજો કે તમે પણ મહામાનવ બનવાની દિશામાં એક ડગલું આગળ વધારી દીધું છે. 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ