વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પેયિંગ ગેસ્ટ

 

વિજયની મુંબઈમાં બદલી થઇ હતી. એકલજીવ એટલે બીજી કોઈ ચિંતા ન હતી પણ મુંબઈમાં ક્યા રહેવું તેને લઈને થોડી મૂંઝવણ હતી. તેને ખબર હતી કે મુંબઈમાં ભાડાની જગ્યા એટલે નાકે દમ લાવનારી મુસીબત. તેને બદલે શરૂઆતમાં ક્યાંક પેયિંગ ગેસ્ટ તરીકે જગ્યા મળી જાય તો તેના હાલના પગારમાં તે નિશ્ચિંતતાથી રહી શકે. મુંબઈમાં બે-ચાર મિત્રો હતા પણ બધાને તકલીફ આપવી તેને પસંદ ન હતું એટલે બધાને જણાવ્યું કે તેના આવતા પહેલા જો કોઈ સારા ઘરે પેયિંગ ગેસ્ટની સગવડ થાય તો તેને માટે તપાસ કરે. થોડા દિવસ કોઈ સસ્તી હોટેલમાં તે રહેશે જ્યાં સુધી યોગ્ય ઘર નહીં મળે. એક બે મિત્રોએ તો તેને આ સગવડ થાય નહીં ત્યાં સુધી પોતાને ત્યાં જ રહેવા આગ્રહ કર્યો પણ વિજયને મુંબઈના નાના ઘરો અને ત્યાં રહેનારને પડતી અગવડનો ખ્યાલ હતો એટલે તેનો સાભાર અસ્વીકાર કર્યો.

મુંબઈ પહોંચીને તે પણ છાપામાં પેયિંગ ગેસ્ટ માટે કોઈ જાહેરખબર આવતી હોય તો તે જોવા લાગ્યો. આમ થોડા દિવસ પછી તેના ધ્યાનમાં એક જાહેરખબર પર પડી જેમાં પેયિંગ ગેસ્ટને માટે આમંત્રણ હતું. વિજય આપેલા સરનામે ગયો અને પોતાને પેયિંગ ગેસ્ટ તરીકે રહેવું છે તેવી ઇચ્છા વ્યક્ત કરી. ઘરમાં બે વયસ્ક પતિ-પત્ની જ રહેતા હતા. તેમના સંતાનો અમેરિકામાં રહેતા હતા અને તેમનું આવવાનું પણ ભાગ્યેજ થતું. હા, તેઓ અવારનવાર ફોન કરી ખાબરઅંતર પૂછતા.     

જરૂરી વાતચીત બાદ વિજયને તે લોકોએ તેનો પેયિંગ ગેસ્ટ તરીકે સ્વીકાર કર્યો. ત્રણ બેડરૂમના ફ્લેટમાં તેને બાથરૂમ સાથેનો એક બેડરૂમ આપ્યો જેથી તેની સ્વતંત્રતા રહે અને દંપતીને પણ કોઈ તકલીફ ન પડે. પણ તે સિવાય અન્ય કોઈ સગવડ એટલે કે ખાવાની, ચા-પાણીની કોઈ વ્યવસ્થા નહોતી કરી એટલે વિજયને સવારનો નાસ્તો બહારથી લાવવો પડતો. પૈસાની તાણને કારણે તે વડાપાંવ, બ્રેડબટર જેવી સાદી ચીજોથી ચલાવતો.  

શરૂઆતમાં તો તે પોતાની રૂમમાં જ નાસ્તો કરી ઓફિસે જતો અને રાતના બહાર જમીને આવતો પણ તેના સારા વર્તન બાદ થોડા દહાડા બાદ ગૃહિણીએ તેને બહાર ડાઈનીંગ ટેબલ પર તેમની સાથે બેસીને નાસ્તો કરવા કહ્યું. ટેબલ પર ત્રણ વ્યક્તિ બેસતી પણ ઘરનો માલિક ગુપચુપ નાસ્તો કરી લેતો. આન્ટીએ કહ્યું કે આ ઉંમરે હવે તે તેની સાથે પણ ભાગ્યેજ વાત કરે છે અને અજાણ્યા આગળ તો ચૂપ જ રહે છે.

બીજે દિવસે વિજય વહેલી સવારે બહાર જઈ રોજ કરતા વધુ વડાપાંવ લઇ આવ્યો અને બંને વયસ્કોને તે ધર્યા. અચકાતા અચકાતા તેમણે તે લીધા અને ખાવા લાગ્યા. એક બટકું ભરતાં જ અંકલ બોલ્યા કે કેટલા વર્ષો પછી આજે મેં વડાપાંવ ખાધા.

‘શા કારણે આપ ખાતા ન હતાં?’

‘એક તો દીકરાની મનાઈ કે આ ઉંમરે બહારનું ખાવાનું અમારી તબિયત માટે હાનિકારક છે અને બીજું કે ઈચ્છા થાય તો પણ લાવી કોણ આપે? આજે તું લઇ આવ્યો એ ઘણું સારૂં લાગ્યું. પણ એક વાતનું ધ્યાન રાખજે કે અમે તારી સાથે બહારનું જંક ફૂડ ખાધું છે તેની મારા દીકરાને ખબર ન પડે.’

‘અંકલ આ આપણા ત્રણ વચ્ચે ‘સિક્રેટ’ છે.’

’પછી તો વિજય રોજ સવારે બહાર જઈ જુદા જુદા પ્રકારના નાસ્તા લઇ આવતો અને ત્રણેય તેનો આનંદ ઉઠાવતા.

ડાઈનીંગ ટેબલ પર હવે અંકલ વધુ વાત કરવા લાગ્યા હતાં. પોતાની સાથે બનેલા બનાવોને યાદ કરી કરીને એક પ્રકારનો આંનદ મેળવતા હતાં અને વિજય પણ તે રસપૂર્વક સાંભળતો, ભલે એકની એક વાત વારંવાર કહેવાતી હોય. તે પણ સમજતો હતો કે જે રીતે અંકલ વાતો કરી સમયને માણે છે તેને કારણે તે પણ એક નવો જ અનુભવ કરી રહ્યો છે. અંક્લમાં તેને પોતાના પિતાની યાદ આવવા લાગી પણ સાલતું કે તે પોતાના પિતા સાથે આટલો નિખાલસ કેમ થઇ શક્યો ન હતો તેથી હવે તેનો તેને અફસોસ થતો હતો.

આમ સમય જતાં ત્રણેય વચ્ચે એક એવો સંબંધ બંધાઈ ગયો જાણે એકબીજાને વર્ષોથી ઓળખતા હોય.

વયને કારણે અંકલની યાદશક્તિ ક્ષીણ થવા લાગી હતી અને પોતાના દીકરાનું નામ પણ ભૂલી ગયા હતાં.

એક દિવસ વિજય પોતાની ઓફિસની બાજુની ફરસાણની દુકાનમાંથી સમોસા લઇ આવ્યો. સમોસાની સુગંધ આવતા જ અંકલ બહુ વાર સુધી તે સુગંધને માણતા રહ્યા. વિજયને નવાઈ લાગી કે આજે અંકલ કેમ બહુ ભાવુક થઇ ગયા. તેણે આંટી સામે જોયું અને ઇશારાથી તે બાબત પૂછ્યું. જવાબમાં આંટીએ કહ્યું કે તે જ્યારે કામે જતાં હતાં ત્યારે એમની ઓફિસની બાજુમાં એક ફરસાણની દુકાન હતી જ્યાંથી અવારનવાર પોતાના પ્રિય સમોસા લઇ આવતા. આજે તું લાવ્યો એટલે તેની યાદ તાજી થઇ.

અચાનક અંકલ ઊભા થઇ પોતાની રૂમમાં ગયા અને એક બોક્ષ લઇ બહાર આવ્યા. વિજયને તેમણે પોતાના દીકરા સંજયના નામે સંબોધ્યો અને પેલું બોક્ષ તેને આપતા કહ્યું કે આ મેં તારા માટે જ સાચવી રાખ્યો હતો કે જ્યારે તું મોટો થઇ એક દીકરાની ફરજ પૂરી કરશે ત્યારે તને હું તે આપીશ. આજે સમોસા લાવી તે ફરજ પૂરી કરી છે એટલે આ બોક્ષ હવે તારૂં.

અંકલે કહ્યું કે જ્યારે મેં પણ એક પુત્ર તરીકેની મારી ફરજ પૂરી કરી હતી ત્યારે આ પેન મને મારા પિતાજીએ આપી હતી અને આજે તું તે માટે લાયક બન્યો છે.

બોક્ષમાં એક પાર્કર પેન હતી.

પેન સ્વીકારતા વિજય ભાવવિભોર થઈ ગયો.

‘અંકલ આજે હવે તમે મારા માટે અંકલ નથી પણ મારા પિતા છો. હવે આ પેન હું પણ સાચવી રાખીશ અને મારા વૃદ્ધાવસ્થામાં મારો પુત્ર આ રીતે જ્યારે તે મારો પ્રિય નાસ્તો લઇ આવશે ત્યારે તેને ભેટ આપીશ.’

ભલે આપણે એક પિતાના સંતાન હોઈએ પણ આપણે એકથી વધુ પિતાના પુત્ર તો બની શકીએને?

નિરંજન મહેતા

(વોટ્સએપ પર વાંચેલ એક સંદેશનો ભાવાનુવાદ)

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ