વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બસ હવે બસ..!


"અરે અજીત, જીદ શું કરવાની? આપી દે બેનને. નાની બેન છે તારી! તું મોટો છે ને ભાઈ પણ!" માનાં શબ્દોમાં સમજાવટ ઓછી, હુકમ વધુ હતો. એ બોલીને રસોડામાં ચાલી ગઈ. મારી બહેન અંજલિનાં ચહેરે પોતાની જીદ પૂરી થયાનું સ્મિત પથરાયું. તે મારા બનાવેલ ટ્રેન અને ટ્રક તોડી ઢીંગલી-ઢીંગલો બનાવવા લાગી.


નવ વર્ષનો હું મોટો અને છ વર્ષની અંજલિ નાની, એ ગણિતનો નાનકડો ભેદ આટલો મોટો કેમ હશે તે વિચારી હું ચૂપચાપ બહાર નીકળી ગયો. 


"અજીત, અંદર આવ!" પપ્પાએ ડોળાં કાઢી મને ધમકાવ્યો. મારી ગલીમાં મારી ઉંમરની છોકરીઓ વધારે હતી, છોકરાં બે જ. એમાં રસેશ આજે બહાર ગયો હતો. હું છોકરીઓ સાથે રૂમાલદાવ રમતો હતો. પપ્પાનાં હાવભાવ જોઈ બધી છોકરીઓ ખી..ખી..હસવા લાગી, સિવાય કે આસ્થા! તેણે મને કહ્યું હતું, "અજીત, તું અમારી સાથે રમતો હતો એટલે કાકા ગુસ્સે થયાં. હવે ન આવતો. તું છોકરો પણ છે અને મોટો પણ."


દસ-અગિયાર વર્ષની છોકરીઓ પાસે હું બાર વર્ષનો મોટો! હું ફરી આ અઘરું ગણિત પચાવી ગયો.


આવી કેટલીય ઘટનાઓમાં હું છોકરો હોવાથી મારે શું કરવું, શું ન કરવું, તે નિયમો શીખવાતાં. ક્યારેક મા, પપ્પા તો ક્યારેક શાળાનાં શિક્ષકો, ક્યારેક ઉંમર સાથે જેણે હૃદયનો એક ખૂણો રોકી લીધો હતો, એવી આસ્થા!  


મેં આખરે કોલેજનાં છેલ્લાં દિવસે કહી દીધું,"આસ્થા, બહુ ચાહું છું તને! તારી જગ્યા જીવનમાં કોઈ નહીં લઈ શકે."


એ શરમાઈને નીચી નજર કરી ચાલી ગઈ. મારાં બત્રીસે કોઠે દીવાં પ્રગટ્યાં. તે પછીના રવિવારે આસ્થાનાં ઘર પાસે બે કાર ઊભી હતી. હું કશું વિચારું તે પહેલાં અંજલિ બોલી, "ભાઈ, આસ્થાદીદીની સગાઈમાં જઈએ છીએ અમે. તમે?"


મારો ફિક્કો પડી ગયેલ ચહેરો જોઈ અંજલિ જાણે નાનપણવાળું હસી! જે મારી ધૂંધળી આંખોએ આંસુઓ રોકવા નજરઅંદાજ કરી દીધું.


મા પાસે જઈ ખોળામાં માથું મૂકી રડવાની ઈચ્છા થઈ આવી. ત્યાં મા તૈયાર થઈ બહાર આવીને બોલી, "તારા કારણે આસ્થાનું એમ.કોમ. ન થયું અને સગાઈ કરી નાખી. શરમ ન આવી તને પાડોશીની, પરનાતની દીકરી પર નજર બગાડતાં! આ તો મેં માફી માંગી લીધી બાકી..!" મા બબડાટ કરી ચાલી ગઈ. 


"હવે કોલેજ પૂરી થઈ. નોકરી શોધો તમે. પુરુષ છો, કમાવું પડશે તો કોઈ છોકરી હા કહેશે. જોયું ને સામે? બે લક્ઝરિયસ કાર ઊભી છે." પપ્પાએ દાઝ્યા પર ડામ દઈ ચાલતી પકડી. મેં આસ્થા સાથે કોઈ ચોખવટ ન કરવાનું નક્કી કર્યું. 


મારા સારા નસીબે મને પપ્પાએ સીએ થવાં ભણવાની છૂટ આપી. ચાર વર્ષ પછી મને ઉંચા પેકેજની જૉબ મળી ગઈ. 


મારાથી ઓછું ભણેલી, દેખાવે તદ્દન સામાન્ય  વૈભવી સાથે માત્ર એ કારણથી મારા લગ્ન કરાવાયાં કે તેનાં પપ્પા ઓઇલ મિલનાં માલિક હતાં! ભીતર એક શુષ્કતા આવી ગઈ. 


મા-બાપની ઘરે રાજમાં જીવેલી  વૈભવીએ થોડાં જ દિવસમાં ઘરમાં ઝઘડા ચાલુ કર્યાં. હવે રોજ જૉબ પરથી આવી હૉલમાં પપ્પાનો, રસોડામાં માનો, ટેબલ પર અંજલિનો અને બેડરૂમમાં વૈભવીનો બળાપો, ઉકળાટ સાંભળવા પડતાં હતાં. 


વર્તમાનપત્રોમાં, સમાજમાં, ચલચિત્રોમાં, વાર્તાઓમાં માત્ર સ્ત્રી શોષણ જ બતાવાયું છે. પુરુષ થોડો પીડિત હોય? જો હોય તો તે બાયલો ગણાય!


એક સાંજે બેંકેથી આવ્યો ત્યારે ઘરનો ઝઘડો દિવાલના પડળ ચીરીને બહાર હતો. વૈભવી મને છૂટાછેડાની ધમકી આપી પોતાનાં બાપની ઘરે ચાલી ગઈ. મમ્મીએ સ્વભાવગત રોકકળ કરી. અંજલિનાં ચહેરે નાનપણનું વાંકુ સ્મિત અને પપ્પા બોલ્યાં, "ભાયડો થઈ રોકી ન શક્યો, ઘરવાળીને?" 


મારા મન પર વર્ષોની થકાવટનો ભાર લાગ્યો. મારા મનમાં એક આક્રોશ ઊઠ્યો.. કેમ મારી સાથે જ..!  મોઢામાંથી પહેલીવાર  બળાપા રૂપે એટલાં જ શબ્દો નીકળ્યાં, "બસ....હવે બસ..!"

     

 

 


 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ