વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાંઈ નાસ્તા હાઉસ

સાઈ નાસ્તા હાઉસ 

સાંઈ નાસ્તા હાઉસ 

ઑફિસના ટેબલ ઉપર પડેલો મારો ફોન એકાએક રણકી ઊઠ્યો. 

"આજે ઘરે થોડા વહેલા આવી જજો, બહાર જમવા જવાનું છે." 

મેં કહ્યું "વાંધો નહીં પણ હું થોડો મોડો પડીશ કેમ કે ઑફિસમાં આજે થોડું વધુ કામ છે."

"ઓકે. વાંધો નહીં જેમ બને એમ જલદી કરજો." આટલું કહી મારી પત્નીએ ફોન કટ કર્યો.

મેં ઑફિસની ઘડિયાળ પર નજર નાખી તો હજુ સાત વાગવાને ઘણીવાર હતી. ફટાફટ હું મારું કામ પૂરું કરવા લાગ્યો. જલદી કામ પૂરું થશે તો વહેલો નીકળી જઈશ એવું મનોમન વિચારવા લાગ્યો. બરોબર ૬: ૩૦ વાગ્યે મારું બધું કામ પૂરું થયું. ને તરત જ ઘરે જવા નીકળ્યો. ગાડી ચાલુ કરતા કરતા મેં ઘરે ફોન કર્યો "તું તૈયાર રહેજે, હું ઑફિસથી નીકળી ગયો છું."

ઘરે પહોંચતાની સાથે જ એની એ માથાકૂટ ચાલુ થઈ કે શું જમવા જઈશું ? અને અંતે છેલ્લે એ નક્કી થયું "પંજાબી કુલચા" ખાવા જવું છે.

"સાંભળો છો ? આપણી બાજુમાં જ હમણાં થોડાં સમય પહેલાં જ એક સરસ પંજાબી હોટલ ખુલ્લી છે. ત્યાં જમવા જઈશું."

મેં કહ્યું "સારું.... પણ આપણી બાજુમાં તો એક પણ પંજાબી હોટલ નથી. હમણાં થોડાં દિવસોમાં ખુલ્લી હોય તો ખબર નહીં, ચાલ ત્યારે ત્યાં જઈશું. મને બતાવજે."

"તો જલદી કરો બહુ ભૂખ લાગી છે."  

મારા ય પેટમાં ઉંદર કૂદી રહ્યા હતા. અમે બંને હોટલે પહોંચ્યા. અચાનક જ મારા મનના વિચારો દોડવા લાગ્યા. મેં કહ્યું "આ હોટલે તો હું ઑફિસના મિત્રો સાથે કોરોના પહેલાં ઘણીવાર જમવા આવ્યો છું, અહીં પેલા "સાંઈ નાસ્તા હાઉસ" નામની હોટલ હતી. ચાર સભ્યોનો મરાઠી પરિવાર આ હોટલને સંભાળતો હતો. જે ઘણા સમયથી અહીં જ રહેતાં હતાં. એક કાકા - કાકી અને તેમના બે દીકરા આ હોટલને સંભાળતા. ઘણીવાર અમારી પાસે પૈસા ન હોય તો પૈસા વગર પણ જમવાનું પીરસી આપતા."

"હશે ચાલો, હવે અત્યારે જમવાનું મંગાવો મને બહુ ભૂખ લાગી છે."

ઓર્ડરનું અંગ્રેજી મેનું મારા હાથમાં લઈ મેં વેઈટરને સાદ પાડ્યો "ભાઈ ઓર્ડર લઈ લેજો."

"જી સાહેબ બોલો."

"ભાઈ એક આલુ ગોબી કૂલચા અને એક ચીજ સાથે સ્પેશ્યલ આલુ ગોબી કુલચા બનાવી આપો. અને હા ભાઈ અહીં પહેલાં "સાંઈ નાસ્તા હાઉસ" કરી જે હોટલ હતી એનું શું થયું ?"

"એ તો.... સાહેબ થોડાં સમય પહેલાં જ બંધ થઈ ગઈ અને આ પંજાબી હોટેલ ચાલુ કરી."

"વાંધો નહીં. જલદીથી મારો ઓર્ડર બનાવી આપો." ભૂખ ભરેલા આવાજ સાથે હું બોલ્યો.

"જી સાહેબ..."

લગભગ દસ મિનિટ પછી અમારો ઓર્ડર તૈયાર થઈને આવ્યો. અમે બંનેએ શાંતિથી જમવાનું પૂરું કર્યું અને મારી આદત અનુસાર હું થાળી ધોવાની જગ્યા પર થાળી મૂકવા ગયો. ત્યાં મારી નજર એક સ્ત્રી ઉપર પડી. મારી નજરને પણ વિશ્વાસ ન આવ્યો એ સ્ત્રી એ જ હતી જે પોતાના પતિ સાથે અને પોતાના બે બાળકો સાથે "સાંઈ નાસ્તા હાઉસ"ની હોટલને સંભાળતી હતી. હાલમાં જે એક પછી એક થાળી ધોય રહી હતી. કરચલી ભરેલા હાથ જાણે પોતાનું દુઃખ ધોઈ રહ્યાં હોય એવું લાગતું હતું. મેં થોડું નજીક જઈને પૂછ્યું "કાકી ઓળખો છો...? તમે અહીં અને આ કામ કરો છો ?"

આંખોમાં ચારેય બાજુ કાળાં કૂંડાળાં પડી ગયાં હતાં. આંખોના ખૂણાનાં ભાગમાં જાણે આંસુનો દરિયો ભરીને બેઠીલી એ સ્ત્રીએ મારી તરફ મોઢું ફેરવીને જોયું અને હળવેથી બોલી. "અરે સાહેબ તમે હજુ સુધી અહીં જ છો ? કંપની બદલાવી નહીં ? તમારા મિત્રો દેખાતાં નથી એ બધાએ કંપની બદલાવી કે શું ?"

મેં કહ્યું "ના. કેમ કે હવે હું મારી પત્ની સાથે અહીં જ રહું છું અને ઘર પણ પોતાનું લઈ લીધું છે એટલે હવે કંપની બદલાવીને પુને કે બેંગ્લોર જવાની જરૂર નથી. કોરોનાની શરૂઆત થતાં જ અમે બધા ઘરે જતા રહ્યા હતા અને ઘરેથી જ કામ કરતા. મારા ઘણા બધા મિત્રોએ અત્યારે કંપની બદલી નાખી છે, મેં બદલાવી નથી. પણ તમે કેમ અહીં આવું કામ કરો છો, તમારી તો પોતાની જ હોટલ હતી ને ?"

દર્દ ભરેલો અવાજ સાથે એ સ્ત્રી બોલી "હા સાહેબ ! પણ કોરોના સમયે બંધ કરવી પડી. અને હવે હોટલ સંભાળે તેવું કોઈ રહ્યું નથી. માથે ઘણું બધું દેવું વધી ગયું તો કાકાએ અમને કોઈને પણ જાણ ના થાય એમ આત્મહત્યા કરી લીધી હતી. બંને દીકરા ક્યાં સાથે રહે છે. એક દીકરો તો દેવું કરી ઘર છોડી પહેલાં જ જતો રહ્યો હતો. એક દીકરો લગ્ન કરી તેની પત્ની સાથે રહેવા લાગ્યો, અને છેલ્લે વધી હું એક તો મને આ જગ્યા છોડવાનું મન થતું નથી. કારણ કે એમણે આ જગ્યાને પોતાની બનાવી હતી. હોટેલના બચતા ભાગમાંથી બંને છોકરાઓને ભણાવ્યા હતા. અને અમારો ઘર સંસાર ચલાવતા હતા. હવે સાથે કોઈ નથી તો અહીં જ કામ કરું છું અને રહું છું. જે પૈસા મળે એમાંથી પોતાનું ગુજરાન ચલાવું છું."

મને સાંભળીને ઘણું દુઃખ થયું. અને તરત જ મેં મારા હાથ ધોઈ પાકીટમાંથી ૫૦૦ની નોટ કાઢી કહ્યું "હું ઘણીવાર તમારી હોટલે જમ્યો છું. ઘણીવાર મારી પાસે પૈસા નહોતા ત્યારે મને વગર પૈસે પણ જમાડ્યું છે. મહેરબાની કરીને આ પૈસા લઈ લ્યો. જે થવાનું હતું એ તો થઈ ગયું પણ હવે તમે તમારું ધ્યાન રાખજો અને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો હું અહીં બાજુના જ કોમ્પ્લેક્સમાં રહું છું. આ મારો ફોન નંબર તમને લખીને આપું છું. મને ફોન કરીને જણાવશો."

આંખોમાં આંસુ હોવા છતાં પણ એ સ્ત્રીએ એક પણ આંસુ પડવા દીધું નહીં અને દુઃખ ભર્યાં સ્મિત સાથે મારી સામે જોતાં રહ્યાં. પોતે દુઃખનો દરિયો પાર કરીને પણ જીવી રહ્યાં છે.

મારી પત્નીને બાજુમાં બોલાવી વૃદ્ધ કાકીનો પરિચય કરાવ્યો... 

અને અંતે કહ્યું "હું નીકળું છું, તમે તમારું ધ્યાન રાખજો."


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ