વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સુંદરવનમાં રાસ-ગરબા

સુંદરવનમાં આજે ખુશીનો માહોલ હતો. શારદીય નવરાત્રિ ચાલી રહી હતી, તેથી સુંદરવનમાં રાસ ગરબાનું સુંદર આયોજન થયું હતું. આ માટે તળાવથી થોડે દૂરનું મેદાન પસંદ કરાયું હતું. ઝાડી-ઝાંખરા દૂર કરાયા હતાં. વડ અને આસોપાલવના તોરણ બંધાયા હતાં. કેની કોયલનાં ટહુકારા હતાં, તો મંદા મેનાનો લલકાર હતો.  ઢેની ઢેલ ઢોલ ઢમકાવવાની હતી. વિકી વાનરે અગાઉથી જ પ્રાણી, પક્ષીઓને રાસ-ગરબાનાં સ્ટેપ શિખડાવી દીધાં હતાં. 
        રાત્રીનાં દશ વાગ્યા સુધીમાં મેદાનમાં સૌ આવવા લાગ્યાં. ખેમું ખિસકોલી, નેનું નોળીયાનો હાથ પકડી આવી. સોમી સસલું અને કબીર કાચબો મિત્ર બની ગયાં હતાં. ધીમે ડગલે તેઓ પણ આવ્યાં. શેરું શિયાળ અને લાલી લોંકડીની જોડી જામી રહી હતી. પીલુ પોપટ અને મીતુ મોર ઝાડની ડાળીએ ચડી ગયાં હતાં. હેરી હરણીયાની તોલે તો કોઈ આવી શકે જ નહીં!! કોઈ વળી બોલ્યું "આ  હેનીલ હાથી અને હીનુ હિપોપોટેમસ પણ ગરબા રમી શકશે?"
       રાસ-ગરબા પુરા થયે લાઈવ ઢોકળા રાખવામાં આવ્યાં હતાં.
           રાસ-ગરબા શરું થવાની તૈયારી હતી. રાજા શેરસિંહ પણ આવી ગયાં. "મારાં વ્હાલા વનવાસીઓ!"  તેણે સંબોધન કર્યું.  "આજ સુંદરવનમાં રાસ-ગરબાનું આયોજન થયું છે! તેની પાછળ એક ખાસ કારણ છે. વિકીવાનર એ કારણ જણાવશે."
વિકીવાનરે  માઈક હાથમાં લીધું. "મારાં વહાલાં પશુ અને પક્ષીઓ! ગયાં વર્ષે નવરાત્રિ ચાલી રહી હતી. હું સુંદરવનની બહાર નીકળી ગયો. ભૂલથી શહેર જઈ ચડ્યો. એક મોટું મેદાન હતું. ઝાંક-ઝમાળ વીજળી હતી. જોર-જોરથી ગાયનો વાગી રહયાં હતાં. માણસોએ રંગબેરંગી કપડા પહેર્યા હતાં. તેમાં આભલા  ટાંકેલાં હતાં. કોડીઓ લટકાવેલી હતી. કોઈની વાત પરથી ખબર પડી કે 'આને ચણિયાચોળી કહેવાય!' માણસોનાં ટોળા એકસરખી રીતે નૃત્ય કરી રહ્યાં હતાં. એક દીવાલ પર ચડી હું જોઈ રહ્યો હતો. થોડીવારમાં મને પણ આવું નૃત્ય કરતા આવડી ગયું. મને પણ માણસો સાથે નૃત્ય કરવાનું મન થયું. મેં ઠેકડો માર્યો. માણસો સાથે નૃત્ય કરવાની કોશીશ કરવા લાગ્યો. એટલીવારમાં તો હો..હા.. થઈ ગઈ.  'મને યાદ એ નવરાત્રિ' બધાં જ  થંભી ગયાં. કોઈ મને જોઈને હસવા લાગ્યાં, તો કોઈ વળી કાંકરી ચાળો કરવા લાગ્યાં. ગાયનો બંધ થઈ ગયાં. બહારથી સિક્યોરિટિ માણસને બોલાવવામાં આવ્યો. મને પકડવા તે દોડ્યો. હું તો હુપપ... દઈ સ્ટેજ પર ચડી ગયો. પેલાં ગાયનવાળા તો ગભરાઈ ગયાં. તેના બધાં ઢોલ ઊંધા થઈ ગયાં. કેટલાંય બાળકો રડવા લાગ્યાં, તો કેટલાંક ચિચિયારીઓ પાડવા લાગ્યાં. મારે માણસો સાથે ગરબા રમવા હતાં. કોઈ મને રમવા દેતું નહોતું. થોડીવારમાં તો વનવિભાગ આવી ગયું. તેઓએ મને કોઈ રીતે પકડી લીધો, પાંજરામાં પુરી દીધો. હવે તેઓ મને પ્રાણી સંગ્રહાલય તરફ લઈ જવા લાગ્યાં. રસ્તામાં તેની ગાડી ખરાબ થઈ ગઈ. તેઓ ઊભા રહી ગયાં. ગાડીમાંથી બહાર ઉતર્યા. મેં જોયું  તો મારું પાંજરું અધખૂલ્લું હતું. પાંજરું ખોલી નાખી મેં દોટ મૂકી. જીવ બચાવી સુંદરવનમાં આવી ગયો. બીજે દિવસે શેરસિંહને બધી વાત કરી.  'મારે ગરબે રમવું છે.' શેરસિંહે ધીરજ રાખવા જણાવ્યું અને આ વર્ષે શેરસિંહે સુંદરવનમાં આવું સરસ આયોજન કર્યુ. શેરસિંહનો આભાર માનીશ કે તેણે આ રીતે મારી ઈચ્છા પુરી કરી."
તાળીઓના ગડગડાટથી શેરસિંહ અને વિકીવાનરને બધાંએ વધાવી લીધાં. એ પછી તો નોરતાની રાત જામી. સૌએ ઊછળી-ઊછળી ગરબે રમ્યાં. થાક્યા એટલે લાઈવ ઢોકળા શરું થયાં. પેટભરી સૌએ ખાધાં અને આનંદ-મંગલ સાથે પોત-પોતાના ઘરે ગયાં. 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ