વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારા ભર્યું આકાશ!

તારા ભર્યું આકાશ! 


ઢળતી સાંજે પ્રતિભા પોતાના બંગલાની વિશાળ બાલ્કનીમાં ઊભી રહી દૂર દરિયામાં ધૂંધળી દેખાતી મોટરબોટ્સને નિહાળી રહી હતી. તેની કામવાળી બાઈ બાલ્કનીમાં રાખેલી ટીપોઈ પર ગરમ કૉફીનો મગ મૂકી બોલી, “દીદી કૉફી મૂકી છે ઠંડી થઈ જાય તે પહેલાં પી લેજો. મારે હજુ ઘણું કામ આટોપવાનું બાકી છે.”

વિચારોમાં ખોવાયેલી હોવાથી પ્રતિભાએ કામવાળીબાઈનો આવાજ સાંભળ્યો ન હતો. અવનિ પર અંધારું ઉતરી આવ્યું હતું. દરિયામાં બોટ્સના સતત આવાગમનના કારણે બોટ્સની લાઈટ્સ આગિયાના પ્રકાશની જેમ લબૂક ઝબૂક થતી હતી. પ્રતિભાનું મન વિચારોથી ઘેરાયેલું હતું. તેણે એક નિશ્વાસ નાખ્યો. 

પ્રતિભાએ મનમાં જ પોતાની જાતને પ્રશ્ન કર્યો, ‘શું ફક્ત એક કલાક પછી આ બંગલો તેના માટે પરાયો થઈ જવાનો હતો? શું આ બંગલામાં પસાર કરેલા ત્રણ વર્ષની બધી યાદો કાયમ માટે અહીં દફનાવી ચાલ્યા જવાનું હતું? શું તેનો આ નિર્ણય વાજબી હતો કે પછી ભુલભુલામણી ભરેલો હતો?’

 જે નિર્ણય લેવાયો હતો તે બાબતે ઘરના સભ્યોએ તેની સાથે ઘણી ચર્ચાઓ કરી હતી. તેણે ઘણા મનોમંથન પછી આપેલી સંમતિ બાદ જ નિર્ણય લેવાયો હતો તેમ છતાં હજુ તે અવઢવમાં હતી. પોતાના નિર્ણયને તે સમજી શકી ન હતી.   

***

આયુષ સાથેનું તેનું લગ્ન તેની મરજી વિરુધ્ધનું હતું પરંતુ લગ્ન પછી આયુષ સાથે વિતાવેલા પંદર મહિનાની એક એક પળ આનંદમાં પસાર થઈ હતી. આયુષે તેને ભરપૂર પ્રેમ કર્યો હતો. તેની દરેક ઈચ્છા અને આકાંક્ષાઓને હોંશે હોંશે પૂરી કરી હતી. આયુષે પોતાના પ્રેમી તેજસની તમામ યાદો તેના હૃદયમાંથી ભૂંસી નાખી હતી તેમ કહેવાના બદલે તેને તેજસની યાદ આવવા જ દીધી ન હતી તે કહેવું વધારે ઉચિત હતું! 

જ્યારે તેના ડેડી કર્નલ વિજય નૌટિયાલે તેને એક સવારે કહ્યું, ‘બેટા પ્રતિભા, આજે સાંજે તને જોવા ફ્લાઈંગ ઓફિસર આયુષ મોરે આવી રહ્યો છે’ ત્યારે તે એકદમ ડઘાઈ જ ગઈ હતી. તે તેજસ ખરેને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે તેવું તે તેના ડેડીને કહી શકી ન હતી. 

તેજસ અને પ્રતિભા કૉલેજમાં સાથે ભણ્યા હતાં એટલું જ નહીં પરંતુ તે બંને સાથે ટેનિસ રમ્યા હતાં. યુનિવર્સિટીના ટેનિસ ગ્રાઉંડ પર તેમની જોડીને રમતી જોવી પ્રેક્ષકો માટે એનેરો લાહ્વો હતો. તેજસ થોડો શ્યામ હતો પરંતુ સોહામણો અને ઉર્જાથી ભરપૂર હતો. થોડાં વર્ષોથી સાથે ટેનિસ રમતાં રમતાં બંને એક બીજાને દિલ દઈ બેઠાં હતાં. 

તેજસ સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા કુટુંબમાંથી આવતો હતો. ટેનિસ રમવું તે ફક્ત તેની હોબી જ નહીં પરંતુ આજીવિકાનું માધ્યમ હતું. તે તેમાં કેરિયર બનાવવા ઈચ્છતો હતો. ટેનિસના મેદાન પર પ્રતિભા અને તેજસ એક બીજાનાં કટ્ટર હરીફ રહેતાં પરંતુ રમત પૂરી થયા પછી બંને જણાં પ્રતિભાની કારમાં દરિયા કિનારે જઈ કોઈ એકાંત ખૂણામાં બેસી કલાકોના કલાકો સુધી પ્રેમાલાપ કર્યા કરતાં હતાં. 

તેના ડેડી કર્નલ વિજય નૌટિયાલ તેના હાથ પીળા કરવા કેમ આટલા અધીરા થયા હતા તે પ્રતિભાને સમજાયું ન હતું. આયુષ તેને જોવા આવે અને તેને પસંદ ન કરે તો પ્રશ્ન રહેતો ન હતો. જો તેમ થાય તો તરત જ તેજસ અને પોતાના સંબંધો વિષે તેના પિતાને જણાવી દેવાનું પ્રતિભાએ નક્કી કર્યું હતું. 

મનના એક ખૂણામાંથી પ્રશ્ન ઉઠ્યો, ‘જો આયુષ તને પસંદ કરી લેશે તો...?’ 

‘…તો હું કોઈ બહાનું કાઢી તેને રિજેક્ટ કરી દઈશ.’ તરત જ તેના હૃદયમાં જવાબ પડઘાયો હતો. તે આશ્વસ્ત થઈ ગઈ હતી.                 

***

પ્રતિભા અને આયુષની મુલાકાત કર્નલ વિજય નૌટિયાલના બંગલામાં યોજાઈ હતી. છ ફૂટની ઊંચાઈ, ગોરો વાન, સ્હેજ માંજરી આંખો, ચહેરા પર છવાયેલું રમતિયાળ હાસ્ય અને થોડા વાંકળિયા વાળ ધરાવતો આયુષ, જોતાંની સાથે જ કોઈને પણ ગમી જાય તેવો, ફૂટડો યુવાન હતો. 

તેની માતા નિરૂપમા મોરે તેની સાથે આવ્યાં હતાં. તેમના ભાલે સૌભાગ્યની કોઈ નિશાની ન હતી. તેમના પતિ કર્નલ સુદર્શન મોરેએ દેશની સુરક્ષા કરતાં કરતાં સરહદ પર શહીદીનો જામ પીધો હતો. કર્નલ મોરે અને કર્નલ નૌટિયાલ જિગરી મિત્રો હતા.

આયુષ ભારતીય હવાઈ દળમાં ફ્લાઇંગ ઓફિસર તરીકે નિમણૂક પામ્યો ત્યારે કર્નલ નૌટિયાલ તેને અભિનંદન આપવા માટે તેમના સ્વર્ગસ્થ દોસ્ત વીર શહિદ કર્નલ મોરેના ઘરે ગયા હતા. 

પોતાની લાડકવાઈ દીકરીનું જીવન આયુષ સાથે જોડવાની ઈચ્છા હોવાની વાત તેમણે મિસીસ નિરુપમા મોરેના કાને નાખી હતી. ખરેખર તો થોડાં વર્ષો પહેલાં સૈન્ય અધિકારીઓના એક મેળાવડા વખતે કર્નલ નૌટીયાલે પ્રતિભાની ઓળખાણ કર્નલ મોરે સાથે કરાવી હતી. પ્રતિભા તે વખતે કિશોરી હતી. ફંકશન પછી કર્નલ મોરેએ તેમની પત્નીને કહ્યું હતું, ‘નિરૂ, કર્નલ નૌટિયાલની દીકરી પ્રતિભા અને આપણા દીકરા આયુષની જોડી ‘મેડ ફોર ઈચ અધર’ જેવી છે. મેં કર્નલ નૌટિયાલને ગર્ભિત ઈશારો કર્યો હતો. તેમણે મોંઘમ હા પાડી છે તે વાત યાદ રાખજે.’ 

મિસીસ નિરૂપમા મોરેને તે વાત યાદ હતી માટે આયુષને લઈ પ્રતિભાને જોવા આવ્યાં હતાં.   

***

ચા નાસ્તા પછી પ્રતિભા અને આયુષને એકલાં મૂકી વડીલો બંગલાની બહાર આવેલા બગીચામાં આવી ગયાં હતાં. લગ્ન માટે કોઈને જોવાનો, બંને યુવાનો માટે, આ પ્રથમ પ્રસંગ હતો. શરમના કારણે બંને ચૂપ હતાં.

“તમારા શોખ વિષે કઇં કહેશો?” આયુષે મૌન તોડી પહેલ કરતાં પ્રતિભાને પૂછ્યું.

પ્રતિભા વિચારોમાં હોવાથી આયુષનો પ્રશ્ન સાંભળી ચમકી ગઈ.

“હમ્મ...મને ટેનિસ રમવાનો શોખ છે. તે ઉપરાંત વાંચન અને એક્શન મુવીઝ જોવાનો શોખ છે.”

“વાઉ...મને ક્રિકેટ જોવાનો શોખ છે. કોઈ પણ રમત રમવામાં હું બહુ પ્રવૃત્ત થયો નથી. મને વાંચવું બિલકુલ ગમતું નથી પરંતુ ફિલ્મો જોવાનો શોખ ખરો. મને લવ સ્ટોરી વાળી અને સોશિયલ ફિલ્મો જોવી ગમે છે.” 

“આપણા શોખમાં ઉત્તર દક્ષિણનો તફાવત છે.”

“સાવ તેવું નથી. જો સમજો તો આપણા શોખમાં ઘણું સામ્ય છે. તમને રમવું ગમે છે તો મને કોઈને રમતા જોવું ગમે છે. તમને ફિલ્મો જોવી ગમે છે તેમ મને પણ ફિલ્મો જોવી ગમે છે. હાં બંનેની ચોઈસ અલગ અલગ જરૂર છે પણ માધ્યમ એક જ છે. રહી વાત વાંચનની તો તે શોખ તમારા સાનિધ્યમાં કેળવી લઈશ.”

“મારા સાનિધ્યમાં....! એટલે તમે કહેવા શું માંગો છે?”

“કેમ મેં કઈં અજુગતું કહ્યું..?”

“મિસ્ટર આયુષ તમે ઉતાવળા અને વધુ પડતા કલ્પનાશીલ છો તેવું નથી લાગતું?” 

આયુષ ખુલ્લા મને હસતાં બોલ્યો, “જુઓ પ્રતિભા હું ફ્લાઈંગ ઓફિસર છું તેથી ઝડપ અને ગગન વિહાર મારા સ્વભાવમાં હોવું સ્વાભાવિક છે. તમને મારું અનુમાન ઉતાવળિયુ ન લાગવું જોઈએ.”

પ્રતિભા ચૂપ રહી. 

પ્રતિભાને ચૂપ જોઈ થોડી વાર પછી આયુષ બોલ્યો, “પ્રતિભા મારી વાત પરથી તમે સમજી ગયા હશો કે હું તમારી સાથે લગ્ન ગ્રંથિથી જોડાવા ઉત્સુક છું પરંતુ મારે તમારી ખામોશીને પણ ધ્યાને લેવી જોઈએ. તમારી પસંદ નાપસંદ પણ મહત્વ રાખે છે. જો હું તમને પસંદ ન હોઉં અથવા કોઈ બીજું કારણ હોય તો તમે મને રિજેક્ટ કરી શકો છો. આ આપણી જિંદગીનો સવાલ છે. પાંચ દસ મિનિટની મુલાકાતમાં કોઈને જીવન સાથી તરીકે પસંદ કરી લેવાની ઉતાવળ ઘણીવાર ભૂલ ભરેલી પણ પુરવાર થઈ શકે છે. હું મારા તરફથી ફર્મ છું પરંતુ હું તમને વિચારવાનો મોકો આપવા ચાહું છું. તમારે તાત્કાલિક તમારો નિર્ણય જણાવવાની જરૂર નથી. યુ મે ટેક યોર ઑન ટાઈમ. હું પણ મારો નિર્ણય વડીલોને હાલ જણાવવાનો નથી. હાલ તો હું ‘વિચારીને જવાબ આપીશ’ તેવું કહીશ. રેસ્ટ એસ્યૂર્ડ.”

પ્રતિભાને આયુષની સમજદારી પર માન થયું હતું. તે તેના સાલસ સ્વભાવથી પ્રભાવિત થઈ હતી. 

તે દિવસની તેમની મુલાકાત પૂરી થઈ હતી.

***

એક અઠવાડિયા સુધી કર્નલ નૌટિયાલે પ્રતિભાને તેના નિર્ણય વિષે કશું પૂછ્યું ન હતું પરંતુ ઘરમાં આયુષ અને તેના કુટુંબ વિષે ઉત્સાહથી વાતચીત થતી હતી. પ્રતિભાની મૉમ માધવી નૌટિયાલ અને પ્રતિભાના નાના ભાઈ પ્રતિકને આયુષ ગમી ગયો હતો. આયુષે પણ પ્રતિભાને આપેલા વચન મુજબ વડીલો સમક્ષ પોતાનાં પત્તાં હજુ સુધી ખોલ્યાં ન હતાં. નૌટિયાલ કુટુંબ દ્વારા મોરે કુટુંબ તરફથી જવાબની રાહ જોવાઈ રહી હતી. પ્રતિભા હજુ કોઈ નિર્ણય લઈ શકી ન હતી.

તેવામાં એક દિવસે તેજસનો પ્રતિભા પર ફોન આવ્યો.

“પ્રતિભા મારે તને અત્યારે જ મળવું છે. પાંચ વાગતાં પહેલાં મુંબઈ સેંટ્રલ રેલ્વે સ્ટેશને આવી પહોંચ. બી ક્વીક. ખૂબ અગત્યનું કામ છે.” 

તેણે પ્રતિભાનો જવાબ સાંભળ્યા સિવાય ફોન કાપી નાખ્યો હતો. 

પ્રતિભાને તેજસની ઉતાવળથી નવાઈ લાગી હતી. દરિયા કિનારાને બદલે તેણે તેને રેલ્વે સ્ટેશન પર મળવા કેમ બોલાવી તે વાત તે સમજી શકી ન હતી. તેજસને એવું કયું મહત્વનું કામ હશે તેનો પણ તેને અંદાજ આવ્યો ન હતો. આયુષ વિષે તેજસને વાત કરવી કે કેમ તે બાબતે તે હજુ અવઢવમાં હતી. પુખ્ત વિચાર કરી ‘આયુષ તેને જોવા આવ્યો હોવાની વાત’ કરવાનું નક્કી કરી, મક્કમ મને, તે તેજસને મળવા પહોંચી ગઈ હતી. 

તેજસ મહારાષ્ટ્ર ખેલકૂદ વિભાગના લોગો વાળો બ્લેઝર પહેરીને પ્લેટફોર્મ પર બેચેનીથી પ્રતિભાની રાહ જોઈ રહ્યો હતો. પ્રતિભાને જોઈ તે એકદમ ઉત્સાહમાં આવી બોલ્યો, “થેંક્સ ગોડ યુ કેમ ઈન ટાઈમ. મારી ટ્રેન ઉપડવાને ફક્ત દસ મિનિટ જ બાકી છે.” 

“આ બધુ શું છે તેજસ? કેમ આટલી ઉતાવળમાં છે? તું ક્યાં જઈ રહ્યો છે?”

“પ્રતિભા મહારાષ્ટ્ર રાજ્ય સરકારે મને રાષ્ટ્રીય રમતોત્સવસમાં મહારાષ્ટ્ર તરફથી ટેનિસ પ્લેયર તરીકે સ્પોન્સર કર્યો છે. મને આજે સવારે જ સમાચાર આપવામાં આવ્યા હતા. અત્યારે પાંચ વીસની ટ્રેન છે. હું દિલ્હી જવા ઉપડું છું. જો હું ચેમ્પિયન થઈશ તો રાષ્ટ્રીય લેવલે અને બીજી અન્ય ટુર્નામેંટ્સમાં રમવાનો મને મોકો મળશે. મારી મનોકામના પૂરી થઈ છે. હું હવે ખેલકૂદ વિભાગના પે-રોલ પર છું. મને ખૂબ સારું આર્થિક વળતર મળશે જેનાથી મારા કુટુંબને રાહત થશે.”

તેજસ ખૂબ ઉત્સાહિત હતો. પ્રતિભા તેને પ્રત્યુત્તર પાઠવે તે પહેલાં ટ્રેન ઉપડવાની સિટી સંભળાઈ. તેજસે પ્રતિભાનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું, “પ્રતિભા આઈ એમ લકી. આઈ હેવ ગોટ ધ ઓપોર્ચ્યુનિટી. તેં મારી સાથે સતત ઊભા રહી મને પ્રેક્ટિસ કરવા પ્રોત્સાહિત કર્યો હતો તેનું આ પરિણામ છે. થેન્ક યુ વેરી મચ...બાય...!”

“તેજસ યુ ડિઝર્વ્ડ ઈટ. બાય....એન્ડ વિશ યુ ઓલ સકસેસ.”

તેના જવાથી પ્રતિભા ઉદાસ હતી તે વાત તેજસના ધ્યાને આવી ન હતી.

તેજસ હાથ હલાવતો રવાના થઈ ગયો. તેજસ દેખાયો ત્યાં સુધી પ્રતિભા તેને નિહારતી ઊભી રહી હતી. 

***

“બેટા મિસીસ કર્નલ મોરેનો સંદેશો આવી ગયો છે. જો તું રાજી હોય તો આયુષની સગાઈ માટે હા છે. તારો શો જવાબ છે?” કર્નલ નૌટિયાલે પ્રતિભાને પોતાની પાસે બેસાડી પૂછ્યું.

પ્રતિભાએ જવાબ આપવામાં સમય લીધો.

“કેમ કોઈ જવાબ ન આપ્યો બેટા..?”

“ડેડી હું હજુ નક્કી કરી શકી નથી.”

“તને આયુષ નથી ગમતો? કોઈ ઉણપ છે તેનામાં?”

“નો ડેડી, બટ આઈ કેન નોટ ટેક ડીસીશન.”

“જો બેટા આયુષ દેખવાડો અને ઉત્સાહી યુવક છે. તેના પિતાજી મારા ખૂબ સારા મિત્ર હતા. તેમનો સ્વભાવ ઉમદા હતો. આયુષનો સ્વભાવ પણ તેના પિતા જેવો જ છે. મિસીસ મોરે પણ સરળ સ્વભાવનાં છે. તેનાથી વધારે મહત્વની વાત એ છે કે મારી અને મારા સ્વર્ગસ્થ મિત્ર કર્નલ મોરેની ઈચ્છા તમને બંનેને જીવનસાથીના રૂપમાં જોવાની હતી.”

કર્નલ મોરેની યાદથી કર્નલ નૌટિયાલનો અવાજ ભીનો થયો હતો.  

“ડેડી આયુષની નોકરી જોખમી નથી લાગતી?” બીજું કોઈ કારણ ન જણાતાં લૂલો બચાવ કરતાં તેણે કહ્યું.

હસતાં હસતાં કર્નલ નૌટિયાલે કહ્યું, “ધત્ત...તેરેકી...! એક કર્નલની દીકરી થઈ તું કાયરો જેવું વિચારે છે? જો બેટા જીવન મરણ ભગવાનના હાથમાં છે. રસ્તામાં ચાલતો માણસ પણ અકસ્માતમાં મરી શકે છે.”

પ્રતિભા તેજસ સાથેના તેના પ્રેમની વાત કરી તેના પિતાની લાગણીને ઠેસ પહોંચાડી ન શકી. તે ચૂપ રહી.

પ્રતિભાના મૌનને સંમતિ માની કર્નલ નૌટિયાલે સગાઈ પાકી કરી લીધી હતી. 

‘ચટ મંગની પટ બ્યાહ’ મુજબ બે મહિનામાં પ્રતિભા આયુષની પત્ની બની તેના ઘરે આવી ગઈ હતી. 

આ બે મહિનામાં તેજસ રાષ્ટ્રીય ટેનિસ ચેમ્પિયનશીપ જીતી સિંગાપોર ઓપન ટેનિસ ટુર્નામેંટમાં ભાગ લેવા માટે સિંગાપોર ચાલ્યો ગયો હતો. 

***

લગ્ન પછી આયુષ અને પ્રતિભા પર્વતોની રાણી તરીકે ઓળખાતા મસુરી હિલસ્ટેશનની હનીમૂન ટ્રીપ પતાવીને પાછા આવી ગયાં હતાં. મસુરીમાં આયુષે પ્રતિભાને ખૂબ આનંદ કરાવ્યો હતો. પ્રતિભા આયુષના સહેવાસમાં ખૂબ ખુશ હતી.  

આયુષ પ્રતિભાને ખૂબ ચાહતો હતો. તે ખુશ મિજાજ અને હસમુખો યુવાન હતો. પ્રતિભાને ખુશ રાખવા માટે તેનાથી બનતા બધા પ્રયત્નો તે કરતો રહેતો હતો. 

પ્રતિભાની સાસુ નિરૂપમા મોરે ખૂબ માયાળું હતાં. તે પ્રતિભાને પોતાની પંડની દીકરીની જેમ રાખતાં હતાં. ઘરમાં કામકાજ માટે નોકર ચાકર હોવાથી પ્રતિભાને કોઈ કામ કરવાનું રહેતું ન હતું. આયુષ સાથે બહાર હરવા ફરવા જવાનું, ખરીદી કરવાનું અને આનંદ પ્રમોદ કરવા સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ ન હતી. 

એક વખતે આયુષે પ્રતિભાને વાત કરતાં કહ્યું, “પ્રતિભા હું મારી મૉમને ખૂબ જ પ્રેમ કરું છું. તેમણે મારા ઉછેર પાછળ ખૂબ મોટો ભોગ આપ્યો છે. તે ખૂબ સારી ગાયિકા હતાં. મારા પિતા સાથેના લગ્ન પહેલાંથી તે સ્ટેજ શો કરતાં હતાં. હું પાંચ વર્ષનો થયો ત્યારે તેમને ફિલ્મોમાં ગીતો ગાવાનો બ્રેક મળ્યો હતો. તેમને જે દિવસે તેમનું પ્રથમ રેકોર્ડિંગ કરવા જવાનું હતું તે દિવસે હું સખત બીમાર પડ્યો હતો. ડેડી સરહદ પર હતા. મારી મૉમે, મારી સારવારને પ્રાધાન્ય આપી, તેમને ફિલ્મી ગીતો ગાવાની મળેલી તક જતી કરી હતી. તેમણે મારી ખાતર તેમની કેરિયરનું બલિદાન આપ્યું હતું. મારા ઉછેર માટે ત્યારથી તેમણે તેમના ગાયકીના શોખ પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. મને તેમના પ્રત્યે ખૂબ માન છે. હું તેમનો ખૂબ આદર કરું છું. હું તેમને કદી દુ:ખી જોવા ઈચ્છતો નથી. હું તેમની ખુશી માટે કોઈ પણ ભોગ આપવા તૈયાર છું. મને વિશ્વાસ છે કે તું પણ તેમને પૂરતું માન આપીશ અને જીવનભર તેમની સેવા કરતી રહીશ.”

આયુષની વાત સાંભળી પ્રતિભાએ તેના હાથ પર પોતાનો હાથ મૂકી તેને તેમ કરવાનું મૂક વચન આપ્યું હતું. 

લગ્નના ત્રણ માસ પછી આયુષને ફ્લાઈંગ ઓફિસરની બાવીસ અઠવાડિયાની ટ્રેનીંગ માટે ડુંડીગલ (હૈદરાબાદ) ખાતેની એર ફોર્સ એકેડેમીમાં જવાનું થયું હતું. નિરૂપમાબેને આગ્રહ કરીને પ્રતિભાને આયુષ સાથે હૈદરાબાદ રહેવા માટે મોકલી હતી. 

ટ્રેનિંગનું છેલ્લું અઠવાડિયું બાકી હતું. ટ્રેનિંગ પૂરી થયે આયુષને ફાઈટર પ્લેનના પાઈલટ તરીકે પ્રમોશન મળનાર હતું. આયુષ ખૂબ ઉત્સાહિત હતો.

***

ઈન્ડિયન એર ફોર્સ એકેડેમીથી આયુષ પોતાની ગાડીમાં સિકંદરાબાદ રોડ પર થઈ હૈદરાબાદ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે એકાએક એક હેવી લોરીના ડ્રાઈવરે તેના વાહન પરનો કાબૂ ગુમાવી આયુષની ગાડીને ટક્કર મારી હતી. આયુષ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે સિકંદરાબાદ ખાતેની મિલીટરી હોસ્પીટલમાં દાખલ કરાયો હતો. તેના આખા શરીરે ઈજાઓ થઈ હતી. માથામાં ખૂબ ગંભીર ઈજાઓ થઈ હતી. 

આયુષની માતાજી મુંબઈથી આવી પહોંચ્યાં હતાં. પ્રતિભા અને નિરૂપમા મોરે આયુષ પાસે હૉસ્પિટલમાં સતત હાજર રહેતાં હતાં. આયુષ અવારનવાર બેભાન થઈ જતો હતો તેથી એક અઠવાડિયા પછી મિલીટરી ડૉક્ટર્સની પેનલે આયુષની હેડ સર્જરી કરવાનું નક્કી કર્યું હતું. 

ઓપરેશન થિએટરમાં જતાં પહેલાં આયુષે તેની મૉમ અને પ્રતિભાને પોતાની પાસે બોલાવ્યાં હતાં. તેની મૉમનો હાથ પ્રતિભાના હાથમાં મૂકી કઈં પણ બોલ્યા વિના આયુષ તેની સામે તાકી રહ્યો હતો. તેની આંખોમાં ‘જો તેને કઈં થઈ જાય તો તેની મૉમને અવલંબન પૂરું પાડવાની’ યાચના હતી. ત્રણેયની આંખો ભીની થઈ ગઈ હતી.  

ઓપરેશન કરવાની પ્રક્રિયા ત્રણ કલાક કરતાં પણ વધારે સમય સુધી ચાલી હતી. અનુભવી ડોક્ટર્સના અથાક પરિશ્રમ છતાં કમનસીબે સર્જરી નિષ્ફળ રહી હતી. આયુષ જિંદગીની જંગ હારી ગયો હતો. 

પ્રતિભા અને નિરૂપમાબેન પર આભ તૂટી પડ્યું હતું. પ્રતિભા ત્યાં જ બેહોશ થઈ ઢળી પડી  હતી. હોશમાં આવ્યા પછી પણ તે સતત આક્રંદ કરતી રહેતી હતી.   

***

આયુષનું અવસાન થયાને સવા વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો હતો. યુવાન પુત્રવધૂ પ્રતિભાનું કોરું કપાળ જોઈ નિરૂપમા મોરેથી નિશ્વાસ નીકળી જતો હતો. તેમનું હૃદય વલોવાઈ જતું હતું. છેલ્લા થોડા સમયથી તેઓ પ્રતિભાના ભાવિ જીવન વિષે ખૂબ ગંભીરતાથી વિચારી રહ્યાં હતાં.

આયુષના અવસાન પછી પ્રતિભાના માતા પિતાએ પ્રતિભાને તેમની સાથે રહેવા આવી જવા જણાવ્યું હતું પરંતુ પ્રતિભાએ આયુષના ઘરે જ રહેવાનો નિર્ણય કર્યો હતો. પ્રતિભા અને તેની સાસુ નિરૂપમા મોરે વચ્ચે સાસુ વહુના બદલે મા દીકરી જેવો સંબંધ થઈ ગયો હતો. બંનેને એક બીજા વિના ચેન પડતું ન હતું. બંને જણાં એકબીજાને હુંફ અને અવલંબન આપતાં હતાં. નિરૂપમા મોરે પ્રતિભાને ખુશ રાખવાના તમામ પ્રયત્નો કરતા રહેતાં હતાં. તેઓ પ્રતિભાને ફિલ્મો જોવા લઈ જતાં પરંતુ ફિલ્મોમાં આવતાં પ્રેમના દ્રશ્યોથી તેનું હૃદય હચમચી જતું હતું તેથી પ્રતિભાએ ફિલ્મો જોવાનું બંધ કરી દીધું હતું. 

નિરૂપમા મોરે પ્રતિભાના વાંચન માટે ઘણાં પુસ્તકો ખરીદી લાવતાં હતાં. પ્રતિભા વાંચનમાં વ્યસ્ત રહી તેનો સમય પસાર કરતી હતી. 

એક વખતે પ્રતિભા તેની સાસુ સાથે પારસી જીમખાના પાસેથી પસાર થઈ રહી હતી. ત્યાં કેટલીક કિશોરીઓ ટેનિસની રમી રહી હતી. પ્રતિભા ત્યાં ઊભી રહી ગઈ. ટેનિસ રમતી કિશોરીઓને જોઈ તે ખુશ થઈ ગઈ હતી. નિરૂપમા મોરેને યાદ આવ્યું કે પ્રતિભા પણ ટેનિસ ખેલાડી હતી. તેમના  મગજમાં એક ચમકારો થયો.

***

નિરૂપમા મોરેને, પ્રતિભા વિના એકલાં, પોતાના ઘરે આવેલાં જોઈ મિસ્ટર અને મિસીસ નૌટિયાલને આશ્ચર્ય થયું હતું. 

“કર્નલ સાહેબ એક ખાસ ઉદ્દેશ્યથી હું તમને મળવા આવી છું.” નિરૂપમા મોરેએ પોતાના આવવાનું પ્રયોજન જણાવી આગળ કહ્યું, “મારાથી પ્રતિભાની ઉદાસી જોવાતી નથી. તેને જીવનની ખૂબ લાંબી મજલ કાપવાની છે. પ્રતિભા ટેનિસની ખેલાડી છે. હું ઈચ્છું છું કે આપણે તેને તે રમત તરફ વળવા પ્રોત્સાહિત કરીએ. તેના મનગમતા કામમાં મન પ્રવૃત્ત થવાથી તેના જીવનમાં ઉમંગના રંગ ભરાશે. તેને જીવન જીવવાનું કારણ મળી રહેશે. મન ગમતી પ્રવૃત્તિથી તેનું મન પ્રફુલ્લિત થતાં તેનું દુ:ખ હળવું થશે. જો આપ સાથ આપો તો આપણે, બીજું કઈં નહીં તો, તે દિશામાં પ્રયત્નો કરીએ.”

નિરૂપમા મોરેની વાતનો કર્નલ નૌટિયાલે કોઈ જવાબ ન આપ્યો. તે ઊંડા વિચારમાં હતા.

“કર્નલ કેમ કઈં બોલ્યા નહીં?”

“ભાભી, હું થોડા દિવસથી તમને એક વાત કહેવા ઈચ્છતો હતો પરંતુ મારી જીભ ઊપડતી ન હતી. આજે તમે ટેનિસની વાત કાઢી છે એટલે હિંમત કરી એક વાત કહેવા માગું છું.”

“બોલોને ભાઈ પ્રતિભાના સુખ માટેની કોઈ પણ વાત માનવા હું તૈયાર છું.”

“થોડા દિવસો પહેલાં એક ટેનિસ ખેલાડી પ્રતિભાને મળવા અહીં અમારા ઘરે આવ્યો હતો. તેને પ્રતિભાના આયુષ સાથેના લગ્ન અને આયુષના અવસાનની ખબર ન હતી. આયુષના અવસાનના સમાચાર જાણી તેને આઘાત લાગ્યો હતો.” 

“કદાચ તમે તેનું નામ સાંભળ્યું હશે. તેનું નામ તેજસ છે. તેજસ ખરે. તે ઉભરતો ટેનિસ ખેલાડી છે. પ્રતિભા અને તેજસ યુનિવર્સિટીમાં સાથે ટેનિસ રમતાં હતાં. ટેનિસ રમવા માટે તે વિદેશ ગયેલો હતો. બે ત્રણ ટુર્નામેંટમાં ભાગ લઈ હમણાં જ ભારત પાછો ફર્યો છે. તે આવ્યો ત્યારે પ્રતિભાની બહેનપણી જુહી અહીંયા હાજર હતી. તેજસના ગયા પછી જુહીએ મને તેજસ અને પ્રતિભાની મિત્રતા અને એક બીજા પ્રત્યેની લાગણીની વાત કરી હતી. થોડા દિવસ અગાઉ હું તેજસને મળ્યો હતો. તેજસ પ્રતિભાને અપનાવી લેવા તૈયાર છે. હું આ વાત તમને કહી શક્યો નથી. મારી ઈચ્છા પ્રતિભાનું તેજસ સાથે પુનર્લગ્ન કરાવવાની છે.”

પોતાની વાત કહી કર્નલ નૌટિયાલ ચૂપ થઈ ગયા. તેમણે પોતાનું માથું નીચું કરી લીધું હતું. તેમની આંખોમાંથી ટપ..ટપ..આંસુ નીચે ફર્શ પર પડતાં હતાં. પ્રતિભાની માતા માધવી નૌટિયાલ  રડતાં રડતાં બીજા રૂમમાં દોડી ગયાં હતાં. થોડીવાર માટે સૌ ખામોશ થઈ ગયાં હતાં.

ખામોશી તોડતાં નિરૂપમા મોરે બોલ્યાં, “કર્નલ હું પણ ઘણા સમયથી તમને કોઈ યોગ્ય પાત્ર સાથે પ્રતિભાનું પુનર્લગ્ન કરવાની વાત કહેવા માગતી હતી પરંતુ કદાચ તમને થાય કે ‘પ્રતિભા મને ભારે પડી રહી છે’ તેવું વિચારી હું મારી જીભ ઉપાડી શકતી ન હતી. હું તમારી વાતને સમર્થન આપી સ્વીકારું છું. હવે પ્રતિભાને સમજાવવાની જવાબદારી તમારી રહેશે.” 

***

પ્રતિભા તેના પિતાની વાત સાંભળી રડી પડી હતી. 

તેણે રડતાં રડતાં કહ્યું, “નો..નો..ડેડ..તે બાબતે કશું આગળ વિચારતા જ નહીં. હું આ પરિસ્થિતિમાં ખુશ છું.”

પ્રતિભાની માતાએ પોતાની દીકરીને પોતાના આલિંગનમાં લઈ ખૂબ સમજાવી હતી.

નિરૂપમા મોરેએ પણ તેની જિંદગીની લાંબી મજલ કાપવા કોઈ હમદર્દ હમસફરની જરૂરિયાત જણાવી તેને તેજસ સાથે પુનર્લગ્ન કરી લેવા ખૂબ વિનવણી કરી હતી. 

ખૂબ મથામણ, લાંબી ચર્ચા વિચારણા અને મનોમંથન પછી પ્રતિભા તેજસ સાથે પુનર્લગ્ન કરવા તૈયાર થઈ હતી. 

***

થોડા સમય પછી તેજસને ફ્રેંચ ઓપન ટેનિસ ટુર્નામેંટ રમવા માટે પેરિસ જવાનું હતું. તે પ્રતિભા સાથે લગ્ન કરી તેને પોતાની સાથે પેરિસ લઈ જવા ઈચ્છતો હતો. 

લગ્ન આડે ફક્ત દસ દિવસ બાકી હતા. ફક્ત બંને કુટુંબના નજીકના સભ્યોની હાજરીમાં ખૂબ સાદાઈથી લગ્ન ઉકેલી લેવાનું નક્કી થયું હતું. પ્રતિભાના માતા પિતા આજે તેને અહીંથી તેમના ઘરે તેડી જવા આવવાનાં હતાં. 

તેજસ સાથે પુનર્લગ્ન કરવાનો તેનો  નિર્ણય યોગ્ય હતો કે કેમ તે બાબતે પ્રતિભા હજુ પણ અસ્પષ્ટ હતી. 

***

કૉફીનો ખાલી મગ લેવા આવેલી કામવાળીબાઈ ઠરી ગયેલી કૉફીનો મગ ઉપાડતાં બોલી, “ઓ..હો.. દીદી..! આ કૉફી અહીં પડી પડી ઠરીને ઠીકરું થઈ ગઈ. તમે હજુ બાલ્કનીમાં જ ઊભાં છો? રહો હું નવી કૉફી બનાવી લાવું છું. તમારા મમ્મી પપ્પા આવી માજીના રૂમમાં તેમની પાસે બેઠાં છે. તમારો સામાન ગાડીમાં મૂકી દીધો છે. હવે ફક્ત તમારી જ રાહ જોવાય છે.” 

કામવાળીબાઈનો અવાજ સાંભળી પ્રતિભા વર્તમાનમાં પાછી ફરી હતી.

પ્રતિભાએ ઊંડો શ્વાસ લઈ એક નિસાસો નાખ્યો. 

તેની સાસુ નિરૂપમા મોરેને આજે તાવ આવ્યો હતો એટલે તે આરામ કરતાં હતાં. 

પ્રતિભા ઉદાસ વદને તેની સાસુના રૂમમાં દાખલ થઈ. મિસીસ મોરે પલંગમાં બેઠાં હતાં. તેને જોઈ મિસીસ મોરે ફિક્કું હસ્યાં. તેમના ચહેરા પર ઉદાસી હતી. આ ઉદાસી પ્રતિભાનું આ ઘર છોડીને જવાની હતી કે તેના અવલંબન વિનાની પરવશ જિંદગીની હતી તે પ્રતિભા નક્કી ન કરી શકી. તેણે મૂંગા મૂંગા પોતાની સાસુનાં ચરણોનો સ્પર્શ કર્યો. તેનું હૈયું વેદનાથી ભરાયેલું હતું.  

જતાં પહેલાં પ્રતિભા, આયુષની તસવીર આગળ આવીને ઊભી રહી. તેણે બે હાથ જોડીને આયુષને વંદન કર્યા. તેની આંખો તસવીરમાંના આયુષની આંખો સાથે મળી. તેને જાણે આયુષની આંખો બોલતી હોય તેવું લાગ્યું. તે થોડીવાર આયુષની આંખોમાં આંખો નાખી જોઈ રહી. તેનું હૃદય વેદનાથી વલોવાઈ રહ્યું હતું. તેણે ભારે હૃદયે તેના ડેડીના ઘરે જવા પગ ઉપાડ્યા. 

તેના ડેડી કારનો દરવાજો ખોલીને પ્રતિભાના આવવાનો ઇંતેજાર કરી રહ્યા હતા. પ્રતિભા ગાડી પાસે પહોંચી. તેણે પાછા વળી જોયું. તેની સાસુ ઘરના દરવાજામાં ઊભા હતાં. તેણે તેમના તરફ નજર નાખી. તેમણે પોતાની નજર ઝુકાવી લીધી. 

પ્રતિભા પાછી ફરી તેની સાસુ પાસે આવી ઊભી રહી. તે બોલી, “મમ્મીજી મને ‘આવજે’ તેવું નહીં કહો?” પ્રતિભાનો અવાજ રૂંધાયેલો હતો.

એકાએક પ્રતિભાને તેની આજુબાજુ આયુષની અદૃશ્ય હાજરી હોવાનો આભાસ થયો. તેના કાને જાણે આયુષના શબ્દો પડ્યા, ‘પ્રતિભા તું જીવનભર મારી મૉમની સેવા કરવાનું મને આપેલું વચન ભૂલી ગઈ?’

પ્રતિભાનું હૈયું આક્રંદ કરી ઉઠ્યું. પ્રતિભા દોડીને પોતાની સાસુ નિરૂપમાને લપેટાઈ ગઈ. 

તેણે તેમના ખભા પર પોતાનું માથું મૂકી રડતાં રડતાં કહ્યું, “મમ્મીજી હું આયુષને કદી ભૂલી શકીશ નહીં. હું આયુષની યાદોના સહારે જીવન જીવી લઇશ. હું એક ભવમાં બે ભવ નહીં કરું. હું આ ઘરને છોડી ક્યાંય નહીં જાઉં.” 

મિસીસ નિરૂપમા મોરે પ્રતિભાને પોતાના આલિંગનમાં સમાવી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં.

નિરૂપમા મોરેના સ્નેહ નીતરતા આલિંગનમાં પ્રતિભાનું હૃદય આયુષે તેના પર વરસાવેલી તમામ લાગણીઓથી છલકાઈ ઉઠ્યું. 

તેનું હૈયું આનંદથી તર થઈ તૃપ્ત થઈ ગયું હતું, જાણે તારા ભર્યું આકાશ ન હોય!   


-આબિદ ખણુંસીયા (આદાબ નવલપુરી)

-તા. 23-11-2021



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ