વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નામર્દ


'દિલકી યે આરઝુથી કોઈ દિલરુબા મિલે..

દેખે હમે નસીબ સે અપને ક્યાં મિલે..

અબ તક તો જો ભી દોસ્ત મિલે બેવફા મિલે..!'

 

કરડાકી ભરી બે આંખો પાસેથી પસાર થઈ. તેનાં મોબાઈલમાંથી ગીતનાં શબ્દોની સાથે દિલરુબા હૃદયમાં શુળ બની ચૂભી ગઈ. એક આંસુ પણ તે પીડાને લીધે આંખમાં ન આવ્યું. ક્યાંથી આવે? હું પુરુષ છું! મને રડવાનો અધિકાર જ ક્યાં છે?


હું જાન્યુઆરીનાં પવનમાં આકાશે ઊડતી પતંગોમાંથી એક કપાયેલી પતંગનાં રોતલ ચહેરાને જોઈ રહ્યો. તે એક વીજ થાંભલા પર અટવાઈ ગઈ. જાણે તેણે તેને પોતાનો સલામત મુકામ ગણ્યો હોય એમ હરખાતી ગોળગોળ ઘૂમવા લાગી! મને તેની અવદશા ઉપર ખૂબ દયા આવતી હતી. તે પણ કદાચ એ વહેમ સાથે જીવી જવા માંગતી હતી કે તેને હવે પવન ડોલાવશે પણ પછાડશે નહીં. થાંભલો થથરાવશે પણ તરછોડશે નહીં. દોર વીંટળાવશે પણ ઉલઝાવશે નહીં. મારી જેમ જ તેણે પણ ભરોસા પર ભરોસો કર્યો હતો!


"ચલ બે..શું ત્યાં આકાશમાં તાકી રહ્યો છે! કામ કર. જરા હાથ હલાવ. સા..#@હ#!" 

ગાળો સાંભળી મને કોઈ તકલીફ ન થઈ કારણ કે તે મને ગળથૂંથીમાં મળેલી હતી. 


"તારા દીકરાની આંખો પણ એનાં બાપ જેવી જ માંજરી થઈ છે. બાપની જેમ જ બદમાશ થશે અને બાપ જેવો અય્યાશ પણ!" સિતારાબાઈ આંખ મિચકારી બોલી. 


મારી માએ તેની સામે જોઈ બીજી આંખ મિંચકારી. ગંદી રીતે હસી જાણે વાતમાં સૂર પૂરાવ્યો! મને સિતારાબાઈ પર સમજણો થયો ત્યારથી નફરત જ હતી. આજે બાપ વિષે છડેચોક ગંદી વાતો સાંભળી મારી નફરતે ગુસ્સાનું સ્વરૂપ ધારણ કર્યું. મારી મુઠ્ઠી મેં ભીંસી લીધી. ઉપર નીચેનાં દાંત કચકચીને સિતારાદેવી તરફનો રોષ જાહેર કરતાં હતાં. આંખોમાં માંજરી કીકી લાલ શિરાઓથી ઘેરાઈ ગઈ. મેં તેનાં તરફ આગ ઓકતી નજર કરી. તો તેને જાણે વધારે મજા આવી હોય તેમ માને કહેવા લાગી. "રમણી, આને હવે કામે ચડાવ. બાર વર્ષનો ઢાંઢો થયો. ક્યાં સુધી માનાં શરીર વેચીને ભેગાં કરેલ પૈસે રોટલાં તોડશે?" 


મને એમ થયું કે મા હમણાં વિરોધ કરશે અને કહેશે કે મારો રવિ એવો નથી, મારે રવિને ભણવા મોકલવો છે. મેં આગલી રાતે જ  માને આ કહેલું કે મને અહીંથી દૂર ભણવા મોકલે. મનમાં વિચારેલું કે પછી માને પણ અહીંથી દૂર ક્યાંક..! ત્યારે માએ જ કહ્યું હતું કે સિતારાબાઈ મદદ કરે તો થાય. મને ક્યાં ખબર હતી કે મા મારા એ ગૂંગળામણભર્યાં વાતાવરણમાં છટપટતા એક બાળક કે એક દીકરાના મનને સમજવાને બદલે મને એ દોજખનાં ગંદા સામ્રાજ્યનો એક હિસ્સો બનાવવા માંગતી હતી! ખુદને આ કહેતાં શરમ(!) આવતી હતી, એટલે કદાચ તેણે સિતારાબાઈ સાથે મળી નાટક કર્યું હતું. મેં નાનો હતો ત્યારે માને પૂછેલું, "મા, મારા બાપુ કોણ છે? એ આપણી સાથે કેમ નથી?" સવાલોની સજા રૂપે મને એ વિસ્તારથી થોડે દૂર આવેલી એક સરકારી શાળામાંથી ભણતો ઊઠાવી લેવાયો. 


સિતારાબાઈએ બાપને દીધેલ ગાળોથી માના ચહેરા પરની એક રેખા પણ ન વંકાઈ! તે જોઈ મને મા પર અનહદ ગુસ્સો આવ્યો. એટલામાં કોઈ માણસ ત્યાં આવ્યો જેની સાથે મા ઘણીવાર 'કામે જાવ છું' કહીને જતી. તેને જોઈ માનો ચહેરો ચમક્યો અને આંખોનાં હાવભાવ બદલી ગયાં, જે મારા માટે અસહ્ય હતાં. મા મારી નજરની લેશમાત્ર પરવાહ કર્યા વગર ત્યાંથી પેલાં સાથે નીકળી ગઈ!


મારે ત્યાંથી ભાગી છૂટવું હતું પણ હજુ એટલું શારીરિક બળ ન હતું. મેં કશુંક મનોમન વિચારી સિતારાબાઈની પિકદાની તેનાં તરફ ફેંકી. તે ગાળોનો વરસાદ વરસાવી ઢીમણું પંપાળતી હતી, ત્યારે મોકો જોઈ હું ભાગી છૂટ્યો. એક લોકલ ટ્રેનમાં કૂતરાની માફક હાંફતો હું ક્યાંય દૂર સૌથી છેલ્લાં સ્ટેશને પહોંચી ગયો.


*દસ વર્ષ પછી*..

તે દિવસની રાતે દોડતી ટ્રેને વિરામ લીધો અને મારી જિંદગીએ ભાગવાનું શરૂ કર્યુ. હું તે દોજખમાંથી તો ભાગી છૂટ્યો કે જ્યાં મારી મા રોજ પોતાની મરજીથી..! ઓહહ..મને કંપારી છૂટી પણ હું મારી કિસ્મતથી ન ભાગી શક્યો. તે ટ્રેનમાંથી મને લઈને રજાક નામનો માણસ રફીકચાચા પાસે ઊપાડી ગયો. તે દિવસથી ખિસ્સાકાતરુ તરીકે મારું કામ શરૂ થયું ને પછીતો નામ થઈ ગયું. મારો ભોળો, માસુમ ચહેરો મને આ ધંધામાં ફાયદેમંદ સાબિત થયો. રોજ નક્કી કરેલ રકમ પાકીટ સહિત રફીકચાચાને જમા કરાવવી પડતી. મારો વકરો હંમેશા વધારે રહેતો તેથી હું રફીકચાચાનો લાડકો બની ગયો અને યુવાન થતાં ધીમે-ધીમે ભરોસાપાત્ર પણ. 


"કદીક આ અરીસામાંથી પાછળ નજર કરી લઈશ તો અબ્બા તને મારી નાખશે, એવો ડર લાગે છે ને?" ઝરીનાએ આમ બોલી રોજની જેમ કારમાં બેસી બુરખો ફગાવી દીધો. મેં તેની આ હરકત નજરઅંદાજ કરી. કોલેજે તેને લેવા-મૂકવાનું કામ રફીકચાચાએ મને સોંપેલું. તેમનો આ ભરોસો નિભાવવા મેં કદી એમની દીકરી ઝરીના તરફ નજર પણ ન્હોતી કરી. તે કારમાં બેસતાંની સાથે ટી-શર્ટ-જીન્સ પરનો બુરખો ઉતારી દેતી. મને એમ કહેતી કે મને કોલેજમાં મનાઈ છે. જોકે ચાચાને એ વાત ન કહેવાની એની વાત મેં એટલે માની લીધેલી કે તેનો કોલેજનો છેલ્લાં વર્ષનો અભ્યાસ ન બગડે. ઘણાં વખતથી તેનાં બદલાતા તેવર મારી જાણ બહાર ન હતાં પણ મેં મારા કામથી કામ રાખ્યું હતું. 


તે દિવસે મેં તેની સામે ન જોયું એટલે તે બોલી, "કાયર..!" મેં તો પણ તેની સામે ન જોયું. તે કારમાંથી ઉતરી ચાલી ગઈ પણ તેનો રૂપનો અહમ્ ઘવાયો એટલે તેણે દરવાજાને હાઇ-હિલ્સથી લાત મારી બબડી, "નામર્દ..!"  મને દાહ ઊપડી પણ ..!     


તે પછી લગભગ આ રોજિંદો ક્રમ બન્યો. તે કોલેજનાં દરવાજામાં જતી ત્યારે હું તેને પાછળથી જોઈ લેતો. તેનાં બુરખા નીચેનાં ટીશર્ટની ઘટતી લંબાઈ અને ચુસ્તતા મને જરાય ન ગમતી. હું કશું બોલતો નહીં કારણ કે તે મને કાયર ગણતી અને રફીકચાચા મને ભરોસાપાત્ર! 


એક વરસાદી સાંજે કોલેજનાં દરવાજા સુધી પહોંચતાં તે ભીંજાઈ ગઈ. તે અચાનક દોડીને કારમાં પાછળને બદલે મારી બાજુની સીટ પર બેસી ગઈ. હું વિરોધ કરું તે પહેલાં પાછળનાં ટ્રાફિકને લીધે મારે કાર આગળ ભગાવવી પડી. તેનાં પારદર્શક બની ગયેલાં કપડાં તરફ નજર ન જાય તેની તકેદારી રાખી હું કાર ચલાવતો રહ્યો. તેણે મારું ધ્યાનભંગ કરવા નખરા આદર્યા. તેની હરકતો  મારી સહનશક્તિની બહાર ગઈ એટલે મેં તેને કહી દીધું, "ઝરીના..દૂર રહો મારાથી." તે નહોતી માનતી એટલે મેં તેને પાછળ મોકલી બુરખો પહેરવા કાર રોકી. તે મોકાની તાકમાં હોય એમ મને ચોટી ગઈ. મારા પુરુષ શરીરને લાગેલ દાહ પર મેં ભરોસાપાત્ર હોવાનું ઠંડુ પાણી રેડી દીધું ને તેને હડસેલો મારી, કારની બહાર નીકળી ગયો. તે બરાબરની વિફરી હતી. મેં તેનો દરવાજો ખોલી પાછળની સીટમાં બુરખો પહેરી ચૂપચાપ બેસી જવાનું કહી દીધું, એક ધમકી સાથે કે રફીકચાચાને કહી દઈશ. હવે તે વધુ ગિન્નાઈ. તેણે બહાર નીકળી મારા ગાલ પર એક તમાચો મારી દીધો અને બોલી, "નામર્દ, કાયર છો તું કાયર..!"


તે પછી ન તેણે કદી મારી સાથે કોઈ આવી હરકત કરી કે ન મારી સામે જોયું. પ્રેમની જરૂર તો મારે પણ હતી અને ઝરીના મને ખૂબ ગમતી પણ કોઈ બાપનાં ભરોસાને આગ લગાડવાની વીરતા કે વાસના સંતોષવાની મર્દાનગી મારે ન્હોતી બતાવવી.


બે મહિના પછી એક દિવસ સાંજે કોલેજની બહાર અડધી કલાક રાહ જોઈ. આખી કોલેજ ખાલી થઈ ગઈ પણ ઝરીના ન દેખાઈ. મેં તે જેની સાથે અવારનવાર જોવાં મળતી તે બહેનપણીઓ પાસે જઈ ઝરીના વિષે પૂછ્યું. તે બધી ઝરીનાની ચિંતામાં વિલાયેલો અને પરસેવે રેબઝેબ ચહેરો જોઈ ખડખડાટ હસી. એકબીજાને તાળી આપી બોલી, "એ તો ગઈ છે એનાં હીરો સૂર્યા સાથે..એના ફાર્મ હાઉસ પર પાર્ટી મનાવવા! તું સંભાળી લેજે એનાં અબ્બુને. એ કલાકમાં સીધી ઘર પાસે પહોંચી જશે, મજા કરીને!" મારા કાનમાં સીસું રેડાયું હતું પણ મેં કાબુ કરી તેને પૂછ્યું કે એ ફાર્મ હાઉસ ક્યાં છે? તે હસીને બોલી, "તું ત્યાં જઈ શું કરીશ? સા#, નામર્દ..! કાયર..જા અહીંથી." તે બધી મારા શરીર પર તુચ્છ નજર ફેંકી ચાલી ગઈ. 


તે રાતે ઝરીનાની પહેલાં ઘરે પહોંચીશ તો એનાં હાલ રફીકચાચા શું કરશે તેમ વિચારી હું તેની રાહમાં મારો ફોન બંધ કરી ઊભો રહ્યો. છાનાં ખૂણે મારી અંદર વસતાં પુરુષે તેને દિલરુબા ગણી હતી ને? રાતે દસ વાગે એક કાર રફીકચાચાના ઘર તરફ જતી દેખાતાં મેં તેની પાછળ કાર દોડાવી. ગલીનાં નાકે અર્ધ બેહોશ અને અર્ધનગ્ન જેવી હાલતમાં ઝરીનાને ઉતારી કાર ચાલી ગઈ. એ લથડિયાં ખાતી હતી. મેં તેને ઊભી કરી એ સાથે તે મને ચોટી ગઈ. બરાબર ત્યારે જ મારી તેની સાથે ગૂમ હોવાની ફરિયાદ લખાવી હોવાથી પોલીસ અને રફીકચાચાની કાર ત્યાં આવી. ઝરીના મારી બાંહોમાં ઝૂલતી હતી. હું રફીકચાચાને કંઈ સમજાવું તે પહેલાં તેણે ઝરીનાને ખેંચી અને મારા એ જ ગાલ પર તમાચો માર્યો જેનાં પર કદીક ઝરીનાએ પણ મારેલો! પોલીસ ઈન્સ્પેકટરે પણ રફીકચાચાને ખુશ કરવા મને આડેધડ મારવાનું ચાલુ કર્યું. ઝરીનાનો નશો હવે ઊતરી રહ્યો હતો. તે બધું સમજી ચૂકી હતી. પોલીસ તેને પૂછી રહી હતી કે તમારી આ હાલત કોણે કરી? તેણે એકવાર મારી તરફ જોયું. તેની આંખોમાં કેટલાંય ભાવ આવ્યાં. નફરત, તેને પ્રેમ ન કર્યાં બદલની, સજા આપવાની ઈચ્છા, તેનાં શરીરને ઠૂકરાવ્યાં બદલની!  તેની ગાળ અને તમાચો ખાઈને પણ તેને પવિત્ર રાખી તે માટેની સજા રૂપે તેણે ઠંડા કલેજે આંખોમાંથી આંસુઓ વહાવી મારા તરફ આંગળી ચીંધી દીધી. 


મારી આંખો એ માનવા તૈયાર ન હતી. મને ભરોસો હતો કે ઝરીના કમસેકમ..! પણ ના, તેની આંગળીની સીધમાં હું હતો અને મારા પર પડતાં મારની પછી મને કોઈ અસર ન હતી. ન કોઈ વિરોધ. હા, હું પુરુષ (મર્દ) ક્યાં હતો? હું તો હતો, નામર્દ અને કાયર..!


જાગૃતિ, 'ઝંખના મીરાં'..




   


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ