વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સર્પદંશ.. વર્કિંગ વુમનની વ્યથા

સર્પદંશ

ફોનમાં સામે છેડેથી બોલાયેલા શબ્દો જાણે હજારો સર્પ મારાં શરીરને ડસતા હોય તેમ ડસતા હતાં. શરીર પર ઠેરઠેર સાપના દાંત, લીલુલીલુ ઝેર શરીરના લાલ લોહીમાં ભેળવતા હતાં.ઘડીક હાથ ધ્રુજી ઉઠ્યો.કાન જાણે બહેરા થવા માંડ્યા.મગજ સુન થઈ ગયું. હાથપગ ખોટાં પડવા લાગ્યાં.હૃદયમાં તો જાણે કોઈ દાતરડું ખોડતા હોય તેમ ખચ..ખચ..

સામે છેડેથી રીસીવર મુકાઈ ગયું."હેલો " શબ્દ સિવાય કોઈ શબ્દ  મારાં ગળામાંથી બહાર નીકળી શક્યો ન હતો. આખું શરીર પરસેવાથી રેબઝેબ તોય ટાઢ ચઢી હોય તેવું લાગ્યું.

ધીમે રહીને રીસીવર ફોન પર મૂક્યું. નીચી આંખે આજુબાજુ જોયું.એક સ્તબ્ધતા હતી.આજુબાજુ પંખો, ટેબલ ,ખુરશી ,ફાઈલ ચાના કપ.. બધી જ નિર્જીવ વસ્તુને આંખકાન ફૂટી નીકળ્યાં હોય તેમ બધા જ મને ઘુરતા હતાં.સાંભળતા હતાં.

માંડમાંડ થૂંક ગળામાંથી નીચે ઉતાર્યું. મારા ટેબલ તરફ ગઈ.પાણીનો આખો ગ્લાસ એક ઘૂંટડે પતાવી દીધો. ખુરશીમાં ધબ્બ કરીને બેસી ગઈ.હજી..હજી ફોનમાં સાંભળેલા શબ્દો કાનમાં ગરમગરમ સીસુ રેડતા હતાં. "આ શબ્દો જો કોઈ સાંભળી જાય તો? ઓફિસમાં મારી...!"

"બેન, સાહેબ ચેમ્બરમાં બોલાવે છે." પટાવાળાએ આવીને ટેબલ પર ટકોરા મારતાં કહ્યું.

"હેં.. હા..હા.." ફરી ધ્રુજારી ચાલુ થઈ. ટેબલની ધાર જોરથી પકડી સ્વસ્થ થઈ.ઊભી થઈ.મક્કમ થઈ ચેમ્બરમાં ગઈ.

શરીરમાં હતી તે સઘળી હિંમત ભેગી કરી ધ્રુજતા-ધ્રુજતા સ્વરે બોલી," સોરી સર."

"હાશ!" જવાબ આપી દીધો.એસીની ઠંડીઠંડી હવામાં એક હાશકારો અનુભવ્યો.

 એક ખંધુ,કાળાં,કાબરચિતરા કોબ્રાસર્પનાં દંશ જેવું હાસ્ય કરી બોસ બોલ્યો," અત્યારે નહીં. વિચારીને કહેજો." 

 આંખ બંધ કરી, મુઠ્ઠી દબાવી.ટેબલ પર પડેલું કાચનું પેપરવેઈટ..! મન થયું કે "તેના કાળા, કોબ્રાસાપ જેવાં ડાચા પર જોરથી મારું.તેના દાંત,આંખ બહાર કાઢી લઈ તેને હાથમાં મારું." માંડ ઝેરનો ઘૂંટડો ગળે ઉતારી, ચેમ્બરની બહાર આવી.મારાં ટેબલ પર બેઠી. હજી...હજી જાણે સજીવની સાથે નિર્જીવ વસ્તુઓ મને ધારીધારીને જોતી હતી.ઓફિસમાં ચાલી રહેલો ઝીણોઝીણો ગણગણાટ મારા તનમનને વિછીન્ન કરી રહ્યો હતો. માંડમાંડ કામમાં મન લગાવી,બિલ્ડીંગના દસ્તાવેજ અંગેનો ડ્રાફ્ટ તૈયાર કરીને ચેમ્બરમાં મોકલી આપ્યો.

ઘડિયાળના કાંટા જાણે મારા શરીર પર વાગતા હતાં.

છનો ટકોરો થયો.પર્સ ખભે ભેરવી, સાડીની પાટલી થોડી ઊંચે લઈ, ધબધબ..પગ પછાડતી, દાદરા ઉતરવા લાગી. રસ્તા પર આવી.

ભીડ..અતિશય ભીડ! ટ્રાફિક. પોં..પોં..હોર્નના કાન ફાડી નાખે તેવા અવાજ, બજારમાં આવેલી દુકાનમાંથી છૂટતી વાંસ, અથડાતાં,કૂટાતાં માણસો, તેની અસહ્ર પરસેવાની ગંધ, આ બધાને ચીરતી હું દોડવા માંડી.હોર્નના કોઈ અવાજ આજે કાને પડતા ન હતા. માત્ર પેલા ઝેર જેવા શબ્દો જ  જાણે..

ક્યારે સ્ટેશન આવી ગયું અને હું 6:30ની ટ્રેન પકડવાં પ્લેટફોર્મ પરથી કૂદી,પાટા પર દોડવાં માંડી.. ખબર જ ના પડી. સાવ બેધ્યાન! બેખબર! એ તો સારું હતું કે સામેથી આવતી ટ્રેનનો હોર્ન જોરથી વાગ્યો."ઓહમાં !આજે તો મોતને મેં હાથતાળી આપી દીધી.

ગાડી ધીમી હતી,રોંગ સાઈડ પરથી ચડી ગઈ.બારી પાસેની સીટ ઉપર બેસી ગઈ. હવાની ઠંડીઠંડી લહેરખી ઝેરની અસર કંઈક ઓછી કરતી હતી. આંખો મીંચી." રસોડું, સાંજનું જમવાનું,આવતીકાલના સવારનું શાક સમારવાનું, બાળકોનું હોમવર્ક, પપ્પાજીની દવા, વોટરબેડ, કપડાં.. રાતના,સવારના.. ઓહ! પતિદેવના ટોણા.." બે હાથ માથા ઉપર ધબ કરીને ઠોક્યાં. "ઓહ! ભગવાન એક દિવસ વર્કિંગવુમનની જિંદગી જીવી બતાવો."

 આંસુની બુંદને ઠંડી હવાની લહેરખીએ જ લૂંછી કાઢી.

" સાંભળ.આપણી દીકરી હવે બાળક નથી રહી.તેને જોવા રવિવારે આશુતોષ આવે છે." સ્ટેશને લેવા આવેલા પતિદેવનાં સ્કૂટર ઉપર બેસતાં જ પતિદેવે જણાવ્યું. મેં માથું તેમના ખભે મૂકી દીધું.

"બહું થાકી ગઈ છે? શું થયું?"

જવાબમાં માત્ર ડુસ્કું જ લેવાયું. 

"તને પહેલા ઘરે મૂકી દઉં પછી દુકાને જવું છે. જરૂરી કામ છે.રાત્રે વાત કરીએ." 

  અનંત.. મારા પતિદેવ, સારું છે કે મને સમજે છે.ભલે ઘરના કામકાજમાં તેમને પુરુષનો અહમ નડે છે પણ મારા  ચારિત્ર પર વિશ્વાસ છે. મારી દરેક તકલીફમાં મને સાથ આપે છે.

" મમ્મી.. જલ્દી.. દાદાજીએ બગાડ્યું છે."

   મારી દીકરી નાક દબાવી સામે આવી.

    સ્કૂટર પરથી પગ નીચે મૂકતાં પહેલાં જ કામ આવી ગયું.

    દીકરી તરફ જોયું અને અનંતની વાત યાદ આવી ગઈ. "હજી ગયા વર્ષે જ તો દીકરીએ બારમા ધોરણની પરીક્ષા આપી છે.કોલેજનું પહેલું વર્ષ છે, નાની જ કહેવાય ને ! હું આટલા વહેલા લગ્ન નહીં થવા દઉં." 

 "મમ્મી, શું વિચારે છે? જલ્દી કર."

" હા.. હા.."પર્સ એક તરફ ફેંકી, સાડીની પાટલી થોડી ઊંચે ચડાવી, પાલવ કમરે ખોંસી, પહેલા પપ્પાજીને સાફ કરી દીધાં. સાફ કરી દીધાં પછી તેમને ચાદર ઓઢાડતી હતી, ત્યાં પપ્પાજીએ મારો હાથ પકડ્યો. તેમના કપાળે લગાડ્યો. તેમની આંખમાં રહેલી પરવશતાના સ્પર્શે  મારી વેદનાનાં તાર ઝણઝણી ઉઠ્યાં. મારી અને એમની આંખોમાં આંસુ ડબડબી ઉઠ્યાં.

" પપ્પાજી.." એટલું જ હું બોલી શકી પણ પછી રડી પડી.

    ફરી ઓફિસ યાદ આવી ગઈ. પપ્પાજીને આજે ઓફિસમાં શું થયું તે કહેવા ગઈ પણ પપ્પાજી સમજી ગયાં. ધીરે અવાજે બોલ્યાં," તું મક્કમ રહેજે.બધું સારું થઈ જશે."

"ભૂખ લાગી છે મમ્મી. જલ્દી કર." ફરી સાદ આવ્યો. શરીર જાણે યંત્રવત ઉઠ્યું.નાહવા ગઈ અને નાસ્તો બનાવી રસોઈની તૈયારી કરી દીધી પણ આખો વખત પેલા સર્પદંશ જેવા શબ્દો યાદ આવતાં રહ્યાં. મગજમાં ઘુમતા રહ્યાં.

 ન જાણે કેમ! ઓફિસ છોડ્યા પછી પણ ઘરમાં જાણે અદ્રશ્ય ઓફિસ ઉભી થઈ જતી હતી.શાક હલાવતાં-હલાવતાં પણ એકએક દ્રશ્ય આંખ સામે ભજવાતું હતું.જો કે ઓફિસમાં હોઉં તો ઘરનું બધું જ કામ અને આખાયે કુટુંબના ચહેરા, આંખ સામે તરવરતાં રહેતાં. "શું કરતી હશે મારી દીકરી? શું કરતા હશે પપ્પાજી અને અનંત?"

 મારી સાથે આવું કેમ થતું હશે!

"કેમ થતું હશે મારી સાથે આવું? ખાંડણીમાં મસાલો નાખી જોરથી ખાંડવા માંડી. મગજ ફરી ચકરાવે ચડ્યું.ફરી તીવ્ર સર્પદંશ અનુભવાયો.જોરજોરથી દાંત ભીંસીને મસાલો ખાંડવા માંડી. ગુસ્સામાં આંખો મોટી મોટી થઈ ગઈ. કપાળ પર ઝીણીઝીણી રેખા ઉપસી આવી. જીભ બહાર આવી ગઈ. હોઠ ગોળ કરીને કંઈક બોલવા ગઈ. હાથમાં રહેલું ખાંડણીયું ઊંચું કર્યું ,જાણે સામે બેઠેલા બોસ પર છૂટ્ટો ઘા કરી, તેનું કાળુંકાળું મોઢું ચગદી નાખવાની હોય તેમ! 

"બસ કર હવે. ઓફિસમાં ચૂપચાપ સહન કર્યું અને અહીં ગુસ્સો કાઢે છે." અનંતે માથે હાથ ફેરવ્યો. હું રડી પડી. હૃદયની બધી વાત કહી દીધી.

"સાંભળ મારી ઝાંસીની રાણી. માત્ર નોકરી કરવા જતી સ્ત્રીઓએ આવું સહન કરવું પડે છે એવું નથી. આધુનિક સ્ત્રીએ જ આવું બધું સહન કરવું પડે છે તેવું પણ નથી. જે સ્ત્રીઓ ઘરમાં રહીને ઘર સંભાળે છે. બાળકો સંભાળે છે. તેઓ પણ આવું સહન કરે છે. આજુબાજુના માણસો, સગાવહાલાં, પતિના મિત્રો, દૂધવાળાં, શાકવાળાં..હોસ્પિટલ.. દરેક ક્ષેત્રમાં આવું જોખમ હોય છે. મારી ઝાંસીની રાણી, દરેક સ્ત્રી એક દુર્ગા છે. આવા રાક્ષસોને મારવા તેના ડાબા હાથનો ખેલ છે. ખબર છે ને રક્તબીજ રાક્ષસ વિશે! તો દેવી શાંત થાઓ. કાલે શું થાય છે તે જુઓ. નહીં તો હું તારી સાથે જ છું. બોસને સરખો કરવા જરૂરથી આવીશ."

મન શાંત થઈ ગયું.

 રાત્રે સૂતાસૂતા દૂધવાળો,શાકવાળો, છાપાવાળો, પપ્પાજીની ચા,દીકરી માટે દૂધ, અનંતની કોફી, દાળ,ભાત,શાકનું કુકર, રોટલી, કામવાળી, રીક્ષા...

"ટીંગટોંગ"ઘરનો ડોરબેલ વાગ્યો.

"આ અડધી રાત્રે કોણ આવ્યું? "બંધ આંખોએ જ દરવાજો ખોલ્યો.

" બેન, આંખો ખોલો. દૂધ લઈ લો." દૂધવાળો હસતાં-હસતાં બોલ્યો.

" અલ્યા..અડધી રાત્રે દૂધ?"

" બેન, સવારના પાંચ વાગ્યા છે. રાત તો ક્યારની વીતી ગઈ."

" હેં !તો હું રાત્રે સૂતી હતી ખરી કે પછી.!"

 જીવનની ઘટમાળ આમ જ ચાલુ રહી.

ખૂબ શાંત મને ઓફિસમાં આવી.

ઓફિસમાં ચાલતો છૂપો ગણગણાટ, મારી સાથી મહિલા કર્મચારીઓની અવગણના ભરેલી નજર, નફરત, ઘૃણા તેમના આંખમાંથી આગની જેમ ઝરતાં હતાં અને મને દઝાડતાં હતાં.

"શું ગઈકાલે બોસે સર્પદંશ જેવાં વાક્યો કહ્યાં હતાં તેની ખબર સ્ટાફને પડી ગઈ હશે? શું થયું હશે? "ફરી મારું મન ચકડોળે ચડ્યું. ગઈકાલે જે બની ગયું, ત્યાર પછી આજે માંડમાંડ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ થઈને અહીં આવી હતી અને આવતાની સાથે જ ફરી એક ગજબનાક માહોલ!

"શું થયું હશે? ભગવાન મારી સાથે જ આવું કેમ કરતા હશે?"

આજે તો આખો લેડીઝ સ્ટાફ મારાં વિરોધ પક્ષમાં હતો. કોઈ મારી સાથે વાત કરતું ન હતું. મનમાં ને મનમાં હું રડવા લાગી. આ બોસની ચમચીઓ, ખુશામતિયણો, ઈર્ષાળુ ,ઝઘડાખોર..સ્ત્રીઓ! સ્ત્રીમાં  આ બધા જ અવગુણ હોઈ શકે પણ એક સ્ત્રી થઈને એક સ્ત્રીને મૂશકેલીમાં સાથ આપવાને બદલે ગંદુ રાજકારણ રમે ? શું તેમને મારા ચારિત્ર અંગે સહેજે ખ્યાલ નથી ? બોસે કરેલા પ્રપોઝલમાં મારો શું વાંક? હું તો આમાં તદ્દન નિર્દોષ છું. બધા સાચું જ કહે છે સ્ત્રી જ સ્ત્રીને દુશ્મન હોય છે.

"ઓહ!સવારથી જ મગજ ગુમ."

  ટેબલ પર મૂકેલી ફાઈલ જોવા લાગી.

કાલે બિલ્ડીંગના દસ્તાવેજનાં ડ્રાફ્ટ ઉપર "વેરી ગુડ" લખાઈને આવ્યું હતું. મારા કામના વખાણ થયા હતાં

"ઓહ! "હું સમજી ગઈ.આજે મારા કામનાં વખાણ મારાં દુશ્મન થઈને આવ્યાં હતાં.

" હું ખુશ થાવ કે રડું?" આ મારી સખીઓ, મારી સાથેની મહિલા કર્મચારીઓ.., તેમાં એક સખી તો મારી પાસે આવી "વેશ્યા" શબ્દ બોલી.

" ઓહ! ગઈકાલ કરતાં પણ વધુ ઝેરીલો ડંખ વાગ્યો. 

 સર્પદંશ. કાલે કાળોતરા સાપ કરતા પણ વધુ ઝેરીલો સાપ અને તેનો દંશ.મગજ સુન્ન થઈ ગયું. ગળે શોષ પડવાં માંડ્યો. ચક્કર આવવા માંડ્યા. ધબ્બ કરીને ખુરશીમાં પટકાઈ પછી ભાન ન રહ્યું.

અનંત ક્યારે આવ્યા અને મને હોસ્પિટલ લઈ ગયા ખબર જ ના પડી.

"શું થયું? જરા મોઢું ખોલ દીકરા.? "ડોક્ટરે મને કહ્યું. તેમને જોઈને હું ગભરાઈ ગઈ."શું થયું મને? હું ક્યાં છું?"

"શું થયું?" અનંત કંઈક વધુ ટેન્શનમાં હતાં.

"બી.પી. ખૂબ વધારે છે. દવા ચાલુ કરી દો ."ડોક્ટર દવા આપી ચાલ્યાં ગયાં.

ઘરે આવી.

આખા ઘરમાં નિરવતા છવાઈ ગઈ હતી. ઘરનું દરેક ફર્નિચર મારી સામે આશ્ચર્યથી જોઈને પૂછતું હતું." ઝાંસીની રાણીને શું થયું?"

"લો ..ચાલો. આજે પાવભાજી ખાવા મળશે." અનંત પરાણે હસતા હોય તેમ બોલ્યાં.

"મમ્મી.." મારી દીકરી આવી. મને નીરખવા માંડી. માથે હાથ ફેરવવા લાગી. અચાનક.. અચાનક.. એવું લાગ્યું કે " મારી દીકરી મોટી થઈ ગઈ."

"મમ્મી, બધું સરસ થઇ જશે. હું તારે માટે મસ્ત કોલ્ડકોફી લાવું છું..આઈસ્ક્રીમ નાખીને. આપણે બેઉ બગીચામાં હિચકે બેસીને ટેસ્ટડો કરીશું." આંખ મીંચકારી રસોડામાં ગઈ.

હું જોઈ રહી."મારી દીકરી એકાએક મોટી થઈ ગઈ."

"વહુબેટા, સુરજ પર થોડી ક્ષણો વાદળો છવાઈ જાય, તેથી સૂરજને કોઈ આંચ આવતી નથી.વાદળો તો વિખરાશે જ. વિખરાવું જ પડશે અને સુરજ પહેલાં જેવો ઝગમગાટ, તેજ મારતો પ્રગટી આવશે. તકલીફમાં હારવું નહીં.. મારી દીકરી. મારાં અનંતની ઝાંસીની રાણી! પપ્પાજી વ્હીલચેરમાં  બેસી, મારી પાસે આવી માથે હાથ ફેરવવા લાગ્યાં.

ફરી આત્મવિશ્વાસ આવી ગયો.

 "જેની પાસે આવું વાત્સલ્યભર્યું કુટુંબ હોય તેણે આવાં "રક્તબીજ અસુર"થી શું કામ ગભરાવું જોઈએ?"

બીજે દિવસે સવારે પૂરા આત્મવિશ્વાસથી ઓફિસના પગથિયાં ચઢ્યાં. સાપના મોઢામાંથી ઝેરની કોથળી કાઢી નાખી, તેમાં સન્માન અને પ્રેમ ભરવાના સપના લઈને...

*********


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ