વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મોહ..!

"હાયય ડિયર મમા..! કેમ છે તને? મૈ આ ગઈ!" ચાળીસી વટાવેલ હું આમ ત્રણે ભાષાની ભેળસેળ કરી ફળિયામાં ચપ્પલ ઉતારતી મા તરફ દોડતી. તેને ભેટી પડતી. મા મારી આવી બાળક જેવી હરકતો અને નખરાથી હસી પડતી પણ જાહેરમાં એમ બોલતી, "બસ..હવે..શું નાની હોય તેમ મા..મા..કરવાનું! મોહ મૂકી દે મારો."


પછી હું એક કલાક પૂરી ન રોકાતી પણ એ દરમિયાન મા મને ભાવતી જે વસ્તુ તેને હાથવગી હોય, તે ખવડાવી દેવાનાં વેંતમાં રહેતી. તેનાં હાથ-પગ મારા માટે વ્યસ્ત રહેતાં. હૃદયમાં ઉમળકો અને આંખોમાં એક મીઠો આવકાર સ્થિત જોવા મળતો.

******

માની અંતિમવિધિ અને તે પછીનાં દિવસો પૂરાં થવાં લાગ્યાં. છેક હવે મને બાળક બનવું ન્હોતું ગમતું. એકદમ ઠાવકી બનીને હું યંત્રવત બધું કરી નાખતી. અજીબ ખાલીપાએ મારા મન પર કાયમી કબ્જો જમાવેલ હતો.

******

*ચાર મહિના પછી*

મોટા આંગણવાળું ઘર હવે વેચીને આલિશાન ફ્લેટ લેવાયો હતો ત્યાં હું પહોંચી.  જડબેસલાખ બંધ દરવાજો મને દાંતિયા કરતો હોય તેવો લાગ્યો. મેં ભારે હૃદય બેલ મારી. ભાભીએ સેફ્ટી ચેક કરી દરવાજો ખોલ્યો. 

"આવો બેન!" એમણે ઔપચારિક વર્તન અને વાતોથી મારા ઘણાં દિવસો પછીનાં આગમનને સહજ બનાવ્યું. ખાસ્સી વાર પછી ભાભીએ અમારા માટે ચા બનાવી. ભત્રીજી, ભત્રીજાએ પોતાનાં મોબાઈલ પર એક નજર સ્થિર રાખી, બીજી નજરે મને હાય...હલ્લો કર્યું. ત્રીસ મિનિટમાં હું હાંફી ગઈ. ગઈકાલ સુધી હાર પહેરીને જૂનાં ઘરે રાખેલો પપ્પાનો ફોટો હવે નવાં હાર સાથે અત્યાધુનિક હૉલમાં સરસ રીતે ગોઠવેલ હતો. બાજુમાં મમ્મી પણ હાર પહેરીને ગોઠવાઈ ગઈ હતી. મને એમ લાગતું હતું કે હજુ એ આંખો મારી સામે જોઈને કહી રહી છે 'હવે મોહ મૂક મારો!'


ભાભી તેને આવેલ કૉલમાં વ્યસ્ત થતાં મેં ઈશારાથી જ વિદાય લઈ લીધી. લિફ્ટ સાથે ગતિ કરતાં મારા વિચારો ગ્રાઉન્ડ ફ્લોર પર ભાઈ સાથે ભટકાઈને અટકી ગયાં. તેણે કહ્યું, "બસ..જવું છે? આવજે ફરી સમય મળે તો!"


મેં હકારમાં ડોક હલાવી આંસુઓને એક ધક્કે આંખોમાં ધકેલી દીધાં. આખરે માનો મોહ તો મૂકવો પડે ને? 


જાગૃતિ, 'ઝંખના મીરાં'..

   

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ