વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દબદબા ભર્યું દુબઈ

દુબઈ મુલાકાત  

1.

દુબઈ આ વાંચનારા ઘણાખરા જઈ આવ્યા હશે. હું પહેલી વાર ગયો. વળી અહીથી ટ્રાવેલવાળા  ગ્રુપ બુકિંગ કરી લઈ જાય તે અને પોતે નાનું કુટુંબ જાતે જઈએ એમાં બધી વસ્તુઓનો ફેર પડે. ત્યાંથી અમદાવાદ પરત આવવાનાં હતાં તેથી ટ્રાવેલ પ્લાન, ઉતરવું, સાઈટ સીઈંગ બધું વિચારીને  વધુ સગવડ રહે તેમ કરવાનું હતું. 


હું મારા પુત્રને ઘેર મસ્કત ગયેલો. તે મસ્કત 2015 થી છે. મસ્કત અને ઓમાનમાં ઘણું જોયું પણ દુબઈ ત્યાંથી માત્ર 450 કિમી અને ત્યાંની સ્પીડે કારમાં તો ચાર કલાક જ થાય છતાં છેક આ વખતે  દુબઈ જઈ શક્યાં કેમ કે  મસ્કત છે તે ઓમાન અને દુબઈ છે તે UAE અલગ દેશો છે.  દુબઈ જવા મસ્કતથી અને ભારતથી, બેય જગ્યાએથી વીસા લેવા પડે.

તપાસ કરતાં ખબર પડી કે ઓમાનથી દુબઈ જવા  ત્યાં નોકરી કરનારને પણ અલગ વિઝા જોઈએ. ઉપરાંત આ વખતે કોવીડ ઇંસ્યોરન્સના અલગ હતા.  અમારા એક વ્યક્તિના મસ્કતથી યુએઇના ખાલી વિઝાના ઇન્સ્યોરન્સ સાથે 7600 રૂ. જેવા થયા. બસના  10 રીયાલ એટલે 2200 જેવા અલગ.

મસ્કતથી કારમાં સીધો રસ્તો છે પણ વાતો સાંભળેલી કે લોકો અમુક જંક્શન પર ભૂલા પડી શારજાહ કે અબુધાબી પહોંચી ગયેલા. કોઈકે કહ્યું કે તેઓ પ્રોફેશનલ ડ્રાઈવર લઈ દુબઈથી આવવા નીકળેલા અને ત્રણેક કલાકમાં તો મસ્કત જતો રસ્તો આવી ગયો. ડ્રાઈવરે જાણીતો ફ્લાય ઓવર પણ પકડી લીધો. પછી દોઢેક કલાક સુધી મસ્કત આવ્યું નહીં. તેને ખ્યાલ આવ્યો કે ફ્લાયઓવર પાસે ચીપિયા જેવો વળાંક છે ત્યાં તેઓ ફરી દુબઈના રસ્તે ચડી ગયેલા અને બોર્ડર આવવાની તૈયારી હતી. એટલે અમે પુત્રની ટોયોટા કૅમરી બીચ પર, જબાલ અખધરના પર્વત પર અને રેતીમાં ચલાવી છે, અલ અશકારા રણ અને ખડકો વચ્ચેથી ગયેલાં પણ તેમાં દુબઈ જવાનું સાહસ ખેડ્યું નહીં. પુત્ર પણ આખા ઓમાનમાં ફર્યો છે પણ દુબઈ અમને બતાવવા ખાસ જુલાઈ 2022 માં જ આવ્યો.

મસ્કતથી કારમાં દુબઈ જવું હોય તો ટુ, ફ્રો 35 રીયાલ જેવું પેટ્રોલ થાય. 3 રીયાલ કારનો અલગ  ટ્રાંઝિટ ઇંસ્યોરન્સ લેવો પડે. બરાબર રહ્યું તો સાડાચાર કલાકમાં પહોંચાય. પ્લેનની ટિકિટ ત્યારે 11 જુલાઈ 2022ના એક વ્યક્તિના 35 થી 40 રીયાલ એટલે 7 થી 8000 રૂ. મસ્ક્તથી હતી જેમાં દોઢ કલાક થાય. એરપોર્ટ બેય જગ્યાએ થઈ એ ના એ ચાર કલાક થાય.

અમે ખંજરી ટ્રાવેલની એક વ્યક્તિના 10 રીયાલ ટિકિટ લીધી.   

સરકારી  મવાસાલાતની બસો દુબઈ જતી નથી.

પુત્રએ ઓનલાઇન ગોલ્ડનસેન્ડ 5 હોટેલ એપાર્ટમેન્ટ બુક કરાવેલ જે બર દુબઈ વિસ્તારમાં છે.  આ  ગોલ્ડનસેન્ડ 1 થી 15 હોટેલ એપાર્ટમેન્ટનાં મકાનો છે. મોટી ચેઇન. હોટેલમાં સ્વિમિંગ પૂલ, જીમ, એકલા શાંતિથી બેસવું હોય તો દરેક ફ્લોર પર તેવા એરિયા, બ્રેકફાસ્ટ included જેમાં  બે ત્રણ જાતના જ્યુસ,  અલગઅલગ ફ્રૂટ વગેરે, પૌવા કે ઉત્તપમ, ઈડલી, પાતળી સ્લાઈસ અલગઅલગ બીફ (જોઈએ તેને), પ્રિન્ટરમાં કાગળ જાય તેમ ફીડ થઈ શેકાઈને પ્રિન્ટ આઉટ આવે તેમ નીચેથી આવતી   ટોસ્ટબ્રેડ સાથે મધ અને જામ, એગ અને ઓમલેટ , બ્લેક ટી, બ્લેક કોફી, ફ્લેવર્ડ ટી કે કોફી, બાળકો માટે કોર્ન કે ચોકો ચિપ્સ સાથે હોટ મિલ્ક બધું હતું. 


આવતાં રિસેપ્શન એરિયામાં બે મોટી બરણીમાં લીંબુ નીચોવેલ કાકડીના કટકા ને બીજીમાં ઓરેન્જ કે ત્યાંના લીંબુની ચીરો પાણીમાં ડૂબેલી હોય. પાસેથી પેપર કપ લઈ તે પાણી જોઈએ તેટલું પીવાનું. 

  રિસેપ્શન પાસે બિઝનેસ સેન્ટર હતું જેમાં 3 4 ક્યુબિકલ સાથે કોમ્પ્યુટર, નેટ વગેરે હતું. રૂમમાં ચા કે રસોઈ બનાવવી હોય તો તે અને કપડાં ધોવા વોશિંગ મશીન, ફ્રીજ પણ હતાં.

અમે સવારે 6 વાગે મસ્કતથી બસમાં નીકળ્યાં.  એક વિરામ 9.30 આસપાસ ચાપાણી અને વોશરૂમ માટે લીધો. બસ 10.40ના તો ઓમાન યુએઈ  વચ્ચેની હત્તા બોર્ડર આવી પહોંચી. ઓમાનમાંથી સહુના પાસપોર્ટ કાઢી, વીસા જોઈ એક્ઝિટના સ્ટેમ્પ લગાવ્યા. એક બંધુ પાસે કાઈંક વાંધાજનક હતું તેમને બેસાડી રાખી 11.10ના તો રવાના. પાંચ મિનિટમાં યુએઇ ની એન્ટ્રી આવી અને માઠી બેઠી. બધા જ પેસેન્જરોએ પોતાની બેગો ને થેલાઓ લઈ લાઈનમાં ઉભવાનું. એક  આરબ પોલીસ જેને ઠીક પડે તેને લાઇનમાંથી બહાર કાઢી બોલાવે. બધાના દરેક સામાનની એક એક ચીજ બહાર કાઢી ચેક થાય. કેટલાકનાં શર્ટ પણ ઉતરાવ્યાં. હું દોડીને ત્રીજા કે ચોથા નંબરે ઊભેલો તે છેક છેલ્લે મને બોલાવ્યો. અહીંથી નીકળતાં 12.40 થઈ. દોઢ કલાક! બહુ ઉત્સાહી ત્યાંની પોલીસ!

પ્લાન તો ત્યાં ઉતરી હોટેલ પહોંચી ક્યાંક લંચ લઈ બુર્જ ખલીફા બપોરે 3 નો સ્લોટ ઓનલાઇન બુક કરેલો તે જોવા જવું એમ હતો પણ બસ એની ઓફિસ પહોંચી 1.45 વાગે. તરત અહીંની જેમ ટેકસીવાળાઓ ઘેરી વળ્યા. પુત્રએ કરીમ કંપનીની ટેકસી બુક કરવાનું કર્યું જે આવતી ન હતી. આખરે કોઈને ના પાડેલી તેને બોલાવ્યો. તેણે  આગળ અમને બેસાડી પાછળ ટ્રકની જેમ ખુલ્લામાં અમારી બેગો મૂકી. 

હોટલ પર ચેકઇન કરવા સાથે પુત્રએ  બુર્જ ખલીફાની હેલ્પલાઈન પર ખૂબ મહેનતે ફોન લગાવી કહ્યું કે અમે 5 લોકો 3 ના સ્લોટમાં આવી શકશું નહીં અને 3.30 ના સ્લોટમાં ફેરવી આપવું.  ટિકિટ સરખી મોંઘી હતી. થોડી મહેનતે તે થયું. પાણી પણ પીધા વગર ટેકસી  કરી દોડ્યા. સ્લોટ ફેરવનારે કહ્યું કે ફેશન એવન્યુ નામની જગ્યાએથી એ વિશાળ મોલમાં અંદર એન્ટર થવું.  તે  દુબઈ મોલમાં પણ એક મોલ છે. અમે ત્યાં ટેકસી ઉભાડી દોડીને પહોંચ્યાં. 3.20. સ્કેન કરતાં 'tickets expired' મેસેજ.  આખરે તેમણે અમને સાઈડમાંથી ખોલી એન્ટ્રી આપી.

બિચારો 5 વર્ષનો પૌત્ર સવારે 5 નો ઉઠેલો અને ભૂખ્યો, એ પૂરો ઊંઘમાં હતો. જિંદગીમાં એક જ વાર જોવાય એ જગ્યા માટે તેને પરાણે ઉઠાડ્યો અને લીફ્ટમાં 125 મે માળ જવા લાઈનમાં ઊભા.

લિફ્ટ તમે કેટલા મીટર ઉપર ગયા ને કેટલી સ્પીડે તે બતાવે. સાથે બુર્જના કંસ્ટ્રક્શનનો વિડીયો વગેરે ચાલે. દોઢેક મિનિટમાં તો ઉપર પહોંચી પણ ગયાં અને અદભૂત અનુભવ થયો.


2

આગલા પ્રકરણમાં જે પ્રાઇવેટ ટ્રાવેલમાં દુબઈ જતા લોકોની કસ્ટમવાળાઓ દ્વારા  હેરાનગતિ થઈ અને થાય છે તે લખ્યું. એટલે મસ્કત કે નજીકથી દુબઈ જનારે કાર લેવાનું સાહસ કરવું તેમ હું માનું છું. પ્લેનની દોઢ કલાક જર્ની માટે 8000 રૂપિયા જેવા વધુ તો કહેવાય.

તો અમે બરાબર 3.30 ના, extended slot માં એન્ટર થયાં અને બુર્જ ખલીફામાં ઉપર જવાની લાઈનમાં ઊભાં. લાઈનમાં કશું એલાવ નથી, પાણીની બોટલ પણ. પ્રમાણમાં જલ્દી લાઇન ખસે છે.

અગાઉથી સ્લોટ બુક કર્યા વગર જવું નહીં. સમજીને સમય બુક કરવો. દુબઈની લાઈટો જોવી હોય તો સાંજે 7 થી 10.30 વચ્ચે નહીં તો સવારે 10.30 થી. એક કલાકનો સ્લોટ મળે.

સંચાલન લગભગ આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છે તેવું જ હતું. ઓફિસરો ઘણાખરા ભારતીય લાગ્યા અને સિક્યોરિટી વાળા આફ્રિકન.

અહીં દુબઈથી ભારત અઢી થી 3 કલાક થાય જ્યારે આફ્રિકાનું કોઈ પણ સ્થળ 7 થી 8 કલાક. છતાં દરેક સ્થળે ભણેલા ગણેલા ટાઇવાળા આફ્રિકન  જોવા મળે. ગોલ્ડનસેન્ડ હોટેલમાં એકાઉન્ટ વાળો આફ્રિકન હતો. અહીં પણ વ્યવસ્થા અને ક્યુ મેઇન્ટેઇન કરવા, પબ્લિક રિલેશન વ.માં આફ્રિકનો અને ભારતીયો જોયા. કદાચ અહીંના મુસ્લિમો પણ ક્લીન શેવ કરતા અને ઓમાનની જેમ સફેદ ઝબ્બાને બદલે સૂટ ટાઈમાં ફરતા હતા.

હા. અહીં દુબઈમાં બોલતાં ધ્યાન રાખવું. પાકિસ્તાની ટેક્સી વાળો પણ ગુજરાતી બોલતો સમજતો હોઈ શકે. મસ્કત કરતાં ગુજરાતીઓ ઘણા વધારે મળ્યા.

ઉપર 124 અને 125મે માળ લિફ્ટમાં ગયાં. સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ જ અહીં ફરતી ગોળ પ્રેક્ષક દિર્ઘા છે. ઉપર જતાં જ વેલડ્રેસ્ડ છોકરા છોકરીઓ કેમેરા સાથે તમને ઘેરી વળે. 'Nice family photo.. smile..' વગેરે કહેતા ફોટો પાડે. પાછા નીચે ઉતરો ત્યાં ફોટો તૈયાર પણ ખરીદો તો એટલામાં તો કેમેરો આવી જાય એટલા પૈસા. કદાચ 180 દીરહામ એટલે 3600 રૂ. જેવા? સમજ્યો નહીં હોઉં.

અમે દરેક ખૂણે ટેલિસ્કોપ કે હાથ હલાવી નીચેનું દૃશ્ય મોટું કરી બતાવતા સ્ક્રીન વગેરે જોયા. દરેક તરફથી નીચે દુબઈના sky scrapers, મેટ્રો લાઇન, ફ્લાય ઓવરો અને દૂર દરિયાની લાઈનો જોઈ. ભીડ વચ્ચે જગ્યા કરી ઊભી પોઝો આપી ફોટાઓ લીધા. આથમતા સૂર્ય વખતે  વધુ ટિકિટ હોય પણ અમારા સ્લોટમાં પણ ઢળતો સૂર્ય  ખૂબ ઊંચેથી જોયો. 125મે માળ એક જગ્યાએ મજબૂત જાળી પાસે ઊભી આટલી ઊંચી જગ્યાની હવા પણ અનુભવી. ત્યાં પણ ગરમ તો હતી. સ્કાયવોક માટે 145 મે માળ જવાય તેની અલગ ટિકિટ. સ્કાયવોક આમેય દુબઈ ફ્રેમમાં બુક કરી હોઈ અહીં ન ગયા. તો પણ બે માળ વચ્ચે સવા કલાક તો ગયો જે ઓછો પડયો. થોડું અંતર પારદર્શક ફ્લોર પર ચાલવાનું છે ખરું 125મે માળે પણ.

નીચે સંગીતમય સુરો સાથે હવે  ધીમી લિફ્ટમાં ઉતરતાં  આ મકાન બનવાની અકલ્પ્ય ઝડપ, તેનો ઈતિહાસ, મટીરીયલ વગેરેની ફિલ્મ ચાલી. સાથે નીચે પણ દેખાતું ગયું. તમે કેટલી સેકંડમાં કેટલામે માળે પહોંચ્યા તે ઇન્ડીકેટર બતાવતું આવ્યું.

અમુક લોકોને 125 થી 65મે માળ ઉતરતાં કાનમાં પ્રેશરમાં ફેર પડતો લાગ્યો.

નીચે ઉતરી દુબઈ મોલમાં ફરવા લાગ્યાં. વચ્ચે જ એક જગ્યાએ ઘણાં ટેબલો પર લોકો બેસીને ખાતા હતા અને ચારેય બાજુ દરેક પ્રકારનું ખાવાનું મળતું હતું ત્યાં ખાલી થતું ટેબલ જોઈ વીજળી વેગે જગ્યા ઝપટી.  મેકડોનાલ્ડમાંથી મીલ્સ, બાજુમાંથી  ફ્રાઇડ પોટેટો ચિપ્સ વગેરે  અને મેં કોઈ દિલ્હી પરાઠા નામની દુકાન જોઈ દહીં પરોઠાનો ઓર્ડર આપ્યો. સાંજે 5 વાગે તેમણે ફ્રેશ પરોઠો ઉતારી દહીં અને લીંબુ આચાર સાથે આપ્યો. એના મેં ક્રેડિટકાર્ડ થી પે કર્યા.  ચાલ્યું. એટીએમ કાર્ડ ચાલતું નહોતું. મારા ખાણાના 12 દીરહામ થયા.  

અમે ખાધું ન હોત તો કોઈ એક ડગલું ચસકી ન શકત. સવારના 5 વાગ્યાના એમ ને એમ હતા. ધન્ય છે દુબઈના કસ્ટમ વાળાઓની ફરજ પરસ્તીને.

ખાતાં જ પૌત્રને તો ઊંઘ આવવા લાગી. મને પણ. પણ હું રહ્યો રખડુ અને પૈસા વસૂલ કરનારો અમદાવાદી.

તરત એક્વેરિયમની ટીકીટ લીધી.

એક્વેરિયમમાં શાર્ક, નાની વ્હેલ, સ્ટાર ફિશ, જળ ઘોડો અને ઘણું જોવાનું હતું. અમુક તો મસ્કતમાં નવાં થયેલાં કે 2011માં થાઇલેન્ડનાં એક્વેરિયમમાં જોયું હતું. એક મોટી ગ્લાસ ટનલમાંથી પસાર થઈએ એટલે ચારે બાજુ માછલીઓ વચ્ચેથી જતા હોઈએ.

એકાદ કલાક એક્વેરિયમમાં કાઢી તરત બહાર નીકળી ઘૂસ્યા નાઈટ લાઇફ ઝુ માં. આપણે કાંકરિયામાં થયું છે પણ આ ઘણા મોટા પાયે હતું. સાચાં ઘુવડ ચીબરી વગેરે સાથે ઘુવડના અવાજો, રાત્રીના અવાજો વગેરેનો અનુભવ યાદગાર રહ્યો. રાતનાં ચમકતી આંખો વાળાં પ્રાણીઓ, કદાચ બ્લેક ચિત્તો પણ જોયો. આ ઝુ માં વચ્ચે બેસવા માટે પત્થરો પણ છે. હું  વચ્ચેવચ્ચે બેસવા માંડેલો.  

દોરડાંના પૂલ પરથી જવાનું અને નીચે પાણી અને એવી ચીજોનો અનુભવ કર્યો. આ બધું જોઈ બહાર આવ્યા ત્યાં સવાસાત થયેલા. મોલમાં ફર્યા.

એક આખી મોટી દીવાલ, લાંબી પરસાળ સાથે હતી જેની ઉપર 5000 ઉપર સ્ક્રીનો જોડી  20કરોડ ઉપર મેગા પિક્સેલ થી તેમના કહેવા મુજબ વિશ્વનો સહુથી મોટો LED સ્ક્રીન જોયો. તેના ઉપર લાઈવ સીસી ટીવી ની ઈમેજો, કલ્ચરલ શોર્ટ ફિલ્મો અને જાહેરાતો જોઈ.

 એન્ટ્રી પાસે  દીવાલ પરથી સતત પડતો વિશાળ ધોધ જોયો. માણસો કુદતા હોય તેવાં સ્ટેચ્યુ પણ હતાં. બીજો પણ લીલી વનરાજી સાથે કૃત્રિમ ધોધ જોયો.

આ બધું પતાવ્યું ત્યાં પોણા આઠ થવાને થોડી વાર હતી. મોલની બહાર મ્યુઝિકલ ફાઉંટેઈન સાડા સાતે ચાલુ થઈ દર અર્ધો કલાકનો શો હતો. એક શો પૂરો થાય કે ટોળું છૂટે તે દરમ્યાન વચ્ચે બોટિંગ પણ પૈસા લઈ કરાવતા હતા. દુબઈમાં ક્યાં ટિકિટ નથી? બધે જ ખિસ્સું ખાલી કરવું પડે.

અમે આગલો શો છુટતા જ ફુવારાની રેલીંગ પકડી સારી જગ્યાએ ઊભી ગયાં. આઠ વાગે મ્યુઝિકલ ફાઉન્ટનનો શો ચાલુ થયો. લાઈટો અને નૃત્ય મુદ્રાઓ કરતો ફુવારો દસ માળ જેટલે ઊંચે જતો હતો!

સામે હવે લાઈટોથી ચમકતો બુર્જ ખલીફા અદભૂત લાગતો હતો તેના ફોટા લીધા અને આજુબાજુનાં રોશનીમાં ઝગમગતાં  ગગનચુંબી મકાનો જોયાં.

સાડાઆઠે શો પૂરો થતાં મોલમાંથી ટેક્સી પકડવાની લાઈનો હતી તેમાં ટેક્સીઓની એક લાઇન આગળ આવતી જાય અને માણસોની લાઈનમાં ઊભેલા એકએક કરી બેસતા જાય. ટેક્સીઓ માટે પણ જવાનું હોય તે વિસ્તાર મુજબ લાઈનોમાં  ઊભવાનું હતું.

નજીક મેટ્રો સ્ટેશન  દુબઈ મોલ હતું પણ  કોણ જાય? થાક્યાં હતાં.

ગોલ્ડનસેન્ડ અને બર દુબઈ માટે બુર્જમાન નામનું મેટ્રો સ્ટેશન છે. એક શરાબ્દી નામનું સ્ટેશન પણ એક કિમી ની અંદર છે.

અહીં મેટ્રો માટે પૈસા ભરી કાર્ડ લઈ તે એક્ટિવ કરવું પડે પછી મેપ જોઈ સ્ટેશન એન્ટર કરી એટીએમ જેવા સ્લોટમાં નાંખો એટલે પૈસા કપાય અને ટિકિટ નીકળે. બે ચાર દિવસ ગયા હોઈએ તો ફાવે એવું લાગ્યું નહીં. ટેક્સીઓ કરતાં તો મેટ્રો ઘણી સસ્તી છે. ફ્રિકવન્સી  પણ સારી છે.

આખરે હોટેલ આવ્યા. નીચે કાકડીવાળું પાણી પી તાજા થયા. હોટેલમાં ડીનર લેવું હોય તો અગાઉ લખાવી દેવું પડે. નજીકની રેસ્ટોરાંઓ એક સવા કિમી દૂર હતી. અમે ત્યાં રૂમમાં બેસી ઝોમેટો પર રોટી, દાલ ફ્રાય વગેરેનો ઓર્ડર આપ્યો. તે હોટેલના ગેટ પર આપી ગયો. ખાધા ભેગા સૂઈ ગયા. રૂમમાં સેન્ટ્રલ એસી હોઈ તેને 25 પર સેટ કર્યું. સખત થાક હતો. ખબર જ ન પડી કે સવારે સાડા છ ક્યાં વાગ્યા.

 3

બીજે દિવસે રૂમના પડદા ખોલ્યા ત્યાં મીઠો તડકો આવતો હતો.  બિલમાં સમાવેશ હતો તે બ્રેકફાસ્ટ માટે ગયાં. મેં તો પહેલાં ફ્રૂટ પછી પેલા પ્રિન્ટઆઉટની જેમ બહાર આવતા ટોસ્ટ અને મધ તથા જામ, પછી બોઇલ્ડ એગ  સાથે કોઈ બાફેલા ટામેટા, લેટ્યુસ, ઓલિવ વ. નો સેલાડ ઉપર ક્રીમ અને એકાદ ફ્રાઇડ વસ્તુ ઉપર ફિલ્ટર કોફી 'દબાવ્યું'. ઘરનાંઓએ તેમની રુચિ અનુસાર. કાલનો થાક ઉતારવા અને નાનાં બાળકોની ઊંઘ પૂરી કરવાની હોઈ આજે ઉતાવળ નહોતી. હોટેલના સ્વિમિંગ પુલમાં તર્યો. 5 વર્ષનો પૌત્ર પણ એનું  હવા ભરેલ જેકેટ પહેરી ખૂબ તર્યો.

થોડું નેટ પર સર્ચ કરી 11.30 આસપાસ શુક અને મ્યુઝીયમ જોવા નીકળ્યા.


રસ્તે શેખ જાહેદ રોડ પરથી ટેક્સી પસાર થઈ. મકાનોના આકાર આવા હોય તેમ  ન માની શકાય. ખોખાં એક પર એક ગોઠવ્યાં હોય તેવા, ઓવલ આકારના, મિનારા આકારના, ટાયર આકારનું એક  વિશાળ મ્યુરલ, મ્યુઝીયમ ઓફ ફ્યુચર ની બહાર આંખ આકારનું રૂપેરી શિલ્પ અને એવા આકરો ઉપરાંત સાચે જ ગગનચુંબી ઇમારતો. ટેક્સીમાંથી ડોકું બહાર કાઢી ઊંચે જોઈએ તો  પણ ટોચ ન દેખાય એટલાં ઊંચાં મકાનો. ત્રીસ માળ તો સામાન્ય હતા. કેટલાંક તેથી પણ ઊંચાં હતાં.

બધા જ રસ્તાઓ ફોર લેન જેવા અને ટ્રાફિક ખૂબ વ્યવસ્થિત કેમ કે અહીં દંડ ખૂબ મોટો હોય છે. રસ્તો ક્રોસ કરવા પણ  માણસની ગ્રીન લાઈટ થાય તે પહેલાં દોડીને ક્રોસ કરો તો દંડ થાય. કારો પણ અત્યંત વૈભવી.  લીમોઝીન, મસ્તાંગ અને ન આવડે એવાં નામની. મોટી અને ભવ્ય. ઢુર.. કરતો મોટો અવાજ કરતી નીકળે. એ બધીની એવરેજ પણ 3 કે 4 કિમી જ લિટરે હોય.

ટેક્સી ઊભી તેની નજીક બેંક ઓફ બરોડાનું મોટું ટાવર હતું. ત્યાં એટીએમમાંથી પૈસા ઉપાડવાનું કર્યું તો ન નીકળ્યા. બાકીનાં ફંકશન થતાં હતાં.

અંદર જઈ ચીફ મેનેજરને મળ્યો. તેમણે જોઈ આપ્યું કે કાર્ડ જૂનો હોઈ ઇન્ટરનેશનલ માટે નહીં ચાલે. ક્રેડિટ કાર્ડ ચાલતો હતો એટલે વાંધો ન હતો. ત્યાં ભારતીય અને લોકલ બેય કસ્ટમર્સ ઊભા હતા.

નશીબ હશે તે મ્યુઝીયમ  બંધ હતું. બહારથી ખાખી પથ્થરનું, આગળ તોપ મૂકેલું અને આપણી ડેલીઓનાં બારણાંઓને વાર્નીશ કર્યો હોય તેવો ગેઇટ. તેને ચક્કર મારી નજીકની દુકાનો જોઈ. ઘણી સિંધીઓ કે ગુજરાતીઓની હતી. એક મોટા ચોક આસપાસ પાર્કિંગ,  જૂનો ફોર્ટ. બધું ખાખી રંગના રેતીના પથ્થરોનું.

આ મ્યુઝીયમ અને એક તરફ શુક જતો રસ્તો હતો. પાછળ જ  નાની શેરીમાં શિવ અને કૃષ્ણનાં હિંદુ મંદિરો છે તે જોવા ગલીમાં ગયા તો પ્રસાદ, ચૂંદડીઓ, ફોટા અને પુજાની દુકાનો જોઈ જાણે ભૂલેશ્વર, રાણીનો હજીરો કે દિલ્હી કાલી મંદિર પાસેની ગલીમાં હોઈએ તેવું લાગ્યું. બહાર ઘંટ હતો તે વગાડી શિવ મંદિરના તુલસી ક્યારાને નમન કરી સંતોષ માન્યો. મંદિરો બાર થી પાંચ બંધ રહે છે.

આ બર દુબઈ વિસ્તાર હતો. 

પહેલાં હમણાં જસ્ટ ખુલી હોય તેવી દુકાનો  સાથેની  કલોથ શુક માં  પ્રવેશ્યાં. કાપડની અને ફેન્સી વસ્તુઓ વેચતી લાઈનબંધ દુકાનો અને મોટા, ખાસ જાતનો વાર્નીશ કરેલા થાંભલા, અંદર ઊંચે લગાવેલાં ફાનસો વાળી શેરી.  મસ્કતમાં એવું નથી જ્યારે અહીં દુકાનની બહાર ઊભી 'આવો સાહેબ.. આવો મેમ .. આ લઈ જાઓ.. ' વગેરે કહેતા એમના માણસો ફરતા હતા.

શાંતિલાલ, ધ્યાનચંદ, એવાં ગુજરાતી નામોની પણ ઘણી દુકાનો હતી. બહારથી તેમના શો પીસો, દેશ વિદેશનાં કાપડ જેમ કે ઇજિપ્ત કોટન, ઈરાનની કાર્પેટ, એ તરફનું રેશમી કાપડ અને ભારતીય દુપટ્ટા કે બાંધણી વગેરે જોયાં.

ત્યાંથી નજીકની જેટી પરથી 1 દિરહામ બોટ પકડી  દરિયાની ખાડી ઓળંગી સામે કાંઠે અબ્રા વિસ્તારમાં ગયાં.


ત્યાં baniya street છે તેમાં જઈ સ્પાઈસ શુક માં દાખલ થયાં.

ત્યાં તો જાતજાતનાં કેસર, સાંભળ્યું ન હોય તેવી પચીસ  ત્રીસ જાતની ખજૂર, બરણી ખોલતા જ બહાર સુગંધ આવે તેવી મોટી એલચી, ચા માં મેળવવા સૂકવેલી ફૂલ પાંદડીઓ, વાગે કે હાડકામાં દુ:ખે ત્યારે પીસીને લગાવવાની ચોકલેટી ગોટી અને એવું બધી મગજ કામ ન કરે તેવી  ચીજો જોઈ. શ્રીમતી અને પુત્રવધુએ એક દુકાનમાંથી અરેબિક ટી અને ઈરાનની  મોટી એલચી, થોડું ડ્રાય ફ્રૂટ વગેરે લીધું. ત્યાં મને તો આસામમાં જોયેલી તેવી તજ લવીંગની લાકડીઓ, બે ચાર જાતની સોપારીઓ ને આસપાસનાં દેશોના મસાલા જોવાની  મઝા આવી.

વચ્ચે કોઈ નાનાં કાફેમાં જઈ લસ્સી, સમોસા, આપણી સામે બનતો ફ્રૂટ આઈસ્ક્રીમ, ફલાફલ સેન્ડવીચ વગેરે લઈ પેટ ઠાર્યું.


બપોરના આશરે ત્રણ આસપાસ એન્ટર  થયા ગોલ્ડ શુક માં.  આશરે એકાદ કિમી લાંબી શેરી, બેય બાજુ ઝળહળતા પ્રકાશ વાળા શો કેઇસોમાં એકદમ મોંઘાં અને વજનદાર સોનાનાં ઘરેણાં, મુગટ, સોનાનાં વસ્ત્રો, સોનાની જાળી વાળું ટોપ , સોનાનાં ચિત્તો, ગરુડ વગેરે જોયું.  સાચા હીરાની વીંટીઓ, નેકલેસ, ચેઈનો, બેંગલ્સ જોઈ.

વચ્ચે  લાકડાના બાંકડાઓની લાઇન. એક બે ફેરિયા આગળ નાની ટ્રે માં પાણીની  100 ml બોટલો, બિસ્કીટ, શીંગ જેવું વેંચતા મળ્યા.  ત્યાં હિતેશ, વજુભાઈ, રાજકોટ ગોલ્ડ, ધકાન વગેરે નામો વાળી દુકાનો હતી. તેમાં  સ્ત્રીઓ  ગઈ અને હું બાંકડે બેઠો. ત્યાં વિદેશી કપલ્સ પણ  હાથમાં હાથ લઈ ફરતાં હતાં. કોઈ બે કપલે અરસપરસ ઓળખાણ આપી "my boyfriend ..".  બધે ગુજરાતી દુકાનો જોઈ હું રાજકોટની સોની બજારમાં હોઉં એવું લાગ્યું. 

સોનાનો ભાવ 12.7.22 ના 46500 જેવો  10 ગ્રામનો ત્યાંના દિરહામને રૂપિયામાં કન્વર્ટ કરીએ તો હતો. અહીં  અમદાવાદ તે દિવસે 52000 જેવો હતો. એટલે જેને બે ત્રણ તોલા સોનું લેવું હોય એને ખાસ ફેર ન પડે. બે છોકરાં હોય અને એમના લગ્નનું એક જ વખતે વીસેક તોલા લેવું હોય એને પડે. દસ તોલાએ  60 હજાર ઓછા થાય. 


ગેટ 1 પાસે ટોઇલેટ છે. ત્યાં 4 દિરહામ ચાર્જ. એ પણ સિક્કા નાખવાના. "કાઈં 95 રૂ. પાયખાને જવાના અપાય?"  મેં ધીમેથી કહ્યું. દુકાન વાળો હસ્યો. તે ગુજરાતી હતો!

આવ્યા એટલે કાઈંક શુકનનું લીધું.  

હું  ડેટા પેક ચાલુ કરી  ઈન્ટરનેશનલ  ટ્રાનઝેક્શન enable  કરી એટીએમમાં ડેબિટકાર્ડ ચાલે તો  જોવા ગેટ 3 થી બહાર નીકળ્યો. 

ત્યાં તો મલબાર જ્વેલર્સ, આપણો કલ્યાણ, બીજી મોટી મોટી  બ્રાન્ડેડ જ્વેલર્સની દુકાનો અને કેટલીયે મોંઘી કારની આવજા વાળો રસ્તો હતો. એક NBH  નામની બેંકના એટીએમની મોટી લાઈનમાં ઊભો. 25 મિનિટે  વારો આવ્યો પણ એટીએમથી દીરહામ ન નીકળ્યા. હું કુટુંબને ગોતતો, તેઓ મને, વચ્ચે ચોકમાં મળી ગયાં. ત્યાં ઓફિસો 8 થી 4 જેવી હોઈ ઓફિસોથી  છૂટેલા લોકો પૈસા લેવા ઊભા હશે એટલે આવી લાંબી લાઈન હતી.

ફરી 1 દીરહામ બોટમાં બેસી સામે  ઇવનિંગ રાઈડની લક્ઝરી શીપની ટીકીટ લેવા ગયા. તે લગભગ દેરા વિસ્તાર હતો. ત્યાં બેસવાનું સારું હતું. હું ત્યાં જ  રિલેક્સ થઈ આવ્યો. ત્યાં છત્રીઓમાં એમ ને એમ પણ  દરિયો જોતાં બેસી શકાય છે.

ત્યાંથી ઉપડતી શીપની બે જર્ની સાંજની હતી, 4.30 થી 6 અને 6 થી 8. અમે 6 થી 8 ની જર્ની ની 50 દીરહામની એક એવી ટિકિટ લીધી.  શીપ એસી હતી. અંદર ટીવી પણ મોટા સ્ક્રીન પર ચાલતું હતું.  શ્રીમતી અંદર બેઠી પણ મેં ઘણો ખરો સમય ડેક પર વિતાવ્યો. ફરફરતા પવનમાં ફાસ્ટ શીપ સાથે દુબઈની સ્કાય લાઇન અને અમુક અંતર મધ દરિયે લઈ જાય તે અનુભવ માણવાની મઝા આવી. દરિયામાં સૂર્યાસ્ત જોયો, ધનિકોના પણ ધનિકોની વિલાઓ વાળો ટાપુ જોયો, અંધારું થતાં બહારથી AIN દુબઈ આઇ નું વિશાળ મેરી ગો રાઉન્ડ જોયું અને જાણ્યું કે તે પણ હમણાં બંધ છે. વૈભવી બહુમાળી મકાનો અને પેલેસ જેવી હોટલો બેય કાંઠે જોતાં 8 વાગ્યે બીજા ડેક પર  મરીના બીચ લાંગર્યા. ત્યાં રિવરફ્રન્ટ જેવો વોક વે, લાંબી બજાર અને ફરવાના રસ્તે અર્ધો કલાક ફરી ટેક્સી કરી  ગોલ્ડનસેન્ડ 5 પહોંચી ગયા. ટેક્સીનું પેમેન્ટ ક્રેડિટકાર્ડ સ્વાઈપ કરી કર્યું. 80 દીરહામ. મરીનાબીચથી આખું દુબઈ ક્રોસ કરી બર દુબઈ આવ્યા તે! 

રસ્તે રાત્રીના દુબઈની જાહોજલાલી અને ટ્રાફિક જોયાં.

જમવા ગૂગલ મેપથી જોઈ ઇન્ડિયન ફૂડ વાળી સ્ટ્રીટ ગયા જે મેપે કારનો રસ્તો લઈ દોઢ કિમી ચલાવ્યા. વળતાં અટકળે એક મેદાન ક્રોસ કરી આવ્યા તો 800 મીટર, પંદર મિનિટ ચાલતાં!

બીજા દિવસ માટે પુત્રએ હાફ ડે ટુર બુક કરાવી. સવારે 9 વાગે બુર્જમાન મેટ્રો સ્ટેશન પાસે અલ ખલીજ મોલ પાસેથી પિક અપ કરશે તેમ જણાવ્યું. 

આમ દિવસ 2 પૂરો.

 4

ત્રીજે દિવસે ઊઠીને ઝટપટ બ્રંચ વગેરે પતાવી 8.40 વાગતાં તો ચાલતા બુર્જમાન મેટ્રો સ્ટેશન તરફ જવા નીકળી પડ્યા. રસ્તે ઓફિસ જતા લોકો પણ ખૂબ હતા.  બુર્જમાન સ્ટેશનની કઈ બાજુ જવું? ત્યાં અલ ખલીજ મોલ જોયો. એનું બિલ્ડિંગ પણ બહારથી ઢળતું સરસ હતું. દોડીને મોલની અંદરથી ક્રોસ કરી સામે આવ્યા તો  ટુરિસ્ટ બસ આવવામાં જ હતી.

બસમાં એક આફ્રિકન કપલમાં યુવતી  કાળી અને જાડા હોઠ વાળી હોવા છતાં નજર ચોંટી જાય તેવી  સુંદર હતી. ઢીંગલીઓ જેવી પાતળી કમર, તીણું નાક, સ્લિમ પગ.

એક યુરોપિયન મહાશય હતા જે કાંઈક જમીનનો ધંધો કરવા આવ્યા હોય તેમ ગાઇડને જમીન અને ફલેટના દરેક એરિયામાં ભાવ પૂછતા હતા. એક સુરતી કુટુંબ પણ હતું.

સહુને લઈ પહેલાં ગયા જૂમેરા બીચ. આસપાસ  વૈભવી મોટી હોટલો અને સામે ખુલ્લો ભૂરો દરિયો, સફેદ રેતી.

ત્યાંથી બસ નીકળી અને બેઠા ઘાટના બંગલાઓ વચ્ચેથી પસાર થઈ. 

ગાઈડના કહેવા મુજબ આ દેશના મૂળ રહેવાસીઓને દરેકને રહેવા સરકાર એક બંગલો ફ્રી આપે છે. એનો છોકરો પુખ્ત થઈ પરણે તો ક્યાંક પણ તેને બીજો બંગલો. એમનું  રહેવા, ભણવા, મેડિકલ બધું રાજ્ય તરફથી.

દેશ ખુદ 1971 થી જ અસ્તિત્વમાં આવ્યો હોઈ તે બધાની બીજી પેઢી છે. 1972માં છ આરબ રજવાડાએ એકત્ર થઈ યુનાઈટેડ આરબ અમિરાત દેશ કરેલો. 

જુમેરા માર્કેટ પણ જોઈ. એક હેન્ડીક્રાફ્ટ શો રૂમ માં લઇ ગયા. દરેક ટુરિસ્ટ ગાઈડ નો એ ધંધો છે. ત્યાં ખૂબ મોંઘી ટેરાકોટા જેવી, 

ચીનાઈ માટી પર પેઇન્ટિંગ કરેલી વસ્તુઓ, કિંમતી પત્થરનાં ઘરેણાં વગેરે બતાવ્યું. અમુક પેઇન્ટિંગ આપણી ફ્લોર જેવડાં થી માંડી અઢી બાય ત્રણનાં બતાવ્યાં જે તેમના કહેવા મુજબ કારીગરોએ  બે ત્રણ મહિનાની મહેનતે બનાવેલાં હતાં અને તેમાંની  બારીક ડિઝાઈનો સાચાં સોનાં, ચાંદી અને વ્હાઈટ ગોલ્ડની હતી. તેમણે લાઈટ બંધ કરી એ ચળકે છે તે બતાવ્યું. સાથેનાં કોઈકે ખરીદ્યું પણ ખરું પણ સર્ટિફિકેટ આપતી વખતે કેટલા કેરેટનું ને કેટલા ગ્રામ, ઔંસ સોનું છે તેને બદલે woven in gold thread  લખેલું. તેમણે કદાચ એ પાછું આપી દીધું.

અહીથી ગયા ઉમ્મ સુકીમ બીચ અને કાઈટ બીચ, જ્યાંથી બુર્જ અલ આરબ નું વહાણના સઢ આકારનું બિલ્ડિંગ નજીકમાં હતું. તે કોઈ વૈભવી હોટેલ હોઈ બહારથી જ જોઈ શકાય છે. બીચ પર ચાલવાનો સરસ રસ્તો છે અને નહાવાની પણ વ્યવસ્થા છે.

ત્યાંથી ગયા JBR એટલે જુમેરા બીચ રિસોર્ટ જ્યાં લાલ પત્થરનો વોક વે છે અને પહોળા પાથ પર બેસવા માટે છત્રીઓ,  સામે પામ ટ્રી ની હાર છે. દૃશ્ય રમણીય છે. અહીંથી ગયા અલ સીફ.

અહીં સુંદર પાલ્મ ટ્રી ની હાર હતી. બધાં ટ્રી એક સરખાં હોઈ કદાચ કૃત્રિમ હશે પણ સાચા જેવાં લાગતાં હશે. સારો એવો લાંબો વોક વે હતો. નજીક ચંપાનાં વૃક્ષો હતાં. સામે જ ભૂરા દરિયાની બીજી તરફ મોટાં, ઊંચાં સુંદર મકાનોની હાર દેખાતી હતી. એક ઊંધી વ્હેલ આકારના શેડમાં ઉપરથી નાનો ધોધ પડતો હતો તેમાં પલળીને આગળ જવાનો આનંદ માણ્યો.

હવે પાલ્મ આટલાંટીસ નામની જગ્યાએ ગયા. ત્યાં સામે એક તરફ મહેલ જેવા આકારની મોટી હોટેલ છે તો બીજી તરફ  point લખેલા અક્ષરો સાથે ફોટો પડાવવા લોકો ઉભે છે. અમે પણ ફોટા પાડ્યા. અંગ્રેજી U ની હાર કે સર્પાકાર બાંકડે બેસવાની પણ મઝા લીધી.

આખરે પામ બીચ આવી પહોંચ્યા. તે પ્રાઇવેટ હોટેલનો બીચ છે. તે વૈભવી હોટેલ પાલ્મમાં આમ તો એન્ટ્રી નથી. બસના ટૂરિસ્ટોને ગાઈડ અંદર  કમ્પાઉન્ડમાં લઇ ગયો અને એકદમ અદભૂત સ્થળના ફોટાઓ લીધા. એક મેટ્રો જેવી ટ્રેન માત્ર તે હોટેલમાં ઉતરનાર લોકોને સામે લઈ જવા છે તે જોઈ. હોટેલનો સુંદર બગીચો, વચ્ચે હોજ અને પામ ટ્રી ઉપરાંત અલગ અલગ વૃક્ષોથી ગાર્ડન બનાવ્યું છે તે જોયું અને બસ ઉપડી.

આશરે દોઢ વાગ્યા આસપાસ પહોંચ્યા દુબઈ ફ્રેમ. ત્યાંની ટિકિટ લેવાની હતી જે બસમાં બેઠે મારા પુત્રએ ઓનલાઇન લીધી. પેલાં આફ્રિકન કપલની અમારી સાથે જ બુક કરી. તેઓ અમારી સાથે  ટિકિટ સ્કેન કરાવી એન્ટર થયા અને પોતાની રીતે આગળ ગયા.

દુબઈ ફ્રેમ જુઓ તો AIN દુબઈ જવાની જરૂર નહીં. બેય દુબઈને ઊંચાઈએથી બતાવે છે. દુબઈ ફ્રેમ magic proportion માં 4:3 ના પ્રમાણમાં બનાવી છે. સોનેરી ડિઝાઇનમાં વચ્ચે કાચ વાળાં બે વિશાળ પિલ્લરો એક બીજાથી વચ્ચે બ્રિજ દ્વારા જોડાયેલ છે. તેમાં પણ ઉપર લિફ્ટથી જવાનું. રસ્તે જૂની ઊભા સળિયા વાળી બારીઓની અંદર જૂની સંસ્કૃતિ બતાવે. અમે નાનપણમાં જોયેલ તેવું. દળવાની ઘંટી, હાથ સિલાઈનું સિંગર મશીન, પગ મશીન પર સિવતો દરજી અને કપડાંનું માપ લેવાની ટેપ અને કાતર, ધમણથી  ગરમ લોઢું ફૂંકતો લુહાર વગેરે જોયાં.

ઉપર લાંબી ગ્લાસ ફ્લોર પર ચાલતાં નીચે હોટેલ આસપાસનું ગાર્ડન વગેરે ખૂબ નાનાં દેખાય. આ જગ્યા 500 ફૂટ ઊંચી છે એટલે 51મે માળથી જોવા બરાબર. ત્યાં પણ મોટી ગ્લાસ વોલ્સમાંથી ચારે તરફનું દુબઈ, દૂર રણ, દરિયા કાંઠો વગેરે દેખાય. ત્યાં પક્ષીની પાંખો જેવી જગ્યાઓમાં ઊભી સેલ્ફી લેવાના પોઇન્ટ પણ હતાં. ટીવી સ્ક્રીનમાં દેખાતાં નીચેના દૃશ્યને આંગળીઓથી ઝૂમ કરવાની પણ વ્યવસ્થા હતી. એનો પણ બુર્જ ખલીફાની જેમ અલગ જ અનુભવ થયો.

નીચે મોટો બાગ છે પણ ત્યાં બપોરે ફરવું નકામું. સામે જ ગ્રીન પ્લેનેટ નામે બાગ છે.

અમે બસ લેવા આવી તેમાં બેસી તેને મીના બજાર ઉતારવા કહ્યું અને હાફ ડે ટુર પૂરી કરી.

ત્યાં મીના બજારમાં વેગી લેન્ડ નામની ગુજરાતી રેસ્ટોરાંમાં ગુજરાતી થાળી, રસ પૂરી વગેરે ખાધું. પાંચ વ્યક્તિઓનું બિલ 100 દીરહામ એટલે 2000 રૂ. જેવું થયું. તેણે  કોઈ સ્વીટ અને પાણીની 125 ml બોટલ કોંપ્લીમેંટ્રી આપી. અહીં દુબઈમાં પીવાનું પાણી ખૂબ મોંઘું છે.

ખાઈને ઊંઘ આવતી હોવા છતાં મીના બજારની લટાર મારી. દુબઈના રહેવાસીઓ માટે હોય તેવા 1 દીરહામ શોપમાંથી દુબઈની બીજી જગ્યાઓ કરતાં સસ્તું મળે તેવી ચીજોમાંથી પૌત્ર માટે ગેઇમ, સ્ટોરી બુક્સ, એક બે બાળકોનાં કપડાં ને એવું લીધું. ત્યાં એક દીરહામ થી માંડી હજાર દીરહામની વસ્તુઓ મળે. પુત્ર નજીકની ઇલેક્ટ્રોનિક્સની દુકાનોમાં ફર્યો. બ્રાન્ડેડ વસ્તુઓની કીમતમાં મસ્કત, કદાચ ભારત કરતાં પણ બહુ ફરક નહોતો. જાપાન, કોરિયાની ઘણી સસ્તી, લગભગ બ્રાન્ડેડના 60 ટકા કિંમતે  મળતી હતી પણ તેનું ગેરંટીનું શું?

ત્યાં પણ ગુજરાતીઓની દુકાનો સારી એવી હતી.

નજીકમાં ચા પીવા ગયાં. અહીં પણ ચા ને કરક કહે છે. રેસ્ટોરાંની વેઈટ્રેસ કહે કરકમાં condensed મિલ્ક હશે, બીજી ટી માં રેગ્યુલર. બેય વચ્ચે પૈસામાં  ફેર નહોતો. 

ચા પીને પહેલાં ફરીથી હોટેલ પર જઈ આરામ કર્યો. અંધારું થતાં 7.30 આસપાસ  ફરીથી એ જ દુબઈ ફ્રેમની સામે જ, ગાર્ડન ઓફ ગ્લો જોવા ગયાં. 

જેમને વિવિધ જીવંત ફૂલોની કમાલ જોવી હોય તેમણે દિવસે ગ્રીન પ્લેનેટ આવવું. સાંજના પાંચ આસપાસ આવો તો પહેલાં તે અને અંધારું થતાં સાંજે 7 થી શરૂ થતું ગાર્ડન ઓફ ગ્લો જોઈ શકાય. બેય માટે અલગ સારી એવી રકમની ટિકિટ છે.

અમે રાત્રે 8 વાગે ગાર્ડન ઓફ ગ્લો અને તેની સાથે ડાયનોસોર પાર્ક જોયો. ડાયનોસોર જાણે ભાંભરતા હોય તેવા અવાજો સાથે તેમના ગળા અને પેટની ચામડી પણ થરકે. ઘણું વાસ્તવિક જેવું લાગ્યું. કોઈ ડાયનોસોર મિટીયોરાઈટ અથડાવાથી પડી ગયું હોય અને બીજાં તેની આસપાસ ટોળે વળ્યાં હોય કે મા ડાયનોસોર બેબી ડાયનોસોર સાથે ઊભી અવાજો કરતી હોય તેવું જોયું.

પછી તરત જ ગયા ગ્લો ગાર્ડન. રંગીન લાઇટમાં અલગઅલગ ડિઝાઈનો વાળા ડોમ વાળા રસ્તાઓમાંથી પસાર થવાનું, રંગબેરંગી વિશાળ સુરાહી, મોર, વિશાળ ફૂલો અને તેની રંગોળીઓ વગેરે રંગબેરંગી લાઈટથી બનાવેલું. બધી જ ડિઝાઈનો અદભુત હતી.

પૂરું કરતાં સાડાનવ વાગી ગયા. ટેક્સી બોલાવી હોટેલ પહોંચતાં દસ.

ફરી તે  ગોલ્ડનસેન્ડ 5 નજીકની શેરીમાં નજીક આશિષ રેસ્ટોરાં ગયા. જમવામાં વસ્તુઓ સારી પણ વાર ખૂબ લગાડે.  

જેણે કઢી મગાવી તેને ભાત ને બદલે ખીચડી આવેલ જે મેં  ખાધી. લિજ્જતદાર.


બીજે દિવસે અમારે અમદાવાદ રાતની ફલાઇટમાં જવાનું હતું. સેન્ડ ડ્યુન મસ્કતમાં  ખૂબ જોઈ હતી અને અમારી કારમાં જ  તેમાં ફરેલાં. અબુધાબી સાત આઠ કલાકમાં જઈને અવાય એમ કહેલું પણ જે રીતે મસ્કતથી સાડાચાર કલાક કહેવાયેલું ને સાત કલાક થએલા તેવું થાય તો ફ્લાઇટ  ચૂકાય તેમ બને. 

અમે ચોથે દિવસે માત્ર ડોલ્ફિન શો જોવાનું નક્કી કરી દિવસ 3 પૂરો કર્યો.

5.

સવારે ઉઠી મેં ચેક કર્યું.  ગુજરાતી લોકોમાં સ્ટાન્ડર્ડ કહેવાતી  ટ્રાવેલ્સમાં કવર થતી બધી જ જગ્યાઓ અને બીજું ઘણું વધુ જોઈ લીધેલું. સેન્ડડયુન તો મસ્કતમાં જોઈ હતી.

આજે સવારે  હોટેલના જીમમાં  ગયાં. સાધનો વાપરવા ફ્રીમાં મળે. તમારે હોટેલના રૂમમાં એન્ટર થતી વખતે કાર્ડ નાખો છો તે અહીંના ડોરમાં નાખવાનું. મેં ટુંકી મુલાકાત લીધી. પીઠ પાછળ રોડ રાખી ખેંચાય તે અને બીજી એક કસરતની ઝલક લીધી. ટ્રેડમિલ માટેના સ્પોર્ટ્સ શૂઝ ન હતા. બહાર સ્વિમિંગપુલનો ઉપયોગ કર્યો. 

હું હોટેલના રિસેપ્શન પાસે બેઠો. દસેક વાગ્યે લોકો ચેકઆઉટ કરવા લાગેલા તેમની ટેક્સીઓ આવીને  ઊભી હતી. હું પેપર વાંચવા સોફામાં લંબાવીને બેઠો. ચેકઆઉટ કરતા અમુક 'કપલો' (!) એ મારું ધ્યાન ખેંચ્યું. વિદેશી ગોરા  50 વર્ષ ઉપરનાઓ અને સાથે સુડોળ શરીર ને મુખાકૃતિ વાળી 20 થી 25 વર્ષ વચ્ચેની ભારતીય કન્યાઓ.  તેમની રૂમમાંથી સાથે આવ્યાં.   

એકાદી તો કાકા પેમેન્ટ કરતા હતા ત્યારે એમનું બાવડું પકડીને ઊભેલી.

હરવા ફરવાનાં સ્થળો માટે આ કોમન છે.


બપોરે નજીકમાં આશિષ રેસ્ટોરાંમાં ગયાં . બપોરે 2 થી 3 ના ડોલ્ફિન શો માં જવું હતું. સાડાબારે ગયાં અને એકને પાંચ સુધી ઓર્ડર ન આવ્યો. મારે જઈને કહેવું પડ્યુ કે ક્યાંક જવું છે, જલ્દી કર.

ટેક્સી કરી ડોલ્ફિન શો જોવા ગયા જે એક મોટાં ગાર્ડનની અંદર એક ઓડિટોરિયમ માં છે. 

પાછળ મોટા  સ્ક્રીન પર સ્ટેજ પર જે ચાલતું હોય તે બતાવે. અમને તો બીજી રો માં જગ્યા મળી ગયેલી.  સ્ટેજ સરકસના સ્ટેજ જેવું હતું અને આગળ મોટો હોજ હતો.

ડોલ્ફિન અને સી લાયનના અદભૂત ખેલ બતાવ્યા. તેઓ બે સી લાયન  એક બીજાને વળગીને નૃત્ય કરે, માણસ ડોલ્ફિનની પીઠ પર બેસી સવારી કરતો ચારે તરફ ફરે, ડોલ્ફિન નાકથી ફૂટબોલ રમતી ઊંચે ટાર્ગેટ પર મારે, માણસ અને ડોલ્ફિન તથા બે ડોલ્ફિન સામસામા ફુટબોલથી રમે, સીલ આપણા હાથમાં બુકે આપી જાય, ડ્રો માં વિજેતા થાય તેની ચિઠ્ઠી ડોલ્ફિન ઉપાડે અને તેને રો ના કિનારા સુધી  આપી આવે, મોં માં બ્રશ પકડી ડોલ્ફિન પેઇન્ટિંગ કરે વગેરે અને ઘણું વધુ એ સવા કલાકના શોમાં જોયું. બહાર આવતાં બપોરે સાડાત્રણનો તડકો મોં પર વાગતો હતો તેથી બાગમાં ચિલ્ડ્રન પ્લે એરિયા ફ્રી, આધુનિક અને સરસ હોવા છતાં મુલતવી રાખ્યું અને  નજીકના રોડની દુકાનોમાં ફરી હોટેલ પાછા.


રાતે એરપોર્ટ જવા બર્જવાન  સ્ટેશનથી મેટ્રો પકડી. કાર્ડ ખરીદેલું તેમાં સ્ટેશન પરથી  એક એટીએમ જેવા કિઓસ્ક પર મેપ જોતાં પુત્રએ કાર્ડ નાખ્યું અને તેમાં જરૂરી બેલેન્સ કર્યું. સીધી  એરપોર્ટ ટર્મિનલ 1 સુધીની મેટ્રો પકડી જે ઘણીખરી ભૂગર્ભમાંથી ગઈ. અમુક રસ્તે પાટા કે પૂલ પરથી ગઈ તો દુબઈની રાતની રોશની જોવા મળી. રસ્તે ઘણી ખરી જગ્યાએ પીળી સોડિયમ લાઈટો હતી.

ટર્મિનલ 1 સ્ટેશને ઉતર્યા પછી એરપોર્ટના 

A,B,C.. J સુધીના ભાગ છે. અમારી ટર્મિનલ D 36 હોઈ D ટર્મિનલ જતી બીજી મેટ્રો અંદરથી જ પકડી. તેની ટિકિટ મેટ્રો ટિકિટમાં આવી ગઈ.

D ટર્મિનલ ઉતર્યાં અને સખત ભીડ વચ્ચે D 36 ટર્મિનલ ગોતી ગયાં જ્યાં ચેકઈન, ઇમિગ્રેશન, સિક્યોરિટી ચેક પતાવ્યાં. સમય હોઈ ડ્યુટી ફ્રી શોપ્સની આખી બજારની મુલાકાત લીધી. રોલેક્સ, ગૂચી અને એવી મોંઘી ચીજોની શોપ્સ, પરફયુમ, વિદેશી ચોકલેટો અને સ્વીટ, બુક્સ, ટોયસ, શર્ટ કે  ટીશર્ટ ની અને થોડી ઇલેક્ટ્રોનિક વસ્તુઓની દુકાનો ઝાકઝમાળ હતી. લોકો ખરીદી તો કરે પણ હેન્ડ બેગેજ સાત કિલોથી જરા પણ વધી જાય તો પાછો મુકાવતા હોઈ બીજા પેસેન્જરોને 'ભાઈ આ જરા બસમાં ચડીએ ત્યાં સુધી રાખ ને!' એવી વિનંતીઓ કરતા ગોતતા હોય. લેવામાં જોખમ. છેલ્લી ઘડીએ કોઈ ડ્રગ કે દાણચોરીનું મળે અને છેક બસમાં બેસતાં જ એરેસ્ટ થાય એવું પણ બને. મેં કોઈની વિનંતી સ્વીકારી નહીં. હું  જોખમ લેવા માગતો ન હતો.

આખરે  કહેવાયા મુજબ આંતરરાષ્ટ્રીય ટ્રાફિક માટે વિશ્વના સહુથી બીઝી એરપોર્ટ પરથી ફ્લાઇટ ઉપડી અને અમદાવાદ આપ સહુ સાથે.

અસ્તુ.

(સમાપ્ત.)

***















ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ