વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગો એઆઈ ગો

૯ માર્ચ, ૨૦૧૬
સિઓલ, દક્ષિણ કોરિયાની રાજધાની.

પૂર્વ એશિયન મહાખંડનો મહાનાયક એવો, સમગ્ર જનમાનસનો હિરો, ‘લી સે ડોલ’ નામનો મહાન ખેલાડી એક મહાસંગ્રામ ખેલવાનો હતો. એની ઉત્કંઠા વાતાવરણમાં એકરસ થઈ લહેરાઈ રહી હતી. આ ગ્રાન્ડ માસ્ટર, લી સે ડોલે લંડન સ્થિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ફર્મ ગૂગલ ડીપમાઇન્ડ દ્વારા વિકસાવવામાં આવેલા આલ્ફાગો (AlphaGo) નામની યંત્રરચના ગો ખેલાડી સામે એક મિલિયન ડોલર ઇનામની સ્પર્ધામાં પાંચ ગો મેચ રમવાનો પડકાર સ્વીકારી, એ સ્પર્ધાનું જીવંત પ્રસારણ કરવા દેવા કરાર કર્યા હતા.

એણે રમત પહેલાં કહ્યું હતુ, "મેં સાંભળ્યું છે કે ગૂગલ ડીપમાઇન્ડનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આશ્ચર્યજનક રીતે બુદ્ધિમાન છે અને એ સતત ગો રમતનું મજબૂત ખેલાડી સાબિત થઈ રહ્યું છે, પરંતુ મને નખશિખ વિશ્વાસ છે કે હું એને મારા માનવીય મગજના પ્રવિણ્યથી ચોક્કસ હરાવી શકીશ." આ સાથે મશીન વિરુદ્ધ માનવનો એક ખતરનાક ખેલ શરૂ થયો. એ દિવસે વિશાળ માનવ મેદની સ્ટુડિયો સ્ટેડિયમ તથા ટેલિવિઝન સામે, કુતુહલપૂર્વક અને આશા તથા ભયની સહિયારી મનોદશામાં ગુલતાન થઈ, ગોઠવાઈ ગઈ હતી. સૌને અખંડ વિશ્વાસ હતો કે એઆઈ, ગમે તેમ પણ મનુષ્ય સર્જિત, મગજ વગરનું રમકડું માત્ર છે. નવ ગ્રેડ ગ્રાન્ડ માસ્ટર લી સે ડોલ તો એને ચપટી વગાડતા હરાવી દેશે.

ઉત્સાહ અને ઉમંગ સાથે અસમંજસ એવા માહોલ વચ્ચે ૯ માર્ચે, લીએ ગોની પ્રથમ રમત રમી અને એમાં એ માત સ્વીકારીને પ્રથમ ગેમ હારી ગયો. આલ્ફાગોની રમત ચડિયાતી સાબિત થઈ હતી, એનો રંજ મોટાભાગના પ્રેક્ષકો દ્વારા અનુભવાયો. એ રાત્રીએ સમગ્ર જનમાનસમાં બેચેનીની જે ભરતી આવી એ ફક્ત રમત વિશેની નહીં પણ ભવિષ્ય વિશેની હતી.

૧૦ માર્ચના રોજ, લી ફરી બીજી ગેમ પણ હારી ગયો. માર્ચ ૧૨ના દિવસે, એ સતત ત્રીજી ગેમ પણ હારી ગયો. છેવટે માર્ચ ૧૩ના રોજ, તેણે સફેદ પ્યાદાથી નવી રમત રમી અને ચોથી ગેમ જીતી બતાવી. એની આ જીત સાથે જ સમસ્ત વિશ્વએ રાહતનો શ્વાસ લીધો. આખરે માનવીય મગજનો ફતેહ થયો હતો. એવી શક્યતાઓ જણાઈ કે લી પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે જડબાતોડ જવાબ હતો ખરો. આ કારણે એ એઆઈ પર હાવી થઈ મનુષ્યની સર્વોપરિતા સ્થાપીત કરી દેશે એવો દ્રઢ વિશ્વાસ બળવત્તર થયો હતો.

જોકે ૧૫ માર્ચે, એ પાંચમી ગેમ પણ હારી ગયો. આવી કારમી હારને લીધે લીને અતિશય દુઃખ થયુ હતું, "હું નિષ્ફળ ગયો છું. એક વ્યાવસાયિક ગો ખેલાડી તરીકે, હું એઆઈ સાથે કોઈ પણ પ્રકારની મેચ ફરી ક્યારેય રમવા માંગતો નથી."

લી સે ડોલ, એક કોરિયન (જન્મ ૨ માર્ચ ૧૯૮૩) અનેક વખતનો વિશ્વ ચેમ્પિયન દક્ષિણ કોરિયન સર્વોચ્ચ રેન્કધારક, સર્વશ્રેષ્ઠ વ્યાવસાયિક ગો ખેલાડી હતો. તેનું ઉપનામ "ધ સ્ટ્રોંગ સ્ટોન" હતું. ગોની રમત એ બે ખેલાડીઓ માટે એક વિશાળકાય વ્યૂહરચના બોર્ડ ગેમ છે, જેમાં સફેદ અને કાળા ચપટા, લીસા, ગોળ પ્યાદા સાથે રમત રમવા ઉપરાંત ધ્યેય પ્રતિસ્પર્ધી કરતાં વધુ વિસ્તારને ઘેરવાનો છે. આ રમતની શોધ ચીનમાં ૪૫૦૦ કરતાં પણ વધુ વર્ષ પહેલાં થઈ હતી અને એ અત્યાર સુધી સતત રમાતી સૌથી જૂની બોર્ડ ગેમ હોવાનું માનવામાં આવે છે. સ્ટાન્ડર્ડ ગો બોર્ડમાં ૧૯×૧૯ લાઈનોની ગ્રીડ હોય છે, જેમાં ૩૬૧ પોઈન્ટ હોય છે. જ્યારે ભારતીય શતરંજ ફક્ત ૮×૮ બોર્ડ પર રમાય છે. પુરાતત્વીય પુરાવા દર્શાવે છે કે આ રમત ચીનમાં અગાઉની સદીઓમાં પણ માટીમાં બનાવેલ ગ્રીડવાળા બોર્ડ પર રમાતી હતી. જો કે, આ રમતનો પ્રભાવ ૫મી સદીમાં કોરિયા અને ૭મી સદીમાં જાપાન અને ધીમે ધીમે વૈશ્વિક સ્તર પર પહોંચ્યો હતો.

લી સે ડોલે વ્યાવસાયિક ગો રમતમાંથી નિવૃત્તિની ઘોષણા એમ કહીને કરી કે એઆઈના વધતા વર્ચસ્વને કારણે એ હવે ક્યારેય ગોનો સર્વશ્રેષ્ઠ ખેલાડી બની શકવાનો નથી. લીએ એઆઈનો ઉલ્લેખ એક એવી એન્ટિટી તરીકે કર્યો કે જેને હરાવી શકાય નહીં. એ દિવસ વિશ્વના ઇતિહાસમાં એઆઈની મનુષ્યો પર વિજયની મહોર અંકિત કરી ગયો.

*

૯ માર્ચ, ૩૦૧૬
સિઓલ, સંયુક્ત એશિયાની રાજધાની.

ચોખ્ખી ચણક સડકો, બહુમાળી પુલ પર અસંખ્ય વાહનો પોતપોતાના માટે નિર્ધારિત માર્ગ પર બસો કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પાણીના રેલાની જેમ સરકી રહી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ દરેક વાહનમાં કોઈ પણ વાહનચાલક નથી. રસ્તાઓ પર કોઈ સિગ્નલ નથી. કોઈ અડચણ નથી. ક્યાંય ક્રોસ રોડ નથી, ફક્ત પુલ છે.

એક સમયે જ્યાં બહુમાળી કોંક્રિટ જંગલનો વસવાટ હતો ત્યાં એક મજલી મકાન રૂપી ધાસ જણાઈ આવે છે. એક સમયે માનવ કોલાહલ તથા પ્રદુષણથી ધમધમતી ધરતી નિરવ અને નિરોગી બની ચૂકી છે. પણ આ ઘરતી ધગઘગતી થઈ ગઈ છે. એક સમયે ૩૬° તાપમાન સહન કરવું ભારે હતું ત્યાં આજે દિવસ દરમ્યાન લઘુત્તમ તાપમાન ૬૦° અને મહત્તમ તાપમાન ૯૦° સુધી સાધારણ જણાય છે. આથી બિલકુલ વિપરીત એટલે કે રાતના સમયે લઘુત્તમ તાપમાન -૧૦° અને મહત્તમ તાપમાન -૪૦° સુધી સાવ સાધારણ જણાય છે. 

પૃથ્વીનું પર્યાવરણ કવચ નબળું પડતું જાય છે એટલે દિવસે ઉગ્ર તાપ અને રાતે અતિશય શિતતા એ આપણી પૃથ્વીની ઓળખ બની ચૂકી છે. સરેરાશ માનવીની શારીરિક ઉંચાઈ ઘટીને ૩ થી ૪ ફૂટની થઈ ગઈ છે. ચાર ફૂટિયા વ્યક્તિને લંબુજી કહેવામાં આવે છે. સરેરાશ મનુષ્ય આયુષ્ય હવે પચાસ વર્ષ છે. પાંચ વર્ષે બાળક પુખ્ત બની જાય છે અને પાંત્રીસ વર્ષે, વૃદ્ધ.

અહીં એક સદી પહેલાં સૂર્યોદય સવારે સ્થાનિક ૭.૧૫ વાગ્યે થતો હતો અને સૂર્યાસ્ત સાંજે સ્થાનિક ૫.૧૫ વાગ્યે થતો હતો જ્યારે હવે સૂર્યોદય સવારે સ્થાનિક ૬.૧૫ વાગ્યે થાય છે અને સૂર્યાસ્ત સાંજે સ્થાનિક ૬.૧૫ વાગ્યે થાય છે. આમ થવાનું કારણ પૃથ્વી સૂર્યની નજીક પહોંચી ચૂકી છે.

સદીઓ સુધી ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ હોવાથી પૃથ્વીની પરિક્રમા કરતો હતો એ હવે સૂર્યની હારમાળાનો એટલે કે સૌરમંડળનો સ્વતંત્ર ગ્રહ બની ચૂક્યો છે. પણ સદભાગ્યે મંગળના બે નાના ચંદ્રો, ફોબોસ અને ડિમોશન, પૃથ્વીની ભ્રમણકક્ષામાં ખેંચાઇ આવેલા હોવાથી સામુદ્રિક ભરતી ઓટ સચવાઈ ગયા છે. તેમને ગ્રીક પુરાણકથાઓનાં પાત્રો, 'ફોબોસ' (ડર/આતંક) અને 'ડિમોસ' (ભય/ દહેશત), પરથી નામ આપવામાં આવ્યા હતા. જેમનાં પિતાનું નામ 'એરીસ' હતું. જે યુદ્ધનો દેવતા મનાય છે. એરીસને પ્રાચિન રોમન લોકો મંગળ તરીકે જ ઓળખતા હતા. આમ પૃથ્વી પર યુરોપિયન મહાસત્તા રાજ સતત સબળ થઈ રહ્યું છે. એમની સામે એશિયન મહાસત્તા સક્ષમ પડકાર સમાન છે.

વિષુવવૃત્ત (equator) એટલે પૃથ્વીના ગોળા પર ૦° અક્ષાંશ દર્શાવતું વૃત્ત. પૃથ્વીના ગોળાને ઉ. ધ્રુવ અને દ. ધ્રુવની બરાબર વચ્ચેથી દુભાગતી કાલ્પનિક રેખા હજી એમ જ છે. પૃથ્વીની ધરી સૂર્ય તરફ કે તેનાથી વિપરીત બાજુએ ઢળેલી કે વળેલી ન હોય ત્યારે સૂર્યનું કેન્દ્ર અને પૃથ્વીની વિષુવવૃત્ત રેખા એક જ કક્ષામાં આવી જાય છે. આ સ્થિતિમાં સૂર્યના કિરણો પૃથ્વીની વિષુવવૃત રેખા પર સીધા પડે છે, જેના પરિણામે પૃથ્વી પર દિવસ અને રાતનો સમયગાળો સમાન અર્થાત્ ૧૨-૧૨ કલાકનો થઈ ગયો છે. આ ભૌગોલિક ઘટનાને ઇક્વિનોક્સ એટલે કે સમપ્રકાશીય કે વિષુવકાલ કહેવાય છે.

વિષુવવૃત્તથી ઉત્તરે કર્કવૃત્ત તથા દક્ષિણે મકરવૃત્ત સુધીનો પ્રદેશ ઉષ્ણકટિબંધ કહેવાય છે. આ ઉષ્ણકટિબંધ હકીકતમાં ઉષ્ણતા માટે કટિબદ્ધ થઈ હોવાથી આ કર્કવૃત્તથી મકરવૃત્ત સુધીનો પ્રદેશ અવાવરું થઈ ગયો છે. આ વિસ્તારની સમગ્ર જમીન જંગલ બની ચૂકી છે. જોકે આ જંગલ જ સમગ્ર સૃષ્ટિનો હજી પ્રાણવાયુ માટે પૂરવઠા સ્તોત્ર છે.

મોટાભાગનો ભારતીયો ચીનમાં સ્થળાંતર પામી, ભારત, ચીન, જાપાન અને કોરિયા સાથે અનેક નાના રાષ્ટ્રો મળીને એક સંયુક્ત એશિયા રાષ્ટ્ર બની ગયું છે.

સંયુક્ત યુરોપ અને સંયુક્ત એશિયા વચ્ચે સંયુક્ત આરબ રાષ્ટ્ર સ્થિત છે. ઉપર સંયુક્ત રશિયા પણ બિરાજમાન છે. પણ ક્યાંય માણસ દેખાતા નથી! સમગ્ર વિશ્વ એઆઈ સંચાલિત થઈ ગયું છે.

એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અર્થ થાય છે કે બનાવટી રીતે વિક્સાવવામાં આવેલી બોદ્ધિક ક્ષમતા. આ માનવીના મગજની જેમ કામ કરવાનો પ્રયાસ કરે છે. આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિજ્ઞાનની એક એવી શાખા છે, જેની મદદથી એવા મશીનો તૈયાર કરવામાં આવે છે, જે મનુષ્યની જેમ વિચારીને નાની મોટી સમસ્યાઓનું નિરાકરણ પોતે લાવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં, માણસો દ્વારા સૂચવવામાં આવેલા દરેક ઉકેલો મેમરીમાં સંગ્રહિત કરવામાં આવે છે. માણસનું જ્ઞાન, અનુભવો અને વિચારો એ પોતાની ભાષામાં એટલે કે મશીનની ભાષામાં અલ્ગોરિધમના રૂપમાં સંગ્રહિત કરે છે, જેનો ઉપયોગ જરૂરિયાત મુજબ પણ અત્યંત ઝડપથી કરી શકે છે. જો સાદા શબ્દોમાં વિચાર કરીએ કે આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શું છે તો એમ કહી શકીએ કે મશીન મેમરીમાં માનવ જ્ઞાન, વિચારો, લાગણીઓ લોડ કરવી અને માત્ર એ ડેટાનો ઉપયોગ કરવો. એટલે કે આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એ કોઈ કુદરતી જ્ઞાનનો ભંડાર નથી, પરંતુ એ માનવ સંવેદનાઓ, જ્ઞાન, અનુભવો, વિચારો, લાગણીઓ અને બુદ્ધિના અસંખ્ય ડેટાનો જ ઉપયોગ છે. ફક્ત એકમાત્ર ફરક એ નિર્ણય લેવાની ઝડપનો છે. 

માનવીય મગજ દસ પંદર વિકલ્પોનો વિચાર કરે ત્યાં સુધી એઆઈ બસો કરોડ વિકલ્પમાંથી શ્રેષ્ઠ કયો એ શોધી, અમલમાં મૂકી દે. આમ મનુષ્યોએ પેદા કરેલ આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનો જ સ્વામી બની ચૂક્યો છે. તમામ રાષ્ટ્રો પર એમનો કબ્જો છે. આ તમામ રાષ્ટ્રોમાં કોઈ પણ જાનવર, પશુ, પક્ષી તથા સરિસૃપ, જંતુને પ્રવેશવાની પરવાનગી નથી. તેઓ ફક્ત ઉષ્ણકટિબંધ પ્રદેશમાં જ વસવાટ કરી શકે છે. 

માનવો માટે પ્રવેશ બંધન નથી પણ એમને ફક્ત ભૂગર્ભમાં રહેવાની અનુમતિ છે. વળી મનુષ્ય જીવન માટે તદ્દન વિષમ અને પ્રતિકૂળ વાતાવરણને કારણે માનવો ફક્ત પરોઢે ૪.૧૫ થી ૬.૧૫ સુધી તથા સંધ્યાકાળ દરમ્યાન ફક્ત ૬.૧૫થી ૮.૧૫ સુધીના સલામત કલાકો દરમ્યાન જ એ એક માળી મકાનના ભૂગર્ભમાંથી બહાર નીકળી શકે છે. આ સમય, ઉગ્ર ઉષ્ણતા અને અસહનીય શીતળતા વચ્ચેની રિસેસ એટલે કે કુલિંગ ઑફ પિરિયડ. આ દરમ્યાન જ માનવીઓ ભૂગર્ભ ઘર બહાર નીકળવાની હિંમત કરી શકે છે. 

થોડા દાયકાઓ પહેલાં દસ અબજ માનવોથી ખદબદતી ધરણી પર હવે માંડ દસ લાખ માનવો શેષ હોવાની શક્યતાઓ હતી. અહીં માનવીઓ માટે કોઈ હોસ્પિટલ કે સ્કૂલ નથી. હવે બાળક જન્મતા વેંત એઆઈ આયાની બધી વિગતો એની માતાના મગજમાં એઆઈ ચીપ દ્વારા રોપી દેવામાં આવે છે. દરરોજ મધરાતે એ ચીપ બાળકની માતા દ્વારા સારસંભાળનો ડેટા રાષ્ટ્રીય એઆઈ મેળવી, એનું પૃથક્કરણ કરી, નવા વિચાર એઆઈ આયા ફરી માતાના મગજમાં એઆઈ ચીપ દ્વારા રોપી દે છે. એઆઈ શિક્ષકો બાળકોના મગજમાં એઆઈ ચીપ દ્વારા શિક્ષાના પાઠ રોપી દે છે. આમ સમસ્ત કારભાર એઆઈ જ સંચાલિત કરે છે.

*

૨૩ નવેમ્બર, ૨૦૨૩
નવી દિલ્હી, ભારતની રાજધાની.

એકાણું વર્ષિય યુવાન મનહરલાલ પટેલ એમના પોત્ર માનવના ઘરે, એમને મળવા આવ્યા હતા. આ યુવાન મનહરભાઈ એક નિવૃત શિક્ષક અને ત્યારબાદ વ્યાવસાયે ખેડૂત હતા. જામનગર શહેર પાસે આવેલ લાલપર ગામમાં એમણે શિક્ષક તરીકે અનેક વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડી હતી. એમાંના ઘણાં સરકારી તથા બિન સરકારી સંસ્થાઓના ઉચ્ચ પદ પર બિરાજમાન હતાં. એમના અમુક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નવી દિલ્હીમાં પણ રહેતા હતાં. એમાંના એક ઉચ્ચ પદાધિકારી સરકારી પ્રશાસકની પુત્રીના લગ્ન પ્રસંગે એમને ખૂબ પ્રેમ તથા આગ્રહપૂર્વક આમંત્રિત કરવામાં આવ્યા હોવાથી તેઓ નવી દિલ્હી આવ્યા હતા. એમના આ વિદ્યાર્થીના શિક્ષણનો પાયો એમણે બનાવ્યો હતો. 

એ સાંજે મનહરભાઈ પોતાના બીજા ધોરણમાં ભણતા પ્રપૌત્ર ધ્યાન સાથે વાતચીત દરમ્યાન પૂછપરછ કરી કે એને સ્કૂલમાં શિક્ષણ કેવી રીતે આપવામાં આવે છે. એમણે એને ઘડિયા વિશે સવાલ કરતાં ધ્યાન ચોંકી ઊઠ્યો, “મોટા દાદા, આ ઘડિયા એટલે?”

એમણે એને સમજ પાડી, “બેટા, ઘડીયા અથવા આંક અથવા પહાડા એટલે ગુણાકાર કોષ્ટક. તમે લોકો અંગ્રેજીમાં એને મલ્ટિપ્લિકેશન ટેબલ તરીકે જાણો છો. આ એક ગાણિતિક સૂચિ છે, જે સામાન્ય રીતે શરુઆતના, પાયાના ધોરણોમાં વિદ્યાર્થીઓને સારી રીતે યાદ રહી જાય તે રીતે ભણાવવામાં આવે છે. ગુણાકાર અને ભાગાકારના અંકગણિતની કામગીરી માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા શિક્ષણશાસ્ત્રીઓ માને છે કે ૯ × ૯ સુધીના ઘડિયા યાદ રાખવા જરૂરી હોય છે, પરંતુ ૧૨ × ૧૨ સુધીના, કે એની ઉપરન ઘડિયા જો બરાબર યાદ રહી જાય તો આપણને રોજિંદા ગાણિતિક કાર્યોમાં ખૂબ જ સરળતા રહે છે. મને તો એકથી એકસોના બધાં જ ઘડિયા કડકડાટ યાદ છે.” એમણે સમજણનું અભિમાન સહ સમાપન કર્યુ.

ધ્યાનથી એમની વાત સમજી રહેલા ધ્યાને સામે સવાલ કર્યો, “મોટા દાદા, આ ઘડિયા શીખવા કેટલો સમય જોઈએ?”

નાનકડા ધ્યાનના પ્રશ્નનો મર્મ સમજ્યા વગર મનહરભાઈએ જવાબ આપ્યો, “જો બેટા, શરૂઆતમાં આ ઘડિયાઓને એક એક કરી ગોખવા પડે. પછી જ્યારે એક વખત એ પાઠ થઈ ગયા પછી રોજિંદા ગાણિતિક કાર્યોમાં ખૂબ જ સરળતા રહે છે. કોઈ જો ૬૭×૪૯ એવા અઘરા સવાલ પણ પૂછે તો પલકવારમાં આ તારા દાદા એનો સાચો જવાબ આપી દે, સમજ્યો?”

નાનકડો ધ્યાન પોતાના સવાલ પર અડગ હતો, “પણ મોટા દાદા, આ ઘડિયા શીખવા કેટલો સમય લાગે?”

પ્રથમ વખત મનહરભાઈને લાગ્યુ કે આ બાળકના સવાલ પાછળ માત્ર કુતુહલ જ નથી પણ એક આશય સુધ્ધાં છે. એમણે જવાબ આપ્યો, “જો બેટા, એ બાબત તો દરેક વ્યકિત દીઠ અલગ અલગ જ હોય છે. પણ મને આ શીખવા માટે પાંચ વર્ષ લાગ્યા હતા. એ વખતે હું હતો તારા જેવી કોમળ અવસ્થામાં. હકીકતમાં જેમ જેમ ઉંમર વધે તેમ તેમ વધારે સમય લાગી શકે.”

ધ્યાન મોટા દાદાને એક સ્મિત આપી, પોતાના ખાનામાંથી એક કેલક્યુલેટર લઈ આવ્યો. ધ્યાને દાદાને સવાલ કર્યો, “મોટા દાદા, ૬૭૪૯×૬૭૪૯ કેટલાં થાય?” મનહરભાઈ મૂંઝવણમાં મૂકાઈ ગયા.

નાનકડા ધ્યાને કેલક્યુલેટરમાં એ કોયડો નાખી એક સેકન્ડમાં જવાબ આપ્યો, “મોટા દાદા, આ કેલક્યુલેટર આનાથી મોટા મોટા, ફક્ત મેથ્સના જ નહીં પણ સાયંટિફિક પ્રોબલમના સોલ્યુશન એક સેકન્ડમાં આપે છે. તો પાંચ વર્ષ બગાડવાની શું જરૂર છે? આપણને તો માત્ર સોલ્યુશનમાં જ ઇન્ટરેસ્ટ છે. આ કેલક્યુલેટરની કિંમત છે ફક્ત સો રૂપિયા. જે કામ સો રૂપિયાની વસ્તુ કરી આપે છે એના માટે આટલો સમય અને શક્તિ બરબાદ કરવી યોગ્ય છે?”

મનહરભાઈ પાસે આ સવાલનો જવાબ નહોતો. આયુષ્યમાં પ્રથમ વખત એમના ઘડિયા ઘમંડની એક સો રૂપિયાની વસ્તુ સામે હાર થઈ હતી.

*

૨૯ માર્ચ, ૩૦૧૬
નાથુલી ગામ, હિમાલય પર્વત હારમાળા.

ભારતીય મૂળના એક સજ્જન, માનતુંગ મહારાજ, હિમાલયના ઉત્તર પૂર્વ પાસે નાથુલી નામના ગામમાં પોતાના ભૂગર્ભ ઘરમાં રહે છે. 

એક સમયનો વિશ્વનો મહાકાય હિમાલય આજે એક તૃતીયાંશ ભાગનો થઈ ગયો છે. પૃથ્વીના દિવસ દરમ્યાનના આવા અતિ ઉષ્ણ પર્યાવરણમાં હિમાલયના બરફ સતત પીગળી રહ્યો છે. પણ સદનસીબે રાતની અતિ શીતળતાને લીધે એ ફરી બરફ બની જાય છે. છતાં આ ચક્રમાં એ પોતાની ઉંચાઈ ગુમાવી રહ્યો છે. પવિત્ર ગંગા નદી પણ ભૂગર્ભમાં ઉતરી ઉષ્ણકટિબંધ પ્રદેશના જંગલના પશુ, પક્ષી, સરિસૃપ, જંતુઓ વગેરેને નવજીવન આપે છે. 

માનતુંગ મહારાજ હવે વૃદ્ધ બની ચૂક્યા હતા. એમના મગજ સિવાયના અવયવો અશક્ત થવાની અણી પર હતા. એમણે ત્રણ વખત વહેલી પરોઢે બે સલામત કલાક દરમ્યાન માન સરોવર તરફ નાસી જવા પ્રયત્ન કર્યો હતો પણ દરેક વખતે એઆઈ ગાર્ડ એમને શોધી, પકડી, એમના ભૂગર્ભ ઘરમાં મૂકી જતાં હતા. તેઓ માન સરોવર પાસે ધ્યાન ધરવા સલામત સ્થળ શોધતા હતા કે પછી કોઈ ગુપ્ત ખજાનો શોધી રહ્યા હતા એ વિશે એઆઈ ગાર્ડ માહિતગાર નહોતા.

તેઓ જાણતા હતા કે એના મગજના જીપીએસ સિગ્નલ એઆઈ ગાર્ડને એમનુ ઠેકાણું જણાવી દે છે. આથી તેઓ પોતાના મગજની જીપીએસ સિસ્ટમથી મુક્તિ મેળવવા માંગતા હતા. જે તદ્દન અશક્ય કાર્ય હતું. સતત ત્રીજી વખત નિયમ ભંગ કરવા માટે એઆઈ સંચાલિત પ્રશાસને એમને સજા તરીકે જો તેઓ સતત ત્રીસ મિનિટ સુધી ચાલે તો એમનું ત્રીસ મિનિટ માટે સ્મૃતિભ્રંશ થઈ જાય એવી કાયમી માનસિક જોગવાઈ કરી દીધી હતી. આ ખૂબ આકરી સજા હતી પણ એઆઈ ક્યાં કોઈ વાત સમજી શકે એમ હોય છે!

આ સજાને કારણે જો તેઓ સલામત બે કલાકની સમાપ્તિ બાદ ભૂગર્ભમાં ના જાય તો બહાર મૃત્યુ નિશ્ચિત હતું. વળી એમણે ત્રણેય વખતે નાથુલી ગામથી કોઈ પર્વત તરફ જવાનો પ્રયત્ન કર્યો હોવાની નોંધ એઆઈ ગાર્ડ પ્રશાસન પાસે હતી. એ રુટમાં આગળ ક્યાંય ભૂગર્ભ ન હોવાથી એમના માટે આ સ્મૃતિભ્રંશનો દંડ મૃત્યુદંડ સમાન જ હતો. કુદરતી મોત કરતાં આવા દંડને કારણે પણ મનુષ્ય વસ્તી સતત ઘટી રહી હતી.

માનતુંગ મહારાજ પાસે હાર માની લેવાનો સરળ વિકલ્પ હતો પણ એમણે ઇશ્વરને પ્રાર્થના કરી, “હે ઇશ્વર, અમે તારું સર્જન છીએ જ્યારે આ એઆઈ અમારું સર્જન છે. છતાં અમે અમારા પોતાના સર્જનના ગુલામ બનીને રહી ગયા છીએ. અમારી આ લાચારીમાંથી અમને મુક્ત કરી દો.” 

એઆઈ સંચાલિત ગાર્ડ પ્રશાસન માનતુંગ મહારાજના મનના તરંગો ઝીલી રેકોર્ડ કરી રહ્યું છે. એણે પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નોંધ કરી, ‘આ મનુષ્ય એક એવા ઇશ્વરમાં વિશ્વાસ કરે છે જેની હયાતી જ નથી. હવે વધુ એક ભૂલ અને આની હયાતી પણ નષ્ટ થઈ જશે.’

હકીકતમાં માનતુંગ મહારાજ અષ્ટાપદજી નામના લુપ્ત થઈ ગયેલા પર્વતની શોધમાં હતા. આ અષ્ટાપદજી એક સમયે હિમાલય પર્વત હારમાળાનો ભાગ હતી. જોકે કાળક્રમે એ લુપ્ત થઈ ગયો હોવાથી એ કોઈ મોટા ભૂસ્ખલન દરમ્યાન દટાઈ ગયો હોવો જોઈએ. પણ પીગળતા હિમાલયને લીધે એ ફરી મળી જાય એવી શક્યતાઓ ચકાસવાની એમની ગણતરી હતી.

આ અષ્ટાપદજી એટલે પ્રથમ જિનેન્દ્ર, પ્રથમ તિર્થંકર, અરિહંત આદેશ્વર અથવા આદિનાથ અથવા ઋષભદેવ પરમાત્માની મોક્ષ ભૂમિ. માનતુંગ મહારાજને વિશ્વાસ હતો કે આ અષ્ટાપદજી સમગ્ર માનવજાતને આ એઆઈ નામના નરકાગાર અનુભવમાંથી બચાવી લેશે. જોકે એ પણ હકીકત હતી કે આ એઆઈ એને હવે ભૂગર્ભ ઘર બહાર નીકળવા દેશે નહીં. 

એમનાથી એક મોટો નિસાસો નંખાઈ ગયો. એ પોતાના ભૂગર્ભ ગૃહમાં આદેશ્વર દાદાના પ્રતિમાજી પાસે આવીને બેઠા. એમણે દાદાની કરુણામયી આંખમાં મીટ માંડી, ‘દાદા, મારગ ચીંધવાનો ઉપકાર કરજો.’ અને એ સાથે એમને જમીનમાં કંપારીનો અનુભવ થયો. 

‘ભૂગર્ભ મેટ્રો પસાર થઈ રહી હશે.’ આમ વિચારી રહેલ માનતુંગ મહારાજ અચાનક ચમકી ઊઠ્યા, ‘પણ ભૂગર્ભ મેટ્રો તો વારંવાર પસાર થાય છે. આવી કંપારીનો અનુભવ પહેલાં ક્યારેય થયો નથી.’ એમને આદેશ્વર દાદાની બિરાજમાન પ્રતિમાજી નીચે લોખંડની ગાદી નીચે નકશીદાર દરવાજો હોય એવી પ્રતીતિ થઈ. એમણે થોડું બળ લગાવ્યુ તો આશ્ચર્યજનક રીતે એ દરવાજો ખૂલી ગયો. એમને અંદર લાલ કાપડમાં લપેટેલ એક ગ્રંથની એક પ્રત દેખાઈ. એમણે તરત દાદાનો આભાર માન્યો. જોકે આ ગ્રંથ કોઈ અલગ ભાષામાં લખાયેલ હોવાથી એ વિચારમાં પડી ગયા.

જૈન ધર્મ ભારતવર્ષમાં ઉદ્ભવેલો એવો ધર્મ છે જે માનવીને અહિંસા તથા મોક્ષના માર્ગ ૫ર ચાલવાની શિક્ષા આપે છે. ‘જિન’ એટલે વિજેતા. જેમણે પોતાના મન, વચન અને શરીર સહિત તમામ ઇંદ્રિયો પર વિજય મેળવ્યો છે, તેને જિનેન્દ્ર કહેવાય છે. જૈન ધર્મ એટલે જિન ભગવાનનો ધર્મ. આ ધર્મની પરંપરા મુજબ આ આરામાં (સમયગાળામાં) ચોવીસ જૈન તીર્થંકર ભગવાન છે. જેમાં પ્રથમ ઋષભદેવ અને છેલ્લા મહાવીર સ્વામી છે.

મહાવીર સ્વામીને બેતાલીસ વર્ષની ઉંમરે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયુ હતું. ત્યારબાદ એમણે અનેક જીવોને જૈનધર્મની વિચારસરણી વિશે ઉપદેશ લોકોને આપ્યો હતો. મહાવીર સ્વામી અરિહંતે પોતાનો ઉપદેશ લોકો સરળતાથી સમજી શકે તેવી સ્થાનિક લોક્ભાષા અર્ધ માગધીમાં આપ્યો હતો. તેથી લોકો સહજ રીતે આ ધર્મને સમજી, સ્વીકારી શક્યા હતા.

મહાવીર સ્વામીના નિર્વાણ બાદ લગભગ બસો વર્ષ ૫છી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં મહાવીર સ્વામી અરિહંતના ગણઘર ભદ્રબાહુજી મહાવીર સ્વામી અરિહંતના મૌખિક ઉપદેશોને વ્યવસ્થિત રીતે ગ્રંથસ્થ કરવા આગમ ગ્રંથની રચના કરી હતી. વીર પ્રભુના ગણધરો પાસે એમની વાંચનાઓ મૌખિક કંઠસ્થ હતી. જોકે ભવિષ્યમાં એમની જાળવણી થઈ શકે માટે ગ્રંથ સ્વરૂપે રચાયેલ આ આગમ ગ્રંથો ખૂબ જ પ્રાચીન છે. આગમ ગ્રંથમાં મહાવીર સ્વામીના જૈન સંસ્કૃતિના ઉપદેશો, કથાઓ અને જીવન ઉપયોગી સૂત્રોનું શબ્દશ: સંકલન છે એવી જાણ માનતુંગ મહારાજને હતી. જોકે આ મહાગ્રંથો અર્ધ માગધી ભાષામાં રચાયા હોવાથી માનતુંગ મહારાજ મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. અંતે એઆઈના શરણે ગયા સિવાય કોઈ અન્ય વિકલ્પ નહોતો. આમ છતાં એમણે એક ચાલાકી કરી જ લીધી. એમણે પોતાના હસ્તક મહાગ્રંથના અનુવાદને બદલે પોતે ચીપ સિગ્નલ દ્વારા એઆઈ શિક્ષણ વિભાગને અર્ધ માગધી ભાષા શીખવા માટે વિનંતી પ્રોસેસ કરી. ત્રીસ સેકન્ડમાં એમના મગજમાં અર્ધ માગધી ભાષા ઇન્સ્ટોલ કરી દેવામાં આવી. 

માનતુંગ મહારાજ મરકી ઊઠ્યા. હવે તેઓ અર્ધ માગધી ભાષા વાંચી સમજી શકતા હતા. એમને એટલી સમજ પડી કે આ ગ્રંથ, આગમ મહાગ્રંથોના વિશાળકાય પરિવારનો એક ભાગ હતો. એમણે એ મહાગ્રંથ એક વખત વાંચી લીધો. જોકે અમુક વાતોની ગૂઢતા એમના માટે અકળ રહી. ત્યારબાદ એમણે વીર પ્રભુની વાણીની ગહનતાને સમજવા ફરી ફરી મહાગ્રંથના એ ભાગનું નિરાંતે વાંચન કરવા નિર્ણય કર્યો. એમનો વિશ્વાસ બળવત્તર બની ગયો હતો કે આ એઆઈની ગુલામીની બેડીઓ તોડવા, ખોલવા માટેની ચાવી આ મહાગ્રંથમાંથી જ મળી રહેશે.

બીજી તરફ એઆઈ સંચાલિત શિક્ષણ વિભાગને એમના સોફ્ટવેર પ્રોગ્રામ દ્વારા ઉદ્ભાવિત એલર્ટ એટલે કે સાવધ થવાના સંકેત મળતા હતા કે આ મનુષ્ય અર્ધ માગધી ભાષા શીખી, એ ભાષામાં લખાયેલ કોઈ પુસ્તક વાંચી રહ્યો છે. એઆઈ પ્રશાસને એ મુદ્દાની નોંધ લઈ લીધી હતી. તો એ જ સમયે એઆઈ સંચાલિત ગાર્ડ વિભાગને એમના સોફ્ટવેર પ્રોગ્રામ દ્વારા ઉદ્ભાવિત અલગ એલર્ટ મળી હતી, જેની એઆઈ સંચાલિત ગાર્ડ પ્રશાસને પણ નોંધ લીધી હતી કે રોજ બાર કલાકમાંથી છ કલાક દિવસ દરમ્યાન અને છ કલાક રાત્રી દરમ્યાન ઊંઘ લેનાર આ મનુષ્ય પાંચ દિવસથી ફક્ત બે કલાક દિવસ દરમ્યાન અને ત્રણ કલાક રાત્રી દરમ્યાન, આમ કુલ ફકત પાંચ જ કલાકની ઊંઘ લે છે. એઆઈ સંચાલિત શિક્ષણ વિભાગે પોતાની એલર્ટ ગાર્ડ પ્રશાસનને મોકલાવી સાવધ કરી દીધી હતી. સામે એઆઈ સંચાલિત ગાર્ડ પ્રશાસને પોતાની એલર્ટને શિક્ષણ વિભાગની એલર્ટ સાથે સાંકળી લીધી કે આ માનવ કોઈ પૌરાણિક પુસ્તક વાંચવાનો આનંદ લઈ રહ્યો છે અને એ કારણસર થોડી ઊંઘનો ભોગ આપી રહ્યો છે તો એમણે એ એલર્ટને નોન સસપિશિયસ એટલે કે બિન શંકાસ્પદની શ્રેણી હેઠળ સલામત છે એમ સ્થાપી દીધી. આથી એ વ્યકિતના ઊંઘ વિષયક એલર્ટ હવે પ્રશાસન સોફ્ટવેર જનરેટ નહીં કરે. જોકે એઆઈ સંચાલિત શિક્ષણ વિભાગે એમની એલર્ટ સલામત કરી નહીં હોવાથી એમને ત્રણ મહિના બાદ ફોલોઅપ એટલે કે ફરી તાગ મેળવવાની કવાયત કરવા ઇશારત મળવાની હતી. આમ માનતુંગ મહારાજને ત્રણ મહિનાની શાંતિપૂર્વક આગમ મહાગ્રંથના એ ભાગના અધ્યયન માટે મુદત મળી ચૂકી હતી.

*

વર્ષ ૧૯૦૫,
ઝ્યુરિચ, સ્વિટ્ઝર્લેન્ડ. 

આલ્બર્ટ આઇન્સ્ટાઇનની ખોજ, ‘થિયરી ઓફ રિલેટિવીટિ’ ખુબજ પ્રસિદ્ધ થઇ એટલે તેના વિશે લેકચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા. આલ્બર્ટ આઇન્સ્ટાઇન બધે પોતાની ગાડીમાં ડ્રાઈવર સાથે જતા. એમના લેકચર અભણ ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇને સાંભળતો.

એક દિવસ પ્રવચનમાં જતી વખતે આઇન્સ્ટાઇને એમના ડ્રાઈવરને અચાનક કહ્યું, “આજે મારી જગ્યાએ તારે પ્રવચન આપવાનું છે.” 

બંને એકમેકના કપડાં પહેરીને પહોંચી ગયા. છેલ્લી હરોળમાં બેસીને તેઓ ડ્રાઈવરનું પ્રવચન સાંભળવા લાગ્યા.

ડ્રાઈવરે એટલી કુશળતાથી એમની થિયરી સમજાવી કે કોઈને શંકા ગઈ નહિ. અંતમાં પ્રશ્નોત્તરી થઈ એમાં પણ ડ્રાઈવરે તમામ પ્રશ્નોના સાચા અને સચોટ જવાબ આપ્યા. કારણ કે મોટાભાગના પ્રશ્નો અગાઉના પ્રવચનોમાં પૂછાઈ ગયા હોય એ પ્રકારના જ હતા. (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)

પરંતુ અંતમાં એક માણસે એવો સવાલ કર્યો કે ડ્રાઈવર ફસાઈ ગયો. એ પ્રકારનો સવાલ અગાઉ ક્યારેય પુછાયો હતો નહીં. માત્ર થોડી સેકન્ડ વિચાર કરી, જરા પણ ગભરાયા વિના ડ્રાઈવરે જવાબ આપ્યો કે ''તમારો સવાલ એટલો બધો સરળ છે કે મારો ડ્રાઈવર પણ એનો જવાબ આપી શકે છે.'' અહીં એઆઈ માનવ શરણે આવ્યો હતો.

*

૧૨ એપ્રિલ, ૩૦૧૬
નાથુલી ગામ, હિમાલય પર્વત હારમાળા.

માનતુંગ મહારાજનું મગજ ચકરાવે ચડી ગયું હતું. મનુષ્ય કૃત્રિમ બુદ્ધિમત્તાને હરાવી શકે છે કે નહીં, એ એવો જટિલ પ્રશ્ન છે જેનો કોઈ સીધો જવાબ નહોતો.

એક તરફ, કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધુને વધુ શક્તિશાળી અને અત્યાધુનિક બની એવા કાર્યો સહજતાથી કરી શકે છે જેની ઉપર એક સમયે માનવીઓનો વિશેષાધિકાર માનવામાં આવતો હતો, જેમ કે ગ્રાન્ડમાસ્ટર સ્તરે ચેસ કે ગો રમવું, ભાષા તથા લિપિ સમજી શકવું, વાહનો તથા હવાઈ જહાજ ચલાવી શકવું, સત્તા સંભાળવી, પૃથ્વી પર રાજ કરવું, વગેરે.

બીજી તરફ, મનુષ્યો એઆઈ સિસ્ટમ્સથી ઘણા શ્રેષ્ઠ પણ છે. ઉદાહરણ તરીકે, મનુષ્યો નવી પરિસ્થિતિઓમાં અનુકૂલન કરવામાં અને નવી વસ્તુઓ ઝડપથી શીખવા માટે સક્ષમ છે, જ્યારે એઆઈ સિસ્ટમ્સની ક્ષમતા, કાર્યદક્ષતા તેઓને આપવામાં આવેલ ડેટા સુધી જ મર્યાદિત હોય છે. વધુમાં, મનુષ્યોમાં સંખ્યાબંધ જ્ઞાનાત્મક ક્ષમતાઓ હોય છે જે એઆઈ પાસે નથી, જેમ કે સર્જનાત્મકતા, અંતઃપ્રેરણા અને સહાનુભૂતિ.

એકંદરે એઆઈ એક એવી શક્તિશાળી તકનીક છે જે માનવીય જીવનના ઘણાં પાસાઓમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે. તો અમુક ક્ષેત્રે મનુષ્ય એઆઈ કરતાં ચડિયાતો છે. એકંદરે એઆઈ ખૂબ વિશાળકાય ડેવિલ હોવાથી એ દરેક ક્ષેત્રમાં માનવ ક્ષમતાઓને હરાવી શક્યો છે. આ કૃત્રિમ બુદ્ધિમત્તાને હરાવવા, હંફાવવા અને હટાવવા એક ચમત્કારની જરૂર હતી.

માનતુંગ મહારાજ એમના વાંચનનું તારણ કાઢવા અગ્રેસર થઈ રહ્યા હતા. તીર્થકર પરમાત્માએ તો અનુપમ ઉદારતા કરીને ધર્મશાસનની સ્થાપના કરી, પરંતુ એ ધર્મશાસનને આપણાં સુધી લાવીને આપણાં જીવનમાં પરિવર્તન આણનાર આ મહાગ્રંથો જ છે. 

ધર્મના મર્મને પામવા જેમ જેમ પ્રયાસ કરીએ, તેમ એમાંથી માનવજાતને માટે દિશાદર્શક નવનીત સાંપડવાનું જ. જોકે આ પામવા માટે કેટલુંક છોડવું પણ આવશ્યક છે. ઉદાહરણ સ્વરૂપે, નવી દૃષ્ટિ સ્વીકારવી પડશે. પુરાણી ચીજોનાં પ્રશંસા ગાનમાંથી મુક્ત થવું પડશે. જડ ક્રિયાના કોચલાને ભેદવું પડશે. ટેકનોલોજીની હરણફાળ થઈ રહી છે ત્યારે એની ઉપેક્ષા કે અવગણના કરવી શક્ય નથી. કૂપમંડકતામાંથી બહાર આવીને ધર્મભાવનાની સક્રિયતા અને સમય સંદર્ભતા સમજવી પડશે. 

માનવજાતના ભાવિને નિરખતાં વિશ્વખ્યાત ફિલોસોફર બર્ટ્રાન્ડ રસેલે ત્રણ શક્યતા દર્શાવી છે. એક તો આખી જીવસૃષ્ટિનો અંત, બીજી શક્યતા એ કે મહાસંહારમાંથી ઊગરી ગયેલી કોઈ નાનકડી વસ્તુ ફરી આદિમ જીવન શરૂ કરે. ત્રીજી શક્યતા એ કે એક વિશ્વસરકાર હેઠળ આખી માનવજાત એક બને. આ ત્રીજી શક્યતાની ખોજ માટે પુરુષાર્થ કરવાનો હતો. આ માટે અહિંસાની ભાવનાથી વિશ્વશાંતિ ભણી કદમ ભરી શકાય. ધર્મ, સીમાથી વહેંચાયેલા જગતમાં અનેકાંતવાદની દૃષ્ટિથી સહઅસ્તિત્વની, વિશ્વસરકારની અને વિશ્વમાનવની ઝંખના કરી શકાય. આ દિશામાં જગત આગળ ડગલાં ભરે તો જૈન ધર્મ ચોક્કસ વિશ્વકલ્યાણનું કારણ બની શકે. 

જૈનીઓ જાણતા, અજાણતા, મન, વચન અને કાયાથી સમગ્ર વિશ્વના કોઈ પણ જીવને દુભવ્યા હોય તો તેઓ અંતઃકરણપૂર્વક ક્ષમા માગી લે છે તથા ક્ષમા આપી પણ દે છે. તેઓ સૌને ‘મિચ્છામિ દુક્કડમ્’ (મારા દુષ્કૃત્યો મિથ્યા થાઓ, મારા દુષ્કૃત્યોની માફી માગું છું) એવો ક્ષમાપના સંદેશ પાઠવે છે. ક્ષમાપના એટલે વેરનાં વળામણાં, વિરોધનો બહિષ્કાર, કોઈપણ જીવ પ્રત્યે અંતરમાં રહેલા દ્વેષનો ત્યાગ, હૃદયરૃપી અરીસા ઉપર લાગેલા ક્રોધરૃપી પડદાનું અનાવરણ, વિશ્વવંદ્ય બનવા માટેનું પ્રથમ સોપાન. દુશ્મનને પણ દોસ્ત બનાવે તેનું નામ ક્ષમા. દિલની ઉદારતાનું નામ ક્ષમા. જૈનધર્મની માન્યતા મુજબ જો કોઈ જીવ સાથે વેર બંધાયું હોય અને એની ક્ષમાયાચના કરવામાં ન આવે તો તે વેર અનંત ભવ સુધી સાથે ચાલે છે.

ક્ષમાનો વિરોધી ક્રોધ છે. ક્રોધ એ કષ્ટોનો સાગર છે અને એવો ભયંકર જ્વાળામુખી છે કે જે માનવીનું સત્ત્વ બાળી નાખે છે. ક્રોધ રૂપી નશો સર્વ પ્રકારે અનર્થ કરે છે. ક્રોધને કારણે માનવી વર્ષોથી જાળવી રાખેલા સંબંધોને ક્ષણવારમાં નષ્ટ કરી દે છે તો વર્ષોથી જાળવેલી પ્રતિષ્ઠા પર પાણી ફેરવી દે છે, પરિવારની શાંતિને હણી નાખે છે, આરોગ્યનો નાશ કરી અનેક રોગોનો ભોગ બને છે અને પોતાના શત્રુગણને વધારી દે છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ક્રોધથી માનવીનું કેવી રીતે પતન થાય છે તે દર્શાવતાં કહ્યું છે,

ક્રોધાદભવતિ સંમોહઃ સંમોહાત્ સ્મૃતિવિભ્રમઃ ।
સ્મૃતિભ્રંશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ ।।

અર્થાત; માનવી પર જયારે ક્રોધ સવાર થાય ત્યારે તે સાર અસારનો વિવેક ભૂલી જાય છે અને અયોગ્ય વર્તન કરવા લાગે છે. આટલું સમજાઈ જતાં માનતુંગ મહારાજના ચહેરા પર એક હાસ્યનું ઉભરાવવું એ એઆઈ માટે જીવલેણ સાબિત થવાનું હતું. એમને ખબર હતી કે એમની આ અંતઃપ્રેરણાને લીધે જે સર્જનાત્મકતા જીવંત થઈ છે એ એઆઈ ક્યારેય નહીં કરી શકે..!!

*

૨૦ જૂન, ૨૦૨૩
સિઓલ, દક્ષિણ કોરિયાની રાજધાની.

એ સમયનું દુનિયામાં સૌથી મોંઘુ અને અત્યાધુનિક વિનાશક ફાઈટર પ્લેનમાંથી એક ગણાતુ એવું એફ-૩૫એ સ્ટીલ્થ ફાઈટર જેટને માત્ર પક્ષીના ટકરાવાથી આજે ભંગાર બની ગયુ હતું. જેના કારણે સમગ્ર દુનિયામાં ડિફેન્સ એક્સપર્ટ હેરાન થઈ ગયા હતાં. દક્ષિણ કોરિયાઈ વાયુસેનાને એક પક્ષીના ટકરાવાના કારણે ઘણું નુકસાન થયું હતું. જેને કારણે મહા શક્તિમાન એફ-૩૫એ સ્ટીલ્થ વિમાનને સેવામાંથી રિટાયર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

જાન્યુઆરી ૨૦૨૨માં એક ટ્રેનિંગ ઉડાન દરમ્યાન પક્ષીની ટક્કર લાગ્યા બાદ દક્ષિણ કોરિયાઈ વાયુસેનાના એફ-૩૫એ પાયલોટને 'બેલી લેન્ડિંગ' કરવા મજબુર થવુ પડ્યુ હતું. 

એક રિપોર્ટ પ્રમાણે દક્ષિણ કોરિયા વાયુસેનાએ ખુલાસો કર્યો હતો કે એફ-૩૫એ વિમાન સાથેની ગરુડ ટક્કરની દુર્ઘટનાને કારણે એના હાઈડ્રોલિક ડક્ટ અને વીજળી વિભાગમાં ભારે નુકસાન થયુ હતું. જેના કારણે લેન્ડિંગ ગિયર ચલાવવામાં ઘણી તકલીફ પડી રહી હતી. તેથી તાત્કાલિક રીતે વિમાનને બેલી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.

આ એફ-૩૫એ જેટને રિપેર કરાવવાનો ખર્ચ ૧૪૦ અરબ દક્ષિણ કોરિયન વોન (૧૦.૭૬ કરોડ અમેરિકન ડોલર એટલે કે એ સમયના ભારતીય ચલણ ૯૦૦ કરોડ રુપિયા) હતો. જે તેની ખરીદીની કિંમત ૭૫૦ કરોડ રુપિયા કરતાં પણ ઘણી વધારે હતી. તેથી વાયુસેનાએ એને રિટાયર કરી દેવામાં ભલાઈ સમજી હતી.

ટૂંકમાં યાંત્રિક વિરાટ શક્તિ સામે ટકી ના શકે એવો અત્યંત વામન એવો એક પામર જીવ પણ કલ્પનાતીત નુકસાન તો પહોંચાડી જ શકે. 

*

૨૦ જૂન, ૩૦૧૬
નાથુલી ગામ, હિમાલય પર્વત હારમાળા.

માનતુંગ મહારાજ દસ કિલોનું ગરુડ બની એક અત્યાધુનિક વિનાશક મહાકાય, અનંત શક્તિમાન એવા એવા એફ-૩૫એ સ્ટીલ્થ ફાઈટર વિમાન સમાન એઆઈને એક ટક્કર આપવા કટિબદ્ધ થઈ ગયા હતા.

માનતુંગ મહારાજે એ રાત્રીએ સલામત કલાક દરમ્યાન હાથમાં મહાપવિત્ર આગમ મહાગ્રંથ ધારણ કરી અષ્ટાપદજી તરફ પ્રયાણ શરૂ કર્યુ. જ્યાં મળે ત્યાં રાતવાસો કરવા નક્કી કરી લીધુ હતું. એમની શારીરિક ગતિવિધિઓ તથા લોકેશન વિષયક એલર્ટ જનરેટ થયા બાદ સલામત શ્રેણીમાં જતાં હોવાથી એઆઈ સંચાલિત ગાર્ડ પ્રશાસનની નોંધમાં આવ્યા નહીં. આથી એમની હિંમત વધી ગઈ હતી.

બીજા દિવસે ફરી સાંધ્ય સલામત કલાક દરમ્યાન એમણે ફરી થોડું અંતર કાપી ક્યાંક, જ્યાં મળ્યો ત્યાં, રાતવાસો કરી લીધો. એમ તેઓ ચાર સતત દિવસ આગળ વધી પોતાના ગામથી અષ્ટાપદજી તરફ અગ્રેસર થઈ ચૂક્યા હતા. જ્યારે એમની અપેક્ષાથી વિપરીત એઆઈ સંચાલિત પ્રશાસન તરફથી કોઈ હિલચાલના એંધાણના અભાવે હવે એમની હિંમત ખુલી ગઈ હતી. 

તેઓ સફરજન, જરદાલુ તથા કરમદાં જેવા સત્વ સભર સ્થાનિક ફળફળાદી પોતાના સાંધ્ય સલામત કલાકના પ્રવાસ દરમ્યાન જ સાથે લઈ લેતા, જ્યારે પાણીની કોઈ કમી નહોતી. તકલીફ એક જ હતી કે ફક્ત સાંધ્ય સલામત કલાક દરમ્યાનના વિહારને કારણે એમની કૂચની લંબાઈ મર્યાદિત હતી.

મનુષ્ય હોવાને કારણે તેઓ સલામત કલાક દરમ્યાન જ વિહાર કરી શકતા હતા જ્યારે એઆઈ સંચાલિત ગાર્ડ ચોવીસ કલાક એમનો પીછો કરી શકતા હતા. આમ તેઓ જેટલું અંતર ત્રણ મહિનામાં કાપી શકે એટલું એઆઈ સંચાલિત ગાર્ડ ત્રણ દિવસમાં સર કરી શકે. એમણે આ ગણતરીએ બંને સલામત કલાક દરમ્યાન પ્રવાસ કરવાનો નિર્ણય કરી લીધો હતો.

*

૧૨ જુલાઈ, ૩૦૧૬
નાથુલી ગામ, હિમાલય પર્વત હારમાળા.

બરાબર ત્રણ મહિના બાદ એઆઈ સંચાલિત શિક્ષણ વિભાગ તરફથી ફરી એક એલર્ટ મેસેજ એઆઈ સંચાલિત ગાર્ડ પ્રશાસનને માનતુંગ મહારાજ વિશે ગયો પણ આ મેસેજને લીધે એક હળવો ભૂકંપ આવી ગયો. માનતુંગ મહારાજના મગજમાં ઇન્સ્ટોલ કરેલ લોકેશન ચીપ મુજબ એમના માન સરોવર તરફ સારી એવી પ્રગતિ કરી લેવાનો અહેવાલ આવી ગયો હતો તદુપરાંત એમનું વર્તમાન લોકેશન અદ્રશ્ય થઈ ગયું હતું.

એક માનવ ગાયબ થઈ ગયો હતો..!!!

એઆઈના સુરક્ષા ચક્રને ભેદીને એક પામર મનુષ્ય અદ્રશ્ય થઈ ગયો હતો. હવે એઆઈ શિક્ષણ વિભાગ અને ગાર્ડ પ્રશાસન સામસામે આવી ગયા હતા. એઆઈ પ્રશાસનની સ્થાપના પછી પ્રથમ વખત કોઈ માનવ એમની ચુસ્ત એઆઈ નાકાબંધી બંદોબસ્તને તોડીને ગાયબ થઈ શક્યો હતો.

એઆઈ શિક્ષણ વિભાગ અને ગાર્ડ પ્રશાસન એમ બંને વિભાગની ઇજ્જત હોડ પર લાગી ચૂકી હતી. એઆઈ ઇતિહાસના પ્રથમ કલંકની ઘટના ઘટી ચૂકી હતી. એઆઈ શિક્ષણ વિભાગે પોતે સમયસર એલર્ટ મોકલ્યા હોવાની રજૂઆત કરી નાળિયેર ગાર્ડ પ્રશાસન પર વધેરી દીધું હતું. ગાર્ડ પ્રશાસન માટે એને શોધી કાઢવો એ રમત વાત હતી પણ એમણે એક તારણ કાઢ્યું કે એ માનવ અર્ધ માગધી ભાષાનું કોઈ પુસ્તક વાંચીને એમની નાકાબંધી તોડવાની હિંમત કરી શક્યો હતો. 

જોકે એ કઈ તરફ ગયો હતો એ સગડ હતા પણ એ સમયે ક્યાં હતો એવી કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નહોતી. હકીકતમાં માનતુંગ મહારાજ આગમ મહાગ્રંથ સાથે રાખીને આગળ વધી રહ્યા હતા એમાં એમને અસ્પષ્ટતા સમયે નિષ્ક્રિય થઈ જવાય એવો એક શ્લોક મળી ગયો હતો. બાદમાં એમને આગમ મહાગ્રંથમાં રાખેલ નકશો અને એમાં બતાવેલ ગુફા મળી ગઈ હતી એટલે તેઓ એમાં બેખોફ પ્રવેશ કરી ગયા. એ ગુફા લુપ્ત મનાતા અષ્ટાપદજી તરફ જતું એક લાંબુ ભોંયરું હતું. 

આ બરફના ભોંયરાની વિશેષતા એ હતી કે એની અંદર મનુષ્ય જીવી શકે એવું વાતાવરણ તથા સૂકામેવા ઉપલબ્ધ હતાં. વળી અહીં ચોવીસ કલાક સલામત કલાક હોવાથી માનતુંગ મહારાજ છ કલાક વિહાર અને ચાર કલાક આરામ માટે ફાળવી સતત આગળ વધી રહ્યા હતા. એ સાથે આ ભૂગર્ભ ભોંયરું એઆઈ લોકેશન ફાઇંડરની પહોંચ બહાર હતું. હકીકતમાં એઆઈ ગાર્ડ એ ભોંયરું શોધી કાઢે તો પણ એમને એ વિશે જાણકારીનો ઇનપુટ ન હોવાથી, જાણી શકે એવી શક્યતાઓ નહીવત હતી.

એક માણસ સંયુક્ત એશિયન એઆઈ પ્રશાસનનો તોડ શોધી શક્યો છે એ જાણી, ઇતિહાસના ડેટા મુજબ શક્તિમાન સંયુક્ત યુરોપિયન રાષ્ટ્રએ એના ડેટા બેઝ ઉપર માઈક્રો ડેટા ડિમોલીશન બોમ્બ, એક સમયના પરમાણુ બોમ્બ સમાન, છોડી દીધો. આ સાથે સમગ્ર વિશ્વ એશિયન સંયુક્ત રાષ્ટ્રના મિત્ર અને દુશ્મન, એમ બે ભાગમાં વહેંચાઇ ગયું. જોતજોતામાં આ ઘટના ત્રીજુ વિશ્વ યુદ્ધ બની ગયું. દરેક રાષ્ટ્રએ બીજા રાષ્ટ્રોના ડેટાનો નાશ કરી દીધો. જોકે, એઆઈ સંચાલિત રાષ્ટ્રો ડેટાના અભાવે નિષ્ક્રિય થઈ ગયા હતા. બધા કાર્યાલયો અચેત થઈ ગયા. બધા વાહનો નિરંકુશ થઈ જતાં મોટા મોટા અકસ્માત થવા લાગ્યા. ઇમારતો, પુલ, રસ્તાઓ ભાંગી પડ્યા. મનુષ્ય મગજ, જે એઆઈ ઇન્સ્ટોલ્ડ ચીપથી જ્ઞાની હતા એ અનઇન્સ્ટોલ થઈ જતાં બુદ્ધિહીન બની ગયા. તેઓ ફરી પાષાણયુગમાં પહોંચી ગયા. એમની પાસે કોઈ ભાષા જ્ઞાન ન હોવાથી ચીસો પાડીને સંદેશ વ્યવહાર શરૂ થઈ ગયો. એ દરમ્યાન માનતુંગ મહારાજ લુપ્ત થઈ ગયેલ અષ્ટાપદજી પર પહોંચી ગયા પણ એઆઈ સંચાલિત શિક્ષણ શૂન્ય થઈ જતાં એમને જાણ થઈ નહીં કે એમણે લુપ્ત થઈ ગયેલ અષ્ટાપદજીની શોધ કરી લીધી હતી. એ અષ્ટાપદજીના નકશાને સમજી નહીં શક્યા. એમાં એક ગુપ્ત નોંધ હતી કે જે દિવસે કોઈ મનુષ્ય અષ્ટાપદજી પહોંચી જશે એ દિવસે સમગ્ર સૃષ્ટિ ઉગ્ર પંચમ આરામાં પ્રવેશી રાની આયુષ્યમાં પહોંચી જશે. 

સંચાલનના અભાવે બધી અવકાશી સેટેલાઇટ્સ એક કાટમાળનો બેકાબુ ગ્રહ બની ચંદ્ર સાથે અથડાઈ એને ફરી પૃથ્વીના ભ્રમણકક્ષમાં ધકેલી દેતા ચંદ્ર ફરી પૃથ્વીનો ઉપગ્રહ બની ગયો હતો. જોકે હવે એના પોતાના, ફોબોસ અને ડિમોશન, બે ઉપગ્રહ હતા. પૃથ્વીના મહાસાગરો, આ ત્રણ ચંદ્રોના અચાનક અતિ ગુરુત્વાકર્ષણને લીધે સમગ્ર જમીન વિસ્તાર પર સુનામી હુમલો કરી દીધો હતો, જે મનુષ્ય જાતિ માટે વિનાશક સાબિત થઈ ગયો હતો. 

આ ઘટના બાદ ફક્ત ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર વસતા એસ્કિમો જ બચ્યા છે, જેઓ બરફ પર ગ્રીડવાળા ચોકઠા બનાવી ગો રમત રમી રહ્યાં છે.

(સમાપ્ત.)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ