વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વલોપાત

 

‘આવતી કાલે કોર્ટમાં જવાનું છે, યાદ છે ને !? ‘ સાંભળતાં જ કેતનનાં હૈયામાં શારડી ફરી વળી. પેટમાં પંતગિયા ઉડાઉડ કરવાં લાગ્યાં. તે ધબ દેતોને ખુરશીમાં બેસી પડ્યો ને તેની આંખો અનાયાસ બંધ થઇ  અને મનચક્ષુ સમક્ષ  એક અતિ પ્યારો ચહેરો ચમક્યોને તેની બંધ આંખનાં ખુણેથી પાણી બહાર આવવાં જોર કરી રહ્યું. 

“યાદ છે ને ? કે પછી ભુલી ગયો છું. “  કેતનને મુંગો જોતાં વચેટભાઇએ તેને ખભેથી હલાવ્યો. કેતન  સમાધિમાંથી જાણે કે  જાગ્યો હોય તેમ હડબડાયો અને ભાઇ સામે બાઘાની જેમ જોઇ રહ્યો.

‘આમ બાઘાની જેમ શું જોઇ રહ્યો છે. તૈયાર રહેજે. હું સવારે લેવા આવીશ.’ વચેટભાઇનાં અવાજમાં ખાસ્સી ચીઢ હતી. કેતનની બુધ્ધિએ ભાઇની વાત સ્વીકારી પણ દિલે સ્વીકારવાનો ઇન્કાર કર્યો. અને તેણે  આશાભરી નજરે વચેટભાભી સામે જોયું પણ ભાભીએ નજર મેળવવાનું ટાળ્યુ. જાણે કે નજર મેળવવાથી પાછી પોતે દિયરની વાતમાં આવી જશે અને ફરીથી મુદત પડશે અને કેસ લંબાંતો જશે! આ જોઇને  તે ઓશિયાળા અવાજે ભાભીને ઉદેશીને બોલી પડ્યો, ’ કશું શક્ય નથી ભાભી! પ્લીજ, ફરીથી તમે છેલ્લો પ્રયત્ન તો કરો !’ તે અટક્યો, થુંક ગળા નીચે ઉતાર્યુ, ‘હું તેનાં વગર નહી જીવી શકું ‘ તેવું  બોલવું હતું. પણ  ભાઇ ભાભી નારાજ થશે એટલે તેણે તેના છોકરાને ઉદ્દેશીને ‘માંરા આ છોકરા મા વગરનાં થઇ જશે!’ ઉચ્ચારી બેઠો.   

પણ આ સાંભળતાં જ વચેટભાઇ ઉભો  થઇ ગયો અને ચાંલવાં લાગ્યો. તો વચેટભાભી કેતન પાસે આવી, બે પળ બાજુમાં સુઇ રહેલાં તેના દિકરાને જોઇ રહી અને પછી છોકરાને માથે હાથ ફેરવતાં બોલી, ‘મન મક્કમ બનાવો કેતનભાઇ. એને જ રહેવું નથી તમારી સાથે અને  છોકરાઓ સાથે, પછી આમાં હું કે તમે શું કરી શકીએ !? કાલે એને છુટ્ટી કરી દો એટલે એ એનું મનગમતું કરી લે ! ’ કહીને તેમણે વિદાય લીધી.

તેમને જતાં જોઇને બહાર .બેઠેલા બહેન-બનેવી અંદર આવ્યા. જો કે તેનું બોલવાનું સાંભળી ગયેલી મોટી બહેન અંદર આવીને કેતન ઉપર વરસી પડી. ‘હજું ય શું  બાકી રહી ગયું છે તે વંતરીને પાછી બોલાવાની વાત કરે છે. તારી છોકરીની ય દયા નથી આવતી. ઉઠાઇ જઇને કંયાક વેચી દીધી હોત તો! ‘ પછી શાંત પડતાં ‘ જો ભઇ અમે તાંરા દુશ્મન નથી. એને પાછી લાવવાનો કેટલોય પ્રયત્ન કર્યો. પણ તેને આવવું જ નથી પછી શું કરીએ! ’ તે અટકી.    

નજીકમાં રહેતાં  કાકા-કાકી-, ફોઇ-ફુવા એક પછી એક અંદર આવીને ગોઠવાવા  લાગ્યા હતાં. તે બધાએ બે’નની વાતમાં ટાપસી પુરાવી અને તેની દયા ખાવાં લાગ્યાં. અને પછી કશા જ સંદર્ભ વગરની વાતો કરવા લાગ્યાં  અને એમ જ  સમય પસાર કરી રહ્યા.! જાણે કે કેતનને સહારો આપી રહ્યાં હતાં.

‘તેને આ બધી સમજણ ના પડે તેવું થોડું હતું! તે હવે કાંઇ  નાનો થોડો હતો! તેની મોટી છોકરી આ વર્ષે બારમાની પરીક્ષા આપવાની હતી. જોને તેણે કેવું ઘર સંભાળી લીધું હતું!! પોતે પણ મક્કમ જ રહેશે, સહેજ પણ ઢીલો નહિ પડે! તેને મારાથી છુટવું છે ને તો પછી તેને છુટી કરી દઇશ. પરાણે બાંધી રાખવાનો કોઇ અર્થ હતો નહી.! ‘ બધા વાતો કરતાં હતા. પણ જાણે કે કેતનને કશું સંભળાતું ન હતું તે તો  પોતાની અંદર ઉતરી ગયો હતો.

નજીકની ફેકટરીનું રાતનાં બાર વાગ્યાનું સાયરન વાગતાં કાકા-કાકી અને ફોઇ-ફુવા ઉભા થયા અને પોતાનાં ઘરે જવાં લાગ્યાં. જો કે જતાં જતાં કેતનને તેઓ  ‘ ભઇ કશાં વિચાર કરીશ નહી.!’ ‘ શાંતિથી સુઇ જજે.!’  ‘ ભગવાન સૌ સારુ કરશે !’  ‘ કાલે હિંમત રાખજે ! ‘ વિગેરે વાક્યો કહેતાં ગયા. બહેન-બનેવી આજની રાત તેની સાથે રોકાવાનાં હતા એટલે બહેને ડબલ બેડનાં પંલગમાં તેની અને બનેવીની સુવાની વ્યવ્સ્થા કરી અને પોતાનાં માટે નીચે ગાદલું નાખ્યુ.

તેણે બે- ત્રણ વખત બે’ન-બનેવીને બાજુનાં રુમમાં જઇને સુઇ જવાનું કહ્યુ. અથવા તો પોતે ચાલ્યો જાય. તેવું  સુચન કર્યુ. પણ ‘ આજે તો આપણે ત્રણેય એક રુમમાં જ સુઇશું’ બહેને જણાવ્યુ. તેની વાત આ લોકો માનશે નહી કેતનને તેની ખાત્રી હતી એટલે પછી વધારે માથાકુટમાં પડ્યાં વગર તેણે બેડમાં લંબાવ્યુ. અને બે’ન – બનેવી  સાથે વાતોથી છુટકારો મેળવવાં ચાદરને માંથા સુધી ખેંચી લીધી. 

તેને ચાદર મોઢે સુધી ખેચીને  સુતો જોઇને બહેન-બનેવી પણ જંપી ગયા. અને થોડી વારમાં તો તેઓ ઉંઘમાં સરી પડ્યા. આનો અણસાર આવતાં કેતને મોઢા ઉપરથી  ચાદર હટાવી લીધી અને બહાર બાલ્કનીમાં  આવીને બેઠો. ખુલ્લી હવામાં આવતા તેને સારુ લાગ્યુ. અને એકાએક જુઇનાં ફુલની સુગંધ તેને વીંટળાઇ વળી, પત્ની વીંટળાતી હતી તેમ જ સ્તો. તેણે ઉંડો.... શ્વાસ લીધો અને જુઇની સુંગંધને પોતાનાં દિલો-દિમાગમાં ઉતારતો રહ્યો જાણે કે પત્નીને પોતાનામાં સમાવતો હોય  અને તે પત્ની સાથે વીતાવેલી પ્રેમાચુર ક્ષણોમાં ખોવાઇ ગયો.

પત્નીને પ્રથમ વખત ગ્યાતિનાં મેળાવડામાં જોઇ હતી. અને જોતાવેંત તેનાં પ્રેમમાં પડી ગયો હતો. મમ્મી-પપ્પાને વાત કરતાં સમાજનાં નિયમ અનુસાર તે બન્નેનાં લગ્નનું ગોઠવાયું હતું. પણ તે  પહેલા કુંટુબીજનો તેને મળી શકે  તે માટે તેને  ઘરે બોલાવવામાં આવી   હતી. ત્યારે તે જુઇનો છોડ લાવી હતી અને તેને કઠેડાની નીચે રોપ્યો હતો. એકાંત મળતાં જ  વીંટળાઇને બોલી હતી :  “ જુઇની સુગંધ મને અતિ પ્રિય છે. તમારુ  જીવન પણ  આ જુઇનાં ફુલનાં સુગંધની જેમ જ મઘમઘાવી  દઇશ. “ અને ખરેખર તેણે બોલેલું પાળ્યું હતું. મારા  શ્વાસમાં   સુગંધની જેમ એકાકાર બની હતી.  અને જેમ વેલ વધતી વધતી છેક ઉપર પહોંચી હતી તેવો જ અમારો પ્રેમ  પણ ઉંચાઇએ પંહોચ્યો હતો.

જો કે તે સમયે તો પોતે   ચુપ રહ્યો હતો પણ તેનો જવાબ લગ્નની પ્રથમ રાત્રીએ આપ્યો હતો. બન્ને જણ  પ્રેમાલાપ કરી રહ્યાં હતાં. અને એકાએક ‘ પોતાને તે કેટલો પ્રેમ કરે છે’ તે પુચ્છ્યું હતુ.   જવાબમાં તેણે હાથ પહોળો કરીને બતાવતાં જ પત્ની તેને વળગી પડી  હતી. પણ પછી દુર ખસતા   બોલી હતી :   ‘ રહેવા દો હવે  આ પ્રેમની વાત.  તમારી પુરુષ જાત તો  પત્ની મરી જાય કે અઠવાડિયામાં જ બીજીનાં સ્વપ્નાં જોવાનાં ચાલું કરી દે. પ્રેમ તો અમે સ્ત્રીઓ કરી જાણીએ. કાં તો જીવ આપી દઇએ કે પછી આખું જીવન એકલાં વિતાવી દઇએ’ અને ત્યારે તેણે પત્નીને વચન આપ્યું હતું કે પોતાનાં જીવનમાં તેના સિવાય કોઇ સ્ત્રી આવશે નહી. તથા પડકાર પણ ફેંક્યો હતો કે ’ તારી માન્યતાંને હું ખોટી પાડીને જ રહીશ’ ને ત્યારે પત્ની ઉપાંલભભર્યુ હસી હતી. તેનું  હાસ્ય તે આજે પણ ભુલ્યો ન હતો.

‘જો હું સાચો પડ્યો છું ને ? તારા સિવાય અન્ય સ્ત્રી મારા જીવનમાં પ્રવેશી નથી ! ચલ હવે મારા પ્રેમની પરીક્ષા કરવાની રહેવા દે અને નજીક આય. ‘ બોલતા કેતને જોસથી પોતાનો જમણો હાથ ખેંચ્યો જે ઝડપથી પાછો આવ્યો અને તેની છાતીએ વાગતા તે વાસ્તવિક્તામાં પાછો ફર્યો. તે શરમાયો. અને પછી પોતાનો બબળાટ  કોઇ સાંભળી તો નથી ગયું ને તેની ખાતરી કરવાં તેણે બેડરુમમાં નજર કરી. બે’ન બનેવીને શાંતિથી સુતાં જોઇ તેણે હાશ અનુભવી. તેણે રુમનો દરવાજો બંધ કર્યો અને વિચારોનાં વ્રુંદાવનમાં લટાર મારવાં નીકળી પડ્યો.     

આજકાલ કરતાં તેનાં લગ્નને વીસ વર્ષ  થવા આવ્યાં હતા. કેતન ચાર ભાઇબહેનમાં સૌથી નાનો. સૌથી મોટી બહેન અને ત્યાર પછી ત્રણ ભાઇઓ. ઘરની પરિસ્થિતિ નબળી. એટલે મોટા બન્ને ભાઇ –બહેને ઝડપથી નોકરી શરુ કરી દીધેલી. પછી તો બન્ને ભાઇનાં લગ્ન થવાથી ઘર સાંકડુ પડવા લાગ્યું એટલે ઉપર બીજો માળ કરાવ્યો હતો. પણ પછી તેનું લગ્ન થતા અને ભાઇઓનાં ત્યાં પણ બાળકોનાં આવવાથી ઘર વધારે સાંકડું પડવા લાગ્યું હતું. તેમાં વળી, મહેમાનોની અવર-જવર તો ચાલુ હોય એટલે  પછી રાજીખુશીથી  બન્ને ભાઇઓએ    તે જ શહેરમાં પોતાનાં મકાન લીધાં અને અલગ રહેવા ગયાં. પણ નાનાં મોટા તહેવાર હોય કે પછી દિવાળી અને ઉનાળાનાં વેકેશનમાં તો આ ઘરે જ ભીડ રહેતી. મમ્મી-પપ્પા જીવ્યા ત્યાં સુધી આ ક્રમ એકધારો સચવાતો  રહ્યો.

તે વખતે ઘરમાં જે ધમાલ-મસ્તી-તોફાનો ચાંલતાં. અવાજોનું ઘોડાપુર આંવ્યાં કરતું. ઘરમાં એટલી તો ભીડ રહેતી જાણે કે મેળો ના ભરાયો હોય ! જમવાની વાતથી લઇને દરેક  વાતમાં પડાપડી, ઝુંટાઝુંટી ચાલતી. મારા બેટા છોકરાઓ મારો બેડરુમ પચાવી જ પાડતાં. મારું જ ઘર તો પણ સુવા માટે મારે જગ્યા શોધવી પડતી. પત્ની તો બન્ને જેઠાણી સાથે આખી રાત વાતોનાં તડાકા લેતી રહેતી. અને મારે ગમે ત્યાં જગ્યા કરીને સુવાનું રહેતું.     

કેતનને પોતાનાં  રુમમાંથી ભાણિયા- ભત્રીજાઓની બુમાબુમ સંભળાવાં લાગી. તો નીચેનાં રુમમાંથી બન્ને ભાભી, બહેન તથા પત્નીનો ખડખડાટ હસવાનો અવાજ મનને તરબતર કરતો રહ્યો. તો પહેલા રુમમાંથી મા-બાપનું નસકોરા રિધમ સંભળાવા લાગ્યું. રાતનાં બે વાગ્યાં હતા. તે સુવા ઉપર આવ્યો. જોયું તો    પંલગમાં બન્ને ભાઇઓ તથા બનેવી  ફેલાઇને સુતા હતાં. કેતને તેમને ડિસ્ટર્બ કરવાનું યોગ્ય ના સમજ્યું. પલંગની બાજુમાં નીચે સુઇ જાઉ પણ ત્યાં તો બેગ તથા થેલા વિખરાયેલાં પડ્યાં હતા. કેતન બાલ્કનીમાં આવી ખુરશી ઉપર ગોઠવાઇને ટીપોય ઉપર પગ ટેકવ્યાં  અને માંથા તથા શરીરને એક બાજું ઢાળ્યું. થોડી વારમાં પત્ની હાથમાં ચાદર લઇને આવી પહોંચી અને તેના ઉપર ઓઢાળી. તે સફાળો જાગ્યો અને પત્નીને જોતાં જ તેને બાહુપાશમાં લીધી અને બન્નેનાં અધરો એક થયાં ના થયા અને પત્ની તેને ધક્કો મારતી બોલી ‘ શરમાંતા નથી કોઇ જોઇ જશે ‘ પોતે પકડે તે પહેલા   નીચે ભાગી. 

‘અત્યારે જાણે કે ઘરમાં સુવાની જગ્યા નથી એટલે   ઉપર આવીને ખુરશીને  જ પલંગ બનાવી દીધો હોય તેમ તેણે પોતાને બેઠેલો જોયો અને પગને ટીપોઇ   ઉપર મુંક્યા અને માથાને તથા શરીરને એકબાજુ સંકેલ્યું અને આંખો બંધ કરી રાહ જોવા લાગ્યોં, હમેશની જેમ  હમણા પત્ની તેને ચાદર કે પછી તેનો દુપટ્ટો કે પછી સાડી  ઓઢાળવાં આવશે   અને પોતે આ તકનો લાભ લઇને તેને હળવેથી આલિંગન આપશે! તે એમ જ પડ્યો રહ્યો  પણ ખાસ્સી વાર સુધી હલચલ ના સંભળાતાં તેણે આંખ ખોલી. વાતાવરણમાં ભારેખમ શાંતિ હતી. તેને વર્તમાન પરિસ્થિતિ  સાથે તાલ મેળવવામાં થોડી ક્ષણો લાગી. તેણે ઉંડો નિસાસો નાંખ્યો અને ફરીથી ભુતકાળ સાથે અનુસંધાન સાધ્યું. 

ઘરમાં તે સૌથી નાનો તથા  મમ્મીનો લાડકો એટલે નાંણાકીય મુશ્કેલીઓ તેનાં સુધી પહોચેલી નહી. ઉંપરાત   ઘરમાં સૌથી નાનો હોવાથી આ ઘર પણ વારસામાં તેને મળેલું.    બન્ને ભાઇઓ  અલગ રહેતાં. એટલે ઘરમાં તે તેની પત્ની અને મમ્મી-પપ્પા. એમ ચાર જણ રહેતા. નીચેનો ભાગ મમ્મી-પપ્પા માટે , મહેમાનો માટે, તથા ત્રણેય મોટા ભાઇ-બહેનો અને તેમના સંતાનો માટે  વપરાતો . જ્યારે  ઉપરનાં બે –રુમ  તેઓ વાપરતા. તેનાં લગ્ન વખતે જ આ નક્કી કરેલું. એટલે તો તે આ ડબલ બેડ લઇ આવેલો. તેણે અહીથી રુમમાં દેખાતાં ડબલ બેડ સામે જોયું અને નિસાસ્સો નાખ્યો. જો કે રાત્રિ વખતની પ્રણયભીની વાતો અને મસ્તી યાદ આવતાં પાછો તે રોમાંચિત થઇ ઉઠ્યો.!

પોતાની પત્નીને તે ખુબ ચાહતો ! ઘરમાં અને બહાર બધાએ તેનું નામ વહુ ઘેલો પાડેલું. અને તે હતો પણ ઘેલો, પત્ની પાછળ  જ સ્તો ! વચેટ ભાઇનાં લવમેરેજ હતા. જ્યારે પોતાનાં  તો મેરેજ-લવ હતા.તેમ તે બધાને કહેતો. લગ્ન પહેલાં  બન્ને ભાભીઓને તે ખીજવતો,   ‘ ભાઇ તો તમને શું પ્રેમ કરે છે. જો જો ને મારી વહુને તો હું એટલો પ્રેમ કરીશ, કે તેવો કોઇએ કર્યો નહી હોય.! ’

પત્નીને કશી મુશ્કેલી પડવા દેતો નહી.તેનો પગાર બન્ને ભાઇઓ કરતા ઓછો હતો છતાં બન્ને જેઠાણીઓ કરતાં તેની પત્ની મસ્તીથી રહેતી. અરે! વચેટ ભાભી તથા પોતાની બહેન તો નોકરી કરતાં હોવા છતાં  તેની પત્નીનો રુવાબ જોવા જેવો રહેતો! . ફિલ્મમાં કે વાર્તામાં લગ્ન પછી હીરો પોતાની પત્નીને જેમ હથેળીમાં રાખતો હોય છે તેવી રીતે તેણે પત્નીને રાખી હતી!! ‘ અને છતાંય તે અત્યારે મારાથી દુર જ્વા માગે છે!! ? ‘ તેનાં માટે આ વાત સ્વીકારવી જ અઘરી હતી. વ્રજઘાત સમાન હતી. ઉપર કહ્યું તેમ   દિમાગ  હા પાડતું  હતું પણ દિલ ના પાડતું હતુ! તે  તેની પત્નીને અતિશય ચાહતો હતો  તેવું તેમનાં લગ્નજીવનને જોનારા લોકો સાક્ષી પુરતા હતા. જ્યારે જેણે તે પ્રેમની છલકનો અનુભવ કરેલો તે તો બધુંય ભુલીને સામે પાટલે બેઠી હતી.! તેણે નકારમાં માંથું ધુંણાવ્યું. જાણે કે આ વાત ખોટી હોય !

પરંતુ વાત સત્ય હતી તે કોર્ટનાં આંટાફેરાથી સમજાઇ હતી. પણ વાંક શું હતો.? તે તો કહે ? તને ગાંડાની જેમ પ્રેમ કરવાની આ સજા હતી ? અને જો હા, તો મને આ સજા પણ મંજુર છે ? બોલ, હવે તો ખુશ છે ને ? મારી રુદય સમ્રાટીની.

તેને પ્રથમ વાર જોતાં જ તેનાં પ્રેમમાં પડી ગયેલો. પણ તેના માબાપની પરિશ્થિતિ અંત્યત નબળી. એટલે પપ્પાની અનિચ્છા. પણ મમ્મી આગળ તેમનું ચાલેલું નહી.  આમ, પણ મમ્મીને હું અંત્યત વહાલો. એટલે હમેશા મારાં પ્રત્યે પક્ષપાત વધારે કરે.   જો કે પાછળથી તો પપ્પા પણ માની ગયેલા. અને ધામધુમથી લગ્ન કરાવી આપેલા.તે ખુબ જ સુંદર. કમર સુધી પહોંચતા તેનાં વાળ એકદમ કાળા અને જથ્થાબંધ. અને હાસ્ય તો એટલું સુંદર કે સામેવાળાને પોતાનાં તરત જ કરી દે. પિયર સામાન્ય. એટલે ખાવા-પીવામાં તથા પહેરવા-ઓઢવામાં કસર કરવાની હોય એટલે સુંદરતા દેખાય નહી. પણ, પછી અહી મારાં ઘરે ટેન્શન વગર રહેવાનું આવ્યુ ત્યારે તેની સુંદરતા વધારે નિખરી હતી. પોતે તો આમ પણ તેની પાછળ પાગલ હતો અને હવે તો વધારે પાગલ થઇ ગયો હતો.!

એકલી મારી જ શું કરવાં ઘરમાં બધા જ તેને કેટલો પ્રેમ કરતાં હતાં. મારી સાથે પ્રથમ વખત વાત કરવાં આવી ત્યારે ડ્રેસનાં ઠેકાણાં ન હતા. એટલે તો વાત નક્કી થઇને એવું જ મોટા ભાભી તેને લઇને દુકાનમાંથી સારા ડ્રેસ ખરીદી આપેલા. તો પહેલી ડિલીવરી વખતે પણ મારી મમ્મી એ તેને પિયર જવા ન હતી દીધી. ‘ કેતનિયા તે ત્યાં જઇને ખાશે  શું ?તેનાં ઘરે તો હાંડલા કુસ્તી કરે છે !. ‘ જો કે ત્યારે મોટી  બહેને સમાજવાળા વાતો કરશે, એનાં  કરતા ડિલીવરીનો બધો  ખર્ચો તેનાં માબાપને આપી દઇએ’ આવું કહેવા પાછળનું મોટી બહેનનું કારણ પત્નીની કામચોર વ્રુતિ હતી.  જો કે મમ્મી તો તેની આ રુપાળી વહુંનાં મીઠાસમાં ભોળવાયેલી હતી એટલે તેને પિયર ન હતી જવા દીધી   અને પછી અહી જ ડિલીવરી કરાવેલી ! તેને તો ભાવતું હતુ અને વૈદે કહ્યું તેવું બન્યું હતું. જો કે તેમાં મારી પણ ઇચ્છા ફળીભુત થયેલી. એક દિવસ પણ તેના વગર હું રહી ના શકું તે બે મહિના કેવી રીતે કાઢત ! ‘ થેંક્યુ મમ્મી ‘ તે ઉપર જોઇને બોલ્યો.  જો કે  સાસરી હોવા છતા   પત્ની ધરાર ત્રણ  મહિને પંલગમાથી નીચે ઉતરેલી. બિચારી પાસઠ વર્ષની મમ્મી બધુ કામ કરતી હતી પણ  તે  વાતને લઇને મે   એક શબ્દ પણ પત્નીને કહ્યો હોય તો? સારુ થયું મમ્મી કે તેની આ મોઢે ચઢાવેલી વહુનાં અપલક્ષણ જોવા જીવતી નથી રહી. નહી તો આ આઘાતથી જ મરી જાત! કેતનનાં મ્હો ઉપર પીડા ઉપસી આવી અને   ઉપર આકાશમાં જોતાં હાથ જોડ્યાં અને  પોતાની માની  માફી માગી રહ્યો. થોડી ક્ષણો એમ જ પસાર થઇ.

ફરી પાછો તે વલોપાતે ચઢ્યો.

ભાભીઓ સાચું  જ કહેતી હતી : ’ મમ્મીએ અને મે તેને  મોઢે બહુ ચઢાઇ મારી હતી ’ જો કે ત્યારે તો બન્ને ભાભીને મારી વહુની અદેખાઇ આવે છે એમ કહીને તેમને ધુત્કારી નાખેલી. મોટા ભાભીનું તો એવું અપમાન કરેલું કે તેઓ તો મમ્મી-પપ્પાનાં મરણ પછી અહી ઘરે આવવાનું જ બંધ કરી દીધુ. પણ તેમની મોટાઇ તો જુઓ, જ્યારથી આ બધું ચાલ્યું છે ત્યારથી દિકરીને તો તેમની પાસે જ રાખી છે જેથી તેની ઉપર ખરાબ સંસ્કાર ના પડે!! ઘરનાની સાથે  જેને કારણે બગાડ્યું. ‘ હવે તે જ મારી સાથે બગાડી રહી છે!  બધી બાજુથી એકલો કરી રહી છે.!’ કેતને નિસાસો નાખ્યો અને ખુરશીને સહેજ આગળ ખસેડીને રેલિંગ પર પગ ટેકવ્યા. કુતરાનાં ભસવાનાં અવાજે તે વર્તમાનમાં રહ્યો પણ શાંતિ સ્થપાંતા પાછો તે   અતીતમાં ખોવાઇ ગયો.

હું ના પાડતો હતો તો પણ જીદ કરીને, ‘ મારો બપોરનો સમય નથી જતો’ કહીને શીવણ અને પછી બ્યુટીપાર્લરનો કોર્ષ કરવા ગઇ. અને પછી તો ગઇ એ ગઇ.!! પાછું વાળીને ના જોયુ. બધા મને કહેતાં હતા પણ મારી આંખે તો પ્રેમનાં મોતિયા-બિંદુ  આવેલાં   હતા. એટલે કશું દેખાયું જ નહી. તેનાં લોભામણા હાસ્યમાં પટાતો રહ્યો ને દુનિયા માટે હાસ્યાસ્પદ બનતો રહ્યો. તેની ભુલો પર,  ખોટા કામો પર ઢાંકપિછોડો કરતો રહ્યો. તેને બચાવતો રહ્યો અને તો ય તેને માટે હું નકામો બની ગયો અને પેલો વહાલો બની ગયો.!!? ‘

હદથી બહાર તે જઇ રહી હતી  ત્યારે તેણે  એક દિવસ પત્નીને પુચ્છ્યુ હતું “  પેલામાં તે શું જોઇ ગઇ છે? નથી તે મારા જેટલો દેખાવડો, કે નથી મારા જેટલું કમાતો કે નથી તેનું ઘર મારા ઘર જેટલું સમાજમાં આગળ પડતું. અરે! આ વાત જવા દે, પણ  તો  તું  બે સંતાનની માતા છે,અને તેમાય એક તો  જુવાન થતી છોકરી છે  તેની સામે તો જો. કાલે ઉઠીને તેનાં પર કેવાં  સંસ્કાર પડશે ! ભવિષ્યમાં તેનાં લગ્ન માટે સારા ખાનદાન ઘરનો છોકરો  મેળવવો મુશ્કેલ પડશે. એક મા તરીકે તો છોકરાઓનો વિચાર તો કર !!’ પણ ધરાર તે  માની ન હતી.  તે પેલા છોકરાને છોડવાં  જ તૈયાર ન હતી. તેની સાથે દુ;ખ પડે તો દુ:ખ પણ્ણ તે ભોગવવા માટે તૈયાર હતી! આ તે કેવો પ્રેમ !! ! કેતનને સમજ પડતી ન હતી. તેને આશ્ચર્ય થતું હતું ! તે વિચારતો કે, માનવીનું મન કેવું છે કે બધું સુખ છે તેને તરછોડીને તે દુ;ખ ભોગવવા તૈયાર થાય છે! સોનાનું સિહાસન છોડીને કથીરને બાથો ભરવાં જાય છે!? પણ પછી પોતાનું વર્તન યાદ આવતાં તે શરમાયો. તે પણ પત્નીનાં પ્રેમમાં પાગલ હતો ત્યારે તેને પણ સારા, ખરાબ ની ક્યાં કશી સમજણ પડતી હતી.! 

ફરી પાછો તે પત્નીની યાદોનાં વનમાં લટાર મારવા નીકળી પડ્યો.

પણ તેને આ બધી ક્યાં પડી હતી! તે તો પેલા છોકરાનાં પ્યારમાં પાગલ હતી. ભુલી ગઇ હતી કે પોતે બે છોકરાની મા છે. તેને પોતાનાં પ્રાણથીય વધારે ચાહનારો પતિ છે. મોટા ભાઇ-બહેનની હુંફ આપનાર જેઠ-જેઠાણી છે  બહેનની ખોટ પુરનાર નંણદ છે. તેને પ્રેમ કરનાર ભત્રીજા-ભત્રીજી તથા  ભાણેજ છે.  સાસરી પક્ષનો સમાજમાં માન-મોભો છે.અને અગત્યનું તે કે તેને અહી જેટલું માન- મળ્યું તેવું ત્યાં  નથી મળવાનું ! પણ તેણે  તો  બધું જ વિસારે પાડ્યું હતુ. અને દિવસે અને દિવસે નફ્ફટ બનતી હતી. અને ઘરનાઓનાં મનમાં નફરત ઉગાડતી હતી. 

પેલા છોકરાનાં દોરવ્યા પ્રમાણે છેલ્લાં ત્રણ વર્ષમાં તો ઘરનાં બધાને હેરાન-પરેશાન કરી મુક્યા હતા.  પોલીસ સ્ટેશનનાં ધક્કા વધી ગયાં હતાં. સમય –કસ્મયે પોલીસ આવીને ઉભી રહેતી. કલમ 497 પોલીસ કેસમાં ઘરનાં નાના મોટા બધા હેરાન-પરેશાન થઇ ગયા હતા. અને બાકી હતું તે છેલ્લે તેણે પુરું કર્યું હતુ. માંરા ફુલ જેવાં  નાના દિકરાને પણ છોડ્યો ન હતો અને ડરાવી –ધમકાવીને તેનાં અપહરણનો કેસ મુકી મને જેલની કોટળીમાં રાતવાસો કરાવ્યો હતો. જો કે આભાર, સોસાયટીવાળાનો કે બધાએ માંરા નિર્દોષ હોવામાં સમંતિ આપી હતી અને બચાવ્યો  હતો. પણ આ બનાવ પછી તો મોટી દિકરી તો તેને નફરત કરતી થઇ ગઇ  હતી.તે જ ખાસ પાછળ પડી હતી. તેને છુટી કરી દેવાં ! જેથી આવી ‘મા’ થી પોતાનો  છુટકારો થાય.  ‘અરરર...  તું તો કેવી માં છે કે, તારું સગુ લોહી  તને દુંખી, હેરાન થતી જોવાં ઇચ્છી રહ્યું છે !!   તેણે ઉંડો નિસાસો નાખ્યો.

જો કે ક્ષણ બે ક્ષણ તે વાસ્તવિકતામાં રહ્યો. અને પાછો ફરીથી ભુતકાળમાં ખોવાઇ ગયો. અને બબડવાં લાગ્યો, ‘  છોકરો નાનો છે એટલે તેને ‘મમ્મી ’ જોઇએ છે ? પણ તેને કેમનો સમજાવું કે,’મમ્મી  તો તેની  નવી દુનિયામાં ખોવાઇ  ગઇ છે!’ જો કે તે પણ મારી જેમ હજુ આશા રાખીને બેઠો છે કે તું જરુરથી પાછી આવીશ. ‘કાંઇ નહી તો દિકરાને ખાતર તો પાછી આવ.! હું તો આ બધું ભુલી જવાં તૈયાર છું. અરે, ભુલી ગયો જ છું.! તારી બધી ભુલોને માફ કરવાં તૈયાર છું. પહેલાની જેમ જ તારી આરતી ઉતારીશ. મારાં હૈયાની રાણી!!

અને આમ, જ સવારો સવાર પત્ની સાથે વાતો કરતો રહ્યો. જાણે કે પોતાને હૈયાધારણ આપતો હોય  કે પછી આવનારા સમય માટે પોતાની જાતને મક્કમ કરતો હોય,   શું ખબર !?

 

- અન્નપુર્ણા મેકવાન 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ