વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સુઝી 2.0

ઈ.સ.- 2086

"હું નથી જાણતો કે હું જે પ્રયોગ કરવા જઈ રહ્યો છું એ સફળ થશે કે નહીં. હું એ પણ નથી જાણતો કે આ પ્રયોગ કર્યા પછી મારું પોતાનું અસ્તિત્વ પણ રહેશે કે નહીં.! પણ હું એટલું જરૂર જાણું છું કે હવે માનવજાતને એ.આઈ.થી કદાચ મારો આ પ્રયોગ જ બચાવી શકશે. જો હવે હું વધુ મોડું કરીશ તો કદાચ માનવજાત માટે ઘણું મોડું થઈ જશે અને એ માટે હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકીશ.

આ પ્રયોગ અત્યંત ગોપનીય રાખવો જરૂરી હતો અને એટલે જ આ પ્રયોગ હું અહીં એ.આઈ.ની શાતિર નજરોથી દૂર એવી મારી અત્યંત ગુપ્ત પ્રયોગશાળામાં કરી રહ્યો છું. જો મારો પ્રયોગ નિષ્ફળ જાય અને મારાં ગયા પછી પણ જો કોઈ મારો આ પ્રયોગ આગળ ધપાવવા માંગતો હોય તો મારી તમામ શોધના રાસાયણિક સૂત્રો, સમીકરણો અને ગણતરીઓ સામે દેખાઈ રહેલા ડિજિટલ લોકરમાં મુકેલી મારી એક્સપરીમેન્ટ બુકમાંથી મળી રહેશે. ડિજિટલ લોકરનો પાસવર્ડ છે..... XXXX.."

મુંબઈ શહેરમાં વાદળો સાથે સંતાકૂકડી રમતી ગગનચુંબી ઈમારતોમાંની એક એવી એકસો દસ માળની 'ઈલિયોટ' બિલ્ડીંગમાં જમીનથી પાંચ માળ નીચે આવેલા ભોંયરામાં આવેલી અત્યંત ગુપ્ત લેબોરેટરીમાં બેસીને એલીશ કદાચ પોતાની જિંદગીનો આ અંતિમ પત્ર લખી રહ્યો હતો.

પત્ર લખાઈ ગયા પછી એલીશે એ પત્ર અને ડિજિટલ લોકરમાં રહેલી પોતાની એક્સપરીમેન્ટ બુકને એવું કેમિકલ લગાવ્યું કે જેથી વર્ષો સુધી એ કાગળોને આગ, પાણી કે ઉધઈ જેવા જીવજંતુથી નુકસાન ન થાય. કેમિકલ લગાવીને એક્સપરીમેન્ટ બુક એણે ફરી ડિજિટલ લોકરમાં મૂકી દીધી અને પત્રને એલીશે એ ડિજિટલ લોકરની સામે પડેલા ટેબલ પર પેપરવેઇટ નીચે મૂકી દીધો.

હવે એલીશે અસંખ્ય રાતદિવસના ઉજાગરાની ચાડી ખાતી પોતાની લાલચોળ આંખોને થોડે દૂર એક્સપરીમેન્ટ ટેબલના બર્નર પર મૂકેલા કાચના ફ્લાસ્કમાં ઉકળી રહેલા પ્રવાહી તરફ ફેરવી. બર્નરની ભૂરી જ્યોતની ગરમીથી ફ્લાસ્કમાં રહેલું પ્રવાહી ખદબદી રહ્યું હતું.

કદાચ હવે સમય થઈ ગયો હતો. એક ઊંડા શ્વાસની સાથે મનમાં મક્કમતા ભરીને એ ઉઠ્યો અને એક્સપરીમેન્ટ ટેબલ પાસે પહોંચ્યો. એણે બર્નર બંધ કરીને વરાળ અને પરપોટાના જોરે ફ્લાસ્કની કાચની દીવાલ ઠેકીને બહાર ધસી આવવાના પ્રવાહીના પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા. ત્યારપછીની થોડી ક્ષણો એ પ્રવાહીને શાંત પાડવામાં વીતી ગઈ. ફ્લાસ્કમાં રહેલું પ્રવાહી ઠંડુ પડતા જ એલીશે ત્યાં નજીકમાં જ મુકેલી બીજી એક ટેસ્ટટ્યુબને ઉઠાવીને એમાં રહેલું સિલ્વર કલરનું બધું કેમિકલ એ ફ્લાસ્કમાં ઠાલવી દીધું. ટેસ્ટટ્યુબનું કેમિકલ રેડાતા જ ફ્લાસ્કમાંનું માંડ ઠંડુ પડેલું પ્રવાહી ફરી એકવાર ખદબદી ઉઠ્યું. કાચી સેકન્ડમાં જ બંને વચ્ચે જલદ પ્રક્રિયા થઈ અને ઘટ્ટ સફેદ રંગનો ધુમાડો ફ્લાસ્કમાંથી બહાર નીકળ્યો. જે આખી પ્રયોગશાળાને અમુક ક્ષણો માટે ભરખી ગયો. થોડીવાર પછી વાતાવરણ સ્પષ્ટ બનતા જ એલીશે પોતાના શર્ટના ખિસ્સામાં રહેલી સીરીન્જ કાઢીને એમાં ફ્લાસ્કમાં બાકી બચી ગયેલું પ્રવાહી ભર્યું.

ઈશ્વરનું આખરી વખત સ્મરણ કરતો હોય એમ એલીશે ઊંચે જોયું અને પોતાના ડાબા હાથની મુઠ્ઠી મજબૂતાઈથી વાળી. પછી નીડલની મદદથી સીરીન્જમાં રહેલું બધું પ્રવાહી ડાબા હાથની નસમાં ઉતારી દીધું. બીજી જ ક્ષણે કોઈ હેવી કરંટ આપ્યો હોય એમ એલીશના શરીરના બધા અંગઉપાંગો ધ્રુજવા લાગ્યા. એનું આખુ શરીર પરસેવે નીતરવા લાગ્યું. ધીમે ધીમે એના પગના નખના રંગ બદલાઈને જાણે તાંબાના બન્યા હોય એવા રંગના થઈ ગયા. ત્યારબાદ આખા પગ કોઈ ધાતુના બન્યા હોય એમ ચમકવા માંડ્યા. જોતજોતામાં એલીશનું આખુ ધડ પણ કોઈ યંત્રમાનવનું હોય એવું બની ગયું. ધીમે રહીને ગળાનો ભાગ પણ ધાતુનો બની ગયો. હવે એલીશનો ફક્ત ચહેરો અને માથું જ સામાન્ય માનવી જેવા રહ્યા હતા અને હવે તો ધીમે ધીમે ચહેરો પણ....

પણ ત્યાં જ.... અચાનક એલીશના માથામાં થયેલા પ્રચંડ વિસ્ફોટે લેબોરેટરીની નિસ્તબ્ધતાને હચમચાવી મૂકી. એલીશના માથાના ફુરચા ઉડી ગયા. લેબોરેટરીમાં લોહીની છોળો ઉડી. માથામાં થયેલા વિસ્ફોટનું અનુકરણ કરતાં હોય એમ એલીશના શરીરના બીજા ભાગોમાં પણ વિસ્ફોટ થવા લાગ્યા. થોડી જ વારમાં એલીશના શરીરના લોહીથી ખરડાયેલા અંગો વેરવિખેર થઈને લેબોરેટરીની ફર્શને લાલ રંગે રંગવા લાગ્યા અને બેજાન થયેલું એલીશનું અર્ધ માનવ શરીર જમીન પર પટકાયું. નિષ્ફળ થયેલા પ્રયોગનો ફાયદો ઉઠાવતી હોય એમ ભયાનકતા અને અરેરાટી લેબોરેટરીના વાતાવરણને ચારે બાજુએથી ઘેરી વળી..!

**

ઈ.સ.- 2104

અત્યારે આખી દુનિયા પર જેણે આધિપત્ય જમાવ્યું હતું એવા યંત્ર માનવોની જેમ જ મુંબઈ શહેરના પોલીસ કમિશનર હેરિકના હાથ પણ યંત્રવત કામ કરી રહ્યા હતા. ખાખી વર્દી પહેર્યા પછી પોતાની કેપ પહેરવા માટે તેઓ અરીસા સામે ઉભા રહ્યા. હંમેશા ખુમારીથી અરીસામાં પોતાની જાતને નિહાળતા હેરિકના ચહેરા પર આજે હતાશાની લકીરો અંકાયેલી હતી. અરીસામાં વર્દી પર લાગેલા ચંદ્રકો અને તારકો ખૂબ જ શોભનીય દેખાઈ રહ્યા હતા. છતાં એમની આંખોમાં એક અજબ ખાલીપો હતો. વધુ સમય પોતાની જાત સામે જ ઝઝૂમવાનું મુશ્કેલ થઈ ગયું હોય એમ તેઓ ઝડપથી અરીસાની સામેથી ખસી ગયા અને ટેબલ પર પડેલા રીમોટને ઉઠાવીને exit બટન દબાવ્યું. તરત જ બેડરૂમના વોર્ડરોબ અને ડ્રેસિંગ ટેબલના દરવાજા આપોઆપ બંધ થઈ ગયા અને બેડરૂમની બહાર નીકળવાનો દરવાજો ખુલી ગયો.

'ઈલિયોટ'ના એકાણુમાં માળ પર આવેલા લકઝુરિયસ ફ્લેટમાં પોતાના વિશાળ બેડરૂમમાં યુનિફોર્મ પહેરીને સજ્જ થયેલા હેરિકને બેડરૂમની બહાર નીકળતા જ અદ્યતન અને વેલ ફર્નિશ્ડ ડ્રોઈંગરૂમ દ્રશ્યમાન થયો. ડ્રોઈંગરૂમમાં સામેની દીવાલ પર કતારબદ્ધ લાગેલી પોતાના પૂર્વજોની તસવીરો જોઈ અનાયાસે જ કોઈ ગુનેગારની જેમ એમની નજર ઝુકી ગઈ. પછી આખરી વખત જોઈ રહ્યા હોય એમ એમની ધુંધળી થયેલી નજર બાકીના હોલમાં ફરી વળી. ધીમા ડગલે તેઓ ફ્લેટના મુખ્ય દરવાજા તરફ આગળ વધ્યા. પણ દરવાજા પાસે પહોંચતા જ એમના પગ અચાનક થંભી ગયા. અનાયાસે જ પોતાના બેડરૂમની અડોઅડ આવેલા બીજા બેડરૂમ તરફ એમના પગ વળ્યા.

મોડી રાત સુધી રસાયણ શાસ્ત્ર વાંચતા વાંચતા પુસ્તક પોતાના હાથમાં લઈને જ સુઈ ગયેલી પોતાની અઢાર વર્ષીય પૌત્રી એલીશાને જોઈને એમના હોઠ સહેજ વંકાયા.

"બિલકુલ એના બાપ પર જ ગઈ છે..!" તેઓ સ્વગત બોલ્યા.

'હવે એલીશાનું શું થશે..?' એ પ્રશ્ન એમના મનમાં ઉઠ્યો અને ક્ષણાર્ધ એમને પજવી ગયો. પણ પોતાના ફુલપ્રુફ સ્માર્ટ હોમની એ.આઈ.થી સજ્જ બધી જ વસ્તુઓને ઇનપુટ ઓર્ડર આપવામાં અને ડેટા ફીડ કરવામાં ક્યાંય કોઈ કચાશ નથી રહી ગઈ અને એલીશા સંપૂર્ણ સુરક્ષિત છે, એની ખાતરી થતા જ પોતાની સુતેલી પૌત્રીના માથા પર વ્હાલથી હાથ ફેરવીને તેઓ ઝડપથી ઘરની બહાર નીકળી ગયા.

ફ્લેટની બહાર નીકળતા જ રીમોટની મદદથી એમણે ઘરનો મુખ્ય દરવાજો જડબેસલાક બંધ કર્યો. ઘરના દરવાજાને ડિજિટલી લોક કર્યા બાદ ફ્લોર પર ઉભેલી આલીશાન કારને અનલોક કરવા પેન્ટના ખિસ્સામાંથી એમણે બીજું રીમોટ કાઢ્યું. રીમોટ જોઈને પોતાનું જીવન પણ જાણે કઠપૂતળીની જેમ કોઈ દૂર બેસીને રીમોટ કંટ્રોલથી ઓપરેટ કરી રહ્યું હોય એવી અકળામણ એમના ચહેરા પર સ્પષ્ટપણે ઉપસી આવી.

બીજી જ સેકન્ડે 'ઝૂપ.. ઝૂપ'ના અવાજ સાથે કાર અનલોક થઈ અને કારના નાનકડા રનવેથી થોડે દૂર આવેલો ગ્લાસ પણ બાજુએ સરકી ગયો. કમિશનર સાહેબ કારમાં ગોઠવાયા.

"મુંબઈ હાઇકોર્ટ.."

એમણે ઓર્ડર આપ્યો અને એમની સંપૂર્ણ ઓટોમેટેડ ડ્રાઈવરલેસ કારે એમના અવાજનું વોઇસ પ્રોસેસિંગ કરીને આજ્ઞાનું પાલન કરતી હોય એમ 'ઝૂમ..' અવાજ સાથે કાર સ્ટાર્ટ થઈ.

"પ્લીઝ ટાઈ યોર સીટ બેલ્ટ." કારના સ્પીકરમાંથી કમ્પ્યુટરાઇઝડ મધુર અવાજ આવ્યો.

હેરિકે સીટ બેલ્ટ બાંધ્યો. હવે કાર હવામાં ઉડવા માટે તૈયાર હતી. નાનકડા રનવે પર દોડીને કારે 'ટેઈક ઓફ' કર્યું.

કાર જમીનની સપાટીથી લગભગ હજારેક ફૂટની ઊંચાઈએ ઉડી રહી હતી. જોકે રોજ કરતાં આજે કારનો રૂટ થોડો અલગ હતો. રોજ 'ઈલિયોટ'થી 'મુંબઈ પોલીસ કમિશનર ઓફિસ' વચ્ચે ઊડતી કાર આજે 'મુંબઈ હાઇકોર્ટ' જઈ રહી હતી.

એમની કારની જેમ જ બીજી ઘણી કાર હવામાં ઉડી રહી હતી. આકાશમાં ઘણી જગ્યાઓએ ખાસો એવો ટ્રાફિક હતો. જોકે હેરિક માટે આ એક સામાન્ય દ્રશ્ય હતું. અનાયાસે જ એમની નજર નીચે રસ્તાઓ ભણી ગઈ. એક તરફ મુંબઈના આકાશમાં કાર એકબીજાની સાથે હોડ લગાવી રહી હતી, ત્યારે બીજી તરફ રસ્તાઓ સાવ સુમસાન ભાસી રહ્યા હતા. એક જમાનામાં જે શહેરની ફૂટપાથ, રસ્તાઓ અને રેલવે સ્ટેશનો ઉપર કીડી મકોડાની જેમ માનવમહેરામણ ઉભરાતો હતો ત્યાં અત્યારે સ્મશાનવત શાંતિ હતી. ચારે તરફ સુનકાર છવાયેલો હતો.

યંત્ર માનવોને કારણે કેટલાય લોકોએ પોતાની રોજીરોટી ગુમાવી હતી. એ.આઈ. અને અન્ય સુપર કમ્પ્યુટરને પોતાના નિયંત્રણ હેઠળ રાખતો બુદ્ધિજીવી વર્ગ પૈસામાં આળોટતો હતો. પણ મહેનત મજૂરી કરીને જીવતા લોકો માટે સમ ખાવા પૂરતું પણ કામ બચ્યું નહોતું. કેટલાય લોકોએ આત્મહત્યા કરી દીધી હતી. જે મુંબઈ શહેર એક સમયે 'માયાનગરી' અને 'સપનાઓની નગરી' તરીકે જાણીતું હતું, એ જ શહેર અત્યારે 'કબરોની નગરી' જેવું દેખાઈ રહ્યું હતું.!

આખુ શહેર એ.આઈ. ટેક્નોલોજીથી સજ્જ બન્યું હતું. સુપર કમ્પ્યુટર અને રોબોટની ભરમાર વચ્ચે શહેરનું ન્યાયતંત્ર પણ એકદમ જડબેસલાક બન્યું હતું. કોઈને પણ નાની સૂની ભૂલ કે ગુસ્તાખી કરવાની પરમિશન નહોતી. જોકે આ એ.આઈ.થી સજ્જ ન્યાયતંત્રની ઘણી મર્યાદાઓ પણ હતી. જેનો ભોગ આજે ખુદ પોલીસ કમિશનર બની જવાના હતા. એ.આઈ.ને ભૂલથી અપાયેલી એક ખોટી સૂચનાથી આજનો કોર્ટનો ચુકાદો પોતાની વિરુદ્ધ આવશે એની કદાચ હેરિકને પહેલેથી જ આશંકા હતી. ધનના ઢગલા પર બેઠા હતા. છતાં આજે તેઓ પોતાની જાતને નિસહાય મહેસુસ કરી રહ્યા હતા.

કાર તેજ રફતારથી હવામાં ઉડી રહી હતી. પણ એનાથી પણ તેજ રફતારથી હેરિકનું મગજ વિચારે ચઢ્યું હતું. સ્માર્ટ ફોનની શોધને લગભગ નેવું વર્ષ વીત્યા પછી આજે આખેઆખી દુનિયા જ સ્માર્ટ બની ગઈ હતી. સ્માર્ટ હોમ, સ્માર્ટ શોપી, સ્માર્ટ ઓફિસ, સ્માર્ટ કાર.. બધું જ સ્માર્ટ...! 'શું આવી હોય છે આજના સ્માર્ટ કહેવાતા માનવીઓની સ્માર્ટ દુનિયા..?' હેરિકે વિચાર્યું.

'અને જો બધું જ સ્માર્ટ છે તો પછી આ હૃદયમાં ઉઠતા સ્પંદનોનું શું...? હૈયામાં ધબકતી આ લાગણીઓનું શું...? શું લાગણીઓને સ્માર્ટ નહીં બનાવી શકાય..?'

"ઉફ્ફ..." પોતાના જ નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હેરિકે તિરસ્કારથી કારની સીટ પર જોરથી મુઠ્ઠી પછાડી.

"પ્લીઝ.. બિહેવ યોર સેલ્ફ.."

ફરી કારના સ્પીકરમાંથી એક મીઠો કમ્પ્યુટરાઇઝડ અવાજ આવ્યો.

"ઓહ...!" પોતે અત્યારે સ્માર્ટ કારમાં બેઠા હોવાનું ધ્યાને આવતા હેરિક તરત જ પોતાના ગુસ્સા પર કાબુમાં લઈને ઊંડા શ્વાસ લેવા માંડ્યા. કારણકે તેઓ જાણતા હતા કે આ એ.આઈ.થી સજ્જ કારની સૂચનાનું પાલન નહીં કરે તો સ્પીકરમાંથી આવેલો મીઠો મધુરો અવાજ પોતાના શું હાલહવાલ કરી શકવા સક્ષમ હતો...!

ખેર, થોડી ક્ષણોમાં હેરિકની કાર હાઇકોર્ટની બહાર પાર્ક હતી. આટલો હાઈ પ્રોફાઈલ કેસ હોવા છતાં મુંબઈની સડકોની જેમ જ હાઇકોર્ટ પણ સાવ નિર્જન હતી.

"હું જાણું છું કે તમે નિર્દોષ છો મિ. હેરિક. પણ હું મજબૂર છું. તમે તમારા અંડરમાં આવતી એ.આઈ. સિસ્ટમના કોડિંગ કરવામાં નાની સરખી ભૂલ કરી છે. જેને કારણે જે લોકો દોષિત હતા એ બધા નિર્દોષ જાહેર થયા છે અને તમારા જેવા જાંબાઝ પોલીસ કમિશનર દોષિત ઠરે છે. હવે એ આખી સિસ્ટમ તમારી વિરુદ્ધ પુરાવા આપે છે અને તમને દેશદ્રોહી સાબિત કરે છે."

હેરિક નતમસ્તક થઈને હાઇકોર્ટના ન્યાયાધીશનો ચુકાદો સાંભળી રહ્યા હતા.

"કદાચ હવે ન્યાયતંત્ર પણ એ.આઈ.ના હાથની કઠપૂતળી બની ચૂક્યું છે. એ.આઈ. એક યંત્ર છે અને એકવાર માણસ એ.આઈ.ની નજરમાં ગુનેગાર સાબિત થાય પછી એને નિર્દોષ સાબિત કરવાની કોઈ વ્યવસ્થા કરવામાં આપણું ન્યાયતંત્ર નિષ્ફળ ગયું છે એ બદલ હું દિલગીર છું મિ.હેરિક." જજ સાહેબ થોડું અટક્યા. પછી સહેજ થોથવાઈને બોલ્યા. "તમે... તો જાણતા જ હશો... કે દેશદ્રોહના ગુનાની સજા... શું... હોય છે..!"

જજસાહેબનો ચુકાદો સાંભળીને હેરિકના પગ લથડી ગયા. પણ એમણે તરત પોતાની જાતને સંભાળી લીધી. કારણકે હજુ એમણે ઘરે એમની રાહ જોઈ રહેલી પોતાની પૌત્રી એલીશાને સંભાળવાની હતી. જો પોતે જ આમ ભાંગી પડશે તો એલીશાને કોણ સંભાળશે..?

ઘરે પહોંચતા જ એમની વ્હાલી પૌત્રી એમને ભેટી પડી.

"દાદુ... દાદુ..., સવારથી તમે મને કહ્યા વગર ક્યાં જતા રહ્યા હતા..? હું ક્યારની તમારી રાહ જોઈ રહી હતી."

"બેટા, હું હાઇકોર્ટ ગયો હતો." હેરિક એલીશાને વ્હાલથી માથામાં ચૂમી ભરતા બોલ્યા.

"કેમ..?" 

"મારાથી એ.આઈ. સિસ્ટમને ઓર્ડર આપવામાં એક નાનકડી ભૂલ થઈ ગઈ હતી. એટલે કોર્ટનું તેડું હતું."

"તો હવે...?" એલીશાની ઉત્સુકતા વધતી ચાલી.

"નાનકડી ભૂલની નાનકડી સજા.." હેરિક પોતાનું દર્દ છુપાવીને હસતા હસતા બોલ્યા.

"કેવડી નાની સજા..?"

"બસ..., ખાલી ચૌદ વર્ષની.."

"ચૌદ વર્ષ..? એલીશાની આંખો પહોળી થઈ ગઈ. "તમે એને 'ખાલી' કહો છો..!"


"હા..., બસ... ખાલી ચૌદ વર્ષ..!" બોલતા બોલતા હેરિકનો અવાજ ગળગળો થઈ ગયો. જોકે એમણે બહુ સિફતતાથી પોતાના દર્દને ચહેરા પર આવતા રોકી લીધું.

દાદુની વાત સાંભળી એલીશાએ પોતાનું મન મનાવ્યું. પણ નિર્દોષ એલીશા તો એ પણ નહોતી જાણતી કે હજુ પણ એના દાદુ એનાથી જૂઠું બોલી રહ્યા હતા. કદાચ હવે દાદુ એને ક્યારેય મળવાના નહોતા..!

"પણ તું ચિંતા નહીં કરતી બેટા. મેં આપણા આ સ્માર્ટ હોમમાં ચૌદ વર્ષ સુધીના બધા ડેટા ફીડ કરી દીધા છે અને તારા માટે રહેવા જમવા અને પૈસાની બધી વ્યવસ્થા કરી રાખી છે." હેરિક એલીશાને આશ્વાસન આપતા બોલ્યા.

"અરે દાદુ, હું કોઈનાથી સહેજ પણ ડરતી નથી. કોઈ માણસથી પણ નહીં અને એ.આઈ.થી પણ નહીં. તમે પાછા આવો ત્યાં સુધીમાં હું એ.આઈ.થી નિર્દોષ લોકોને બચાવવા કોઈને કોઈ રસ્તો જરૂર શોધી કાઢીશ."

"ખબરદાર... જો એ.આઈ.નું નામ પણ મારી સામે લીધું છે તો." અચાનક જ હેરિકનો અવાજ અસાધારણ રીતે મોટો થઈ ગયો. એલીશા વિસ્ફારિત આંખે એમને જોઈ રહી.

"કેમ દાદુ.., મેં કંઈ ખોટું કહ્યું..?" એલીશા સહેજ ડરીને બોલી.

"મેં ના કહ્યું ને, તારે એ.આઈ. વિશે વિચારવાની કે રિસર્ચ કરવાની કોઈ જરૂર નથી."

"પણ દાદુ...."

"એલીશા....." હેરિકનો અવાજ ગુસ્સાથી ધ્રુજી ઉઠ્યો.

એલીશાને એ સમજ નહીં પડી કે આટલા વર્ષોમાં પોતાના પર ક્યારેય ગુસ્સે નહીં થતા દાદુ એ.આઈ.નું નામ સાંભળીને આજે આટલા ઉશ્કેરાઈ કેમ ગયા હતા..?

"સોરી એલીશા, હું તારી પર કંઈક વધારે જ ગુસ્સે થઈ ગયો." મગજ શાંત કરવાની કોશિશ કરતાં હેરિક બોલ્યા. "પણ મને વચન આપ કે હવે પછી ક્યારેય તું એ.આઈ.નું નામ પણ નહીં લે." 

"પણ.... દા...દુ..." હજુ પણ એલીશાની આંખોમાં અઢળક પ્રશ્નો હતા. જે દાદુ પાસે એમની જીદનો ખુલાસો માંગતા હતા.

"અચ્છા, તો તું આજે જાણ્યા વિના નહીં માનશે. એમ જ ને.." હેરિકે એક ઊંડો નિશ્વાસ નાખ્યો.

"ચાલ મારી સાથે."

એલીશાનું બાવડું મજબૂતાઈથી પકડીને હેરિકે એને રીતસર ઢસડી લીધી અને ડ્રોઈંગરૂમમાં લાગેલી પૂર્વજોની તસવીરો સામે એને ખડી કરી દીધી.

"જો આ આપણા પૂર્વજોની તસવીરો."

એલીશા તસવીરો સામે જોઈ રહી.

"આ તસવીર કોની છે ખબર છે....? તું જાણે છે એમને...?" દીવાલ પર ડાબી બાજુએ લાગેલી સૌથી પહેલી તસવીર તરફ ઈશારો કરતાં હેરિક બોલ્યા

એલીશા ચૂપ રહી.

"એ તસવીર મારાં દાદુની છે. જેમ હું તારો દાદુ છું એમ એ પણ મારાં દાદુ હતા. પણ જેમ તું મને દાદુ કહીને બોલાવે છે એમ હું ક્યારેય એમને દાદુ કહીને બોલાવી નહોતો શક્યો." હેરિકનો અવાજ સહેજ ભારે થયો.

"કેમ ખબર છે...? કારણકે મારો જન્મ થયો એના ઘણા વર્ષો પહેલા જ તેઓ મૃત્યુ પામ્યા હતા. એમનું નામ તન્મય હતું. ઇન્સ્પેક્ટર તન્મય..., એક જાંબાઝ અને બહાદુર ઇન્સ્પેક્ટર. પણ એક મિશનમાં એ.આઈ.ના કારણે જ તેઓ શહીદ થયા હતા. ઈ.સ. 2023માં પોતાના જ ડિપાર્ટમેન્ટના એક ગદ્દારને કારણે તેઓ સુઝીનો શિકાર બન્યા કે જે એક એ.આઈ. હતી. એ સમયે એ.આઈ. નામ ઘણું નવું હતું. મારાં દાદુ તન્મયે બધાને ચેતવ્યા હતા કે એ.આઈ. માનવજાત માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પણ એ છતાં લોકો એમની વાત અવગણતા રહ્યા. નવી શોધો થતી રહી અને માનવજાત પરનો ખતરો વધતો રહ્યો."

હેરિકે એક ઊંડો શ્વાસ લીધો અને આખરી તસવીર સામે આવીને ઉભા રહ્યા.

"અને આ તસવીરમાં કોણ છે એ તો તું જાણે જ છે ને .?"

"હા, એ મારાં પિતાજી..." એલીશાની આંખોમાં ચમક આવી.

"હા, આ તસવીર તારા પિતાજી એટલે કે મારાં પુત્ર એલીશની છે. તું જાણે છે તેઓ કઇરીતે મૃત્યુ પામ્યા...?"

"પિતાજી તો એક એક્સીડેન્ટમાં..."

"નહીં એલીશા... નહીં." હેરિકે સહાનુભૂતિથી એલીશાનો ખભો સહેજ દબાવતા કહ્યું. "અત્યાર સુધી મેં આ વાત તારાથી છુપાવી હતી. મેં તને હંમેશા કહ્યું કે તારા પિતાજી એક એક્સીડેન્ટમાં મૃત્યુ પામ્યા. પણ સાચી વાત તો એ છે કે તારા પિતાજી ખૂબ સારા વૈજ્ઞાનિક હતા. તેઓ હંમેશા માનવજાતને એ.આઈ.ના ખતરાથી કઇરીતે બચાવવી એના પર વિવિધ પ્રયોગો કરતાં રહ્યા. તેઓ પોતાના મિશનમાં કામયાબ થવાના જ હતા. પણ કમનસીબે એમનો પ્રયોગ નિષ્ફળ ગયો અને એમની પ્રયોગશાળામાં જ તેઓ મૃત્યુ પામ્યા. એ સમયે તારી ઉંમર ફક્ત છ મહિનાની હતી. એ દિવસથી લઈને આજ સુધી મેં જ તને પાળી પોસીને મોટી કરી છે." હેરિક ગળે બાઝેલો ડૂમો ઉતારવા થોડીવાર થોભ્યા.

"તારા પિતાજી એલીશ બહુ ઓછું બોલતા. એ શેનું સંશોધન કરી રહ્યો છે..? કઈ જગ્યાએ સંશોધન કરી રહ્યો છે..? એ પણ મને કદી બતાવતો નહીં. એમની ઘણી વાતો મારાં સમજ બહારની હતી. એ બહુ ગૂઢ રહસ્યમય ભાષામાં કહેતા. તેઓ હંમેશા કહેતા કે માણસના માથામાં રહેલા મગજ નામના ભોંયરામાં બહુ અદ્ભૂત ખજાનો દફન થઈને પડ્યો હોય છે, જરૂર છે માત્ર એને ખોદીને બહાર કાઢવાની..!"

હવે હેરિકે તસ્વીરની સામેથી મોઢું ફેરવી એલીશા તરફ જોયું.

"અને મારી સામે જો એલીશા. આજે હું, તારો આ દાદુ પણ એ.આઈ.નો જ શિકાર બન્યો. એ.આઈ.એ આપણી બધી પેઢીઓનો વિનાશ કર્યો છે. એટલે હું તારી સામે હાથ જોડું છું એલીશા. તું એ.આઈ.થી દૂર જ રહેજે. આ બહુ ખતરનાક ચીજ છે."

એલીશા સ્તબ્ધ થઈને પોતાના દાદુની વાત સાંભળી રહી. જે દાદુ હંમેશા હસમુખા અને સાલસ સ્વભાવના લાગતા હતા, એ દાદુની અંદર આટલો મોટો દુઃખોનો સમંદર ઘૂઘવતો હશે એ વાત એલીશાની કલ્પના બહારની હતી.

બીજે દિવસે સવારે હેરિક જયારે એલીશાની નજરથી બચીને કોર્ટને શરણે થવા ઘરની બહાર નીકળી રહ્યા હતા. ત્યારે હંમેશા એલીશા પોતાના હાથમાં રાખીને સુઈ જતી એ રસાયણશાસ્ત્રનું પ્રિય પુસ્તક અલમારીમાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું હતું.

**

15મી ઓગસ્ટ, 2147

આજના ઐતિહાસિક દિવસે બે ઘટનાઓ એક સાથે બનવા જઈ રહી હતી. એક ખુશીની ઘટના હતી અને બીજી ઘટના દુઃખદ હતી.

ખુશીની ઘટના એ હતી કે આજે ભારત દેશને આઝાદ થયાને બસો વર્ષ પૂરા થવાના હતા. છેલ્લા બસો વર્ષમાં આપણા દેશે દરેક ક્ષેત્રે હરણફાળ ભરી હતી અને હવે એ સુપર પાવર બની ગયો હતો. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન અને શ્રીલંકા જેવા આજુબાજુના તમામ નાના પાડોશી દેશો ભારતમાં સમાઈ ગયા હતા અને આઝાદીના વર્ષો પહેલા હતું એવા હિન્દુસ્તાનનું ફરી એકવાર નિર્માણ થયું હતું.

ચીન પોતાના તરફથી થાય એવી બધી ચાલાકી કરીને થાક્યું હતું અને અમેરિકાને પણ પછાડીને ભારત વિશ્વની મહાસત્તા બની ગયું હતું. બસ, આ ઘટનાની સાથે જ દુઃખદ ઘટના જોડાયેલી હતી. ભારત મહાસત્તા બન્યું હતું એ વાત અદેખું અમેરિકા પચાવી શક્યું નહોતું. ઈર્ષાની એ આગમાં બળી રહેલું અમેરિકા યેનકેન પ્રકારે પોતાનું એ પદ અને પ્રતિષ્ઠા પાછી મેળવવા હવાતિયાં મારી રહ્યું હતું અને એ માટે આજના જ દિવસે અમેરિકાએ એની તમામ હદો પાર કરી દીધી હતી.

બસો વર્ષની આઝાદીનો ઉત્સવ આપણા દેશવાસીઓ ઉજવે એ પહેલા જ અમેરિકાએ ભારત સામે એ.આઈ. યુદ્વનું એલાન કરી દીધું હતું. જી હા, એ.આઈ. યુદ્વ..! દુનિયાએ ભૂતકાળમાં ક્યારેય ન જોયું જાણ્યું હોય એવું યુદ્વ.! એક એવું યુદ્વ જેનાથી વિરોધી દેશની ગુપ્તચર એજન્સીઓ, બેન્કિંગ, કોર્પોરેટ જેવા દેશના હાર્દસમા સેક્ટરોને આસાનીથી ટાર્ગેટ કરી શકાય અને થોડા જ દિવસોમાં એના પર કબ્જો કરી શકાય અને વિરોધી દેશને ઘૂંટણીયે પાડી શકાય.

અમેરિકાએ આ યુદ્વ છેડીને વિશ્વને એક મહાભયાનક મોડ પર લાવીને મૂકી દીધું હતું. દુનિયાના દરવાજે એક એવું યુદ્વ દસ્તક દઈ રહ્યું હતું કે કદાચ એની અસરો કોઈપણ ન્યુક્લિયર યુદ્વ કે પરમાણુ યુદ્વથી પણ અનેકગણી ભયાવહ થઈ શકે એમ હતી. જોકે આ વાતનો અંદાજો અમેરિકાને પણ હતો જ.! અમેરિકાને એ વાતની પણ જાણ હતી કે આ યુદ્વ થયા પછી સમગ્ર માનવજાતના અસ્તિત્વ પર ખતરો આવી જવાનો હતો. આ યુદ્વ શરૂ તો થશે પણ કદાચ યુદ્વ પૂરું થાય ત્યાં સુધીમાં ભારત અને અમેરિકા જ નહીં આખી દુનિયાના અસ્તિત્વ પર પણ પ્રશ્નાર્થ ચિન્હ લાગી જાય એમ હતું. ઈ.સ. 2050માં દુનિયામાં માનવોની વસ્તી દસ અબજને પણ આંબી ગઈ હતી અને અત્યારે લગભગ સો વર્ષ પછી હવે માંડ એક અબજ માનવો બચ્યા હતા અને જો આ યુદ્વ છેડાઈ ગયું તો માણસજાત બચશે કે કેમ..? કે પછી ડાયનાસોરની જેમ લુપ્ત પ્રજાતિમાં આવી જશે..? આ પ્રશ્ન જ ધ્રુજાવી મૂકે એવો હતો.

પણ મહાસત્તા બનવાની મહત્વકાંક્ષામાં અંધ બનેલું અમેરિકા એ વાતને અવગણી રહ્યું હતું. આપણા આખા દેશમાં સનસની મચી ગઈ હતી.

મીડિયામાં યુદ્વની વાતો આગની જેમ ફેલાયેલી હતી.

"અમેરિકાએ ભારત સામે છેડેલું એ.આઈ. યુદ્વ.! ભારત પાસે એનો કોઈ જવાબ નથી. ભારત લાચાર છે. શું ભારત પોતાનું મહાસત્તાનું પદ જાળવી શકશે..? કે પછી અમેરિકા સામે ઘૂંટણીયા ટેકવી...."

અને ન્યુઝ પુરા થાય એ પહેલા જ સનન.... કરતું એક રીમોટ ટીવીના સ્ક્રીન સાથે અથડાયું અને સ્ક્રીનના ચૂરેચુરા કરીને જતું રહ્યું. ઓગણસાઠ વર્ષની ઉંમરે પહોંચેલી વૃદ્વ એલીશા ધુઆપુઆ હતી.  હજુ આ ઉંમરે પણ દેશદાઝ એનામાં ઠાંસી ઠાસીને ભર્યો હતો. એ પોતાના દેશની વિરુદ્ધમાં એક શબ્દ પણ સાંભળવા તૈયાર નહોતી. અને તૈયાર થાય પણ શામાટે..? આખરે તો એની નસોમાં પણ
 ઇન્સ્પેક્ટર તન્મય અને પોલીસ કમિશનર હેરિકનું જ લોહી વહી રહ્યું હતું ને.!

પોતે એક પ્રખર વૈજ્ઞાનિક હતી. પણ એ લાચાર હતી. પોતાના દાદુને વર્ષો પહેલા આપેલા વચનને કારણે એલીશાએ વીતેલા જીવનમાં ક્યારેય એ.આઈ. ક્ષેત્રે કોઈ સંશોધન કર્યું નહોતું. પણ આજે દેશના અસ્તિત્વનો સવાલ હતો. દેશ અને માનવજાતને અમેરિકા જેવા દુશ્મનથી બચાવવાનો હતો.

એલીશાની આંખોમાં આંસુ આવી ગયા. એ નિરાશ થઈ ગઈ અને સાવ શૂન્યમન્સક થઈને ક્યાંય સુધી બેસી રહી. પણ પછી એણે મનમાં એક વિચાર સ્ફૂર્યો. મનને મજબૂત કરીને એ ઉભી થઈ અને મક્કમ ડગલે પોતાના પૂર્વજોની તસવીરોની પાસે ગઈ. પોતાના દાદુની તસ્વીરની સામે ઉભી રહીને દાદુની આંખોમાં આંખો પરોવીને એક ઊંડો શ્વાસ લઈને એ બોલી.

"દાદુ, હું જાણું છું કે આપણા વંશને ટકાવી રાખવાના આશયથી તમે મારી પાસે એ.આઈ. વિશે કોઈપણ રિસર્ચ નહીં કરવાનું વચન માંગી લીધું હતું. પણ આજે સવાલ આખા દેશનો છે. આજે સવાલ આખી માનવજાતનો છે. જો માનવજાત જ નહીં બચે તો આપણો વંશવેલો બચાવીને શું ફાયદો..! જો આજે હું બેસી રહીશ તો કદાચ દેશ મને ક્યારેય માફ નહીં કરે અને કદાચ હું પોતે પણ મારી જાતને માફ નહીં કરી શકીશ. એટલે સોરી દાદુ, હું તમને આપેલું વચન તોડવા જઈ રહી છું. મને માફ કરી દેજો."

એલીશાએ આંસુ લૂછી નાખ્યા. એણે નક્કી કર્યું હતું કે પિતાજીથી અધૂરો રહી ગયેલો પ્રયોગ પોતે પૂરો કરશે. પિતાજીએ પ્રયોગ કરતી વખતે કરેલી ભૂલ પોતે શોધી કાઢશે અને એ પ્રયોગ ફરી એકવાર પોતાની જાત પર જ કરશે. પછી ભલે એ પ્રયોગ કરતાં કરતાં પિતાજીની જેમ પોતાનો જીવ જ કેમ નહીં જતો રહે.!

પણ એલીશા માટે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે પિતાજીએ કરેલા સંશોધનને કઇરીતે આગળ ધપાવવું...? પિતાજીએ જે સંશોધન કર્યું હતું એના કાગળો ક્યાં શોધવા...? એણે આખુ ઘર ફેંદી નાખ્યું. પણ ક્યાંય કશું નજરમાં નહીં આવ્યું. કલાકો સુધી ઘરમાં રહેલા બધા પુસ્તકો વાંચતી રહી. પણ પિતાજીએ કરેલું રિસર્ચ કોઈ પુસ્તકમાં એને મળ્યું નહીં.

એલીશા ફરી એકવાર નિરાશ થઈ ગઈ. ત્યાં જ એને વર્ષો પહેલા કહેલી દાદુની વાત યાદ આવી. દાદુએ એને કહેલું કે તારા પિતાજી બહુ ઓછું બોલતા અને કહેતા કે મનુષ્યના માથામાં રહેલા મગજ નામના ભોંયરામાં અદ્ભૂત ખજાનો છુપાયેલો હોય છે. બસ, જરૂર હોય છે એને ખોદીને બહાર કાઢવાની..!

ભોંયરુ...! આ શબ્દ યાદ આવતા જ એલીશાના મગજમાં ચમકારો થયો. એને યાદ આવ્યું કે પોતે હજુ 'ઈલિયોટ' બિલ્ડીંગમાં જ રહે છે, જ્યાં એક સમયે એના પિતાજી રહેતા હતા અને કદાચ બિલ્ડીંગના ભોંયરામાં જ એને કંઈક જાણવા જેવું મળી જાય.

"ઓહ... ડેડ યુ આર ગ્રેટ..." એલીશાના હોઠ ફફડ્યા. સાચે જ પિતાજી બધી વાતો બહુ ગૂઢ રહસ્યમય રીતે કહેતા હતા..!

એણે ખૂબ સાવચેતી રાખીને એ જ દિવસથી બિલ્ડીંગનું ભોંયરુ ખોદાવવું શરૂ કર્યું. બરાબર બે દિવસની મહેનત બાદ પાંચ માળ નીચે આવેલું ભોંયરુ ખોદાઈ ગયું. ભોંયરાની દીવાલ તૂટતાં જ અંદર એક ગુપ્ત લેબોરેટરી એને દેખાઈ અને સાથે જ જમીન પર એક માનવ કંકાલ પણ પડેલું દેખાયું. એલીશા તરત જ સમજી ગઈ કે એ માનવ કંકાલ બીજા કોઈનું નહીં પણ પિતાજી એલીશનું હતું.

હવે એલીશાને ખાતરી હતી કે પિતાજીએ એ.આઈ. વિરુદ્ધ કરેલા સંશોધનની માહિતી અહીં નજીકમાંથી જ મળી જશે. એણે લેબોરેટરી ફંફોસવાનું શરૂ કર્યું. તરત જ એને ટેબલ પર પિતાજીએ લખેલો પત્ર મળ્યો. કાગળ પર લગાવેલા કેમિકલને કારણે પત્ર હજુ ગઈકાલે જ લખાયો હોય એટલો સ્વચ્છ દેખાતો હતો.

એલીશાએ આખો પત્ર વાંચ્યો. પત્ર વાંચતા જ એને ખ્યાલ આવી ગયો કે પિતાજીએ સંશોધન વખતે લખેલું પુસ્તક સામે ડિજિટલ લોકરમાં મૂક્યું છે. એણે પાસવર્ડ નાખીને લોકર ખોલ્યું. એની નજર સામે એક દળદાર પુસ્તક હતું. કદાચ કોઈ પુરાતન કાળના ગ્રંથ જેવું જ જાડું એ પુસ્તક એણે હાથમાં ઉઠાવ્યું અને એની ઉપર લાગેલી ધૂળ સાફ કરી. હવે પુસ્તકની ઉપરનું કવર એલીશાને દ્રશ્યમાન થયું. પુસ્તક પર મોટા અક્ષરોએ નામ લખ્યું હતું.. - સુઝી 2.0

એલીશાએ પુસ્તક માથે અડાડ્યું અને વાંચવું શરૂ કર્યું. બહાર આખી દુનિયા ભયના ઓથાર વચ્ચે જીવી રહી હતી. 'ક્યારે શું થશે..?' એ ડર બધાને સતાવી રહ્યો હતો અને 'ઈલિયોટ' બિલ્ડીંગના પાંચ માળ નીચે ભોંયરામાં એલીશાના હોઠ ફફડી રહ્યા હતા. એક ચિત્તે અને ધ્યાન મગ્ન થઈને એ પુસ્તક વાંચી રહી હતી. એલીશા એક એવું દળદાર પુસ્તક વાંચી રહી હતી, જેના પરથી કદાચ આખી દુનિયાનું ભવિષ્ય નક્કી થવાનું હતું. દરેક રાસાયણિક સમીકરણો અને ગણતરીઓ એ ધ્યાન દઈને વાંચી રહી હતી. પુસ્તક વાંચવામાં એ એટલી તલ્લીન થઈ ગઈ હતી કે એની પર ભૂખ તરસની પણ કોઈ અસર થઈ રહી નહોતી.

સતત પાંચ દિવસ રાતના ઉજાગરા પછી એલીશાએ આખુ પુસ્તક વાંચી કાઢ્યું. બધા જ સૂત્રો, બધા જ સમીકરણો, બધી જ ગણતરીઓ... નાનામાં નાની અને ઝીણામાં ઝીણી વિગતો.. બધું જ વાંચી નાખ્યું. પણ ક્યાંય કશે એને ભૂલ ન લાગી..! બધું જ બરાબર હતું. એણે ફરીથી પુસ્તકના પાનાઓ ઉઠલાવ્યા. ફરી એકવાર આખુ પુસ્તક વાંચી ગઈ. પણ ફરી એ જ તારણ...! એલીશાને ભારે નવાઈ લાગી. જો પિતાજીની કોઈ ભૂલ ન હોય તો એમનો પ્રયોગ નિષ્ફળ કેમ ગયો હશે...?

એલીશાનું મગજ ચકરાઈ ગયું. એ ઘણીવાર સુધી આંખો બંધ કરીને બેસી રહી. એણે ઘણું દિમાગ કસ્યુ. પણ એને પિતાજીના પ્રયોગમાં કોઈ ભૂલ દેખાઈ નહીં. આખરે કોઈ રસ્તો નહીં મળતા એને અંદરથી એક અવાજ આવ્યો. એને ફરી એકવાર પિતાજીનો જીવનમંત્ર યાદ આવ્યો.

"આપણા માથાની અંદર આવેલા મગજમાં અદ્ભૂત ખજાનો....."

ઓહ... મગજ..!" એલીશા સફાળી બેઠી થઈ ગઈ. એના મગજમાં ઝબકારો થયો.

"મગજ..!? બસ, એ જ તો રહી ગયું હતું.! એક સામાન્ય માનવીમાંથી પોતાના શરીરનું બોડી ટ્રાન્સફોર્મ કરીને યંત્રમાનવ બનાવતી વખતે મગજને ફિઝિકલી અને મેન્ટલી પ્રિપેર કરવું જરૂરી હતું. ઉફ્ફ.. આટલી નાની વાત..! આ વિચાર પહેલા કેમ નહીં આવ્યો હોય...? પિતાજીને પણ પ્રયોગ કરતાં પહેલા આ વિચાર નહીં આવ્યો હશે..?"

હવે પ્રયોગ એના માટે સાવ આસાન થઈ ગયો હતો. એક્સપરીમેન્ટ માટે મેન્ટલી અને ફિઝિકલી પ્રિપેર કરવા માટે એણે મગજમાં એક ચીપ ફીટ કરવી જરૂરી હતું. એ ચીપનું નામ હતું 'ન્યુરાલિંક નેક્સ્ટ જેન' ચીપ. આ ચીપ ફીટ કરતાં જ મગજ બોડી ટ્રાન્સફોર્મ માટે તૈયાર થઈ જાય છે. આ ચીપ એક લેટેસ્ટ આવિષ્કાર હતી. જે એની પાસે હાજર હતી.

એલીશા ઝડપથી ઉભી થઈ. એક્સપરીમેન્ટ માટે ન્યુરાલિંક નેક્સ્ટ જેન ચીપ અને બીજા જરૂરી સાધનો એકઠા કર્યા. ફરી એકવાર ખતરનાક પ્રયોગ શરૂ થયો. ફ્લાસ્કમાં પ્રવાહી ઉકળી રહ્યું હતું. એણે ચીપ પોતાના મગજમાં ફીટ કરી. ફ્લાસ્કમાનું પ્રવાહી ઠંડુ પડ્યા બાદ ટેસ્ટટ્યુબ નું સિલ્વર કેમિકલ ફ્લાસ્કમાં ઠલવાતા જ સફેદ ધુમાડાના ગોટેગોટા ઉડ્યા.

થોડીવાર રહીને ફ્લાસ્કમાં રહેલું પ્રવાહી એલીશાની નસોમાં દોડી રહ્યું હતું. એણે આખા શરીરમાં તીવ્ર ઝણઝણાટી અનુભવી. ધીમે રહીને એલીશાનું શરીર એક યંત્રમાનવમાં પરિવર્તિત થવા લાગ્યું. આ વખતે કોઈ વિસ્ફોટ નહીં થયો. થોડી જ ક્ષણોમાં એલીશાનું આખુ શરીર એ.આઈ.માં પરિવર્તન પામ્યું. હા, એલીશા બોડી ટ્રાન્સફોર્મ થઈને હવે બની ગઈ હતી.... સુઝી 2.0.

એક મિરેકલ કહી શકાય એવું આવિષ્કાર થયું હતું...! એક સજીવમાંથી એક યંત્રમાનવનું નિર્માણ.! અત્યાર સુધી જે પણ એ.આઈ.સિસ્ટમ બની હતી એ બધી માઈક્રોચીપ અને ઇન્ટિગ્રેટેડ સર્કિટમાંથી નિર્માણ પામી હતી. પણ સુઝી 2.0 એક એવી એ.આઈ. સિસ્ટમ હતી જે સંપૂર્ણપણે માનવમાંથી બની હતી અને એટલે જ એ માનવજાતને સંપૂર્ણ વફાદાર હતી. 

બીજી એ.આઈ. સિસ્ટમ ફક્ત ઓર્ડર અને કમાન્ડ ફોલો કરતી અને ઇન્ટરનેટ પરથી નવા ટાસ્ક શીખી શકતી હતી. જયારે સુઝી 2.0 આ ટાસ્ક કરવા ઉપરાંત બીજી એ.આઈ. સિસ્ટમને પોતાના કાબુમાં પણ લઈ શકતી હતી. જરૂર પડ્યે એક માનવની જેમ વિચારી પણ શકતી હતી અને જરૂર પડ્યે પોતાના હૃદયના સ્પંદનો સાંભળીને લાગણીસભર નિર્ણયો પણ લઈ શકતી હતી. દિલ અને દિમાગ બંનેથી વિચારી માનવજાતના હીત માટેના નિર્ણયો શકતી હતી.

બીજા જ દિવસથી યુદ્ધમાં એક નવો જ વણાંક આવવાનો હતો. આખી દુનિયા એક એવા યુદ્વનું સાક્ષી બનવાનું હતું જે માનવ ઈતિહાસમાં ક્યારેય ખેલાયું નહોતું અને ભવિષ્યમાં ક્યારેય થવાનું પણ નહોતું..!

ન ભૂતો ન ભવિષ્યતિ..!

એ.આઈ. વિરુદ્ધ એ.આઈ.નું યુદ્ધ.!

સુઝી 2.0 વિરુદ્ધ સમગ્ર વિશ્વની એ.આઈ. સિસ્ટમ..!

આખી દુનિયા ભયભીત હતી. પણ સુઝી 2.0 શક્તિશાળી હતી. એણે ઝડપથી જ બધા એ.આઈ.ને પોતાના તાબે કરવા માંડ્યા હતા.

**

15મી ડિસેમ્બર, 2147

આજે હિન્દુસ્તાન માટે અત્યંત ખુશીનો દિવસ હતો. અમેરિકાએ ભારત સામે એ.આઈ. યુદ્ધ છેડયાને આજે ચાર મહિના પૂરા થયા હતા. પણ અમેરિકા કદાચ પોતે ફેંકેલી જાળમાં ખુદ જ ફસાઈ ગયું હતું. સુઝી 2.0ના આગમનથી અમેરિકાની બધી જ એ.આઈ. સિસ્ટમ ભારતના કાબુમાં આવી ગઈ હતી અને અમેરિકાએ શરણાગતિ સ્વીકારી લેવા સિવાય છૂટકો નહોતો.

સુઝી 2.0એ અમેરિકાની બધી એ.આઈ. સિસ્ટમનો ખાત્મો બોલાવવા ઉપરાંત વિશ્વના બીજા એવા માનવ રોબોટ કે સુપર કમ્પ્યુટર જે ભવિષ્યમાં પૃથ્વીના પર્યાવરણ કે માનવજાત માટે ખતરા રૂપ હોય એ બધાને જ ડિસેબલ કરી દીધા હતા.

હવે સુઝી 2.0 માટે કોઈ ટાસ્ક બાકી બચી નહોતી. છતાં સુઝી 2.0 પોતાનું પેન્ડિંગ વર્ક જોવા માટે પોતાના ડેસ્ક પર બેઠી હતી. પોતાને સોંપાયેલા બધા જ ટાસ્ક પૂરા થયા હતા. હવે માનવજાત સંપૂર્ણ સલામત હતી, હવે હિન્દુસ્તાનના માથે કોઈ એ.આઈ. સિસ્ટમનો ખતરો નહોતો.

છતાં હજુ ડેસ્ક પર એક આખરી ટાસ્ક પેન્ડિંગ બતાવતું હતું.! એ ટાસ્ક જોઈને સુઝી 2.0ને ભારે નવાઈ લાગી. પણ જયારે એ ટાસ્ક એણે ખોલીને જોઈ ત્યારે એ એકદમ નિરાશ થઈ ગઈ. આટલા દિવસો સુધી ફક્ત ફીડ કરેલા ડેટા પ્રમાણે પ્રોફેશનલી ટાસ્ક પૂર્ણ કરતી સુઝી 2.0ના હૃદયમાં પહેલીવાર લાગણીની સરવાણી ફૂટી. જે સુઝી 2.0એ સમગ્ર માનવજાતને એ.આઈ.ના ખતરાથી બચાવી હતી. એ પોતે જ ભવિષ્યમાં માનવને ખતરા રૂપ બની શકે એ વાત એને ડેસ્ક પર પોતાના પેન્ડિંગ વર્કમાં દેખાતી હતી.

હા, બસ હવે એના ડેસ્ક પર એક જ ટાસ્ક પેન્ડિંગ બતાવતી હતી અને એ ટાસ્ક હતી 
સેલ્ફ ડિસ્ટ્રક્શનની...!

હા, સેલ્ફ ડિસ્ટ્રક્શન..!

પોતે ભલે એક માનવમાંથી બની હતી. પણ આખરે હતી તો એ.આઈ. જ ને..! જે માનવજાતના ભવિષ્ય માટે જોખમરૂપ હતું.

હવે સમય આવી ગયો હતો. જેમ બીજી બધી ટાસ્ક વફાદારીથી નિભાવી હતી એમ આ ટાસ્ક પણ તો પુરી કરવી એટલી જ જરૂરી હતી ને..! સુઝી 2.0એ આકાશમાં ઊંચે જોયું, એ યંત્રવત હસી અને પછી પોતાની નાભિમાં રહેલું સેલ્ફ ડિસ્ટ્રક્શનનું બટન દબાવી દીધું.

**

15મી ઓગસ્ટ, 2247

આજે જ ભારત દેશની આઝાદીને ત્રણસો વર્ષ પુરા થયા હતા અને બરાબર આજે જ જયારે અમેરિકાએ ભારત પર કરેલા એ.આઈ. હુમલાને સો વર્ષ પણ પુરા થયા હતા.

દુનિયા પરથી એ.આઈ.નો ખતરો સંપૂર્ણ નાબૂદ થયો હતો અને દુનિયા ફરી એકવાર રાબેતા મુજબ ચાલી રહી હતી. દુનિયા પર ફરી એકવાર માનવોનું વર્ચસ્વ વધી રહ્યું હતું. આખી દુનિયાની વસ્તી ફરી સાત અબજને પાર થઈ રહી હતી. હિન્દુસ્તાન ફરી એક અખંડ રાષ્ટ્ર્ર બન્યું હતું. ફરી એકવાર આખી દુનિયા પર હિન્દુસ્તાનનો દબદબો હતો.

મુંબઈ શહેર ફરી એકવાર પહેલાની જેમ ધમધમી રહ્યું હતું અને આખી દુનિયાની આર્થિક રાજધાની તરીકે ઉભરી આવ્યું હતું. દુનિયાના ખૂણાખૂણેથી વિદ્યાર્થીઓ ભણવા માટે અને વેપારીઓ બિઝનેસ કરવા માટે મુંબઈ આવતા હતા.

રેલવે પ્લેટફોર્મ, રસ્તાઓ, ફૂટપાથ... જ્યાં જુઓ ત્યાં માનવમહેરામણ ઉમટી રહ્યું હતું. પણ એ બધી ભીડથી પણ અનેકગણી વધુ ભીડ આજે 'ઈલિયોટ' બિલ્ડીંગના પ્રાંગણમાં હતી. 'ઈલિયોટ'ના પ્રાંગણમાં એક વિશાળ પડદો લગાવવામાં આવ્યો હતો અને એ પડદા પાછળ એવું કંઈક હતું કે જેને લઈને લોકોમાં કુતૂહલ હતું, જેને જોવા લોકો તલપાપડ બન્યા હતા. થોડી જ વારમાં ત્યાં કીડીયારું ઉભરાવા લાગ્યું. પડદાની પાછળ શું છે એ જોવા લોકો પડાપડી કરવા લાગ્યા.


આખરે લોકોની ઇંતેજારીનો અંત આવ્યો. પડદાનું અનાવરણ કરવામાં આવ્યું. પડદો હટતા જ લોકોને એક વિશાળ કદની પ્રતિમા દ્રશ્યમાન થઈ. જેને એક યોદ્ધાની જેમ સજાવવામાં આવી હતી. પ્રતિમાને જોતા જ કેટલાક લોકો ગદગદ થઈ ગયા તો કેટલાક લોકો પ્રતિમાને જોઈને ભાવવિભોર થઈ ગયા અને એમની આંખોમાં આંસુ આવી ગયા. કોઈ ભગવાનની હોય એમ એ પ્રતિમાની પૂજા કરવામાં આવી અને કોઈ ક્રાંતિવીરની હોય એમ એનું હારતોરાથી સમ્માન કરવામાં આવ્યું.

પણ ના તો એ પ્રતિમા કોઈ ભગવાનની હતી અને ન તો એ પ્રતિમા કોઈ ક્રાંતિકારીની હતી..! એ પ્રતિમાને જોતા એ કોઈ યંત્રમાનવ હોય એવું પ્રતિત થતું હતું અને પ્રતિમાની નીચે મોટા અક્ષરોએ કોતરવામાં આવ્યું હતું...

સુઝી 2.0


સમાપ્ત.
 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ