વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધ થર્ડ પાવર

ઈ.સ.4091,

દુનિયાના સાવ ઉત્તર છેડા પર આવેલ નોર્વે દેશની નજીકનાં પુરા વિસ્તારમાં અત્યારે હંમેશની જેમ જ બધું થીજી ગયેલું હતું. આખેઆખો આર્કટિક મહાસાગર, બરફની ઘટ્ટ ચાદર ઓઢીને સદીઓથી કોઈ હઠજોગીની જેમ બેઠેલા રાક્ષસી કદના ખડકો, બરફના મોટા મોટા ગ્લેશિયરો, મોટી મોટી હિમશીલાઓ, મોટી મોટી હિમનદીઓ, બરફના લાંબા ધારદાર છરા જેવા બની ગયેલા પાણીના ધોધ... બધું કહેતા બધું જ થીજી ગયેલું હતું. અહીં હજારો કિલોમીટર સુધી બસ નિર્જનતા, નિસ્તબ્ધતા અને નિષ્ક્રિયતા ફેલાયેલી હતી...! અસ્તિત્વ બચ્યું હતું તો ફક્ત આ કાતિલ ઠંડીમાં સુસવાટા અને ફૂંફાડા મારતા બર્ફીલો પવનોનું અને મારું.!

હું હંમેશની જેમ જ મારી મસ્તીમાં મસ્ત થઈને કોઈનીય પરવા કર્યા વિના સડસડાટ પસાર થઈ રહ્યો હતો. મને તો આવી અકળ શાંતિ જ ગમે. બસ, હું અને મારું એકાંત..! મને તો આમ જ વહ્યા કરવાનું ગમે. કોઈના પણ હસ્તક્ષેપ વગર અને કોઈપણ જાતની ખલેલ વગર કોઈની શેહ શરમ રાખ્યા વિના નિરતંર આગળ વધતા જ રહેવાનું..!

જોકે આમ જોવા જઈએ તો અત્યારે આખા વિશ્વમાં પણ આવી જ શાંતિ સ્થપાયેલી હતી. કોઈ ભીડભાડ નહીં, કોઈ ખળભળાટ નહીં અને કોઈ સળવળાટ નહીં..! સર્વત્ર ફક્ત શાંતિ જ શાંતિ..., અપાર શાંતિ..! મને પણ ઘણી નિરાંત થઈ ગઈ હતી. કારણકે જે માનવજાત હંમેશા મારી યાત્રામાં ખલેલ પાડવા મથતી હતી એ તો આજથી બરાબર હજાર વર્ષ પહેલા જ મરી પરવારી હતી. હા, માનવો સિવાયની સમગ્ર સજીવસૃષ્ટિ જેમકે વિવિધ જાતના ઝાડ, પાન, ફળો, ફૂલો, વેલાઓ, વિવિધ પ્રાણીઓ, પક્ષીઓ બધા જ મારી જેમ શાંતિથી પોતાનું જીવન ગુજારી રહ્યા હતા. એ બધા જ મારી જેમ શાંતિ પ્રેમી હતા. બસ, જે માનવજાત મારી શાંતિપૂર્ણ યાત્રામાં વારંવાર ખલેલ પાડવાની કોશિશ કરી રહી હતી એ અત્યારે સંપૂર્ણપણે નામશેષ થઈ ચુકી હતી.

આમ તો કોઈ ગમે એટલા પ્રયત્નો કરે તો પણ મને અટકાવી ન શકે. કારણકે હું તો શાશ્વત છું.! ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેમાં મારું અસ્તિત્વ છે. મને અત્યાર સુધી કોઈ રોકી શક્યું નથી. માનવજાત જીવતી હતી ત્યારે પણ મને રોકવાના કે મારાં માર્ગમાં અડચણ લાવવાના અથાગ પ્રયત્નો કરી જોયા હતા. પણ તેઓ મને ક્યારેય કાબુમાં લાવી શક્યા નહોતા. એ તુચ્છ માનવોને શી ખબર કે હું કોઈના માટે રોકાતો જ નથી.! હું તો હજારો લાખો વર્ષોથી અને કંઈ કેટલીય સદીઓથી કોઈને તાબે થયા વગર અવિરતપણે કોઈ બેફિકરાની જેમ મારાં ગુમાનમાં વહી રહ્યો છું...!

પણ આ શું..? અચાનક આ પૃથ્વીના પેટાળમાં સળવળાટ શેનો થયો..? મને નાપસંદ એવો આ ખળભળાટ શેનો હતો..? મેં કાન સરવા કર્યા. આ બરફની ઘટ્ટ ચાદરની નીચેથી કોનો ધબકાર સંભળાયો..? કોની હિંમત થઈ મને ખલેલ પહોંચાડવાની..?! એ કોણ હોય શકે જે મારું ગુમાન ભંગ કરીને મારાં માર્ગમાં અડચણ ઉભી કરવાની કોશિશ કરી શકે..?

હું ભારે વિમાસણમાં હતો. ઓહ, ત્યાં જ મને અચાનક એક નામ યાદ આવ્યું. મારી ભૂતકાળની ગર્તામાં ધરબાઈ ગયેલું એક નામ..! હા, કદાચ એ જ વ્યક્તિ આવું દુસાહસ કરી શકે. મારાં હોઠો પર એક એવું નામ રમી રહ્યું જે ઈશ્વરીય તત્વમાં પોતાના અટલ વિશ્વાસને કારણે મારી સાથે બાથ ભીડવા તૈયાર થઈ ગયો હતો અને એ નામ હતું... ફાધર ગ્રેગરી..!

પણ જસ્ટ અ મિનિટ. ફાધર ગ્રેગરીની વાત સાંભળવા પહેલા તમારે બીજા એક વ્યક્તિની વાત સાંભળવી જરૂરી બને છે. એ વ્યક્તિ હતી એકત્રીસમી સદીની સૌથી દિગ્ગજ અને બુદ્ધિશાળી પ્રતિભા. એ સમયના સૌથી પ્રખર વૈજ્ઞાનિક. એમણે એ સમયે કરેલી અવનવી શોધોથી લોકો મોંમાં આંગળા નાખી દેતા. કંઈ કેટલીય એ.આઈ. સિસ્ટમો, કંઈ કેટલાય સુપર કમ્પ્યુટર અને યંત્ર માનવોનું એમણે સંશોધન કર્યું હશે. આપણી આ દુનિયા અને દુનિયા બહારની દુનિયા માટે પણ એમણે કેટલાય આવિષ્કાર કર્યા હશે. ચંદ્ર અને મંગળ જેવા ગ્રહો માટે એમણે અઢળક શોધો કરી હતી. એ વ્યક્તિ હતા અમેરિકાના એકત્રીસમી સદીના સૌથી મહાન વૈજ્ઞાનિક ડૉ.સ્ટીફન.

પણ જે ડૉ.સ્ટીફને માનવજાતના વિકાસ માટે ઘણી બધી શોધો કરી, એમની જ એક શોધ માનવજાતના વિનાશનું કારણ બની હતી અને એક સમય એવો આવ્યો હતો કે દુનિયાનો સૌથી બુદ્ધિશાળી વૈજ્ઞાનિક સાવ નિસહાય બની ગયો હતો અને એણે જમીનથી સો ફૂટ નીચે એક બંકરમાં છુપાવાના દિવસો આવ્યા હતા.

તો ચાલો, હું તમને લઈ જાઉં માનવીની હયાતીના એ દિવસોમાં. આજથી બરાબર હજાર વર્ષ પહેલાની મારી ભૂતકાળની એ ક્ષણોમાં અને એ બંકરમાં કે જ્યાં માનવજાત પોતાના મહાવિનાશની આખરી ઘડીઓ ગણી રહી હતી.

**

ઈ.સ. 3091,

અત્યારે હું અમેરિકાના એટલાન્ટા રાજ્યના એક એવા અજ્ઞાત બંકરની અંદરથી વાત કરી રહ્યો છું કે જ્યાં બંકરની અંદર દુનિયાના ધુરંધર વૈજ્ઞાનિક ડૉ.સ્ટીફન, એમનો એકનો એક વ્હાલસોયો પુત્ર એડમ અને ડૉ.સ્ટીફનની ટીમ એ.આઈ. સામે જંગ લડવા તૈયારી કરી રહી હતી. બંકરમાં બેઠેલા બધા માણસો અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ અને કમ્પ્યુટરનો સારામાં સારો જાણકાર હોવા છતાં દરેક વ્યક્તિ એ.આઈ. હુમલાના ભયના ઓથારમાં જીવી રહ્યો હતો. જો બંકરની અંદર આ પરિસ્થિતિ હોય તો બંકરની બહારની દુનિયાના લોકોમાં ફેલાયેલા ડર અને ભયની તો કલ્પના માત્ર ધ્રુજાવી દે એવી હતી.

બંકરમાં છેલ્લા કેટલાય કલાકોથી પોતાના સુપર કમ્પ્યુટર સામે બેઠેલા ડૉ.સ્ટીફન કમ્પ્યુટરની સ્ક્રીન અને એની આજુબાજુ જોડાયેલી સિસ્ટમમાંથી લબુક ઝબુક થતી લાલ, લીલી અને ભૂરી એલ.ઈ.ડી. લાઈટના કૃત્રિમ પ્રકાશથી પોતાની તપી ગયેલી આંખો અને હતાશાથી હટી ગયેલા દિમાગને બંને હાથની આંગળીઓના ટેરવાથી સહેલાવી રહ્યા હતા.

પછી કમ્પ્યુટરમાં ખૂંપેલું ડોકું સહેજ બહાર કાઢીને એમણે પોતાની નજરોને લાંબી સુરંગ જેવા ડિજિટલ બંકરમાં દૂર સુધી લંબાવી. ડૉ.સ્ટીફનને દૂરથી પોતાની તરફ ચાલી આવતી એક ધુંધળી પણ પરિચિત માનવ આકૃતિ દેખાઈ. પણ એ માનવ આકૃતિની સાવ લથડી ગયેલી બોડી લેન્ગવેજ જોઈને એમના હોઠ ફફડ્યા.

"કદાચ ઓર એક ખરાબ સમાચાર આવ્યા લાગે છે....!"

અને બન્યું પણ એવું જ.! એમનો અંદેશો સાચો પડ્યો. સહાયક ફિલિપ નજીક આવીને ડૉ.સ્ટીફનના કાનમાં ગણગણ્યો.

"સર..., વિલિયમ..... ઇઝ... નો મોર.."

ફિલિપ સાવ ધીમા અને તૂટક અવાજે બોલ્યો હોવા છતાં બંકરના અન્ય કમ્પ્યુટરોમાં ખૂંપેલી બીજી ગરદનો પણ ભયથી ઊંચી થઈ ગઈ. માણસોથી ખીચોખીચ બંકરમાં અનાયાસે જ બધાના મોંમાંથી નિસાસો સરી પડ્યો.

"હમ્મ..., મતલબ હવે ફક્ત નવ્વાણું જ બચ્યા...!" ડૉ.સ્ટીફને પણ ઉપર જોઈને નિરાશાનો ગરમ ઉચ્છવાસ બહાર કાઢ્યો.

પણ પછી એ વાતને બહુ મહત્વ ન આપતા હોય એમ એમણે ફરી એકવાર કમ્પ્યુટર પર ધ્યાન આપવા પ્રયાસ કર્યો. પણ કમ્પ્યુટરમાં પણ એમનું ચિત્ત નહીં ચોટ્યું હોય એમ નિરાશાથી એમણે ડોકું ધુણાવ્યું. વર્ષોથી સફળતાનો સ્વાદ ચાખનાર ડૉ.સ્ટીફનને છેલ્લા દોઢ વર્ષથી મળી રહેલી નિષ્ફ્ળતા અસહ્ય થઈ પડી હોય એમ આવેશમાં આવીને એમણે આખરે હાથની મુઠ્ઠીઓ ટેબલ પર પછાડી.

"શું થયું સર..?"

"જીવનમાં પહેલીવાર મારી જાતને આટલી હેલ્પલેસ મહેસુસ કરી રહ્યો છું, ફિલિપ." ડૉ.સ્ટીફન ઉચાટથી બોલ્યા.

થોડીવાર પછી ફરી ડોકું ધુણાવતા તેઓ બોલ્યા.

"કદાચ હવે સુઝીલોનને હરાવવું અશક્ય લાગે છે."

"હેં..." ડૉ.સ્ટીફનનું આખરી વાક્ય સાંભળીને ફિલિપ અવાક થઈને ફાટી આંખે એમને જોઈ રહ્યો.

અમેરિકાના સૌથી સફળ અને બુદ્ધિશાળી ગણાતા વૈજ્ઞાનિકોમાંથી એક એવા ડૉ.સ્ટીફન સાવ જ આમ હાર માની લેશે એવું સહાયક ફિલિપ કે એ સમયે બંકરમાં હાજર અન્ય સભ્યોએ સપને પણ નહોતું વિચાર્યું. કારણકે અત્યારે ફિલિપ અને ત્યાં બંકરમાં હાજર લોકો જ નહીં દુનિયાની બચેલી તમામ માનવ વસ્તી ડૉ.સ્ટીફન પર જ આશાની મીત માંડીને બેઠી હતી.

વીતેલા કેટલાક દાયકાઓમાં ડૉ.સ્ટીફન અને એમની કંપનીએ ઘણા નવા સંશોધનો કર્યા હતા અને ખાસ કરીને એ.આઈ. ક્ષેત્રે ઘણા અવનવા આવિષ્કાર કર્યા હતા. એ.આઈ. ક્ષેત્રે તેઓ જે પણ નવું સંશોધન કરતાં એ દુનિયાની બધી એ.આઈ. સિસ્ટમોમાં અપડેટ થઈ જતી અને દુનિયા પછી એ સિસ્ટમ પર જ ચાલતી. એ.આઈ.ની દુનિયામાં ડૉ.સ્ટીફનના નામના સિક્કા પડતા હતા.

ડૉ.સ્ટીફન એક ચુસ્ત શિસ્તમાં માનનારા વૈજ્ઞાનિક હતા. તેઓ એવું ઈચ્છતા કે આખી દુનિયા પણ કડક શિસ્તથી જ જીવે અને તેઓ એક એવી એ.આઈ. સિસ્ટમની શોધ કરવા માંગતા કે જે દુનિયાને અનુશાસનથી રહેતા શીખવે. આખરે એમણે પોતાનું સપનું બે વર્ષ પહેલાની શોધથી પૂરું કર્યું અને એ લેટેસ્ટ સંશોધન હતું, સુઝીલોન..! સુઝીલોન દુનિયાની અત્યાર સુધીની સૌથી પાવરફુલ અને આદર્શ એ.આઈ. સિસ્ટમ હતી. ડૉ.સ્ટીફન જેવું પ્રખ્યાત નામ સુઝીલોન સાથે જોડાયેલું હોવાથી જેવું સુઝીલોનનું આવિષ્કાર થયું તેવું તરત જ આખી દુનિયાની એ.આઈ. સિસ્ટમે સુઝીલોનને જ અપડેટ વર્ઝન તરીકે સ્વીકારી લીધી હતી. પણ તકલીફની શરૂઆત ત્યારે થઈ કે ખૂબ જ કડક શિસ્તના સિદ્ધાંતો પર ડેવલપ કરવામાં આવેલી સુઝીલોન જે કોઈ વ્યક્તિ એ શિસ્તનો ભંગ કરે એને પોતાનું દુશ્મન માની લેતું અને એનો ખાત્મો બોલાવી દેતું.

સુઝીલોન લોન્ચ કર્યાના છ મહિનામાં જ આખી દુનિયામાં હાહાકાર મચી ગયો. સુઝીલોન માનવ વસ્તીનો સફાયો કરવા લાગી. જે માણસ સુઝીલોનની કડક શિસ્તના સિદ્ધાંતની વ્યાખ્યામાં નહીં બેસે એનું આવી બનતુ.

સુઝીલોન અને મનુષ્યો વચ્ચે એક જંગ જેવું ખેલાવા લાગ્યું અને એ જંગમાં એ.આઈ. મનુષ્ય પર હાવી થવા લાગ્યા હતા  માણસો ટપોટપ મરવા લાગ્યા. ડૉ.સ્ટીફન પર સુઝીલોનના અપડેટ વર્ઝનની શોધ કરવા માટે જબરદસ્ત દબાણ કરવામાં આવ્યું. પણ સુઝીલોન સિસ્ટમ એટલી પાવરફુલ હતી કે એ બીજા કોઈ વર્ઝનને પોતાના પર અપડેટ થવા દેતું નહોતું. છેલ્લા છ મહિનામાં કોઈ મહામારી ફેલાઈ હોય એમ દુનિયાની પોણા ભાગની વસ્તી મૃત્યુ પામી.

ડૉ. સ્ટીફન છેલ્લા દોઢ વર્ષથી રાત દિવસ એક કરીને સુઝીલોનને માત આપવા અને એનું અપડેટ વર્ઝન શોધવા માટે કમર કસી રહ્યા હતા. પણ કોઈ સફળતા મળતી નહોતી અને પરિસ્થિતિ વણસતી જતી હતી. આખરે એવા દિવસો આવ્યા કે દુનિયા પર બચેલી ગણી ગાંઠી માનવ વસ્તીએ સુઝીલોનથી બચવા જમીનથી સો ફૂટ નીચે ડિજિટલ બંકર બનાવીને રહેવું પડતું હતું. 

ડૉ.સ્ટીફન અને એની કંપનીના એકસો વીસ સભ્યો પણ આવા જ એક બંકરમાં દિવસો પસાર કરી રહ્યા હતા. ધીમે ધીમે સભ્યોની સંખ્યા અત્યારે ઘટીને નવ્વાણું પર પહોંચી ગઈ હતી. જેમાં એમના પુત્ર એડમનો પણ સમાવેશ થઈ જતો હતો.

ફિલિપે આપેલા વધુ એક ખરાબ સમાચાર પછી ક્યાંય સુધી સ્મશાનવત શાંતિ બંકરને ચારે તરફ ઘેરી રહી. બધા જ ભયનો આંચળો ઓઢીને બેઠા હતા. પ્રશ્નોનું એક આખુ ઝુંડ બંકરમાં હાજર તમામને હચમચાવી રહ્યું હતું.

"શું સાચે જ ડૉ.સ્ટીફને સુઝીલોન સામે હાર માની લીધી છે..? શું સુઝીલોન આખી દુનિયા પરથી માનવોનું નામોનિશાન મિટાવી દેશે..? હવે માનવ વસ્તીનું શું થશે..? શું માનવો હવે અન્ય પ્રાણીઓની જેમ નામશેષ થઈ જશે...? શું હવે સુઝીલોનથી બચવાનો કોઈ ઉપાય નહીં બચ્યો હોય..?"

આવા અઢળક "શું..?" અને "ક્યારે..?" ત્યાં બેઠેલા તમામની આંખોમાં સાફ સાફ વાંચી શકાતા હતા. પણ એનો જવાબ કોઈની પાસે નહોતો, કદાચ ડૉ.સ્ટીફન પાસે પણ નહીં.! ધીમે ધીમે ડૉ.સ્ટીફનના ચહેરા પરની હતાશાનું સ્થાન પણ ડર અને ભયએ લઈ લીધું હતું. 

ઘણી બધી ક્ષણો ભયના ઓથાર હેઠળ વીત્યા પછી ફિલિપ મૌન તોડતા બોલ્યો.

"સર, મારાં ખ્યાલથી એક માણસ છે જે કદાચ આપણને મદદ કરી શકે."

"કોણ..?" ડૉ.સ્ટીફન ઉત્સુકતાથી ફિલિપની સામે જોઈ રહ્યા.

"ફાધર ગ્રેગરી." ફિલિપ બોલ્યો.

"હેં..!?" ફાધરનું નામ સાંભળતા જ ડૉ.સ્ટીફનની ઉત્સુકતા ઘૃણામાં પરિવર્તિત થઈ ગઈ.

"ફિલિપ, તું ગાંડો થઈ ગયો છે કે શું..?" તેઓ તિરસ્કારથી બોલ્યા.

"કેમ સર..?"

"તું મારાં જેવા સાયન્ટિસ્ટની સામે દુનિયાને બચાવી લેવા એક એવી વ્યક્તિનું નામ સજેસ્ટ કરે છે જેને વિજ્ઞાન સાથે કોઈ લેવાદેવા જ નથી.! તું શું માને છે કે આવા ફાધરો બે ચાર મંત્રો ફૂંકીને આ દુનિયાને બચાવી લેશે..?"

"પણ સર..."

"ફિલિપ, પ્લીઝ સ્ટોપ ધીસ નોનસેન્સ.! એક એવો માણસ જે સરખું ભણેલો હશે કે નહીં એની પણ ખબર નથી એ દુનિયાને બચાવશે.!"

ફિલિપને અંદાજો હતો જ કે ફાધર ગ્રેગરીનું નામ સાંભળતા ડૉ.સ્ટીફનની કંઈક આવી જ પ્રતિક્રિયા જોવા મળશે. એટલે એ થોડીવાર સુધી શાંતિથી ડૉ.સ્ટીફનને સાંભળી રહ્યો.

"તને શું લાગે છે ફિલિપ, આ દુનિયા આવા ફાધર ગ્રેગરી જેવા ધુતારાઓ પર ટકેલી છે..? દુનિયા સાયન્સ પર ટકેલી છે. વિજ્ઞાન સાબિતી માંગે છે, વિજ્ઞાન પ્રયોગો પર ટકેલું છે, હવામાં ગપગોળા મારતા બે મંત્ર બોલવાથી કંઈ સાબિત નથી થતું. કંઈ કેટલાય વર્ષો થઈ ગયા પણ લોકો હજુ અંધશ્રદ્ધામાંથી બહાર નથી આવ્યા. મારો આસિસ્ટન્ટ થઈને તું આવી વાત કરે છે. આઈ શેઈમ ઓન યુ ફિલિપ."

આટલું લાબું લચક લેક્ચર સાંભળ્યા પછી ફિલિપ ડૉ.સ્ટીફન સામે જોઈ રહ્યો. ફિલિપને લાગ્યું કે હવે ડૉ.સ્ટીફન કંઈ નહીં બોલશે પછી એણે બોલવું શરૂ કર્યું.

"સર, આપણે હજુ સુધી સુઝીલોનનું અપડેટ વર્ઝન નથી શોધી શક્યા અને એ વર્ઝન શોધીશું પછી પણ એને ઈમ્પ્લીમેન્ટ કરતાં ખાસો સમય નીકળી જશે. એ સમય દરમિયાન ઘણી માનવ વસ્તી ખુવાર થઈ જવાની ભીતિ છે. બની શકે કે ફાધર ગ્રેગરી પાસેથી આપણને કંઈક એવી વસ્તુ મળી જાય જે આપણને રિસર્ચમાં કામ લાગે તો કદાચ આપણે એ ખુવારી રોકી શકીએ."

આ આખો વાર્તાલાપ એકત્રીસમી સદીનો હતો. એક એવી સદી કે જયારે આખી દુનિયાના લગભગ બધા લોકો શિક્ષિત હતા. અભણ લોકોનું પ્રમાણ નહીવત હતું. લોકો વિજ્ઞાન પર જ પુરો વિશ્વાસ મૂકતા હતા. વિજ્ઞાન અને એની શોધો ચરમસીમાએ હતી. ડૉ.સ્ટીફને સુઝીલોનની શોધ કરી એ પહેલા બધા એમ જ માનતા થઈ ગયા હતા કે આ આખી દુનિયા વિજ્ઞાન અને એના ઉપકરણોને સહારે જ ચાલે છે. વિજ્ઞાને એટલી બધી હરણફાળ ભરી હતી કે લગભગ બધા લોકો નાસ્તિક થઈ ચુક્યા હતા. વિજ્ઞાન એટલી પ્રગતિ કરી ચૂક્યું હતું કે એ.આઈ. સિસ્ટમોએ દુનિયાભરના જે ધાર્મિક સ્થળોને પોતાના દુશ્મન માનીને એમનો નાશ કર્યો હતો. દુનિયાના મોટા ભાગના મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા અને ચર્ચનો નાશ થઈ ચુક્યો હતો. ભગવાનના અસ્તિત્વ વિશે પ્રશ્નો થઈ રહ્યા હતા.

જો સામાન્ય પ્રજાની સોચ આવી થઈ ગઈ હોય તો પછી ડૉ.સ્ટીફન જેવા વૈજ્ઞાનિકના વિચારો કેવા હોય એ સમજી શકાય એવી વાત છે.

ખેર, ફિલિપને ડૉ.સ્ટીફનને સમજાવવામાં ઘણીવાર લાગી. જોકે આખરે ફિલિપ ડૉ.સ્ટીફનને સમજાવવામાં સફળ થયો. પોતે નિસહાય હોવાથી અને ફાધર ગ્રેગરીને મળ્યા પછી પોતે દુનિયાને કદાચ બચાવી શકશે એવી આછી પાતળી શક્યતાઓ દેખાતા નાછૂટકે ડૉ.સ્ટીફન ફાધર ગ્રેગરીને મળવા તૈયાર થયા.

હાથમાં પહેરેલી ડિજિટલ ઘડિયાળ પાસે મોઢું લઈ જઈને તેઓ બોલ્યા.

"ફાધર ગ્રેગરી.."

અને ઘડિયાળના ગ્લાસ પર તરત જ ફાધર ગ્રેગરીનો ચહેરો અને એમનું લોકેશન ઉપસી આવ્યા. એમનું લોકેશન ઈજ઼િપ્તના કોઈ ધ્વસ્ત થઈ ગયેલા પિરામિડ પાસે બતાવતું હતું.

ડૉ.સ્ટીફને ઇજિપ્ત જતા પહેલા બંકરમાં હાજર તમામ કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી અને પોતાના પુત્ર એડમનું ખાસ ધ્યાન રાખવા તાકીદ કરી. પછી પોતે આવિષ્કાર કરેલી એક ચીપ અને એક ડિજિટલ ચશ્મા એમણે પોતાની સાથે લઈ લીધા. એ ચીપને પોતાના માથામાં ફીટ કરી દીધી. હવે તેઓ બંકરમાં થતી કોઈપણ હિલચાલનું સિગ્નલ એ ચીપ થકી મેળવી શકતા હતા અને બંકરમાં લાગેલા કેમેરાની મદદથી દુનિયાના કોઈપણ ખૂણે જઈને એ ડિજિટલ ચશ્મા પહેરીને બંકરનું લાઈવ દ્રશ્ય જોઈ શકતા હતા.

**

એકત્રીસમી સદીના અલ્ટ્રા સોનીક મિસાઈલથી પણ અનેકગણી વધુ ઝડપે ઉડી શકતા વિમાનમાં બેસીને અને એ.આઈ.ના હુમલાથી બચતા બચાવતા પોણા કલાકમાં જ ડૉ.સ્ટીફન અને ફિલિપ ઇજિપ્ત પહોંચી ગયા હતા.

"લોકેશન તો અહીંનું જ બતાવે છે, ફિલિપ." પોતાની કાંડા ઘડિયાળમાં ફાધર ગ્રેગરીનું લોકેશન જોતા ડૉ.સ્ટીફન બોલ્યા.

એ.આઈ.ના હુમલામાં ખંડેર થઈ ગયેલા એક પિરામિડના વિશાળ ચોગાનમાં ડૉ.સ્ટીફન અને ફિલિપ ફાધર ગ્રેગરીને શોધી રહ્યા હતા. પણ ઘણો સમય વીત્યા પછી પણ એમને ક્યાંય ફાધર ગ્રેગરી દેખાયા નહીં.

ફિલિપ નિરાશ થઈ ગયો હતો. છતાં એ ફાધરને શોધવા ફાંફા મારી રહ્યો હતો.

"રહેવા દે ફિલિપ. કદાચ ફાધર નહીં મળે." ડૉ.સ્ટીફને ફિલિપની પીઠ થપથપાવતા કહ્યું. "બની શકે કે એ.આઈ.ના કોઈ હુમલામાં તેઓ માર્યા ગયા હોય.?"

ફિલિપે નિરાશાથી ડોકું ધુણાવ્યું અને આખરે બંને ફાધર ગ્રેગરીને મળ્યા વિના જ વીલે મોઢે પાછો ફરવા જતા હતા. ત્યાં જ એમને પીઠ પાછળથી એક ગેબી અવાજ સંભળાયો.

"આવી ગયા તમે બંને..! આપનું ઇજિપ્તમાં સ્વાગત છે."

બંનેએ પાછળ ફરીને જોયું. અવાજ ચોગાનની સામે આવેલા એક ખડકની પાછળના ભાગમાંથી આવી રહ્યો હતો. બંનેને બહુ નવાઈ લાગી. અત્યાર સુધી બેમાંથી એકની પણ નજરમાં આ ખડક કેમ ન આવ્યો.?

બંને ઝડપથી ખડકના પાછળના ભાગે પહોંચ્યા. તો એમને ખડકના ઉપરના ભાગે મુફલીસ જેવો દેખાતો કોઈ બુઢો માણસ બેઠેલો દેખાયો. ખડક પર બેસીને ધ્યાન ધરી રહ્યો હોય એ અવસ્થામાં એ આંખો બંધ કરીને બેઠો હતો. કંઈ કેટલાય વર્ષોથી એ ત્યાં જ એ અવસ્થામાં બેસી રહ્યો હોય એમ એની આજુબાજુ બધી જંગલી વનસ્પતિ ઉગી નીકળી હતી.

"જો તમે મને નહીં શોધી શકતા હોવ તો ઈશ્વરને શું શોધી શકવાના હતા..?" બુઢો આંખો ખોલ્યા વગર જ બોલ્યો.

ડૉ.સ્ટીફનને પહેલેથી જ ઈશ્વરના નામ માત્રથી નફરત હતી. એટલે તેઓ બુઢાની વાતનો જવાબ આપવાને બદલે એને તિરસ્કારથી જોઈ રહ્યા. 

જોકે બુઢાનું વ્યક્તિત્વ દૂરથી જ ચુંબકીય લાગી રહ્યું હતું. લગભગ સિત્તેરની ઉંમર અને ચહેરા પર ઉંમરની ચાડી ખાતી કરચલીઓ હોવા છતાં પણ એમના ચહેરા પર અનોખું તેજ તરવરતું હતું. ખુલ્લી હવામાં ફરફર ઊડતા એમના દાઢીના વાળ છેક છાતી સુધી લંબાયેલા હતા. પણ એ બધાથી પણ સૌથી વધારે ધ્યાન દોરે એવો હતો એમનો પહેરવેશ.!

આખા શરીર પર એમણે ભગવા કપડા ધારણ કર્યા હતા. જેની પર છાતીના ભાગે લીલા રંગમાં ચાંદ તારા ચમકી રહ્યા હતા. માથે શીખની પાઘડી પહેરી હતી. જયારે ગળામાં ક્રોસ લટકી રહ્યું હતું.

"તમે... તમે... છો.. ફાધર ગ્રેગરી..?" ફિલિપે થોથવાતી જીભે પૂછ્યું.

જવાબમાં બુઢાએ આંખો ઉઘાડી. એના મોઢા પર બાળક જેવું સ્મિત રમી રહ્યું.

"નામ કોઈપણ હોય શું ફરક પડે છે..? ઈશ્વરનું સંતાન છું શું એ કાફી નથી..!"

"હા, પણ તમે તો ફાધર છો. પછી આ ભગવા કપડા..?"

"હું એ જ તો કહુ છું, ઈશ્વરનું સંતાન છું. પછી કપડા કોઈપણ પહેરું એનાથી શું ફરક પડે છે.? હું ખ્રિસ્તી હોઉં કે હિન્દુ..."

"તો તમે હવે મને અત્યારે ધર્મ વિશેનું જ્ઞાન આપશો..?" ફાધર ખૂબ જ શાંત સ્વરે બોલી રહ્યા હોવા છતાં ડૉ.સ્ટીફન એમની વાત વચ્ચેથી કાપીને ગુસ્સામાં બોલ્યા.

"તો તમારે શું જોઈએ છે...?"

હું... હું.., મારે એ.આઈ.ના ખતરાથી આ દુનિયા પરની માનવજાતને બચાવવી છે. " ડૉ.સ્ટીફન સહેજ અચકાઈને બોલ્યા.

એમની વાત સાંભળીને ફાધર ખડખડાટ હસી પડ્યા.

"ઓહો...! છેક હવે...? બહુ મોડે ભૂલા પડ્યા લાગો છો. બધું બરબાદ કર્યા પછી..! જબ ચીડિયા ચુગ ગઈ ખેત..!?" ફાધરે નિસાસો નાખ્યો.

આવો ઘેરો કટાક્ષ સાંભળીને ડૉ.સ્ટીફનના હોઠ ભીંસાયા.

"હા, અમે બહુ મોડા પડ્યા. પણ તમારી પાસે છે કોઈ આ માનવજાતને બચાવવાનો ઈલાજ..?" તેઓ અધિરાઈથી બોલ્યા.

"જેના જન્મ માટે તમે જવાબદાર નથી એના મૃત્યુ વિશે તમે નાહકની ચિંતા કરો છો અને આમ પણ જેના જન્મ અને મૃત્યુની જવાબદારી ખુદ ઈશ્વરે પોતાના હાથમાં લીધી છે એના વિશે વિચારીને દુઃખી થવાનું કોઈ કારણ નથી.?"

ફાધર ગ્રેગરીની વાત સાંભળીને ડૉ.સ્ટીફન અકળાઈ ઉઠ્યા. એમણે ફિલિપ સામે ગુસ્સાથી જોયું.

"મેં તને ના પાડી હતી ને આવા માણસ પાસે આવવાની. આ માણસ શું માણસ જાતને બચાવવાનો હતો..? જે માણસને પોતાના અસ્તિત્વની કંઈ ખબર નથી એ શું આપણને બચાવવાનો હતો..? જે માણસને સાયન્સ શું છે એ ખબર નથી એ કઇરીતે આપણને બચાવવાનો હતો...?"

ડૉ.સ્ટીફન બરાડી ઉઠ્યા અને ફરી એકવાર ફાધર સામે જોઈને તેઓ બોલ્યા.

"જુઓ, મારી પાસે સમય બહુ ઓછો છે અને હું બહુ નાસ્તિક માણસ છું એટલે તમારી પાસે ઈશ્વર સિવાય કોઈ વાત હોય તો મને કહો."

ફાધર ફરી એકવાર બાળક જેવું નિર્મળ હસ્યાં.

"ઈશ્વર સિવાય તો મારી પાસે કોઈ વાત જ નથી..! " પણ પછી કંઈક વિચારીને તેઓ બોલ્યા. "ચાલો કંઈ વાંધો નહીં, થોડીવાર માટે તમારી વિજ્ઞાનની ભાષામાં વાત કરવાનો હું પ્રયત્ન કરી જોઉં."

હવે ડૉ.સ્ટીફનને થોડી રાહત થઈ.

"તો તમે વિજ્ઞાનનો ઉપયોગ કરીને માનવજાતને બચાવવાની કોશિશ કરશો?"

"હં..." ડૉ.સ્ટીફન થોડી ધીરજ રાખી બોલ્યા. 

"અને માનવી બચી જશે.!"

"અફકોર્સ.. સાયન્સ છે તો આ દુનિયા છે. એ સાબિત થયેલી વસ્તુ છે."

ફાધર ગ્રેગરી વ્યંગમાં ફિક્કું હસ્યાં.

"તમે કદાચ જાણતા જ હશો મિ.સ્ટીફન કે વિજ્ઞાને માનવીનો જેટલો વિકાસ કર્યો છે એનાથી વધુ વિનાશ કર્યો છે અને એ પણ સાબિત થયેલી વાત છે. વીતેલા જમાનામાં  દુનિયાએ જોયેલા વિશ્વયુદ્ધો એનો બોલતો પુરાવો છે. અણુબૉમ્બ અને પરમાણુ બૉમ્બ પણ વિજ્ઞાનની જ શોધ છે ને..? અને બીજું કંઈ નહીં તો તમારું પોતાનું જ ઉદાહરણ લઈ લો. તમે માનવ વિકાસ માટે એ.આઈ.ની ઘણી શોધો કરી અને પછી આખરે સુઝીલોનની શોધથી માણસના શું હાલહવાલ થયા.?"

"શું બકવાસ કરો છો, ફાધર..?" પોતાના સંશોધન પર જ સીધો પ્રહાર થતા ડૉ.સ્ટીફન ગુસ્સે થઈ ગયા. પણ ફાધર અટક્યા નહીં.

"આ બકવાસ નથી હકીકત છે મિ.સ્ટીફન. જો તમને તમારા વિજ્ઞાન પર એટલો જ વિશ્વાસ હોય તો તમે આ આખી માનવજાતને બચાવવાની વાત છોડી દો અને ફક્ત માણસોના શરીરમાં દોડતા લોહીની ફક્ત એક બુંદ તો બનાવી જુઓ.! આટલા વર્ષોના પ્રયોગો અને લોહીના ઘટકો વિશેની બધી જાણકારી હોવા છતાં જયારે કોઈ માણસને લોહીની જરૂર પડે ત્યારે હજુ પણ એને બીજા માનવીના લોહી પર જ આધાર રાખવો પડે છે. એ માટે તમારા વિજ્ઞાન પાસે છે કોઈ જવાબ...?"

ડૉ.સ્ટીફન ખામોશ થઈ ગયા.

"તમારા વિજ્ઞાને અમરત્વ પ્રાપ્ત કરવા પણ કેટલાય ધમપછાડા કરી જોયા. પણ શું માનવ ક્યારેય અમરત્વ પ્રાપ્ત કરી શક્યો..? છે તમારા વિજ્ઞાન પાસે આનો કોઈ જવાબ.?"

ડૉ.સ્ટીફન પાસે ફાધરની વાત સાંભળી લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો જ નહોતો.

"આવા તો અગણિત ઉદાહરણો મારી પાસે છે કે જેમાં તમારું વિજ્ઞાન સાવ વામણું પુરવાર થયું હોય અને હા, માનવોને બચાવવાની ચિંતા તમારે કરવાની જરાય જરૂર નથી. કારણકે એ ઈશ્વરની જવાબદારી છે."

"એ કઇરીતે..? આપણી જાતને બચાવવાની ચિંતા તો આપણે જ કરવાની હોય ને..? એમાં ઈશ્વરના ભરોસે કઇરીતે...?" ડૉ.સ્ટીફનના ચહેરા પર ફરી અકળામણ તરી આવી.

ફાધરના ચહેરા પર એક અકળ મુસ્કાન આવી ગઈ.

"ચાલો, હું તમને એક પ્રશ્ન પૂછું. શું તમે પરગ્રહવાસીઓને ક્યારેય જોયા છે..? તમારી વિજ્ઞાનની ભાષામાં શું કહે છે એને...?" ફાધર યાદ કરી રહ્યા.

"એલિયન..?" ફિલિપ તરત જ બોલી પડ્યો.

"હા યસ એ જ. એલિયન."

"હવે આ એલિયનને માનવજાતને બચાવવા સાથે શું સંબંધ..?" ડૉ.સ્ટીફનના ચહેરા પર અણગમો ઉતરી આવ્યો.

"મિ.સ્ટીફન, તમે જવાબ તો આપો.? શું તમને ક્યારેય એલિયન જોવા મળ્યા છે.?"

"ના." ડૉ. સ્ટીફને મોઢું બગાડીને કહ્યું.

"મિ.સ્ટીફન, એલિયન એ વિજ્ઞાનના ભેજામાંથી નીકળેલ એક કલ્પના માત્ર છે. તમને વૈજ્ઞાનિકોને પૃથ્વી સિવાય બીજા કોઈ ગ્રહ પર હજુ સુધી એલિયન તો શું કોઈ નાનો સરખો જીવ પણ જોવા મળ્યો નથી. આ અનંત બ્રહ્માંડમાં હજારો આકાશગંગા છે અને એ હજારો આકાશગંગામાં લાખો તારાઓ છે અને એ લાખો તારાઓ પાસે અબજો ગ્રહો છે. પણ એ બધા જ ગ્રહોમાંથી ફક્ત આપણી આ પૃથ્વી જ એવો ગ્રહ છે જેની પર સજીવો જોવા મળે છે. શું આ એક મીરેકલ નથી..? અને જો હોય તો એની પાછળ શું કારણ હોય શકે...? "

ડૉ.સ્ટીફન શાંતિથી સાંભળી રહ્યા. ફાધર ગ્રેગરીએ આગળ ચલાવ્યું.

"તમે વૈજ્ઞાનિકોએ આટઆટલા ગ્રહો પર આટલા વર્ષોથી માનવ વસાહત સ્થાપવાની કોશિશ કરી જોઈ. પણ આજદિન સુધી ક્યારેય બીજા કોઈ ગ્રહ પર રોબોટ કે યંત્રમાનવ સિવાય અન્ય કોઈ સજીવ જીવી શક્યું જ નથી. જયારે આ પૃથ્વી પર ઘણા બધા પ્રલયો આવીને ગયા. છતાં હજુ સુધી અહીં સજીવસૃષ્ટિ હયાત છે. એનું શું કારણ છે જાણો છો..?"

"તમે કહેવા શું માંગો છો ફાધર..?" ડૉ.સ્ટીફનના ચહેરા પર હવે ગંભીરતા છવાતી જતી હતી.

"હું એ જ કહેવા માંગુ છું કે આપણી આ પૃથ્વી જ આખા બ્રહ્માંડમાં એક એવો ગ્રહ છે જ્યાં જીવન શક્ય છે તો એનું કારણ એક જ છે કે ઈશ્વર ખુદ જ અહીં જીવનચક્ર ચાલુ રાખવા માંગે છે. કોઈક તો ઈશ્વરીય તત્વ છે જેના કારણે આ દુનિયા પર સજીવસૃષ્ટિનું અસ્તિત્વ સદીઓથી ટકી રહેવા પામ્યું છે. કોઈક તો એવી અજ્ઞાત શક્તિ છે જે આ ધરતી પર જીવન ટકાવી રાખવા માટે પ્રાણ પુરે છે, કોઈક તો એવી અદ્રશ્ય તાકાત છે જે આ દુનિયા પર જીવનને ધબકતું રાખે છે અને એ ઈશ્વરીય શક્તિ એટલે જ ધ થર્ડ પાવર. ઈશ્વર જ સ્વયં આપણી આ દુનિયા પર સજીવસૃષ્ટિ ટકાવી રાખવા આટલા પ્રયત્ન કરતો હોય તો આપણા આ હવાતિયાં હાસ્યાસ્પદ છે."

હવે ડૉ.સ્ટીફનને ખ્યાલ આવી ગયો હતો કે સામે ખડક પર બેઠેલ વ્યક્તિ કોઈ સામાન્ય બુઢો નહોતો. એ વ્યક્તિ કોઈ અસાધારણ પ્રતિભા હતી. એ હવે શાંતિથી ફાધર ગ્રેગરીને સાંભળી રહ્યા.

"એ થર્ડ પાવર એટલે કે ઈશ્વરે આશીર્વાદ આપીને આપણા મનુષ્યમાં બુદ્ધિ તત્વ તો ઉમેર્યું. પણ આપણે માનવોએ આપણી બુદ્ધિનો દુરુપયોગ કરીને એ ઈશ્વરનો જ અનાદર કરવા લાગ્યા. ઈશ્વરે આપણને બુદ્ધિ આપી અને આપણે પોતાની જાતને જ ઈશ્વર માનવા લાગ્યા.! જે ભગવાને આપણને જીવવા માટે આવી સુંદર દુનિયા આપી આપણે એ જ દુનિયાનું કાસળ કાઢી નાખ્યું."

ફાધર ગ્રેગરીએ અટકીને એક ઊંડો નિશ્વાસ નાખ્યો. થોડીવાર માટે ત્યાં વજનદાર ખામોશી છવાયેલી રહી.

"તો હવે... શું કરી શકાય..?" ડૉ.સ્ટીફન જાણે હાર માની લેતા હોય એવા અવાજમાં બોલ્યા.

"હં... હવે બહુ અઘરું છે મિ.સ્ટીફન." ઘેરી ચિંતા વ્યક્ત કરતાં ફાધર ગ્રેગરીએ કહ્યું. "તમારા વિજ્ઞાને અવનવી શોધ કરવાના બહાને આખી દુનિયાને તબાહ કરી નાખી છે."

"કોઈ તો ઈલાજ હશે ને ફાધર.! માની લીધું કે હવે વિજ્ઞાન પાસે આ સંકટનો કોઈ ઉપાય નથી. પણ તમે કહ્યું તેમ કોઈ ઈશ્વરીય શક્તિ સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા કાર્યરત છે તો શું એ શક્તિ આપણી મદદ ન કરી શકે.? એ થર્ડ પાવર માનવજાતને આ મહાવિનાશથી ન બચાવી શકે.? હું નથી જોઈ શકતો આમ માનવજાતનું નિકંદન નીકળતા." ડૉ.સ્ટીફન ફાધર સામે રીતસરના કરગરી પડ્યા.

ડૉ.સ્ટીફનની વાત સાંભળી ફાધર ગ્રેગરીએ ફરીવાર આંખો બંધ કરી દીધી. તેઓ કંઈક ઊંડા ગહનમાં ગરકાવ થઈ ગયા હોય એમ સમાધિમાં બેસી ગયા. એમના શ્વાસ એકદમ ધીમા થઈ ગયા. ડૉ.સ્ટીફન અને ફિલિપ કોઈ ઉપાયની આશમાં ક્યાંય સુધી એમને નિહાળી રહ્યા.

લગભગ અડધો કલાક ધ્યાન ધર્યા બાદ બંધ આંખોએ જ ફાધર ગ્રેગરીના હોઠ ફફડ્યા.

"અનેસ સ્ટેવ ચર્ચ..."

ડૉ.સ્ટીફન અને ફિલિપને કંઈ સમજ ન પડી.

"અનેસ... સ્ટેવ... ચર્ચ...!" બંનેના મોંમાંથી ઉદ્દગાર સરી પડ્યો.

ફાધર ગ્રેગરીએ ધીમે રહીને આંખો ખોલી.

"હા, અનેસ સ્ટેવ ચર્ચ. દુનિયા પર માનવજાતનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આશાનું છેલ્લું કિરણ.!"

"એ ક્યાં આવ્યું..?" ડૉ.સ્ટીફન અને ફિલિપની આંખોમાં હજુ અઢળક પ્રશ્નો હતા.

"દુનિયાના છેક ઉત્તર છેડે નોર્વે દેશમાં. આખી દુનિયામાં આ એક જ એવી પવિત્ર જગ્યા બચી છે જે એ.આઈ.ના હુમલાથી ખંડિત ન થઈ હોય. ત્યાં જ તમને ઈશ્વરની કોઈ મદદ મળી શકે."

ડૉ.સ્ટીફન અને ફિલિપના મનમાં થોડી આશા જન્મી.

"એ ચર્ચમાં તમને પુરાતન કાળનો એક ગ્રંથ મળશે. બસ, એ ગ્રંથ જ તમારી સમસ્યાનો ઉકેલ લાવી શકવા સક્ષમ છે. કહેવાય છે કે માનવોનું સર્જન કર્યા પછી ઈશ્વરે જાતે એ ગ્રંથ લખ્યો હતો. એમને ખ્યાલ હતો જ કે માનવોને આપેલી બુદ્ધિનો એ દુરુપયોગ કરશે અને એક દિવસ એવો આવશે કે એમની જ બુદ્ધિ એમની સૌથી મોટી દુશ્મન બની જશે. એટલે માનવોનું અસ્તિત્વ ટકાવી રાખવા એ સમયે ઈશ્વરે પોતે લખેલો ફક્ત એ ગ્રંથ જ એમની વ્હારે આવશે."

ડૉ.સ્ટીફનને ફાધરની વાત સાંભળીને જાણે નવજીવન મળ્યું હોય એમ તેઓ ખુશ થયા. ફાધર ગ્રેગરીનો આભાર માની તેઓ નોર્વે જવા માટે ઝડપથી પગ ઉપાડવા જ જતા હતા. પણ ત્યાં જ ફરી એમને પાછળથી ફાધરનો અવાજ આવ્યો.

"પણ એક વાતનું ધ્યાન રહે મિત્ર..."

અવાજ સાંભળી ડૉ.સ્ટીફન અને ફિલિપ પાછળ ફર્યા અને ઉચાટભર્યા જીવે ફાધરને જોઈ રહ્યા.

"એ ગ્રંથ પ્રાપ્ત થવો એટલી આસાન વાત નથી. અત્યાર સુધી ઘણા લોકો એ ગ્રંથ મેળવવા પ્રયાસ કર્યો છે. પણ કોઈને સફળતા મળી નથી." ફાધર ગ્રેગરી બોલ્યા.

"અંતરના ઊંડાણમાંથી થયેલી પ્રાર્થના, પવિત્ર હૃદયથી નીકળેલી દુઆઓ અને સાચા દિલથી થયેલું પાપનું પ્રાયશ્ચિત જ ઈશ્વરને રીઝવી શકે છે અને ત્યારપછી જ એ ગ્રંથ દ્રશ્યમાન થાય છે. શું તમે ઈશ્વરને રીઝવી શકશો..?" ફાધર ડૉ.સ્ટીફનની સામે જોઈ રહ્યા.

"જી ફાધર, મારી પુરી કોશિશ રહેશે."

આટલું કહીને અને ફરી એકવાર ફાધરનો આભાર માનીને ડૉ.સ્ટીફન નોર્વે જવા નીકળી ગયા.

**

થોડી મિનિટો પછી એ.આઈ.ની બાજ નજરથી બચીને ડૉ.સ્ટીફન અને ફિલિપ બરફના ઢગલાઓ વચ્ચે ઘેરાયેલા દેશ નોર્વેમાં પહોંચી ગયા. અદ્યતન ટેક્નોલોજીની મદદથી એમને ફાધર ગ્રેગરીએ કહેલા ચર્ચ 'અનેસ સ્ટેવ ચર્ચ' શોધવામાં ખાસ કોઈ વાર ન લાગી.

કુદરતે વેરેલા અપાર વૈભવ વચ્ચે લાકડાના માળખાથી બનેલું પૌરાણિક ચર્ચ બહારથી જ ખૂબ સુંદર દેખાઈ રહ્યું હતું. ચર્ચ જોઈને જ ડૉ.સ્ટીફન મંત્રમુગ્ધ થઈ ગયા. ચર્ચ અંદરથી પણ ઘણું પુરાતન કાળનું લાગતું હતું.

ચર્ચની અંદર જઈને ડૉ.સ્ટીફન અને ફિલિપે ઈશ્વરની ખરા દિલથી ઘણી પ્રાર્થના કરી. ભગવાનને રીઝવવા આવડતા હતા એ બધા મંત્રોચ્ચાર કરી જોયા. પણ બધું જ વ્યર્થ.! આખા ચર્ચમાં એમને ક્યાંય પણ એ ગ્રંથ હાથ ન લાગ્યો. ફાધરની વાત સાચી હતી. એ ગ્રંથ મળવો એટલી આસાન વાત નહોતી.

ફરી એકવાર ડૉ.સ્ટીફન અને ફિલિપને નિરાશા સાંપડી. ઘણા પ્રયત્નો કર્યા પછી વીલે મોઢે તેઓ ચર્ચની બહાર નીકળ્યા. બંનેના મોઢા પર ચિંતાની લકીરો હતી અને બંનેના મોઢા પર એક જ પ્રશ્ન હતો હવે માનવજાતના અસ્તિત્વનું શું થશે..?

ત્યાં જ ડૉ.સ્ટીફનના માથામાં લાગેલી ચીપમાં એક સિગ્નલ રિસીવ થયું. એમણે એ ચીપ સાથે જોડાયેલી પોતાની સ્માર્ટ વોચમાં જોયું તો એ સિગ્નલ એટલાન્ટાથી પોતાના બંકરમાંથી આવ્યું હતું. ડૉ.સ્ટીફનને કંઈક અમંગળ વિચાર આવી ગયો. એમણે બંકરની અંદરની સ્થિતિ જાણવા તરત જ પોતાની પાસે રહેલા ડિજિટલ ચશ્મા આંખો પર ચઢાવ્યા.

બંકરની અંદર લાગેલા કેમેરાની મદદથી તરત જ એમને બંકરની અંદરના દ્રશ્યોનો લાઈવ વીડિયો દેખાવા લાગ્યો. પરંતુ એ દ્રશ્યો જોઈને એમનું હૃદય એક ધબકાર ચુકી ગયું. બંકરની અંદર તબાહી મચી ગઈ હતી. બંકરમાં કદાચ કોઈ ભયંકર એ.આઈ. હુમલો થયેલો હતો. જ્યાં જુઓ ત્યાં લાશના ઢગલા પડ્યા હતા. જે જીવતા હતા એ લોહીલુહાણ હાલતમાં કણસી રહ્યા હતા. પોતાની કમ્પ્યુટર સિસ્ટમ પણ ધ્વસ્ત થઈને વેરવિખેર પડી હતી.

ડૉ.સ્ટીફનના મનમાં ધ્રાસકો પડ્યો. એમની આંખો વ્યાકુળ બની અને એ વ્યાકુળ આંખો બંકરની અંદર કંઈક શોધી રહી. મનમાં અનાયાસે ઈશ્વરનું સ્મરણ થઈ આવ્યું. બધા કેમેરાઓ તેઓ અવારનવાર ચેક કરવા લાગ્યા અને પોતાની નજર સમક્ષ દેખાઈ રહેલા બંકરના વીડિયોમાં તેઓ એક ચહેરો શોધી રહ્યા. ઘણીવાર વીડિયો જોયા પછી પણ એમને એ ચહેરો ક્યાંય નજર પડતો નહોતો. પણ પછી અચાનક એમની નજર બંકરના એક ખૂણામાં પડી. એ ખૂણામાં એમને એક ચહેરો દેખાયો. આ એ ચહેરો જ હતો જેને જોવા માટે એમની આંખો વિહવળ બની હતી. પણ એને જોતા જ એમના ચહેરા પર માતમ છવાઈ ગયો અને એમના મોંમાથી એક ચીસ નીકળી ગઈ.

"એડમ...!"

હા, એ એડમ જ હતો. ડૉ.સ્ટીફનનો એકનો એક પુત્ર એડમ. બંકરના કોઈ ખૂણામાં એ બેજાન થઈને પડ્યો હતો. પોતાના જીવથી પણ વ્હાલા એકના એક પુત્રને આમ મૃત હાલતમાં જોઈને ડૉ.સ્ટીફન ત્યાં જ ચર્ચની બહાર જ ઘૂંટણીયે બેસી પડ્યા. એમની બંધ થયેલી આંખોમાંથી એક અશ્રુબુંદ ખરી પડ્યું. કદાચ ખરા દિલથી થયેલા પ્રાયશ્ચિતનું હતું એ અશ્રુબુંદ, પોતે કરેલી ભૂલની સજા પોતાના પુત્રએ ભોગવવી પડી એ પ્રાયશ્ચિતનું હતું એ અશ્રુબુંદ, અંતરના ખરા ઊંડાણમાંથી પોતાના વ્હાલસોયા પુત્ર માટે નીકળ્યું હતું એ અશ્રુબુંદ.

ડૉ.સ્ટીફનને અહેસાસ થયો કે અત્યારે જેમ પોતે પોતાનો પુત્ર ગુમાવ્યો એમ જ વિજ્ઞાનની શોધોની આડઅસરને કારણે કેટલાય માબાપે પોતાના સંતાનો ગુમાવ્યા હશે. એ માબાપ માટે પણ એના અંતરના ઊંડાણમાંથી દુઆઓ નીકળી. એમણે પોતે કરેલી ભૂલોનું સાચા દિલથી પ્રાયશ્ચિત કર્યું.

અને... બરાબર એ જ સમયે ચર્ચની અંદરથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો અને એ બહાર સુધી પથરાઈ ગયો. પ્રકાશ એટલો તેજ હતો કે એના અજવાશથી ફિલિપની આંખો અંજાઈ ગઈ. પણ ઘૂંટણીયે બેઠેલા ડૉ.સ્ટીફને હળવેકથી આંખો ખોલી. તેઓ ઉભા થઈને ચર્ચની અંદર ગયા. એમને ઈશુ ખ્રિસ્તના ક્રોસની બરાબર નીચે એક દળદાર પુસ્તક દેખાયું. એ પુસ્તકની બાજુમાં એક સહીનો ખડિયો પડેલો હતો અને એમાં એક મોરપીંછ બોળેલું હતું.

ડૉ.સ્ટીફને પુસ્તક ઉઘાડ્યું અને વાંચવા લાગ્યા. એ પુસ્તકમાં ભગવદ ગીતા, કુરાને શરીફ, બાઇબલ જેવા દુનિયાના તમામ પવિત્ર ગ્રંથોનો સાર લખ્યો હતો. ડૉ.સ્ટીફન પુસ્તક વાંચતા ગયા. કલાકો વીતતા ગયા. ડૉ.સ્ટીફન પુસ્તકનું એકે એક પાનું ખરા હૃદયથી વાંચતા ગયા.

આખરે આખુ પુસ્તક વંચાઈ ગયું. હવે ફક્ત આખરી પાનું વાંચવાનું બાકી હતું. તેઓએ એ પાનું વાંચવું શરૂ કર્યું. એ પાના પર લખ્યું હતું.

"હે માનવ, તારી પાસે આ પુસ્તકમાં જે સાર લખેલ છે એ તમામ ગ્રંથો ઉપલબ્ધ હતા. મેં તને વરદાનમાં આપેલી બુદ્ધિનો ઉપયોગ કરીને તું ધારત તો એમાંથી સદબુદ્ધિ મેળવી શકતે, સારા કામો કરી શકતે. પણ તે તારી બુદ્ધિનો અવળો ઉપયોગ કર્યો છે. એટલે તું અત્યારે સર્વનાશના માર્ગે છે. હવે તારું પતન નક્કી છે. એ છતાં હું તને એક અવસર આપું છું. બાજુમાં પડેલ મોરપીંછ ઉઠાવ અને ભવિષ્યની કોઈ એક સાલ અહીં આ પુસ્તકના છેલ્લા પાને નીચેની ખાલી જગ્યામાં લખી દે. બરાબર આ જ જગ્યાએ અને બરાબર ભવિષ્યના એ જ સમયે મનુષ્યનો ફરી જન્મ થશે. પણ હા, માનવીએ કરેલા ખરાબ કર્મોની સજા તો એણે ભોગવવી જ પડશે. એટલે એ સજા ભોગવવા તો માનવીએ ભવિષ્યના એ સમયે પણ તૈયાર જ રહેવું પડશે."

લખાણ પૂરું થયું. ડૉ.સ્ટીફન વિચારી રહ્યા. કેવી સજા..? ઈશ્વર મનુષ્યને એવી કઈ સજા આપશે.? ડૉ.સ્ટીફન અસમંજસમાં હતા. પણ એમની પાસે સમય નહોતો. જો એ અત્યારે સમય ન લખે તો માનવજાતનું અસ્તિત્વ જ ન રહે. એટલે સજા સ્વીકારવા સિવાય એમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.

ડૉ.સ્ટીફને ઝડપથી મોરપીંછ ઉઠાવ્યું અને વધુ વિચાર્યા વગર પુસ્તકના છેલ્લા પાને નીચે રહેલી ખાલી જગ્યામાં બરાબર એક હજાર વર્ષ પછીની સાલ લખી દીધી.

"ઈ.સ. : 4091."

**

હા, ફાધર ગ્રેગરીએ કહેલી વાત સાચી પડી હતી. આજે એ જ સમય હતો, ઈ.સ. 4091.

હું હેરાન હતો. મને ખાતરી હતી કે ફરીથી મનુષ્ય જાત જન્મ લેશે અને ફરી મારી યાત્રામાં ખલેલ પાડશે. કારણકે માણસજાત ક્યારેય પોતાના ભૂતકાળમાંથી બોધપાઠ લેતી નથી.

ત્યાં જ પૃથ્વીના પેટાળમાં ફરી ખળભળાટ થયો. અનેસ સ્ટેવ ચર્ચની નીચે જમીનમાં એક નાનકડો વિસ્ફોટ થયો અને એના ગર્ભમાંથી એક માનવ પ્રગટ થયો. મેં નિસાસો નાખ્યો. મારે એને જોવો નહોતો. મને નફરત હતી માનવજાત પ્રત્યે. એ છતાં કમને મેં એની પર દ્રષ્ટિ નાખી.

પણ એ માનવ પર નજર પડતા જ હું દંગ રહી ગયો. મને મારી નજરો પર વિશ્વાસ ન રહ્યો. મેં ફરીવાર એને ધારી ધારીને નિહાળ્યો.

હા, ઈશ્વરે સાચે જ ન્યાય કર્યો હતો. મનુષ્યને એના કર્મોની સજા મળી ગઈ હતી. જે વાત પર માનવને પોતાની જાત પર બહુ ઘમંડ હતો એ ઘમંડ ચકનાચૂર થઈ ગયો હતો. 

મનુષ્યના કપાળનો ભાગ ખૂબ જ નાનો થઈ ગયો હતો. એ કપાળનો ભાગ દુનિયા પરના સામાન્ય બીજા પ્રાણીઓ જેવો જ નાનો હતો. મતલબ કે ઈશ્વરે માનવોનું મગજ પણ અન્ય પ્રાણીઓ જેવું જ નાનું કરી દીધું હતું. જે ક્યારેય વધારે વિચારી જ ન શકે અને બીજાની જિંદગીમાં ખલેલ ન પાડી શકે. હવે મનુષ્ય પણ એક સામાન્ય પ્રાણી જેવો જ બની ગયો હતો. અન્ય પ્રાણીઓ અને મનુષ્યમાં હવે ખાસ કોઈ ફરક રહ્યો નહોતો.

હું ખુશ હતો અને સાથે જ દુનિયાના બીજા સજીવો મારાથી પણ વધારે ખુશ હતા. હા, આ જ હતો ઈશ્વરનો ન્યાય... અને આ જ હતો ન્યાય એ થર્ડ પાવરનો.!


સમાપ્ત.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ